વસુંધરાનાં વહાલાં-દવલાં/૧૮. છેલ્લું કરજ ચૂકવવા—

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૮. છેલ્લું કરજ ચૂકવવા—

તેજુ અબોલ બની ગઈ હતી. એની આંખોમાં આકાશની વાદળ-વરણી શૂન્યતા ઊઘડી ગઈ. માનવીની કોડી કોડી જેવડી નાની આંખોમાં કોઈ કોઈ વાર અનંતાં ગગન આવીને સમાઈ જાય છે, આકાશની નીલિમાએ જાણે કોઈ ઝાડની ડાળે માળો બાંધ્યો. એના હોઠ પર વીતેલાં વર્ષો નાનાં ગુલાબો જેવાં નાચતાં હતાં. છાતીનાં છૂદણાં ઊડ ઊડ થતાં નીલ-પંખી બની રહ્યાં, કેમ કે હૈયું ધીરું ધીરું થરથરાટી કરતું હતું. “તને શું થાય છે?” પૂછતો વૃદ્ધ પોતાના ફાળિયાના છેડાથી એને પવન વીંઝવા લાગ્યો. એણે દસ વર્ષના ગાળામાં તેજુને આટલી આકુળ કદી નિહાળી નહોતી. “એને પૂછતાં ભૂલી ગઈ.” “શું પૂછવું હતું?” “છોકરાને કાંડે ઝાડવું ને તળાવડી છૂંદેલાં હતાં કે નહિ?” “તું ઘેલી બની ગઈ?” “હજુ પૂછી આવશો?” “વૈદને બોલાવી લાવું?” “એણે કહ્યું ને કે છોકરો હસ્યા જ કરતો હતો, દોર તૂટ્યો ને એ પડી ગયો તોય દાંત કાઢ્યા કરતો હતો?” “આ શું ચેન ઊપડ્યું છે?” “એ તો નહિ હોય?” “કોણ?” લાલકાકાને દસ વર્ષ પૂર્વે આગગાડીના ડબામાં તેજુએ જે વિગતો સંભળાવી હતી તે તમામની યાદદાસ્ત રહી નહોતી. “મારો ખોવાયેલો છોકરો.” લાલકાકાને હાંસી આવી. “ક્યાં તારો છોકરો—ક્યાં રૂપનગરનો નટડો! શાં ઘેલાં કાઢી રહી છે!” પણ તેજુ ઘેલાં નહોતી કાઢી રહી. એણે ખાતરી આપી: “એ હસતો જ હતો. એને આશ્રમવાળા મારતા તો પણ એ આંસુ ખેરતો ખેરતો હસતો હતો. બે નાનાં છોકરાંએ મને વાત કરી હતી. એ વાત મેં તમને નહોતી કરી? નહિ કરી હોય. એ જીવતો છે. એના અંગને માથે મારાં ભરત-કામ ચડ્યાં હશે! ખરી વાત? મારી આંગળીઓમાં ઘણી ઘણી વાર સોય ભોંકાણી છે. લોહીના ટશિયા આવ્યા છે. એટલું બધું લાલચટક લોહી કેમ નીકળતું હતું? મારા હાથ શાક સમારતાં સમારતાં ચાકુએ વઢાયા છે ત્યારે આવું લાલચોળ લોહી કેમ નથી નીકળ્યું—એ જ વિચારી જુઓ ને!” લાલકાકા મૂંઝવણમાં પડ્યા. જે શરીરને સ્પર્શ સરખોય ન કરવાનું નીમ એણે એક જ ઘરની અંદર આજ પૂરા એક દાયકા સુધી અણિશુદ્ધ પાર ઉતાર્યું હતું તે શરીરને એણે ભોંય પર ઢળી પડતું જોયું. તેજુની છાતીનાં નીલાં છૂંદણાં ફરતી, રાતાચોળ રુધિરનાં ધમધમાટને પરિણામે લાલ લાલ ભોં છવાઈ ગઈ. વૃદ્ધ દૂર બેઠો બેઠો ફક્ત પાણીની ઝાલક છાંટવા ઉપરાંત બીજું કશું જ ન કરી