વસુંધરાનાં વહાલાં-દવલાં/૧૦. મદારી મળે છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૦. મદારી મળે છે

આકાશના અનંત ગોળમાં નક્ષત્રો અરધું ચક્કર ઘૂમી વળ્યાં હતાં ત્યારે અનાથાશ્રમનો નવો બાળક જાગ્યો. ઊંઘ અને ભૂખનું જે રોજેરોજનું યુદ્ધ છેલ્લા છ મહિનાથી એના શરીરમાં મચી ગયું હતું તેમાં ઊંઘ પરાજય પામી. ભૂખે એને બેઠો કર્યો. ભૂખ એને પથારીમાંથી બહાર દોરી ગઈ. એ કોને ગોતવા જાય છે તેની પ્રથમ તો એને ખબર પડી નહિ. એણે પોતાની જીભ ફરીફરીને હોઠ પર ફેરવી. એના હોઠ અને જીભ પોતાની યાદદાસ્તને તાજી કરતા હતા. માણસનું મગજ ક્યાં હોય છે તે તો દેહના વિજ્ઞાનીઓ જાણે છે ને જણાવે છે, પણ બાળકની બધી જ અક્કલ હોઠ અને જીભમાં વસેલી છે એ રોજનો અનુભવ છે. એટલે જ બાળક પોતાને ધાવણ દેતી બંધ પડનાર જનેતાને ભૂલી જઈ પોતાને ધવરાવનાર કૂતરીને વિશેષ યાદ કરે છે. નવા બાળકનાં હોઠ ને જીભને છ મહિના પરના પહેલા દિવસના બપોરની કૂતરી તો યાદ ન આવી, પણ મોંમાં અડકેલ એનાં સુંવાળાં આંચળ સાંભર્યાં. એ આંચળની સુંવાળપ શોધતો બાળક દરવાજે આવ્યો. દરવાજાની અંદર ફાનસ હતું ને બહાર અજવાળું હતું. અજવાળાની બિહામણી સૃષ્ટિમાં જે નહોતું તેને અંધારાની દુનિયા સંઘરીને બેઠી હશે તો? દરવાજા પર બાળકે હાથ પસાર્યા, દરવાજો બંધ હતો. હાથ છેક નીચે સુધી ગયા ત્યારે ભોંય અને દરવાજાનાં કમાડની વચ્ચે એને ગાળો લાગ્યો. બીડેલાં બારણાંની ઝીણી ચિરાડમાંથી પણ બહાર નીકળવાનો બેવકૂફ પ્રયાસ માનવી કરતો આવ્યો છે. માના ગર્ભાશયની સંપૂર્ણ સલામતી પણ માનવીને મુક્ત જીવનની ઝંખના પાસે તુચ્છ લાગી છે. જીવનનો એ અનાહત નાદ છે. એ જ પ્રકૃતિનું તત્ત્વ છે. બીજી તમામ વિકૃતિ છે. નાનો બાળક કોઈના પણ શીખવ્યા વગર દરવાજા હેઠળના સાંકડા અને અણીદાર સળિયાવાળા ગાળામાંથી બહાર નીકળ્યો. સળિયાના ગરજા (અણીઓ)એ એના શરીર પરની ચામડી ઉતરડીને લોહી ચાખ્યું. પણ મોકળાપણાનું એ મૂલ્ય શી વિસાતમાં છે? બાળક ભાંખોડિયાભર હતો તેમાંથી ઊઠ્યો અને ચાલતો થયો. નવો પ્રદેશ એને આકર્ષક લાગ્યો. અંધારાનો ભય માતાના ઉદરમાં સાડા નવ માસ પુરાનાર માનવ-પ્રાણીની પ્રકૃતિનું તત્ત્વ નથી. એ ભય તો દુનિયાએ ભણાવેલું ભણતર છે. આ બાળકની આજ સુધીની સૃષ્ટિમાં એ ભય નહોતો પ્રવેશ્યો. અંધારું જાણે એને આંગળીએ વળગાડીને ચાલ્યું. પવન ફૂંકાતો હતો.. પવને એના શરીરને નાની નાવ કરી નાખી ને અંધારું જાણે કે દરિયાનું અનંત કાળું જળ બની ગયું. મોકળી જિંદગીના તલસાટને રૂંધનાર ત્યાં કોઈ નહોતું. આશ્રમના