વસુધા/નમું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નમું

નમું તને, પથ્થરને? નહિ, નહિ,
શ્રદ્ધાતણા આસનને નમું નમું:

જ્યાં માનવીનાં શિશુ અંતરોની
શ્રદ્ધાભરી પાવન અર્ચના ઠરી,
કે મુક્ત તલ્લીન પ્રભુપ્રમત્તની
આંખો જહીં પ્રેમળતા ઝરીઝરી.

તું માનવીના મનમાં વસ્યો અને
તને ય આ માનવ માનવે કર્યો;
મનુષ્યની માનવતાની જીત આ
થયેલ ભાળી અહીં, તેહને નમું. ૧૦

તું કાષ્ઠમાં, પથ્થર, વૃક્ષ સર્વમાં,
શ્રદ્ધા ઠરી જ્યાં જઈ ત્યાં, બધે જ તું.
તને નમું, પથ્થરને ય હું નમું,
શ્રદ્ધા તણું આસન જ્યાં નમું તહીં.

૨૭ જુલાઈ, ૧૯૩૯