વાર્તાકાર હેમાંગિની રાનડે/પાશ

પાશ

(૧)

વિચારોના વમળમાં અટવાયેલી વસુંધરાકાકી ઓસરીનો થાંભલો અઢેલી બેઠી છે. દિવસનાં અજવાળાં ભરખી લેતા સાંજના છાંયડા એના પગ સુધી આવી પહોંચ્યા છે. આજુબાજુ ફેલાયેલી નીરવતાએ એને ચોંકાવી. સાંજ પડી ગઈ? અત્યારમાં? આમતેમ નજર નાખી. માથું ઊંચકીને અંદાજ બાંધ્યો. મકાનનું કામ કદાચ પૂરું થયું લાગે છે. મજૂરો પોતપોતાને ઠેકાણે જવા નીકળી ગયા છે. આંગણાંમાંની પેલા ઊંચા મકાનની અપશુકનિયાળ છાયાએ એના ફળિયાનો ઉજાસ ઝૂંટવી લીધો છે. ઊંડો શ્વાસ લઈ, ગોઠણ પર હાથ મૂકી વસુંધરાકાકી ઊભી થઈ, પૂજાની ઓરડી તરફ વળી. આ ઘરનો નિયમ છે: પહેલાં સંધ્યાદીપ થાશે. પછી જ ઘરમાં અજવાળું કરાશે. વસુંધરાકાકી કેટકેટલા યુગોથી આ નિયમ પાળે છે? બરણીમાંથી દીવામાં તેલ પૂર્યું, માચિસ પેટાવી વાટ દેખાડી. પૂજાની ઓરડીમાં આ નાનકડા દીવડાએ અંધારાં-અજવાળાંનો પકડદાવ શરૂ કર્યો. વસુંધરાકાકી ત્યાં જ બેસી ગઈ. કેટલાં વર્ષો વીતી ગયાં? પૂજાની ઓરડીમાં પગ મૂકતાંવેંત વર્ષો પહેલાંની સાંજ આપમેળે મનમાં ઊપસી આવે છે. ગંગાનણંદને મહિનો હતો, એટલે સાસુજીના હુકમથી વસુંધરાએ સાંજનો દીવો કરવા ઓરડીમાં પ્રવેશ કર્યો, ત્યાં એક કદાવર અને ઉગ્ર પુરુષના બાહુપાશમાં તે જકડાઈ ગઈ. કામાંધ પશુની તીવ્ર ગંધ અંગેઅંગમાં વ્યાપી ગઈ, અને એ લોખંડી બાથમાં વસુંધરાનું શરીર જરીક વારમાં પાણી પાણી થઈ ગયું. બીજી જ ક્ષણે, પ્રતિક્રિયા રૂપે તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ, બીકણ મન ધ્રુજી ઊઠ્યું. ભૂલ તરત સમજાઈ. મજબૂત હાથોની પકડ ઢીલી પડી અને એક બલિષ્ઠ આકૃતિ અંધારામાં વિલીન થઈ ગઈ. થોડી વાર માટે વસુંધરા જાણે જમીનથી જકડાઈ ગઈ. પછી ગંગાનણંદે દૂરથી આપેલા આદેશનું પાલન કરવા થરથરતા હાથે દીવો કર્યો, ભગવાનને પ્રણામ કર્યા. ધબકતા હૈયા પર ધ્રજતા હાથ દાબી વસુંધરા ત્યાં જ બેસી પડી. ત્યાં અંધારામાં એટલી વાર શું કરતાં’તાં, હેં ભાભી? વસુંધરાએ સીધું નણંદ ભણી જોયું. એ એક નજરમાં કેટલાંય રહસ્યો જણાઈ ગયાં. કેટલીયે લાજ ઉઘાડી પડી ગઈ. વસુંધરાકાકીએ નિઃશ્વાસ નાખ્યો. બિચારાં ગંગાનણંદ. વસુંધરાએ બત્તી કરી. અને રસોડામાં ગઈ. અન્નદાત્રીની રાહ જોતી મીની ત્યાં જ હતી, ઝટ પગ પાસે આવી મંડી લાડ કરવા. વસુંધરાએ એને વહાલથી ઉપાડી. કપ-રકાબી કાંઢ્યાં, અંદર ગરમ દૂધ રેડ્યું. કપ પોતા માટે, રકાબી મીની માટે. આ ઉંમરે હવે રાતે જમવાની ઇચ્છા નથી થાતી. મીની સામે રકાબી મૂકી, કાકી રસોડામાં બેસી રહી. ડેલાનો અવાજ થયો. બિલ્ડીંગનો ચોકીદાર હતો. આવ ભાઈ, શાંત વાતાવરણથી કંટાળી ક્યારેક ચોકીદાર કાકી જોડે બે શબ્દો બોલવા આવે છે. - સામાન બંધાઈ ગયો, માજી? - ના રે ભાઈ. બધાં આવશે, ત્યારે થાશે ધીરે ધીરે. - હાસ્તો. સામાન વધારે નહીં હોય. - આ જૂની ચીજો છે, બસ. - હવે નવા ઘરમાં, નવો સામાન આવશે. હેં માજી? કાકી ચોંક્યાં. નવું ઘર, નવો સામાન, નવો સંસાર! કોનો? - મજૂરો ગયા, ભાઈ? - હા, હો કામ પૂરું થયું. હવે તો આ જૂનું ઘર ખાલી થાશે ને માજી, ત્યારે તોડવા પાછા આવશે. વસુંધરા ઊઠી ગઈ. - સાહેબને કહીને મને નવી બિલ્ડીંગ પર ચોકીદારી માટે રખાવી દોને! - પણ ભાઈ, તું કોન્ટ્રેક્ટરનો માણસ છે ને! - અહીં મન લાગી ગયું છેને માજી! અમારું શું છે, કામ કરવું ને પેટ ભરવું. પણ મન લાગી જાય ને, તો જીવને જરીક સારું લાગે. મન લાગી જાય તો જીવને જરીક સારું લાગે. પણ જો આયખું જ મન લાગ્યાં વગર વીતી જાય તો? તો શું? એને ચૂપ જોઈ ચોકીદારે ફરી પૂછ્યું, કહેશોને માજી? - હા ભાઈ, કહીશ હં.

* * *

વાંચવા ભાગવત ખોલ્યું, ત્યાં હીંચકાની કડીઓ ચીંચકારવા લાગી. કાકીએ ચમકી કાન સરવા કર્યા: ઓહ! આ મીની, આજકાલ હીંચકા પર જઈ બેસે છે. ને કાકીને ચોંકાવી મૂકે છે. - સાંભળો છો? તૈયાર થવું છે ને? વખત થઈ ગયો છે. હીંચકો જોરથી ચાલવા માંડ્યો. - સાંભળો છો? નાહવાનું પાણી કાઢું? પગે ઠેસ મારી. હીંચકાએ વેગ ધર્યો. વસુંધરાએ નાહવાનું પાણી કાઢ્યું. ટુવાલ અને ધોતિયું મૂક્યું. આવીને જોયું હીંચકા પાસે બે-ચાર માચિસની કાંડી વધુ વેરાઈ છે. - ચાલો, પાણી તૈયાર છે, નાહી લો. એક હોંકારો સંભળાયો. એક હાથે હીંચકાની કડી પકડી વસુંધરાએ હીંચકો થંભાવ્યો: - ચાલો, કહું છું, નાહી લો. બે પીળી, નિસ્તેજ આંખો ઊઠી: જરી વાર પછી. સહેજ કઠોરતાથી: ના, હમણાં જ કામ પર જવાનો વખત થઈ ગયો છે, વસુંધરાએ કહ્યું. - મારે નથી જવું. ઊંડો શ્વાસ લઈ વસુંધરાએ ફોસલાવવાની તૈયારી કરી: ચાલો જોઉં, આજે. દૂધપાક કર્યો છે. તમને ભાવે છે ને! નાહીને જમી લો, પછી જાઓ. આંખ્યું ઝીણી થઈ, બે સળિયા જેવા પગ જમીન પર મેલાયા અને માધવરાવ દેસાઈ, વસુંધરાના સંસારના ધણી, સર્વેસર્વા, નાહવા પધાર્યા.

* * *

ત્રણ ભાઈઓ વચ્ચે એકલી બહેન. લાડકી હોત, પણ લાડ જાણ્યા નહીં. મા-બાપે કદી ખોળામાં બેસાડી નથી. વધુ વાત્સલ્ય ઊભરાતું, ત્યારે મોઢા પર હાથ મેલી મા હસી પડતી, બાપુ ખોંખારો ખાતા, બસ! સૌથી નાની હતી. એટલે બાળપણમાં ભાઈઓના માર ખાધા, લૂંટવા, ઝૂંટવાની તેમની પ્રવૃત્તિ સાંખી. વખત વહેતાં ભાઈઓની દુનિયા બદલાઈ ગઈ, વસુનું વિશ્વ રસોડાની ચાર દીવાલો વચ્ચે સંકોચાઈ ગયું. ધુમાડાથી ભરેલું, અંધારું, ભીનું વિશ્વ, જ્યાં ઘડી-ઘડી હાથ ધોવા, પગ ધોવા અને નાહવું, નિચોવવું પડે છે, ભીને શરીરે રસોઈ કરવાની છે. એટલે જ કદાચ નાની ઉંમરમાં માના પગ ઝલાઈ ગયા હશે! વસુંધરાકાકીએ ગોઠણ પર હાથ મૂક્યો. ઊઠતાં, બેસતાં ગોઠણ અવાજ તો કરે છે, પણ હજુ દુખતા નથી. જોકે તેનું ગંઠાયેલું, જરીક ઠીંગણું શરીર નાનપણથી જ ભારે રહ્યું છે. સ્વાસ્થ્ય પણ સારું છે. મનમાં ઝંખના જ રહી ગઈ: ક્યારેક બીમાર પડી હોત, આંખ-માથું દુખ્યું હોત, ચાલવા-ફરવાથી અવશ થઈ ગઈ હોત તો કદાચ પ્રેમભર્યા બે શબ્દો સાંભળવાનો લહાવો તો મળત! પણ ના. એ માટેય ભાગ્ય જોઈએ! નહીં તો જેઠાણી, જેણે વર્ષોનાં વર્ષો સુધી પથારી પકડી, એ પ્રેમ અને વહાલ પામી ધન્ય ન થઈ ગઈ હોત! સોના જેવી કાયા બીમારીએ ફોલી ખાધી, શરીર નંખાતું ગયું, અને છેવટે- લાંબો નિઃશ્વાસ નાખી વસુંધરાએ મીનીને ખોળામાં લઈ, પંપાળી. - કાકી! આ ક્યારથી પાળી છે? અનિલે તે દિવસે આશ્ચર્યથી પૂછ્યું હતું. વસુંધરાકાકીએ ચાનાં એંઠાં વાસણો મોરીમાં મૂકતાં પાછળ વળીને કહ્યું, આને? અરે ભાઈ! હું તે ક્યાંથી પાળું? આજ આવી છે મને પાળવા, જરીક હસી. વાત પૂરી થાય એ પહેલાં અનિલ બોલ્યો: ભારે નિમકહરામ જાનવર છે આ હોં, અને પાછું બીમારીનું ઘર. ઝાડુ મારી કાઢી મેલો કાકી, આને. - હું? કાકીએ ખોળામાં બેઠેલી મીનીને છાતી સરસી ચાંપી. મીનીએ છૂટવા ફાફાં માર્યા અને છૂટી એવી બહાર નાસી ગઈ. વસુંધરાકાકીએ થાંભલે માથું ટેકવ્યું.

* * *

એક વાર, ફક્ત એક વાર વસુંધરાએ પતિ સામે બંડ પોકારવાનું સાહસ કર્યું હતું. માસિકધર્મ પછી નાહી, વાળ ધોઈ, સદ્યઃસ્નાતા વસુંધરાને પોતાનું યુવાન શરીર નવું નવું લાગેલું. તાજું, કુમળું, આતુર. મનમાં એક ઊર્મિ ઊઠી’તી, જેમાં દેહ તણાઈ ગયો. એક ઝણઝણાટ થયો, એક સાદ સંભળાયો. એને થયું, કોઈ એનું અંગ વલોવી નાખે, એનું અસ્તિત્વ ભૂંસી નાખે. નજર અસ્થિર થઈ, આંખો લાલ, શ્વાસ ધોકણીની જેમ ચાલવા માંડ્યો. દિવસભર કુટુંબની વહુ બની, માથું નમાવી બધાં કર્તવ્યો પૂરાં કર્યાં, પણ રાતે અભિસારિકાનો પાલવ ઢળ્યો, દેહ આતુર થયો. શયનકક્ષમાં દાખલ થઈ, ખુમારીમાં ડૂબેલી વસુંધરા સૂતા પતિને વળગી પડી. એને થયું આ પુરુષશરીરને પોતાનામાં અંદર સુધી સમાવી લે. પણ ત્યારે જ એક આંચકા સાથે એ શરીર તેની પકડમાંથી છૂટી આંખના પલકારામાં ઓરડામાંથી બહાર નાસી ગયું. અતૃપ્ત દેહ કંઈક પળો માટે નિર્જીવ બની ગયો. પછી આત્મગ્લાનિ અને અપમાનથી ધ્રૂજતી ખૂણામાં પડી રહી. ઓસરીમાં હીંચકાની ચૂં-ચૂં સંભળાતી રહી, જે વસુંધરાની છાતીના ધબકારા જોડે રાતભર જાણે હોડ લેતી રહી. બીજે દિવસે સવારે પૂરી શક્તિ વાપરી રસોડાની જમીન ઘસી ઘસીને ધોતી હતી વસુંધરા. પછવાડેથી દેરાણીના હસવાનો અવાજ સંભળાયો: હેં? આ શું જેઠાણી? કાલે આખી રાત હીંચકો બોલતો રહ્યો, સવારે ઊઠતાવેંત રસોડું ધોવા મંડી પડ્યાં? હેં? વસુંધરાએ પાછા વળીને જોયું. દેરાણીના અંગ-પ્રત્યાંગમાં તૃપ્તિ વિલસી રહી હતી.

