વસુંધરાનાં વહાલાં-દવલાં/૭. રસ્તો નીકળે છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૭. રસ્તો નીકળે છે

અમરચંદ બાપા અને પોલીસ-મુખી એક વાર પાછા મળ્યા. તેમનું મિલનસ્થાન એ જૂની હાટડી જ હતી. પ્રતાપે કરાવેલી નવી દુકાનનું અમરચંદ શેઠને કશું જ આકર્ષણ નહોતું. એ તો સમજતા ને કહેતા: સારા પ્રતાપ આ હાટડીના, આ હાટડીએ જ આપણો દી વાળ્યો છે. આ હાટડી એકેય દી બંધબારણે ન રહેવી જોઈએ. પોતે ગામ બહાર ગયા હોય ત્યારે પણ આ હાટડીમાં પ્રભાતે ને સાંજે ઘીનો દીવો સૌ પહેલો થવો જોઈએ એ એમનો નિયમ હતો. ફરીવાર સોપારી અને બદામના ચૂરા ભેગા મળ્યા ને પોલીસ-મુખીએ એનું પ્રાશન કરવાની સાથે જ જુવાનીનાં સંસ્મરણોનો રસાસ્વાદ માણ્યો. પણ અમરચંદ શેઠના અંતરમાં હોળી બળતી હતી: પ્રતાપ દૂધે ધોયા રૂપિયા કાઢી કાઢીને હજુય એ બાઈને શાનો લૂંટાવી દઈ રહેલ છે? એ કમાણી બધી મારી છે. મેં પારકાં લોહી પી પીને મેળવી છે. પ્રતાપ એને આમ ઉડાવશે? અમરચંદ શેઠે થોડી ઘડીના વિનોદ બાદ વાત છેડી: “તમે તો આપા, અમારા ઘરની સામું આંગળીચીંધણું ન ટાળ્યું તે ન જ ટાળ્યું.” “શી વાતનું?” “ઓલી ત્રાજવાંવાળી તેજુડી આંહીંની આંહીં પડી છે, ને બસ, હવે તો છોકરો જ સૌને દેખાડતી ફરે છે.” “આંહીં પડી છે એ જ ઠીક છે. આપણી નજર બહાર તો નથી. નહિ ને કોઈક પડખે ચડી જશે તો, શેઠ, આ મેડિયુંમાં ભાગ પડાવશે. અમે દાબ્યુંદુબ્યું રાખીએ છીએ એટલો પાડ માનો.” “કોઈ ચડ્યું છે પડખે, હેં? મારા સોગંદ ન કહો તો.” કાઠી પટેલની ચુપકીદી અમરચંદ શેઠને હૈયે ચડી બેઠી. એના મોં પરથી લોહી શોષાઈ ગયું. “હવે જૂનિયું વારિયું વહી ગઈ છે, શેઠ.” કાઠી કરોળિયો બનીને પોતાની જ કલ્પનામાંથી લાળનો ત્રાગડો ખેંચવા મંડ્યો: “હવે તો નવા રાજા ને નવા કાયદા થયા. પછાત વરણને ચડાવનારા વકીલ-બાલિસ્ટરો નીકળી પડ્યા છે હવે. નીચ જાતનાં માનપાન વધ્યાં છે આજ તો.” “હા, હવે ખાનદાનીનો સમો ગયો છે, ભાઈ!” “આજ તો અમલદાર તમારા કાબૂમાં છે, પણ કાલ્ય કોઈક ભૂંડો અમલદાર આવશે ને, તો કૈંક ખાટસવાદિયા ઈ તેજુડીને પડખે ચડી જઈને તમારી આબરૂને માથે હાથ નાખશે. અમે તો સંબંધીને દાવે ચૂપ બેઠા છીએ.” “કાંઈ મારગ બતાવશો?” “મારગ મફત થઈ જાય છે, હેં અમરચંદભાઈ? તમે પણ રાજા માણસના જેવીયું વાતું કરો છો તે!” “પણ હું ક્યાં મફત મારગ કાઢવાની વાત કરું છું?” “તો પછી હાંઉં. ઘીના ઠામમાં ઘી પડી રે’શે.” તે પછી સારી એવી એક રકમ અમરચંદ શેઠના મીઠાના માટલાને તળિયેથી મહાકષ્ટે બહાર નીકળીને પોલીસ-મુખીના ગજવામાં પેઠી. “હજુ એક મોટો પહાડ છે આડો,” મુખીએ શેઠને કહ્યું. “કોણ?” “પ્રતાપભાઈ. એને પંદરેક દી ક્યાંય બહાર મોકલો.” “કાં?” “એનું હૈયું કૂણું