વાર્તાકાર હેમાંગિની રાનડે/બે વાત

બે વાત

આમ તો હું ગુજરાતી ટૂંકી વાર્તાના ઇતિહાસમાં મહત્ત્વના વળાંક માટે જવાબદાર હોય અથવા જે-તે સમયગાળાના મહત્ત્વના વાર્તાકાર હોય એમની વાર્તાઓનાં સંપાદન કરું છું. આવાં કામ કરતી વખતે શીલા રોહેકર અને હેમાંગિની રાનડેની વાર્તાઓ વાંચી. મને લાગ્યું કે હેમાંગિની રાનડેની ‘ગદ્યપર્વ’ અને ‘નવનીત સમર્પણ’માં પ્રગટ થયેલી વાર્તાઓ સારી છે છતાં વાર્તારસિકોનું ધ્યાન એ તરફ નથી ગયું. ગુજરાતી સાહિત્ય પરિષદે 2010માં એમની 16 વાર્તાઓનો સંગ્રહ ‘પારિજાતક’ પ્રકાશિત કર્યો છે છતાં અત્યારના વાર્તાકારોએ પણ હેમાંગિની રાનડેને નથી વાંચ્યાં. દીપક દોશીએ ‘નવનીત સમર્પણ’માં છપાયેલી 8 વાર્તાની યાદી તથા કિશોર વ્યાસે ‘ગદ્યપર્વ’માં છપાયેલી ચાર વાર્તાની સૂચિ મોકલી. હું અહીં કુલ 17 વાર્તાઓ લઈ રહી છું. શક્ય બન્યું ત્યાં સુધી વાર્તા જ્યાં છપાઈ તે સામયિકની વિગત મેં નોંધી છે. એક સારા વાર્તાકારને લોકો ભૂલી ન જાય એટલે જ આ વાર્તાઓ સંપાદિત કરી છે. હેમાંગિની રાનડેએ એક જમાનામાં ધર્મયુગ, સારિકા વગેરેમાં વાર્તાઓ લખી હતી. એ મેળવવાનો મારી પાસે કોઈ રસ્તો નથી. અત્યારે તો જેટલી મળી એટલી મૂકી છે એટલે હું આ પુસ્તકને ‘સમગ્ર વાર્તાઓ’ કહેતી નથી. જો કોઈને અહીં છે તે સિવાયની કોઈ વાર્તા મળે તો મને ચોક્કસ મોકલજો. ગુજરાતી ભાવક સુધી હેમાંગિની રાનડેની સારી વાર્તાઓ પહોંચાડવા માટે તૈયાર થનાર એકત્ર ફાઉન્ડેશનના અતુલ રાવલનો વિશેષ આભાર.

રેંટિયા બારશ, ૨૦૨૫

શરીફા વીજળીવાળા