* * *

મોંસૂઝણું થાય છે ને આંખો ખૂલી જાય છે. એક નવો, નક્કોર, કોરો દિવસ સામે ઊભો છે, કહે છે: કંઈક લખ મારા ઉપર! જો, હું હાજર છું તારી સામે. શું લખે વસુંધરાકાકી? હવે, જ્યારે જિંદગીની ચોપડીનાં થોડાંક જ પાનાં બચ્યાં છે! આ બચેલાં પાનાં એકબીજાં જોડે ચોંટી ગયાં હોત તો કેટલું સારું થાત! જિંદગીના અંત સુધી ઝટપટ પહોંચી જવાયું હોત. વસુંધરાકાકી પથારી મૂકીને ઊભી થઈ. હજુ આખા ઘરમાં વાસીદું કરવાનું છે, ફળિયું વાળી ચોક પૂરવા છે. નાહવું છે, તુલસીને પાણી પાવું છે, પૂજા કરવી છે. પૂજાની ઓરડીમાં દેવ કંઈ ઓછા નથી: ગણેશથી લઈને હનુમાન સુધી બધા છે. બધાંને વારાફરતી નવરાવી, ચદંન-ચાંદલો કરી, અગરબત્તી સળગાવી તેમની આરતી કરવી છે. એક જમાનો હતો, જ્યારે સવારે આરતી ટાણે આખું ઘર ભેગું થાતું. પૂજા પૂરી થતાં પછવાડેની બારીમાંથી સૂરજનો પ્રકાશ ઘર અજવાળી મૂકતો. સૂર્યકિરણોમાં થનગનતા ધૂળના કણો, સોનાના છાંટા સમા દેખાતા. અગરબત્તીની ગંધ, મંજીરાનો સ્વર, સસરાજીનો ખરજ અવાજ, શુભ વાતાવરણ સર્જાઈ જતું, ત્યારે લાગતું કે આ ઘર, આ કુટુંબ, જેની સવાર આટલી મંગળમય છે, એ કુટુંબ પર દૈન્ય-દુ:ખ કે દુશ્ચિંતાનો પડછાયો સરખો કદીય નહીં પડે. વસુનાં માતાપિતા દીકરીને આ સમૃદ્ધિથી ઊભરાઈ રહેલા પરિવારની વહુ બનાવીને કૃતાર્થ થયાં. નહીંતર દેખાવમાં ઓછી સુંદર, મધ્યમ વર્ગની કન્યા, દાનદહેજ વગર જાહોજલાલી કેમ ભોગવત! જમાઈ શરીરે સહેજ દૂબળા છે, તો શું? લગ્ન પછી શરીર ઘડાશે, જમાઈ મજાના ગલગોટા જેવા થઈ રહેશે. પણ ઉપરથી રંગભર્યું, રસભર્યું આ ફળ અંદરથી સાવ સડેલું અને પોકળ છે, એ સમજવા કે જાણવાની વસુંધરાની ઉંમર નહોતી, અનુભવ નહોતો. બાર વરસની છોકરીનો એકમાત્ર ગુણ હતો: ન બોલતાં કે ફરિયાદ કરતાં ઢોરની જેમ કામ કરવું. એ બિચારી કેમ કરીને જાણે પોતાના સશક્ત અને નીરોગી શરીર માટે જ તેને આ ઘરમાં સ્થાન મળ્યું છે. અને ઘર-ખાનદાનનો બીજા નંબરનો દીકરો, વસુનો ભાગ્યવિધાતા, સાવ નબળો છે, મનથી અને તનથી પણ! એટલે જ લગ્ન પછી વર્ષો સુધી સાસુએ વસુંધરાને, ગર્ભાધાન માટે યોગ્ય મુહૂર્તની રાહ જોતાં, પાસે સુવરાવી છે. પણ તે મુહૂર્ત કદી નીકળ્યું જ નહીં. વસુંધરાનાં પંચાંગનું તે પાનું કોરું હતું. સાત વરસ સુધી સાસુ પાસે સૂવાવાળી વસુંધરાને, દિયરના લગ્ન પછી, પંચાંગ જોયા વિના આદેશ મળ્યો કે કાલથી તેણે માધવની ઓરડીમાં સૂવાનું છે, માટે પોતાની પથારી ત્યાં લઈ જાય. ત્યાં સુધીમાં સાન આવવા માંડી હતી. શરીરે ભૂખ ઓળખવી શરૂ કરી દીધી હતી. માધવે નબળા પ્રયત્ન કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. પણ કૂવો ઊંડો હતો, ખૂબ પ્રયત્ન પછી ચાગળુંક પાણી નીકળ્યું. વસુંધરાનો ઘડો કદી પૂરો ભરાયો નહીં.

