વનાંચલ/અભ્યાસલેખ ૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અભ્યાસલેખ
(૪)
‘વનાંચલ’નું ગદ્ય
– ડૉ. તૃષિત પારેખ

વાગ્ભટ અનુસાર ‘ગદ્ય ચરણરહિત, પદોના સાતત્યવાળો, છંદમાં ન લખાતો વાક્યસંદર્ભ’ છે. (गद्यमपादः पदसन्तानच्छंदोरहितो वाक्यसंदर्भ। ‘કાવ્યાનુશાસન’) પદ્યની સાથે સરખાવતાં ગદ્યનાં લક્ષણો પ્રગટ થાય છે. આમ છતાં કેટલીયે વાર ગદ્ય અને પદ્યની સીમારેખા ભૂંસાઈ જતી અમુક કૃતિઓમાં આપણે અનુભવીએ છીએ. લલિત કૃતિઓ અને લલિતેતર કૃતિઓના ગદ્યમાં જે ભેદ હોય છે તે કલ્પકતા અથવા સર્જકતાને કારણે હોય છે. આ કલ્પકતા અથવા સર્જકતાને લીધે જેમ નવલકથા અને ઇતિહાસનું ગદ્ય જુદું પડે છે તો બીજી બાજુ ગદ્ય અને પદ્યની ભેદરેખાને પણ તે જ ઝાંખી કરી મૂકે છે. વળી, ગદ્ય કૃતિઓની જ વાત કરીએ તો, અનાત્મલક્ષી અને આત્મલક્ષી રચનાઓના ગદ્યમાં તફાવત પડવાનો. એટલે કે અનાત્મલક્ષી રચના કરતાં આત્મલક્ષી રચનાનું ગદ્ય વધુ વિશદ, પારદર્શી અને નિકટતાના ગુણોવાળું હોવાનું. સત્યનિષ્ઠ પણ એટલું જ હોવાનું. આ બધું હોય અને કલ્પકતા કે સર્જકતા ન હોય તો સાહિત્યકળાનું ગદ્ય એ ન બની શકે.

શ્રી જયન્ત પાઠકની કૃતિ ‘વનાંચલ’ એ આત્મકથા અને ઊર્મિકવિતાને સીમાડે ઊભેલી કૃતિ છે. તેથી બંને રીતે આપણા હૃદયને તે સંતર્પે છે. ‘વનાંચલ’ના ગદ્યનો આવિર્ભાવ સ્મૃતિમાંથી થયો છે. આ સ્મૃતિતત્ત્વને કારણે જ કાલ અને આજના સમયભેદની લેખકની તીવ્ર સંપ્રજ્ઞતા પણ પ્રગટ થાય છે. ‘વનાંચલ’ના વાક્યસંદર્ભને તપાસતાં ગદ્યની ચાર Patterns તરાહો હાથ લાગે છે :

(૧) મુગ્ધ બાલ્યકાળનાં સંવેદનો ઝીલતું, સરલ સ્મૃતિજન્ય ગદ્ય. જાણે બાળવાર્તાનું ગદ્ય જ જોઈ લો. (૨) પ્રૌઢ વયનું પ્રગલ્ભ, નર્મ-મર્મમાં રાચતું પ્રભાવજન્ય ગદ્ય. (૩) લેખકના કવિવ્યક્તિત્વનો ધબકાર સંભળાવતું ઉપમા શોભાવાળું ઊર્મિજન્ય ગદ્ય. (૪) પંચમહાલની ભૂમિ અને તેના જનજીવનની મુદ્રાવાળું તળપદું ગદ્ય.

હમણાં કહ્યું તેમ ‘વનાંચલ’નું ગદ્ય બાળવાર્તાના ગદ્યની યાદ અપાવી જાય છે. ટૂંકા ટૂંકા સરળ વાક્યોની રચના ધ્યાન આકર્ષે છે. સમગ્ર કથામાં વાત ભૂતકાળની હોવા છતાં લેખકે વર્તમાનકાળ પ્રયોજ્યો છે. તેથી નિરૂપણની પ્રત્યક્ષતા, ઘટનાની સાક્ષાતતાનો આપણા હૃદયને સીધો સ્પર્શ થઈ જાય છે. વળી, એ પણ નોંધપાત્ર છે કે પ્રસંગો, વ્યક્તિઓ, પ્રકૃતિ વગેરે લેખકની બાલ્યાવસ્થામાં બાળચક્ષુ વડે જેવાં દેખાયાં, અનુભવાયાં તેવાં આલેખાયાં છે. તેથી ભાગ્યે જ કૃત્રિમતા કે આયાસ નજરે પડશે. શિશુમનને ભયથી ભરી દેતા વગડાનું વર્ણન મોરડિયા ડુંગર ઉપરથી દેખાતાં દૃશ્યો, વૃક્ષ ઉપર વાગોળની જેમ ઊંધા લટકીને વરસાદ જોવાનો આનંદ-આ બધાં એવાં સ્થાનો છે જ્યાં બાળકની દૃષ્ટિ અને સૃષ્ટિની પૂર્ણ સંગતિ જળવાઈ રહી છે.

‘અમારી, ને ખાસ તો મારી પ્રિય રમત તે ‘દુકાન દુકાન’ની દાદાને ઓટલે દુકાન માંડીએ. રેતી તે ખાંડ, માટીનાં ઢેફાં તે ગોળ, મગફળીના દાણા ને પૌવાં-મઠિયાં પણ ઘરમાંથી લાવીને દુકાનમાં ગોઠવીએ. દાદાએ બે મોટા કોડિયામાં ત્રણ ત્રણ કાણાં પાડી ત્રાજવું બનાવી આપ્યું હોય. પથ્થરનાં કાટલાંની તો ખોટ જ નહિ; ચલણી નાણાંની પણ તંગી નહિ. ફળિયામાં પડેલાં નળિયાંનાં ટુકડાઓને પથ્થર ઉપર ઘસી ગોળ પૈસા બનાવીએ. આવા પૈસા લઈને ઘરાક માલ લેવા આવે. મને આ પૈસા લેવામાં અને માલ જોખી આપવામાં બહુ મજા પડે. મોટેરાં કહે : ‘આ બચુડો મોટો થશે ત્યારે એના મામા(મારા મામા ગંગાશંકર પુરાણીની કલોલમાં દુકાન ચાલે)ની જેમ દુકાન કાઢશે.’ એ આગાહી સાચી નથી પડી. ઘરનો હિસાબ રાખતાં મને આવડતું નથી ને બજારમાં હંમેશાં છેતરાઉં છું એવું મારી પત્નીનું પ્રમાણપત્ર હું રળી શક્યો છું. હા, શબ્દનો વેપલો કરું છું-મોટો જોટો, મારા હિસાબે ને જોખમે. એમાં કમાણીમાં કંઈ મળ્યું હોય તો થોડી કીર્તિ જેનાં કોટડા પાડ્યાં પડી શકે એવાં છે; વેપાર ગમે ત્યારે ઉલાળી મૂકવો પડે, દેવાળું ફૂંકવું પડે એવો ભય સતત ઝઝૂમતો હોય છે.’

અહીં ફકરાના પૂર્વખંડમાં પ્રગટતી બાળલીલા આસ્વાદ્ય છે, પરંતુ ઉત્તર ખંડમાં ધીમે ધીમે પ્રગલ્ભતા, નિખાલસતા પ્રગટતી જાય છે. ‘દુકાન દુકાન’ની રમતના સંદર્ભમાં ‘શબ્દનો વેપલો’ જેના કોટડાં પાડ્યાં પડી શકે એવી કીર્તિની ‘કમાણી’, ‘દેવાળું’ જેવી શબ્દયોજના સંગત અર્થપૂર્ણ છે. જોકે, આ ગદ્યતરાહમાં ક્યાં ક્યાં શિશુમનના નહિ, પરંતુ તે સ્થાને પ્રૌઢ કલ્પનાશીલ વ્યક્તિના સંવેદનો ૫ણ રજૂ થઈ જાય છે. શિશુકથામાં શિશુ દ્વારા નિરખાતી સૃષ્ટિને સાદ્યંત યથાતથ રજૂ કરવામાં ઊંચો કળાસંયમ દાખવવો પડે. લટિયાં તલાવડીને જોતાં બાળકને રાક્ષસની આંખ સાંભરે તે સ્થળે કલ્પનામાં ભારે ઔચિત્યનાં દર્શન થાય છે. પરંતુ આદિવાસીઓના મેળાના વર્ણનમાં લેખક પોતાના બાળકપાત્ર પાસે કાનજી જીવીને યાદ કરાવે કે વતન છોડવાના પ્રસંગમાં ‘સમયનો રથ મારા ભૂતકાળને કચરતો આગળ ને આગળ વધી રહ્યો છે’ ઇત્યાદિ કવિતા પોતાના કિશોરપાત્ર પાસે કરાવે તેમાં સાહજિકતા કેટલી?

