વસુધા/સિનેમાના પર્દાને

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સિનેમાના પર્દાને

હજારો નેત્રોની કિરણસરિતા તું ગમ વહે,
હજારો હૈયાંની લલિત સ્ફુરણા તું પર ઠરે,
હજારો ને પાતો મધુર મધુ મોંઘા રસતણું
સુભાગી ધન્યાત્મા નહિ અવર કે તુંથી નિરખ્યો!

સુનેરી રૂપેરી નભધનુષરંગી ઝળકતાં,
નવોઢા નારીને નવયુવકને અંગ ચડતાં,
ખુમારીવતાં કૈં ધનિક નૃપ અંગે ભભકતાં
અનેકાં વસ્ત્રોથી મહતતર તું શ્વેત કટકો!

જડાઈ હ્યાં ઊભો સજડ, ન તરંગો, ન લહરી,
બની બંદી બેઠે સહુ દિશ ખડા શ્યામ પટમાં, ૧૦
તજીને સૃષ્ટિની સકલ મુદ, હ્યાં સ્થૈર્ય સજીને
મહાત્યાગી યોગી પરમ રસસિઘ્ર્ય તપતો.

અને તારા સ્થૈર્યે ગતિ સકલ સંભાવ્ય બનતી,
અનેરા ધાવલ્યે પ્રગટી શકતી રંગરમણા,
વિભુ શા નૈર્ગુણ્યે ગુણમય શકે સૃષ્ટિ સવળી,
અહો તું વૈરાગ્ય જગત બનતું રાગરસિયું.

બિછાવી બેઠો તું અમલધવલું અંતર પટ,
નિમંત્રંતો સારી રસસરણિને હ્યાં પ્રગટવા,
અને તે ઘેલૂડાં હૃદય નયનો ને વિહરવા
મઝાથી દેતો, તું કમલ સમ નિર્લેપ રહીને. ૨૦

અહીં તારે હૈયે જગત બધું યે જીવી જ ગયું,
થયા ભાવિ ભૂત પ્રગટ સમયો, સૌ પ્રકૃતિનાં
ગયાં તત્ત્વો નાચી, મનુજકરણી ચિત્રિત થઈ,
વરાળ હૈયાની સકલ ઘુમરાઈ અહીં ગઈ.

સમુદ્રો ગાજ્યા હ્યાં, હિમ શિખર ઊભાં પણ અહીં,
તુફાનો વીંઝાયાં, કુસુમ લહર્યાં આંહિ કુમળાં,
અરણ્યો હ્યાં ઝૂક્યાં, કલકલી ગયા નિર્ઝર કંઈ,
ધણેણ્યા જ્વાલાદ્રિ, પ્રલયપુર આવી વહી ગયાં.

અહીં તે આદિનાં ગિરિસમ પશુ આવી ઘુરક્યાં,
સુલીલા યંત્રોની અહીં વિલસી ગૈ અદ્યતન સૌ, ૩૦
બધા રાની જંગો પ્રથમ મનુજોના પ્રગટિયા,
પ્રપંચી ભ્રૂભંગો પણ અહીં લક્ષ્યા આજ-કલના.

મહાયુદ્ધો જામ્યાં, શતશત સુતા જોધ સમરે,
જિતાયા દુર્ગો કૈં, નગર કંઈ ભસ્મે શયિત થ્યાં,
ધડૂકી તોપો ને, ઝગમગી અસિ, બાણ હુલક્યાં,
સમર્પાયાં માથાં, કંઇકંઇ શહીદી અહીં વર્યા.

વસંતો વ્યાપી હ્યાં, કંઇ શિશુ ગયાં મીઠું મલકી,
કિશોરો ખેલ્યા કૈં, યુવક યુવતી મુગ્ધ વદને
અહીં કુંજે બેસી મુખમુખ મિલાવી બહુ ગયાં,
થયા વર્ષારાત્રે ત્વરિત અભિસારો અણગણ્યા. ૪૦

વળી હ્યાં પ્રીતિનાં ઝરણ પણ થીજી જડ થયાં,
તજાઈ પત્નીઓ, શિશુ પથ પરે ત્યક્તા રવડ્યાં,
મધુરી આશાઓ પર કરવતો કૈં ફરી ગયાં,
ઉડંતાં આકાશે ચુગલ પટકાયાં અતલમાં!

ઉકેલાયા ભેદો ગહન રમતોના, સળગતા
અહીં પ્રશ્નો બૂઝ્યા બહુ સરળતાથી, કુટિલતા
નવી હ્યાં સર્જાઈ, ચમક નવી આપી બહુ ગયા
ચમત્કારો, જેના વિધિ પણ શક્યો સાધી જગમાં.

