વાંકદેખાં વિવેચનો
કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત ‘વાંકદેખાં વિવેચનો’ ગુજરાતી સાહિત્યના નવલરામ અને રામનારાયણ પાઠકની પરંપરાના વિવેચક પ્રો. જયંત કોઠારીનો લાક્ષણિક વિવેચનસંગ્રહ છે. આ સંગ્રહની પહેલી લાક્ષણિકતા વિવેચકે ‘મારા વિવેચન વિશે મારી કેફિયત’ શીર્ષકથી આપેલો લેખ છે. સમજાય એવી રીતે લખવું એવું માનનારા અને આચરનારા વિવેચકના આ સંગ્રહમાં પચીસ લેખો છે. બીજું, આ લેખો સાહિત્યના કોઈ સ્વરૂપ કે સિદ્ધાંતને કેન્દ્ર કરતાં નથી. પરંતુ વિવિધ સંશોધકો, સંપાદકો અને લેખકોએ કરેલા સંશોધનમાં ક્યાં અને કેવી શરતચુક કે ભૂલ થઈ છે ? એ દર્શાવીને એ ભૂલનું નિવારણ કરવાની સંશોધનાત્મક આધારભૂત સામગ્રી અભ્યાસીને પ્રસ્તુત સંગ્રહમાંથી મળશે. અહીં કલાપી, મીરાં, ભાલણ, નરસિંહ ઉપરાંત ઘણાં સર્જકો વિશે અને તેમની રચનાઓ વિશે તપાસ થઈ છે. જેમકે, "નરસિંહનું ‘સુદામાચરિત્ર’ – ‘મિત્ર’ આધારિત રચના?", “ભાલણની ‘કાદંબરી’ પ્રતિનિર્માણ?”. આ ઉપરાંત સંશોધનના પુસ્તકો જેમકે, ‘મધ્યકાલીન ગુજરાતી કથાસાહિત્ય’ (હસુ યાજ્ઞિક), ‘કવિતાનો આનંદકોશ’ (યશવંત ત્રિવેદી), ‘ગુજરાતની લોકકથાઓ’ (સંપા. જોરાવરસિંહ જાદવ), ‘જાનન્તિ યે કિમપિ’ (સંપા. સુરેશ જોશી), ‘ગુજરાતના સારસ્વતો’ (કે. કા. શાસ્ત્રી) વગેરે પુસ્તકોની સામગ્રી વિશે તપાસ થઈ છે. આ તપાસ નીરક્ષીર વિવેકબુદ્ધિથી થઈ છે. સંશોધનમાં સામગ્રીની તપાસ કઈ રીતે થઈ શકે એ શિખવા માટે પ્રસ્તુત સંગ્રહ અભ્યાસીને શિક્ષકની ગરજ પૂરી પાડશે.
— –કીર્તિદા શાહ