પ્રૌઢ, પ્રગલ્ભ અને નર્મ-મર્મમાં રાચતું ગદ્ય એ ‘વનાંચલ’ના ગદ્યની બીજી પેટર્ન છે. આ ગદ્યને ‘પ્રભાવજન્ય’ કહ્યું છે તે એટલા માટે કે અમુક પ્રસંગો, વ્યક્તિઓ કે પદાર્થોના સંપર્કને કારણે તેમના વિશે લેખકના ચિત્તમાં અમુક સંસ્કાર પડે છે, ક્ષોભ ઉત્પન્ન થાય છે, જે નર્મ-મર્મ દ્વારા પ્રગટ થાય છે. જંગલમાં મંગલેશ્વર મહાદેવના જીર્ણ મંદિર વિશેના વર્ણનમાં ચિંતનસ્પર્શ, દીર્ઘ લયાન્વિત વાક્યો, ‘જીર્ણોદ્વાર તત્પરતા’ જેવો સમાસ અને ‘દેવોની વસ્તી વધારી’ દેવાનું કથતી ચાટૂક્તિ ગદ્યની બદલાયેલી પેટર્નના સ્પષ્ટ સંકેતો આપે છે.

શ્રી જયન્ત પાઠક કવિ છે. તેમના કવિ વ્યક્તિત્વનો સુખદ પરિચય ‘વનાંચલ’ના પાને પાને થતો રહે છે. ‘વનાંચલ’માં એમણે કેટલીક સુંદર ઉપમાઓ યોજી છે. મોરડિયા ડુંગરને એમણે ‘મુગ્ધાના સ્તન જેવો ઘાટીલો ને ગૌર’ કહ્યો છે. અન્ય વનસ્પતિ વચ્ચે ઊભેલાં કઢાઈનાં તોતિંગ સફેદ રંગનાં વૃક્ષોને ‘કાળીપરજની વચ્ચે આર્યજનની જેમ ઊભેલાં આલેખી એમણે એક ઉત્તમ ઉપમા સર્જી છે. શ્યામ અને શ્વેત રંગના વિરોધ દ્વારા, બે પ્રજાઓના વ્યક્તિત્વને વનસ્પતિમાં એમણે કેટલી સુભગ રીતે મૂર્ત કરી બતાવ્યાં છે! ‘પક્ષીઓનાં વેલ જેવાં પગલાં’, ‘અજવાળી છડા જેવી રાત’ જેવી ઉપમાઓ પણ હૃદ્ય છે. અહીં બ્રાહ્મણના છોકરાને ઉતરાણનું પીલ્લું ‘લાડવા કરતાં બમણા કદનું’ લાગે છે!

ત્રણ સાડા ત્રણ દાયકા પછી લેખક વતનમાં પ્રવેશે છે. વતનની સૂરત પલટાઈ ગઈ છે. લેખકે એ પરિવર્તનને સજીવારોપણ વ્યાપાર દ્વારા આલેખ્યું છે.

‘જ્યાં કેડીઓ હતી ત્યાં રસ્તા થયા છે. કેડીઓ તો બિચારી વગડામાં સંતાતી સંકોચાતી ફરે, રખેને ઘાસ કે છોડ ધસી આવીને રંજાડે એવો એને ભય, પણ આ રસ્તા! એમની તો જાણે શાહી સવારી! સંકોચ તો એ શીખ્યા જ નથી! સંકોચાવાનું તે વગડાને; ઝાડપાન બિચારાં આઘાં ખસીને જગા કરી આપે છે. આડાં થાય તો એમનું આવી જ બને, જાનથી જાય! ને આ વગડો! ક્યાં માણસને આશ્રય આપતો પેલો વનાંચલ ને ક્યાં આ માણસને આશ્રયે એની દયા ઉપર જીવતાં ઝાડવાં! હવે તો જાણે પ્રકૃતિને સંસ્કૃતિની મહેરબાની ઉપર જ જીવવાનું!’

