વાર્તાકાર હેમાંગિની રાનડે/શરીર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
શરીર

રોગી સ્ત્રીને અડધી રાતે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ઉષા ત્યાં જ હતી. એની મા તે જ વૉર્ડની દરદી હતી. આ અચાનકની ગરબડથી જનરલ વૉર્ડમાં બેચેની ફેલાઈ ગઈ. નર્સો અને ડૉક્ટરની દોડાદોડીથી સમજાઈ ગયું. બીમાર બાઈની હાલત નાજુક છે. એની પથારી ચારે તરફ પડદાઓથી ઢાંકી દેવામાં આવી. થોડી વાર પછી ડૉક્ટર અને નર્સો જરૂરી સૂચના અને ઈંજેક્શન આપીને ગયાં. વૉર્ડ ધીરે ધીરે પૂર્વવત્ શાંત થઈ ગયો. નાઈટલૅમ્પના આછા ઉજાસમાં આંખો ફરી ઘેરાવા લાગી. ઉષાએ જોયું, બીમાર જોડે આવેલી યુવતી, એક તરફનો પડદો સહેજ સરકાવી પલંગ પાસે રાખેલા સ્ટૂલ પર બેઠી છે. યુવતી બિચારી મૂંઝાતી હશે, ધારી ઉષાએ એનું સ્ટૂલ એની પાસે ખસેડ્યું. એણે ઉષા સામું જોયું. ઉષાએ ધીરેથી પૂછ્યું, મધર છે? - ના, સાસુ છે. - ઓહ! શું તકલીફ છે? - રાતે લોહીની ઊલટી થઈ. - બાપ રે! ડૉક્ટર શું કહે છે? - તપાસ કરવી પડશે. બ્લડ પ્રેશર ખૂબ વધી ગયું છે. - શરીર ભારે છે ને, એટલે કદાચ - બાજુની પથારીમાં જરીક અવાજ થયો, ઉષા ઊઠીને મા પાસે જતી રહી. વહેલી સવારે વૉર્ડમાં રાબેતા મુજબ કામકાજ શરૂ થઈ ગયું. સેવિકાઓ અને નર્સોની અવરજવર વધી. થોડી વાર પછી ઉષાએ જોયું બાજુની પથારીના પડદા હજુ ખેંચાયેલા છે, અને પેલી યુવતી અંદર છે. માને ચા પાઈ, ઉષા ભાભીની રાહ જોતી હતી. એને થયું, નવી આવેલી બાઈને બાથરૂમ વગેરે દેખાડવું જોઈએ. પડદો જરીક સરકાવી અંદર નજર કરી, બીમારના નાક પર ઓક્સિજનનું માસ્ક હતું, અને યુવતી સ્ટૂલ પર બેઠી હતી. ઉષાએ ઈશારાથી એને બહાર બોલાવી: ‘બાથરૂમ ત્યાં છે.’ - હા, હું સવારે જ જઈ આવી. - ઓહ! તમને ખબર છે? પહેલાં અહીં આવ્યાં છો? તેણે માથું ધુણાવ્યું. - ડિલિવરી માટે? વૉર્ડમાંનાં બધાં બૈરાં વૃદ્ધ અને બીમાર છે. આ યુવતી ઉષાથી સહેજ મોટી હશે. એની જોડે બોલવા, વાત કરવાનું એને મન થયું. હળવેથી પૂછ્યું, હવે કેમ છે તમારાં સાસુ? - હજુ બેશુદ્ધ છે. - તમે ઘેર જશો? - મિસ્ટર આવી જાય પછી. - વારુ, હું નીકળું. ઉષાએ ભાભીને આવતાં જોયાં. - તમારા મધરને? યુવતીએ શિષ્ટાચારવશ પૂછ્યું. - કિડનીનો પ્રૉબ્લેમ છે. અચ્છા, આવજો. બહાર જતાં જોયું, એક માણસ બાજુની પથારી તરફ આવી રહ્યો છે. કદાચ આ બાઈનો મિસ્ટર હશે. પાતળો, ઠીંગણો, માથાના વાળ અડધાથી વધારે ઊડી ગયેલા. મોઢા પર ગભરાટના પડછાયા. બિચારો. મા છે ને! ઉષાને દયા આવી. વરંડા સુધી પહોંચી, ત્યાં પાછળથી પગરવ સંભળાયો. પેલી યુવતી હતી. ઉષા રોકાઈ: - મિસ્ટર આવી ગયા? - હા. - બૈરાંના વૉર્ડમાં એમને જરી અજુગતું લાગશે. - બહાર વરંડામાં બેસશે. એણે ટૂંકમાં પતાવ્યું. બન્ને રસ્તા પર આવી પહોંચ્યાં. એકબીજા સામે જોઈ સ્મિત કરી, બન્ને જુદી જુદી દિશાઓમાં આગળ વધી ગયાં. ચાલો, વાત કરવાવાળું કો’ક તો મળ્યું. નહીં તો સાંજ પછી, મળવા આવનારાઓનાં ગયા બાદ વૉર્ડમાં સોપો પડી જાય છે. આની સાસુ આઠ-દસ દિવસ જીવી જાય તો સારું. માને ડિસ્ચાર્જ મળતાં એટલા દિવસ લાગશે જ. પછી એણે જાતને ટપારી: જીવી જાય, એટલે સાજી થઈ જાય. પણ આઠ-દસ દિવસ પછી!

