વાર્તાકાર હેમાંગિની રાનડે/ટક્કો મૂંડો
સરસ્વતી રવિવારનું છાપું વાંચે છે. સવારના પહોરમાં તાજું છાપું વાંચવાનો આનંદ અનેરો છે. નહીંતર રોજ બપોરે ઘરના બધા પોતપોતાના કામે નીકળી જાય ત્યારે છાપું હાથમાં આવે છે. અને તેય ચોળાયેલું, વાસી છાપું. પણ રવિવારે… વાહ! સરસ્વતીએ પગ ચઢાવીને પહેલા પાના પર નજર ફેરવી. અને ત્યાં જ વાવાઝોડાની જેમ ચોધાર આંસુએ રડતી કિન્નરી ધસી આવી દાદીના ખોળામાં ભરાઈ ગઈ. ભીના શરીર પર ફક્ત ટુવાલ છે. છાપું ખસેડી દાદીએ પૂછ્યું, ‘હેં! શું થયું? મારી દીકરી શીદને રડે છે?’ ‘દાદીમા, હું નહીં કાપવા દઉં મારા વાળ. નહીં કાપવા દઉં.’ કિન્નરીના ભીના વાળ પર હેતથી હાથ ફેરવતાં સરસ્વતીએ કહ્યું, ‘ના રે ના! આટલા સુંદર વાળ તે કંઈ કપાતા હશે! પણ થયું શું?’ કિન્નરીએ દાદીની છાતીમાં મોઢું સંતાડ્યું. સરસ્વતીએ પાછળ જોયું, વહુ બારણે ઊભી હતી. ઈશારાથી પૌત્રીના રડવાનું કારણ પૂછ્યું, વહુએ છણકો કર્યો. ‘જુઓને માજી, કેટલી જૂ ખદબદે છે માથામાં! નથી રોજ બરાબર કાંસકી ફેરવવા દેતી, નથી વાળ ધોવા દેતી. આખો દિવસ માથું ખંજવાળ્યા કરે છે. વાળ ઓળતી વખતે જાડી જાડી જૂ પડે છે અને કપડાં બધાં કાળાં થઈ જાય છે.’ આ અતિશયોક્તિ સાંભળી સરસ્વતી હસી. પણ વહુની વાતમાં સત્ય હતું. કિન્નરીનું માથું ઊંચકીને પૂછ્યું, ‘તો તું વાળ સાફ કેમ નથી રાખતી, હેં? દર રવિવારે માથું ધોતી વખતે આમ રડ રડ કરે છે?’ પછી વહુને કહ્યું, ‘હમણાં કંઈ દવા મળે છેને, એ નાખને! માથું આખું સાફ થઈ જશે!’ વહુએ જરી મોટેથી કહ્યું, ‘ના માજી, હવે તો આનું માથું જ મૂંડાવી નાખવું છે. વાળ રહેશે નહીં તો જૂ આવશે ક્યાંથી? આમ આ નહીં સુધરે.’ સરસ્વતી વહુ જોડે સંભાળીને બોલે છે. ‘હા, સાચી વાત. ન માને તો શું થાય? આમ જ કરવું પડેને!’ કિન્નરીનું રુદન વધી ગયું. ‘નહીં. હું મારા વાળ નહીં કપાવું. મુંડન નહીં કરવા દઉં. પછી નિશાળમાં મને બધા ચીડવશે. હું ટક્કો મૂંડો નહીં બનું… નહીં, નહીં…’ અને રડતી કિન્નરી મોટી કોર્ટમાં દાદાજી પાસે ફરિયાદ નોંધાવવા, બહાર વરંડામાં નાસી ગઈ. ‘દાદાજી… દાદાજી… હું ટક્કો મૂંડો નહીં બનું… મારે વાળ નથી મૂંડાવવા…’
*
ઉનાળાની રજાના દિવસો હતા. આખું કુટુંબ ગામના ઘરમાં ભેગું થયું’તું. વરસો પછી માસીબાએ નોતરું સ્વીકારી દીકરીઓ જોડે ગામમાં પદાર્પણ કર્યું હતું. ઘરની મોટી દીકરી હંસા સુવાવડ પછી ત્યાં જ હતી. બાળકોનો ઘોંઘાટ, રાંધવા-તળવાની ગંધ, અને વાતોની રમઝટ જોડે હાસ્યની છોળોથી ઘર ભરાઈ ગયું. માસીબા પૈસાદાર ઘરમાં પરણી છે, તેમના ગમા-અણગમા, પસંદ-નાપસંદનું ખાસ ધ્યાન રખાય છે. હંસાનો દિવસ નાના ભૂલકાની સારવારમાં પસાર થતો, એટલે ઘરનું