વાર્તાકાર હેમાંગિની રાનડે/બિચારી
પાર્ટીને દિવસે જ એનો ફોન આવ્યો. એના અવાજમાં સદા સંભળાતો રણકો ન હતો. મારું હ્રદય દ્રવી ઊઠયું. અરેરે! બિચારી! કેટલી નાની ઉંમરે વિધવા થઈ ગઈ! આ મારી બહેનપણી મારા કરતાં બે-ત્રણ વરસ જ નાની હશે. એના લગનને હજી માંડ દસ વરસ પણ નહીં થયા હોય. ખબરઅંતર પછી મેં પૂછ્યું, “બોલ શુભદા મારી પાસે ક્યારે આવે છે?” “ત્રણ-ચાર દિવસો માટે આવી છું, ભાઈ-ભાભી જોડે. તું કહે, ક્યારે મળીશ? ઉષા, બહેન, તને મળ્યા વગર મારાથી નહીં જવાય હોં!” મારો અવાજ પણ ધ્રૂજી ઊઠ્યો. “મળ્યા વગર શું કામ જઈશ ગાંડી? તને મળવા મારુંય મન તરસે છે!” “હવે હું સાવ એકલી પડી ઉષા…” અને એ રોઈ પડી. મારા ગળામાં કશુંક ભરાઈ આવ્યું. આહ! બિચારી! “આમ હિંમત શું હારી જાય છે? તું ગમે ત્યારે આવને, હું તો ઘેર જ છું.” શુભદા કદાચ આજે જ આવે… મને યાદ આવ્યું, “માફ કરજે શુભા, આજે સાંજે મારે કશે બહાર જવું છે, પણ વાંધો નઈ, તું આવ, હું પાર્ટીમાં નહીં જાઉં.” “ના, ના, તું જા. હું આવતી કાલે આવી જઈશ.” મને એમ થયું કે હું ન જ જઉં પાર્ટીમાં, ‘એમને’ કહીં દઉં કે બાળપણની મારી બહેનપણી આવવાની છે, દરિયા જેવડું દુ:ખ લઈને, હું નહીં આવું તમારી જોડે… પણ એમને ખાસ આમંત્રણ હતું અને સૂચના પણ કે પત્નીને સાથે લેતા આવજો. એમના એ મિત્ર સાથે હજી મારી ઓળખાણ નહોતી થઈ, હું જો નહીં જઉં તો બધાને ખોટું લાગશે. “સારું શુભા, તું કાલે આવ. આજે મારે એક જરૂરી કામે જવાનું છે, એમની સાથે. એમના કોઈ મિત્ર છે. નહીં જાઉ તો એ નારાજ થશે.” મેં જીભ કચરી. આ હું શું બોલી ગઈ? પતિનો ઉલ્લેખ કેમ કર્યો? એને બિચારીને તો હવે… મારી વાત એને આકરી તો લાગી જ હશે. અરેરે… એનો અવાજ ફિક્કો હતો. “બરાબર છે. તારો પ્રોગ્રામ નહીં બગાડતી. તું તારે જા. હું કાલે ફોન કરીશ, બરાબર!” “ભાઈ-ભાભી જોડે જરી ફરી આવજે શુભા. ઘરમાં એકલી ગોંધાઈ ન રહેતી.” “હવે તો એકલા જ જીવવાનું છેને બહેન, પણ જવા દે. તું ચિંતા નહીં કરતી. ભાઈના ઓળખીતા કોઈક છે, તેમને ત્યાં આજે પાર્ટી છે. અમને બધાંને બોલાવ્યાં છે. કદાચ એમને ત્યાં જાઉં કે પછી...” હું રાજી થઈ ગઈ, “જરૂર જજે શુભા. સાંજ આનંદમાં પસાર થશે.” “કંઈ સાંરું નથી લાગતું ઉષા, કંઈ પણ નથી ગમતું. મન પરોવવાનો