કેડીઓ અને રસ્તા, વનાંચલ અને ઝાડવાંના વિરોધમૂલક આ સજીવ ચિત્રો આધુનિક સંસ્કૃતિ વિશે લેખકની નારાજગી વ્યક્ત કરવા સાથે કવિની કલ્પનાશક્તિનો સુખદ પરિચય કરાવી જાય છે. “મંજીરાના રણકાર સાથે ભજન ઝરે” - અહીં “કરે” ને બદલે “ઝરે” ક્રિયાપદ યોજવામાં તેમજ “ગોરાઓ ચાહ પીએ ત્યારે આ લોકો છાહ પીએ”માં પ્રાસયોજના પણ નોંધપાત્ર છે. ‘રેન્જ ફોરેસ્ટ ઑફિસર’નો પર્યાય લેખકે આપ્યો છે ‘જંગલી ફોજદાર’, જે ફોજદારના વ્યક્તિત્વને સમજવામાં ઉપકારક નીવડે છે.

‘આદિવાસી વિસ્તારોમાં જ્યાં ઉજળિયાત માણસનું મોં પણ જોવા ન મળે એવાં ગામડાંમાં વહોરા ને વાણિયા વેપાર જમાવી પડ્યા છે ને કેટલાક ‘તન કપડે’ હતા તે ‘બે પાંદડે’ થયા છે.’

‘અસહ્ય ગરીબી અને રોજનો ભૂખમરો છતાં આ પ્રદેશમાં ચોરી-લૂંટનો ભય નથી, ‘રામરાજ્ય’ છે.’

ઉપરનાં બે દૃષ્ટાંતોમાં ‘તન કપડે’, ‘બે પાંદડે’ અને ‘રામરાજ્ય’ એ શબ્દોને લેખક અવતરણ ચિહ્નોમાં મૂકી ઠંડે કલેજે કરાતા કટાક્ષ વિશે આપણું ધ્યાન દોરે છે. એમ તો ‘પરમ પવિત્ર ગોરદેવ’ કહીને લેખકે પોતાના કુટુંબ ઉપર પણ કટાક્ષ ચલાવ્યો છે.

‘વનાંચલ’ના ગદ્યમાં ‘હણગું’, ‘થેપાડું’, ‘ઝૂલડું’ જેવા શબ્દપ્રયોગો તેમજ ‘એ મરી જશે તો આઘડોય(ભલે), ‘ગોરદેવ, ઘરમાં કાંઈ નેહે(નથી). ‘ચોખલી, ભાળકે વેંછી!’ કાળા કાળા મંકોડાને રાતી રાતી ઝીમેલો’ જેવા વાક્યાપ્રયોગો, રૂઢિપ્રયોગો એક નવી ભાત ઊપસાવે છે. ચિત્તાના પાંજરાને લાત મારી ‘સાલા કુત્તા’ કહીને હસતો મહંમદ હુસેન કમાલન પણ ઝડપાયો છે. દાદાજી, પિતા, દાક્તર ભવાનીશંકર, નાનિયો, રામલો, દમલા માસ્તર આદિનાં શબ્દચિત્રો પણ સુરેખ અને તાદૃશ છે.

શિષ્ટ અને જાનપદી એમ બંને પ્રકારના ગદ્યની ઇબારતને કારણે વૈવિધ્ય સંભવી શક્યું છે. આમ, ‘વનાંચલ’ની નાનકડી ‘સ્મૃતિકથા’ના ગદ્યમાં શ્રી જયન્ત પાઠકે ગદ્યના જે સ્ફૂર્તિલા, ભાવોચિત અને કવિત્વમય ઉન્મેષો પ્રગટાવ્યા છે તે ખરેખર આનંદપ્રદ છે.

***