વસુધા/સ્વ. મોહનલાલ પંડ્યા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સ્વ. મોહનલાલ પંડ્યા

એ દાંતહીણું રમણીય હાસ્ય,
ઝઝૂમતી સૌ પર દીર્ઘ કાય,
ને શોભતા માંસલપિંડી પાય,
સ્વર્ગસ્થ એ મોહનલાલ પંડ્યા.

વૃદ્ધાવસ્થાકિનારે પણ તન ધરતું ’તું જુવાનીછટાને,
શ્રદ્ધાકેરા મિનારે નિત મન રમતું રૌદ્ર આંધી વિષે યે,
ગાંધીને પ્રેમદીવે દિવટ કરી દિધી આત્મની ઉગ્ર શક્તિ
એવીને એવી તે યે સ્થિરદ્યુતિ લસતી’તી સમે અંતિમે યે!

જુવાનીનું જોમ ધરંત ડોસલો,
જુવાનને ત્યાગ મહીં ટપી જતો, ૧૦
અધીર એ યૌવનની કમાનને
મનાવતો ના નિજ સ્થાન છોડવા.

એ આસ્થા સ્નેહભીંજેલી જોઈને રાચતા અમે,
વૃદ્ધની ભાવનાહૂંફે તાજગી પામતા અમે.

એની રહેતી તકલી ફરંતી
તુરંગમાં તાર સળંગ ખેંચતી,
કાંતી અનેરાં કંઈ કાર્યસૂત્ર,
કાયા વિરામી તકલી સમાન!

આત્માની સંપતો મોંઘી ભૂમિને ચરણે ધરી,
ડુંગળી ચોરીને જાતે મહા દાનેસરી બન્યો. ૨૦

ને રમ્ય એ જીવનને કિનારે
આરંભ્યું વૃદ્ધે ભણવાનું સંસ્કૃત,
સંસ્કાર્યું એથી નિજ જ્ઞાન કે પછી
ન જાણું એ સંસ્કૃત થ્યું જ સંસ્કૃત.

પ્રૌઢ ને દીર્ધ કાયાની પ્રૌઢ ને ઊર્ધ્વ જિન્દગી
સ્મિતની સૌરભે સિંચી હસતાં હસતાં સરી.

ડોસો ભણ્યો પાઠ જુવાન પાસથી
જુવાનીને પાઠ કંઈ ભણાવ્યા,
જુવાનીમાં કૂદવું એ નવાઈ ના,
વૃદ્ધત્વમાં યે કુદનાર કેટલા? ૩૦

જામતી શર્ત ઝાઝેરી વિચારો ભાવના તણી,
હોડમાં ટપવા જાતાં શોભતો વૃદ્ધ એ હતો!

ટપી ગયો એ સહુ જીવતાને,
સાધી લઈ જીવનની સમાધ સૌ,
જુવાનીથી ઝૂઝવું આદરીને
જોદ્ધાતણું જીવન દીર્ધ માણતો!

ધન્ય એ દેહની ભસ્મ ભૂમિને ફલદા કરો!
આત્માની એવી જ્વાલાઓ અંધારાં ફેડવા સ્ફુરો!