પ્રયત્ન કરું છું, તો વધારે ત્રાસ થાય છે.” “એવું ન બોલ શુભા. તું તો સમજુ છો. જરૂર જજે સાંજે પાર્ટીમાં, હોં કે.” પછી વાત બદલવા ખાતર પૂછ્યું, “કોણ છે એ લોકો?” “કોઈ મોટા ઉદ્યોગપતિ છે. એક વાર વડોદરા આવેલા ત્યારે અમારે ત્યાં આવ્યા હતા. બહુ સારા માણસો છે. મહારાષ્ટ્રીયન છે. કંઈ ‘કર’ જેવું નામ છે.” “અરે! પાટણકર તો નહીં?” “હા, હા, એ જ. બરાબર. મુંબઈમાં એમની કપડાંની મિલ છેને!” “વાહ! હું પણ ત્યાં જ જવાની છું. એમનાં પત્ની મારા એમની જોડે કૉલેજમાં હતાં. સુમંગલાબહેન...” “હા, એ બહેન પણ આવ્યાં’તાં પાટણકર સાથે વડોદરા, ટુર પર.” “સરસ! ત્યારે આપણે આજે જ મળીશું. ક્યારે પહોંચશો તમે?” “જોઉં, ભાઈ શું કહે છે…” “ના, ના. હવે ભાઈ ગમે તે કહે. તારે આવવાનુ છે. હું રાહ જોઈશ અને હા, જો, કપડાં જરા સારાં પહેરજે હોં બહેન.” “સારાં કપડાં પહેરવાનું મન નથી કરતું ઉષા.” “એ કંઈ નહીં. સરસ ડ્રેસ-અપ થઈને આવજે શુભા. હું રાહ જોઈશ.” અને એ વધારે આનાકાની કરે તે પહેલાં મેં ગુડબાય કરીને ફોન મૂકી દીધો. એ આખો દિવસ મારું મન બહુ ઉદાસ રહ્યું. વિનોદને મેં શુભાની ઘણી બધી વાતો કરી. શુભા અને હું સ્કૂલ-કૉલેજમાં સાથે ભણ્યાં. હું જરીક ગંભીર, પુસ્તકોમાં જે માથું ઘાલીને બેસતી, તે સવારની સાંજ ક્યારે થતી, મને ખબરેય ન પડતી અને શુભા! એનું હાસ્ય ચારે કોર રણકતું. મશ્કરી અને ટુચકા એના હોઠો પર નાચતાં. તે જમાનામાં, જ્યારે છોકરાઓ જોડે વાત કરવી એ પાપથી સહેજ જ ઓછું ગણાતું, તે વખતે શુભાની આજુબાજુ છોકરાઓ ગણગણતા. શુભા બધા સાથે ઉન્મુક્તતાથી હળતી-મળતી. એનું કુટુંબ બ્રોડ-માઈન્ડેડ હતું. પિતા નહોતા. મમ્મીએ બહુ છૂટ આપી હતી. શુભાની આંગળીઓમાં ચોવીસે કલાક કારની ચાવીઓ રમતી. હરવું. ફરવું, ફિલ્મ, પિકનિક! કોઈ વાતની ઊણપ નહોતી. હું સાઈકલ પર બેસવાવાળી, ક્યારેક મને આશ્ચર્ય થતું. શુભાની અને મારી દોસ્તી કેમ કરીને થઈ હશે? માનસશાસ્ત્રીઓનું કથન કે વિપરીત માનસિક વિચારવાળા લોકોને એકબીજા સાથે વધારે ફાવે છે, અમારી બાબતમાં સો ટકા સાચું હતું. શુભા ગોરી, ગુલાબી ગાલોવાળી, હસમુખ, હું શામળી, બે શબ્દો કહેતાં જ પરસેવે રેબ-ઝેબ થઈ જતી, અજાણ્યા લોકો જોડે બોલવામાં ખૂબ સંકોચ થતો. શુભા એક વાર મમ્મી જોડે ઇંગ્લેન્ડ ફરવા