* * *

પૂજા માટે ફૂલ ચૂંટવા વસુંધરાકાકી ફળિયામાં ઊતરી. નવી બિલ્ડિંગનો ઘણો માલસામાન ફળિયામાં પડ્યો હતો. એક ધૂળભરી ગંધ વાતાવરણમાં ફેલાઈ હતી. એક ખૂણામાં બે-ત્રણ છોડવાં બચ્યાં હતાં: માળા કેવા નફ્ફટ છે! આટલી ધૂળ છે, ન કોઈ પાણી આપે છે, ન સંભાળ રાખે છે, તોય આ ફૂલ દીધે જાય છે. - વસુકાકી! બહારથી અવાજ આવ્યો. - કોણ વિમલ? આવ, આવ, અંદર આવતી રહે. - ના, હમણાં નહીં કાકી, હું કે’વા આવી’તી કે કાલે રાતે મુંબઈથી ફોન હતો. અનિલ અને વહુ અઠવાડિયા પછી જ આવશે. ત્યાં કંઈક કામ નીકળી આવ્યું છે. વસુંધરાકાકીના મનમાં સંતોષ ઊભરાઈ આવ્યો. આજનું મરણ અઠવાડિયા માટે ટળી ગયું. જમી-પરવારી ડાબે પડખે પડવાને બદલે ઉપરના માળ પર કાકી ધીમે ધીમે ચઢી ગઈ. દીવાનખાનાનો દરવાજો ખોલ્યો, ત્યાં એક કબૂતર ઊડી આવ્યું. સંતુલન સંભાળવા વસુંધરાએ દાદરાનો કઠોડો ઝાલ્યો. લગ્ન પછી કેટલી ઉત્કંઠા હતી જાણવાની, કે ઉપરના ઓરડામાં શું છે? પણ ઉપર ચઢવાની ક્યારેય હિમ્મત ન થઈ. આ માળો સસરાના વપરાશ માટે હતો, જ્યાં વહુઓને જવાની મનાઈ હતી. જ્યારે સસરા ન રહ્યા, જેઠે ત્યાં કબજો કરી લીધો. જ્યારે જેઠાણી બિચારાં ક્યારનાંય ભગવાનને ઘરે જતાં રહ્યાં હતાં. હળવેથી વસુંધરાએ દીવાનખાનામાં પગ મેલ્યો. સામ સામેની બે દીવાલો પર માણસો જેવડા મોટા આરસા, વચમાં હીંચકો. હીંચકા પર બેસો તો બન્ને બાજુએ અસંખ્ય પ્રતિબિંબો ઊપસી આવતાં. સામે સીસમની, ગાદીવાળી ખુરશીઓ. ઓરડાની વચ્ચોવચ દૂધ જેવા આરસપહાણનું મોટું ગોળ ટેબલ, જેની ઉપર નકશીકામ કરેલી મોટી ચાંદીની થાળીમાં સુક્કો મેવો અને સાકર ભર્યાં રહેતાં. સીલિંગ પર ચળક કાચનું જંગી ઝુમ્મર. વસુંધરાની આંખોમાં ભૂતકાળની જાહોજલાલી નાચી ઊઠી. આજે ખુરશીઓ તૂટી ગઈ છે, ગાદીમાંનું રૂ ચારે બાજુએ વિખરાયેલું છે. આરસપહાણ પીળું પડી ગયું છે. ઝુમ્મરમાં તડો પડી ગઈ છે. આરસા કાળા ડાઘાથી બિહામણા દેખાય છે. બધી બાજુ ધૂળનું સામ્રાજ્ય છે. ઓરડામાં એક આંટો મારી વસુંધરાએ બધી ચીજોને પ્રેમથી નિહાળી. બહાર નીકળી ત્યારે ધૂળભરી જમીન પર કાકીના પગની છાપ દેખાતી હતી. પરણ્યા પછી, ગૃહપ્રવેશ વખતે ઉંબરા પર મૂકેલા પાલી ભરેલા ચોખાને રીત મુજબ ઠેસ મારી ઓરડામાં ઢોળી દીધા હતા, એ ઉપર પગ મેલીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. હવે જ્યારે આ ઘર છોડવું છે ત્યારે પગલાંની છાપ ઘરની ધૂળમાં પડે, એ જુગત જ છે ને! કુટુંબમાં ત્રણ દીકરા હતા. જેઠ દામોદરરાવ, પતિ માધવરાવ અને દિયર અનંતરાવ. સાસુજીની છ સુવાવડો થઈ, પણ બચ્યાં આ ત્રણ જ. બે દીકરીઓ અને એક દીકરો જીવ્યાં નહીં. સાસુજીને દીકરીની ખૂબ હોંશ હતી, એટલે દીકરાઓને જલદી પરણાવી, વહુઓ લાવી, તેમને શણગારી, સજાવી ઇચ્છા પૂરી કરવી હતી. જેઠાણી ખૂબ સુંદર હતાં. જાતજાતનાં ઘરેણાં સાસુજી તેમને પહેરાવતાં. હાથમાં, પગમાં, ગળા, કાન, નાક, કમર-બધાં અંગો ઘરેણાંથી લદાઈ જતાં. જેઠાણી ઘરેણાંના ભાર હેઠળ જ દબાઈ ગઈ બિચારી! દેરાણી પિયરથી દહેજ જોડે રૂપ, ગુણ અને શિક્ષણનો ગર્વ પણ સાથે લઈ આવી હતી. તેના આવ્યા પછી કુટુંબની રહેણી-કરણીમાં ખૂબ ફરક પડ્યો. કદાચ ત્યારથી જ પરિવારની સમૃદ્ધિનો ઢાળ શરૂ થયો. જે તડો પહેલાં દેખાતી નહોતી તેમને ફેલાવવાનો મોકો મળ્યો, જ્યારે થોડો કાળ સાસરિયાના સંયુક્ત પરિવારમાં રહીને દિયર-દેરાણીએ જાહેર કર્યું કે હવે તેઓ અહીં, ગામડાંમાં રહેવા નથી માંગતાં. - આ તે કંઈ જિંદગી છે? મુંબઈ પાસે જ છે, અમે ત્યાં જઈને જરીક ઢંગથી રહેવા માંગીએ. જેઠાણીએ ખૂબ રસ લઈને આ વાત વસુંધરાને કહી હતી: પછી તારા જેઠ બોલ્યા, તો શું અમે બધાં અહીં કઢંગી જિંદગી જીવીએ છીએ? હેં અંતુ? ખૂબ હસ્યાં હતાં ત્યારે જેઠાણી તો શું કહે છે, ખબર છે? કહે, કે અહીં જિંદગીને કાટ લાગી જાય છે. કાટ લાગવા અમે શું લોખંડની થાળીઓ છીએ? વસુંધરાએ વિચાર કર્યો. ત્યારે સાસુજી બોલ્યાં, આ બધું નાની વહુ અને તેનાં પિયરિયાંએ શીખવેલું બોલે છે, બાયડીનો ગુલામ! વસુંધરાને આશ્ચર્ય થયું. - લે, તે બોલે નહીં? જેઠાણીએ પૂરું કર્યું. ખૂબ ચિડાણાં હતાં સાસુજી. આવી ખૂબ ચર્ચા ત્યારે ચાલી હતી. કેટલાય અંતિમ નિર્ણયો લેવાયા હતા. પણ દિયર-દેરાણી જિદ્દ પર અણનમ રહ્યાં. છેવટે જે થવાનું હતું, તે થયું. જેઠાણીએ કહ્યું કે કુટુંબની શાખ અને જીવનસ્તરને અનુરૂપ મુંબઈમાં જગ્યા લેવા મિલકતનો ભાગ વેચાઈ ગયો હતો. - બાપ રે! પછી સસરાજીએ શું કહ્યું? - કંઈ નહીં. - કંઈ નહીં? - હા. જાણે છે વસુ, મિલકતનો એક ભાગ તો ક્યારનોય ગિરવી પડ્યો છે. - શું? વસુંધરા પર આભ તૂટી પડ્યું. ભેદ બતાવવાનો આનંદ માણતી જેઠાણી કહેતી ગઈ, તારા જેઠે તો કહી દીધું છે કે હવે ભવિષ્યમાં કુટુંબની સંપત્તિ પર દિયરનો હક નહીં રહે. ન તેમનો અને ન તેમના વંશવારસાનો. જે તેમના ભાગનું હતું તે તેમને મળી ગયું છે. - હાય, હાય, હવે શું થાશે ભાભી? થયું એ, કે દિયર-દેરાણીએ નારાજ થઈને જે ઘર છોડ્યું, તે કાયમ માટે દેરાણીના બાપે તેમને ઝીલી લીધાં અને તેઓ ત્યાંનાં જ થઈને રહી ગયાં. કદી ક્યારેક આવતાં ત્યારે મહેમાનની જેમ. આજે છોકરાં-છૈયા જોડે, સાંભળ્યું છે કે દિલ્હી પાસે ક્યાંક વસી ગયાં છે, પણ ન તો વસુંધરાકાકીએ તેમને જોયાં છે, ન તો તેમની સાથે કોઈ પત્ર-વ્યવહાર રહ્યો છે. જેઠનો એક દીકરો છે, અનિલ. તે આવશે વહુ સાથે મુંબઈથી, ત્યારે આ ઘર ખાલી કરી દેવાશે, તોડી નાખવા સાટુ. આ ઘર, જ્યાં વસુંધરાકાકીનું આયખું વીતી ગયું, જ્યાં તેણે આત્મા પણ સંકોરાતો અનુભવ્યો. ફેલાતો જાણ્યો, એ ઘર અઠવાડિયા પછી હંમેશ માટે છૂટી જાશે. - મને અહીં જ રહેવા દે અનિલ, હવે આ ઉંમરે મને ક્યાં લઈ જાય છે, ભાઈ? ગળગળા સાદે વસુંધરાકાકીએ ભત્રીજા પાસે માંગ્યું હતું. - તમેય કમાલ કરો છો કાકી, કેટલી વાર કહ્યું, કે આ ઘર હવે પાડી નાખવાનું છે, છતાંય માની લો. હું તમને અહીં રહેવા દઉં, તો કો’ક દિ તમે આ તૂટેલા મકાનનાં ઈંટ-ગારામાં પડ્યાં દેખાશો, સમજ્યાં? અનિલ છંછેડાઈ ગયો. - અને ક્યાંય આઘે તો જવાનું નથી કાકી, આ જ આંગણમાં તો છે નવું મકાન. ભરપૂર હવા અને ખૂબ ઉજાસવાળું. વહુ સમજાવવા મથી રહી હતી, તમે જઈને એક વાર જોઈ કેમ નથી આવતાં, કાકી? અહીં સામે તો છે. - મારે ક્યાંય નથી જવું, ખિજાઈને કાકીએ કહ્યું. નહીં સમજે આ લોકો. મને ઉજાસ નથી જોઈતો. અજવાળું મારી આંખોમાં ગળે છે. મારા જાણીતા આ અંધારામાં તે બધાં મારી પાસે હોય એમ લાગે છે. મારું અતીત-નવા ઘરમાં એ બધાં ખોવાઈ જશે. તમારી ભરપૂર હવા એ બધાને લઈને ઊડી જશે. મને મારા ભૂતકાળના પડછાયાઓથી શું કામ વિખૂટી પાડો છો? હુંયે થોડા સમય પછી એમાં ભળી જવાની છું ને! પણ ના! યુવાન લોહીને ફક્ત સામે જોવું ગમે છે. પાછા વળીને જોવાની ન તેમનામાં ત્રેવડ છે, ન ઇચ્છા. યુવાવસ્થા ભારે નિર્દય હોય છે. થાંભલાને અઢેલી વસુંધરા સૂની નજરે નવા મકાનને જોઈ રહી છે. નવા ઘરને. નવું ઘર! લગ્ન પછી વસુ જ્યારે આ મકાનમાં આવી ત્યારે આશ્ચર્યથી તેની આંખો અંજાઈ ગઈ હતી. આવડું મોટું મકાન! બે માળનું? આગળ ફળિયું, વચ્ચોવચ્ચ આંબલી ચોતરફ ફેલાયેલી. મોસમમાં ટોપલા ભરી ભરીને આંબલી ઊતરતી. બાજુમાં ફૂલોની ક્યારીઓ, ભાત-ભાતનાં ફૂલો. સામે ગોશાળા. ગાયો, ભેંસો બંધાતી. દૂધ, છાશ પાણીની જેમ વહેતાં. ઘી ચમચાથી નહીં, ધારે પીરસાતું. ઘર પછવાડે ખાળામાં નાળિયેરી જાણે કેશ ખોલીને કતારમાં ઊભી હોય. થોડો વખત વહી ગયા પછી વસુંધરાને આ બધાની ટેવ પડી ગઈ. આટલું મોટું લાગતું મકાન, એક ઘરમાં બદલાઈ, સંકોચાઈ ગયું. એની ભવ્યતા આંખોમાં સમાવી શકાય તેટલી ઓળખીતી થઈ ગઈ. અને પછી, ફરી પાછું એક દિવસે ઘર ફેલાતું ગયું, જ્યારે આ વિશાળ કોશમાં ફક્ત બે પ્રાણી બચ્યાં. ત્યારે એક એક કરીને મકાનના ઓરડા બંધ કરી દેવાયા-ઉપરનો માળો, મોટું રસોડું, રજસ્વલાની ઓરડી. જ્યારે એ ઉંમર પણ વસુંધરા પાર કરી ગઈ, ધીમે ધીમે પોતાના નાના સંસારને દીવાનખાના સુધી સીમિત કરી લીધો. બગીચો સુકાઈ ગયો, આંબલીની જગ્યાએ નવી બિલ્ડીંગ ઊગી આવી. નાળિયેર ફળ તો આપે, પણ ઉતારવાવાળું કોઈ નથી. ક્યારેક આળસભરી બપોરે એકાદું નાળિયેર પડે છે. વસુંધરાનું હૃદય એક ધબકાર ચૂકી જાય છે. પણ પડનારું ફળ સાવ સૂકું અને રસહીન હોય છે! પીસરવા જ્યારે ચમચો ઘી પણ ઘરમાં ન રહ્યું, વાણિયાનું કરજ પહાડની જેમ માથે ખડકાયું, હતાશ વસુંધરા આ જ થાંભલાને ટેકીને બેઠી હતી. ગામના વણિકે એને આ મૂંઝવણમાંથી ઉગારી લીધી હતી: - આજકાલ મોટા ઘરેથી સામાન નથી મંગાવતા? શું કહે વસુંધરા? વણિકે મોટા ઘરની જાહોજહાલી જાણી છે, માણી પણ છે: - તમે ચિંતા કરશો મા. સામાન આવી જશે. ના… ના, કાતર સ્વરે પોકારી ઊઠી હતી વસુંધરા. આ ઘરનો દીકરો શું ભીખ ખાઈને