છે. અમારા ઇલાજ તમને કારગત કરે, શેઠ, તમારી મજબૂતાઈ નોખી કે’વાય. પણ પ્રતાપ અમથો ફાટી મરે.” બે-ત્રણ દિવસમાં શેઠે પ્રતાપને અજબ જેવી જિંદગીમાં પહેલી જ વારકી આ વાત કરી: “ભાઈ, પરણ્યાંને આટલાં વરસ ગયાં. ક્યાંય બા’ર નીકળ્યો નથી. વહુ પણ મૂંઝાય. મુંબઈની એક સેલ કરી આવો બેય જણાં. નાટકસિનેમા જોઈ આવો.” પ્રતાપ અને લીલુ પિતાના હૃદયપલટાનો જાણે કે ઉત્સવ કરવા મુંબઈ ઊપડ્યાં. ચારેક દિવસ પછી એ જ હાટડી ઉપર એ જ પ્રમાણે મુખી બેઠા હતા ત્યારે બે-પાંચ પટેલિયા ને બીજા લોકે આવીને મુખી પાસે બૂમાબૂમ બોલાવી. “ગામમાં વાઘરાં ને ઝાંપડાં ને કામણટૂંમણિયાં ભેળાં કર્યાં છે ને બાપુ, તે અમારાં ઢોરમાં રોગચાળો ફાટ્યો છે, અને છેલ્લા ત્રણ-ચાર મહિનાથી મરકીના ધોળા ઉંદર પડે છે. હવે તો અમે ગામ ખાલી કરીએ, ને અમારે બદલે ખુશીથી ઈ નીચ વરણને વસાવો.” “ઉંદર પડે છે! મરકીના ઉંદર!” મુખીએ અજાયબી બતાવી. “મરકીના ઉંદર, આપા, મરકીના ધોળા ઉંદર. આજ પચાસ વરસથી ગામમાં મરકી નો’તી આવી, ને હવે ગામમાં બલા પેઠી છે એટલે નહિ થાય તેટલું થોડું.” “કોણ બલા?” “પૂછો જઈને ઝાંપડાઓને ને વાઘરીઓને.” “હાલો, ડાંગો, લાકડીઓ લઈને પંદરેક જણ મારી ભેળા હાલો, મને નજરોનજર દેખાડો તો હું એને ટીપી જ નાખું.” પછી તો તે દિવસે વાઘરીઓના ઉપર અને ભંગિયાઓ ઉપર સાદી તેમ જ કડિયાળી લાકડીઓની અને ગોળા-ગોળીઓની ઝડી વરસી. ઓરતોનાં પણ માથાં ફૂટ્યાં. છોકરાંને ઉપાડી ઉપાડી ગામલોકોએ ઘા કર્યો, પણ કોઈની હિંમત એ અલાયદા ઊભેલા એકલવાયા કૂબાની નજીક જવાની ન ચાલી. મુખીએ ત્રાડ પાડી કે “ઈ તેજલી ક્યાં ગઈ? એને તો કોઈક થોડીક લાકડિયું ચખાડો. એનાં તો આ કામાં નથી ને?” “એને —એને નહિ.” વાઘરીઓ વચ્ચે આવીને ઊભા: “આ લ્યો માબાપ, અમારા બરડા ફાડી નાખો ફાવે તો, પણ એને ને અડજો. પાઘડી ઉતારીએ.” એમ કહીને વાઘરીઓએ પોતાનાં માથાં પર વીંટેલા લીરા હાથમાં ધરીને માથાં ઝુકાવ્યાં—જેવાં માથા ખાટકી-વાડામાં બકરાં નમાવીને ઊભાં રહે છે. તેજબાએ આ અપશબ્દોનો શોરબકોર અને સ્ત્રીઓ બાળકોની કાગારોળ સાંભળી. એનું શરીર તાવની વરાળો નાખતું નાખતું બહાર નીકળ્યું. તાવની ગરમીએ એના દેહને ધગાવી ફૂલગુલાબી બનાવ્યો હતો. પણ એની આંખોમાંથી ઊની જ્વાળાઓ નીકળતી હતી. “એલી, ખોલ તારો કૂબો.” “શા માટે?” “અંદર તું અડદનું પૂતળું મંતરી રહી છો, કેમ ને? ગામનાં છોકરાં ભરખી જાવા મરકીને બોલાવી છે તેં, હેં ને?” “તમે આવું બોલો છો? દાદા, તમારી દીકરીનાં તો મેં ત્રાજવડાં ત્રોફી દીધાં છે, ભૂલી ગિયા?” “ત્રાજવડાંના શોખે જ ગામનો ઘાણ કાઢ્યો છે ને? તને પરદેશીને આંહીં નીકર પગ મૂકવા દઈએ અમે?” “દાદા, હું કાંઈ નથી જાણતી.” “કૂબો