વસુંધરાનાં વહાલાં-દવલાં/૪. દુનિયાનાં અણમાનેતાં
મૂએલા ડોસાના મુર્દા પાસે તેજબા બેસી રહી, છીપર અને લઢણિયા પથ્થરની વચ્ચે ઓસડિયા વેલાનાં અરધાં છૂંદાયેલાં પાંદ જાણે કે તેજબાનાં સમદુ:ખી સ્વજનો હોયને તેવાં પડ્યાં રહ્યાં. તેજબાનાં બીજાં સાથી તે વખતે તંબુડી પર ટીંગાતાં ત્રાજવડાં ત્રોફવાનાં સોય, કુરડી અને બિયાંનો રંગ હતાં. તેજબાને સંસારની અસારતાનો ઉપદેશ આપતા કાગડાઓએ ત્યાં તળાવની પાળે કાગારોળ આદરી. ગીધડાં અને સમળીઓને બુઢ્ઢાના શબની સુગંધ ત્યાં ખેંચી લાવી હતી. એ મૂંગાં પક્ષીઓ જાણે કે તેજબાને ઠપકો દેતાં હતાં: ઘેલી રે ઘેલી, મુર્દાનો મોહ ન રાખીએ. શબોને નવાં વસ્ત્રો અને સુગંધી સુખડને લાકડે શણગારે તો એ લોકો, જેમણે જિંદગીભર પાપકર્મો કરતાં પાછું ન જોયું હોય, એ લોકો જ મોતની બદબોને ઢાંકવા મથે છે. આપણે તો જંગલનાં છોરું, મોતનું પરમ તત્ત્વજ્ઞાન સમજનારાં, મૃત્યુને ખર્ચાળ ન બનાવીએ, શબ ઠોલીને પણ પેટ ભરી લઈએ. ભલી કુદરતે આપણને તો મૃત્યુને ભક્ષીને પણ જીવન જીવવાની ફિલસૂફી આપી છે. ખસી જા, બાઈ, તારે ખાંપણનું કે બળતણનું કશું જ ખર્ચ ન કરવું પડે અને અમારાં ભૂખ્યાં પેટ ભરાય એવો બેવડો લાભ અમે તને કરી આપીએ.
પણ તેજબાની છાતી ચાલી નહિ. શબને ઠેકાણે પાડવાની વેતરણ એ કરવા લાગી. બપોર સુધી એ કોઈ માનવી આવશે તેવી આશાએ બેઠી. શેઠના પુત્ર પ્રતાપની ઘોડીના રૂમઝુમાટ સાંભળવા એણે સીમાડા સુધી કાન માંડ્યા. એ આવે તો બીજું તો કાંઈ નહિ એક ડબો ગ્યાસલેટનો મોકલે ને, તોય હું શબને છાંટી સળગાવી નાખું.
પ્રતાપ તો ન આવ્યો, પણ ગામના પોલીસ-પસાયતા આવ્યા. તેમણે પણ દૂર ઊભે ઊભે થૂ થૂ કર્યું ને તાકીદ કરી: “છોડી, મરદું ક્યાં સુધી ગામને પાદર પડ્યું રાખીશ? આમાંથી તો મરકી ફાટશે.”
“શું કરું?”
“ઇંધણાં મંગાવ. પૈસા દબાવીને કેમ બેઠી છો? લાવ, અમે તજવીજ કરી દઈએ.”
તેજબાને ખબર હતી કે બાપે રૂપિયાનું ભરેલું જૂનું એ મોજું ક્યાં મૂક્યું છે. પણ જીવતા જીવને માટે જે પૈસા વાપરી નથી શકાતા તે મુર્દા પર ખરચવાની નાદાની એના દિલને ન અડકી શકી. અને એને આખર સુધીની સમજાવટ, ધમકી, ગાળોની રમઝટ તેમ જ મારવાનો ડર પણ ન ચળાવી શક્યો. તે જોઈ નિરાશ પસાયતા પાછા ગયા.
આખરે ગામમાંથી વાઘરીઓ આવ્યા. તેમણે પ્રથમ તો થોડે છેટે બેસીને બીડીઓ સળગાવી નિરાંતે પીધી. પછી એકે કહ્યું: “હવે રાત પડી જાવા દ્યો.”
