વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/પેન્સિલવેનિયા એવન્યૂ: નટવર ગાંધી

પેન્સિલવેનિયા એવન્યૂ: નટવર ગાંઘી

કવિ તરીકે નટવર ગાંધી વિકાસોન્મુખ છે. એમના પહેલા કાવ્યસંગ્રહ ‘અમેરિકા, અમેરિકા’માં પચાસે પચાસ સૉનેટ પૃથ્વી છંદમાં હતાં. બીજા કાવ્યસંગ્રહ ‘ઈન્ડિયા, ઈન્ડિયા’માં પણ એકાવને એકાવન કાવ્યો સૉનેટ હતાં; મુખ્યત્વે પૃથ્વીમાં, પણ થોડીક રચનાઓ વસંતતિલકા, શિખરિણી અને મંદાક્રાન્તામાં હતી. આ ત્રીજા કાવ્યસંગ્રહ ‘પેન્સિલવેનિયા એવન્યૂ’માં કવિ એક ડગલું આગળ વધે છે અને અક્ષરમેળ વૃત્તો ઉપરાંત ઝૂલણા અને કટાવ જેવા માત્રામેળ છંદોમાં અને અછાંદસમાં થોડી રચનાઓ આપે છે. અછાંદસ કાવ્યોમાં કવિવિશેષ ખાસ જોવા મળતો નથી. આ કાવ્યસંગ્રહનો સૌથી નિર્બળ વિભાગ મહાભારતનાં પાત્રો છે. કુલ છ પાત્રો કવિએ પસંદ કર્યાં છે : વ્યાસ, કુંતી, કર્ણ, દ્રૌપદી, દુર્યોધન અને ભીષ્મ. કેવળ શુષ્ક ચરિત્રચિત્રણથી ભાગ્યે જ આ કૃતિઓ આગળ વધે છે. મહાભારતની કથાનો સાર પદ્યદેહે આપણને મળે છે. નથી કવિની કોઈ વિશેષ દૃષ્ટિ કે નથી કોઈ નવું અર્થદર્શન. અહીં કેવળ નિવેદન છે - પાત્રોનો બાયોડેટા છે. આ કાવ્યોના આમુખમાં કવિની નાનકડી નોંધ છે : ‘આ સૉનેટમાળા તૈયાર કરવામાં નાનાભાઈ ભટ્ટની ‘મહાભારતનાં પાત્રો’ નામની ગ્રંથશ્રેણી ખૂબ ઉપયોગી નીવડી છે.” આ કાવ્યોની નિર્બળતાનું આ જ મૂળભૂત કારણ છે. નાનાભાઈ ભટ્ટની આ પાત્રશ્રેણી રસાળ છે, ઉપયોગી છે, પરંતુ એ છે મુખ્યત્વે કિશોરકથાઓ. નટવર ગાંધી જેવા વ્યુત્પન્ન કવિને એ કેવી રીતે ઉપયોગી નીવડે? જેમ મહાભારતની ચોપરાની ટીવી શ્રેણી અસાધારણ લોકપ્રિય થઈ હોવા છતાં કાવ્યસર્જનમાં એ પ્રેરણાનો સ્ત્રોત ભાગ્યે જ બની શકે. એ જ રીતે, નાનાભાઈની આ કથાઓ પણ બાલાવબોધ માટે છે, વિદ્વદ્ભોગ્ય નથી. ગુજરાતીમાં મહાભારત વિશે ઉમદા સામગ્રી ઉપલબ્ધ છે. કરસનદાસ માણેક, રમણીકલાલ વોરા, હરીન્દ્ર દવે, ઉપેન્દ્રરાય સાંડેસરાના પાંડિત્યપૂર્ણ ગ્રંથો, દર્શકનું માર્મિક પુસ્તક વગેરે. ભગિની ભાષાઓમાંથી અનૂદિત ઈરાવતી કર્વે અને બુદ્ધદેવ બસુનું દૃષ્ટિસંપન્ન પુસ્તક આધુનિક અભિગમ અને મૌલિક અર્થઘટનનો ઉત્તમ નમૂનો છે. આ ગદ્યકૃતિઓ કરતાં પણ ઉમાશંકરનાં પદ્યરૂપકો અને સુંદરમનાં ખંડકાવ્યો અનેકગણાં ઉપયોગી બલકે પ્રેરક નીવડ્યાં હોત. રવીન્દ્રનાથનાં ‘કર્ણકુન્તીસંવાદ’ અને ‘ગાંધારી’ તો ખુદ મહાભારતકાર વેદવ્યાસ પણ પ્રસન્ન થઈ ઊઠે તેવાં દર્શન અને વર્ણનથી સમન્વિત છે. નટવર ગાંધીનાં મહાભારતનાં પાત્રોમાં સૌથી ગંભીર અન્યાય ભીષ્મ અને દ્રૌપદીને થયો છે. આ કાવ્યોમાં કવિસહજ કરુણાને બદલે ન્યાયમૂર્તિની નિષ્ઠુરતા પ્રકટ થાય છે. ભીષ્મના અર્થદાસત્વની કવિ કઠોર ટીકા કરે છે. जानामि धर्म न च मे प्रवृत्तिः એ માનવસહજ નિર્બળતાને કવિ ક્ષમાદૃષ્ટે જોઈ શકતા નથી. ભીષ્મને તો કવિ સર્ટિફિકેટ જ આપે છે :