ગયેલી. ત્યાંથી લખેલા એના પત્રો કેટલા જીવંત હતા! પાછી આવી ત્યારે કેટલી તો સુંદર દેખાતી હતી જાણે પૂર્ણ વિકસિત ફૂલ, જેની પાંખડીઓ જીવનની ઉષ્માથી થનગનતી રહેતી! મિત્રમંડળી વિચાર કરતી, શુભા કોની ઉપર પોતાની પસંદગી ઉતારશે? એને પ્રેમ કરનારાઓનું લિસ્ટ લંબાતું ગયું અને સારું-નરસું બોલનારાઓની જીભ પણ ખૂલતી ગઈ. હું ત્યારે એમ.એ. માં હતી. શુભાએ તો ગ્રેજ્યુએટ થયા પછી લખવા-વાંચવા-ભણવાને તિલાંજલિ આપી દીધી હતી. મને ક્યારેક એની અદેખાઈ આવતી, ક્યારેક મારી જાત પર આછો ગર્વ થતો. અમે મળતાં, પણ હવે અવસરો ઓછા હતા. એની પાસે સમય નહોતો. —અને પછી, શુભાને પ્રેમ થઈ ગયો. પ્રેમપાત્ર હતો જ્વાલા. બધા ચકિત થયા. સાદો, સરળ જ્વાલા, એને શુભાએ કેમ કરીને પસંદ કર્યો? અને એક દિવસે જ્વાલાના કુટુંબની જાણબહાર બન્ને મુંબઈ નાસી ગયાં. પાછાં ફર્યાં, ત્યારે લગ્ન થઈ ચૂક્યાં હતાં. હવે શુભા પોતાના નવા જીવનમાં મસ્ત હતી. હું મારી નોકરીમાં મશગૂલ. અમે ક્યારેક મળતાં, પણ શુભા – એ જ શુભા હતી. હસતું, ખીલતું ફૂલ, શણગારેલું… અને હવે... આહ! બિચારી! એના પતિના અવસાનના ખબર સાંભળીને હું ડઘાઈ ગઈ હતી. હાસ્ય અને આનંદ જેનાં ચરણ ચૂમતાં, એવી શુભા પર દુ:ખનો આ પહાડ? અને કારણ પણ કેટલું નજીવું! જ્વાલાને એક દિવસે તાવ આવ્યો, ત્યારે તેણે બિછાનામાં જે શરીર લંબાવ્યું, તે ત્રણ દિવસ પછી લોકોએ નીચે ઉતાર્યું. બધા કહે, શુભા ગાંડી થઈ ગઈ છે. ચૂપ, ઉદાસ, અબોલ. વાદળ સમા ઘનેરા કેશ કાપીને એણે જ્વાલા જોડે ચિતામાં અર્પણ કરી દીધા, ઘરેણાં-કપડાં ફગાવી દીધાં. એક વાર જ્યારે એ મુંબઈ આવી હતી, ત્યારે એનું સૂનું કપાળ, સુક્કા વાળ, સ્તબ્ધ આંખો અને કંઈક શોધતી આંગળીઓ… આહ! એનું એ રૂપ કાળજા સોંસરવું ઊતરી ગયું હતું. આખો દિવસ હું એના વિચારોમાં ખોવાયેલી રહી. ચાલો, સારું થયું. આજે શુભા પાર્ટીમાં આવશે. હવે અમે બન્ને નિરાંતે મળીશું. હું તો આમેય સંકોચશીલ છું. અમે બન્ને ખૂણામાં બેસીને જૂની વાતો તાજી કરીશું. હું શુભાને કહીશ, આટલો શોક ન કર ગાંડી. જે થવાનું હતું તે થઈ ગયું. હવે તું તારી જાતને સંભાળ. આ જોગણનો વેશ, આ ઉદાસી તજી દે ઘેલી. જિન્દગી હજી બાકી છે, એની તરફથી આમ મોઢું ફેરવી ન લે. આજે સાંજે અમો બન્ને હઈશું, બાળપણ, યૌવનની