જીવશે? - તમે ખોટું ન લગાડો, તો એક વાત કહું? ઘરના ધણી ઘરમાં બેસીને કંટાળી ગયા હશે. તેમને મારે ત્યાં મોકલો ને? વસુંધરાની નજરમાં પ્રશ્ન હતો. - ના, ના, એવી કોઈ વાત નહીં થાય, જેથી આ ઘરની મર્યાદાને આંચેય આવે. - મારું કામ હમણાંનું જરા વધી ગયું છે, હિસાબ રાખવામાં સાહેબ જો મદદ કરી શકે તો. વણિક ચતુર હતો. જાણતો હતો, મૂઓ હાથી સવા લાખનો. સોદામાં જરાય કચાશ નથી. રૂપિયા-પૈસાનું શું છે? આજે નહીં તો કાલે મળી રહેશે. અને આમ માધવરાવ વણિકની દુકાને બેસવા લાગ્યા. બે પ્રાણીઓ માટે બે ટંકનું ભોજન નીકળતું રહ્યું. સવારે સમજાવી-ફોસલાવી વસુંધરા પતિને કામે મોકલતી. થાકીને લોથ સાંજે માધવરાવ હીંચકે બેસી ઝૂલ્યા કરતા, હીંચકાની કડીઓ ચીંચકારતી રહેતી, જમીન પર માચિસની કાંડીઓની સંખ્યા વધતી રહેતી અને ઓસરીમાં બીડીની તીખી, પેશાબ જેવી વાસ ગંધાતી રહેતી. અનિલે જતી વખતે કહ્યું હતું, તમારો અંગત સામાન સંકેલી રાખજો, નહીં તો પાછાં કહેશો, આ રહી ગયું ને પેલું રહી ગયું. વસુંધરાકાકીના અધરો પર સ્મિતની આછી રેખા ચમકીને લુપ્ત થઈ ગઈ. જ્યારે ઘણું હતું, ત્યારેય સંકેલવા જેવું કંઈ જ નહોતું. અને આજે તો - તે ઊઠી અંદર ગઈ, પતરાની પેટી પાસે બેસી પેટી ખોલી. સારા અવસરો પર પહેરવા જોગ બે સાલ્લા, સફેદ મલમલના બે જમ્પર, એક નાનકડી ડાબલીમાં બે પાતળી સોનાની બંગડી અને મંગળસૂત્રનાં કાળાં મોતીનું પોત હતાં. મંગળસૂત્રની સોનાની વાટકીઓ તો, મંગળસૂત્રનાં સ્વામીની હયાતીમાં જ વેચાઈ ગઈ હતી. કાળાં મોતી રહી ગયાં હતાં. ધણી ગયા પછી મોતી પણ ઉતારીને પેટીમાં મેલી દીધાં. એક જોડી કાનની મોતીની કૂડી, જે માએ પિયરથી વિદાય વખતે પહેરાવી હતી, એ બચી છે. બસ! આ છે વસુંધરાકાકીની કુલ મૂડી! અધીરતાથી બધો સામાન ખંખેરી તેણે શોધી કાઢી, નાકની મોતીની નથ. પોતાની નથ તો સૌથી પહેલાં વેચાઈ ગઈ હતી, પણ સાસુજીની સંઘરી રાખી હતી. પાણીદાર મોતી, ઓરડાના અંધારામાં પણ તેજ વેરતાં હતાં. આ નથ વસુએ પહેલી વાર જોઈ હતી લગ્નને દિવસે. દ્વાર પર ચોખા વિખેરી વસુએ ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે મધરાત થઈ ગઈ હતી. દીવાનખાનામાં પરિવારનાં બૈરાં અને વસુની ઉંમરની છોકરીઓ વસુ સાથે ઠઠ્ઠામશ્કરી કરી રહ્યાં હતાં. સંકોચાઈ, શરમાઈ, પોતાના દોષોથી સભાન વસુ, ઓછામાં ઓછી જગ્યા ઘેરી, ટૂંટિયું વાળી બેઠી હતી. જેવો ઘોંઘાટ વધ્યો અને હાસ્યએ ભદ્રતાની હદ ઓળંગી એક રુવાબદાર અવાજ સંભળાયો: ચાલો, બસ હવે, બહુ થયું, છોકરી થાકી ગઈ હશે. વસુએ સામે બે પગ ઊભા જોયા, ગોરા, ચાંદીના છડાથી શોભતા, પાની પર રેશમી સાડીની સોનેરી કિનારી પગનું સૌંદર્ય વધારી રહી હતી. વસુ મીટ માંડીને જોઈ રહી. ઘોંઘાટ થંભ્યો. થોડી વાર તે પગ ત્યાં જ સ્થિર રહ્યા, પછી ધીમે ધીમે રેશમી વસ્ર દેખાતું ગયું. છેવટે એક સ્થૂળ શરીર ઝૂક્યું. બે ગોરા હાથ ઊઠ્યા અને એક મુલાયમ આંગળીએ વસુની ચિબુક ઊંચકી: - થાકી ગઈ? સ્નેહસિક્ત અવાજ સંભળાયો. નવું વાતાવરણ, થાકોડો, ગૂંગળામણ, ભય… અને પછી, આ કોમળ અવાજ સાંભળી વસુની બંધ આંખોમાંથી બે ટીપાં સરી પડ્યાં. તેણે જાણ્યું, ગાદી જેવી શીતળ હથેળીએ એના ગાલ લપસતાં પાણી લૂછી લીધાં છે. આશ્ચર્યથી હવે વસુએ આંખો ઉઘાડી તો સૌથી પહેલાં ગુલાબી હોઠો પર ચમ્-ચમ્ કરતી નથ તેની આંખોમાં સમાઈ ગઈ! એક સાથે જાણે પંચારતીના દીવા ઝગમગી ઊઠ્યા. પ્રયાસ કરીને વસુએ પહેલી વાર સાસુજીની આંખોમાં જોયું, ત્યાં અસીમ કરુણા ભરી હતી. બસ! તે એક પળમાં વસુ જન્મજન્માંતર માટે એક નાજુક તાર જોડે સાસુજી સાથે બંધાઈ ગઈ. ઊંડો શ્વાસ લઈ વસુંધરાકાકીએ નથ, પાલવથી લૂછી, ખૂબ સંભાળીને ડાબલામાં મૂકી, પેટી બંધ કરી. ભૂતકાળના પડછાયા હજુ ઘેરાયેલા હતા. સાત વરસ સુધી આ જ દીવાનખાનામાં સાસુજીએ તેને પોતાની પથારી પાસે સુવરાવી છે. ક્યારેક અડધી રાતે વસુએ સાસુને પતિસેવા માટે દાદરો ચઢતાં સાંભળ્યાં છે. કેટલીયે વાર સાસુજીના ઉચ્છવાસો અને મમતાભર્યા હાથના સ્પર્શ પીઠ પર જાણ્યા છે, દર વખતે આધારનો તાર વધારે મજબૂત થતો ગયો છે. કેટલીયે વાર તેણે કહેવા મોઢું ખોલ્યું છે, કે સાસુજી, મારે માટે તમે દુ:ખી ન થાઓ, પણ મીતભાષી વસુંધરાને શબ્દો નથી જડ્યા. મૂક સેવાએ જ કદાચ એના મનના સમર્પણને સાસુ સુધી પહોંચાડી દીધું છે. બહાર ફળિયામાં ખોખારો સંભળાયો. વસુંધરા ઊઠી, કોણ? - હું છું પ્રસાદ, કાકી, કૉન્ટ્રેક્ટરે હાથ જોડ્યા: કાકી, અનિલભાઈને આવવામાં હજુ વાર છે. આઠ દિવસો સુધી મજૂરોને બેસાડી રાખવા મને નહીં પાલવે. ઘણું નુકશાન થઈ જશે, મારા માણસો બધું કામ કરી દેશે. અનિલભાઈ આવે ત્યાં લગી તો તમે નવા ઘરમાં ઠરીઠામેય થઈ ગયાં હશો. - ના હોં ભાઈ, એ નહીં બને. કાકી અણનમ રહ્યાં. આમ અમથા ઊઠીને કોઈ નવી જગ્યાએ જાય ખરું? - પણ કાકી… - એમ કરો, તમે ફોન કરીને અનિલને પૂછી જુઓ, કાકીએ સલાહ આપી. પ્રસાદ સહેજ ખિજાઈને ચાલ્યો ગયો. સાચે! આ અનિલ કેમ નહીં આવ્યો હોય! વેંત જેવડો હતો આ અનિલ. જેઠાણી સુવાવડ પછી પિયરથી પાછાં આવ્યાં. સાસુજીએ રાઈ, મીઠું ઉતારી, પગ પર પાણી નાખી વહુ, પૌત્રને ઘરમાં પ્રવેશ કરાવ્યો. ફળિયામાં શરણાઈ, ચોઘડિયાં વાગી ઊઠ્યાં. કુટુંબનો પહેલો પૌત્ર! અને સૌથી છેવટે, સાંજે સાસુજીએ સંભાળીને એ નાનકડા ભૂલકાને વસુના ખોળામાં નાખીને એને કૃતાર્થ કરી દીધી હતી. નાની-નાની પગની પાનીઓ. ગુલાબી, સુંવાળુ શરીર. વસુંધરાનું તન-મન વાત્સલ્ય અને મમતાથી પુલકિત થઈ ઊઠ્યું હતું. હવે તમારો વારો છે, વચલાં વહુરાણી! ઘરની નોકરાણીનું મેણું ઉદાસ નહોતું કરી શક્યું. ત્યાર પછી કેટલાંયે સ્વપ્નો વસુંધરાએ જોયાં. નાના, માંસલ શરીરને પંપાળતાં, ગુલાબી નરમ તળિયાંને વહાલ કરતાં પોતાને નિહાળી છે. અનિલ ધીમે ધીમે મોટો થતો ગયો. તોતડું બોલતાં શીખ્યો. પા-પા પગલી પાડવા લાગ્યો. મોઢું ચઢાવીને રિસાઈ જતાંયે આવડી ગયું. પહેલી વાર જ્યારે તેણે કાકી કહ્યું, ત્યારે કાકી ધન્ય થઈ ગઈ. ઉપાડીને તેને છાતી સરસો ચાંપી લીધો! બાળક રડી પડ્યું. આ જ અનિલે સામેના આંગણામાં બિલ્ડીંગ બનાવવાની વાત કરી ત્યારે વસુંધરા અવાક્ થઈ ગઈ. આપણા ફળિયામાં કો’ક બીજું રહે? એ તે કેવી રીતે સાંખી લેવાય? અનિલે ત્યારે હસીને કહ્યું હતું, તો શું કરું? ધન-દોલત તો તમારા સસરા અને મારા સ્વર્ગીય પિતાશ્રી ખાઈ પરવાર્યા. મારે માટે તો ઘર અને ઉજ્જડ જમીન મૂકી ગયા છે, આને ગળામાં લટકાવીને ફરું? પૂર્વજોનું બનાવેલું ઘર! એને વિશે આવી વાત વસુંધરાકાકી સાંખી ન શક્યાં. - આ જ ઘરમાં તારા દાદા, તારા બાપુજી અને કાકાએ જન્મ લીધો, તુંયે અહીં જ જન્મ્યો. - હું નહીં કાકી, હું નહીં. ભૂલી ગયાં? હું તો નાનાને ત્યાં, મોસાળમાં જન્મ્યો છું. ખૂબ જોરથી હસી પડ્યો અનિલ. - એટલે જ તો તારા મનમાં આ ઘર માટે સહેજે ભાવ નથી. તું એક વાર આંખ અને મન ઉઘાડીને જો તો ખરો. એ બધા અહીં જ છે. તેમનો આત્મા અહીં જ વસે છે. પણ અનિલ પોતાની વાતને વળગી રહ્યો. જન્મ પછી ફક્ત ચાર જ વરસ અનિલ આ ઘરમાં રહ્યો હશે. જેઠાણીનાં ગુજરી જવા પછી, અનિલને મામા લઈ ગયા. ત્યારે સાસુજી ચૂપ રહ્યાં હતાં. જેઠના મરણ વખતે મુખાગ્નિ દેવા અનિલને બોલાવી લીધા બાદ તે અહીં જ રહ્યો. આ વંશનો દીપક. વસુંધરા રસોડામાં ગઈ. આ મીની ક્યાં રહી ગઈ? વસુંધરા બેચેન થઈ ગઈ, દૂધની તપેલી ઉપાડી, મૂકી દીધી, કપ-રકાબી કાઢ્યાં, પાછાં મેલી દીધાં, પછી ત્યાં જ બેસી પડી. જે વિચારોથી છૂટવા માંગતી હતી તે વિચારો પીછો નહોતા છોડતા. અનિલના જન્મ પછી ભાભી બીમાર રહેવાં લાગ્યાં. ગામના વૈદ્યના ઉપાયોથી આરામ થયો. મુંબઈથી ડૉક્ટર બોલાવવામાં આવ્યો. તેણે આવી નિદાન કર્યું કે ગર્ભાશયમાં જખમ પડી ગયો છે, જ્યાં સુધી રૂઝે નહીં, પતિસંગથી પરેજ પાડવો પડશે. જેઠાણીની પથારી પછવાડેના ઓરડામાંથી કાઢી બહાર બૈરાંઓના બેસવા-ઊઠવાના ઓરડામાં નખાઈ ગઈ. જેઠાણીને ઠીક થવામાં મહિનાઓ લાગ્યા. અને ત્યારે જ પરિવારમાં નણંદ ગંગાનું આગમન થયું. મીનીએ આવીને વસુંધરાકાકીના ખોળામાં જગ્યા લઈ લીધી. - ક્યાં મરી ગઈ હતી મૂઈ? વહાલથી સામે દૂધની રકાબી મૂકતાં કાકી બોલ્યાં. લાંબી, પાતળી, ગુલાબી જીભ દૂધ ચાટવા લાગી. ગંગા પણ આવી જ રીતે દૂધથી છલકાતો છાલિયો સફાચટ કરી ગઈ’તી ને! સાસુજીના પિયરની દૂરની એક બહેનની દીકરી ગંગા. પતિએ એને કાઢી મૂકી, એટલે સાસુજીએ દીકરીની હોંશ પૂરી કરવા ઘેર રાખી લેવાનો નિર્ધાર કર્યો. આાટઆટલા લોકો રહી-જમી જાય છે, આ એક જીવ ભારે નહીં પડે. સસરા, સાસુજીની વાત આમેય ઉથાપતા નહોતા, એટલે ગંગા ધ્રુજતી, ગભરાતી ઘરમાં, ઘરની દીકરી બનીને રહેવા આવી પહોંચી. સાસુજીએ બહાલ કરેલી દીકરીની પદવીથી ગંગાનણંદનું મન જ નહીં, ડિલ પણ ભરાઈ ગયું. ગંગા સેવાથી લોકોનાં મન જીતવાનો મંત્ર શીખી આવી હતી, એટલે ધીમે ધીમે ઘરમાં બધાંએ સ્વીકારી લીધી. પછી તો સાસુજીની ચાવીઓ ગંગાની કમરમાં લટકવા માંડી, સાસુજીના હુકમો ગંગાની જીભેથી સંભળાવા લાગ્યા. પૂજાની ઓરડી તેની અંગત જાગીર બની ગઈ. અને ત્યારે ગંગા સામે આવ્યું દૂધથી છલકાતું છાલિયું. જ્યારે ખરા હકદારને દૂધ પીવાની સખત મનાઈ હતી. વસુંધરા ઘણું ઇચ્છે છે, આ બધી જૂની વાતો ભૂલી જાય, પણ વિચારશૃંખલા તૂટતી નથી. તબિયત સુધરી ગયા પછી પણ જેઠાણી પાછાં પતિના ઓરડામાં ન ગયાં, ત્યારે સાસુજીએ તેમની પથારી બળજબરીથી જેઠના ઓરડામાં મૂકાવી દીધી. ત્યાંથી રોજ રાતે જેઠનો રોષ અને જેઠાણીના ડૂસકાં શયનગૃહનો ભેદ જાહેર કરવા લાગ્યાં. ધીમે અવાજે થતી પછવાડેની વાતો પુરુષોના દીવાનખાના સુધી આવી પહોંચી. સાસુજી મોટી વહુને સમજાવવા આવ્યાં: - માન-અભિમાન બહુ ખેંચવાં નહીં વહુમા, પતિ-પત્ની વચ્ચેની ગેરસમજ છોડી હવે પતિસેવામાં મન લગાડો. મોટાં વહુ આમેય ધરબીને બેઠાં હતાં. સાસુજીની વાતો સાંભળી ફાટી પડ્યાં: એઠું ખાવાની મને ટેવ નથી, સાસુજી. - શું? શું બોલ્યાં? - એટલી જ ખંજવાળ હતી, તો ક્યાંક બીજે જઈ કાળું કરવું’તું. બેનના સગપણનીય લાજ ન રાખી? - શું બોલો છો, વહુમા? ભાનમાં તો છો? સાસુજી ગરજી ઊઠ્યાં. મોટાં વહુએ નફરતથી મોઢું ફેરવી લીધું. ઓરડાના ખૂણામાં કામ કરતી વસુએ જોયું. સાસુજીના પગ જેઠાણીની પથારી ભણી બે ડગલાં વધ્યા, પછી સ્થિર થઈ ગયા. ધીમા, પણ અનહદ ઘૃણાભર્યા સ્વરે સાસુજી બોલ્યાં: મોટાં વહુ, ઘરની માન-મર્યાદા ભંગ કરવાની જરૂર નથી, અને એ વાત જો સાચી હોય તો દોષ તમારોય છે. પશુ ભૂખ્યું હશે તો માંસ દેખી ખાવા ધાશે જ. મિથ્યા અભિમાન ન કરતાં, અહીં સાસુજી ફરીને વસુ સામે જોઈ રહ્યાં: અભિમાન ન કરતાં, કારણ શરીરનો વ્યભિચાર અવસર મળેથી થાય છે. જેને અવસર નથી મળતો તે જાતને પવિત્ર ન સમજી લે. માનસિક વ્યભિચાર ઉપરથી દેખાતો નથી, પણ છે તે, વ્યભિચાર જ. કોઈ છાતી ઠોકીને કહી શકે તેણે કદીયે માનસિક વ્યભિચાર નથી કર્યો? આ શબ્દો સાંભળી, લાકડું બની, વસુંધરાએ જીવનમાં બીજી વાર આંખો ઉપાડીને સાસુજી સામે જોયું. સાસુજી સીધાં તેની જ સામે તાકી રહ્યાં હતાં. સ્તબ્ધ વસુંધરા ત્યાં જ થીજી ગઈ. ચોર મન એક વાર ગળા સુધી ઊછળી આવ્યું, પછી પગમાં લપસી પડ્યું. - આ મારા ઘરની વાત છે, આનો ફેંસલો હું જ કરીશ, સાસુજી બોલ્યાં, પણ કહી દઉં છું, જો આ વાતનો અણસાર સરખોયે ક્યાંક અને ક્યારેય સંભળાયો છે. તો વાત કરનારને જીવતી દાટી દઈશ, ધ્યાન રાખજો. થોડા મહિના પછી સાસુજીએ જાહેર કર્યું કે તેઓ કાશી યાત્રા પર જશે. ગંગા સથવારો આપશે. કાશી યાત્રાથી સાસુજી પાછાં આવ્યાં. સાંભળવામાં આવ્યું ગંગાનણંદે કાશીવાસનો નિર્ણય લીધો છે. પણ જેઠાણીએ ત્યાર બાદ પથારી ન છોડી. દીવાલ તરફ મોઢું ફેરવીને રાત-દિવસ પડ્યાં રહેતાં. સાસુજીએ પણ ત્યાર પછી ક્યારેય જેઠાણીના ઓરડામાં પગ ન મેલ્યો. બારણાં સુધી આવીને ખબર પૂછી જતાં. સારવારમાં કશીયે કચાશ નહોતી, પણ પહેલાંની જેમ સ્નેહભર્યું, માર્દવભર્યું વહાલ જેઠાણી ફરી ન પામ્યાં. જેઠાણી આ પછી ઝાઝું ન જીવ્યાં. સાસુજીના ભાગ્યમાં દીકરીનું સુખ નહોતું લખાયું. તેમણે ગંગાને રાખીને નિયતિને પડકારી હતી, એમાં તેમની હાર થઈ. જે સુખ નસીબમાં ન હોય, તેની ઇચ્છા ન કરવી જોઈએ. નણંદના નસીબમાં પુરુષસુખ નહોતું, જેઠને સ્ત્રીસુખ નહોતું. એટલે જ તો અંતે બધાંના હાથ ખાલી રહી ગયા. નખોડિયા ભરીને કે ચૂંથીને જે મળે તે સુખ થોડુંક જ હોય છે! આજે વસુંધરાકાકી જાતને પૂછે છે, શું ખરેખર તે વખતે મારા મનમાં ચોર હતો ખરો? શું સાસુજી તે ઓળખી ગયાં હતાં? અથવા તે એક વરવો સંજોગ હતો કે તેઓ મારી સામું જોતા હતાં, કે પછી મારા મનની વાત તેઓ જાણવા માગતાં’તાં? મારા મનમાં ત્યારે ખોટ હતી ખરી? હા, હતી. પૂજાની ઓરડીમાં બે ધબકતી જાંધો વચ્ચે સમર્પિત થઈ જવાની અદમ્ય ઇચ્છા ત્યારે મારા મનમાં નહોતી જાગી? અને ત્યાર પછી પણ કેટલી વાર મારું મન જે મળ્યું નથી એ પામવા નહોતું તલસ્યું? દીવાલ પર હાથ ટેકવી વસુંધરા ત્યાં જ થંભી ગઈ, પછી થાકી-પાકી પથારી પર જઈ પડી. સાંજ ઘેરાઈ આવી હતી. પૂજાની ઓરડીનો સળવળતો પ્રકાશ દીવાનખાનામાં ઝાંખો ઉજાસ ફેલાવી રહ્યો હતો. પછવાડેની બારીમાં ઊભી કાકી આજુબાજુના ફળિયામાંથી આવતા અવાજો સાંભળી રહી હતી. ‘મ્યાઉં’ સાથે મીની વસુંધરાના પગ પાસે આવીને ઊભી રહી. એને ઉપાડતાં વધતા જતા પેટની માંસલતા હાથોએ કળી લીધી. મૂઈ પેટથી છે, વસુંધરાએ વીજળી કરી. મીની એકધારી કાકી સામું જોઈ રહી હતી. વસુંધરાને દૃઢ વિશ્વાસ છે કે મીની વસુંધરાને સારી રીતે સમજે છે. એ જ્યારે મીની જોડે બોલે છે, ત્યારે મીની મીટ માંડ્યા વગર એવી રીતે સામું જુએ, જાણે ધ્યાન દઈને સાંભળતી ન હોય! વસુંધરા જાણે છે કે આ તેનો કાલ્પનિક વિલાસ છે, પણ માની લેવામાં શો વાંધો? માધવરાવને મીની દીઠી નથી ગમતી. મીની પણ તેમની પાસે કદી ન જતી. જ્યારે માધવરાવ ઘરમાં હોય, મીની દેખાતી નહીં. કદીક સામે પડી જાય, માધવરાવ તેને હડસેલી મૂકતા, ‘હુંહ…હુંહ’ ના અવાજો કરતા. બીડીના ધુમાડા કાઢી, પગે ઠેસ મારી હીંચકો જોરથી ચલાવવા માંડતા... એક વાર મીની તેમની સામે પડી ગઈ. માધવરાવ કામ પરથી આવ્યા હતા. મીની સાંજનું દૂધ પી, રસોડામાંથી બહાર નીકળી. એને જોતાવેંત માધવરાવનો હુંકાર હિંસ્ત્ર થઈ ઊઠ્યો. લાત ઉગામીને જે મીનીની પીઠ પર મારી બિચારી વેદનાનો ચિત્કાર કરતી જીવ લઈને ભાગી. વસુંધરા રસોડામાંથી બહાર દોડી આવી અને જીવનમાં પહેલી અને છેલ્લી વાર પતિને ફિટકાર્યા: ખબરદાર મીનીને મારી છે તો, કહી દઉં છું. માધવરાવ જરી ચોંક્યા. પછી પતિના અધિકાર પ્રત્યે સભાન થઈ બોલ્યા, એને શું, તનેય મારીશ. પણ ત્યારે ખાંસી જોરથી ઊપડી, છાતી દાબી તે ત્યાં જ બેસી રહ્યા. ઘૃણાથી ભરેલી વસુંધરા ક્ષણભર નિશ્ચલ ઊભી રહી, પછી તેમની પીઠ પર હાથ ફેરવતી બોલી, ન પીઓ આટલી બીડ્યું. સમજતા કેમ નથી? સ્વર કાબૂમાં રાખી કહ્યું. ઝાટકો મારી તેનો હાથ ખસેડી માધવરાવ માંડ હીંચકે જઈ બેઠા. થૂંક અને બલગમથી ભીનો કુરતો જોઈ વસુંધરા અંદરથી ટુવાલ અને બીજો કુરતો લઈ આવી. નાના બાળકની જેમ પતિનાં હાથ-મોઢું લૂછી કપડાં બદલાવ્યાં. બીડી પીવાની વાહિયાત ટેવ કોણ જાણે ક્યારથી પડી હતી? ચોવિસે કલાક બીડીનું ઠૂંઠું મોઢામાં રહેતું. હીંચકાની આજુબાજુ માચિસની કાંડી એમ ખરતી જેમ પાનખરમાં પાંદડાં ખરે છે. પતિની હીંચકા-બેઠક વસુંધરા કદી કદી નિર્વિકાર જોયા કરે છે. શું આપ્યું છે આ માણસે વસુંધરાને? કંઈક અસફળ પ્રયત્નો? કદીયે ન બુઝાય તેવી તરસ? આ વસુંધરાનો પતિ નથી, એનો પુત્ર છે. આની દેખરેખ વસુંધરાની બાંહેધરી છે. આને ખવરાવવું, પિવરાવવું, આની ખામીઓ પર પડદો નાંખવો, મમતાભર્યા હાથે પીઠ પંપાળવી વસુંધરાના ભાગ્યમાં આ જ લખાયું છે. પણ મન કદી બંડ કરી ઊઠે છે. ત્યારે વસુંધરા નિત્યના ઘરકામમાં જાત એટલી પરોવી રાખે કે થોડી વાર પછી મન આપમેળે શાંત થઈ જાય. માધવરાવના મૃત્યુનું કારણ પણ આ ખાંસી હતી. ચોમાસામાં એક દિવસે ખૂબ ભીંજાઈને આવ્યા. હીંચકા પર બેઠા અને ખાંસી ઊપડી. ગરમ મસાલાવાળી ચા, હળદર નાખેલું દૂધ, સૂંઠના લેપથીયે ખાંસી થંભી નહીં. વસુંધરાએ તેમને બળજબરીથી ઉપાડી અંદર પથારી પર સુવરાવ્યા. ખાંસી કેમે રહેતી નહોતી. છેવટે બલગમ સાથે માધવરાવે ઘણુંબધું લોહી થૂંક્યું ત્યારે વસુંધરા સમજી ગઈ. ડૉક્ટર બોલાવવા ઊભી થઈ. માધવરાવે ગભરાઈ તેનો હાથ ઝાલ્યો. ભીની, ટાઢી તેમની પકડમાં આજીજી હતી. વસુંધરાનું કાળજું નિચોવાઈ ગયું. તે બેસી ગઈ. માધવરાવ એકીટશે તેની સામું જોઈ રહ્યા હતા. હાંફ ચડી હતી. વસુંધરા તેમની બાજુમાં સૂઈ ગઈ. ધ્રુજતા, ભીના શરીરને પોતાના દેહ સાથે ચાંપી લીધું. હળવે હાથે પીઠ પંપાળી: બીઓ નહીં. હું છું ને! ગભરાતા નહીં હો! તમને કંઈ નહીં થાય. હું અહીં જ છું, તમારી પાસે. ધ્રુજતું, થરથરતું શરીર વસુંધરાને જોરથી વળગી પડ્યું. ખાંસી જરી મોળી પડી, ત્યાં શ્વાસ તૂટવા લાગ્યો. આંખોની પૂતળી વગર દોરીના પતંગની જેમ ગોથા ખાવા માંડી. ધીમે ધીમે પકડ ઢીલી પડી, વસુંધરાએ પતિનું શરીર વધારે ભીંસી લીધું. અંતે શરીર ઢળી પડ્યું. એક ઊંડા શ્વાસ સાથે નિર્જીવ હાથોના પાશમાંથી જાતને છોડાવી, બેઠી થઈ, બીકથી ફાટેલી આંખો પર હથેળી મૂકી આંખો બંધ કરી, શરીર સરખું કરી વસુંધરા ઊભી થઈ. પાડોશમાંથી કોઈને બોલાવવા પડશે. અનિલને મુંબઈ ફોન કરવો પડશે. - માજી, કાગળ છે. - કાગળ? મારે માટે? હા, પરબીડિયા પર નામ તો તેનું જ છે. વસુંધરા થાંભલો અઢેલી બેઠી. કાગળ ફોડી પહેલે નીચે નજર નાખી. લખનારનું નામ હતું, સૌભાગ્યવતી નિર્મલા. ઓહ! દેરાણીનો