*

એક સરકારી ઑફિસની કેન્ટીનમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. નાનાં-મોટાં ટેબલોથી ભરેલો મોટો હૉલ, સ્ત્રી-પુરુષો ઊભરાઈ રહ્યાં છે. જાત-જાતની વાનગીઓની ગંધ વાતાવરણમાં ફેલાઈ રહી છે. ઘોંઘાટનો પાર નથી. ત્યાં, પેલા ખૂણાના ટેબલ પર ચાર સ્ત્રીઓ બેઠી છે. ચાલો, આપણે ત્યાં જઈએ. તમે જોયું? ચારે એક જ ઉંમરની છે. પચ્ચીસથી વધારે અને ત્રીસથી ઓછી, બધાંના ગળામાં મંગળસૂત્ર લટકી રહ્યાં છે. અને શરીર પર ભાત-ભાતની સિંથેટિક સાડીઓ દેખાય છે. સામે, ટેબલ પર ઘેરથી લાવેલા ડબ્બા મૂક્યા છે. થોડીક ચીજો કેન્ટીનની પણ મંગાવી છે. પણ જમવાનું હજુ શરૂ નથી થયું. - બાપ રે! આ માલુ હજી નથી આવી. ઑફિસે આવી છે કે નહીં? - આવી છે. મેં જોઈ’તી ને. કદાચ ટાઇપિંગનો પેજ પૂરો કરતી હશે. - હુંહ! એટલું કામ કરવાની તે શી જરૂર! હવે ક્યાં સુધી એવી રાહ જોવી? ભૂખ લાગી છે. - આવશે હમણાં. એક તો બિચારી મન દઈને કામ કરે છે, ને તમે બધાં- - લે! મન દઈને કામ તો કરવું જ પડેને. ક્યાંક તો ચોંટે એનું મન. પરણી જશે પછી નહીં કરે જોઈ લેજો. - જાતઅનુભવ બોલે છે! હેં? હાસ્યનું મોજું ફરી વળ્યું. - કાલે પાછા જોવા આવવાના છે એને. - હા હોં. કે’તી તી. રામ કરે આ વખતે ઠેકાણે પડી જાય. ચાર વાર ફેલ થઈ ચૂકી છે બિચારી. - ફેલ થઈ છે, કે એણે ફેલ કર્યા છે? એકે નિઃશ્વાસ નાંખ્યો, એ બિચારી શું ખાઈને ફેલ કરવાની હતી! પરણી જાય, એટલે છૂટે બાપડી. એ મૂઆં ભાઈ-ભાભી લોહી પી જાય છે એનું. - હાસ્તો. મફતની નોકરડી મળી છેને. એ લોકો શું કામ એને ઠેકાણે પાડવાની તસ્દી લે! - ના હોં, ઉતાવળ એમનેય છે. એ તો આના ટળવાની રાહ જ જોઈ રહ્યાં છે. - ખરી વાત. એક રૂમમાં રહેવાનું. પાછી જુવાન બહેન સામે ને સામે. અડચણ તો પડે ને! - નીતા, આ વખતનો કેન્ડિડેટ કોણ છે? - બેંકમાં ક્લાર્ક છે. ઉંમર જરી વધારે છે. પણ શું થાય! - માલુ પણ ચોવીસ-પચ્ચીસની ખરીને! - લે, આ આવી માલુ. બધાંની નજર એની ગમ ફરી. પાતળી કાઠી, નાના વાંકડિયા કચકચાવીને બાંધેલા વાળ, મોઢા પર પરસેવો, જાત બચાવતી, સંકોચાતી, ભીડમાંથી રસ્તો કાઢતી યુવતી આ તરફ આવે છે. પાસે આવ્યા પછી દેખાય છે એની મોટી, પણ નિસ્તેજ આંખો, અને ટાઇપિંગ કરીને થાકેલી પાતળી, લાંબી આંગળીઓ. માલુ નોકરી કરતી મુંબઈની સાધારણ છોકરીઓમાંની એક, હમણાં સહેજ ઉદાસ. ધપ્ કરતી’ક ખાલી ખુરશી પર બેસી ગઈ, હાથમાંનો ડબ્બો ટેબલ પર મૂક્યો અને રૂમાલ કાઢી મોં લૂછવા લાગી. બધાંએ પોતપોતાના ડબ્બામાંથી વાનગીઓ વહેંચવાનું શરૂ કર્યું. - કેમ મોડું થયું? સાહેબે રોકી લીધી હતી? - એમ કે? બીજીએ આંખો નચાવી. માલુએ તુચ્છતાથી કહ્યું, છટ્… - છટ્ એટલે શું, હેં? જાતને આટલી બચાવીને ન રાખી હોત ને, અત્યાર સુધીમાં તો કો’ક જરૂર ફસાઈ ગયું હોત આ તારી વાંકડી લટોમાં. - અત્યાર સુધી નથી ફસાયું, પણ કાલે ફસાઈ જશે, એમ? નીતા એ ખોળામાં રાખેલું પૅકેટ માલુને આપ્યું: આ મારી સિલ્કની સાડી. કાલે પહેરજે. માલુએ પીળી સાડી તરફ જોયું, બોલવા મોઢું ખોલ્યું, પણ કંઈ જ ન બોલતાં પૅકેટ લઈ લીધું. બધાં જમવા લાગ્યાં. - અરે સાંભળ તો ખરી, એક સાહેલીએ મશ્કરી કરી, એ તને પૂછે, કે તમારો ફેવરીટ હીરો કોણ, ત્યારે એને જોઈને જ નામ લેજે હોં. ક્યાંક એવું ન થાય, એ હોય ઠીંગણો, ને તું અભિષેક કહી દે. - હા હોં. એ હોય સુકલડી, ને તું સલમાન કહી દે. બધાં હસી પડ્યાં. માલુના મોઢા પર પણ સ્મિત રેલાયું. એક શરમાળ હાસ્ય. તમારું ધ્યાન ગયું, જ્યારે માલુ હસે છે, એના ચહેરા પર રોનક ફેલાઈ જાય છે? જોયું ને તમે?

