વનાંચલ/પ્રકરણ ૯

From Ekatra Wiki
Jump to navigation Jump to search


(૯)

આમેય ગુજરાતમાં પંચમહાલ જિલ્લો પછાત ને તેમાંય પૂર્વનો વિસ્તાર તો વધારે પછાત. વનો અને ડુંગરાઓથી છવાયેલ આ પ્રદેશમાં લાખો આદિવાસીઓ વસે છે : ભીલ, નાયક ને રાઠવા. અજ્ઞાન અને ગરીબી એ એમના જૂના અને હઠીલા રોગ. ભૂખમરો તો જાણે જિન્દગીની રોજિંદી બિના; ભગવાન અહીં ઘણાંને ભૂખ્યાં જ સુવાડે છે ને ભૂખ્યાં જ ઉઠાડે છે. ઉનાળો આવતાં પહેલાં તો દાણા ખૂટી ગયા હોય. લોકો ઝાડનો પાલો ને કંદમૂળ ઉપર ગુજારો કરે છે; જંગલમાંથી સસલાં, તેતરનો શિકાર કરી લાવે છે. નીચાં ઝાડ ઉપર કે જાળમાં પક્ષીઓનાં ટોળાં રાત ગાળે. લોકો ત્યાં જઈ પાંદડાં ભેગાં કરી સળગાવે. અજવાળાથી અંજાઈને પક્ષીઓ આમતેમ આંધળી ઊડાઊડ કરે છે; કેટલાંક દેવતામાં પડે છે, કેટલાંક ઝલાઈ જાય છે. મહુડેથી મહુડાં ગરવા માંડે એટલે વહેલી સવારે ઊઠીને લોકો મહુડાં વીણી લાવે છે, એને બાફી ખાય છે; જંગલમાંથી ઘાસપાલો કે પછી ઘર આગળ તૈયાર થયેલાં કોળાંકંટાળાં લઈ ઉજળિયાત લોકોની વસ્તીમાં આવી દાણા કે છાશ લઈ જાય છે.

માથે ઘાસના ભારા ને હાથમાં હાંલ્લાં લઈને આ નાયકણો ચાલી આવે. સાથે કૂતરાં ને બાળકો ચાલે છે. બાળકોને શરીરે એક લંગોટી સિવાય કશું નથી; હાથપગ દોરડી ને પેટ ગાગરડી. અમારે ઘેર આજે વલોણું થયું છે, ગોળીમાં છાશ ભરેલી છે. ‘બા છાહ (છાશ) મળહે કે?’ એક બાઈ બોલે છે ને બા ‘હા’ કહે છે એટલે માથેથી ઘાસના ભારા નંખાય છે. બા ઘરમાંથી છાશની માણ ભરી લાવે છે ને એમનાં હાંલ્લાંમાં છાશ રેડે છે. ‘તારે તાંની છાહ અવલ(સારી)’, નાયકણ કહે છે. છોકરાં રસ્તામાંથી ખાખરાનાં પાન તોડી લાવ્યાં હોય તેમાં કે પછી પોશે પોશે છાશ પીએ છે. બા કહે છે : ‘અલ્યા, તમે તો બહુ પી ગયાં!’ બાઈ કહે છે : ‘બા, છોરાં બે દનનાં ભૂખ્યાં છે.’ આ છાશ એમને ત્રણેક દિવસ ચાલશે; એ પછી પાછાં ઘાસનો ભારો કે જે મળ્યું તે લઈને છાશ લેવા આવશે. કોઈ વાર કશું લીધા વગર આવે ને બા બધાંને છાશનાં હાંલ્લાં ભરી આપે.

માથે મોટાં મોટાં પોટલાં, હાથમાં ઠોબરાં ને સાથમાં છોકરાં ને કૂતરાં લઈને પસાયતામાંથી પશ્ચિમ ભણી જતાં આદિવાસી સ્ત્રીપુરુષોની હાર વાડામાંથી દેખાય છે. તેઓ મજૂરીની શોધમાં નીકળ્યાં છે. જ્યાં મજૂરી મળે ત્યાં જવાનું; મગફળીઓ વીણવાના દિવસો છે. ખેડૂતો નાયકાંને ખેતરમાં બેસાડી દે છે. અમારા ગામથી દસ-બાર ગાઉ દૂર કાલોલની સીમમાં મેં મારાં આ વતનભાંડુઓને મજૂરી કરતાં જોયાં છે. હું કાલોલમાં મારી બહેનને ત્યાં ભણવા રહ્યો છું. બનેવીએ મને એમના ખેતરમાં મગફળીઓ વિણાય છે તેની તપાસ રાખવા મોકલ્યો છે. આઠ-દશ સ્ત્રીપુરુષો મંડી પડ્યાં છે. શેઢે ઝાડ નીચે એમનાં નાગાં બાળકો રમે છે, ઝાડે બાંધેલી ઝોળીમાં કોઈ ઝૂલે છે. હું પૂછું છું : ‘અલ્યા કિયા ગામના?’ જવાબ મળે છે : ‘પાધોરાનાં, મોળનાં, ગમાણીગોદલીનાં’ – મારા વતનનાં. કામ કરતાં જાય છે; છાનાંમાનાં મગફળીઓ ફોલી ખાય છે; જુવાનિયાં ગાય છે, અશ્લીલ વાતો ને ચેનચાળા કરે છે. સાંજે ગામમાં આવી વીણેલી મગફળીઓ ધણીને સોંપે છે ને મજૂરીના પૈસામાંથી અનાજ ખરીદી ખેતરમાં જઈ રાંધી ખાય છે.