ઉંબરામાં જ વેરાન ઊભું હતું. સમાજની સમસ્ત કાળાશ જ્યાં છુપાવવામાં આવતી હોય ત્યાં સફેદ પોશાકનો પહેરનારો સમાજ પાડોશીપણું રોકતો નથી હોતો. આશ્રમની બહાર બીજું કોઈ મકાન નહોતું. મિલના મેલા પાણીની નીક મોટા અજગરનું રૂપ ધરીને આડી પડી હતી. એના કમર સુધીના વહેણમાં થઈને બાળક પાર નીકળી ગયો. પણ હજુ એનાં હોઠ-જીભની શોધ પૂરી નહોતી થતી. અંધારામાં ખાડાખબડિયા આવતા ને બાળકને એક-બે ગુલાંટો ખવરાવતા. પણ થોડા દિવસ પર માતાના કૂબામાં ગામ-ટોળાના ઝનૂની પગની હડફેટે ચડવા જેવી કશી જ ભયાનકતા એ ખાડા-ટેકરાના માર્ગરુંધનમાં નહોતી. ટેકરાઓ ગાળો નહોતા દેતા. હાકોટા નહોતા પાડતા. પકડી નહોતા રાખતા. પોતાની છાતી પર થઈને ચાલવા દેતા. ટેકરા ને ખાડા માયાળુ હતા. તેમણે ‘સાહેબ, સલામ’ કરવાની ફરજ પાડી નહિ. પવન જાણે કે ટેકરા-ખાડાઓના પોલાણમાં પેસીને લપડાકો મારતો હતો. ખેતરને શેઢે કોઈક કાળા આકારો દેખાયા. તારાઓએ પ્રકાશિત કરેલું અંધારું જેટલું કાળું નહોતું એટલા એ આકારો હતા. બાળકે એ દિશા પકડી. બે-ત્રણ નાના નાના ભડકા થયા, અને તે પછી જાણે કોઈ નાનો-શો અગ્નિ થોડે થોડે અંતરે ઝબૂક ઝબૂક કરતો રહ્યો. આકાશમાંથી પૃથ્વી પર પડેલા એ શું તારો ઝગતો હતો? બાળકની કલ્પનાસૃષ્ટિમાં બીજી કોઈ ઉપમા જડવી અશક્ય હતી. બાળકની જીભને પહેલું પોષણ આપનાર માતા છે. બાળકની કલ્પનાને પહેલું ધાવણ ધરાવનાર આકાશ છે. એટલે જ બાળ રામચંદ્રજીનો સૌ પહેલો કજિયો ‘મા મને ચાંદલિયો વા’લો’નો જ હતો. એટલે જ દુનિયાએ એને ચાટલામાં ચંદ્રનું પ્રતિબિમ્બ બનાવીને ફોસલાવી લીધા હતા. બાળકની જીભ લબકારા કરવા લાગી. ઝબૂકતો અગ્નિ કોઈક ખાવાની ચીજ હોવી જોઈએ. તારાઓનાં દર્શન પછીની પહેલી સંજ્ઞા કદાચ બાળકને આ જ હશે કે માનાં સ્તનોની એ કોટાનકોટિ ડીંટડીઓ છે. આમ ન હોત તો બાળક કોઈ સુંદરીના અંબોડાના શોભાવ માટે જ સર્જાયેલા મનાતા ફૂલને કે રાજાના તાજમાં જડાવા નક્કી થયેલ હીરાના હોઠ વચ્ચે જ સૌ પહેલું શા માટે પકડત? આવી કલ્પનાઓમાં ભમવાને જેટલો કાળક્ષેપ કવિજનો કરે છે તેટલો કાળક્ષેપ બાળકે નહોતો કર્યો. એના પગ એને એ ઝબૂક ઝબૂક થતા અગ્નિની છેક જ નજીક પહોંચાડી ચૂક્યા હતા. એને દેખીને પૃથ્વી પર લાંબો થઈને પડેલો એક આકાર સળવળી ઊઠ્યો ને એમાંથી ઉપરાઉપરી ઘુરકાટ ઊઠ્યો. એક પલમાં જ એક આદમીની હાક ઊઠી: “હે હે તને ઓઘડનાથ ખાય, હડમાન તારા બત્રીસે દાંત પાડે, તને છપ્પન જોગણીઓ ભરખે, પીર ઓલિયા પોગે તને, ખબરદાર રે’જે, ભૂતડા! તને ભૂતનાથની દુવાઈ!” બાળકને આ શબ્દોની સાન