કાગળ છે! ઉત્કંઠાથી વસુંધરા વાંચવા લાગી: આ કાગળ મળશે ત્યારે તમને નવાઈ જરૂર લાગશે. ઘણા દિવસથી કાગળ લખવાનો વિચાર હતો. આજે લખવાનું કારણ કે થોડા વખત પહેલાં સાંભળ્યું હતું કે ચિ. અનિલ આપણા જૂના ઘરના ફળિયામાં નવી બિલ્ડીંગ બનાવવાનો વિચાર કરી રહ્યો છે. સારી વાત છે. નકામી જમીન કુટુંબના કામમાં આવે એ તો સારી વાત છે. તમારા દિયરે લખાવ્યું છે કે જમીન પૈતૃક સંપત્તિનો ભાગ હોવાથી તેની ઉપર અમારો તથા અમારા વંશજોનો પણ હક છે. એટલે તમે ચિ. અનિલને કહેજો કે તે બિલ્ડિંગ જરૂર બનાવે, પણ જેમનો હક છે, તેમનુંયે ધ્યાન રાખે. આ આશયનો કાગળ અમારા વકીલ મારફત ચિ. અનિલના મુંબઈ ખાતેના સરનામા પર મોકલી આપવામાં આવ્યો છે. તમો વડીલ છો. તમે જરૂર ચિ. અનિલને સારી સલાહ આપશો, માટે આ પત્ર તમને લખેલ છે. ઘૃણાથી વસુંધરાકાકીનું મોઢું કડવું થઈ ગયું. આ છે અમારા કુટુંબના સભ્યો? લોભી, લંપટ, સ્વાર્થી? અનિલ ઘેર આવ્યો ત્યારે ક્રોધથી તેનું માથું તમતમતું હતું: સાંભળી કાકી, તમારા દિયરની કરણી? મને વકીલ મારફત નોટિસ મોકલી છે. કાકી કંઈ બોલતાં નથી જાણી પારો વધારે ચઢી ગયો: કેમ? દિયરનું ભૂંડું સાંભળશો તો કાન ખરી પડશે? હેં? - અરે બાપા, ખબર છે મને. દેરાણીનો કાગળ આવ્યો’તો. વસુંધરાએ કાગળ અનિલના હાથમાં મૂક્યો. - શરમ ન આવી કાકાને? કાકી પાસે આવો પત્ર લખાવતાં? ખૂબ વિચારને અંતે વસુંધરાને જે ઠીક લાગ્યું તે કહ્યું: સાંભળ! તું કંઈ પણ કહે, તેમનો હક ખરો ને! - કાકી, તમેય આવી વાત? અનિલ ખિજાણો. - શાંત થઈ સાંભળ. તું કહે છે ને, કે બિલ્ડિંગો બની રહેશે ત્યારે ધનની ખોટ નહીં રહે, તો એકાદ જગ્યા નામે કરી, તેમનેય ખુશ કરી નાખને, બેટા. નામ તો તેઓ પણ આ જ ખાનદાનનું વાપરે છે ને! મોઢું ફુલાવી અનિલ જતો રહ્યો. જેઠના ગયા પછી અનિલ પૈતૃક મકાનમાં આવ્યો ત્યારે સોળ વરસનો હતો. સંપત્તિને નામે ત્યારે સમજવા-સમજાવવા જેવું કંઈ બચ્યું નહોતું. એટલે ભણતર માટે મુંબઈ ચાલ્યો ગયો. ખર્ચો બધો મામાએ કર્યો. મોટે ઘેર આવતો, બે દિવસ ક-મને રહતો, પાછો જતો રહેતો. માધવરાવના મૃત્યુ પછી અનિલે કહ્યું હતું: મારે તો કાકી, પાછા જવું જ પડશે, પણ તમે અહીં એટલે કે હું કહું છું કે તમે એકલાં કેમ રહેશો, કાકી? તમે એમ કરો, મારી જોડે ચાલો. મનેય સાથ થશે. કાકીનું મન આકાશ જેવડું મોટું થઈ ગયું. પેટનો દીકરો નથી, તો શું! આખરે આપણું જ બાળક છે ને. ગળગળા સાદે જવાબ આપ્યો: મારી ચિંતા કરીશ મા. હું તો એ’યને લહેરથી રહીશ. આપણા જ ઘરમાં બીક તે શી? ત્યારે અનિલના મોઢા પર ઊભરાઈ આવેલા છુટકારાનો ભાવ એટલો તો સાફ હતો કે વસુંધરા છોભીલી પડી ગઈ. હુંય શુંનું સમજી બેસું છું! પછી મન મનાવ્યું, એમાં શું? નહીં હોય એને હેત, વિવેક તો કરી જાણે છે! અનિલ કહેતો રહ્યો, ખરચની ચિંતા કરતાં નહીં. મોકલતો રહીશ. કમાવા લાગ્યો છું. અને હા, વાણિયા જોડેય વાત થઈ ગઈ છે, તમતમારે નિરાંતે સામાન મંગાવતાં રહેજો. એકલી ડોશીને કેટલુંક જોઈએ! અને પછી અનિલનાં લગ્ન થયાં, મનગમતી છોકરી જોડે. મામાએ આગળ રહીને કારજ ઉકેલી દીધું. વહુ મોટે ઘેર આવી. પાડોશની વિમલને બોલાવીને ધારા મુજબ, રીત-ભાત સંભાળીને વસુંધરાકાકીએ વહુને ઘરમાં પ્રવેશ કરાવ્યો. છોકરી ડાહી અને સુશીલ છે. અનિલને ખુશ રાખે છે. બસ! વર-વહુ પાછાં મુંબઈ ગયાં. વસુંધરા પાછી એકલી રહી ગઈ. અનિલ રસોડામાં દરવાજા પાસે ખુરશી નાખી, કાકી જોડે વાતો કરી રહ્યો છે. - વાહ કાકી, બાબા આદમના જમાનાના આ રસોડામાં તમે કેવી રીતે કામ કરો છો? - કેમ? શું ખોટું છે? ચૂલામાં લાકડી સરકાવતાં કાકી બોલી, આ જ રસોડામાં કેટ-કેટલાં લોકો માટે રસોઈ થતી’તી, ખબર છે? - તમેય કાકી, જ્યારે હોય ત્યારે જૂના જમાનાના ગુણ ગાઓ છો. જાણે એ લોકો તમારા સાસરિયા હોય, દેવ માણસો હોય. હુંહ! યાદ કરવા લાયક હતા એ લોકો? હસી પડ્યો અનિલ: ઉપરથી ગોલમાલ, અંદરથી પોલમપોલ. રોટલી વણતો હાથ થંભી ગયો. આટલી તોછડાઈથી ન બોલવું જોઈએ, પણ વાત સાવ જુઠ્ઠી નો’તી જ. જરીક ગુસ્સો દેખાડતાં કહ્યું: અનિલ, આમ કેમ બોલે છે? બધા તારા વડીલ હતા. જરીક તો માન રાખ. - માન? વડીલ? રહેવા દો કાકી. દાદાજીએ ક્યારેય કામ કર્યું હતું? એમને ખબરેય હતી, ચોપડામાં શું લખાઈ રહ્યું છે? બોલો! બસ, કુટુંબની સાખ, વટ અને ખાનદાનની ઇજ્જતના જુઠ્ઠા દેખાવોમાં જ સત્ય જણાતું. નક્કામા સિદ્ધાંતો મોઢેથી બોલવા ગમતા. ખબર પડી કે પાછળ બધું સળગી રહ્યું છે, તો ઓલાવવાને બદલે મેદાનથી પીછેહટ કરી ગયા! ખોટ ચાલશે, પણ એ ખોટ દેખાવી ન જોઈએ. બીજાની નજરમાં ઓછપ દેખાશે તો આભ તૂટી પડશે, કેમ? - બસ હવે. ચાલ, જમી લે. પણ આજે અનિલ બસ કરવા નો’તો આવ્યો. ઘણાં વર્ષોનો રોષ ઊભરાઈ પડ્યો હતો. બિલ્ડિંગ બનાવવાનું નક્કી કરી તેણે કુટુંબની જમીનમાંથી સોનું ઉપજાવવાનું બીડું ઉપાડ્યું હતું. બોલતો ગયો: આટઆટલું થયું, ત્યારેય કોઈ ભાનમાં ન આવ્યું, કેમ! ત્યારેય ચેત્યા હોત તો ઘણુંયે બચી ગયું હોત. રોટલી પર ઘી ચોપડતાં કાકીને વિચાર આવ્યો, ત્યારે જ તો તે દિવસે સાસુજી ભોંયરાની તિજોરી ઉઘાડીને, ઘરેણાંની પેટી કાઢતાં’તાં. દેરાણી એનો સામાન લઈ ગઈ, જેઠાણીનું ઘરેણું અનિલની વહુ માટે રાખી મૂક્યું. સાસુજીના દાગીના તો ક્યારનાં‘ય વેચાઈ ગયા હતા. - તમે જ આપ્યું છે. જો આ ક-વખતે મારાં ઘરેણાં કંઈ કામ લાગે તો-વસુંધરાએ પોતાનાં ઘરેણાંનો ડાબલો આગળ કર્યો. અનિલ એની ધૂનમાં કહેતો ગયો: કાયર હતા બધા કાકી, કાયર. લડ્યા નહીં, મરી ગયા. - ખાતી વખતે આટલો ગુસ્સો કરીશ ને, તો બધું છાતી પર ચઢી બેસશે. હુંહ! બિલકુલ વચલાંકાકીની જેમ મોઢું ફુલાવીને અનિલે હુંકારો કર્યોં. વસુંધરાકાકી કહેવા મથી રહી હતી કે બેટા, નદીમાં જ્યારે પૂર આવે ને, ત્યારે બધું જ વહી જાય છે. ત્યારે માણસ કંઈ જ નથી કરી શકતો. એવું જ પૂર હતું બેટા ત્યારે, જેમાં તારા દાદાજી અને પછી દાદી પણ તણાઈ ગયાં. વિધવાનું જીવન જીવવા સાસુજી ઝાઝા દિવસો ન રહ્યાં. જૂના જમાનાનાં હતાંને! ત્યારે સ્ત્રી કપાળ પર કંકુ ભરી, શણગાર સજી પતિના શબને ખોળામાં લઈ સતી થઈ જતી! બીમારની પથારી પાસે બેઠી હતી વસુંધરા. સાસુજીએ કહ્યું, વહુ! એક વાતનો બહુ અફસોસ છે બેટા, એ વાત તને નહીં કહું, ત્યાં સુધી મને મરણ નહીં આવે, અને ધ્રુજતા હાથે વસુંધરાની ચિબુક પકડી સાસુજી બોલ્યાં: તારી સાથે મેં ભારે અન્યાય કર્યો વહુ! મારો દીકરો તો- વસુંધરાએ અંતિમ વાર અશ્રુના પડદા પાછળથી સાસુની આંખોમાં જોયું. ત્યાં જે હતું, તે જોઈને વસુનું હૃદય વલોવાઈ ગયું: કરી શકે, તો મને માફ કરી દેજે વહુ. વસુંધરા કહેવા માગતી હતી કે તમારી આટલી હમદર્દી મને મળી છે, એ જ મારે માટે ઘણું છે, પણ બોલી શકી નહીં, કારણ કે વણબોલ્યા શબ્દો જ્યાં સાંભળી શકાય છે સાસુજી તે ધામે પહોંચી ગયાં હતાં. પતિ જીવતા હોવા છતાં જેવાં સાસુજી ગુજરી ગયાં. વસુંધરા વિધવા થઈ ગઈ. અનિલ જમીને ઓસરીમાં ઊભો હતો. - સૌથી પહેલાં હું આ હીંચકો ફેંકી દેવાનો છું, કાકી. રસોડામાં કામ કરતા હાથ થંભી ગયા. ચૂં-ચૂંના અવાજો, બીડીની ગંધ, કાંડીઓની વધતી જતી સંખ્યા. વસુંધરાકાકીએ ઊંડો શ્વાસ લીધો. મા-બાપ ન રહ્યાં. જેઠ પર અંકુશ ન રહ્યો. ભૂખ્યું માણસ ઠાંસી-ઠાંસીને ખાવામાં સંતોષ શોધે. જેઠે બૈરાંઓની લાઈન લગાડી દીધી. કુટુંબની રહી-સહી આબરૂ, બચીકૂચી સંપત્તિ જોડે ભર બજારે વેચાઈ ગઈ. પછી થવાનું હતું તે થયું. ભાત-ભાતનાં પકવાન હોજરી સહન ન કરી શકી. અપચાથી શરીરમાં રોગો ફેલાઈ ગયા. અને એક દિવસે અનિલને મામાનાં ઘરેથી બોલાવી લેવો પડ્યો, પિતાના અંતિમ સંસ્કાર માટે. કાલે સવારે અનિલ અને વહુ આવી જશે. આ છેલ્લી રાત છે. વસુંધરા રાતભર ભૂતિયા ઘરમાં ફરે છે. કેટકેટલાં સંભારણાં એને પજવે છે. કેટલાં આંસુ આ ધરતીમાં સુકાણાં છે. આ દીવાલોએ કેટલા નિઃશ્વાસ પોતામાં વસાવી લીધા છે. કેટલાં હાસ્યોના પડઘા આ છાપરા પરથી પટકાઈને વિખરાઈ ગયા છે. મોંસૂઝણું થયું. નાહીને છેલ્લી વાર પૂજાની ઓરડીમાં વસુંધરા આવી છે. પૂજા પછી ઘરભરમાં પૂજાનો થાળ ફેરવ્યો. અગરબત્તીથી ઘરના ખૂણે ખૂણા મહેકાવ્યા. વારે ઘડીએ ઓરડામાં જઈ લળીલળીને પ્રણામ કર્યા. સૂરજ ઊગ્યો. રાખોડી પ્રકાશમાં પોતાના પ્રિય થાંભલાને અઢેલી વસુંધરા મીનીને ખોળામાં લઈ રાહ જુએ છે. મીની જોડે વાતો કરી રહી છે. વાતો? હા, સાચને છુપાવવા શબ્દોનો જ આશરો લેવો પડે છેને! વાત કોઈ નથી જ માનતું. પ્રભુઇચ્છા! જે સામે આવશે તેનો સ્વીકાર કરવો રહ્યો, સ્વીકાર કરશે વસુંધરા. ડેલા સામે મોટરનો અવાજ થયો. મીની ખોળામાંથી ઊછળીને નાસી ગઈ. વસુંધરાકાકીએ હસવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. અનિલે ફળિયામાં પગ મૂક્યો.

