વસ્તુસંખ્યાકોશ/સંપાદકનું નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search

સંપાદકનું નિવેદન

અધ્યયનકાળ દરમ્યાન સાંપડેલી કેટલીક વસ્તુસંખ્યાસામગ્રી નોંધતા તેમાં રસ પડ્યો. ન્યાય, બૌદ્ધ, જૈન અને મીમાંસાદર્શનના ગ્રંથોમાં રહેલી સામગ્રીને એક બાજુ નોખી તારવી. તેમાં નવી નવી સામગ્રીઓ મળતાં ઉમેરો થતો ગયો. મુ. સ્વ. રતિભાઈ હ. નાયકે આ દિશામાં અતિપરિશ્રમપૂર્વક સામગ્રી એકઠી કરી હતી. અમારા બન્નેના પરિશ્રમને એકત્ર કરવાનો માર્ગ સૂઝાડ્યો શ્રી જયંતભાઈ કોઠારીએ. પ્રસ્તુત સંપાદનકાર્ય તેમની પ્રેરણા અને માર્ગદર્શનથી જ શક્ય બનેલું છે.

મુ. સ્વ. રતિભાઈ નાયકે ઘણીબધી સામગ્રી ભેગી કરી હતી. તેમના અંગત શોખમાંથી ઉદ્‌ભવેલા રસને લીધે શિલ્પશાસ્ત્ર અને સ્થાપત્યના ગ્રંથોમાંથી ઘણીબધી વિગતોની નોંધ એમણે એકઠી કરી હતી. કાષ્ઠમાંથી કોતરણી કરીને બનાવેલ હીંચકો, ટેબલ, ખુરશીઓ, સૂર્યરથ તથા ધાતુમાંથી બનાવેલી મૂર્તિઓ, હીંચકાના કલામય સળિયાઓ આજે પણ તેમના શોખને ગૌરવથી છતાં કરે છે. મુ. રતિભાઈની સામગ્રીમાં પુનરાવર્તનો ઘણાં જોવાં મળ્યાં. આ પુનરાવર્તનદોષ દૂર કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે. સમગ્ર સામગ્રીને પહેલાં સંખ્યા પ્રમાણે અને પછી અકારાદિક્રમે ગોઠવી. સામગ્રીની વિગત તપાસતાં ક્યાંક શંકા ઉદ્‌ભવી. રતિભાઈએ તો ઘણેબધે સ્થાને સામગ્રી કયા પુસ્તકમાંથી લીધી હતી તે નોંધ્યું નહોતું. એટલે શિલ્પ, સ્થાપત્ય, ક્રિયાકાંડ વગેરેને લગતા કયા પુસ્તકમાંથી માહિતી મેળવી હશે તે એક કોયડો બનતાં આવી સામગ્રી અલગ તારવી શક્ય તેટલાં પુસ્તકો ઉથલાવ્યાં, અને સામગ્રીને બને તેટલી ચોકસાઈપૂર્વક એકઠી કરવાનો પ્રયત્ન કર્યો. આમ કરવામાં અનેક પુસ્તકો આંખ તળે કાઢ્યા. મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો. છતાં પણ કેટલીક સામગ્રી એમ ને એમ સ્વીકારી લેવી પડી, કેમ કે, એની ચકાસણી માટેનાં સાધન મળ્યાં નહીં. કદાચ કોઈ જૂના ગ્રંથોમાં એ સચવાયેલી પડી હોય એમ માન્યું. આ કારણે કેટલીક સામગ્રીમાં વિગતદોષ રહેવા પામ્યા હશે.

મુ. રતિભાઈએ ભેગી કરેલી કેટલીક લૌકિક માહિતી રસપ્રદ હોવા છતાં વિસ્તારભયે અને કોશની મર્યાદા સ્વીકારીને ચાલવાની ઇચ્છાથી પડતી મૂકી; અલબત્ત, રતિભાઈની સંમતિ લઈને. તેમનો આગ્રહ થોડીક વિગતો સ્વીકારવા માટે હતો તેથી તેનો સમાવેશ કર્યો. છતાં કેટલીક રદ કરી. જેમ કે– આત્મતીર્થ (૫) આત્મારૂપી નદી, સંયમરૂપી ઘાટ, સત્યરૂપી જળ, શીલરૂપી કિનારા, દયારૂપી તરંગો. આવી માહિતી અનેક દોહરા, લોકગીત, દુહા, સંસ્કૃતના સુભાષિતો વગેરેમાંથી મળી આવે છે.