*

સાંજે ઉષા હૉસ્પિટલ પહોંચી, વરંડામાં યુવતીના પતિ બેંચ પર ઊંઘી રહ્યા છે. અંદર વૉડમાં બીમાર બાઈના પલંગની આજુબાજુ હજીએ પડદા ખેંચાયેલા છે. ભાભીએ કહ્યું, એવી ને એવી જ છે બિચારી. તપાસણી તો ઘણીયે થઈ, પણ હજી ભાનમાં નથી આવી. - ડૉક્ટરે શું કહ્યું? - અડતાલીસ કલાક સુધી કંઈ કહેવાય નહીં. ભાભીને મૂકવા દાદર સુધી ગઈ, બાજુવાળીના પતિ ગૅલેરીમાંથી વાંકા વળીને કદાચ પત્નીની રાહ જોઈ રહ્યા હતા. ઉષા આવીને મા પાસે બેસી ગઈ. સાથે લાવેલી પત્રિકા ખોલી. રાતના ઝાંખા ઉજાસમાં વંચાય એવું હતુંય ક્યાં? માએ પાણી માગ્યું. બાટલી લઈ ઉષા બહાર નીકળી તો પતિ-પત્ની વરંડામાં વાતો કરી રહ્યાં હતાં. પાણી પાઈને ઉષા વળી. યુવતી એવી જ રીતે પડદા સરકાવી, સ્ટૂલ પર બેઠી હતી. ઉષાએ પત્રિકા લંબાવી: જુઓને! ટાઈમ પાસ. એણે સ્મિત કર્યું, પણ ધ્યાન નહોતું. ઉષાએ પત્રિકા સ્ટૂલ પર મૂકી: તમારા મિસ્ટર ગયા? - હં. - બાપડા બોર થઈ જતા હશે દિવસભર. યુવતીએ હોઠ તાણ્યા: શું થાય? - તમે ક્યાં કામ કરો છો? એણે ઑફિસનું નામ બતાવ્યું. એ વધુ બોલવા નહોતી માંગતી. ઉષાએ ફરી પત્રિકા ઉપાડી. સાંજ ઘેરાઈ આવી. રાતપાળીની નર્સો પોતપોતાના કામ પર લાગી. રાઉન્ડ શરૂ થયા. નર્સ ડિસોઝાએ માનું કાંડું પકડી પૂછ્યું: કેમ છો? ગુજરાતીના બે શબ્દો શીખી લીધા છે. ડિસોઝા મિલનસાર છે. બધાં જોડે હસીને વાતો કરે છે. એને જોઈ બીમારોનાં મોઢાં પર અનાયાસ હળવાશ ફેલાઈ જાય છે. માએ કહ્યું: હવે ઠીક છે. ઘેર જવા દો જલદી. - જાએંગા, જાએંગા, ઘર બી જાએંગા, એણે માની પીઠ થાબડી. પછી પાસેવાળી પથારીના પડદા સરકાવી, અંદર નજર કરી. - માલતી! તુમ ફિર ઈદરકુ આ ગયા? મના કિયા થા ન ડૉક્ટર? સામેથી અવાજ આવ્યો: હું નહીં નર્સ, સાસુ. - ઓહ! વૉટ ઈઝ રૉંગ? ઉષાના ઠાલા કાન ત્યાં જ લાગ્યા હતા. એમ! તો નામ છે માલતી. નર્સ એને ઓળખે છે. કો’ક વાત માટે ડૉક્ટરે મનાઈ કરી છે. શું હશે? કદાચ બાળકો વધારે થયાં હોય. એનું મન વિચારોના વમળમાં અટવાઈ ગયું. થોડી વાર પછી નર્સ એનાં કામે નીકળી ગઈ. માલતી પાછી સ્ટૂલ પર બેસી ગઈ. શું કહ્યું નર્સે? - રાતે સ્પેશાલિસ્ટ આવશે, ત્યારે ખબર પડશે. નીરસ જવાબ મળ્યો. ઉષાએ વાત પડતી મૂકી. નર્સના રાઉન્ડ પછી બીમારોનો ખાવાનો સમય છે. ઉષા માને ખવરાવવામાં વ્યસ્ત થઈ ગઈ. માલતીએ પત્રિકા ઉપાડી, ઉષાને રાહત થઈ. જમવાનું પત્યું, હવે ડૉક્ટરોના રાઉન્ડ શરૂ થયા. ચાર-પાંચ ડૉક્ટરો, નર્સો, સેવિકાઓ એક પૂરી બટાલિયન. ઉષાની માથી પરવારી, રસાલો બાજુની પથારી પાસે પહોંચ્યો. સેવિકાએ પડદા સરકાવ્યા. બીમાર પડી હતી. મોઢા પર ઑક્સિજન. બધાં અંદર ગયાં. પડદા પાછા સરકાવી દેવામાં આવ્યા, પણ આ વખતે વર્તુળ સહેજ મોટું હતું. ડૉક્ટરોના ગયા પછીનો સમય સગાં-વહાલાંઓનો જમવાનો. ઉષા ઘેરથી ડબ્બો લઈને આવી છે. એણે નિર્ધાર કર્યો, આજે માલતી જોડે જમીશ. પડદા સહેજ સરકાવી તેણે અંદર નજર કરી. માલતી પથારી પાસે ઊભી, સાસુને એકધારી જોઈ રહી હતી. મોઢા પરનો કંટાળાનો ભાવ વધારે તીવ્ર હતો. અવાજથી ચમકી એણે જોયું: જમવું નથી? - જમવું? - કદાચ એ કંઈ લાવી નહીં હોય. આવો, આપણે સાથે ખાઈએ. હું ઘેરથી ડબ્બો લાવી છું. માલતી સ્વસ્થ થઈ. અહીં નજીકમાં હોટલ તો હશે ને! હૉસ્પિટલ બહાર નીકળતાં જ બન્નેનાં મોઢાંમાંથી આપમેળે લાંબો શ્વાસ નીકળી ગયો. જાણે તાજી હવાના અભાવમાં ફેફસાં અકડાઈ ગયાં હતાં. જમવાનું મંગાવ્યું. વાતો કરતાં બન્ને ખાવા લાગી. નક્કી થયું, જ્યાં સુધી અહીં છીએ, રાતે ભેગાં જમીશું.

*

ચાલો, જઈએ હવે મુંબઈની એક ચાલમાં. ગીચ વસ્તી. નાની, સાંકડી શેરી. એમાંની એકમાં આપણે દાખલ થઈએ. ખડબચડો, ખોદાયેલો રસ્તો. આ જુઓ, બન્ને બાજુએ નાની નાની દુકાનો છે ને એની વચમાં સંતાયેલો આ રહ્યો દાદરો. જરીક સંભાળજો. પગથિયાં ત્રણ-ચાર જગ્યાએથી તૂટેલાં છે. હાં. આ લ્યો, આ આવ્યો પહેલો માળો. હવે એક સાંકડી પરસાળ, સામે સાર્વજનિક નળ. કપડાં-વાસણ ધોવાની જગ્યા. સવારનો વખત છે, એટલે ગરબડ જરા વધારે છે. કામ ઉપર જવાની ઉતાવળ તો બધાંને હોય જ ને! સહેજ થોભજો. સામે જુઓ, સાર્વજનિક નળ ઉપરથી કો’ક આવી રહ્યું છે. નાહીને વાળ હજુ ભીના છે, સાડી અસ્તવ્યસ્ત, હાથમાં ધોયેલાં લૂગડાં છે. એક ઓરડી સામે આવીને રોકાય છે. ઓરડીનો દરવાજો બંધ છે. બાજુમાં લાકડાંની ખુરશી છે. ભીનાં લૂગડાં અને ટુવાલ ખુરશી પર મૂકી, સાડી સરખી કરી, ખુરશી પર રાખેલી પર્સમાંથી કાંસકો કાઢી વાંકડિયા વાળ, જે પાછળ પ્રભામંડળની જેમ ફેલાઈ ગયા હતા, તે ઓળવા લાગે છે. ઓળખાણ પડી? માલુ જ છે. પણ હવે એના ગળામાં મંગળસૂત્ર ઝૂલી રહ્યું છે. એને પણ સૌભાગ્યવતીનું પદ પ્રાપ્ત થઈ ગયું છે. વાળ કચકચાવીને બાંધી, એણે ટુવાલ ખુરશીની પીઠ પર નાખ્યો, ભીનાં કપડાં ઉપર દાંડી પર ફેલાવ્યાં. પછી ખુરશી પર બેસી ગઈ. ચાલીમાંનાં બૈરાં કામકાજ નિમિત્તે આજુબાજુએથી આવે-જાય છે. એની તરફ કોઈનું ધ્યાન નથી જતું. જાણે માલુ ખુરશીનો એક ભાગ છે. માલુ પણ ચૂપ બેઠી છે. ફક્ત એનો એક પગ જમીન પર ઊઠે-પડે છે, મનમાં કો’ક ઢંગધડા વિનાના તાલ પર. થોડી વાર પછી દરવાજો ઊઘડે છે. એક પુરુષ બહાર નીકળે છે. પાતળો, ઠીંગણો, જેના માથાના વાળ અડધાથી વધારે ઊડી ગયા છે. એ હાથમાંના ડબ્બાને પ્લાસ્ટિકના બ્રીફકેસમાં ખોસે છે. માલુની ખરશી નીચેથી ચપ્પલ કાઢી પહેરે છે. માલુ તરફ જોયા વગર ચાલ્યો જાય છે. માલુ પણ નથી એની જોડે બોલતી, કે નથી સામું જોતી. અંદર ઓરડામાંથી અવાજ આવે છે: ડબ્બો: અને જાડો, માંસલ હાથ, જેનાં કાંડામાં સોનાની બંગડીઓ ફસાઈ રહી છે, ડબ્બો આપે છે. માલુ ઊઠીને ડબ્બો લે છે, પર્સ ઉપાડે છે અને ચપ્પલ પગમાં નાંખતી, દાદરો ઊતરે છે. આ બધી ક્રિયા યંત્રવત્ થઈ રહી છે, જાણે માલુ નહીં, કો’ક ઢીંગલી ચાવી આપ્યા બાદ આ વ્યવહાર કરી રહી છે. એ દાદરો ઊતરી, સાંકડી ગલીમાંથી બહાર નીકળે છે. વસ્તી વટાવે છે. હવે જરીક ચપળતાથી પગ ચલાવતી સ્ટેશન તરફ વધે છે. ઢીંગલીનું ખોવાયેલું મન કદાચ ધીરે-ધીરે ઠેકાણે આવી રહ્યું છે. એની પછવાડે આ આખુંય દૃશ્ય હળવે-હળવે અંધકારમાં વિલીન થઈ જાય છે.

*

સાંજે જ્યારે ઉષા આવી, નર્સ ડિસોઝા સામે દેખાઈ. - હેલો નર્સ, ઑફ ડ્યૂટી? - યેસ. બધી નર્સોએ આમ જ હસીને જવાબ આપવો ઘટે. - મારાં મધર ઠીક છે ને? - બિલકુલ, તુમેરા ભાભી અચ્છા લુક આફટર કરતા. - એમ! અને હું? - આફટર ઓલ, તુમેરા મધર. - માલતીની સાસુ? એમને કેમ છે? નર્સે ખભા હલાવ્યા: વૈસાય હૈ. નોટ વેરી ગુડ. ઉષા જાતને રોકી ન શકી. માલતીને ઓળખો છો? પહેલા આવી છે? ડિલવરી માટે? - નો, ફૉર એમ ટી.પી. દો વખત. ડૉક્ટર મના કિયા. વાપસ નઈ કરનેકા. ડિસોઝાએ વિદાયમાં હાથ હલાવ્યો. ઔર સબ છુપા કે કિયા. ઘર મેં કિસી કુ બી માલૂમ નઈ કિ ઈસને દો બાર બચ્ચા ગિરા દિયા. આજકલ કા લડકી લોક - નર્સ ચાલી ગઈ. એમ ટી પી? મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગનન્સી? શરીરમાં વધી રહેલા જીવનો નાશ? ઉષાનું કુંવારું હૃદય કંપી ઊઠ્યું. કદાચ, કદાચ માલતીને કોઈ અસાધ્ય રોગ તો નહીં હોય? પણ એવું હોત, તો નર્સે કહ્યું જ હોત. નર્સના અવાજમાં ટીકા હતી, અફસોસ નહીં. મિસ્ટર વૈદ્ય ઉપર વરંડામાં ફરી રહ્યા હતા. સવારે મેડિકલ ચાર્ટ પરનું નામ ઉષાએ વાંચ્યું હતું: નમસ્તે, હવે કેમ છે માજીને? એણે ચમકીને