સહિષ્ણુ સહુ ભ્રષ્ટ સાથે રહીને તમે ભ્રષ્ટ છો,
કરુણ કથની તમારી, હતશૌર્ય વાર્ધક્યમાં
પડી ધૂળ, મહાપુરુષ, તવ ભવ્ય માનવ્યમાં. (પૃ.૫૭)

ભીષ્મ ‘હતશૌર્ય’? મહાભારતના અઢાર દિવસના યુદ્ધમાં સૌથી વધારે દિવસ, કુલ દસ, ભીષ્મ કૌરવોના સેનાપતિપદે રહ્યા અને દસમે દિવસે તેમના પ્રચંડ તાપને શ્રીકૃષ્ણ અને અર્જુન શિખંડીની ઓથ લઈને નાથી શક્યા ન હોત તો એ દિવસે પૃથ્વી નપાંડવી થઈ હોત. આવો જ ગંભીર અન્યાય દ્રૌપદીને થયો છે. કવિએ મહાભારત યુદ્ધની બધી જ જવાબદારી જાણે દ્રૌપદીના શિરે નાખી છે. કવિ કહે છે કે દ્રૌપદી ‘રોપતી કલહનાં બીજ, ધ્વંસનાં કૈં’, ‘પ્રજ્વાલિત પ્રલયઅગ્નિ સમગ્ર ખંડે’. (૫૩) દુર્યોધન, દુઃશાસન, શકુનિ, કર્ણ એમાંથી કોઈ કવિને યાદ ન આવ્યા? દ્રૌપદીનો કૃષ્ણ માટેનો તીવ્ર અનુરાગ અને કૃષ્ણનો દ્રૌપદી પ્રત્યેનો પ્રેમ સાવ જ વિસરાઈ ગયા? વસ્ત્રાહરણ પ્રસંગે સૌથી ત્યજાયેલી દ્રૌપદી આર્તસ્વરે કૃષ્ણને પ્રાર્થના કરે છે :

गोविंद द्वारकावासिन् कृष्ण गोपीजनप्रिय
प्रपन्नां पाहि गोविन्द कुरुमध्येऽवसीदतीम् ॥