“કાં?”
“લાકડાં કાંઈ ચોર્યા વગર મળવાનાં છે?”
“તો પછી ખાઈ કરીને આવીએ.”
“આ બાઈ આપણને નો ખવરાવે?”
“ભાઈ, તમે બેસો તો હું આંહીં રાંધી દઉં. લોટ પડ્યો છે.” તેજુએ કહ્યું.
“તો બેઠા છીએ.”
પછી તેઓની વાતો ચાલી:
“ડોસો પણ ઠાકરના ઘરનું માણસ હતો, હો! આપણા જેવા કેટલાંયને નિયાલ કર્યાં.”
“કસબ તો એણે કાંઈ જેવો તેવો સાધ્યો’તો!” તેઓ ચોરીના કસબને વખાણી રહ્યા હતા: “કાળી રાતે કસબ કરવા, રાતના જેવો જ રંગ કરી નાખવો જોવે, નીકર પકડાઈ જાય, તે ડોસો કડકડતી ટાઢ્યમાંય નાગો નાગો કાલાં વીણતો.”
“તમુને શાથી ખબર?”
“ખબર કેમ નો’ય? પોતપોતાના કસબનું ભણતર તો આપણે ભણવું જ જોવે ને! કસબીના દીકરા છીએ ને! આપણાથી કાંઈ થોડો લોટ માગવા નીકળાશે?”
બુઢ્ઢાનું શબ તંબુડીમાં ગોઠવીને, બાકીના અરધા ભાગમાં તેજબા તંબુડી પાછળ રોટલા કરવા બેઠી હતી. બહારની વાતોનો રવ એના કાનમાં તેલની ધાર સરીખો રેડાતો હતો.
“એલા, લૂખા રોટલા ખાશું? કે છે કોઈને ઘરે ચટણી-બટણી?”
“આ આંબલી રહી. ઉતારોને કાતર્યા!”
“જા ગેલિયા, ચડ આંબલી માથે!”
“આંબલીએ તો વેરડો ભાભો ભૂત થાય છે. હું ચડું કે પછાડીને મારા ફોદા જ કાઢી નાખે ને!”
“હા, સાચું. આંહીં જ ગળાફાંસો ખાધો’તો વેરડાએ, ખરું?”
“એની છોકરી ક્યાં છે?”
“ફુલેસ મોટે થાણે લઈ ગયા’તા પછી પાછી ફરી જ નહિ રાંડ.”
“એને ઓધાન રિયુ’તું ઇ પાપમાં તો ડોસાએ ગળાફાંસો બાંધ્યો ને?”
“ના, એટલા જ સારુ નહિ ભૈ નહિ. ફુલેસ છોકરીને લઈ ગ્યા, મારી મારી તે ઠીકાઠીકની મારી, કે કબૂલ કર આ હમેલ મને મારા બાપથી જ રિયા છે. છોકરીથી માર નો ખમાણો, એટલે બાપને કીધું કે ડોસા, તું ઝટ તારે રસ્તે પડી જા, હું ફુલેસને રાતે જુવાબ દેવાની છું, ને તારું નામ ખોટે ખોટું પણ લેવાની છું, કેમ કે મારા ઓદરમાં જણ્યું છે તેની મુને દયા આવે છે. એટલે હું ખોટેખોટું પણ માની લઈશ. પણ ડોસા, તું તારે રસ્તે પડી જા! આ એમ કહ્યું એટલે ડોસે આંહીં આંબલીની ડાળનો રસ્તો લીધો.”
“સાચો રસ્તો તો ઈ એક જ છે ને, બાપા!” એક બુઢ્ઢો સોપારીની ચપતરી મોંમાં નાખતો બોલ્યો: “રસ્તો તો એક જ છે: ઇનાં રૂપ ન્યારાંન્યારાં: કોઈ ઊનિયા-ટાઢિયા તાવે મરે, કોઈ કોગળિયે, કોઈ બગાસું ખાતે ખાતે, ને કોઈ ગળાફાંસો ખાઈને: કોઈ રાબશીરા ખાતું ને કોઈ લાંઘણ ખેંચતું.”
“એલા લ્યો આ કાતર્યો. વેરડે ભાભે મને કહ્યું કે લઈ જા.” એક છોકરો ખોઈ ભરી આવ્યો.
