વસુધા/વિનમ્ર વિજય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વિનમ્ર વિજય

બઢે ગરજતા અને ઢળત ફીણમાં ફાટી જૈ
સમુદ્રજળઘોડલા ખડકને મથે ખોદવા;
ચઢે ખડકથી ય ઉગ્ર ખડકો બની ત્રાટકે,
સવેગ ભટકાય, ત્યાં તટતણા હસે ટેકરા!

પરાજિત થએલ રાશિ જળના ઢળ્યા ને ચડ્યા
અનેકશઃ તો ય ના તટતણો ખર્યો કાંકરો,
ખર્યો ય નહિ કાંકરો ત્રિગુણ શક્તિના અબ્ધિથી
ધરાતટ તણો, પ્રમત્ત પછડાઈ અબ્ધિ રહ્યો!

તહીં મુદિત ભાનુએ જલધિને ઉઠાવ્યો કરે,
કરી લઘુક વાદળું ખડકથી ય સો સો ગણા ૧૦
પ્રચંડ ગિરિમાં વિખેર્યું કરી બુંદબુંદે બધું.

ઉદાસ જલ અબ્ધિનું ખડક ભેદી ત્યાં તે ઝર્યું,
જઈ જલધિને મળ્યું વિજયની કહેતું કથા;
અને ઉદધિ ઊછળ્યો પરમ પ્રેમનાં ફીણથી!