‘હે ગોવિંદ, હે કૃષ્ણ, કૌરવોથી ઘેરાયેલી તમારે શરણે આવેલીનું, મારું, રક્ષણ કરો.’ અને સુરદાસને યાદ કરીએ તો ‘વસનરૂપ ભયે શ્યામ’. મહાભારતમાં એક હીરાકણી જેવો પ્રસંગ છે. વનવાસ દરમિયાન પાંડવોની વ્યથા એ છે કે ઋષિમુનિઓને ભિક્ષા આપવાનું એમના માટે મુશ્કેલ બન્યું છે. મહાનુભાવોનાં દુ:ખો પણ મહાન હોય છે. તેમને અક્ષયપાત્રનું વરદાન મળે છે પણ એની એક શરત છે કે દ્રૌપદી ભોજન લઈ લે પછી બીજા દિવસની સવાર સુધી અક્ષયપાત્રમાંથી ખાદ્યસામગ્રી મળે નહિ. મહાભારતકારે નોંધ્યું છે કે વનવાસનાં બારે વરસ દરમિયાન દ્રૌપદીએ સાયંકાળે, એક જ વાર, ભોજન કર્યું છે. આ છે દ્રૌપદીની મહાનતા. ‘પેન્સિલવેનિયા એવન્યૂ’ અને ‘ટાઈમ્સ સ્કવેર, ન્યૂયોર્ક, બેસતે વર્ષે ઝૂલણાના પહેલા પ્રયોગ તરીકે નોંધપાત્ર ગણાય. બંને કાવ્યો થોડાં ટૂંકાવી શકાયાં હોત તો વધારે અસરકારક નીવડ્યાં હોત. ‘પેન્સિલવેનિયા એવન્યૂ’ની એક પંક્તિ સારવી લેવા જેવી છે. રાતના પણ રસ્તાઓ ‘ઝળહળે તેજથી’ કારણ કે ‘લાઈટના બલ્બ જ્યાં ચાંદની રેલતા’. પછીની પંક્તિ ‘પૂર્ણિમા હોય કૅલેન્ડરે કે નહીં’ વધારાની છે. ઝૂલણાના છંદોલયમાં અંગ્રેજી શબ્દો વિલક્ષણ સૌન્દર્ય નિષ્પન્ન કરે છેઃ અહીં ‘ઝબક, છે, ભભક છે’, અને ‘તોય તે કેટલું જંક છે, બંક છે, લોક કૈં સ્કંક છે.’ અંગ્રેજી નામ પરથી ક્રિયાપદ બનાવવાની સર્જકતા સરાહનીય છે: ‘તે છતાં ઝઘડતા, કૂટતા, શૂટતા લોક વાતવાતમાં’. ઝૂલણા કરતાં ‘નટવરસરના પાઠ’નાં ચાર કાવ્યોના કટાવમાં કવિને છંદોલય અને કાવ્યત્વની દૃષ્ટિએ વધારે સફળતા મળી છે. ચારે કાવ્યોમાં હાસ્યવિનોદની લ્હેરખી ફરી વળે છે. ‘લિટરેચરનો પાઠ’માં કેવી રીતે ‘આધુનિક’ થવાય એના નટવરસર પાઠ આપે છે, કે સમજ્યા-જાણ્યા વગર દેરિદા, પ્રુસ્ત વગેરે નામો ઝૂડે રાખવાં! કવિતા કરતાંય ‘મીઠા મીઠા’ ચિંતનાત્મક લેખો લખવાથી ભલે ‘લિટરેચર નહીં થાય’ પણ -

ચંદ્રક મળશે, અઢળક અઢળક પૈસો મળશે
આજુબાજુ લોકો ગળશે, તું તો ઉપર કળશે ચઢશે,
નામ બધે ઝળહળશે. (પૃ.૩૧)

‘જીવનમરણનો પાઠ’માં નટવરસરનો સાર છે કે ‘જીવનનો કોઈ અર્થ નથી ને જીવનનું કોઈ ધ્યેય નથી.’ માટે

ઉંમર પહોંચે મૂરખ થઈ પરણવું, જણવું,
ચાંચ ડૂબે ત્યાં ચણવું,
એમાં તારે સારુંનરસું, સાચુંખોટું, કાળુંધોળું,
એવું પિષ્ટમપેષણ, ઝાઝું ચૂંથણ કરવાનો કોઈ અર્થ નથી. (પૃ.૩૩)

જન્મજન્માન્તરના વારાફેરાની વાત પણ વિનોદપૂર્ણ રીતે કહેવાય છે, ‘ઘડપણનો પાઠ’માં.

ભવાઈ આ ભમરાળી ભવની, તરગાળા કૈં આવ્યે જાતા,
હોળી એની એ જ ભભૂકે, ઘેંરૈયા બદલાતા. (પૃ.૪૨)
ફરી ફરીને નટવરસરની સલાહ છે કે,
જે કંઈ થાવું હોય - ખુશીથી થાજે
પણ ભૂલેચૂકે તું ઘરડો કદી નહીં થાતો. (પૃ.૪૧)