“તને મળ્યો?”
“તયેં? આંબલીની પોલમાં બેઠેલો મેં નજરોનજર ભાળ્યો ને!”
“કેવો હતો?”
“એના ગળામાં ગાળિયો હતો.”
“તું બીનો નહિ?”
“એણે કહ્યું કે તમે મારાં જેવાં છો તેને નહિ બિવારું. તમે નાનાં છોકરાં છો. મારી દીકરીનેય આવડું બાળક રમતું હશે, માટે માનાં જણ્યાંને હું નથી બિવરાવતો. જેટલાં છોકરાં હો ઈ આંહીં આંબલીએ રમવા ખુશી ખાતે આવજો.”
“એલા, તેં ચળીતર જોયું!”
“તે શું છે?”
“ખાટી ગયો!”
“કેમ?”
“ભાભો તને માયા દેશે.”
“શી રીતે?”
“હવે તું ધોળે દા’ડે પણ સૂઝે એના ઘરમાં ખાતર પાડીશ ને, તોય તને કોઈ ભાળશે જ નહિ.”
“તો તો મોટો થાઉં ત્યારે...”
“ત્યારે શું?”
“અમરચંદ બાપાની જ મેડી ફાડું.”
“ખરો બહાદર!”
“ને તને આ છોકરી હારે વીવા કરાવશે.”
“હું તો ગરાસણી લાવીશ.”
“એલા, આ છોકરી કોણ હશે?” વાર્તાલાપ ધીમો પડ્યો.
“કેમ?”
“વગડાઉ માનવી કાંઈ આવું હોય?”
“કોણ હશે?”
“આ ડોસાએ કોક ઉજળિયાતનું જણ્યું ચોર્યું હોવું જોવે.”
“મૂંગા મરો મૂંગા હવે.”
બધા ચૂપ બન્યા અને એ બોલ તંબુડીની પછવાડેથી સાંભળતી તેજુબા ચૂલા ઉપર ચિતરામણ સરીખી થઈ ગઈ.
એને યાદ આવ્યું: મૂએલો પિતા એકવાર તાવમાં પડ્યો પડ્યો લવતો હતો તે દિવસ યાદ આવ્યો. શું લવતો હતો એ? —બાઈ, તું તારા જીવને ગત કર. તારું જણ્યું મારી પાસે દુ:ખી નહિ થાય. દ:ખી કરું તો મને મેખાસુર ભરખે. ઊભે વગડે તારે એને જણવું પડ્યું છે. વગડાને ખોળે તેં એને મેલ્યું છે. વગડો જ એનો પાળક છે. અરે, બાઈ, મને દુ:ખ તો આટલું થાય છે કે તારા ઉચ્ચ વરણના જણ્યાની દેઈ મારા ભેળી વટલાશે. પણ બાઈ, તું હવે તારા જીવને ગત કર. તારો જીવ કેમ રોકાય છે? શા કારણે કષ્ટાય છે? તારે કાંઈ કે’વું છે? તો કહી લે. હુંય વનરાઈનો બેટો છું, મને વન થાતાં આવડે છે. વનના હૈયામાં લાખમલાખ સૂર સમાય છે. વનના હૈયામાંથી વાત ન જાય. અરે વન તો વાયે પણ હલે. હું તો પાણકો થઈને રહીશ. તારી વાત ક્યાંય નહિ કહું. બોલી દે બાઈ, તારી છેલ્લી ઘડી બગાડ મા—હં, તારા સગા સસરાનું જ પાપ? વાંધો નહિ. પાપ પાપીને રિયું. આ તો છે પુણ્યનો પાટો. પરભુનો દીધલ જીવ ...હવે ગત કર. લે આ મેરામણ પડખે જ પડ્યો છે. એના ટાઢાહિમ ખોળામાં હું તને સુવાડી દઈશ.”
