વસુધા/તુજ પગલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
તુજ પગલી

તુજ પગલી ઢૂંઢંતાં પ્રભુજી
ભમુંભમું હું ગલીગલી!
જગતનગરની ગલીગલી!

ગગનભુવનની શેરીશેરીએ,
તેજતિમિરની દેરીદેરીએ,
રખડું ભટકું ગલી ગલી! જગતo

અંબરચુંબી મહેલ મેડીએ,
ઘન વનવનની ગીચ કેડીએ,
તલસત ભટકું ગલી ગલી! જગતo

કોમળ કોળત તરુ કૂંપળિયે,
પરિમલ પૂર્યાં પુષ્પ પગથિયે,
અથડું ભટકું ગલી ગલી! જગતo

મનમનની મ્હોરી વલ્લરીએ,
જનજનની અંતર ઓસરીએ,
મૂર્છિત ભટકું ગલી ગલી! જગતo