નહોતી. એ ચૂપચાપ થંભી ગયો. અને બોલનાર આદમીની ચારેય બાજુ, નહિ પશુ, નહિ માનવી એવા ત્રણ-ચાર આકારો તીણી ચીસો પાડતા કૂદાકૂદ કરી રહ્યા. “કુણ છો રે?” માનવીએ પોતાનો ભય અર્થ વગરનો જોઈને જરા નિહાળી નિહાળી જોયું. “મા.” બાળકને એ એક જ શબ્દ જન્મ પછી પહેલો જીભે ચડે છે ને એ એક જ શબ્દમાં માનવની અંતઘડીની—આખરી વાણી ખતમ થાય છે. “થા...મ!” એવો એક હળવો બોલ બોલીને એ માનવી ઊભો થયો ને એની ચોપાસ ફરતી કૂદાકૂદ બંધ પડી. ચારેક આકારો લપાઈને બેસી ગયા. ઊભા થનાર આદમીના હાથમાં ચલમ હતી. આઘેથી ઝબૂકતો અગ્નિ એ ચલમનો હતો. આદમી બાળકની નજીક આવ્યો ત્યારે એ બાળકના કરતાં સાતેક ગણો ઊંચો લાગ્યો. બાળકે એની સામે જોયું, પણ ચહેરા સુધી નજર પહોંચી નહિ. કદાવર આદમી નીચો વળ્યો. એના કાળા મોં ફરતી સફેદ દાઢી હતી. એનું શરીર ફક્ત કમર ફરતા લપેટેલા જીર્ણ કપડા સિવાય આખું જ ઉઘાડું હતું. એના માથા પર જટા જેવા લાંબા વાળ હતા. એ મનુષ્ય દેખાતો હતો તે કરતાં સુકાઈ ગયેલા તાડ જેવો વધુ દેખાતો હતો. “કુણને ગોતછ રે?” એ પૂછતું એનું મોં વિકરાળ હતું, પણ એના નમેલા શરીરે એ વિકરાળતામાં સુંવાળપ મૂકી. “મા.” બાળકે ફરી વાર મહામહેનતે એ શબ્દ ઉચ્ચાર્યો. “તારી મા! આંહીં? મદારીના લબાચામાં? તારી માને મેં થોડી સંતાડી છે? હું ચોરું તો છોકરાં ચોરું. તારી મા જેવડી માને ચોરીને ક્યાં છુપાવું, ગમાર?” “મા.” “તારી મા? આ રતનબાઈ તારી મા છે? તું તો વાંદરું નથી, ભાઈ! તેમ તું રીંછડુંય નથી! આ મારી હેડંબા રીંછણ તારી મા છે? હેં હેડંબા?” એમ કહેતો એ માણસ પોતાની પાસે લપાઈને બેઠેલી કાળી આકૃતિ તરફ વળ્યો. “તું વળી કારે માણસનું ઘર માંડવા પોગી ગઈ’તી? આ તારો છોકરો છે?” “ઘે-ઘે-ઘે-ઘે-” એ લાંબી પડેલી કાળી આકૃતિએ પોતાના આ અપમાન સામે વાંધો ઉઠાવ્યો. “હે-હે-હે-!” માનવી હસ્યો... “લે, સાંભળ ટાબરિયા! રીંછણ પણ કહે છે કે એ તારી મા નથી. ત્યારે કુણ તારી મા છે આંહીં?” “મા-આ-આ-” છોકરો રડ્યો. “કુણ...હું? હું તારી મા? મારી કૂખ વળી ક્યારે ફાટી’થી, છોરા? મને થાપ દેવા આયો સે થું? હું કાંઈ બેવકૂફ નથી. હું પાગલ પણ નથી. હાં, હું તો હકીમ છું. હકીમો તો બીજાને પાગલ બનાવે. તારા બાપને, તારા બાપના બાપને, તારી સાત પેઢી માયલા કોઈ ને કોઈ હકીમે-વૈદે પાગલ નથી બનાવ્યો કે?” “મા.” “આંહીં આવ. તું મારી જડતી લેવા આવ્યો છો ને, ટાબર? તું શું ફુલેશ છો? શાવકાર છો? આંહીં આવ.” બુઢ્ઢાએ બાળકને પોતાના સરંજામ પાસે લીધો. એક કાવડ હતી. કાવડને બંને છેડે બે ઝોળીઓ હતી. કરંડિયા ખોલીને બુઢ્ઢાએ કહ્યું: “લે, જોઈ લે મારા લબાચા. આ મારી એક ડીકરીનું ઘર છે.” એમ કહી એક કાળી ડાબલી લીધી. “આમાં ડીકરી સૂતી છે ઈ તો તારી મા નહિ ને? ઊઠ એય ડીકરી, તારું રૂપ દેખાડ. તારે ડિલે લૂગડાં તો નથી, એટલે તને નાગી ને નાગી જોઈ લ્યે આ ટાબરિયો.” એમ કહીને દાબડી એણે એક કાળી ભમ્મર વીંછણ કાઢી. વીંછણનો આંકડો પકડી એને અધ્ધર લટકાવી: “લે, આ તારી મા છે?” “નહીં? ઠીક લે, બીજી છોકરી બતાવું.” એમ કહીને એણે એક નાના કરંડિયામાંની ચંદનઘો કાઢી. “આ તારી મા? નહિ? ઠીક, હાં, હાં, મારી કને એક-બે માણસની છોકરિયું પણ છે. એને પૂછીયેં.” “મા.” “હવે તો હું એક રિયો છું, ભા! તારી મા છું? હું તે કેટલાકની મા થાઉં? ઠીક, આવ, બેસી જા, આંહીં.” બાળકને આટલા બધાં જીવતાં-મરેલાં રમકડાંમાં અજબ રસ પડી ગયો. એ ભય વગર બેસી ગયો. “તારી નજર ક્યાં ટાંપી રહી છે?” એમ કહીને એણે એક વાટકો ને તેના પર પડેલો ટુકડો રોટલો બતાવ્યો. “આની ગંધ આવી કે તને? ઇન્સાન છો ને! કોઈ ભૂખ્યા માણસને અધરાતેય ખાતો ભાળી શકાતો નથી કે? આ વાટકામાં દૂધ છે એ કાંઈ તારી મા નથી મૂકી ગઈ આંહીં. આ મારી ડીકરી ચંદનઘોએ અને મારી કાળવી નાગણીએ ન પીધું તેટલું એઠું લઈને હું ટુકડો રોટલો ખાવા બેસતો’તો, મારે બુઢ્ઢાને દાંત ક્યાંથી કાઢવા? તારું મોં ફાડ તો!” એમ કહીને એણે બાળકના મોંમાં પોતાની લાંબી આંગળી ચોપાસ ફેરવી. બાળકની જીભ હોઠને મમળાવી રહી હતી. એની નજર ઘડીક બુઢ્ઢા સામે ને ઘડીક દૂધના વાટકા સામે ટળવળતી હતી. “ઠીક ભા, મેં આ ઝેરી જાનવરોનાં મોંમાંથી ઝૂંટવ્યું, ને તું હવે મારામાંથી ઝૂંટવી જા. ઊભો રે’, દૂધ કમતી છે. રોટલો ચોળી દઉં.” દૂધમાં રોટલો ચોળતો ચોળતો બુઢ્ઢો બાળકને ઝીણી નજરે તપાસતો હતો ને કહેતો હતો: “ખાઈ-કરીને ભાગી જાઈશ નહિ ને? ખાઈને ખુટામણ કરવાનો તો આપણા બાપદાદાનો ધંધો છે, ખરું ને? ખાઈને નથી ખૂટતાં આ જાનવરો. માટે તો હું જાનવરોનો સંગાથ ગોતીને પડ્યો છું ને? તું ઇન્સાન, મારો પીછો લેવા પોં’ચ્યો, તે મેં એવું કયું ધરમ કરી નાખ્યું’તું એલા? મને કોઈ ધરમ કર્યાનું સાંભરતું નથી. મેં તો આ વાંદરાંના મોંમાંથી પણ મૂળો આંચકીને ખાધો છે.” બુઢ્ઢો મદારી ચોળેલાં દૂધ-રોટલો બાળકને મોંએ કોળિયે કોળિયે મૂકવા લાગ્યો. આખા દિવસની ભૂખે બળતો બાળક ખાવા લાગ્યો. બીજા હાથે બુઢ્ઢાએ એ ચોળેલ દૂધ-રોટલાનો અરધો ભાગ દબાવી રાખ્યો. બાળકે એના હાથને ઉખેડી નાખીને માગ્યું: “મા-મા—” “એટલો મારો ભાગ છે. મને ભૂખ લાગી છે. છોડ!” બુઢ્ઢાએ બાળકની સામેથી વાટકો લઈ લીધો. બાળક ઊઠીને વાટકો હાથ કરવા ગયો. બુઢ્ઢાએ બાળકને રોકવા મહેનત કરી. બાળકે બુઢ્ઢાના જીર્ણ દેહ સાથે જુદ્ધ માંડ્યું. આખરે એકાએક બુઢ્ઢાના ઉઘાડા દેહની છાતીની લબડેલી ચામડી પર જ્યારે બાળકે સ્તન માની લઈ બાચકો ભર્યો ત્યારે બુઢ્ઢાએ પોતાનો પરાજય કબૂલ કરી લઈને ખિજાયેલા હાથે વાટકો બાળક સામે પછાડ્યો: “લે ખાઈ જા. ખાઈ જા.” ને તમામ ધાન એણે બાળકના મોંમાં ઓરી દીધું. ખાલી વાટકામાં થોડુંઘણું જે કાંઈ ચોંટી રહ્યું હતું તે પોતે ચાટી જઈને પછી ખીજમાં વાટકો પછાડ્યો. “લે, પાણી લઈ આવું!” એમ બોલી ડોસો વાટકો લઈ ઊઠ્યો. બાજુમાં વરસાદના પાણીનું ત્રણેક મહિનાનું જૂનું ખાબોચિયું હતું, ત્યાં પોતે ત્રણ-ચાર વાટકા પાણી પીને પોતાના ભૂખ્યા પેટને ઠગી લીધું ને એક વાટકો છોકરાને માટે ભરી લઈ આવ્યો. છોકરો ઝોલે ગયો હતો. એણે અરધી ઊંઘમાં ને ઊંઘમાં પાણી પીધું ને પછી એ ઢળી પડ્યો. ટાઢો પવન ઝપાટા મારતો હતો. પાછલી રાત રોગિયલ ઠંડીના માનવભક્ષી મંત્રો જાણે કે જગત પર છાંટતી હતી. ગામનાં કૂતરાંના રુદન-સ્વરો પવનમાંથી ગળાઈને આવતા હતા. એ સ્વરો સાંભળીને મદારીનાં વાંદરાં ને રીંછણ વારેવારે ચમકતાં હતાં. બે ખેતરવા આઘી પડેલી કાપડ-મિલના ચોકિયાતો ખોંખારા મારતા ચોકીનો ડોળ કરી મિલનું કાપડ ચોરતા હતા. ડોસાએ શરીર લંબાવ્યું. પાછું કાંઈક સાંભરી આવ્યું એટલે એ ઊઠ્યો. છોકરાના ઊંઘતા શરીરને ઉઠાવીને એ રીંછણ પાસે લઈ ગયો. કહ્યું: “હેડંબા!” રીંછણે જવાબમાં ઘુરકાટ કર્યો. “જાગછ?” બીજો ઘુરકાટ. “આ આફતને તું તારી ગોદમાં સાચવ ને, બાઈ! આ ટાઢમાં ઠૂંઠવાઈ રેં’શે.” ત્રીજો પ્રેમાળ ઘુરકાટ. ડોસાએ છોકરાને રીંછણની ગોદમાં મૂક્યો. ફરી સૂઈને પાછો ડોસો ઊઠ્યો. “હેડંબા!” હેડંબા ઘૂરકી. “મને બેવકૂફને યાદ આવ્યું. આપણાથી આંહીં પડી ન રે’વાય. સવાર પડશે તો કમબખ્ત છોકરાની ગોત થાશે ને મને ફુલેસ ઊંચો ટાંગી હેઠ બળતું કરશે. હાલો, આ કમબખ્તે એક તો મને લાંઘણ કરાવી છે, ને ઉપર જાતો હવે મને પંથ કરાવશે.” કાવડની એક ઝોળીમાં પોતાનો બીજો તમામ સરંજામ ભરીને સામી ઝોળીમાં ફાટેલ ગાભો પાથરીને તેમાં છોકરાને નાખ્યો. કાવડ બીજા ખભા પર ઉપાડીને ડોસાએ કાળી રાતે ખેતરો ચીરતો ખારાપાટનો રસ્તો લીધો. વાંદરાં ને રીંછણ પાછળ ચાલ્યાં આવતાં શા શા વિચારો કરતાં હતાં તે તો કોઈથી ન કહી શકાય, પણ સૌની ચિંતા આ નવા આવેલ માનવબાળ પર એકાગ્ર બની હતી એટલું કહેવામાં અમે માનવી હોવા છતાં પણ અસત્ય આક્ષેપ નથી કરતા એટલું તો એ પશુઓ પણ કહેશે.