(૨)

અચેતનમાં ક્યાંક સંભળાયું, ‘મ્યાઉં’ ચેતન પર જાગ્રત થયું. વસુંધરાએ હાથ લંબાવીને ફંફોળ્યું. મીની! પણ ત્યા કંઈ જ નહોતું. આ શું? હું ક્યાં છું? થોડી વાર ભ્રમમાં રહી. પછી યાદ આવ્યું. આ નવું ઘર છે, નવી બિલ્ડિંગમાં. અંધારામાં આજુબાજુ જોયું. અવાજ તો મીનીનો જ હતો. તો પછી મીની ક્યાં છે? ક્યાં ગઈ? હમણાં તો મ્યાઉં કરતી’તી. મીની, મીની. પછવાડેની બારીમાંથી સંભળાયું’તું. મીટ માંડીને જોયું. નીરવ શાંતિ, ચંદ્રપ્રકાશમાં નહાયેલું વાતાવરણ. ત્યાં પે’લે, એ જૂનું ઘર, કેવું બાપડું, બિચારું દેખાય છે! મીની મીની. સ્વર ઊઠતો ગયો, પણ મીની ક્યાંય નહોતી. થાકીને વસુંધરા પથારી પર બેસી ગઈ: ક્યાં ગઈ હશે મૂઈ? કાલથી નથી ભાળી. આવ, આવ ને! એક આતુર પોકાર થયો. કોણ એને દૂધ પાતું હશે? ક્યાં વિયાશે બાપડી! કોણ સંભાળશે એને? નવા ઘરમાં આવ્યા પછી મીની જાણે ક્યાંક ખોવાઈ ગઈ. વસુંધરા રસોડાની બારીમાંથી જુએ છે. જૂના ઘરમાં એકલાં હોવા છતાં ક્યારેય એકલું નહોતું લાગતું. અહીં બીજાં બે પ્રાણી જોડે પણ ખૂબ એકલું લાગે છે. આતુરતાથી નિહાળી રહી છે વસુંધરા એ થાંભલાને, જેને આધારે કેટલાંક સુખ-દુ:ખ સહ્યાં છે. - કાકી! પાછળથી વહુએ કાકીના ખભા પર હાથ મૂક્યો, કાકી, અહીં નથી ગમતું? આ સ્નેહથી ભીંજાયેલો સ્વર તેણે આ પહેલાં સાંભળ્યો છે ને! - ના, ના, શીદને ન ગમે? આટલું ભર્યુંભાદર્યું ઘર. - તમે આખું ઘર જોયું? માથું હલાવ્યું: હા, હોં, બહુ સારું છે. - ચાલો, હું તમને દેખાડું. કાકી પાછળ ઘસડાઈ. આ દીવાનખાનું, આ અનિલનો ઓરડો, આ જમવાનો, અહીં ટેબલ-ખુરશી છે. બે કબાટોમાં કાચનાં વાસણોય ઝળકે છે. - અને આ તમારો ઓરડો, કાકી. હા, અહીં જ તો છે તેની પતરાંની પેટી. નવી નક્કોર જમીન પર કેટલી બિચારી દેખાય છે. વસુંધરાએ પેટી સામે ઊભાં રહી એને ઢાંકવાનો પ્રયત્ન કર્યો. લાગ્યું, પેટીએ ફેલાઈને આખો ઓરડો ભરી દીધો છે. - તમારે માટે પલંગ અને કબાટ કાલે આવી જશે હોં, કાકી. - પલંગ? હું તો ચટાઈ પર સૂઈ રહું છું, વહુ. કબાટમાં રાખવા જેવું મારી પાસે કંઈ જ નથી. હસી પડી વહુ. મારે માટે કંઈ લાવવાની હોંશ હોય તો બેટા, મને મીની લાવી આપ, બે દિવસથી જોઈ નથી: પણ મોઢાની વાત મોઢામાં જ રહી ગઈ. બહાર ન નીકળી. વસુંધરા ભગવાનની મૂર્તિઓ મૂકી રહી છે. જૂના ઘરમાંથી નીકળતાં એક પરાંતમાં તેણે આ મૂર્તિઓ, ફોટાઓ મેલ્યા હતા. અનિલને કહ્યું હતું: બેટા, આ પરાંત તું સૌથી છેલ્લે ઉપાડીને લાવજે હો! અને સીધી પૂજાની ઓરડીમાં મૂકજે. - પૂજાની ઓરડી? અનિલે આશ્ચર્યથી પૂછ્યું. વહુએ આંખને ઈશારે એને રોક્યો: હા હોં કાકી, તમારા ઓરડામાં મૂકી દેશે. પછીથી પૂજાની ઓરડીનો બંદોબસ્ત થઈ રહેશે. શું? ત્યાં પૂજા માટે કોઈ જગ્યા નથી? એટલા માટે જ હમણાં ભગવાનનું સ્થાન આ પરાંત છે. વસુંધરા ભગવાનની મૂર્તિઓ મૂકી રહી છે. મન પૂછી રહ્યું છે, મીની! આ મીની ક્યાં ચાલી ગઈ? - કાકી, અનિલે સાદ કર્યો. - બોલ, કાકી લગભગ ઊભી થઈ ગઈ. - કાકી, જમાડશો શું? - જે તું કહે. - શીરો. - કાકી, તમે શું કામ તકલીફ લો છો? હું બનાવીશ. - ગજબ ન કરતાં કાકી, આને રાંધતાં નથી આવડતું, અનિલે પત્નીની પીઠ પર ધોલ જમાવી. કાકી શરમાઈ ગઈ. કેવાં મગન છે બન્ને! સૂતાં ટાંણે ફરી એક વાર પાછળની બારીમાંથી કાકીએ જોયું, ત્યાં પેલો થાંભલો દેખાય. ઓસરી. અને ત્યાં, જરી ગરદન વાંકી કરો, તો ત્યાં છે રસોડાનું બારણું. સવારે નાહીને કાકીએ કહ્યું: હું ફૂલ વીણી આવું પૂજા માટે. અને હા, બારણા સામે રંગોળી પૂરું? વહુ કાકી સામું જોઈ રહી. જ્યારે રંગોળી પુરાઈ ગઈ, વહુએ વિનંતી કરી: કાકી મને શીખવશો? કાકીનું મન આભ જેટલું થઈ ગયું. તો, મારી પાસેય કાંઈ છે શીખવવા જેવું. કાકી નીચે ગઈ. પાછળ ગઈ. જૂના ઘર પાસે. જૂના ઘરમાં જવાની હિમ્મત ન થઈ. ખુલ્લા દરવાજા, બારીઓ જાણે એને ચીડવતાં હતાં. હીંચકા વગરની ઓસરી, વિધવાના ચાંદલા વગરના કપાળ જેવી અપશુકનિયાળ, સૂની. બપોરે ઓરડામાં બેઠેલી વસુંધરાકાકીને ઉદાસીએ જાણે જકડી લીધી. આટલું એકલું આટલું અસહ્ય આ કુટુંબમાં લગ્ન પછી પહેલવહેલી આવી’તી ત્યારે લાગ્યું હતું. પોતાના હક બાબતે શંકિત, નવા લોકોથી ઘેરાયેલી, પોતાના અવગુણો પ્રત્યે સભાન. આજેય એવું જ લાગે છે. મીની હોત તો એટલું આકરું ન લાગત. અચાનક આંસુ ઊભરાઈ આવ્યાં. હતાશ બેસી રહી, ગાલ પરથી ધારા વહેતી રહી. એક મુલાયમ સ્પર્શ જણાયો. વળીને જોયું, વહુ હતી. - કાકી, શું થયું? સામે બેસી તેણે પૂછ્યું. ખૂબ સરળતાથી કાકીએ કહ્યું: મીની નથી આવી હજી. તે પેટથી છે. વહુએ કાકીના ખભા પર હાથ મૂક્યો. ધીમે ધીમે આંસુ થંભ્યાં. સવારે ચા પીતી વખતે અનિલે પૂછયું, કાકી, બિલાડી નથી મળી? કાકીએ માથું હલાવ્યું. સહેજ નરમાશથી અનિલે કહ્યું, મળી જશે, તમે અમથાં ચિંતા ન કરતાં. રાતે જમતી વખતે અનિલ ચૂપ હતો. પૂછ્યું શું થયું? પહેલાં તો વાત ઉડાડી, પછી હળવેથી કહ્યું: કાલે સવારે જૂનું ઘર તોડવાનું કામ શરૂ થઈ જશે. એક દીર્ઘ નિઃશ્વાસ નાખી, કાકી ચૂપ રહી. - કાકી, દૂધ લેશો? વહુએ પૂછ્યું. કાકીએ ‘ના’માં ગરદન હલાવી. વહુની હિમ્મત ન ચાલી વધારે કંઈ કહેવાની. તે રાતે કાકી-ભત્રીજો સૂઈ ન શક્યાં. સ્મૃતિઓનો જાણે ભંડાર ખૂલી ગયો. સવારે કૉન્ટ્રેક્ટર જોડે અનિલ ગયો. પહેલી કોદાળી પડી ત્યારે કાકીના મોઢામાંથી અસ્ફુટ ચીસ નીકળી ગઈ. અનિલે પાછા ફરીને જોયું, રસોડાની બારીમાં બે મોટી આંખો દેખાતી હતી. તેણે માણસોને કહ્યું, ચાલો જલદી પતાવો. આખો દિવસ ઘર જાણે ધુમ્મસ ઘેરાયેલું રહ્યું. કુટુંબના પૂજારીએ આવીને પૂછ્યું, મને બોલાવ્યો હતો, વહુમા? - હા, કાકીનો ચહેરો કેવો નિ:સત્ત્વ દેખાતો હતો. પ્લાસ્ટિકની થેલી પૂજારીના હાથમાં દીધી, જેમાં બધાં દેવી-દેવતા, ભગવાન ભર્યાં હતાં. - ગુરુજી, આ લો, બધા ભગવાન. પુરોહિત સ્તબ્ધ ઊભા રહ્યા. - લો, હવે આમને તમે સંભાળો. - બધા જ આપી દીધા, વહુમા? - હા, એક બાળકૃષ્ણ સિવાય. ગુરુજી જવા તૈયાર થયા. વસુંધરાએ વાંકા વળી પ્રણામ કર્યા. વહુએ ડરતાં કહ્યું, મેં એમને કીધું’તું પૂજાની ઓરડી માટે. કાકીના મોઢા પર કોમળતા તરી આવી: ના વહુ, એ માટે નથી આપ્યા. પરાંત એય સારું ઘર હતું તેમને માટે. પણ હવે, જ્યારે જૂનું બધું તૂટી રહ્યું છે, અહીં ક્ષણભર સ્વર ધ્રૂજ્યો, પછી પ્રયત્નપૂર્વક સંભાળી લીધો: હવે આમનુંયે સ્થાન અહીં નથી. મારે માટે બાળકૃષ્ણ તો છે. પછી જાણે જાતને કહ્યું. ઘણાં વર્ષોનું ઋણ આજે ચૂકતું થઈ ગયું. મન પરથી બોજો ઊતરી ગયો. કાકી રસોડામાં ચાલી ગઈ. વહુ જતી આકૃતિને જોતી ઊભી રહી. પીઠ બહુ વાંકી નહોતી વળી હજી સુધી. આવ, આવ વિમલ, કેટલે દિવસે દેખાણી છો! કાકી વિમલને અંદર ઓરડામાં લઈ ગઈ. વિમલે વસુકાકીને ધ્યાનથી જોયાં: વસુકાકી, મજામાં તો છો ને? સરળતાથી જવાબ આપ્યો, હા હો. કેમ? - ના, પુરોહિત કહેતા હતા. - એમ? ઉત્સુકતા વગર કાકીએ કહ્યું. પાછળથી ધમ્ ધમ્ અવાજ આવતો હતો. વસુંધરાએ જાણે કાન બંધ કરી લીધા હતા. - ચા પીશને, વિમલ? હવે તો અમારે ત્યાં પણ ગેસ છે હોં. ચપટી વગાડતાં ચા તૈયાર. - ના કાકી, ચા નહીં. વિમલને સમજણ ન પડી. - તો લે, ફળ ખા. વસુંધરા અંદરથી ફળ અને છરી લઈ આવી: જો, હવે હું ચાકુથી નહીં, છરીથી કાપું છું. અવાજમાં બાળકનો ઉમળકો હતો. - તમને જોઈને સારું લાગ્યું કાકી. મને થાતું’તું, કે તમે - - શું? હું ઊંધી પડીને રડતી હોઈશ? ફળ કાપતા હાથ થંભી ગયા. હવે મોહમાયા કેવી વિમલ? અમારો જમાનો પૂરો થયો, હવે છોકરાઓનો જમોનો છે. કાકીની આંખો દૂર કશુંક શોધી રહી હતી. ફળ ખવરાવી, આખું ઘર દેખાડી વસુકાકી દરવાજા સુધી વિમલને મૂકવા ગઈ. વિમલ ખુશ થઈ ઘેર ગઈ. અનિલ પગ પછાડતો રસોડામાં આવ્યો: કાકી, ઘાંટો પાડી પૂછ્યું, કાકી, તમારાં લાડકાં દિયર-દેરાણીનો કોઈ કાગળ આવ્યો’તો? કાકી ચટણી વાટી રહી હતી. હાથ રોકી, ત્યાં જ બેસીને કહ્યું, કાગળ? ના ભાઈ, પછી અનિલનું ફૂલેલું મોં જોઈ પૂછ્યું, શી વાત છે? ત્યાં બધાય ઠીક તો છે ને? - ત્યાં તો ઠીક છે. પણ અહીંયા જે બધાં ઠીક છે, તે એમને ગોઠતું નથી. - હં, કહી કાકીએ પોતાનું કામ ચાલું રાખ્યું. સાંભળીને વહુ રસોડામાં આવી, શું થયું? અનિલે વાંકા વળી કાકીનો હાથ ઝાલ્યો: વાંચો, વાંચો આ કાગળ, પત્ર કાકી સામે ફફડાવ્યો. - તું જ વાંચ. શું લખ્યું છે? અવાજમાંનો ગુસ્સો વધી ગયો. અનિલે વાંચ્યું: લખ્યું છે, શું મારો વિચાર બધી જમીન હડપ કરી જવાનો છે? ધણી બનીને બેસી ગયો છું. પણ ઘરડી બિચારી કાકી વિશે મેં શો વિચાર કર્યો છે? કાકીએ ભત્રીજા ભણી જોયું, ઘરડી બિચારી કાકી કોણ? હું? ભોળા ભાવથી પૂછેલા આ પ્રશ્નથી વહુના મોઢા પર હાસ્ય ફરી વળ્યું. - હસ નહીં, અનિલનો ગુસ્સો હજુ શાંત નહોતો થયો. - પણ મેં લખ્યું’તું કે હું તમારી જોડે રહેવાની છું. નાના બાળકને સમજાવતો હોય તેમ અનિલ બોલ્યો: લખ્યું’તું ને! બધું જ લખ્યું’તું. પણ તમારા કહેવા મુજબ એ લોકોને ભાગ આપ્યો, એ જ મારી ભૂલ. - એ તેમનો હક હતો. કાકીએ દૃઢતાથી કહ્યું. - તો પછી આ શું લખ્યું છે? હું શું તમારો હક ખાઈ જઈશ? એટલો નીચ છું હું? રિસાયેલા બાળકની જેમ અનિલે કહ્યું. હવે કાકીએ ચટણીનું કામ પડતું મેલ્યું. હાથ ધોયા, પછી પાટલો ખેંચીને બેઠી: હવે બોલ, બેસ, બેસીને નિરાંતે વાત કર. અનિલે કહ્યું, તેનો સાર હતો: કાકી દેસાઈ કુટુંબના વચલા દીકરાની વિધવા છે. અને એ સગપણે તેનો પણ કુટુંબની