અને એ અંધારે વિરમી નિરખંતાં નયન કૈં
ઝલાતાં આશ્ચર્યે, કુતુકમય રોમાંચિત થતાં, ૫૦
ટિંગાતાં આશાને ઝુલન, મુખઅર્ધે વિકસિતે,
ધબાકા છાતીમાં અનુભવત ભારી ઘણ સમા,

હજારો પોતાનાં હૃદય કરથી સંવૃત કરી,
ઝિલે ઊર્મિતારે સુખદુખદ સંવેદનસૃતિ,
અનેરા આસ્વાદો અલભ અવરત્રે અહીં ગ્રહે;
અહો, તે નેત્રોની લઘુ ચમક તું કેવળ લહે!

અહીં અંધારામાં કિરણસરિતાને ઉર ઝીલી,
સ્રજે સૃષ્ટિચ્છાયા પ્રગટિ ક્યહીં દેશાન્તર વિષે,
અને અંધારાના રણ મહીં પ્રભા–પલ્વલ સમા
તટે તારા પીતાં અયુત ઉર આહ્લાદક-સુધા. ૬૦

અનેરા વ્યાપારે જગત નિત હ્યાં વ્યાપૃત થતુંઃ
ત્યહીં તે સ્રષ્ટાઓ રસઝરણના, હ્યાં જગતના
તૃષાર્તો, બંનેની તવ તટ પરે સંધિ બનતી,
યુગે આ જાણે કે પરમ રસનું તીર્થ તું જ હા!

... ... ...
કલાની કંથાની સુમધુર કથા એહ ગરવી,
ઘટે એમાં થોડી પુરવી કથની સાવ નરવી.
તું જાણે, હું જાણું, તુજ મુજ સમા જાણત કદી,
ઘટે તે એ ગાવી, વસમું પણ કર્તવ્ય જ ગણી.

તું જાણે જે આંહીં ભુજભુજ ભીડી હોઠ ભીડતાં,
નથી તે નારીએ નર કદી ચહ્યો તે, નથી નથી ૭૦
નરે આલિંગી તે રમણીતનુને પ્રીતિબલથી,
અહો, તું જાણે, કે નટઘરની એ કેવળ કલા!

અહીં જે રાજા તે નહિ નૃપ કદી કે જનમમાં,
અહીં જે જીતે તે નહિ કર ગ્રહે કોડી ફુટલી,
હણાતા જે તેની નહિ ટચલી યે અંગુલિ તુટે,
પ્રતાપે સોહંતા નટ, ખટઘડીની ભભક એ!

નથી માતા માતા, નહિ જનક તે સત્ય જનક,
નથી સ્વામી સ્વામી, નહિ પ્રિયતમા તે પ્રિયતમા,
નથી મિત્રો મિત્રો, રિપુ ન રિપુ, સંબંધ સહુ આ
તણી પૂંઠે ક્યાં યે નિકટ ન વસ્યું સત્ય દિસતું. ૮૦

છતાં ના માયા આ, નહિ અસત, ના દંભ કશું યે.
જગદ્વ્યાપારોની પુનઃ રચના આ અવનવી
અહીં યોજી લેવા વિમલતમ આસ્વાદ જગનો;
કલાકેરી ઝાઝી કુદરતથી યે રમ્ય રચના!

અહો પર્દા ! તારે સુપટ જગ આ જેમ જીવતું
કલાના આકારે નિત મધુર સંવાદ ગ્રહીને,
બને તેવું ક્યારે નિત નિતનું આ જીવન બધું
અનેરા સંવાદે સભર પરમામોદ-ઉભર્યું?

સખે તારે હૈયે જ્યમ કલહ સર્વે શમી જતા,
અને વૈફલ્યોમાં પણ ગુપત સાફલ્ય વસતું, ૯૦
યથા તારે તીર્થે સુખદુખ રસૈક્યે પરિણમે,
જગત્તીર્થે તેવું ભગ-અલગ ક્યારે પરમ કો

મહા માંગલ્યોમાં પરિણત થશે? જીવન બધું
સુસંયોજેલી કે અભિનવ કલાની કૃતિ બની
જશે ક્યારે, કોના કુશલતમ દિગ્દર્શન વડે?
અહીં પૃથ્વી કેરા પૃથુ ૫ટ પરે સપ્તવરણા

કયા સ્રષ્ટા કેરી પરમ રચના-પાટવ વતી,
ફરી જાશે પીંછી-કલમ–સ્વર કે નૃત્યપગલી ૧૦૦
અહીં આંદોલંતી પરમ મુદની રંગ લહરી–
કહે કયારે.. ક્યારે... . . .?