શક્યો. એણે પવન ઢોળ્યે રાખ્યો. તેજુએ ફરીથી આંખો ઉઘાડી. વૃદ્ધ વણિકને આઘેરો જ બેઠેલો દીઠો. દસ વર્ષની અવધને આ ગામડિયાએ આમ ને આમ જ ખેંચી કાઢી હતી. સ્ત્રીસુખની છેતરપિંડીનો એણે પોતાની જાત ઉપર જ જુલમ ગુજાર્યો હતો. જે પત્ની પોતાના ઘરની એક આરસની પૂતળી કરતાં પણ વધુ માયાવી—વધુ અવાસ્તવિક હતી, તે જ પત્નીને આણવાનો રાયજંગ એ જગતની આંખોમાં સળગતો રાખતો હતો. કુશંકા એણે કરી નહોતી. ચોકીદારી એણે રાખી નહોતી. ઘણી ઘણી વાર તેજુએ રાતમાં જાગી જાગી છાની નજરે નિહાળ્યું હતું: પોતાના દુખતા પગની એ પોતાને જ હાથે ચંપી કરતો બહારની પથારી પર બેઠેલો હોય, માથામાં ઊપડતા ચસકાને દાબવા માટે એણે મેલું ઓશીકું કપાળ પર દબાવી રાખ્યું હોય. પોતે જ્યારે જ્યારે કહેલું કે માથું-પગ દાબી દઉં, કાકા? ત્યારે ત્યારે એણે જુનવાણી વાર્તામાંથી જવાબ ટાંકેલો કે, ના દીકરી, બ્રહ્મા જેવો સરજનહાર પણ સગી દીકરીના દેહ માથે લપટાઈ ગયો હતો. હું ક્યાં બ્રહ્મા છું? આપણી દેહના આપણને શા ભરોસા? થાકીપાકીને લોથ થઈ જવાને માટે તો એણે આ ઉંમરે પણ ભરતકામ વેચવાનું નિમિત્ત બતાવી ફરતાં ગામોમાં ફેરી કર્યા કીધી હતી. આ બધું શા માટે? સમાજમાં પોતાને આબરૂદાર ગૃહસ્થી તરીકે ઓળખાવું છે ને પોતાને ‘બૈરું’ ન જ મળે એવી તકેદારી રાખનારી ગામની ચંડાળ-ચોકડીની આંખમાં રાઈ આંજવી છે—બસ, તેટલા જ માટે! એ જ માણસને પડતો મૂકીને તેજુનું મન રૂપનગરની કોઈ અજાણી રંગભૂમિની વાટે દોડવા લાગ્યું. “તારા મનને ખાતરી કરાવવી છે? તો ચાલ, હું તારી જોડે આવું,” બુઢ્ઢા ગામડિયાના હૃદયમાં પ્રભુતા સોળેય કળાએ પ્રકાશી ઊઠી. “રૂપનગર આંહીંથી ક્યાં છેટું છે? આપણે બેઉ જણાં જઈ આવીએ. એ તારો જ હોય, ને જો સુખસાયબીમાં પડ્યો હોય, તો પછી તને શો વલોપાત રહેવાનો છે? ચાલ, આપણે એનો ખેલ જોઈશું. પેલો કહી ગયો કે વૈશાખી પૂર્ણિમાનો એનો મોટામાં મોટો ખેલ છે.” રૂપનગર નજીક જ છે? તેજુને એ વાતનો આનંદ ઊછળ્યો. આનંદનો એ જુવાળ વળતી જ પળે પાછો વળ્યો ને ધાસ્તીના અગાધ સાગરમાં એનાં ફીણ ભટકાઈને ભાંગી ગયા. ગામડિયો વ્યાપારી જનેતાના પાગલ કલેજાને પિછાનતો નહોતો. છોકરો પોતાનો જ છે એવી ભ્રાંતિ માત્ર પણ દસ વર્ષના સંયમની ભેખડોને ભાંગી-ફોડી બહાવરી બનશે, લોકોની મેદની વચ્ચે માતૃહૃદયની ઘેલછા માઝા છોડશે, લોકપ્રતિષ્ઠાની ભાંગલી ખોખરી નાવને એ ઘેલછાના તરંગો