આ પાલ્લી ગામથી મોતી કાશી આવે છે. માથે બાંધેલા ફાળિયામાંથી લીરા લટકે છે, મોં પર ઘડપણે ને ગરીબાઈએ ઊંડા ચાસ, આંક્યા છે. ‘પગે લાગું ગૌરદેવ’ કહી, દાદાના ‘આશરવાદ’ લઈ ઓટલીને અઢેલીને બેસે છે. બેચાર આડીઅવળી વાતો કરી મુદ્દા પર આવે છે : ‘દાદા, ઊંટ ઉઠાડવાનું છે.’ દાદા તરત સમજી જાય છે : મોતી કાશી પાસે અફીણ ખૂટી પડ્યું છે. યજમાન અફીણનો બંધાણી ને અત્યંત ગરીબ. દાદા અફીણની માપની ગોળીઓ વાળી રાખે છે; મોતી કાશીને એક આપે છે. ચા પાય છે ને અફીણ ખરીદવા પાયલું આપે છે. ખોં ખોં કરતો યજમાન ધીમે પગલે થાણા ભણી ઊપડે છે.

પડખેના ઘોઘંબા ગામમાં છેવાડે રહેતી ચોખલી ભંગડી દાતણની એક ખાસ્સી મોટી ભારી લઈને ચાલી આવે છે. આંગણામાં આવી ઓટલા ઉપર ભારી ફેંકે છે. બા કહે છે : ‘અલી, દાતણ નથી જોઈતાં; છે.’ (અમે બાવળિયે ચડી દાતણ લાવીએ એટલે ઘણુંખરું દાતણ હોય જ.) ચોખલી લાચારીભર્યું હસે છે ને ધીમેથી કહે છે : ‘બા, બે દનથી ખાધું નથી; કાંઈ આલો તો હારું.’ ભંગડીને ભીખ માગવાનો અધિકાર નહિ એટલે એ દાતણ લાવી છે. બાને દયા આવે છે. દાતણ લઈ લે છે ને સેર દોઢ શેર દાણા આપે છે. પહેરેલા લૂગડાને છેડે દાણા બાંધીને ચોખલી હજી વાડ આગળ સંકોચાઈને ઊભી છે; નથી બા સામું જોતી કે નથી આજુબાજુ જોતી, નીચે ધરતી સામું જોઈ રહી છે : ‘કેમ અલી?’ બા પૂછે છે એટલે એનું બયાન શરૂ થાય છે : ‘બા ઘરમાં છોરી મોટી છે, પહેરવાનું નથી, એટલે બહાર.... ફાટલી ઘાઘરી કે પોલકું હોય તો આપો ને, બા.’ બા ઘરમાં જઈ જૂનાં લૂગડાંનો બચકો છોડે છે ને પહેરવા જેવાં ઘાઘરી-પોલકું કાઢી આપે છે. જાણે આખી જિંદગીનો પ્રશ્ન ઊકલી ગયો હોય એવો સંતોષ ચોખલીના મોં ઉપર દેખાય છે. બે દિવસ પછી પાછું એનું એ. એકાદ ટોપલી ગૂંથી લાવશે ને કહેશે : ‘બા, કાલનું ખાધું નથી.’ સામ્યવાદનું તત્ત્વજ્ઞાન કે ઉમાશંકરનું ‘જઠરાગ્નિ’ ને સુન્દરમૂનું ‘ભંગડી’ કાવ્ય ત્યારે મારી જાણમાં નહિ, એટલે આ ગરીબાઈનાં મૂળ શોધવાનું ગજું નહિ; પણ લાગણી જેવું ખરું એટલે આવા પ્રસંગે હૃદય વિષાદથી ઘેરાઈ જાય. ઘડી બે ઘડી પછી રમતમાં પાછું એ બધું ભુલાઈ પણ જાય.