સૌથી ઉત્તમ રચના છે ‘પ્રેમ-વિરહનો પાઠ’. એમાં હાસ્યના ફુવારા ઊડે છે. ‘પરથમ પહેલી વાત’ એ જ છે કે ‘પ્રેમ મહીં નહીં પડવું તારે’. પણ તો સેક્સનું શું? પ્રશ્ન ગંભીર છે પણ હાસ્યકારને એકથી વધુ સરળ ઉકેલો સૂઝે છે. ‘સેક્સ અગર કરવાની તારે હોય જરૂરત મોટી’ તો ઠંડા પાણીના શાવર નીચે ઊભા રહી વૈરાગ્યશતક ગણગણવું. તેમ છતાં સંતોષ ન થાય તો એક્સ ફિલ્મ જોવી અને રેશમી સુંવાળો સ્પર્શ કરવો હોય તો બિલ્લી લાવી ‘પાળી પંપાળી લેવી, તને ચાટશે, તને ગાંઠશે’. પ્રેમમાં પડ્યા, પછી લગન થયાં, પછી ‘ચિલ્ડ્રન બેત્રણ તુરત થતાં’ છતાં “અચરજ મોટી નટવરસરની” કે તોયે લોકો “પ્રેમ તણે ચગડોળે ચડે, પડે, ગડગડે, પછી રડે”. કવિએ ચાહીને યોજેલા વર્ણાનુપ્રાસ હાસ્યરસમાં અભિવૃદ્ધિ કરે છે :

લયલાના લોચનની લૂલી લાલચથી લોભાતો નહીં.
*
ભભકભરી ભામાને જોઈ ભોળો થઈ ભરમાતો નહીં. (પૃ.૩૮)

‘અંતરંગ’ વિભાગનાં ચાર સૉનેટમાંથી સૌથી સફળ કૃતિ છે ‘કબ્રસ્તાને’. સ્વેચ્છાએ કવિ કબરમાં પોઢી જવા ઇચ્છે છે. કવિનાં અનાસક્તિ, વૈરાગ્ય અને ત્યાગમાં સચ્ચાઈની પ્રતીતિ થાય છે. ત્રણે ચતુષ્ક “સૂવા આવ્યો છું હું” એ શિખરિણીના પ્રથમ ખંડથી શરૂ થાય છે અને સૉનેટનો દૃઢબંધ સિદ્ધ થાય છે. આ કોઈ પરાજય, નિરાશા કે હતાશાથી પ્રેરાઈને લીધેલું પગલું નથી. આ તો ચિર શાંતિની ઝંખના છે. બીજા ચતુષ્કની બે પંક્તિઓ બોલ્યુંચાલ્યું માફ કહેતી અત્યંત સુરેખ છે :

બધા વાદા, સોદા, વચન દીધ ને વાત કરી તે
ભૂલી જાજો, જે કૈં કરજ, ઉઘરાણી ન કરશો (પૃ.૭૯)

ત્રીજા ચતુષ્કમાં ‘બધી આધિવ્યાધિ સુખદુ:ખ બધું મૂકી પડતું’ કવિ ધરતીકૂખમાં સંતાઈ જવા ઇચ્છે છે અને વિનવે છે કે હજી ઘણું કામ બાકી છે એવું કહીને ‘નહીં નહીં મને જગવશો’, અંતિમ યુગ્મકમાં ‘હવે શાંતિ શાંતિ પરમ’નો મંત્ર સંભળાય છે. કવિની સાચી સંવેદનાથી ‘કબ્રસ્તાને’ નટવર ગાંધીનાં ઉત્તમ કાવ્યોમાં સ્થાન ધરાવે છે. આ કાવ્યસંગ્રહના આઠે વિભાગોમાં સૌથી ઉત્તમ વિભાગ ‘સદ્ગત પત્ની’ને છે. આ છ કાવ્યોમાં અંગત વ્યથા કાવ્યનું રૂપ લે છે. કવિએ કરુણનું સ્વસ્થ ને સંયમપૂર્ણ આલેખન કર્યું છે; નથી કૃતિઓને લાગણીવેડાથી અળપાવા દીધી, નથી તત્ત્વચિંતનના ભારથી શુષ્ક થવા દીધી. પ્રથમ કાવ્ય ‘અહીં ખૂણે ખૂણે’માં બાલમુકુન્દનું ‘જૂનું ઘર ખાલી કરતાં’ ચોક્કસ કવિની નજર સમક્ષ છે, છતાં કાવ્ય મૌલિકતાથી મંડિત છે. સૉનેટની પ્રથમ દસ પંક્તિઓમાં પત્નીના પરિગ્રહી સ્વભાવનું આલેખન થયું છે. જે કંઈ સસ્તું, સારું, કામનું કે નકામું મળ્યું તે ઘર આખામાં, અને ત્યાં ન માય તો ગરાજ સુધ્ધાંમાં, ભેગું કર્યું, ખડક્યું. પ્રથમ પંક્તિના શબ્દોનો ધ્વનિ સાર્થ છે :