સખીઓ. હું એને આગ્રહ કરીને કહીશ કે એ થોડા દિવસો માટે મારી પાસે રહે, એનું મન વેરાશે. બાળકોની વચ્ચે એનું દુ:ખ ભુલાશે. હા, જરૂર કહીશ હું એને… નીકળતી વખતે મેં એમને પૂછ્યું, “સાંભળો! શું કહો છો? હું શુભાને થોડા દિવસો માટે અહીં રાખી લઉં?” હમદર્દીથી મારી તરફ જોઈ, એમણે કહ્યું, “સાહેલી બાબતે તું બહુ જ ઉદાસ થઈ ગઈ છોને? જો એ રહે તો બેલાશક કહેજે.” “રહેશે કેમ નહીં? મારી વાત કેમ કરીને ટાળશે? બહેનપણી છે મારી!” “સહેલીના દુ:ખમાં સહભાગી થવા માટે તેં આ સાદી સાડી પહેરી છેને!” “શણગાર સજવાવાળીએ જ્યારે શણગાર તજી દીધા…” મેં નિઃશ્વાસ નાખીને કહ્યું. “અને હું તો સદા આમ જ તૈયાર થાઉં છું.” ટેક્સીમાંથી ઊતરતાં મેં જોયું કે પાર્ટી પાટણકરના વિશાળ બગીચામાં ગોઠવાઈ હતી. બહાર ગાડીઓની લાંબી કતાર જોઈને મારું મન બેસી ગયું. આટલા બધા લોકો! મારી જીભ પર તાળું લાગી જશે. ભીની હથેળીથી તેમને હાથ ઝાલીને મેં કહ્યું, “સાંભળો! આટલો મોટો સમારંભ! તમે નહોતું કહ્યું કે…” “મોટા માણસો છે. એમની બધી વાતો શાનદાર જ હોયને!” પણ હવે મારું શું થશે? ત્યારે મને શુભા યાદ આવી અને મારા ધ્રૂજતા પગોમાં કંઈક તાકાત આવી. કંઈ વાંધો નહીં. હું શુભા જોડે વાતો કરીશ. એ પણ આ અજાણ્યા લોકોમાં આઉટ ઓફ પ્લેસ ફીલ કરતી હશે ને! બિચારી! ગેટમાં દાખલ થતાંવેંત સુમંગલાબહેને અમને જોયાં. હાથ લંબાવીને સામે આવ્યાં, “અરે વાહ વિનોદ, આવી પહોંચ્યો?” અને પછી મારી તરફ ફરીને કહે, “તારાં પત્નીને? જુઓ, વિનોદે આજ દિવસ સુધી આપણને મળવાય ન દીધાં.” જવાબમાં હું ફિક્કું હસી. મારી સૌથી મોટી કુશંકા આ સ્ત્રીએ ખરી કરી દીધી હતી. સુન્દર, સોફેસ્ટિકેટેડ અને અતિ આધુનિક. જરીક વારમાં જ અમે વિનોદના મિત્રોથી ઘેરાઈ ગયાં. જૂના મિત્રો, જૂની વાતો ને જૂની યાદોને લઈને હાસ્યનાં મોજાં બધાંને તરબોળ કરી ગયાં. બધાંની વચ્ચે ઘેરાયેલી હું જ માત્ર સુક્કી રહી. એ લોકોની સાથે, જડવત્, જરીક પાછળ ઘસડાતી, અંતમાં મેં મારી જાતને એક મોટા ટેબલ પાસે ઊભી રહેલી જોઈ. ટેબલ ભાતભાતની વાનગીઓથી સજાવેલું હતું. કોઈકે મારા હાથમાં પ્લેટ પકડાવી, કોઈકે પ્લેટ ભરી દીધી અને હું આવતાં-જતાં લોકોના ધક્કાથી છલોછલ ભરેલી એ પ્લેટને સંભાળતી, સંકોચાઈને બધાંની જેમ ધરતી પર નજર