અહીં સાહિત્ય, તત્ત્વજ્ઞાન, આયુર્વેદ, ખગોળ, પુરાણ, આચાર-નીતિ વગેરે વિષયોમાં રહેલી વિપુલ અને વેરવિખેર સામગ્રીને એકત્ર કરી રજૂ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે. જ્યાં મૂળ સ્રોત મળ્યાં છે, ત્યાં જૈનમત, બૌદ્ધમત, વૈદક, જ્યોતિષ, વેદાન્ત, વ. ૨. કો. (વસ્તુ રત્નકોશ. સંપા. ડૉ. પ્રિયબાળા શાહ)ને કૌંસમાં દર્શાવ્યા છે, સંગીત નાટક, સાહિત્ય, કલા ઇત્યાદિ વિષયોને લગતી વિગતોનો સમાવેશ પણ કર્યો છે. જ્યાંથી જે હાથ લાગ્યું ત્યાંથી તે ભેગું કર્યું છે. જે તે વિષયના વિદ્વાનોને આમાં કેટલુંક ખૂટતું લાગશે, કેટલુંક અસંગત પણ લાગશે. આવી અધૂરપ કે અસંગતિ પ્રત્યે સુજ્ઞ વિદ્વાનો મારું ધ્યાન દોરશે તો ઉપકૃત થવાનું સદ્‌ભાગ્ય પ્રાપ્ત થશે.

સંખ્યાસામગ્રી સિવાયની બીજી કેટલીક ઉપયોગી માહિતીને ત્રણ પરિશિષ્ટોમાં સમાવી છે. પરિશિષ્ટ-૧માં અંકસંખ્યા, કાલમાપન, વેપારીલોકોની સાંકેતિક ભાષા (પ્રાચીન)ને લગતી માહિતીનો સમાવેશ કર્યો છે. પરિશિષ્ટ-૨માં દશાવતાર તથા તીર્થંકરોને લગતી માહિતી એકઠી કરી છે. એ જ પ્રમાણે ઋતુ, ગણ, ગ્રહ, જુદા જુદા ધર્મને લગતી માહિતી એકઠી કરી છે. પરિશિષ્ટ-૩માં આમ તો જો કે માહિતીપ્રદ વિગતોનો જ સમાવેશ કર્યો છે. છતાં નજર નાંખવી ગમશે. વસ્તુ-સંખ્યાને લગતી કેટલીક વધુ સામગ્રી પાછળથી મળતાં પુરવણીરૂપે તેનો સમાવેશ કર્યો છે.

પ્રસ્તુત કોશ પ્રેસમાં હતો ત્યારે મળતી ગયેલી વસ્તુસંખ્યાની કેટલીક નવી સામગ્રી અકારાદિક્રમમાં જ દાખલ કરી દેવાનો લોભ ટાળી શકાયો નહીં, પરંતુ આગળ આપેલી સંખ્યાનિર્દેશક શબ્દસંજ્ઞાઓની સૂચિ તો છપાઈ ગઈ હતી તેથી એમાં એનો નિર્દેશ કેવી રીતે થઈ શકે? તે ઉપરાંત, પ્રૂફ તપાસતાં ક્યારેક વસ્તુસંખ્યાની વિગતમાં દોષ માલૂમ પડ્યો. જેમ કે સંખ્યા (૧૬) હોય પણ ગણત્રી કરતાં ઓછીવત્તી થતી હોય, તેને ત્યાં સુધારવાનું શક્ય બન્યું પણ આગળ આપેલી સૂચિમાં તેનો પણ સમાવેશ ન જ થઈ શકે. સૂચિમાં કરવાના આ બધા ફેરફારો શુદ્ધિપત્રકમાં દર્શાવ્યા છે. બત્રીસ પકવાન અને છપ્પનભોગ જેવી જાણીતી સામગ્રીની તપાસ કરતાં અનેક મતમતાંતરો મળ્યા. ચોક્કસ આધારભૂત માહિતીના અભાવે કોશમાં તેનો સમાવેશ કર્યો નથી.

મુ. શ્રી. રતિભાઈને એમની અસ્વસ્થ તબિયતને લીધે જીવનના અંતિમ તબક્કામાં ‘વસ્તુ સંખ્યાકોશ’ને પોતાના હાથમાં જોવાની તીવ્ર ઇચ્છા રહ્યા કરતી હતી. શહેરની અશાંત પરિસ્થિતિ, પ્રેસની મર્યાદા વગેરેને લઈને તે પૂરી નહીં કરી શકાઈ તે બદલ હું ગ્લાનિ અનુભવું છું. ઘણી મહેનત અને દોડાદોડી કરી છતાં તેઓ પુસ્તક પ્રગટ થયું ત્યારે હયાત નથી એ વિચારે આત્મા ઊંડો ખેદ અનુભવે છે. પરમકૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.