કરડ નદીના અમારા ગામમાં આરાથી ઉપરવાસ સ્મશાન છે. મસાણિયે આરે પાણી પણ સારું, ઊંડું રહે છે. ગોઠમાં તો બ્રાહ્મણોની વસતિ ને બીજી વસતિ ઉપર એમનું વર્ચસ એટલે ગોઠનાં કોળી સ્ત્રીપુરુષો ગામને આરે તો માછલાં ન પકડી શકે, પણ દૂર મસાણિયે આરે જાય. થાણામાં વળી કોઈ ધર્મિષ્ઠ(!) અમલદાર આવ્યો હોય તો તે આવાં માછલાં મારનારને પકડાવી લાવે ને ફટકારે. માછલાં ઉપર દયા બતાવનાર, માણસ તરફ દયા ન બતાવી શકે! આવો ભય ટાળવા માટે ગામલોક મધરાતે માછલાં પકડવા જાય. પાસે જાળ તો હોય નહિ; એટલે પહેરેલું ધોતિયું કે સાડલો બે જણ પકડીને પાણીમાં ડુબાડે ને ચારે છેડા પકડીને ઊંચકી લે; જે આવે એ ખરું. તીરકામઠું લઈને ક્યારેક પાસેના જંગલમાં નીકળી પડે ને હોલાં કે તેતર મારી લાવે.

ઘોઘંબા ગામમાં ધૂળીમાશી રહે છે. એમના પતિ ઘેલભાઈ અપંગ છે, એક પગે ખોડ છે. સશક્ત હતા ત્યારે તો તેઓ મોટું-જોટું સુથારું કરતા. કોઈની ઘંટી ઠીક કરી આપે, ખીલડો બેસાડી આપે કે પછી હળલાકડું ઘડી આપે. પણ હવે એ વૃદ્ધ થયા છે; પગે ચાલી શકતા નથી, કામ કરી શકતા નથી. ધૂળીમાશીની એક દીકરી ચતુરી સાસરે જતી નથી, ઘેર જ રહે છે; પાસે જમીન નથી. મા-દીકરી શી રીતે દહાડા કાઢતાં હશે, કોણ જાણે! રોજના રોટલા રળવાની આવી કઠણાઈને લીધે આયુષ્યની છેલ્લી અવસ્થાએ ઘેલભાઈને ઘર બહાર ધકેલી મૂકવામાં આવ્યા છે. માટીનું એક ઠોબરું લઈને ઘસડાતા તેઓ માગતા ફરે છે. રાતે ઝાડ હેઠળ પડી રહે છે. બેત્રણ દિવસથી તેઓ ગોઠમાં આવ્યા છે. ગામ વચ્ચે મહાદેવ છે ને તેને પડખે આંબલી છે. ઘેલભાઈ આંબલી નીચે પડ્યા છે. એમના શરીર પર અસંખ્ય માખી બણબણે છે. પાસે કોતર ઉપરથી ઘોઘંબા જવાનો રસ્તો જાય છે. ધૂળીમાશી કોળી ફળિયામાં આવ્યાં હશે તે એ રસ્તેથી ઘેર જવા નીકળે છે. બા એમને જુએ છે અને બૂમ પાડે છે : ‘ધૂળીમાશી, આ બિચારા ઘેલભઈને ઘેર લઈ જાવ. હવે આખર વેળાએ એમને ઘરબહાર શા સારુ કાઢ્યા છે? હવે બિચારા થોડા દિવસના મહેમાન છે; ક્યાંક અહીંના અહીં મરી જશે તો.’ ધૂળીમાશી ઘેલભાઈની પડખે જ ઊભાં રહી ગયેલાં તે મોટેથી બોલે છે : ‘એ મરી જશે તો આઘડોય(ભલે), હું તે ચેટલાંને રોટલા ખવડાવું, ચ્યાંથી લાવીને ખવડાવું?’ (ઘેલભાઈ ભાનમાં હશે તો એમણે સાંભળ્યું હશેસ્તો.) ઘેલભાઈ ને ધૂળીમાશી પતિપત્ની છે; રોટલાના દુકાળે બેને વિખૂટાં પાડ્યાં છે ને પત્નીને આવી નિષ્ઠુર નિર્મમ બનાવી દીધી છે. બા માત્ર આટલું જ બોલે છે : ‘મૂઆં એ ધૂળીમાશી હોય ત્યાંથી!’ માણસ આ રીતે મરી જા’ છે ને આસપાસની દુનિયાનું રૂંવાડુંય ફરકતું નથી. ભૂખમરાથી થતા મરણની તપાસ કે નોંધ અહીં કોઈ રાખતું નથી.