કામકાજ બીજી બન્ને દીકરીઓ ઉપર આવી પડ્યું. બન્ને બહેનો મહેમોનોની સરભરામાં રહેતી, નાની સરસ કદી બાળકોને રમાડતી, કદી માસીબાની દીકરીઓની સેવા કરતી, નવાઈથી તેમનાં કપડાં, જોડા, રિબિન, વાળોની ક્લિપ જોયા કરતી. તેમના હુકમો હસીને ઝીલતી, અને રમકડું બનીને તેઓને હવાલે થઈ જતી. તેઓ પણ ચંચળ છોકરી જોડે વખત વિતાવતી. બીજું કરવા જેવું આ ગામડામાં હતું’યે શું! બપોરે જમી કરીને ત્રણે સ્ત્રીઓ અંદરના ઓરડામાં બેસીને વાતો કરતી. માસીબા, બહેનનાં લગ્ન પછી આમ આરામથી પહેલી જ વાર આવેલાં, એટલે વાતો જાણે ખૂટતી જ નહીં. નહીંતર કુટુંબનાં લગ્ન, જનોઈમાં આટલી નિરાંત ક્યાં મળે છે! ‘તારા દીકરાઓ બાપ પર પડ્યા છે હોં અનુ. આના કરતાં વધારે કાળો રંગ ન જ હોય.’ બહાર રમતાં છોકરાઓ તરફ જોઈ માસીબાએ કહ્યું. મા હસી પડી. ‘પણ અમે દીકરીઓ કંઈ એટલી શામળી નથી હોં માસીબા!’ હંસા છોકરાને ધવરાવતી હતી, બોલી ઊઠી. ‘હા, એ વાત સાચી. પણ તમે બધી અનુ પર પડી છોને! આ નાનકીનો રંગ વધારે ઊજળો છે.’ માસીબાએ સરસ ભણી જોઈને કહ્યું. ‘આના લગનમાં ઝાઝો ત્રાસ નહીં વેઠવો પડે. અને આ બન્ને મોટીનો વાન સાફ તો ન કહેવાય. છતાંયે એટલી ખરાબેય નથી. બન્નેનાં મોઢાં પર લવણેય છે.’ માસીબાએ બન્નેને પાસ કરી નાખી. ‘લવણ છે? એટલે બાપુજીની જેમ ને?’ હંસા, તાજેતરમાં પરણેલી એટલે પ્રૌઢાઓની જમાતમાં સામેલ. મોકો મળતાં જ સવાલ-જવાબ કરવાનું ચૂકતી નહીં. ‘હા, હોં, કાળા છે તારા બાપુજી, પણ દેખાવમાં કંઈ ખરાબ નથી.’ માની સામું જોઈ, મશ્કરી કરતાં માસીબાએ કહ્યું, ‘કેમ અનુ? સાચી વાત છે ને?’ મા ફરી હસી. માસીબાની કેટલી બધી વાતો પર મા ફક્ત હસે છે. ‘બન્ને દીકરીઓને કરિયાવર જરી ભારે આપવો પડશે. હેં અનુ! તૈયારી છેને?’ માસીબા ગંભીર થઈ ગયાં. માએ એક વાર હંસા સામું જોયું, પછી નીચું જોતી બોલી, ‘ભગવાન બેઠા છેને બેન. બધી ચિંતા એને જ છે. આપણા હાથમાં શું છે!’ ‘હા, એ વાત ખરી.’ માસીબાએ પડખું ફેરવી વાત પડતી મેલી. મા ઊઠી ગઈ. ‘જરા રસોઈ જોઈ આવું.’ તેના ગયા પછી હવે માસીબા ઊઠીને બેઠાં. ‘શું કહે છે હંસા? હજુ તારી ત્રણ બહેનોને વરાવવી છે. તારા બાપુજીની તૈયારી છેને?’ ‘તૈયારી? તમે તો જાણો છો માસીબા. નિશાળના માસ્તર પાસે કેટલું હોય! હા, જમીનનો ટુકડો છે ખરો. તેની પેદાશમાંથી ઘરખર્ચ ચાલે છે.’ ‘જો બેટા, શ્રીફળ અને મુઠ્ઠીભર ચોખા આપીને કંઈ દીકરીઓને સાસરે મોકલાય છે? ઘરેણાં, રોકડ નથી ભેગાં કર્યાં બાપુજીએ?’ હંસાએ નિઃશ્વાસ નાખીને છોકરાને હૈયા સમો ચાંપી લીધો. ‘મારાંયે લગ્ન થઈ જ ગયાંને માસીબા!’ માસીએ હુંકારો ભર્યો અને પડખું ફેરવી ગઈ. માસીબાનાં નસકોરાં બોલ્યાં, ત્યારે માએ ઓરડામાં પગ મૂક્યો.