ઉઘાડ્ય. અંદર અડદનું પૂતળું છે.” “પૃથ્વીને ફાટવું પડે એવા બોલ બોલો મા, અંદર તો મારો છોકરો સૂતો છે. તમને સૌને ભાળી એની રાડ નીકળી જશે.” તેજબા હાથ જોડી કરીને કરગરવા લાગી. “ઈ છોકરા સારુ જ ભૂંડું કરી રહી છો ને ગામનું? તારે તો ઈ છોકરામાંથી હજી કાંઈનું કાંઈ કમાવું છે કેમ, કામણટૂંમણી? ખોલ ઝટ!” એકાએક ઉપરવાડેથી પ્રચંડ માનવ-ઘોષણા ઘોરતી સંભળાઈ. ચંડીપાઠની ઉગ્ર ઢબે કોઈક શ્લોકોના તેજાબી લલકાર થતા હતા. થોડી જ વારમાં તો પચાસેક જણા લાકડીઓ લઈને કિકિયારી કરતા દોડ્યા આવતા દેખાયા. તમામે કછોટા ભીડ્યા હતા. તેઓના ગળામાં જનોઈઓના ત્રાગડા વીંટળાયેલા હતા. તેમના માથા પર નાનીમોટી ચોટલીઓ ફગફગતી હતી, ‘મારો, મારો સાલાં એ અધરમીઓને!’ એવો દેકારો બોલાવતા તેઓ વેરાનના વંટોળિયાનું રૂપ ધરી ધસી આવ્યા. ‘ક્યાં ગઈ એ ઝાંપડી! એણે તો ત્રાજવાં ત્રોફનારીનો વેશ ધરીને અમારા ઘરેઘરના તુળસીના ક્યારા અભડાવી માર્યા છે. મારો, મારો એ કાળમુખીને.’ તેજબા ફફડીને ઊભી થઈ રહી. એણે ઊંચા હાથ કરી પોતાના દેહને આડશ કરી. એના પર પ્રહારો થતા ગયા તેમ તેમ એ કૂબાના દ્વાર પાસે ખસતી ગઈ. “હાં, કૂબામાં પેસો કોઈ!” એવા હાકલા સાંભળીને એણે કૂબાના બારણા આડો પોતાનો દેહ મોટી શિલાની માફક ખોડી નાખ્યો. એને ધકેલી, બારણું ઉઘાડી ટોળું અંદર પેઠું. પેઠેલાઓ પૈકીના એક માણસે અવાજ દીધો કે “આ રિયું અડદનું પૂતળું. જો આ રિયા રાંડનાં કામાં. મારો, મારો, એને મારીને કટકા કરો. એ ઝાંપડી છે, નક્કી એ ભંગડી છે.” ‘મા! મા! માડી!’ એવી એક ચીસ એ ભાંગલા કૂબાની અંદરથી ઊઠતી હતી. એક બાળક પચીસ-પચાસની હડફેટે ચડ્યું હતું. માડી તું ક્યાં છો? માડી! માડી, આ રહી! માડી આંહીં-આંહીં બાપ—આંહીં મારા ફૂલ—એ શબ્દો ‘મારો મારો’ના દેકારાની નીચે ચેપાઈ ચેપાઈને જાણે કે એકબીજાને શોધતા હતા. “બોલ, હવે તારે શું કહેવું છે, રાંડ માનવભક્ષણી!” એક આધેડ ઉંમરના બ્રાહ્મણે તેજબાની સામે ડોળા ફાડ્યા. “તમને —તમને—તમારામાંથી પાંચ-સાતને હું ઓળખું છું.” તેજબા કરાળ અવાજે, નાના બાળકની ચીસો શા કારણથી શમી ગઈ હતી તે સમજી કરીને કહ્યું: “તમે ખીજડા-તળાવડીની મારી તંબુડીએ બહુ દી આંટાફેરા માર્યા’તા, નહિ ગોર? તે દી હું ઝાંપડી નો’તી, માનવભરખણી નો’તી, પણ તમારા ફેરા ફોગટ ગયા એટલે જ આજ......” “મારો! મારો! મારો રંડાને! બદનામ કરે છે બ્રાહ્મણના દીકરાને! સોમયજ્ઞના ઉપાસકોને! મારો! મંત્ર ભણો, બાળી ભસ્મ કરો એને!” “ઈ બધાં નામ તું, બાઈ, હવે થાણામાં જ લેજે.” મુખીએ કાઠીને ગળથૂથીમાં પાયેલી માર્મિક વાણી ચલાવી: “મારું, અમરચંદ શેઠનું, એના છોકરાનું, આ એંશી વરસના ધનેશ્વર બાપાનું, જેટલાં નામ હૈયે રહે એટલાનાં