ચોંટાડી, એક બાજુએ જઈ ઊભી રહી. મારી આસપાસ ઊડતા હાસ્યના ફુવારાઓ, મને અડીને નીકળી જતા, મને પલાળી ન શકતા. વિનોદ મિત્રોની ટોળી વચ્ચે ક્યારેક બગીચાના એક ખૂણામાં, ક્યારેક વૃક્ષોની ગીચ ઝાડીમાં, ક્યારેક અજવાળામાં ચમકતાં છોડવાં પાસે દેખાઈ જતા. એમના, દૂરથી સંભળાતા અવાજના તાંતણા જોડે બંધાઈને હું બહારના જગત સાથે સંબંધ જાળવી રાખવાનો મિથ્યા પ્રયાસ કરતી રહી. અરેરે, શું કામ આવી હું અહીં? મારાથી આ લોકો જોડે બોલાતું નથી. એમના ઉપચાર પૂરતા પૂછાયેલા પ્રશ્નોના મારા પાસે જવાબ નથી. મારે અહીં નહોતું આવવું જોઈતું. પણ મારે શુભાને મળવું છે. જ્યારે મારી આ હાલત છે, તો બિચારી શુભાની શી હાલત હશે? ક્યાંક એકલી બેઠી હશે, મેં એને આગ્રહ કરીને બોલાવી, એટલે એ આવી હશે અને હું છું કે મારી જ હેરાનગતિની જાળમાં સપડાઈ ગઈ છું. મારે શુભાને શોધવી જોઈએ. મેં ભોજનથી ભરેલી પ્લેટ પાછી ટેબલ પર મૂકી અને લોકોના ધસારા વચ્ચેથી રસ્તો બનાવતી, અહીંતહીં નજર ફેરવતી એને શોધવા લાગી. શું શુભા નઈ આવી હોય? પણ એ કેમ કરીને આવે! મેં નાહક એની ઉપર દબાણ નાખ્યું. મારે એવું નહોતું કરવું જોઈતું. આ રંગભર્યા વાતાવરણમાં એનો જીવ ગૂંગળાતો હશે. મારે એને ઘેર બોલાવવી જોઈતી’તી. ત્યાં અમે નિરાંતે બેસીને વાતો કરત. અપરાધભાવનાથી હું બેબાકળી બની ગઈ. બિચારી! નકામી મેં એને આ સજા આપી. અને ત્યાં જ મારી નજર એના ઉપર પડી. એ કોઈ સ્ત્રી સાથે વાતો કરતી હતી. મને રાહત થઈ. ચલો, શુભા આવી તો પહોંચી છે. મને એક આધાર મળી ગયો. હું એની પાસે ગઈ. કેટલી સુંદર દેખાતી હતી શુભા! કાપેલા વાળ સેટ કરાવીને ચેહરાની આજુબાજુ ફેલાવી રાખ્યા હતા. આ હેરસ્ટાઈલ એને ખૂબ શોભતી હતી. નાજુક શરીર પર ફાલસા રંગની ઝીણી સાડી એના ગોરા રંગને ઉઠાવ આપતી હતી. ઉજાસમાં ઝલમલ કરતું સાડી પરનું ઝરીનું બારીક કામ એના શરીરને હજુ વધારે માદક બનાવતું હતું. મારું મન આનંદ અને અભિમાનથી ખીલી ઊઠ્યું. મારી વાત બહેનપણીએ રાખી ખરી? જો એ સાદાં કપડાં પહેરીને આવત, હાથ-કાન અડવા રાખીને આવત, તો? કેટલી સુંદર દેખાય છે શુભા! હું, એને કહીશ, જો! આજે જેમ તેં મારું કહ્યું માન્યું તેમ જ ભવિષ્યમાં પણ માનતી રહેજે. આમ જ સજતી રહેજે. તૈયાર થઈ હોય ત્યારે કેટલી આકર્ષક લાગે છે તું! હું