વાર્તાકાર હેમાંગિની રાનડે/મુલાકાત

મુલાકાત

જ્યારે એમણે કહ્યું કે કામ માટે તેમને હૈદરાબાદ જવું પડશે તો મારુંય મન લલચાયું. હુંયે જાઉં તેમની જોડે ! મેં હૈદરાબાદ જોયું નથી પણ ત્યાંનાં જાણીતાં અને જોવાલાયક સ્થળો વિશે, ત્યાંની સ્વાદિષ્ટ વાનગીઓ વિશે સાંભળ્યું છે ઘણું. ‘હુંયે આવીશ તમારી જોડે’ મેં હઠ કરી. ‘તું? તું ત્યાં શું કરવાની છો?’ ‘જે તમે કરશો તે, એટલે કામ.’ ‘તારું ત્યાં શું કામ છે?’ ભૃકુટિ જરીક ચઢી ગઈ. ‘ત્યાં નહીં હોય, પણ કામ તો છે ને !’ ‘શબ્દોની રમત ના કર. હું એક પ્રૉજેક્ટ ડિસ્કસ કરવા જાઉં છું. તને હરવાફરવા લઈ જવાનો મને વખત નહીં મળે.’ ‘હાસ્તો, તમે મને હંમેશા હરાવો-ફરાવો છો, અને ત્યાં નહીં ફરાવશો તો હું બિચારી નાસીપાસ થઈ જઈશ, કેમ !’ મારાયે સ્વરમાં તીખાશ ઊભરાઈ આવી. ‘ચાલો, શરૂ થઈ ગયું તમારું પુરાણ.’ કપડાં ઉપાડીને તે નહાવા ગયા. લગ્ન પછી જ્યારે એક મોટો સમયગાળો વહી જાય, કામમાં ઠરીઠામ થઈ જવાય, છોકરાંઓ સમજણાં થઈ જાય, ત્યારે પતિ-પત્નીમાં રસની ઓછપ આવી જાય છે. ત્યારે એકબીજાની વાત પર કાન નથી દેવાતા, જો કદાચ કોઈ વાત કાનમાં પેસી જાય, તો પણ મોટે ભાગે તેનો ઊંધો અર્થ લેવાય છે. લગ્ન પછીના આ શુષ્ક પર્વથી હવે હું ટેવાઈ ગઈ છું. બીજું, ન મને કે ન તેમને એટલી નવરાશ છે, કે આવાં મહેણાં-ટોણાં અને કંકાસમાં વખત વેડફવો પરવડે. તેમ છતાંય ક્યારેક મન જરૂર ચાહે કે આ સંબંધમાં થોડોક રસ રહી ગયો હોત તો... પણ જવા દો. આ બધી નકામી વાતો છે, જેને લઈને મન ખરાબ કરવું એ નરી મૂર્ખતા છે. હું મારા કામ ઉપર નીકળી ગઈ. કૉલેજમાં વેકેશન હતું એટલે ખાસ ઉતાવળ નો’તી, તોયે વધતી ઉંમરના બે છોકરાંઓ, પતિ, નોકર વગેરે જે ઘરમાં હોય, તે ઘરને વ્યવસ્થિત રીતે ચલાવવામાં વખત તો જાય જ ને! બીજે દિવસે સવારે નાસ્તાના ટેબર પર ફરી તે વાત નીકળી. ‘ક્યારે જવું છે?’ ટોસ્ટ પર માખણ લગાડી, તેમને આપતાં મેં પૂછ્યું. ‘આવતા મંગળવારે.’ ‘મારી ટિકિટ પણ મંગાવી લેજો.’ ‘મારો બધો ખરચ તેઓ ઉપાડવાના છે.’ ‘વાંધો નહીં, મારો ખરચ હું પોતે કરીશ.’ ‘હું...’ ‘ત્યાં શું કામ છે?’ ‘એક સિરિયલ માટે વાત કરવી છે.’ ‘કોની જોડે?’ કપાળ પર કરચલીની એંધાણી જોઈને મેં વાત ફેરવી. ‘ફિલ્મ ત્યાં જ બનશે?’ હાથમાંનો ટોસ્ટ પ્લેટમાં મૂકી, બન્ને હાથ જોડી કહ્યું, ‘ત્યાં એક મોટા આસામી છે, જેમનું કામ ફિલ્મો બનાવવાનું છે. તેમની કંપની માટે ગુજરાતી ફિલ્મ બનાવવાની વાત ચાલે છે.’ એક-એક શબ્દ છૂટા કરીને, જાણે જોડણી કરતા હોય કે નાના બાળકને ફોસલાવતા હોય તેમ પતિદેવ બોલ્યા. મારું તેમની સાથે જવું કદાચ તેમને ખટકી રહ્યું હતું. ક્ષણભર મેં વિચાર કર્યો કે હું ન જાઉં, પછી મેં પોતાની જાતને ટપારી, દર વખતે આમ જ હું ચિડાઈને વાત મૂકી દઉં છું. મારોયે કંઈ અધિકાર છે કે નહીં? તેની રક્ષા કરતાં મારે શીખવું જોઈએ. ‘હા, સાંભળ્યું છે કે તેમની ટીવી ચેનલો પણ છે?’ ઉછીના ઉત્સાહથી મેં પૂછ્યું. ‘હા, તેમની ગુજરાતી ચૅનલ માટે કોઈ તેલેગુ સ્ક્રિપ્ટનું ગુજરાતી રૂપાંતર કરાવવા માગે છે.’ અવાજે સહેજ મધ્યમ સ્વર પકડ્યો હતો. ‘વાહ ! સરસ ! ઇન્ટેરેસ્ટિંગ !’ ‘તારી લેખિનીની ધ્વજા ન ફડકાવ.’ સહેજ હસીને તે બોલ્યા. હું કૉલેજમાં ભણાવું છું, લખવાનો શોખ છે, લખું છું, છપાઉં પણ છું છતાં પોતાને લેખિકા કહેવડાવવાનું મારામાં સાહસ નથી. હવે હુંયે હસી પડી. ‘કેટલા દિવસ રહીશું?’ ‘બે, વધુમાં વધુ ત્રણ.’ આ મારે માટે અનુકૂળ હતું. કમલ અને કામિનીને બે દિવસો એકલાં રાખવામાં વાંધો નો’તો. આમેય તે બંને પોતાનાં કામોમાં, કૉલેજ, મિત્રો, ફિલ્મોમાં મશગૂલ રહેતાં હોય છે. કામવાળીને કહીશ કે બંને ટંકની રસોઈ સવારે જ કરી જાય. અને નહીંતર તે લોકો પોતે જ કંઈ કરી લેશે. નાકા ઉપરનાં સેન્ડવિચ અને પાઉંભાજીવાળાઓનાં વખાણ કરતાં રહે છે, એટલે ભાવતું’તું ને વૈદે ચીંધ્યું... પ્લેનમાં આમની ખુશમિજાજી જાણી મેં પૂછ્યું, ‘સાંભળ્યું છે કે આ તમારા સાહેબે ત્યાં એક મોટી માયાવી નગરી ઊભી કરી છે.’ ‘હા, ઊસર જમીનને ફક્ત લીલીછમ જ નથી કરી મૂકી, ત્યાં એક આખી ફિલ્મસિટી ઉપજાવી છે.’ ‘એટલે જાણે જંગલમાં મંગલ.’ ‘હા, એવું જ કંઈ.’ ‘તમે એમને મળવાના છો?’ ‘તેમણે બોલાવ્યો છે એટલે મળીશ તો ખરો અને હા, આપણને ત્યાં જ એક સરસ હોટલમાં ઉતારો આપ્યો છે.’ ‘એટલે મને પણ?’ મેં મજાક કરી. ‘હવે બૈરી મારી એક જ તો છે, તો...’ જરીક નરમાશથી તેમણે મારી ગમ જોયું. હું કૃતકૃત્ય થઈ ગઈ. અમે બૈરાંઓ કેટલાં બેવકૂફ છીએ. કેટલી સરળતાથી પીગળી જઈએ છીએ. ક્ષણભર પહેલાંનું મનદુઃખ કોણ જાણે ક્યાં ગાયબ થઈ જાય છે. મને થયું ચાલો, ત્રણ દિવસ સાથે રહીશું, બેય જણ એકલાં હશું, તો વીતેલા વખતની થોડીક ભીનાશ ફરી એક વાર જાગી ઊઠશે.... એય ગનીમત છે... પતિદેવ, ફિલ્મ અને સિરિયલ, ડ્રામા અને નાટકવાળા છે. પોતે દિગ્દર્શન પણ કરે છે, લખે છે, લખાવે છે, ક્યારેક અદાકારી પણ કરે છે. એટલે તેમના કામનો નિશ્ચિત સમય નથી હોતો. ક્યારેક મહિનાઓ સુધી કંઈ ન હોય, ક્યારેક એટલું કામ હોય કે તેમના દર્શન સમુચાં દુર્લભ થઈ જાય. અહીં પણ કોણ જાણે કેટલો સમય ડિસ્કશનમાં જશે પણ હા, થોડો વખત મારા ભાગમાં પણ આવશે જ ને ! એરપૉર્ટથી ફિલ્મસિટી દૂર છે. રસ્તો લાંબો, ધૂળ ભરેલો, કંટાળો ઉપજાવે એવો છે. ફિલ્મસિટી પહોંચ્યાં અને દૃશ્ય જ બદલાઈ ગયું. પહાડોથી ઘેરાયેલો નાનો ટાપુ જાણે ! બન્ને બાજુએ લીલાં, લહેરાતાં વૃક્ષો, રસ્તો સાફ, નિર્જન, ગેઇટ આવ્યો, આલીશાન. મનમાં શાતિ ઊભરાઈ. સારું થયું, હું આવી. બપોરે જમીને પતિ ગયા એમના સાહેબને મળવા. મેં ચોપડી ઉપાડી અને પથારીમાં લાંબી થઈ. સાંજે એ આવ્યા અને કહીને પાછા ગયા કે મિટિંગ હજી ચાલે છે, વખત લાગશે. મારી ઇચ્છા હોય તો હું ફરી આવું. રાતે પણ મારે એકલા જમવું પડશે. એમના પાછા આવવાનો સમય નક્કી નથી. આમના આવા રવૈયાથી ટેવાયેલી હોવા છતાં મન ખાટું થઈ ગયું. ચાલો, અહીં પણ એકલા જ રહેવાનું છે પણ પૂર્વ સૂચના હતી, મેં મનને મનાવી લીધું. ઠીક છે, નવી જગ્યા છે, હરી-ફરીને જોઈ લઉં. ચારે બાજુએ ફેલાયેલી હરિયાળી માણી, મેં લાંબું ચાલવાનો નિર્ણય કર્યો. જગ્યા ખરેખર સુંદર હતી. બગીચાઓ પર ખૂબ મહેનત લીધેલી દેખાતી હતી. જાત-જાતનાં અને ભાત-ભાતનાં ફૂલોના છોડ, રંગબેરંગી પાંદડાઓથી સજાવેલી કિનાર, નકશીકામ કરેલા જુદા-જુદા પ્રકારના ફુવારાઓ. બધું માનવનિર્મિત પણ સુઘડ. અહીં કુદરતનું ખરબચડું સૌન્દર્ય નહીં. ખૂબ યત્ન કરી, વિશેષ ઉપયોગ માટે બનાવેલું ચિત્રલિખિત સૌન્દર્ય, થોડુંક ભડક, રંગો તાજા અને ચમકદાર. દક્ષિણ ભારતની ફિલ્મોમાં જોવા મળે, તેવા. પણ કેટલી અજબ-ગજબ ચીજો ! અહીં ફુવારા છે, ત્યાં કિલ્લો છે. આ મુગલિયા બાગ છે, તે મંદિર છે. આ આખું ગામ ગારાનું બનાવેલું, ત્યાં પૅરિસનાં રસ્તાઓ. આ બાજુએ જાપાની ગાર્ડન, પેલી બાજુએ તરવાનું તળાવ. બધું નવું, બધું રંગીન, બધું જ ઉત્સુક. આવો, રોમાંસ કરો, શૌર્ય દેખાડો, ભક્તિરસમાં ડૂબી જાઓ. રેલગાડીમાં સફર કરો. આ રેલ ક્યારેય પોતાની જગ્યાએથી નહીં હલે, તો શું થયું? ચમકદાર એરપૉર્ટ પરથી તમે ક્યાંય જઈ શકવાના નથી, પણ વાંધો નહીં. આભાસ તો આભાસ, પણ છે ને ! અને આભાસ જ સર્વ છે. આ ફિલ્મોની દુનિયા છે, ફિલ્મોનો કાચો માલ... આ માયાનગરી છે... નિશાત બાગની અસ્સલ નકલ ! હું ત્યાં પાતળા, લાંબા મિનારાઓ અને જાળીની નાજુક મેહરાબો વચ્ચે જઈ બેઠી. બીજી જગ્યાઓની સરખામણીમાં અહીં ઓછા સહેલાણીઓ હતા. સાંજનો અંધકાર હજી વિશેષ ઘેરાયો નો’તો. આવા જ કો’ક બાગમાં ક્યારેક શહઝાદા સલીમે મેહરુનિસ્સાના હાથમાં કબૂતર આપ્યું હશે અને મેહરુનિસ્સાએ તે કબૂતર ઉડાડી મૂક્યું હશે અને પછી મેહરુનિસ્સા નૂરજહાન બની ગઈ હશે. આવું જ એમનું કોઈ મિલનસ્થળ હશે ! આવા મિનારાઓવાળું, જાળીની મેહરાબોવાળું... અથવા શહઝાદા ખુર્રમે અહીં પહેલીવાર અર્જમંદબાનુને નિહાળી હશે આ નાજુક જાળીઓની આરપારથી, અને તે સ્વપ્ન સમી લહેરાતી, ક્યારેક દેખા દેતી, ક્યારેક સંતાતી છાયા પર જીવજાનથી ફિદા થઈ ગયો હશે, અને તેમનો પ્રેમ એક મિસાલ બની ગયો હંમેશ માટે, તાજમહાલ રૂપે... મેં કલ્પના કરી, પોતાના રૂપ પર મુગ્ધ, ગર્વિતા યુવતીની, જે સાહેલીઓ સાથે રમતી, રિસાઈ જતી, હસતી, ખુશ થતી... તેના થનગનતા પગ, રણકતાં નૂપુર... મને હસવું આવ્યું. ફિલ્મોના વાસી સીન હું જાગતી નજરે જોઈ રહી છું. આ જગ્યાએ મારા ઉપર પણ પોતાનો જાદુ તો નથી ચલાવ્યો? એકાએક હું પાછળ ફરી. કો’ક આંખો ક્યારની મારી પીઠમાં ખૂંચતી હતી. અહીં-તહીં જોયું. વળી પાછળ ફરીને જોયું. ના ! કોઈ નથી. હું વિચારે ચડી. વાતાવરણની આટલી અસર થતી હશે ખરી? આમ જુઓ તો હું રોમાન્ટિક નથી. દૃઢ વિચારધારાની સ્વામિની છું. હું આ માહોલ, આ વાતાવરણમાં શું ખરેખર તણાતી જાઉં છું? અથવા