દાદા બારેક વાગ્યે યજમાનનો કોઈ અવસર પતાવી ઘેર આવે છે. બા સીધાનું પોટલું છોડે છે. ચોખા છે, દાળ છે, એક પડિયામાં ગોળ છે; ચોખામાં થોડી મીઠાની કાંકરીઓ ને આખાં સૂકાં મરચાં છે. બા પૈસાની વાત કરે છે એટલે દાદા યજમાનનાં વચનો બોલી જાય છે ‘ગોરદેવ, ઘરમાં કાંઈ નેહેં(નથી); વરહ નબળું છે; છોરાં ભૂખ્યાં છે; દાણા વેચીને તમને દખણા આપીશ; ગોરદેવનું કંઈ ખાઈ જવાય કે! ભરાંમણનું દેવું માથે રાખીએ તો નરકમાં પડીએ...’ ગરીબ યજમાનો પાસે જો દૂઝણું હોય તો દૂધ આપી જવાનું કહે છે. ઘી આપી જવાનું કહે છે. લગ્ન જેવા પ્રસંગે આ ગરીબ ખેડૂતો વાણિયાને ત્યાંથી વ્યાજે પૈસા લાવે છે, ખેતર લખી આપે છે કે ઘરેણાં ગીરે મૂકે છે. વાણિયો ચોપડે જે લખે તે ખરું. અભણ ખેડૂતને તો એ લખાણ તે ‘કાળા કાળા મંકોડા ને રાતી રાતી ઝિમેલો!’ હિસાબ આવડે નહિ. વાણિયો કહે તે ખરું. આદિવાસીઓ તો બિચારા ન તોલમાં સમજે કે ન ભાવમાં! અરે નોટો અને સિક્કાઓનીય પૂરી ઓળખ ન મળે! ત્રાજવ ઉલાળીને તોલ કરે ને જે પૈસા આપે તે લેવાના. આથી જ તો અહીંના આદિવાસી વિસ્તારોમાં જ્યાં ઉજળિયાત માણસનું મોં પણ જોવા ન મળે એવાં ગામડાંમાં વહોરા ને વાણિયા વેપાર જમાવી બેઠા છે ને કેટલાક ‘તન કપડે’ હતા તે ‘બે પાંદડે’ થાય છે. દુકાનમાં અનાજના ઢગલાઓ વચ્ચે ભૂખ્યો ખેડૂત, ભૂખ્યો આદિવાસી શેઠે ‘મફત’ આપેલી બીડીનો ધુમાડો કાઢતો બેઠો છે; આસપાસની દુનિયા એને અસ્પષ્ટ ધૂંધળી દેખાય છે.

આવી અસહ્ય ગરીબી, રોજનો ભૂખમરો છતાં આ પ્રદેશમાં ચોરી-લૂંટનો ભય નથી, ‘રામરાજ્ય’ છે. આ પ્રજામાં ગુનો કરવાની હિંમત જ નથી. દરિદ્રતા અહીંની પ્રજાને કોઠે પડી ગઈ છે, ને તેથી જ આવા જંગલ વચ્ચે રહેતાં અમને કદી બિનસલામતી લાગતી નહોતી. ખળામાંથી દાણા ચોરાયાનું કે કોઈ શાહુકાર રસ્તે લૂંટાયાનું સાંભળ્યું નથી. ચોરીનો એક કિસ્સો સાંભરે છે. અમારા ગામમાં પરગામથી – છોટિયાનું કુટુંબ આવીને રહેલું. એના પુત્રો રેવલો ને રૈલો અમારા ખાસ દોસ્ત. આ છોટિયો એક રાત્રે અમારી પડોશમાં જેઠારામ પાઠકના ઘરમાં પેઠો. ઘરનો પૂર્વ તરફનો કરો અતિવૃષ્ટિના વરસમાં પડી ગયેલો તે જેઠાકાકાએ ફરી બંધાવેલો જ નહિ. છોટિયો માળિયા પર પહોંચ્યો, એણે થોડા દાણા બાંધ્યા ત્યાં તો જેઠાકાકા જાગી ગયા. પોટલું મૂકીને એ ભાગ્યો ને ઘેર જઈ સૂઈ ગયો. જેઠાકાકાએ એને ઓળખી લીધેલો. રાતે ને રાતે ફોજદારને બોલાવી ફરિયાદ કરી. પોલીસો જઈને છોટિયાને પકડી લાવ્યા. ચોરી એણે કબૂલ કરી, પણ ચોરી પકડ્યાનો વિજય ચોરને માર્યા વગર ઉજવાય કે? છોટિયાને માર્યો ને બે મહિનાની કેદની સજા કરી. પણ આ તો એક વિરલ કિસ્સો ગણાય – હજારો ભૂખ્યાં માણસોમાંના એકનો.