વાર્તાકાર હેમાંગિની રાનડે/સર્જક-પરિચય
હેમાંગિની રાનડે
ગુજરાતના એક મુસ્લિમ પરિવારમાં જન્મેલાં હેમાંગિની રાનડે (15-07-1932 – 23-01-2025)નું મૂળ નામ હમીદા હતું. મુંબઈ તથા ઈંદોરમાં શાળાશિક્ષણ લેનાર હમીદા વિશ્વપ્રસિદ્ધ સંગીતજ્ઞ ડૉ. અશોક દા. રાનડે સાથે 1967માં લગ્ન કરીને હેમાંગિની રાનડે થયાં. કૉલેજજીવનથી જ તેઓ આકાશવાણી સાથે સંકળાયેલાં હતાં. પહેલાં ઈન્દોર અને પછી મુંબઈ આકાશવાણી સાથે. મહિલાઓ તથા બાળકોના હિંદી કાર્યક્રમોનાં સંચાલન તથા પ્રસ્તુતીકરણ ઉપરાંત ગુજરાતી તથા અંગ્રેજી કાર્યક્રમોમાં પણ તેઓ સહયોગ આપતાં. કેટલાંય રેડિયો નાટકોનું નિદર્શન, લેખન તથા પ્રસ્તુતીકરણ ઉપરાંત અભિનય પણ કર્યો. 1992માં સેવાનિવૃત્ત થનાર હેમાંગિની રાનડેની વાર્તાઓ સારિકા, ધર્મયુગ, નવભારત ટાઇમ્સ (મુંબઈ), સબરંગ, આજકલ વગેરેમાં પ્રકાશિત થતી. ધર્મયુગમાં તેઓ નારી સમસ્યાઓ પર લખતાં. NAB દ્વારા ‘બોલતી પુસ્તકેં’માં દૃષ્ટિહીનો માટે વિભિન્ન ભાષાઓમાં તેઓ નિયમિત વાંચનાર વ્યક્તિ હતાં. રાજકમલ પ્રકાશન દ્વારા એમની બે હિંદી નવલકથાઓ પ્રકાશિત થઈ છે, ‘અનુભવ’ (1996) અને ‘સીમાંત’ (1999)માં. એમની ગુજરાતી વાર્તાઓ મોટાભાગે ‘ગદ્યપર્વ’ અને ‘નવનીત સમર્પણ’માં પ્રકાશિત થઈ છે. એમની ‘ઉનાળો’ વાર્તાને પ્રતિષ્ઠિત ‘કથા’ ઍવૉર્ડ મળ્યો છે. ગુજરાતી સાહિત્ય પરિષદે એમની 16 વાર્તાઓનો સંગ્રહ ‘પારિજાતક’ 2010માં પ્રકાશિત કર્યો હતો. આ સંગ્રહમાં એમણે પોતા વિશે જે કહ્યું છે તે અક્ષરશઃ નીચે ઉતારું છું. ‘મારો જન્મ એક સંસ્કારી મુસ્લિમ ખોજા કુટુંબમાં સૌરાષ્ટ્રના ભાવનગર પાસે, તળાજા ગામમાં થયો અને ઉછેર મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં, જ્યાં શરૂઆતનું ભણતર અંગ્રેજી નિશાળમાં થયું. જ્યારે મુંબઈ આવ્યા, મારી માએ મને ગુજરાતી શીખવવા માટે મુંબઈની પારસી-ગુજરાતી નિશાળમાં છેક બાળપોથીના વર્ગમાં દાખલ કરાવી. સાતમા ધોરણ સુધી ગુજરાતીમાં અને ત્યારબાદ ઇંગ્લિશમાં શિક્ષણ લીધું. કૉલેજનું શિક્ષણ બી.એ. સુધી ઇન્દોરમાં, એમ.એ.ના ક્લાસો ભર્યા ખરા, પણ માની ગંભીર માંદગીને કારણે પરીક્ષા ન આપી શકી. માના મૃત્યુ પછી આકાશવાણી ઇન્દોરમાં નોકરી લીધી, હિન્દી વિભાગમાં. પિતાના મૃત્યુ પછી મુંબઈ આવ્યા બાદ અહીંની આકાશવાણીના હિન્દી વિભાગમાં જોડાઈ, તે નિવૃત્તિ સુધી. મારું લેખકીય જીવન હિન્દીમાં શરૂ થયું. આકાશવાણીના કાર્યક્રમો માટે નાટકો, લેખો વગેરે લખવાનું થતું ખરું, પણ રચનાત્મક લેખન નિવૃત્તિ બાદ. હિન્દીની વિવિધ પત્રિકાઓ, માસિકોમાં વાર્તાઓ અને ચાર હિન્દી નવલકથાઓ પ્રકાશિત થઈ. વખણાઈ. અમારા કવિમિત્ર ભાઈ મેઘનાદ ભટ્ટના પ્રોત્સાહનથી ગુજરાતીમાં લખવાનું સાહસ કર્યું. નવનીત સમર્પણ અને ગદ્યપર્વમાં વાર્તાઓ છપાઈ, અને પ્રશંસા પામી. ઘણાં વર્ષોથી જે ભાષામાં લેખન ન કર્યું હોય તેની લઢણ સાંપડવી અઘરી ખરી પણ માતૃભાષા લોહીમાં જ ક્યાંક સંતાયેલી હશે, તે ધીમે ધીમે રંગ કપડતી ગઈ.
અહીં મારે કબૂલ કરવું જ જોઈએ કે આ પ્રયાસમાં હું એકલી નહોતી, જે લોકોએ મદદનો હાથ લંબાવ્યો તેમનું ઋણ માન્ય કરવું ઘટે. સ્વ. શ્રી મેઘનાદ ભટ્ટ, સાહિત્ય સહવાસના અમારા પાડોશી ભાઈ પ્રકાશ મહેતા, મારી રચનાઓના પહેલા વાચક. ‘નવનીત સમર્પણ’નાં સંપાદક શ્રી દીપક દોશી અને ‘ગદ્યપર્વ’નાં બહેન ગીતા નાયક. જેમણે સાવ અજાણ્યા લેખકને ફક્ત પ્રોત્સાહન જ ન આપ્યું, જરૂરી સૂચનો અને સલાહ સાથે, લખવા માટે પ્રેરણા પણ આપી. ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદમાં જ્યારે મેં આ વાર્તાઓની હસ્તપ્રત મોકલી, ત્યારે ભાઈશ્રી રમેશ દવે, જેમણે લખાણ બાબત પ્રોત્સાહન આપી મારું સાહસ વધારી મને ઉપકૃત કરી છે. આશા છે કે મારી માના માતૃભાષા પ્રત્યેના અભિમાન અને પ્રેમનું ફળ, જે તેમની સ્મૃતિને સમર્પિત છે, વાચકોની પસંદગી પામશે.’ – શરીફા વીજળીવાળા