અહીં ખૂણે ખૂણે ખીચખીચ ભર્યું....…

‘ખૂણે ખૂણે ખીચખીચ’માં અઘોષ મહાપ્રાણ વર્ણો જે તે વસ્તુઓ ખડકવાના અર્થને મૂર્ત કરે છે તેમજ ‘ભર્યું ઠાંસી ઠાંસી’ પણ એને વળ ચઢાવે છે. સૉનેટની દસમી પંક્તિની લક્ષણા આસ્વાદ્ય છે :

નવી લીધી ગાડી મરસિડીઝ મોટી મલકતી. (પૃ.૮૩)

કવિએ દસ પંક્તિ ઘરવખરીને વર્ણવવામાં વાપરી નાખી છે અને છેલ્લી ચાર પંક્તિમાં કરૂણને નિષ્પન્ન કરવાનો પ્રયત્ન છે. કરુણની સામગ્રી માટે દસ પંક્તિ વાપરી નાખવી એ દુર્વ્યય લાગે છે, જોકે પહેલી દસ પંક્તિમાં અભિવ્યક્તિનું જે બળ છે એ પણ છેલ્લી ચાર પંક્તિમાં નથી. તેથી કરુણનું પોત ફિસ્સું પડી જાય છે. દસમી પંક્તિમાં જે સહજતા છે, લક્ષણાનું જે સૌન્દર્ય છે તેનો અલ્પાંશ પણ ૧૪મી પંક્તિમાં નથી. બાલમુકુન્દની ‘બા-બાપુ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યા મને કે?’ એ મૃતપુત્રની ઉક્તિની તુલનામાં મૃતપત્નીની ઉક્તિ ‘શરમ કશી ના આવી તમને?’ નિર્બળ લાગે છે. બીજા સૉનેટ ‘ગમે ત્યાં હું જાતો’ની એક પંક્તિ ‘હતી સામ્રાજ્ઞી તું ઘરની, ઘરુણી, ભાગ્યવતી તું’ કાલિદાસના રઘુવંશમાંની અજવિલાપની શરૂઆતની પંક્તિની યાદ આપે છે : गृहिणी सचिव सखी मिथः આ સૉનેટની છેલ્લી પંક્તિમાં ‘સુણું, છે ઊણું ઊણું’ એમ છે તે શી ખબર કેમ પણ અહીં ત્રણ વાર ‘ણું—ણું’ આવે છે તે હીણું લાગે છે. ત્રીજા સૉનેટ ‘કહે શાને કાજે’ની છેલ્લી પંક્તિ સુકોમળ છે. મૃતપત્ની સ્વપ્નમાં આવીને જાતજાતની સલાહ-શિખામણો આપે છે. ઠપકો પણ આપે છે, “શું એવા ને એવા હજીય મનમોજી, નફિકરા?” હવે તો તમે જ વડીલ છો, ઘરનો બધો ભાર તમારા માથે છે. પતિનો પ્રતિભાવ હૃદયસ્પર્શી છે :

બધી તારી વાતો સમજું, સખી, હું કિન્તુ પૂછતો:
કહે શાને કાજે ઊપડી સહસા એકલી જ તો? (પૃ.૮૫)

ચોથું સૉનેટ ‘કદી તું પાછી ફરી જો’ શિરમોર છે. માત્ર એક જ પંક્તિખંડ સામે વાંધો લેવાનું મન થાય, જ્યારે ધ્રુસકે ધુસકે “પોક મૂકીને" રડવાની વાત થાય ત્યારે. વધારે આગ્રહી થઈએ તો ત્રીજી પંક્તિમાં ‘દૂર દૂર’ના બધા વર્ણોને લઘુ ગણવાનું કષ્ટદાયક છે. બીજી કડી બધાં સૉનેટમાં સૌથી સુરેખ છે. શિખરિણીનો છંદોલય એમાં ઊગી નીકળે છે. સંસ્કૃત તત્સમ શબ્દો અને તળપદા શબ્દની સહોપસ્થિતિ એને ચારુતા અર્પે છે. ‘સુરસરિતયાને’ જેવો દીર્ઘ સમાસ પણ કરુણમધુર રૂપ ધારણ કરે છે.

ઉપાધિ વ્યાધિ તું ઈહ જગતની છોડી સઘળી,
પરીલોકે ચાલી, સુરસરિતયાને વિહરતી,
હવે તારે ના કૈં ગડમથલ કંકાસકલહો.