ઉષા ભણી જોયું: એમ જ છે, ધીમેથી કહ્યું. ઉષા વૉર્ડમાં આવી. ભાભી ગયાં. વૈદ્ય અધીરતાપૂર્વક પત્નીની રાહ જોતા ઊભા હતા. થોડીવારમાં માલતી આવી. હાથમાં ગજરાંનું પડીકું: લ્યો. - ઓહ! થૅંક્યૂ, માલતીના વાંકડિયા વાળમાં પણ ગજરો બાંધેલો હતો : નાખોને! હૉસ્પિટલની વાસમાં જરી સુગંધ, તેણે ઉમેર્યું. ઉષાએ ગજરો બાંધી લીધો. મોગરાનાં ફૂલોની મહેકથી આસપાસ સુગંધિત વર્તુળ બની ગયું. રાતે બન્નેએ સાથે ખાધું. ફિલ્મો, ફિલ્મોની વાર્તાઓની વાતો કરી. ઍક્ટરોના કિસ્સા એકબીજાને સંભળાવ્યા. - પિક્ચર જોવાનો શોખ છે? માલતી ચૂપ રહી. પછી: જોઉં છું ઓછી, બેનપણીઓથી સાંભળું છું વધારે. બન્ને વચ્ચે એકતાર બંધાઈ રહ્યો હતો. સવારની ચા લઈ નીચેની હોટલવાળો છોકરો ઊભો હતો. ઉષાએ બાજુમાં નજર કરી, પડદા ખેંચાયેલા હતા. એણે માલતીને સાદ કર્યો. એ આવી. આંખો લાલ હતી: હૉસ્પિટલમાં સૂવાનું ક્યાં મળે? ચા પી લ્યો. ઊંઘ ઊડી જશે. માલતીએ કપ લીધો. અચાનક એણે કપ નીચે મૂક્યો. એને ઊબકા આવતા હતા. ઉષાએ એની પીઠ પર હાથ મૂક્યો. માલતી ઊબકાથી વાંકી વળી ગઈ. ઉષાને કંઈ સમજાયું નહીં. માલતી મોઢા પર હાથ દઈ બાથરૂમ તરફ દોડી ગઈ. ચમકીને ઉષાએ મા ગમ જોયું. ચામાં તો કંઈ નહોતું? માએ કહ્યું: ચા પી લે. એમાં કશીય ખરાબી નથી એને… અને મા પેટ પર હાથ મૂકીને હસી. ઓહ! ઉષા બેસી પડી, એટલે… એટલે... આ વખતે પણ માલતી - પણ ડૉક્ટરે તાકીદ આપી છે ને, કે હવે એવું નહીં કરી શકાય? મોઢું લૂછતી માલતી આવી. માએ પૂછયું: કેટલામો મહિનો છે? જરીક સ્તબ્ધ રહી માલતીએ જવાબ આપ્યો: ત્રીજો. - ભગવાન દીકરો આપે. માલતીના ચહેરા પર ફિક્કું સ્મિત દેખાયું. એણે પડદા ભણી જોયું અને થંભી ગઈ. - બીજી ચા મંગાવું? માથું ધુણાવી એ પડદા પાછળ ચાલી ગઈ. સવારનો સમય એમેય ઉતાવળનો હોય છે. માલતી કોણ જાણે ક્યારે નીકળી ગઈ! ભાભી આવ્યાં, ત્યારે ઉષાએ જોયું, વૈદ્ય બહાર વરંડામાં ફરી રહ્યા છે.

*

ચર્ચગેઇટનું રેલવે પ્લૅટફૉર્મ. જરી સંભાળીને હં! ગરદી વધારે છે. તમે વિચાર કરો છો, આટલી ભીડમાં કોઈનેય કેવી રીતે શોધાય, ખરું ને? પણ જરા થોભો. જુઓ ત્યાં પેલી બાજુ ઘણાં બૈરાં ઊભાં છે ને, ત્યાં છે એ બે જણીઓ. એક, જે થાકેલી, કંટાળેલી, પરસેવાથી રેબઝેબ, એ જ તો છે આપણી માલુ, જેની જોડે માલુ વાતો કરે છે, તે નીતા, એની બેનપણી. ઓળખી? નીતાને આપણે પહેલાં મળી ચૂક્યાં છીએ. આવો, આપણે એમની નજીક જઈ ઊભા રહીએ. આટલી ગરદીમાં ક્યાં ખબર પડવાની, પાસે કોણ ઊભું છે? આવો, સાંભળો, નીતા કહે છે: ત્યારે જ મને લાગતું’તું કે કોઈ વાત છે જરૂર. પણ તેં કદી કશું કહ્યું જ નહીં. - શું કહેત? મારી લજ્જાની દાસ્તાન? મારે જ મોઢે? માલુનો સાદ ગળગળો છે. નીતાએ માલુના ખભા પર હાથ મૂક્યો: તારી લજ્જા? તારી શા માટે? તેં શું કર્યું છે? શરમ તો એ લોકોને આવવી જોઈએ. માલુએ માથું ધુણાવ્યું. જાણે જે વીતી છે, તે સ્મૃતિમાંથી ભૂંસાઈ જાય. - ચાલ, ચા પીએ. અહીં આ ભીડમાં તો બાપ રે! નીતાએ કહ્યું. એણે માલુનો હાથ ઝાલ્યો. બન્ને મેદનીમાંથી બચતી-બચાવતી, કોણીથી બીજાઓને ખસેડતી બહાર નીકળી છે. ચાલો, આપણે પણ એમની બનાવેલી કેડી પર ચાલીને એમની પછવાડે નીકળી જઈએ. સ્ટેશન પાસેના એક રેસ્ટોરન્ટમાં બન્ને દાખલ થઈ રહી છે. ચાલો, પગ ઉપાડો, નહીં તો અંતર વધી જશે, અને બીજા લોકો વચમાં ધસી આવશે. તમે વિચારતા હશો, જેનાં તાજેતરમાં લગ્ન થયાં છે, એવી માલુને શી કઠણાઈ હશે? હા હોં, નવોઢા છે માલુ. તમે જોયું નહીં? એનાય ગળામાં મંગળસૂત્ર છે, જેની બન્ને સોનાની વાટકીઓ ઊંધી છે. લગ્નને વરસ પૂરું થશે ત્યારે એ વાટકીઓ સીધી કરી દેવાશે. લ્યો. એ લાકોએ મુશ્કેલીથી એક ખૂણો શોધી કાઢ્યો છે. હમણાં જ ખાલી થયેલા ટેબલ પર બેસી એમણે