આટલા બોલ ડોસો બેભાન અવસ્થામાં બોલ્યો હતો. તેજુબાએ બાપ શું બોલ્યો એ પૂછી જોયું હતું. બુઢ્ઢાએ ખુલાસો નહોતો કર્યો. ખુલાસો જડી ગયો. આ ડાઘુઓનું અનુમાન ખરું લાગે છે. હું આ ભટકતા માનવીઓના સમૂહમાં એકરસ નથી થઈ શકી એનું કારણ મને હાથ લાગ્યું છે. ડોસો પોતાના દંગા છોડીને એકલવાયો પૃથ્વી ભમતો રહ્યો છે તે પણ મારી રક્ષાને માટે જ લાગે છે. જ્યારે જ્યારે મને પરણાવવાની વાત દંગાઓમાં ચર્ચાઈ છે ત્યારે ત્યારે ડોસો મને લઈને ભાગી નીકળ્યો છે. નથી બોલ્યો ડોસો એક પ્રતાપની અવરજવરની બાબતમાં. પ્રતાપને ડોસો વારંવાર કહેતો કે મારે તમને એક વાત કરવી છે: મારા મનની એક ખાનગી ખોલવી છે: પણ આજ નહિ, કાલ વાત: આજ નહિ, મારા અંતકાળે કહીશ. મારો અંતકાળ હવે ઢૂકડો છે: મારી છેલ્લી ઘડીએ, શેઠ, તમે હાજર રે’જો: મારી છાતીએથી મારે આખા વગડાનો હૈયાભાર છોડી નાખવો છે. એ ગાંસડી છોડવાનો સુયોગ ડોસાને મળ્યો નહિ. એ ગાંસડીમાં બીજી કઈ વાત હોઈ શકે?
ડાઘુઓને તેજુબાએ ખવડાવ્યું, શબની નજીક બેસીને જ સહુ ધરાઈ ધરાઈને જમ્યા. પછી આખી રાત તેઓ બળતણ મેળવવા આથડ્યા. પણ ગામ ચેતી ગયું હતું. પોતપોતાના ઉકરડા પર પણ ખેડૂતોએ ચોકી બેસાડી હતી. આખરે એ ખીજડા-તળાવડીમાં જ ખાડો ખોદીને ડોસાનું શબ દાટવામાં આવ્યું ને ડાઘુઓએ તેજબાને દિલાસો દીધો કે “બાઈ, આપણે તો નીચ વરણ ઠર્યાં. આપણે નથી હિન્દવાણ, નથી મુસલમાન. આપણે તો ચાર છેડે છૂટા. બાળવું-દાટવું જે કાંઈ કરવું હોય તે આપણે કરી શકીએ. આયે માટી, ને ઓયે માટી! આ કાચી ધરતીય માટી છે, ને લાકડાંય માટી છે, સૌએ માટીમાં જ મળવાનું છે.”
“આ છોકરીનું શું કરવું હવે?” ડાઘુઓએ મસલત કરી.
“આંહીં મરને પડી.”
“આંહીં એકલી ફાટી મરશે. આપણા કૂબામાં લઈ જાશું?”
“ઈ ચોરવણ. એનો શો ભરોસો?”
“એને લઈ ગયે લાભ છે.”
“શિયો લાભ?”
“કસ્તૂરી મરગ હશે તો શિકારી આવશે.”
“કોણ?”
“અમરચંદ બાપાનો પરતાપ.”
“એમાં આપણે શું?”
“મા’જનના જમણવારામાં આપણી એંઠ્ય.”
“હા, ખરું કે’ છે જીવણો.”
“લઈ હાલો ત્યારે.”
“આપણા કૂબાની ને ઝાંપડાના વાસની વચ્ચે એક કૂબો ચણી દેશું.”
“અને ચાય તેમ તોય ઈ આપણી કોમ. ઢળતું વરણ તો છે જ ને? એને બીજું કોઈ ઓછું સંઘરવાનું છે?”
વાઘરાંઓએ અને ઝાંપડાઓએ તેજુબાની પાસે વાત મૂકી.
તેજુએ કહ્યું: “હું હમણાં તો નહિ આવું. બે દી પછી વાત.”
“એકલી રહીશ?”
“શો ભો’ છે?”
“માડી!” વાઘરાં જતાં જતાં વાતો કરતાં હતાં: “ભૂતાવળનેય ભરખી જાય એવું રૂપ છે આ તો.”
“મંતરતંતર જાણનારી જ હશે ને?”
“એનો દેવ મેખાસુર છે. એણે સાધ્યો હોવો જ જોવે.”
“ડોસો માયા સંઘરીને ગયો હશે, ઈ મેલીને નહિ આવે.”