છેલ્લી પંક્તિના આશાવાદમાં વસ્તુતઃ તો કરુણની તીવ્રતા છે. આ પંક્તિમાં કવિએ કાવ્યની કલગી ચઢાવી છે :

કહે પંડિતો કે મૃતજન ન કો’ પાછું ફરતું
છતાં ખુલ્લી રાખી ખડકી, કદી તું પાછી ફરી જો. (પૃ.૮૬)

પાંચમું કાવ્ય ‘ઘર નથી જ તારા વિના’માં પ્રથમ કાવ્યની યાદી જરા જુદી રીતે આવી છે - કિચન, સ્ટવ, ફ્રીજ, વાસણો વગેરે. છઠ્ઠા અને છેલ્લા કાવ્ય ‘અસ્થિવિસર્જન સમયે’માં પત્નીના વ્યક્તિત્વને સુંદર આકાર મળ્યો છે. નલિનીબહેનને જેમણે જોયાંજાણ્યાં હશે તે તરત ઓળખી શકશે :

....છણકો મિજાજી બડો,
સવાલ કરતી હજાર, તતડાવતી તોરથી,
રુઆબ જબરો, સ્વમાની, અભિમાની ઠસ્સો કશો.

આ ‘છણકો’નો રણકો કેવો સંભળાય છે! મૃતપત્નીની ચિરંજીવ સ્મૃતિ મધુર સુરેખ પંક્તિમાં મૂર્ત થઈ છે :

કુટુંબ કબીલે લીલે, પમરતી ખીલે યાદમાં. (પૃ.૮૮)

પત્ની માટેનો ગાઢ પ્રેમ, ઊંડી અનુભૂતિ, સાચી સંવેદનશીલતા, કરુણની સંયત છતાં વૈધક અભિવ્યક્તિથી આ કૃતિઓ કાવ્યત્વપૂર્ણ બની છે. ભગવતીકુમાર શર્માનાં આ જ અરસામાં પ્રકટ થયેલાં ‘પત્નીવિરહ’નાં કાવ્યોની સાથે સહેજે તુલના કરવાનું મન થાય પણ વિસ્તારભયે એ લોભ જતો કર્યો છે.

મર્યાદા: પુનરાવૃત્તિ

કથિતસ્ય કથનમ્ એકની એક વાત ફરી ફરી કહેવામાં શો સાર છે? વળી જ્યારે એ ભાવની અભિવ્યક્તિ પૂર્વે વધારે સારા રૂપમાં થઈ ચૂકી હોય ત્યારે? કોઈ પણ કવિને માટે પુનરાવૃત્તિથી વધારે નિરર્થક અને આત્મઘાતક પ્રવૃત્તિ બીજી શી હોઈ શકે? અહીં બે કાવ્યો એવાં છે જેમાં એકનું એક કાવ્ય જાણે બે વાર લખાયું છે. એનાં શીર્ષક જ જુઓ ને – ‘મને હવે સિત્તેર થયાં’ અને ‘વય વરસ સિત્તેરની બસ?’ એક અછાંદસ છે, બીજું શિખરિણીમાં છે પણ એ સિવાય ભાવદૃષ્ટિએ લેશમાત્ર નહિ અને અભિવ્યક્તિમાં થોડીક વિશિષ્ટતા છે. ‘મને હવે સિત્તેર થયા’માં શૈલી બોલચાલની છે : ‘કૈંક નોકરી કરી, એકાદબે પ્રમોશન પણ મેળવ્યાં? / થોડાં ધતિંગ કર્યાં, થોડું છાપે છાપરે ચડયો, / ... મેં હજી વાઘ નથી માર્યો તેનું શું?” (પૃ.૬૨) ‘વય સિત્તેરની બસ?’માં ઘણું ઘણું કરવાનું બાકી છે, “રમ્ય નગરો”, “સરવર રૂડાં ઊર્ધ્વ શિખરો” જોવાનાં બાકી છે, “મિત્રો સાથે” ગોષ્ઠિ કરવી છે, વગેરે આ બધામાં એક પંક્તિ રસિક છે : “હજી બાકી હૈયે વસતી રમણી કૈંક ચૂમવી”. ‘અમારા દામ્પત્યે’માં પહેલા અષ્ટકમાં થોડું નાવીન્ય છે. ત્રણેક પંક્તિઓ તેની સરળતા અને સાદાઈથી અપીલ કરે તેવી છે :