ભુક્કો કરી નાખશે, ત્યારે આ વાણિયો ત્રંબોડા ગામમાં પગ મૂકતાં પહેલાં મરવું ભલેરું માનશે. મરજાદનાં વ્રતનિયમો ઉપાસતું લાલકાકાનું બૈરું તો મારું દીચરું સંસારમાં એક પંદર વરસનો દીકરો ફેરવી રહ્યું’તું એવી લોક-હાંસી વાણિયાને આટલાં વર્ષે જિંદગીમાંથી રદબાતલ કરી મૂકશે. તેજુની નજર સામે સરખામણી ઊગી; પ્રતાપ શેઠે મારું ખોળિયું અભડાવીને આબરૂને ખાતર નરકમાં ફગાવ્યું. આ વાણિયાએ મારા આત્માને પોતાની લોક-આબરુનું નિર્મળ ઢાંકણ કરી સાચવ્યું. આજ મારું માતૃ-હૃદય એની નાની-શી આબરૂને પોતાના ગાંડાતૂર પૂરમાં ઘસડી જતાં વાર નહિ લગાડે. રૂપનગર નજીક છે માટે નાસી છૂટો. રૂપનગરની હવાનાં પરમાણુઓ પણ ન પહોંચે તેટલા દૂર નીકળી પડો. ચંપા વાણિયાણનું નામનિશાન પણ ન રહે. મારો બાળ જીવતો છે. ચકલાંને પાયેલું પાણી એને મોંએ પહોંચી ગયું છે. ઇજ્જત અને આબરૂના સિંહાસન પર એની પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. એ પ્રતિષ્ઠાના તખ્તને આબરૂહીન માતાના અધિકારની માટી ન લાગજો. ના, ના, જઈને એક વાર જોઈ તો લઉં. મારો હશે તોય ઓળખાણ નહિ આપું. મારો નહિ હોય તોય મારો સમજી મનને છેતરી લઈશ. હવે મન ધીરજ નહિ માને. “ના...રે ના!” એણે પૂર્ણ શાંતિથી બુઢ્ઢાને કહ્યું: “ઠાલો મફતનો મને ઉધામો ચડ્યો હતો એ તો. તમે ગભરાશો નહિ. તમે સાચું જ કહો છો. રૂપનગરનો એ નટરાજ મારો છોકરો ન હોય—કદી ન હોય. હું તો ઘેલી થઈ ગઈ’તી.” પછી તે રાત્રિએ જ્યારે પોતે ચાલી નીકળી ત્યારે એણે જોઈ લીધું: વાણિયો પથારીમાં બેઠો બેઠો પોતાના જ પગની ચંપી કરતો હતો. એની પોતાની જ મુક્કીઓ એના સુકાયેલા પગની પિંડીઓ ઉપર ટપાકા બોલાવતી હતી. ચાલી નીકળતાં પહેલાં એણે ઓસરીની કોર પર એક પાણીભર્યો લોટો, લોટામાં લીલું દાતણ અને દાંતે દેવાની છીંકણીની નાની શીશી ગોઠવી દીધાં. પાથરણું પણ પાથર્યું. ચોગાનમાં નાહવાનો બાજઠ અને પાણીનું દેગડું ધર્યું, પાથરણાની બાજુમાં માળા મૂકી દીધી. એક સફેદ સાડી પહેરીને જ એણે ઘર છોડ્યું, ને ઘરમાંથી પોતે ચાર ચીજોની ચોરી કરી: લાલકાકાનું લાંબી બાંયવાળું પહેરણ પહેરી લીધું: ને એ ગળાઢક, કાંડાઢક પેરણ પર બે માળાઓ પહેરી લીધી. પૂજાના સામાનમાંથી ટીલું કરવાનું કંકુ લઈ લીધું. ભેંસે એને જતી જોઈ. ભેંસ રણકી. ભેંસને ખીલે ઘાસ નહોતું. ઘાસ પોતે નીરતી ગઈ. સવારે વાણિયો જાગ્યો અને નિયમ મુજબ દાતણ-નાવણ આટોપવા લાગ્યો. આટલું વહેલું બધું ગોઠવી દઈને ફરી સૂઈ ગઈ જણાય છે. સૂવા દો. કાલે કરેલા વલોપાતનો વિસામો ખેંચતી હશે. ભલે ખેંચે. લાલકાકાએ નિરાંતે દાતણ ડોયું. ઘસીને નાહ્યા. લાલકાકાએ રોજ કરતાં બેવડી માળા ફેરવી. છો ઊંઘતી. જીવને જંપ વળશે, ભેંસ હજુ દોહી નહોતી, દૂધ પીને દુકાને જવાનો નિત્યનો નિયમ હતો. કાંઈ નહિ, નથી જગાડવી. થોડી વાર રહીને પી જઈશ. દૂધ પીવા પાછા આવેલા લાલકાકાની સામે ભેંસે ફરડકો માર્યો ને માથું ધુણાવ્યું. પાડી ખીલેથી ખેંચાઈને ટૂંપાતી હતી, ફળીમાં દેગડું ને ધોતી, પરશાળની કોરે લોટો ને છીંકણી, ખૂણામાં પાથરણું ને માળા જેમનાં તેમ પડ્યાં હતાં. ઓરડામાં પથારી ખાલી હતી. રસોડામાં ચૂલા ઠંડા પડ્યા હતા. પાણિયારે બેડું ને માટલાં ઠાલાં ઠણક્યાં. લાલકાકાના શરીરમાં એક ધ્રૂજારી છૂટી અને વળતી પળે સ્વેદ બાઝ્યાં. છાશના લોટા લઈને કેડ્યે છોકરાં તેડેલ બાઈઓ આવી. લાલકાકાએ ઝટપટ જવાબ વાળી દીધો: “આજ છાશ નથી કરી. કાલે ભેંસ વટકી હતી. દોવા નથી દીધું.” નક્કી એ રૂપનગર ચાલી ગઈ. એની ધારણા ઊલટી દિશામાં દોડધામ કરી ઊઠી. “ચંપાભાભુ, શું કરવા માંડ્યું? ક્યાં ગયાં? આ છોકરાને પગે લગાડવા લાવી છું. અણઉતાર તાવ હતો, લાલકાકા! દવાદારૂના તો બાટલા ને બાટલા ઠાલવ્યા આ ગભરુના પેટમાં, પણ તાવ ઊતરે! જેમ જેમ દવા રેડી તેમ તેમ રોયો તાવ ભોરિંગ જેવો સામો જ થતો ગયો. છેક પરમદા’ડે ચંપાભાભુ આયાં ને એક જાપ શિખાડ્યો. શો જાપ, જાણો છો? જગ આખાનાં બેટા-બેટી એની સૌની અલાબલા મારે માથે! મારે માથે! મારે માથે. “આ બસ, એ જાપ માંડી જપવા હું તો, ને મારા છોકરાનો તાવ ઊતર્યો. તે હું ચંપાભાભુને પગે લગાડવા આવી છું, ક્યાં ગયાં?” “એ તો કાલે રાતે મહિયર ગયાં.” લાલકાકાએ જીભે ચડ્યો જવાબ વાળ્યો. “કેમ એકાએક? મહિયરમાં તો કોઈ કરતાં કોઈ નહોતું કહેતાં’તાં ને?” “એના માવતરની ઘરવખરી એને રાજ પાછી સોંપે છે એવો તાર આવેલો.” “વારુ, હવે તો ક્યારે આવે ને ક્યારે પાય લગાડું. અરે...રે! પારકા છોકરાની અલાબલા ઉતારનારાં બાપડાં ચંપાભાભુનો તો ખોળો જ ના ભરાયો તે ના જ ભરાયો? ઈશવર પણ ઘેલો છે ને, કાકા! ન જોઈતાં હોય એને આંગણે ઢગલા કરે, પણ આવા ભગવતીનો ખોળો જુઓ તો ખાલી ને ખાલી!” કહેતી કહેતી પાડોશણ ચાલી ગઈ ત્યારે લાલકાકાની આંખો સામે બ્રહ્માંડ ચકર ચકર ફરતું હતું. એણે રૂપનગરની વાટ લીધી.