જરીક વધારે નજીક ગઈ. એના જોડે વાત કરવાવાળાઓની સંખ્યા હવે વધી ગઈ હતી. બધાં જોડે હળી-મળી, સ્મિત કરતી, એ વાતોમાં મશગૂલ હતી. “શુભા!” મેં એને બોલાવી. ધીમે-ધીમે થતી વાતોમાં મારો અવાજ મોટો અને આવેશથી ભીંજાયેલો તો નહોતોને? બીજી પળે હું થંભી ગઈ. શુભાએ એક ભમ્મર ચઢાવીને મારી ભણી જોયું. હું શરમથી પાણી-પાણી થઈ ગઈ. આંખના પલકારામાં હાથ લંબાવીને શુભા મારી તરફ વધી. “હેલો ઉષા! કેમ છે?” મારી કમરમાં હાથ નાખી મને બધાની વચ્ચે ઊભી કરી, “ધીસ ઇસ માઇ ચાઇલ્ડહૂડ ફ્રેન્ડ, ઉષા!” કઈંક ગભરામણથી અને કઈંક એની કૃપાપૂર્વક કરેલી આ અદાથી હું ફરી પાછી સંકોચાઈ ગઈ. શુભા વાતો કરતી રહી, હસતી રહી અને હું એના પડછાયામાં ઊભી, હોઠો પર સ્મિત ચોંટાડી, સાંભળતી રહી. કેટલું બધું જાણે છે શુભા! ફિલ્મો વિશે, નાટકો વિશે, ચિત્રકળા, ફોટોગ્રાફી વિશે. કોઈ વિષય નથી છૂટ્યો. આસપાસનો ઘેરાવો ફેલાતો ગયો. મેં એની કોણીને અડકીને કહેવાનો પ્રયત્ન કર્યો કે, આપણે ત્યાં જઈને બેસીએ… ખિજાઈને એણે મારી તરફ જોયું અને કોઈ બીજાની વાત સાંભળવા આંખો ફેરવી લીધી. અને ત્યારે એક મેજબાનની હેસિયતથી સુમંગલાબહેન બગીચાના ખૂણામાં મહેમાનોની દેખરેખ કરતાં અમારી પાસે આવી પહોંચ્યાં. વાતોના તડાકામાં જાણે ભરતી આવી. મારા ઉપરથી, બાજુએથી અવાજો વેરાતા રહ્યા. લડાઈના મેદાનમાં ગોળી ક્યારે મારી તરફ આવી પહોંચશે, એવા પ્રતીક્ષા મિશ્રિત ભય સાથે સૈનિક જેમ ટટ્ટાર થઈ, ગભરાઈને રાહ જુએ છે, તેમ હું પણ વાતોની દિશા ક્યારે મારી તરફ ફરશે એની રાહ જોતી ઊભી રહી. એ રાહમાં આતુરતા હતી, ગભરામણ હતી. પણ બધા હલ્લા ખાલી ગયા. મારી તરફ કોઈ વાત ન પહોંચી. હાસ્યનું એક મોજું ફરી વળ્યું. સુમંગલાબહેને જાણે મને નવેસરથી જોઈ, એક પ્રશ્નભરી નજર શુભા પર નાખી. “અરે, તમે નથી ઓળખતાં મંગળ? સૉરી! મારે પહેલાં ઓળખાણ કરાવવી જોઈતી’તી. આ છે ઉષા! મારી બાળપણની સહેલી. અમે ઘણા દિવસો પછી મળ્યા છીએ.” “નમસ્તે!” સુમંગલાબહેને શિષ્ટાચારવશ હાથ જોડ્યા. પછી સારા યજમાનની જેમ કહ્યું, “અરે! તમે હજી કંઈ લીધું નથી? એમ નહીં ચાલે!” મારો હાથ ઝાલીને એ મને ટેબલ પાસે લઈ ગયાં અને હું હાથમાં પકડાવેલી ભરેલી પ્લેટ સંભાળતી, શુભાને બીજા ખૂણામાં જતી જોઈ રહી.
(‘નવનીત સમર્પણ’ જૂન-૧૯૯૮)