ફર્યા ફેરા ત્યારે સમજ હતી ના પાઈ પણની,
-ફર્યા કોની સાથે, ખબર પણ એ મોડી જ પડી –
*
અને ભોળા ભાવે ઘર ઘર રમ્યાં, બાળ ઊપજ્યાં. (પૃ.૯૧)

પરંતુ ષટ્ક તો, સ્વતંત્રપણે નિર્વાહ્ય હોવા છતાં, છે નરી પુનરાવૃત્તિ. આયર્ની એ જ છે કે આ ભાવો આના કરતાં અનેકગણી ચારુતાથી આ પૂર્વેનાં ‘મેં ધાર્યું’તું’, ‘પતાવી સંસારી ફરજ’ અને ‘પાંસઠમા જન્મદિને ૧ થી ૪’ના કાવ્યોમાં મૂર્તિમંત થઈ ચૂક્યા છે. બે જ અવતરણોને સરખાવી જુઓ. ‘પાંસઠમા જન્મદિને-૪’નાં વિષાદની આ બે પંક્તિઓ તીવ્ર અને હૃદયસ્પર્શી છે :

થાક્યો હવે ચડી-ગડી કપરાં ચઢાણ,
તોયે હજી શિખર ઊર્ધ્વ નથી જ પહોંચ્યો.

અને ‘પતાવી સંસારી ફરજ’ની અંતની ચાર પંક્તિઓ એથી પણ વધુ હૃદયસ્પર્શી છે :

હતાં સ્વપ્નો જે કૈં ઉર ઊછળતાં દાબી દઈને,
ફર્યો છું ઘાણીના બળદ સમ ફેરા જીવનના,
હવે મોડે મોડે ફરી સળવળે સુપ્ત સપનાં
ન માને, તોફાને ચડી ચડી ઊડે મત્ત મનનાં.

મર્યાદા: શૈલીદાસ્ય

દ્વિરુક્તિ કવિની શૈલીની લઢણ બની ગઈ છે. વારંવાર એકના એક શબ્દની પુનરુક્તિ કાવ્યના પ્રયોજનથી નહિ, પણ ટેવવશાત્ આવતી લાગે છે. “નથી કર્યું, નથી કર્યું જે બધું.. / નથી કરી, નથી કરી વાવણી..../ નથી મૂકી, નથી મૂકી હોડમાં... (‘ટાઈમ્સ સ્ક્વેર....’ પૃ.૩) “પીળાં પીળાં, હળદર સમાં.../લીલું, લીલું લચી પડ્યું.../ લાવે લાવે, કુસુમરજને.. ” (“પ્રશ્ન”, પૃ.૭૭) આ દ્વિરુક્તિઓ અભિવ્યક્તિમાં બળ પૂરતી હોય એવી પ્રતીતિ બધે નથી થતી. કવિના પ્રાદેશિક બોલીના પ્રયોગો તો વરવા લાગે છે. નટવર ગાંધી વિદગ્ધ (Sophisticated) નગરકવિ છે. પ્રાદેશિક બોલીપ્રયોગો તેમની કાવ્યભૂમિને પરાયા, અજાણ્યા છે. “પડતી પછી તે દિવસ માસ ને વરસ બની વઈ જાતી! એવી ઝાઝી ખબર પડે ને ને વય અરધી વઈ જાતી.” (‘જીવનમરણ પાઠ’, પૃ.૩૪) “વચોવચ જ ટેબલે કરી’તી રાતું ની રાતું જયાં / કુટુંબ તણી, આડી ને અવળી વાતું, તે ત્યાં જ છે.” (‘ઘર નથી જ તારા વિના’, પૃ.૮૭) પાદપૂરકો પણ અનેક સ્થળે કઠે છે. આ જ દૃષ્ટાંતમાં “વચોવચ જ ટેબલે”માં ‘જ’ છંદ જાળવવા જ આવ્યો છે.