ચાનો ઑર્ડર સુધ્ધાં આપી દીધો છે. નીતા માલુને ધારી ધારીને જુએ છે: હવે બોલ, શું થયું છે? - લગ્ન પહેલાં કંઈ જણાયું નહીં. ભાઈ-ભાભીએ છુટકારાનો શ્વાસ લીધો, અને હું સાસરે આવી ગઈ અને પહેલી જ રાતે - નીતા શ્વાસ રૂંધીને સાંભળતી હતી: હં! શું થયું રાતે? એટલામાં બેયર ચા લઈને આવ્યો. માલુ ચૂપ રહી. બેયરના ગયા પછી એણે કહ્યું: નીતા, એ લોકોને ફક્ત એક શરીર જોઈતું’તું. બસ! એક શરીર, જે એના લાડકોડના દીકરાને - માલુનો અવાજ બેસી ગયો. એના દીકરાને… - એ? એ એટલે કોણ? - મારાં પૂજ્ય સાસુમા. કડવાશથી ભરેલા શબ્દ. - પણ થયું શું? - તે રાતે સાસુમાએ કહ્યું - સાસુમાએ કહેલી વાત આવોને એમના જ મોઢે સાંભળીએ: અહીં આવો. એ જ ગલી, એ જ સાંકડો, અંધારો દાદર. હવે આપણે અંદર જઈએ. એટલે કે રૂમની અંદર. રંગ વિનાની મેલી દીવાલો, માંડલી પર મૂકેલાં પીત્તળનાં વાસણોની ચમકથી વધુ મેલી અને ગંદી દેખાય છે. સંકોચાયેલી, શરમાતી માલુ પાટલા પર બેઠી છે. ચોકામાં સાસુ હાથમાં કડછી લઈ શાક હલાવી રહ્યાં છે, પોતાની વાતને વધારે અસરદાર બનાવવા, વહુના મોઢા સામે કડછી હલાવવાનુંયે ભૂલતાં નથી. કહે છે: સાંભળી લે. આ ઘરમાં અમે બે જ જણ છીએ. હું ને મારો દીકરો. અને અમે બે જ રહેવાનાં. સમજણ પડી? કોઈ ત્રીજાએ અમારા જીવનમાં માથું મારવાની જરાય જરૂર નથી. એટલે તું તારી હદમાં રહેજે. સાંભળે છે ને? રસોઈ હું જ કરીશ. તારે રસોડામાં આવવાનું નથી. સાડીના વેશમાં માલુ વધારે સંકોચાઈ ગઈ. - તને લાવ્યાં છીએ, ઉદયના શરીરધર્મ માટે, અને એક દીકરા માટે, એટલે ઝટ જણી નાખ. મારે તારી સેવા નથી જોઈતી. અને હાં, સાંભળ, નખરાં દેખાડી મારા છોકરાને ફોસલાવવાની કોશિશ કરતી નહીં. તારા હાથમાં કંઈ નહીં આવે. અહીં કડછી વહુના મોઢા સામે હલાવીને વાત સાફ કરી દીધી. માલુનો ચહેરો બે ગોઠણ વચ્ચે સંતાઈ ગયો. હવે ચાલો, પાછા રેસ્ટોરન્ટમાં, જ્યાં માલુ એની શરમ ઉઘાડી, માથું લટકાવી બેઠી છે: માલુ, બેન, નીતાએ હમદર્દીથી કહ્યું. - માલુ નહીં, નીતા, એક શરીર. એ, એ લોકોએ મને એક શરીર બનાવી દીધી. જાણે છે નીતા હું ક્યાં રહું છું? એક ખુરશી પર. તને નવાઈ લાગે છે? પણ સાચી વાત છે. હું ખુરશી ઉપર રહું છું. જે ચાલીમાં મૂકેલી છે, ઘર બહાર, જ્યાં આખી ચાલ મારી આ દશા જોઈ મારી હાંસી ઉડાવી શકે એ રીતે - નીતા સાહેલી ભણી જોઈ રહી. - હા. સવારે ઊઠી હું ખુરશી પર બેસું છું. બહારના નળ પર નાહી લઉં છું. પછી ઑફિસે આવું છું. સાંજે, જ્યાં સુધી બધું કામ પતી ન જાય, ત્યાં સુધી ત્યાં જ બેસી રહું છું. બન્ને જણાં જમી લ્યે, પછી મને બોલાવી જમવાનું આપે. પછી નીતા સામે જોઈને: ખવરાવે છે હોં, ભૂખી નથી રાખતાં. કેમકે મારે દીકરાની સેવામાં રજૂ થવાનું હોય છે ને! - બાપ રે! આવું ક્યાં સુધી ચાલશે? - શું કરું? તું જ કહે. પિયર જઈ નથી શકતી. ભાભી મને ઘરમાં ટકવા નહીં દે. એકલી રહી નથી શકતી. ક્યાં રહું? મારું આયખું હવે ખુરશી પર જ વીતી જશે. તારી નોકરીને લઈને તો - ધૂંધવાયેલી આંખોથી માલુએ નીતા સામું જોયું : નોકરીને લઈને શા માટે વાંધો હોય? ઠનઠન રૂપિયા ગણી લેવાય છે ને પહેલી તારીખે, વેશ્યા આ જ કરે છે ને, જે હું કરું છું? પણ એને બદલામાં પૈસા મળે છે, જ્યારે મારી પાસેથી એ પણ ઝૂંટવી લેવાય છે. - તારો વર કંઈ બોલતો નથી? અતિશય તુચ્છતાથી માલુ બોલી: એનો જ દીકરો છે ને! મા સાથે સૂઈ નથી શકતો, એટલે તો મને લઈ આવ્યો છે એ? એ શું બોલવાનો હતો! નીતાએ માલુનો હાથ પકડી લીધો. માલુની આંખોમાં આંસુ આવી ગયાં: તું જ કહે બેન, હું શું કરું? શું કરું હું? બેયરે એ ન પીધેલી ચાનું બિલ લાવીને મૂક્યું. માલુએ આંસુભીનો ચહેરો ફેરવી લીધો. બિલ આપી બન્ને ઊઠી ગઈ. ચાલો આપણે પણ નીકળીએ.