નામ લેજે ને! તારે કોઈ પણ વાતે નાણાં જોતાં’તાં—” શેઠના પુત્રનું નામ પડતાં તેજબાનાં પોપચાં નીચાં ઢળ્યાં. એણે ઓઢણીને કપાળ નીચે ખેંચી લીધી. “હં-અં!” ધનેશ્વર ગોર બોલી ઊઠ્યા ત્યારે એના બોખા મોંમાંથી થૂંક ઊડ્યું: “હવે મુદ્દાની વાત નાખી મુખીએ. નાણાં કઢાવવા’તાં એને.” “અરે કોઈ ઠાકરનો તો ભો રાખો!” એક અવાજ આવ્યો. “કયો છે ઈ!” ધનેશ્વરે ત્રાડ નાખી તે સાથે જ તમામની આંખોએ એ બોલનારને વીણી લીધો. “તું! તું વાઘરો! તારા મોંમાં ઠાકરનું નામ! એલા ઈશ્વરનું નામ પણ અભડાવછ! એને કોઈક બોલતાં તો શીખવો!” એ શબ્દોની સાથે જ વાઘરી પર ગડદાપાટુના મેહ વરસ્યા. એની રહીસહી ચોરણી પણ ચિરાઈને ચૂંથાયેલી ચામડી સાથે ચાડી ખાવા લાગી. “બાંધો આ બધાને,” મુખીએ કહ્યું: “એની પોતાની જ પાઘડીએ બાંધો, ને લઈ હાલો વિજયગઢને થાણે.” ભંગીઓ અને વાઘરીઓના જુવાનો ને બુઢ્ઢાઓનું બંદીવાન જૂથ હરાયાં ઢોરના ટોળાની પેઠે એકબીજાની ભેળું પોતાનાં જ કપડાંને ગાળિયે બંધાઈને વિજયગઢને માર્ગે હંકાર્યું. સાથે સાક્ષીઓ તરીકે બ્રાહ્મણો, લુહાણા, કાઠીઓ પૈકી થોડા થોડા જણ જંગબહાદુરોના દમામથી ચાલ્યા. બંદીવાનોના ટોળાની મોખરે તેજબા ચાલી. એની છાતીએ એનો છુંદાયેલો છોકરો હતો. વચ્ચે આવતા પ્રત્યેક ગામને પાદર બ્રાહ્મણો રજપૂતોએ ગામલોકને પોકાર પાડ્યા કે: ‘ચેતજો, ભાઈઓ, ઝાંપડાએ અડદનાં પૂતળાં આરાધ્યાં છે. ગામેગામ ‘મરકી’ના વા વહેતા મેલ્યા છે. ઢોરઢાંખરોમાં પણ તેમણે રોગચાળા ઉતાર્યા છે. ચેતજો, ઝાંપડાઓને ને વાઘરાંઓને રેઢાં મૂકશો મા.’ એ સંદેશો ગામોગામ ફરી વળ્યો. ગામડે ગામડે વાઘરીઓ અને ભંગીઓ પર માર પડ્યા. ન કોઈ ઊંડી તપાસ કરવા અટક્યું, ન કોઈ અડદનાં પૂતળાંનો નજરે જોનાર સાક્ષી હતો. હતું એકલું આંધળું ઝનૂન. ઝનૂન જ્યારે એક જ ભેજામાં જન્મે છે, ત્યારે તો એને કલ્પિત પણ કોઈ કારણ, કોઈ શંકા, કોઈ ભીતિ કે ભ્રાંતિ હોય છે. પણ ઝનૂન જ્યારે સેંકડો-હજારો ભેજાંનો કબજો લ્યે છે, ત્યારે એને પ્રયોજનની ખેવના રહેતી જ નથી. તે પોતે જ કાર્ય અને કારણનો એકાકાર બની બેસે છે. જનતા નિષ્પ્રયોજન અને નિરુદ્દેશ જીવતી હોય છે. પણ જીવવાનું તો એને પણ કોઈ ને કોઈ પ્રયોજન જોઈએ છે. એ પ્રયોજન જડી ગયા પછી જનતા પોતાને કૃતાર્થ માને છે. નિશ્ચેતનમાં જીવતી જનતાને ચેતનવંત બનવાનું હરકોઈ એક ઓઠું જોઈએ છે. એ ઓઠું ગામડાની જનતાને આવા કોઈ આંદોલનમાં પ્રાપ્ત થાય છે. અને તે ચેતનવંતી અવસ્થામાં બુદ્ધિ વાપરવાનું કહી ટાઢી પાડવાનો પ્રયત્ન એનું અપમાન કરવા બરોબર ગણાય છે. પચીસ-ત્રીસ ગામડાંને સચેતન બનવાનો આ અવસર સાંપડ્યો હતો. નિષ્ક્રિય બનેલા હાથને ચડેલી ચળ જનતાએ પૂરા શૌર્ય સાથે નીચ વરણો પર ઉતારી કાઢી.