zoom in zoom out toggle zoom 

< વસુધા

વસુધા/સાન્નિધ્ય તારે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સાન્નિધ્ય તારે

સાન્નિધ્ય તારે સખિ, પ્રાણપોયણી
ખીલે, ઢળે રંગપરાગ એના
મૂકે કરી કંટકનાં ય પુષ્પો.

સાન્નિધ્ય તારે ઉરનો હિમાલય
ઝરીઝરી આ સહરા શી જિન્દગી
વિષે રચે કાશ્મીરકેરી કુંજો.

સાન્નિધ્ય તારે સખિ, સૌ અજંપા
જંપે, અટૂલું અડવાતું હૈયું
પ્રસ્પન્દતીર્થે તવ તુષ્ટિ પામતું.

સાન્નિધ્ય તારે સખિ, જિન્દગીની ૧૦
અમાસ આ પૂનમ તો બની જતી,
કંકાલને પ્રાણની લ્હાણ લાધતી.

સાન્નિધ્ય તારે પ્રિય, સર્વ વાચા
વાચાળ કો મૌન વિષે સમાપતી,
ને સૌ વ્યથા હર્ષકથા થઈ જતી.

સાન્નિધ્ય તારે સખિ, આ ધરિત્રી
ડગેડગે રૂપ વસન્તનું ધરે,
સુહાગ તારે મૃદુ સૌમ્ય નીતરે,
ને આ કંગાળ હૈયે વિપુલ મુદતણા
વૈભવોને ભરે ભરે. ૨૦