વસુધા/મિત્રપત્નીને
Jump to navigation
Jump to search
મિત્રપત્નીને
તને હું ચાહું છું;–નહિ ભડકતી આ વચનથી,
તને સૌ યે ચાહે અશી નમણી તું છે જ રમણી.
કુટુંબીકાસારે અનુપ વિકસેલી કમલિની!
વનોની દુર્વા કે ચરી ઉછરી શું કામ્ય હરિણી!
જતી એવી તાજી તરલગતિએ યૌવનપથે,
પહેરી અંગાંગે વન૫૨ણના રંગ કુમળા,
સુગોપાઈ યૂથે, પણ નયન સંચારત બધે
પ્રવાસે ખોજંતી હરિણ નમણો બંકિમશૃંગી.
અમારા યૂથેથી સુહૃદ અમ ઝાલ્યો તવ દૃગે,
ઝલાયો એ હોંશે. બસ કથની પૂરી તહીં થતી. ૧૦
યથા એનું હૈયું અમ પર ઢળંતું, ત્યમ ઢળ્યું
તુંપે આખું, રે એ દ્વિગુણિત દિલોની શી ખુશબો!
તને હું ચાહું છું, ક્યમ ન ચહું? ચ્હાવા તું સરખી,
ભળી તેમાં પાછી મુજ સુહૃદની સ્નેહસુરખી.