વસુધા/લઢે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લઢે

લઢે યોદ્ધા શાને? વિજયવરમાળા ન દિસતી,
ન વા સ્વર્ગપ્રાપ્તિ, સુરસદનબાલા ન ઝરુખે
પ્રતીક્ષા જોતી કે અમર વરને પ્રાપ્ત કરવા,
ન વા જીત્યે મોટી પદવી ધન કે માન મળવાં.

લઢે યોદ્ધા શાથી? નહિ જ શમશેરો ચમકતી,
ન ઘેરી ભેરીઓ રણઝણ કરી જોશ જગવે,
ન હાથી, ઘોડાઓ, રથ, પયદલો ઘોર ઘુમતાં,
ન કે શસ્ત્રોકેરો તુમુલ રવ આકાશ ભરતો.

લઢે યોદ્ધા ઘેલા, નહિ ફલ તણી લેશ પરવા,
ન કામેચ્છા પ્રેરે, નહિ મન ઉઠ્યાં પાર્થિવ સુખો, ૧૦
ન કેફી પ્રોત્સાહો, ભયજનિત ના ભીરુ કવચો,
ન કે શસ્ત્રો શોધ્યાં વિકૃત મનડે કાયર તણાં.

લઢે પ્રેર્યા મનુજકુલકેરા હૃદયથી,
પળ્યા સૌ પાપીની જનરુધિરલિપ્સા છિપવવા;
કલેજાંભૂખ્યા દાનવતણી ક્ષુધાને શમાવવા,
સ્વયં એ હોમાતા જગહૃદયની શાંતિ જપતાં.

ખમીને ખેલાવે,
મરીને જીવાડે,
દટાઈ પાયામાં જગપ્રણયનું આલય રચે,
લડંતા તે યે એ અભય જગને અર્પણ કરે; ૨૦
જગનયન આશ્ચર્ય ઉભરે,
અને ઊંડેથી એ સમર પર આશીષ ઉતરે.