વસુધા/ઉષા ન્હોતી જાગી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઉષા ન્હોતી જાગી

ઉષા ન્હોતી જાગી, જગત પણ જાગ્યું નહિ હતું,
અને જાગ્યું ’તું ના ઉર, નીંદરની ચાદર હજી
રહી ’તી ખેંચી ત્યાં હળુહળુ કરે જાગૃતિ જહીં,
તહીં પેલા ટુઈટુઈ ટુહુક અમરાઈથી ઉડતા
સર્યા કાને, જાણે વિહગજૂથ પાંખો ફફડતું
પ્રવેશ્યું ઉદ્યાને, વિટપવિટપે બેસી વળિયું.

અને એ પક્ષીના કલરવમહીં તારી સ્મૃતિઓ
ઊડી આવી ટોળું થઈ, વિટપ સૌ અંતરતણી
રહી ઝૂકી, મીઠા સ્મરણભરથી નીંદર વિષે
દબાઉં, ત્યાં પાછી અડપલું કરી જાગૃતિ જતી; ૧૦
અને તાણાવાણા અધુરી નિંદ ને જાગૃતિતણા
વિષે શો સોનેરી કસબ સ્મૃતિ તારી વણી રહી!

થયું ત્યાં હૈયાનેઃ હજી હજી વસંતે નથી ગઈ,
હજી આંબો મ્હોરે ઉર ગુપત કો કોકિલ લઈ.

૨ જુલાઈ, ૧૯૩૮