પ્રસ્તુત ‘વસ્તુસંખ્યાકોશ’ને આર્થિક સહાય આપવા બદલ ગુજરાત સાહિત્ય અકાદમીનો ઋણસ્વીકાર કરું છું. અને વિશેષ કરીને મહામાત્ર શ્રી. હસુભાઈ યાજ્ઞિક પ્રત્યે આભાર પ્રદર્શિત કરવાની તક લઈ લઉ છું.

પ્રસ્તુત કોશના સમગ્ર લેખનકાર્યમાં મુ. જયંતભાઈ કોઠારી તરફથી મળતા રહેલા ઉષ્માભર્યા માર્ગદર્શનનો સહૃદયપૂર્વક આભાર માનું છું. અનેક રોકાણોમાં વ્યસ્ત હોવા છતાં તેમણે જ્યારે જરૂર પડી ત્યારે સમય ફાળવી અત્યંત ઝીણવટપૂર્વક સલાહસૂચનો આપ્યાં તે બદલ તેમનો આભાર માનવાની તક હું જવા દેવા માંગતી નથી.

મુ. શ્રી કે. કા. શાસ્ત્રીએ આમુખ લખી આપવાનો સહર્ષ સ્વીકાર કર્યો. તેમની ઘણીબધી પ્રવૃત્તિઓમાંથી સમય ફાળવી આપ્યો અને મને પ્રેમપૂર્વક આવકારી. મારું સદ્‌ભાગ્ય છે કે આ નિમિત્તે મને તેમના નિખાલસ અને વિપ્રને છાજે એવા સૌજન્યશીલ સ્વભાવનો અંગત અનુભવ થયો.

‘વસ્તુસંખ્યાકોશ’ને માટે અભિપ્રાય લખી આપવાની મારી વિનંતીનો મારા અધ્યાપક ડૉ. એસ્તેરબેને કરેલા સ્વીકાર બદલ હું તેમનો આભાર માનું છું. તેઓ હંમેશાં મારી વિદ્યાકીય પ્રવૃત્તિના પ્રેરણાસ્રોત અને માર્ગદર્શક રહ્યાં છે. તેમણે શીખવેલા વસ્તુના મૂળ હાર્દ સુધી અને મૂળ ગ્રંથ સુધી પહોંચવાની તાલીમને પરિણામે જ બધું શક્ય બન્યું છે.

સમગ્ર સંજ્ઞાસૂચિને વર્ણાનુક્રમમાં ગોઠવી આપવામાં મદદ કરનાર કુ. સલોની જોશી સાથેની આત્મીયતા એવી છે કે હું એમનો આભાર માનીશ, તો તે તેમના સંવેદનશીલ સ્વભાવને રુચશે નહીં. એ જાણવા છતાંય તેમનો ઋણસ્વીકાર ન કર્યાનો વસવસો મને સાલ્યા કરે એ કેમ બને?

પુસ્તકનું સુઘડ મુદ્રણ કરવા બદલ હું તેજસ પ્રિન્ટર્સના માલિક શ્રી. તેજસભાઈ જે. શાહની આભારી છું.

અહીં જે સામગ્રીનો ઉપયોગ કર્યો છે તે માટે અનેક ગ્રંથોની સહાય લીધી છે, તે સઘળા ગ્રંથકારોનો ઋણસ્વીકાર કરું છું.

શાળાથી માંડીને આજદિન સુધી ચાલેલી મારી તમામ વિદ્યાકીય પ્રવૃત્તિને નિર્વ્યાજ સ્નેહથી સિંચી છે, મારા માતા-પિતાએ. તેમનો જાહેરમાં આભાર માનવાની લાલસા રોકી શકતી નથી. પ્રસ્તુત કાર્યને ગતિ આપવા માટે મારા કુટુંબે અન્ય કૌટુંબિક જવાબદારીઓમાંથી મને સમય સુલભ કરી આપ્યો તે બદ્દલ તેમના પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી દર્શાવવાની અહીં તક લઉં છું.

પ્રસ્તુત ગ્રંથના વિતરણની જવાબદારી શ્રી. બાબુભાઈ શાહે (પાર્શ્વ પ્રકાશન) સ્વીકારી મને ચિંતામુક્ત બનાવી છે. તેમના તરફથી મને સાંપડેલો સહકાર નોંધપાત્ર છે. અને વ્યક્તિગત રીતે હું તેમનો આભાર માનું છું.

न तु अपूर्व किंचित्... તેમ છતાં પણ ઉપયોગી સામગ્રીને ગ્રંથસ્થ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. જિજ્ઞાસુ અભ્યાસકોનાં સૂચનો આવકાર્ય છે.

અમદાવાદ
ભારતી સત્યપાલ ભગત
 
તા. ૨૧–૧૦–૯૧
સંપાદક