*
માસીયાઈ બહેનોની સેવામાં મગન સરસ તેમની રસભરી વાતોને વશ થઈ જતી. તેઓ જ્યારે પોતાનાં ઘર, બહેનપણીઓ, સ્કૂલની વાતો કરતી, સરસ ધ્યાન દઈને સાંભળતી. અહાહા! કેટલા નસીબદાર લોકો છે… ક્યારેક બહેનો સરસને સામે બેસાડી, ઢીંગલીની જેમ તેને શણગારતી. માનો સાડલો બેવડો કરીને પહેરાવતી, આંખોમાં કાજળ, કપાળ પર ચાંદલો, હોઠો પર લાલી લગાડતી. પોતાનાં ઘરેણાં, ગળાનો હાર, હાથની બંગડીઓ કાઢીને તેને પહેરાવતી. વાળનો અંબોડો વાળતી, વેણી નાખતી, પછી તેને જોઈ હસતી, બધાને બોલાવી દેખાડતી. સરસ આ પ્રેમથી રાજી-રાજી થઈ જતી… રજાઓ પૂરી થવા આવી. માસીબાએ સામાન બાંધ્યો. સરસ દોડી દોડીને કામ કરતી. માસીબાની દીકરી હેમ બોલી, ‘ચાલને સરસ, તુંયે અમારી જોડે ચાલ.’ સરસ નાની હતી ખરી, પણ એટલી નાની નહીં કે મશ્કરી ન સમજે. તે હસી. માસીબા કપડાં ઘડી કરીને ટ્રંકમાં મૂકતાં’તાં, થંભી ગયાં. હેમની ગમ જોઈને પૂછ્યું, ‘ગમી ગઈ લાગે છે આ છોકરી, કેમ?’ ‘સાવ ઢીંગલી છે મમ્મી, આ ન હોત તો અમે શું એક દિવસ પણ અહીં રહી શકત?’ ‘કાં અલી,’ સરસનું હસતું મોઢું જોઈ માસીબા કંઈક વિચાર કરતાં બોલ્યાં, ‘આવીશ અમારી જોડે? હવે સરસ શરમાઈને નાસી છૂટી.’ મશ્કરીમાં આપેલું આમંત્રણ માસીબાએ પકડી લીધું. બપોરે માને પૂછ્યું, ‘કેમ અનુ, શું કહે છે? તારી આ નાનકડીને લઈ જાઉં?’ માએ હસીને માથું ધુણાવ્યું, ‘લઈ જાઓને બેન, તમારી જ તો છે.’ ‘હું અમથી નથી કહેતી હોં, તું તારા વરને પૂછી જો.’ ત્યારે તો મા કંઈ ન બોલી. પણ રજાના બાકી બે દિવસો આ વાતને લઈને વીત્યા. માસીબાનું કહેવું હતું કે સરસ તેમની પાસે રહીને ભણશે, દુનિયા જોશે, તો કંઈ શીખશે. રજામાં ભલેને ગામ આવતી રહે. મોકલી આપીશું. અને શહેર કંઈ દુનિયાને છેડે તો છે નહીં, જ્યારે અનુને દીકરીને મળવાનું મન થાય, તો પોતે ત્યાં આવે અથવા બાપુજી આવીને સરસને મળી જાય. હંસા આ વાતના પક્ષમાં હતી. તેણે બાપુજી સામે વાત મૂકી. પહેલાં ન માન્યા. પછી સરસને બોલાવીને પૂછ્યું, ‘જઈશ તું માસીબા જોડે?’ હસરતથી ભરેલી બે આંખો ઊઠી. બાપુજીએ ચુકાદો આપ્યો, ‘ભલે જાય, થોડા દિવસો માટે, મન માને તો વધારે રહે, નહીંતર હું જઈને લઈ આવીશ.’ માસીબાએ એકાંતમાં હંસાને કહેલું કે છોકરી તેમની પાસે રહીને માણસ બનશે, તો માસીબા તેનાં લગ્નમાં જરૂર યથાશક્તિ મદદ કરશે. આ વાત હંસાએ મા-બાપુજીથી છાની રાખી. અને આમ સરસ માસીબા જોડે હસતી રમતી શહેર જવા ઊપડી ગઈ.
*
અહાહા! શું શહેરની જાહોજલાલી! સ્વપ્નમાંયે સરસે કદી એવી કલ્પના નો’તી કરી. તેની આંખો આ ઠાઠમાઠ જોઈને અંજાઈ ગઈ. માસીબા અને તેમની દીકરીઓ સરસનું મોઢું દેખીને હસી પડી. અને માસીબાનું ઘર! અધધધ! આટલું વિશાળ. બધા માટે જુદા જુદા ઓરડાઓ. સરસને લાગ્યું, પોતે કોઈ જાદુઈ દુનિયામાં આવી પહોંચી છે. અને માસાજી! હે ભગવાન! પહેલી વાર માસાજીએ સરસને જોઈ તેનું નામ પૂછ્યું, અને જ્યારે સરસે પ્રણામ કર્યા, તેમણે માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા, તેમની હથેળી એટલી પહોળી હતી કે સરસનું આખું માથું તેમાં સમાઈ ગયું, ત્યારે બીકની મારી સરસે માથું નમાવી દીધું. અને પછી મળ્યા માસિયાઈ ભાઈઓ. ઊંચા, કદાવર, ગોરા! સરસ માંડ તેમની કમ્મર સુધી પહોંચી, એટલે જે સવાલો તેમણે પૂછ્યા, તેના જવાબ સરસે જાણે તેમની કમ્મરને જ આપ્યા. ઉપર જોવાની હિંમત ન થઈ. તેમનેય ક્યાં ફુરસદ હતી સરસ જોડે બોલવાની? પહેલી વાર નામ, ગામ, અભ્યાસ પૂછી લીધું, પત્યું! તેમને શું બીજું કશું કામ નથી? હવે પ્રશ્ન આવ્યો સરસની નિશાળનો. હેમ અને વિભા અંગ્રેજી સ્કૂલમાં ભણે છે. સરસ માટે ગુજરાતી નિશાળ શોધાઈ ગઈ, ઘેરથી વધારે છેટે નથી, બે-ચાર દિવસો કામવાળી બાઈ પહોંચાડી આવશે, પછી સરસ પોતે એકલી જશે. ‘કેમ જઈ શકીશને?’ સરસે ડોક હલાવી. પણ એનું હૃદય કંપી ઊઠ્યું. રસ્તા ઉપર એટલી ભીડ, બસો, મોટરો, ગાડીઓ, સાઈકલો, કેમ જશે સરસ? પણ જવું તો પડશે જ ને! ઘેર પત્ર લખવો છે. માસીબાને કહ્યું, તો હસીને કહે, સરસ્વતીની બધી વાતો, વિગતવાર તેઓ માને મોકલતાં રહ્યાં છે, છતાંયે સરસને લખવું જ હોય, તો લખીને તેમને આપે, તેઓ મોકલી આપશે. સરસે ફરી ડોક હલાવી. સરસ નિશાળે જવા લાગી. કેટલી મોટી નિશાળ હતી! કેટ-કેટલી છોકરીઓ ત્યાં ભણતી! તેમની વાતો સરસને સમજાતી નથી. બે-બે વાર પૂછવું પડે છે. છોકરીઓ હસે છે. ‘સંભળાતું નથી?’, ‘બહેરી છો?’ ભાષા એ જ છે, બોલવાની લઢણ જુદી છે. નિશાળેથી આવ્યા બાદ સરસને સમજાતું નથી કે હવે કરવું શું? પહાડ જેવી ભારે સાંજ વીતતી નથી. હેમ અને વિભા મોડાં આવે છે. તેમને હવે એટલી ફુરસદ ક્યાં છે કે સરસ જોડે હસે, બોલે, તેને સામે બેસાડીને નિહાળ્યા કરે. તેમને અભ્યાસ છે, તે લોકો ઉપરના ક્લાસમાં છે, તેમની સાહેલીઓ આવે છે, તેઓ સરસને જોઈ સ્મિત કરે છે. સરસને લાગે છે કે તે સ્મિતમાં આત્મીયતા નથી, કૌતુક નથી. શું છે, તે સમજાતું નથી, પણ જે છે તે સરસને ગમતું નથી. તે ત્યાંથી ઊઠી જાય છે અને ત્યારે બહેનો ખડખડાટ હસી પડે છે. અરે ભાઈ, સરસને અહીં લાવ્યા છીએ, તો રહેને સરસ નિરાંતે! લખે, વાંચે, માણસ બને! તેઓ સવાર-સાંજ શું સરસને લઈને બેઠાં રહે? માસીબાનેય ઘર-સંસારનાં હજાર કામ હોય! સરસ જો આખી સાંજ તેમની પાછળ પાછળ ફરતી રહે, તો તેમને કંટાળો ન આવે? ‘શું છે સરસ? જા, જઈને વાંચ જોઉં. આમ મારું માથું ન ખા ભાઈ!’ સરસ પુસ્તક ખોલીને બેસે છે, અક્ષરો એકબીજામાં ગૂંથાઈ જાય છે, થાકીને તે ગૅલેરીમાં જઈને ઊભી રહે છે, નીચે ધામધૂમ છે, અવાજો છે, અને અવર-જવર છે – સતત! સરસનું માથું દુખવા માંડે છે. તેને મા યાદ આવે છે, બહેનો યાદ આવે છે, ઘર યાદ આવે છે. તેને ઘેર જવું છે, અહીં નથી રહેવું. પણ તે કોઈને કહી નથી શકતી. આટલા સ્નેહથી માસીબા, આટલા પૈસા ખર્ચીને તેને અહીં લઈ આવ્યાં છે, તેમને આ વાતની ખબર પડી તો? સરસ સૂમસામ બેસી રહે છે. રાતે તકિયામાં મોઢું સંતાડીને રડે છે, રખે પાસે પલંગ પર સૂતી બહેનો સાંભળી લે! તો કેવું લાગે તેમને! માસા ક્યારેક પૂછે છે, ‘કેમ સરસબેન ઠીક છોને?’ સરસ નથી જાણતી કે તેઓ ખરેખર જાણવા માગે છે કે આ પણ એક જાતની રમત છે. તે ચૂપ રહે છે, નીચું જોઈ જાય છે. સરસને અહીં ખૂબ એકલું લાગે છે. બાપુજીએ કહ્યું હતું કે તેઓ સરસને મળવા આવશે. સરસને અહીં આવ્યે બે મહિના ઉપર થઈ ગયા, બાપુજી નથી આવ્યા. કેમ નહીં આવ્યા હોય? ત્યાં એક દિવસ માનો કાગળ આવ્યો. માસીબા પર. તેમાં સરસ વિશે પુછાવ્યું છે. માસીબાએ કાગળ વાંચી સંભળાવ્યો. ‘સરસ મજામાં હશે. એની નિશાળ શરૂ થઈ ગઈ, જાણ્યું. સરસ ત્યાં આનંદમાં રહે, માસીબાની આજ્ઞા માને, તેમને ત્રાસ ન આપે.’ અને બસ! સરસને માનો કાગળ હાથમાં લેવો છે, પોતે વાંચવો છે, માએ એનું નામ કેવી રીતે લખ્યું છે એ જાણવું છે. કદાચ માનો આછો સ્પર્શ તે કાગળમાં હજુયે હશે. તેણે હાથ લંબાવ્યો, પણ ત્યાં માસીબાએ કાગળ ઘડી કરીને પોતાની પર્સમાં મૂકી દીધો. સરસને વધારે એકલું લાગવા માંડ્યું. મા… બાપુજી... ઘર…
*
ધોબી આવ્યો છે. ઘરભરનાં મેલાં કપડાંનો ઢગલો પડ્યો છે. ‘સરસ, તારાં કપડાંયે આપી જા. ટુવાલ, ચાદર, ગલેફ, બધું લઈ આવ.’ સરસે બધાં કપડાં લાવીને ધોબી સામે મૂક્યાં. ધોબીએ કપડાં ઉપાડ્યાં. નજર ગલેફ પર પડી. ગલેફ લઈ તે બારી પાસે ગયો. ગલેફ બારી બહાર ઝાડવા લાગ્યો. ‘શું છે? આમ ઝાડે છે શું કામ?’ ‘કીડા છે માજી.’ ‘કીડા? કીડા ક્યાંથી આવ્યા?’ ‘વાળના કીડા છે. આમ ને આમ લઈ જઈશ, તો બધાં કપડાંમાં લાગી જશે. જૂ છે માજી.’ ‘સરસ!’ માસીબાએ ઘાંટો પાડ્યો. ‘સરસ!’ ‘જી માસીબા?’ ‘અહીં આવ.’ સરસ આવી. માસીબાએ એનો ચોટલો ઝાલીને પાસે ખેંચી. વાળમાં પાંથી પાડીને જોયું. ‘હં.’ સરસે નજર ઉપાડી. ‘ચોટલો ખોલ.’ સરસે ચોટલો ખોલ્યો. ધોબી ગયો. માસીબાએ સરસના વાળમાં કાંસકો ફેરવ્યો. તેમની આંખો પહોળી થઈ ગઈ. વાળ પકડીને સરસનું માથું ઝાટક્યું. સરસની આંખોમાં પાણી ભરાઈ આવ્યું. હેમ આવી. ‘શું થયું મમ્મી?’ મોઢું મચકોડીને માસીબાએ સરસના વાળ તરફ ઈશારો કર્યો. હેમ પાસે આવી, જોયું, રાડ પાડી, ‘બાપ રે!’ રાડ સાંભળી વિભા આવી. તેને ઊબકા આવવા લાગ્યા. વિવશ સરસ અપરાધી બની પૂતળાની જેમ ઊભી છે. માસીબાએ પીઠ પર ધક્કો મારી તેને દૂર ખસેડી. ‘વાળમાં ખૂજલી નો’તી થાતી? બોલ!’ શું બોલે સરસ? ‘આટલા કીડા ખદબદે છે. ખબર ન પડી?’ સરસ ચૂપ ઊભી છે. ‘દર રવિવારે વાળ ધોતી’તીને?’ ડોક હલી. ‘પછી?’ ડોક નીચી વળી. ‘આટલા વાળ છે, મારાથી નથી ધોવાતા. ત્યાં મા કે પછી બહેનો ધોઈ આપતી.’ કહેવું હતું, પણ અવાજ ન ફૂટ્યો. ‘મમ્મી, હવે શું કરશું?’ હેમ દૂર ઊભી પૂછે છે. ‘હું આને મારા ઓરડામાં નહીં સૂવા દઉં. અમારા વાળમાં કીડા પડી જશે તો?’ વિભાએ બાથરૂમનો દરવાજો બંધ કર્યો, ‘મમ્મી, હું મારા વાળ ધોઈ નાખું છું.’ સરસની ગરદન ઊઠતી નથી. ‘બીજાના છોકરાને લાવ્યાનું ફળ છે. મારીયે મતિ મારી ગઈ’તી.’ દૂરથી માસીબાનો ચિડાયેલો સ્વર સંભળાયો. ‘રાધા! એ રાધા. આનું ગાદલું ફેંકાવી દે અને તકિયો પણ અને આનાં બધાં કપડાં પણ…’ સરસની પીઠ વાંકી વળી ગઈ. ‘અને રાધા, તું આનું માથું સાફ કરી નાખ.’ રાધાએ મોઢું બગાડ્યું, ‘હું કંઈ આટલી બધી જૂ નહીં કાઢી શકું. છી, કેટલી છે! માથું આખું ભરાયેલું છે. ક્યાં સુધી કાઢવી?’ હવે શું થાય! રાધાએ રસ્તો દેખાડ્યો. ‘વાળ જ કાપી નખાવોને બાઈ. પછી ઓલી દવા આવે છેને, એ લગાડી દઈએ, એટલે કાયમ માટે જૂ ખતમ થઈ જશે.’ ‘પણ વાળ કાપશે કોણ?’ ‘નાકા પર વાળંદ બેસે છેને, કહો તો એકને પકડી લાવું.’
*
બહાર ગૅલેરીમાં ચાદર ઓઢાડીને સરસને બેસાડી છે. તેની ડોક હજુ નથી ઊઠતી. તે જમીનને જોયા કરે છે. વાળંદે પેટી ખોલી, કાતરનો અવાજ થયો, કચર-કચર… હાથભર લાંબા, ભરાવદાર વાળનાં ગૂંચળાં, વળ ખાતાં નીચે પડ્યાં. સરસ બોલવા મથી, રોવા મથી, પણ ગળામાં પથરો ફસાઈ ગયો છે. ગળું દુખે છે, રૂંધાય છે. નથી અવાજ નીકળતો, નથી આંસુ ખરતાં… વાળ કપાઈ ચૂક્યા, માથું ઠંડું ઠંડું થઈ ગયું… આહ! કેટલું ઠંડું… હવે અસ્તરો ચાલે છે, સડાક સડાક… ગલીપચી થાય છે, પણ હસાતુંયે નથી, રડાતુંયે નથી. હવે માથામાં બળતરા થાય છે, ઘા પડ્યા પછી થાય તેવી, પછી માથા પર કંઈક લગાડવામાં આવે છે. કેટલાંયે ટીપાં કપાળ પર નીતરે છે… છેવટે વાળંદે હાથ ઉપાડી લીધા, પેટી બંધ કરી. માસીબાએ દૂરથી કહ્યું, ‘રાધા, આ વાળ કાગળમાં વીટીંને દરિયામાં નાખી આવ અને સરસ, બાથરૂમમાં જઈને નાહી લે. આ કપડાંયે ફેંકી દેજે રાધા અને આ ચાદર પણ.’ રાધા હસી પડી, ‘કપડાં ફેંકી દેશું તો છોકરી પહેરશે શું?’ હેમ અને વિભાએ પોતાનાં કપડાં આપવા સાફ ના પાડી. ‘તું નાહીને ટુવાલ વીટીં બહાર આવ.’ આદેશ મળ્યો. વાળ વિનાની એક છોકરી બાથરૂમમાં લપાઈ ગઈ. ભીની જમીન પર બેસી વિચાર કરે છે, એટલા કીડા ક્યાંથી આવ્યા હશે? કેમ કરીને આવ્યા હશે? હજીયે ફરે છે શું મારા ડિલ પર? તેણે પોતાનું શરીર જોયું, હાથ, પગ, પેટ, છાતી, પીઠ, જાંઘ, પછી ઊઠીને આરસીમાં જોવાનું સાહસ કર્યું. ત્યાં એક નીલ રંગનું માથું દેખાય છે… નીલ રંગનું માથું…? મારું માથું આ રંગનું કેમ છે? તેની બન્ને આંખો આટલી મોટી કેમ કરતાં થઈ ગઈ? નીલ રંગનું માથું, મોટી વિવશ આંખો… સરસ એકટસ જુએ છે... ‘જલ્દી કર સરસ… નાહી લે, તો મેહતરને બોલાવી બાથરૂમ ધોવરાવી લઈએ.’ હેમે ઘાંટો પાડીને કહ્યું. ટુવાલ વીંટીને જ્યારે બહાર આવી, માસીબાએ પોતાની સાડી આપી. ‘હમણા આ જ વીંટી લે, પછી જોયું જશે. બે-ચાર દિવસોમાં કપડાં કરાવી લઈશું.’ સરસે સાડી વીંટી લીધી.
*
જમવાના ટેબલ પર સરસની ખુરશી છેટે હતી. ભાઈઓએ જાણી જોઈને તેની તરફ ન જોયું. માસા હસીને કહે, ‘અરે સરસબેન! તમે તો સાવ સાધ્વી બની ગયાં, ખરું?’ એ મશ્કરીમાં થોડીક હમદર્દી જણાઈ, પણ સરસે ન સાંભળ્યું, ન જોયું. તેની આંખો થાળી પર સ્થિર હતી. ચળકતી થાળી, જેમાં રોટલી હતી, શાક હતું. સરસ જુએ છે, આ થાળીમાં કોઈ કીડો તો નથીને? કાળો, નાનો સરખો, પણ કીડો… બીજે દિવસે સરસને નિશાળે જવા માટે ભાઈઓનાં જૂનાં કપડાંમાંથી એક ખમીસ અને એક નિકર આપવામાં આવી. સરસ એક વાર માસીબા સામું જુએ છે અને પછી તે કપડાં પહેરી લે છે. સરસ નિશાળે પહોંચે છે. બધા તેની સામે મીટ માંડીને જોઈ રહ્યા અને હસી પડ્યા. ‘આ શું વેશ કાઢ્યા છે, હેં?’ ‘એ, તું છોકરી છે કે છોકરો?’ ‘કાલ સુધી તો તું છોકરી હતી, આજે એકદમ છોકરો કેમ બની ગઈ, હેં?’ ‘તારા વાળ ક્યાં ગયા?’ કોઈએ પૂછ્યું. ‘અને આ રંગ કેમ લગાડ્યો છે માથામાં?’ બીજીએ ટકોર કરી. ‘ટક્કો મૂંડો.’ ત્રીજીએ કહ્યું. ‘મંછા મૂંડી’ ચોથી, પાંચમી, સોમી, હજારમી, લાખમી, કરોડમી છોકરીએ કહ્યું, ‘ટક્કો મૂંડો.’ ટક્કો મૂંડો આંખ્યું ફાડીને જુએ છે, તેઓના અવાજો સાંભળે છે, તેને કંઈ જ સમજાતું નથી. ચપેટ મારવા હાથ ઊઠે છે. ટક્કો મૂંડો કર્યો છે, ચપેટ તો મારવી જ જોઈએ. એકે એના માથા પર ચપેટ મારી, બીજીએ મારી, કેટલાયે હાથ ઊઠ્યા. સરસ પાછળ ખસે છે, તેમનાથી બચવા મથે છે. છોકરીઓ હસે છે, ધીરે-ધીરે તેમનું હાસ્ય વિકટ, હિંસ્ર બનતું જાય છે. સરસ હજુ પાછળ ખસે છે. પાછળ દીવાલ છે. ટક્કો મૂંડો… ટક્કો મૂંડો… આકુળવ્યાકુળ સરસ અહીંતહીં જુએ છે, ક્યાં નાસી જાઉં? ઘોંઘાટ સાંભળી શિક્ષિકા દોડી આવ્યાં. ‘શું છે? આટલો અવાજ કેમ કરો છો? શું વાત છે?’ બધાની નજરો જોડે તેમની આંખ પણ ટક્કા મૂંડા પર પડે છે. ‘અરે સરસ! આ શું છે?’ હું સરસ નથી. ‘છોકરીઓની નિશાળમાં આ છોકરો ક્યાંથી આવી ચઢ્યો?’ તેમણે હસીને કહ્યું. હું છોકરી નથી, હું છોકરો નથી, હું કંઈ નથી, હા, હા, હું કીડો છું. કીડો છું હું. ‘અરે, આજે જ શું માથું મૂંડાવ્યું છે?’ બહેન પાસે આવ્યાં અને ધીમેથી નીલ રંગના માથા પર ચપેટ મારી કહ્યું, ‘ટક્કો મૂંડો.’ તેમણેય ન જાણ્યું કે આંખના પલકારામાં એક નાનકડી છોકરી કાળો કીડો બની ગઈ છે. ટક્કો મૂંડો દીવાલથી ચોંટી ગઈ છે. બે વિકળ ગોળ આંખો ચકળ-વકળ ફરે છે. મને ન રંજાડો, મને આમ ન સતાવો… તે ચીસ પાડીને કહેવા મથે છે, પણ ગળામાંનો પથરો હજીય ત્યાં ચોંટ્યો છે, અવાજ નથી નીકળતો, આંસુ નથી ખરતાં… સરસની આંગળીઓ પાછળની દીવાલ પર જગ્યા શોધે છે. છોકરીઓ આગળ વધે છે. એટલામાં ચપરાસીએ આવીને કહ્યું, ‘સરસ્વતી દેસાઈને મોટાં બેન બોલાવે છે.’ આગળ વધતી, ખડખડાટ હસતી છોકરીઓ થંભી ગઈ. બહેને ઈશારો કર્યો. યંત્રની જેમ સરસ ચપરાસીની પાછળ ધીરે-ધીરે ચાલે છે. ઑફિસનો દરવાજો ખૂલે છે. મોટાંબહેનના ટેબલ સામે કો’ક બેઠું છે. ટક્કા મૂંડાને જોઈ તે ઊઠે છે. તેના મોઢા પર પહેલાં આશ્ચર્ય, પછી પીડા, કરુણા અને પછી વાત્સલ્ય ઊભરાય છે. આગળ આવીને તેણે હાથ ફેલાવ્યા, ‘સરસ, બેટા!’ હિંસ્ર ઘોંઘાટ પછી, આ કોમળ અવાજ સરસના કાનને વિચિત્ર લાગે છે. ડોક ઉઠાવીને જુએ છે. કોણ છે? બે હાથ આગળ વધે છે અને તેને બાથમાં લઈ હૃદય સમી ચાંપી લે છે. બાપુજીના સુરક્ષિત ખોળામાં સરસના ગળાનો પથરો ઓગળવા માંડે છે. અને સરસ રડી પડે છે.
*
સરસ્વતી રડે છે. બધા અચરજથી તેની સામું જુએ છે. બારણા પાસે ઊભી વહુએ હાથ લંબાવીને પૂછ્યું, ‘માજી, એવું તેં મેં શું કહી દીધું કે તમે આમ…’ જોશી અંદર આવ્યા. રડતી પત્નીને જોઈ પૂછ્યું, ‘આ શું માંડ્યું છે?’ સરસ્વતી બોલવા ચાહે છે, પણ રુદન નથી થંભતું. ‘મારી છોકરીના વાળ કપાવવાની વાત કરી, ત્યાં માજી રડવા માંડ્યાં.’ સરસ્વતી કહેવા માગે છે, હું ટક્કા મૂંડાને લઈને નથી રડતી વહુ, હું તો એ ટક્કા મૂંડા માટે રડું છું જે જોતજોતામાં એક કીડો બની ગઈ’તી. કોઈને કંઈ સમજાતું નથી. સરસ્વતી વિચાર કરે છે, હું કેમ ભૂલી ગઈ’તી આ વાત! એટલાં વરસો સુધી? આટલી મોટી વાત ક્યાં સંતાઈ ગઈ હતી મારા મનમાં? તે વેદના, તે અપમાન યાદ કેમ ન રહ્યાં? સાડીનો છેડો મોંમા ઘાલીને સરસ્વતી રડે છે... રડે છે... અરેરે, ટક્કો મૂંડો... અને તે વખતની સરસને લઈને, આજની સરસ્વતી વિલાપ કરે છે. તે નાની છોકરી માટે તેના મનમાં આજે અપાર કરુણાનો સાગર ઊભરાય છે… અરેરે! બિચારો ટક્કો મૂંડો… બિચારી મંછા મૂંડી... બિચારી સરસ…
(‘નવનીત સમર્પણ’ જાન્યુઆરી-૨૦૦૭)