હું અહીં આવી છું એક ચંચલ મનઃસ્થિતિમાં, એટલે આ વાતાવરણ મારી ઉપર અસર કરી રહ્યું છે? અથવા, આ સમયની મારી શારીરિક સ્થિતિની આ પ્રેરણા છે? હું જીવનના એવા વળાંક ઉપર ઊભી છું, જ્યારે શરીરમાં કેટલાંયે પરિવર્તન થતાં હોય છે અને મન તે પરિવર્તનનો શિકાર બને છે. વાંચ્યું હતું, કે જે ઇચ્છાઓ અધૂરી રહી જાય, આ ગાળામાં તેની ઊણપ મનમાં ક્યાંક ડસે છે, અને એક ચાહ જાગે છે, તે ખાલીપો ભરી દેવાની કે પછી, એક લેખિકાનો આ કલ્પનાવિસ્તાર છે... હું મારા જીવનમાં ખુશ છું. જે મળ્યું છે, તે ઘણું છે, સંતોષપ્રદ છે... તો તો પછી હું શું કામ એટલી ભાવનાશીલ, એટલી રોમાન્ટિક થઈ ગઈ? પતિ તરફ મારી કંઈ અપેક્ષાઓ છે ખરી, જેમ બધી સ્ત્રીઓની હોય છે, છતાંયે અસંતોષ ક્યાંય નથી... પણ આ સંતોષ શું એક પ્રકારનો પડદો તો નથી, જેની ઓથે હું મારી ઇચ્છાઓને ઢાંકી લઉં છું? કારણકે સંસ્કારોએ શીખવ્યું છે કે લાલસા સારી નહીં. પણ... પણ હું એટલી સંસ્કારપ્રિય પણ નથી. હું નવા યુગની, આધુનિક નારી છું... છું ને ! મારી પીઠમાં ફરી પાછું કંઈક અસ્પષ્ટ ખૂંચવા માંડ્યું. અરે ! કોણ છે? મેં પાછળ ફરીને જોયું. ‘એ’ આવી ગયા એટલામાં? જરીક છેટે કો’ક ઊભું હતું. એક માણસ. ઊભો હતો, કે આ તરફ આવી રહ્યો હતો? થોડા સહેલાણીઓ અહીં-તહીં દેખાતા હતા. હશે એમાંનામાંનો કોઈ ! ‘એ’ નો’તા, બસ ! પણ... પણ તે માણસમાં કંઈક એવું હતું, જે પરિચિત હતું, અજાણ્યું નો’તું. મેં ફરીવાર ધ્યાનપૂર્વક જોયું. હા ! આ માણસને હું ઓળખું છું. અરે ! ભૂતકાળે મને ઢંઢોળી. આની ચાલવાની ઢબ નરેન્દ્ર જેવી નથી? નરેન્દ્ર આવી જ રીતે લાંબાં ડગલાં ભરતો ધીમી ચાલે ચાલતો ! મને હસવું આવ્યું. નરેન્દ્ર ! સ્કૂલ-કૉલેજજીવનનો મારો મિત્ર, સાથી. વીસ-બાવીસ વર્ષોથી કોણ જાણે ક્યાં છે, કંઈ ખબર નથી. ન કોઈ શબ્દ, ન પત્ર, ન મુલાકાત... મેં ફરીવાર તે માણસ ભણી જોયું. હવે તે બાગમાં દાખલ થઈ રહ્યો હતો. હા... નરેન્દ્ર જ છે. છેને? હું જોતી રહી. તે પાસે આવ્યો, ‘કેમ છે?’ તે આમ જ પૂછતો, જ્યારે અમે મળતાં, પછી તે મળવું બીજે દિવસે હોય કે અઠવાડિયા પછી હોય. ‘એકદમ ઠીક’ મેં કહ્યું. પછી અમે હસી પડ્યાં, પહેલાં હસતાં, તેમ જ. ‘મેં તને અહીં બેઠેલી જોઈ. તું વિચારમગ્ન દેખાણી, એટલે મેં તને ટોકી નહીં.’ ‘હા, મને લાગ્યું, મેં પાછા ફરીને જોયું પણ ખરું. પણ ત્યાં કોઈ નો’તું.’ ‘હું એક ચક્કર મારી આવ્યો. એવો તે શો વિચાર કરતી’તી?’ ‘ખાસ કંઈ નહીં. બોલ, તું અહીં ક્યાંથી?’ ‘તારી જેમ. કામ હતું.’ ‘તું પણ ફિલ્મો બનાવે છે?’ હવે તે ખડખડાટ હસી પડ્યો. ‘તારા વરની જેમ? ના, ના. હું બીજું કામ કરું છું.’ ‘એમને તું ઓળખે છે?’ મેં આશ્ચર્યથી પૂછ્યું. તેના સ્મિતમાં એવું કંઈક હતું, કે જાણે, ‘એમને કોણ નથી ઓળખતું.’ મેં વધારે પૂછ્યું નહીં, પણ મને ગમ્યું. ચાલો, મેં એક જાણીતા માણસ જોડે લગ્ન કર્યા છે ! ‘તું શું કરતો રહ્યો? કેટલો કાળ વીતી ગયો, નહીં?’ ‘જીવી રહ્યો હતો. બીજું શું. હા, વીસેક વર્ષ તો થયાં જ હશે. કૉલેજ પછી મળવાનું જ ન થયું.’ ‘હા, કદાચ કૉલેજના ગેધરિંગમાં આપણે છેલ્લે મળેલાં.’ ‘બોલ, લખવાનું કેમ ચાલે છે?’ ‘લખવાનું? તને ખબર છે? મારું લખાણ વાંચતો રહ્યો છે? પણ એટલું તો હજુ છપાયું યે નથી.’ એક સંદિગ્ધ સ્મિત તેના હોઠો પર રમી રહ્યું. ‘સારી ચીજ વાંચવાનો મોહ કંઈ આટલી જલ્દી છૂટે ખરો !’ હું ખુશ થઈ ગઈ. તો, મારું લખાણ ‘સારી ચીજ’ ગણાય છે ! ‘ક્યાં હતો આટલાં વરસ? લગ્ન થયાં? છોકરાં-છૈયાં? પત્ની સાથે આવી છે?’ ‘થોડો સમય દેશમાં, થોડો પરદેશમાં, હા લગ્ન કર્યા. બે દીકરા છે. હવે તો મોટા થયા. મોટો લગ્ન લાયક છે, નાનો હજી ભણે છે. પત્ની સોલિસિટર છે, કામમાં મશગૂલ રહે છે.’ મારા મનમાં કો’ક ખૂણામાં એક આછી ચસક તો નથી ઊઠી? ના... ના... એવું કંઈ જ નો’તું અમારી વચ્ચે. અમે સારાં મિત્રો હતાં. બહુ જ સારાં દોસ્ત. પણ અમે પ્રેમ-બ્રેમ કદી નો’તો કર્યો. ફક્ત... એક વાર... પણ ના. તે કંઈ પ્રેમ જેવું થોડું હતું...? ‘અહીં એકલો આવ્યો છે?’ ‘હા, કામ મારું હતું, ત્યાં પત્નીને શું કામ...’ એણે માથું હલાવ્યું. ‘હુંયે પત્ની છું. હું કેમ આવી ગઈ?’ ‘તારી વાત જુદી છે.’ તારી વાત જુદી છે. આ વાક્ય તે કેટલી વાર બોલતો. જ્યારે હું ગર્વ કરતી, ત્યારે મને ચીડવવા, જ્યારે હું દુઃખી હોઉં, ત્યારે મને ધીરજ આપવા. પછી હું પૂછતી, ‘મારી વાત જુદી કેમ છે?’ તે કહેતો, ‘કારણકે તું મારી મિત્ર છે.’ મેં હાથ લંબાવ્યો. તેણે જોરથી તાળી આપી. પહેલાંની જેમ. પછી તે પાસે બેઠો, અમે વાતો કરવા લાગ્યાં. જાણે કાલ મળ્યાં’તાં, આજે અહીં મળીએ છીએ. વચ્ચેનાં આટલાં વરસો કોણ જાણે ક્યાં અદૃશ્ય થઈ ગયાં ! તો પછી આટલાં વરસો સુધી અમે કેમ ન મળ્યાં? જરા પ્રયત્ન કર્યો હોત, તો મળવું શું અઘરું હતું? અમે ખાસ મિત્રો હતાં. તો પછી? શું તે એક બનાવને લીધે અમે એકબીજાને ભૂલી જવા દીધાં? જાણીજોઈને અપરિચિત બની રહ્યાં? અને તે બનાવ પણ કેવો ! એક સાધારણ વાત ! અમે બન્ને અમારી સાઈકલ પર કૉલેજથી પાછાં આવી રહ્યાં હતાં. બીજા વિદ્યાર્થીઓની જેમ અમે પણ લેજની લાઇબ્રેરીમાં બેસીને પરીક્ષા માટે વાંચતાં. બન્નેનાં ઘરે સંકડાશ, માણસો ભરપૂર અને ઘોંઘાટ કાયમ. મધ્યમ વર્ગનાં નાનાં ઘરો, બાળકોથી ઊભરાતાં. લાઇબ્રેરીમાં શાંતિથી વંચાતું. તે દિવસે વાંચેલા ટોપિક વિશે વાતો કરતાં કરતાં અમે ઘેર જતાં હતાં. અચાનક મારી સાઇકલ નીચે પથરો આવી ગયો, સાઇકલ બગડી અને હું પડી ગઈ. નરેન્દ્ર તરત જ મારી પાસે આવ્યો, મારા પગે સખત વાગ્યું હતું. તેણે મારો ખભો ઝાલી મને ઊભી કરી. તેનું માથું મારા માથાની સાવ નજીક. તેનો ચહેરો મારા ચહેરા પર ઝૂકેલો. મારી નજર ઊઠી. તેની આંખોમાં જોયું. બસ ! એક ક્ષણ પછી તે હસીને બોલ્યો, ‘જોયા વગર ચલાવે છે?’ પછી સાઇકલ ઉપાડી, એનું હૅન્ડલ સ્હેજ વાંકુ થઈ ગયું હતું, તે સરખું કર્યું અને પૂછ્યું : ચલાવી શકીશ? અને સાઇકલ પકડી મને બેસાડી. બસ ! આ નજીવી ઘટના ! પણ તે ખરેખર નજીવી હતી ખરી? તે એક પલકારામાં, જ્યારે અમારી આંખો મળી, ત્યારે શું કશું જ નો’તું થયું? તે એક પળમાં શું વખત થંભી નો’તો ગયો? એ થંભેલી ક્ષણમાં તેની નજરે એ ઇચ્છા શું નો’તી જાહેર કરી, જે તેની આંખોમાં છલોછલ ભરી હતી? પણ અમે બન્નેએ તે પળને નકારી. જાણે તે ઘડી આવી જ નો’તી. તે ક્ષણની પહેલાં, તે ક્ષણ વીતી ગયા પછી જે હતું, તે જ સત્ય હતું. તે ક્ષણ જાણે અમારી વચ્ચે કદી આવી જ નહોતી, પછી એ પળ સાચી હતી કે ખોટી તેનો સવાલ જ ક્યાં હતો? પછી પરીક્ષા આવી, અમે જેમ મળતાં, તેવી જ રીતે મળતાં રહ્યાં. અમારી વચ્ચે દૂરતાનો કે ગોપનીયતાનો કોઈ ભાવ નો’તો. બધું રાબેતા મુજબ ચાલી રહ્યું હતું. અમે મળતાં, હસતાં, વાતો કરતાં, મશ્કરી કરતાં. તે પૂછતો, ‘કેમ છે?’ હું કહેતી, ‘એકદમ ઠીક.’ અમે હસી પડતાં. પછી નોકરી માટે તે ક્યાંય જતો રહ્યો. અમે એકબીજાને ક્યારેય પત્ર ન લખ્યો. તે પછી અમે મળ્યાં જ નહીં. શા માટે? પેલી એક વિરલ પળને નકારવા? કોણ જાણે? સાંજ વધુ ઘેરાતી ગઈ. મેં કહ્યું, ‘અરે ! મોડું થઈ ગયું.’ ‘ચાલવું જોઈએ.’ તે બોલ્યો. છતાંય અમે બેસી રહ્યાં. ત્યાં કોઈ જ નો’તું. સહેલાણી પણ જતા રહેલા. હું ઊઠી, પૂછ્યું, ‘ચાલશું?’ ‘ચાલો.’ ‘ક્યાં ઊતર્યો છે?’ ‘અહીં જ. એક મિત્ર પાસે.’ ‘કેટલા દિવસ રોકાવાનો?’ ‘ના રે. કાલે જવાનો.’ ‘ઠીક ત્યારે.’ મેં કહ્યું. તેણે પણ કહ્યું, ‘ઠીક.’ હું વળી. તે ક્ષણભર ઊભો રહ્યો. થોડી દૂર જઈ, મેં પાછું વળીને જોયું. એટલી વારમાં તે ચાલ્યો ગયો હતો. ‘કેમ રહી તમારી વાટાઘાટ?’ રાતે જ્યારે પતિ આવ્યા, મેં પૂછ્યું. ‘ઠીક હતી. તેઓ આવતે અઠવાડિયે મુંબઈ આવવાના છે, બાકી વાત ત્યાં જ કરીશું. તું સૂઈ જા. કાલે સવારે આપણે જઈએ. રિઝર્વેશન થઈ ગયું છે.’ મારો દિવસ કેમ વીત્યો, તેમણે ન પૂછ્યું. ક્યારેય નથી પૂછતા. અમે પાછાં આવી ગયાં. બે દિવસ પછી માલતીનો ફોન આવ્યો. ‘ક્યાં હતી? કેટલા ફોન કર્યા. કામિનીએ કહ્યું કે તું ક્યાંક ગઈ હતી.’ ‘હા, હૈદરાબાદ.’ ‘કંઈ વિશેષ?’ ‘ના રે ના. અમથા ફરવા. તું કહે, કેમ ચાલે છે?’ ‘અરે, દીકરીના વિવાહ નક્કી થયા છે. તે કહેવા માટે ફોન કરેલો.’ ‘અરે વાહ ! કૉન્ગરેટ્સ. કોણ છે? ક્યાંના છે?’ ‘તારા પિયરના ગામના છે. શ્રી નરેન્દ્ર શાહનો દીકરો. ઓળખે છે?’ ‘વાહ ! ઓળખું કેમ નહીં ! સારી રીતે ઓળખું છું. હજી તે દિવસે...’ ‘બિચારા નરેન્દ્રભાઈ તો નથી. તેમની પત્ની સોલિસિટર છે. એક બીજો દીકરોય છે.’ ‘નરેન્દ્ર નથી? એટલે? ક્યાંય ગયા છે?’ ‘હાસ્તો, ભગવાનને ત્યાં. બે વરસ થયાં તેમના મૃત્યુને. મને લાગે છે હાર્ટ ફેઇલ થયું’તું. હલો, હલો...’ ટેલિફોન પકડી, હું ત્યાં જ જડાઈ ગઈ. મારા શરીરમાં ધ્રુજારી ફેલાઈ રહી. તો... તો પછી... તે...?