મર્યાદાઃ લઘુગુરુ-સ્વતંત્રતા

ગુજરાતી કવિતામાં છંદને ખાતર લઘુગુરુની છૂટ લેવાનું સ્વાભાવિક થઈ ગયું છે. ‘કાન્ત’ જેવા કોઈ વિરલ કવિ આમાં અપવાદરૂપ છે. છતાં અક્ષરમેળ વૃત્તોમાં સંસ્કૃત તત્સમ શબ્દોમાં આવું સ્વાતંત્ર્ય ઇષ્ટ નથી લાગતું. ‘મારાય પુત્ર, વધૂ ને દીકરી જમાઈ.” અહીં વસંતતિલકામાં ‘વધૂ’ શબ્દને લઘુ ઉચ્ચારવાનું કષ્ટકર છે. ગુજરાતીમાં જ્યારે ‘વધૂ’ - ‘વધુ’ જેવા બે સ્વતંત્ર શબ્દો હોય ત્યારે આ છૂટ વધારે કષ્ટદાયક છે. “દુરિત સુચરિત સર્વ અપકૃષ્ટ, ઉત્કૃષ્ટ સૌ’ના પૃથ્વીમાં ‘દુરિત’માં અને ‘સુચરિત’માં ‘રિ’ ગુરુ ઉચ્ચારવો પડે છે. મંદાકાન્તામાં ‘કિરીટિ’નેમાં ‘કિ’ અને ‘ટિ’ને કેવી રીતે ગુરુ ઉચ્ચારવા? એ જ રીતે, મંદાક્રાન્તામાં “જો શિશિરે શરીર થથરે ગ્રીષ્મ આવે અવશ્ય” “શિશિરે’માં બંને ‘શિ’ ગુરુ ઉચ્ચારવા પડે તે અસહ્ય છે.

‘ઉલ્લાસ કરીએ’ : શ્રેષ્ઠ કૃતિ

કાવ્યસંગ્રહનું નિરપવાદ સૌથી શ્રેષ્ઠ કાવ્ય છે: ‘ઉલ્લાસ કરીએ’. કવિની કાવ્યપદાવલિ દીપ્તિભર્યા સહજસ્વાભાવિક પ્રાસાનુપ્રાસથી ચમકે છે, “વસે છે, જીવે છે, જન ગતિ, મતિ ભિન્ન રીતિનાં”, “સુખીદુઃખી, ઘેલા, સમજુ સલૂણા, કૈંક નગુણા”, “રસે, ગંધે, સ્પર્શે”, “બધું જાણીમાણી, જીવનવન”ના આંતરપ્રાસો કેટલી સાહજિકતાથી ગોઠવાઈ ગયા છે. “પશુ, પંખી, પુષ્પો” અને “તરુ, પરણ, ને અદ્રિઝરણાં”ના વર્ણસંગીતથી છંદોલય સમૃદ્ધ બન્યો છે. સાહચર્ય(associations)થી સમગ્ર કાવ્યકૃતિ સમૃદ્ધ બની છે. સુખીદુ:ખી, ઘેલા, સમજુ, સલૂણા, નગુણા "બધાને નિભાવી” “તુલસી ઇસ સંસાર મેં ભાતભાત કે લોગ; સબસે હિલમિલ ચાલિયે, નદી નાવ સંજોગ”ની યાદ આપે છે. “પરંતુ જ્યાં ઘેરું તમસ, ત્યહીં ઉજાસ કરીએ” तमसो मा ज्योतिर्गमयની યાદ આપે છે, “પશુ, પંખી, પુષ્પો, તરુ, પરણ ને અદ્રિ ઝરણાં" ઉમાશંકરની “પશુ છે, પંખી છે પુષ્પો, વનોની છે વનસ્પતિ’ની સ્મૃતિ જગાડે છે. “વિષમ ઘણું ને વિષ પૂરતું” પણ ઉમાશંકરના સુપ્રસિદ્ધ સૉનેટ ‘ગયાં વર્ષો’ની “ન કે ના’વ્યાં માર્ગે, વિષ વિષમ ઓથાર’ની યાદ આપે છે. કાવ્યના ચાર ચતુષ્કની અંતપંક્તિઓના અન્ત્યાનુપ્રાસો તો સમગ્ર કાવ્યને દૃઢ પદ્યબંધથી સાંકળી લે છે :

બધાને નિભાવી, સમજી સહુ, સહવાસ કરીએ.
*
પરંતુ જ્યાં ઘેરું તમસ, ત્યહીં ઉજાસ કરીએ.
*
બધું જાણીમાણી, જીવનમન સુવાસ કરીએ.
*
હવે ઝાઝા છે ના દિવસ, સખી, ઉલ્લાસ કરીએ.

છેલ્લી પંક્તિની વિષાદની ઝીણી લકીર “ઉલ્લાસ કરીએ”ની ઝંખનાને તીવ્રતા અર્પે છે. આ પંક્તિ આખા કાવ્યને અજવાળે તેવી ઉત્તમ છે. આવું એકાદ કાવ્ય પણ મળે છે ત્યારે આપણને ધન્યતાનો અનુભવ થાય છે.