*

સાંજે, ઉષા હૉસ્પિટલ પહોંચી. બાજુવાળી પથારી પાસે ત્રણ-ચાર બૈરાં ઊભાં હતાં. ભાભીએ કહ્યું. વૈદ્યનાં પાડોશીઓ છે, ખબર કાઢવા આવ્યા છે. બાઈને હજી આરામ નથી પડ્યો, એટલે ચિંતા કરતાં ત્યાં જ ઊભાં છે. પડદા ખેંચાયેલા હતા અને મિસ્ટર વૈદ્ય પણ દેખાતા નહોતા. - ઊભા ક્યાં સુધી રહેશો? બેસો ને. માલતી આવતી જ હશે. કદાચ વૈદ્ય કામ માટે બહાર ગયા હશે. ઉષાએ સ્ટૂલ તેમની તરફ ખસેડ્યું. બે બૈરાં માની પથારી પર બેઠાં. એક બહેન ઊભાં રહ્યાં. ભાભી ગયાં. - વૈદ્ય, કાકી હજી શુદ્ધિમાં નથી આવ્યાં? એકે પૂછ્યું. - ના. હજુ ઑક્સિજન પર જ છે: ઉષાએ ખુલાસો કર્યો. સામુહિક દચ…દચ થઈ. બીજી બોલી, મને તો રાતે જ થયું’તું કે કાકીની તબિયત વધારે લથડી છે. આખો દિવસ માથું દુ:ખતું’તું, મેં કીધું, ડૉક્ટરને દેખાડી આવો. પણ વૈદ્યકાકી અમારાં બહુ જિદ્દી! આ જાણે વૈદ્યકાકીનાં વખાણ થયાં! - રાતે લોહીની ઊલટી થઈ, ત્યારે માલતી ડૉક્ટરને લઈ આવી. નાકા પર તો છે દવાખાનું. - હાસ્તો, ઉદય બિચારો બહુ બી ગયો હતો. - માનો લાડકો છે ને! વખાણ હતા કે નિંદા, ઉષાને સમજાયું નહીં. - પછી માલતીએ ઍમ્બ્યુલન્સ મંગાવી અને આમને અહીં લઈ આવ્યાં. - બિચારાં વૈદ્યકાકીને આટલી સેવા તો મળી. એકે કહ્યું. જાણે કાકી મરી ન ગયાં હોય! - હા, હોં, નહીં તો... દરવાજામાં મિસ્ટર વૈદ્ય દેખાયા: લો, ભાઈ આવી ગયા. અને બધાં બૈરાં દરવાજા ભણી ગયાં. એમને જોઈ ભાઈના મોઢા પર ખીજ ઊભરાઈ આવી. ઉષા થોડીવાર ગૅલેરીમાં ચાલતું આ મૂક નાટક જોતી રહી, પછી પત્રિકા લઈ વાંચવા લાગી. સાંજે માલતી મોડી આવી. વૈદ્ય રાહ જોઈ કંટાળી નીકળી ગયા હતા. દરદીઓનો જમવાનો સમય પણ વીતી ગયો. માએ કહ્યું ખરું, તુંય જમી લે. પણ એક વાર સાથે જમ્યા પછી હવે ઉષાને એકલા જમવાનું ન ગમ્યું. માલતી આવી. ઉષાએ મશ્કરી કરી: બિચારા મારા ભાઈને કેટલી રાહ જોવડાવી! માલતીએ મોં મચકોડ્યું: ડૉક્ટર આવી ગયા? - આવતા જ હશે. કેમ મોડું થયું? નવી દોસ્તીના અધિકારથી પૂછી લીધું. - તારે માટે ખાવાની એક ફર્સ્ટ ક્લાસ ચીજ લાવી છું: એના હાથમાં પડીકું હતું. - શું છે? એક આંખ દબાવી માલતીએ ચૂપ રહેવાનો ઈશારો કર્યો. ત્યાં ડૉક્ટરની ફોજ આવી પહોંચી. આજે પડદા પાછળ ખૂબ લાંબી ચર્ચા ચાલી. એક નર્સ બહાર આવી. કંઈ સામાન લઈ પાછી અંદર ગઈ. આખા વૉર્ડની નજર આ રહસ્ય જાણવા ઉત્સુક હતી. હૈયાં તાળવે જઈ બેઠાં: મરી ગઈ ડોશી? મરણ નજીકથી જોવું, અને એ મૃત્યુ આપણું અથવા પોતીકાનું ન હોય, ત્યારે આટલું રોમાંચકારી કેમ લાગતું હશે! ડૉક્ટરો બહાર આવ્યા. પછી માલતી. સાવધાનીથી એણે પડદા બંધ કર્યા. પછી ઉષાને કહે: આજે બહાર જવા નહીં મળે. ચાલ, ત્યાં વરંડામાં બેસી ખાઈ લઈએ. એણે પડીકું ઉપાડ્યું. બન્ને બહાર બેઠી: સાસુ વધારે સિરિયસ છે? ઉષાના અવાજમાં સહાનુભૂતિની ભીનાશ હતી. - હા, હવે અંદરના અવયવો કામ નથી કરતાં. આજની રાત માંડ કાઢે. સરળતાથી માલતીએ જણાવ્યું. ઉષાને મૂંઝવણ થઈ: તે શું કહે! માલતી પલાંઠી વાળી બેંચ પર આરામથી બેઠી, પડીકું ખાલ્યું. ગરમાગરમ સમોસાં હતાં. તેલ, મરચાં અને બટાટાની ગંધ નાકમાં પેસી ગઈ. મોઢામાં પાણી ભરાઈ આવ્યું. - મસ્ત છે ને? સાંજે જ બનાવે છે, તાજાં. એટલે જ તો મોડું થયું. મારે તને એક વાર ખવરાવવાં હતાં. ઉષા હસી: આ તું મને નહીં, મનમાં બોલી: ખવરાવી રહી છે એને, એ જીવને, જે તારી કૂખમાં વધી રહ્યો છે. સમોસાં ખૂબ સ્વાદિષ્ટ હતાં. પણ દરેક કોળિયા સાથે, માલતીની સાસુના અંતિમ શ્વાસોનો કોણ જાણે કેવો મેળ પડ્યો કે ઉષાના મોઢામાં સમોસાની ફક્ત ચીકાશ રહી, બીજો કોઈ સ્વાદ ન ભળ્યો: તારા મિસ્ટરને ખબર કરવી પડશેને! એનાથી રહેવાયું નહીં. ખાઈ લઈએ. પછી ફોન કરીશ. બાજુમાં જ છે. આવી જશે: માલતી ખૂબ મોજથી સિસકારા લેતી ખાતી