સંપત્તિમાં અધિકાર છે. માટે અનિલે શું કરવા ધાર્યું છે? અને અનિલ કહેવા માગે છે કે, જેવી રીતે નવી બિલ્ડિંગમાં બે ફ્લેટ નાનાકાકાના દીકરાઓનાં નામે લખાયા છે, તેમ એક ફ્લેટ કાકીના નામે રખાયો છે. આંખો પહોળી કરી કાકીએ પૂછ્યું, તો તું શું મને કાઢી મૂકવાનો છે? હવે માથા પર હાથ ફૂટવાનો વારો અનિલનો હતો: કાઢવાની વાત કોણ કરી રહ્યું છે? એ એમ કહેવા માગે છે, કે જો કાકી એમનો ફ્લેટ વેચી નાંખવા માંગે, તો એટલી રકમ એમના નામે બેંકમાં મૂકી શકાય, જેથી તેઓ મરજી મુજબ પૈસા વાપરી શકે. - તો તું શું મને ખાવા-પહેરવા નહીં આપે? - ઓહો કાકી, તમે સમજતાં કેમ નથી? - સમજું છું, એટલે જ પૂછું છું. હું અહીં રહું છું ત્યાં સુધી તું મને કાઢી નથી મૂકવાનો. અહીં જમું છું. અહીં પહેરું છું. તું મને ખાવા-પહેરવાથી નથી રોકવાનો, તો હું પેલા ઘરનું શું કરું? એ જ હું તને પૂછી રહી છું. હવે કાકીએ વહુ તરફ જોયું. વહુએ અનિલનો હાથ ઝાલ્યો, આટલી અમથી વાત તમે સમજતા કેમ નથી? એને પોતાની સાથે લઈ જતાં વહુ બોલી. કાકીએ ચટણી વાટવાનું કામ પાછું શરૂ કરી દીધું. રજા પૂરી થઈ. પરમ દિવસથી અનિલ અને વહુ પાછાં કામ પર જોડાઈ જાશે, મુંબઈમાં. સવારથી તે છેક સાંજ સુધી. - કાકી, તમે એકલાં રહી શકશો ને? કાકી હસી પડી: લે કર વાત! આટલાં વરસો નો’તી રહી? અને હવે એકલી ક્યાં છું? હવે તો બિલ્ડિંગમાં કેટલાય લોકો રહેવા આવી ગયા છે. આ રોજનો ક્રમ થઈ ગયો. કાકી બીજા ભાડૂતો જોડે બોલતી, તેમનાં છોકરાંઓને બોલાવી લેતી, પછવાડેની બારીમાંથી જૂનું ઘર જોયા કરતી. ઉપરનો માળો તોડી નખાયો છે. નીચે રસોઈવાળો ભાગ તૂટી ગયો છે. દીવાનખાનું, ઓસરી, કમાડ વગરનાં બારી-બારણાં સાથે હાડપિંજર જેવાં દેખાય છે. પેલો થાંભલો હજુ ઊભો છે. વસુંધરાકાકીનો આધાર! પછવાડે માણસો ભેગા થયા છે. મજૂર, કૉન્ટ્રેક્ટર બધા મળીને ચર્ચા કરી રહ્યા છે. અવાજ સાંભળી વસુંધરાકાકી ઊઠી: શું છે? તેણે ચોકીદારને બોલાવ્યો. કોઈને વાગ્યું છે? વાત શું? અનિલ અને વહુ મુંબઈ ગયાં છે. - ના માજી, કોઈને કંઈ નથી થયું. પેલો જૂનો ઘરનો થાંભલો છે ને, એ તૂટતો નથી. મનમાં સંતોષનું મોજું ફરી વળ્યું. કુટુંબના સજીવ બધા ઊખડી ગયાં. આ નિર્જીવ થાંભલો પરિસ્થિતિનો મુકાબલો કરી રહ્યો છે. રાતે પ્રસાદ અને અનિલ વચ્ચે વાટાઘાટ થઈ. નક્કી થયું, કે થાંભલાને હમણાં રહેવા દો, પછી જોયું જાશે. રાતે, ફરી એક વાર વસુંધરાકાકીએ પાછળ જોયું. અચલ, અડગ, આકાશ ભણી માથું ઊંચકીને થાંભલો હજુ ઊભો છે. વહુનો હાથ પકડી અનિલ ઘરમાં દાખલ થયો: કાકી! - ચા તૈયાર છે, આવી જાઓ અંદર. - પહેલાં તમે અહીં આવો, દીવાનખાનામાંથી અવાજ આવ્યો. વહુના ખભા પર હાથ મૂકીને અનિલ ઊભો હતો: કાકી, મોઢું મીઠું કરાવો. વહુ શરમાઈ ગઈ. કાકીએ ઘણી દિવાળી જોઈ છે. હસીને આશીર્વાદ આપ્યા: પુત્રવતી ભવ: હવે વહુ કામ પર નહીં જાય. ઉંમર જરા વધારે છે, દેખરેખની જરૂરત છે. કાકીની આંખો સામે વહુ રહેશે. કાકીએ વહુની નજર ઉતારી. હવે કાકી એકલી નથી. સાથે વહુ છે, આવનાર પૌત્ર છે. કાકીનો દિવસ નાનો થઈ ગયો. વહુ માટે નવું-નવું રાંધવું છે. ઇચ્છા હોય તે બનાવીને ખવરાવવું છે. વહુ વધારે એકલી ન રહે, ઝાઝું વાંચે-લખે નહીં. કાકી ખૂબ સંભાળ રાખે છે. આ કુળનો દીપક પ્રગટ થવાનો છે. ફરી એક વાર કુટુંબને પ્રકાશમાન બનાવી દેશે. કાકી હવે વહુને પ્રસન્ન રાખવા વાતો કરે છે. મિતભાષી કાકી વાચાળ બની ગઈ છે. સાસુ-વહુ વચ્ચે આત્મીયતાનો તાર બંધાઈ રહ્યો છે. હવે તેમની અંગત મજાકો છે, પોતાના સંકેતો છે, સંદર્ભો છે. કેટલીય વાતો ઈશારામાં થઈ જાય છે. આંખના પલકારામાં ઘણુંબધું કહેવાય-સંભળાય છે. વહુના માથામાં કાકી તેલ નાખે છે, એકાએક વહુ ચમકી ઊઠે છે: શું થયું? વહુએ કાકી ભણી જોયું. મોઢા પર આત્મસુખ ઝળકી રહ્યું હતું: જરા હાથ આપજો તો કાકી. કાકીનો તેલભર્યો હાથ વહુએ પોતાના પેટ પર મૂક્યો. ત્યાં જીવન રમી રહ્યું હતું. કાકીની આંખોમાં આનંદનાં આંસુ તરવરી ઊઠ્યાં. આ વંશની વેલમાં ફૂલ ખીલી રહ્યું છે. વહુના પેટ પર કાકીની આંગળીઓ થનગની ઊઠી. આજે મંગળ દિવસ છે. વહુનો ખોળો ભરવો છે. કાકીને શ્વાસ લેવાની ફુરસદ નથી. બાજોઠની ચારે બાજુએ ફૂલમાળા ઝૂલી રહી છે. વહુએ લીલી સાડી, ચોળી પહેરી છે. માથા પર મોર દીપે છે. હાથ-કાન, ગરદન ઘરેણાંઓથી સજ્યાં છે. કાકીએ વહુને જોઈ. અરે! એક વસ્તુ રહી ગઈ. ઓરડામાં જઈ, પલંગ નીચેથી પતરાની પેટી ખેંચી, તેમાંથી નથ કાઢી વસુંધરાકાકીએ પાલવથી નથ લૂછી. સાસુજી, આજે નથનો સાચો ધણી મળી ગયો છે. તેણે નથ આંખ, માથે લગાડી. કાકી બહાર આવી. સંભાળીને વહુના નાકમાં નથ પહેરાવી દીધી. પાણીદાર મોતીને ઉઠાવ મળ્યો. પંચારતીના દીવા એકસાથે પ્રગટી ઊઠ્યા. વહુએ કાકી સામું જોયું. આ નજર વસુંધરાકાકીની જાણીતી નજર છે. એક દોર છે, જે સાસુજી, વસુંધરા અને વહુને એકબીજા સાથે પરોવી રાખે છે. કાકીએ વહુની પથારી પોતાના ઓરડામાં નખાવી. અનિલ ખૂબ ચિડાણો: હું શું પશુ છું? કે નાદાની કરી બેસું? કાકી હસી. યુવા શરીર પર કાબૂ રાખવો શું એટલું સરળ છે? હવે વસુંધરાકાકીને ઊંઘ નથી આવતી. વહુ જરી સળવળે છે તો કાકી બેઠી થઈ જાય છે. ક્યારેક વહુ ઊઠીને બેસતી: હેં કાકી, બધું ઠીક થશે ને? મને બહુ ગભરામણ થાય છે. કાકી ધીરજ આપતી. વહુ કાકીનો હાથ પકડીને સૂઈ જતી. મુંબઈથી જાણકારને બોલાવવામાં આવ્યો. એ જ જોઈને સલાહ આપશે, હવે આ થાંભલો કેમ કરીને કાઢવો. કાકીએ હિમ્મત ભેગી કરીને કહ્યું: થાંભલો રહેવા કેમ નથી દેતા? કેટલો મજબૂત છે! - તો પાયો ક્યાં નખાવું? - આટલી જગ્યા તો છે. - નકશા મુજબ થાંભલો કાઢવો જ ઘટે. - નકશામાં ફેરફાર ન થાય? - એવું તે શું છે એ થાંભલામાં કે તમે એને ચોંટી રહ્યાં છો? એ મારાં સુખદુ:ખનો સાથી છે. એને આસરે બેસી મેં જીવન વિતાવ્યું છે: પણ કાકી કંઈ બોલી નહીં, નિઃશ્વાસ નાખી, ગુપચુપ ત્યાંથી ખસી ગઈ. પાછળની બારીમાંથી થાળી જેવડો ચંદ્ર દેખાય છે. એના દૂધિયા પ્રકાશમાં થાંભલો ચાંદીની જેમ ચમકી રહ્યો છે. કાકીનું મન રુદન કરી ઊઠ્યું: રહેવા દે રે અનિલ, આ એંધાણીને. તારા પૂર્વજોના ઘરનો ભાર કેટ-કેટલાં વરસો સુધી ઝીલ્યો છે આણે. નવી ઈમારતમાં આને પણ સમાવી લે, બેટા. વહુના શરીરમાં પીડાનું મોજું ફરી વળ્યું. - કાકી, એક અસ્પષ્ટ અવાજ. - દરદ ઊપડ્યું છે? ભયભીત આંખો કાકીને જોઈ રહી. કાકી અનિલ પાસે ગઈ: ઊઠો, બેટા. અનિલ ગભરાઈ ગયો. - બધું ઠીક છે. તું ડૉક્ટરને ફોન કર. કપડાં બદલીને ગાડી કાઢ. ગામમાં નવી હોસ્પિટલ બંધાઈ છે. અનુભવી ડૉક્ટર મુંબઈથી આવ્યો છે. એના જ હાથમાં છે કેસ. - ચાલો કાકી. જલદી કરો. - રાખ, રાખ. હમણાં જ કંઈ નથી થઈ જવાનું. પીડા વચ્ચેનો સમય ઘટવા લાગ્યો: હા, હવે ચાલો. જતી વખતે બાલકૃષ્ણ સામે હાથ જોડી કાકીએ પ્રાર્થના કરી, રક્ષા કરજે પ્રભુ. અનિલ સ્તબ્ધ, પત્નીનું દરદ જોઈ રહ્યો છે, વહુ પોતાના શરીરમાંની પીડામાં ખોવાયેલી હતી. હૉસ્પિટલમાં વહુ સૂતી છે. ડૉક્ટર કહે છે, હજુ વાર છે. વહુએ કાકીનો હાથ ઝાલી રાખ્યો છે. એનું ધ્યાન પોતાનામાં સમાયેલું છે. માની ઇચ્છા પ્રબળ થતી જાય છે. આવ, આવ બેટા, હવે તો આવી જા. માતા-શિશુમાં સંવાદ ચાલી રહ્યો છે. અનિલ ભયભીત ઊભો છે. કાકી કહે: કૂખમાંથી કાળજાનો કટકો કાઢવો નાની-સૂની વાત નથી, બેટા. આ તો સહન કર્યે જ છૂટકો. અનિલના કપાળ પર પરસેવો જામી ગયો. એક રાત અને એક દિવસ સુધી માતાના આમંત્રણનો અનાદર થતો રહ્યો. - આટલી આરામની જગ્યા નથી છોડવી ગમતી, મા. - આવ, આવ બેટા! - અહીં શાંતિ છે, ચેન છે, મા. - મારા ખોળામાં આખી દુનિયાનું ચેન સંતાયેલું છે, તું આવીને જો તો ખરો. - અહીં ઉષ્મા છે, સુરક્ષા છે. - મારા હૃદયની ઉષ્મા અહીં પણ છે બેટા. આવ, મારા પાલવ હેઠળ તું સદા સુરક્ષિત રહીશ. - થોડીક વાર થંભો, મા. - મારી આંખો તલસી રહી છે બેટા, હવે ઝાઝી વાર ન કર. - આવું છું, મા. - હું આવું છું. - કાકી, એક હૃદયદ્રાવક ચીસ સાથે વહુએ કાકીની હથેળીમાં નખ ભોંકી દીધા. હાથના પરસેવામાં લોહીનાં ટશિયાં ઊભરાઈ આવ્યાં. - વધામણી માજી, પૌત્ર છે. અને જિંદગીમાં કદાચ પહેલી વાર કાકીના પગમાંની શક્તિ ખૂટી ગઈ. દેસાઈ પરિવારની વંશવેલમાં પૂર્ણ વિકસિત ફૂલ ઝૂલી રહ્યું છે. શિશુને સોડમાં લઈ વહુ શાંતિથી સૂતી છે. નવા પિતાના પગ ધરતી પર રહેતા નથી. - હવે ઘેર ચાલ, બેટા. જતાં અનિલ બોલ્યો: કુદરતનો આ ખેલ કેટલો અનોખો છે, કાકી. કેટલા જીવ આ સંસારમાં આજ સુધી આવ્યા હશે, પણ દર વખતે પ્રકૃતિ કેવા-કેવા વેશ ધરે છે! કાકીનો અચંબો સમાતો નથી. ચોકીદાર દોડતો આવ્યો: માલિક, મુબારક તમને. ચોકીદાર હટતો નથી. - શું છે ભાઈ? કાકી પૂછે છે. - પેલો થાંભલો, સાહેબ… - નીકળી આવ્યો? અધીરતા નથી રહેતી. પ્રસાદ આવી પહોંચ્યો: ભલું થયું સાહેબ, થાંભલો નીકળી આવ્યો. કાકીએ છાતી પર હાથ મૂક્યો. તો, અંતે, તેનાં સુખ-દુ:ખનો સાથી થાંભલો ઢળી પડ્યો! વસુંધરાકાકી પાછળ આવી. જમીન પર પડ્યો થાંભલો નિસ્તેજ દેખાતો હતો. ક્ષણભર તે ત્યાં ઊભી રહી. પછી ફરીને બોલી: ચાલ અનિલ, તું પેંડા લઈ આવ અને બધાને વહેંચી દે, ભાઈ. હું નાહીને કંસાર રાંધી લઉં. વહુ માટે જમવાનું લઈ જવું છે ને! ના, પાછા વળીને એ હવે નહીં જુવે. ભૂતકાળ પાછો નથી આવતો. હવે તો આગળ જવાનું છે. આગળ જીવન છે ને. અને નિશ્ચયપૂર્વક ડગલાં ભરતી વસુંધરાકાકી આગળ વધી ગઈ.

(‘ગદ્યપર્વ’ મે-૨૦૦૬)