રહી. મોઢામાં થતા બચબચથી ઉષાનો જીવ મોળાવા લાગ્યો. - બસ! એણે કહ્યું, ખૂબ ખાઈ લીધું. હવે નહીં ખવાય. - આશ્ચર્યથી માલતીએ સામું જોયું: ખા ને! પછી આગ્રહ કર્યો: કેટલાં મસ્ત છે. - ના, બસ. પેટ ભરાઈ ગયું! ઉષાની નજર અંદર પથારીની ચારે બાજુએ ખેંચાયેલા પડદા પર ફરી રહી હતી. - તો લાવ. તારા ભાગનાં પણ હું ખાઈ લઉં. કેવી ભૂખ પેઠી હતી માલતીનાં પેટમાં! ઉષાનાં સમોસાં પણ બચર-બચર ખાઈ નાખ્યાં. ઉષાને ઊબકા આવવા લાગ્યા: જોઈ આવું? એનાથી રહેવાયું નહીં. ડોશી ખરેખર મરી તો નથી ગઈ કે પછી નર્સ બોલાવી લાવું? - ખાવા દે, પછી વાત. માલતીએ ચટણીમાં આંગળી બોળી, લોલુપતાથી ચાટી લીધી. ઉષાને થયું, આનું ખાવાનું શું ક્યારેય પૂરું નહીં થાય! છેવટે માલતી ખાઈ ચૂકી. કાગળથી હાથ લૂછી એણે સંતોષનો મોટો ઓડકાર ખાધો. બાટલી મોઢે માંડી ગટ્ ગટ્ પાણી પી, માલતીએ રૂમાલથી ઘસી ઘસીને મોઢું લૂછ્યું: ચાલ, જઈએ. કેવી રીતે બોલે છે આ બાઈ! જાણે કોઈ સાર્વજનિક તમાશો કે મનોરંજન કાર્યક્રમ જોવા તેડી જાય છે! તમે ત્યાં ન જાઓ, ઉષાનું નારીહૃદય પોકારી ઊઠ્યું: બધું ન જુઓ, આવી નાજુક હાલતમાં. આપણે નર્સને બોલાવી લઈએ. માલતીની આંખોમાં કૌતુક હતું, સહેજ હસીને બોલી: કંઈ નહીં થાય. ચાલ. એટલામાં નર્સ ડિસોઝા આવી: તુમ હઝબન્ડ કુ ફોન કરના માંગતા. - મરી ગઈ? ઉત્તેજિત સ્વરમાં માલતીથી પુછાઈ ગયું. નર્સે એની સામું જોયું: નહીં, બટ વેરી સિરિયસ. - તું જા: માલતીએ ઉષાની પીઠ પર હાથ મૂક્યો, હું ફોન કરીને આવું છું. - મને નંબર આપો, હું ફોન કરી આવું. તમે એમની પાસે - - નહીં, ભાર દઈ માલતી બોલી, કંઈ નથી થતું, પછી હસી પડી: તું હજી નાની છો, તને નહીં સમજાય, જા તું. માલતીના ગયા પછી ડિસાઝાએ ઉષાને કહ્યું: ઉદર સાસ મરતા, એની આંખોમાં ઘૃણા હતી, ઈદર ઈસકુ ભૂક લગતા. નો ફીલિંગ્સ એટ ઑલ બ્લડી બિચ. ઉષા શરમથી સંકોચાઈ ગઈ. આ માલતી સ્ત્રી છે કે હેવાન? ભયભીત ઉષા માની પથારી પર ટૂટિયું વાળી બેસી ગઈ. માલતી આવી. પડદા સરકાવી અંદર જોયું. પછી બહાર સ્ટૂલ પર બેસી ગઈ. ઉષાએ ત્રાંસી નજરે જોયું. માલતી શાંત બેઠી હતી. જાણે ખૂબ થાકી ગયા પછી આરામ કરતી હોય. માએ પૂછ્યું, શું? માલતીએ ડોકું ધુણાવ્યું, હજી નહીં. આખા વૉર્ડનો શ્વાસ હેઠો આવ્યો. થોડી વારમાં મિસ્ટર વૈદ્ય આવ્યા. એમના ચહેરા પર બીક સાફ દેખાતી હતી. એમણે માલતી તરફ નજર નાખી. માલતીએ પતિને એકધારો જોયો. પછી ઊભી થઈ. નર્સ આવી. બધાં અંદર ગયાં. ઉષા માના ખોળામાં માથું સંતાડી બેસી રહી. માનો હાથ એની પીઠ પર ફરતો રહ્યો. એકાએક પુરુષનું રુદન સંભળાયું. આખો વૉર્ડ થીજી ગયો. નર્સે પતિ-પત્નીને બહાર કાઢ્યાં. ત્યાં સુધીમાં એમના પાડોશના બે-ચાર પુરુષો આવી પહોંચ્યા હતા. મિસ્ટર વૈદ્યની આંખોમાંથી નિરંતર પાણી વહેતું હતું. માલતી પાસે ઊભી હતી. ખોવાયેલી, જાણે કોઈ ઢીંગલી. - એકાદ પૌત્રને રમાડ્યો હોત, તો બિચારી ડોશીનું મરણ સુધરી ગયું હોત. મિસ્ટર વૈદ્યે રૂમાલ કાઢી જોરથી નાક સાફ કર્યું. માલતીનો હાથ એના પેટ ઉપર ગયો. નજર ક્યાંક દૂર હતી. ધીરે ધીરે અજવાળું એના મોઢા પર ફેલાતું ગયું. હોઠ આછા સ્મિતમાં જુદા થયા. નર્સે પડોશીને કહ્યું: ફૉર્મ ભરના પડેગા. બોડી બાદમે મિલેગા. નીચે રુકો. બધાં ચાલવા લાગ્યાં. એક પાડોશીએ વૈદ્યનો હાથ સધિયારામાં ઝાલી લીધો. એમના ગયા પછી માલતીએ આવી ઉષાના ખભા પર હાથ મૂક્યો. ઉષાએ ઘૃણાથી ખભા સંકેલી લીધા. માલતી હજુ એનામાં જ ખોવાયેલી હતી. એ પણ ગુપચુપ ચાલી ગઈ. પલંગ પડદા સાથે, હટાવી દેવામાં આવ્યો. મૃત્યુનો પડછાયો વૉર્ડ પરથી ધીમે ધીમે દૂર થયો. ભયભીત બીમારો ઊંઘની શરણમાં ગયાં, વૉર્ડ પૂર્વવત્ ખામોશીમાં ડૂબી ગયો. ઉષાનાં ધીમાં ડૂસકાં ફક્ત માએ સાંભળ્યાં.

(‘ગદ્યપર્વ’ મે-૨૦૦૭)