વાર્તાવિશેષ/લેખક-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સર્જક-પરિચય
Raghuvir Chaudhary.png


ચૌધરી, રઘુવીર દલસિંહ (જ. 5 ડિસેમ્બર 1938, બાપુપુરા) : પ્રસિદ્ધ ગુજરાતી નવલકથાકાર. તખલ્લુસ ‘લોકાયતસૂરિ’ અને ‘વૈશાખનંદન’. માતા જીતીબહેન. 1960માં હિંદી વિષય સાથે બી.એ.માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવી અધ્યાપનકાર્યની શરૂઆત કરેલી. હિંદી-ગુજરાતી ધાતુકોશ વિષય પર પીએચ.ડી. 1979. 1977થી ગુ. યુનિ.માં અધ્યાપક. ‘કુમાર’ ચંદ્રક (1965), રણજિતરામ સુવર્ણચંદ્રક (1975) અને ‘ઉપરવાસ’-કથાત્રયી માટે સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર (1977) મળ્યો છે. ઉપરાંત ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પણ એમને પ્રાપ્ત થયેલ છે. વળી દર્શક ફાઉન્ડેશન તરફથી 1994નો ઍવૉર્ડ એનાયત થયો છે. ઉત્તરપ્રદેશ હિન્દી સંસ્થાન તરફથી ‘સૌહાર્દ સન્માન’ (1990), ‘ગોવર્ધનરામ ઍવૉર્ડ’ (1996) ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ‘કનૈયાલાલ મુનશી સુવર્ણચંદ્રક’ (1997) અને ગૌરવ પુરસ્કાર (2002) તેમજ મહારાષ્ટ્ર રાજ્યની ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી ‘કવિ નર્મદ પારિતોષિક’ (2010) મળેલ છે. એમને ગુજરાત રાજ્ય સરકારના પાંચ પુરસ્કાર પ્રાપ્ત થયા છે. એમનું મુખ્ય પ્રદાન નવલકથાક્ષેત્રે. એમની કીર્તિદા કૃતિ ‘અમૃતા’ (1965), ‘તેડાગર’ (1968), ‘બાકી જિંદગી’ (1982), ‘લાગણી’ (1976) જેવી વ્યક્તિકેન્દ્રી લઘુનવલોથી માંડીને ‘પૂર્વરાગ’ (1964), ‘પરસ્પર’ (1969) ને ‘પ્રેમઅંશ’ (1982) કથાત્રયી અને ‘ઉપરવાસ’, ‘સહવાસ’ ને ‘અંતરવાસ’ કથાત્રયી (1975) જેવી સમાજને લક્ષતી મહાકથાઓ છે. ‘રુદ્રમહાલય’ (1978) જેવી ઐતિહાસિક અને ‘ગોકુળ’, ‘મથુરા’, ‘દ્વારકા’ (1986) જેવી પૌરાણિક કથાવસ્તુ પર આધારિત નવલકથાઓ પણ છે. ‘વેણુવત્સલા’ (1972) જેવી તથ્યમૂલક અને ‘શ્યામસુહાગી’ (2008) જેવી સમકાલીન ઇતિહાસમૂલક નવલકથા પણ મળે છે. ‘એકલવ્ય’ (1967), ‘પંચપુરાણ’ (1981), ‘જે ઘર નાર સુલક્ષણા’ (2004) હાસ્ય-કટાક્ષને પ્રયોજતી કથાઓ છે. ‘આવરણ’ (1989), ‘બે કાંઠા વચ્ચે’ (1994), ‘સોમતીર્થ’ (1996), ‘એક સાચું આંસુ’ (1999), ‘સમજ્યા વિના છૂટા પડવું (2003), ‘શાણા સંતાન’ (2004), ‘એક રૂપકથા’ (2006), ‘એક ડગ આગળ, બે ડગ પાછળ’ (2009) ઇત્યાદિ નવલકથાઓમાં સમાજના વિવિધ પ્રશ્ર્નોની ગૂંથણી કરી છે. રઘુવીરનું કથાવિશ્વ વ્યાપક છે. એમાં અસ્તિત્વવાદી અને ભારતીય દર્શનની સહોપસ્થિતિ, બદલાતા ગ્રામસમાજનું વાસ્તવ, માનવસંબંધોની સંકુલતા અને સમયસંદર્ભમાં પલટાતાં જીવનમૂલ્યોનું વૈચારિક અને સાંવેદનિક સ્તર પર નિરૂપણ થયેલું હોય છે. આંતરચેતનાપ્રવાહ, સ્વપ્ન, વાસરી, સ્થળ-કાળ-પરિસ્થિતિ અને પાત્રોનું વિલક્ષણ સંયોજન, એવા ટૅકનિકને લગતા તથા શિષ્ટ અને તળપદી ભાષાના પ્રયોગો પણ એમાં થયેલ છે.

‘આકસ્મિક સ્પર્શ’ (1966), ‘ગેરસમજ’ (1968), ‘નંદી ઘર’ (1977), ‘અતિથિગૃહ’ (1988), ‘મંદિરની પછીતે’ (2001), ‘જિંદગી જુગાર છે’ (2005) એ રઘુવીરના વાર્તાસંગ્રહો છે. એમની વાર્તાઓ સંવેદનશીલ હોય છે. જે માનવસંબંધના મૂળમાં રહેલી સમજનો સંકેત રચે છે. લઘુકથા અને લાંબી ટૂંકી વાર્તા જેવું સ્વરૂપવૈવિધ્ય, રચનારીતિના પ્રયોગો તેમજ પ્રતીક, કલ્પન જેવાં ઉપકરણોનો વિનિયોગ એમાં જોવા મળે છે.

‘તમસા’ (1964 ને 1972) અને ‘વહેતાં વૃક્ષ પવનમાં’ (1984), ‘ફૂટપાથ અને શેઢો’ (1997), ‘પાદરનાં પંખી’ (2007), ‘બચાવનામું’ (2011), રઘુવીરના કાવ્યસંગ્રહો છે. છાંદસ-અછાંદસ, ગીત-ગઝલ જેવા પ્રકારો એમણે અજમાવ્યા છે; પરંતુ એમની કવિતાનો વળાંક ગદ્યકાવ્ય તરફ છે. એમાં ગદ્યલયનું વૈવિધ્ય ધ્યાન ખેંચે છે. ‘બચાવનામું’ દીર્ઘકાવ્ય છે. ‘દિવાળીથી દેવદિવાળી’ (1906) રઘુવીરનો બાળકાવ્યસંગ્રહ છે.

‘અશોકવન અને ઝૂલતા મિનારા’ (1970), ‘સિકંદર સાની’ (1979), અને ‘નજીક’ (1986) નાટકો છે. પૌરાણિક અને ઐતિહાસિક વસ્તુનું નૂતન અર્થઘટન એની વિશિષ્ટતા છે. માનવજીવનનો રહસ્યમય સંદર્ભ ધરાવતું વસ્તુ. પાત્રના વ્યક્તિત્વને ઉદ્ઘાટિત કરતા માર્મિક સંવાદો તથા સુરેખ ર્દશ્યયોજના જેમ આ નાટકોમાં તેમ ‘ડિમલાઇટ’ (1973) અને ‘ત્રીજો પુરુષ’(1982)નાં એકાંકીઓમાં પણ જોવા મળે છે. ‘વચનામૃત અને કથામૃત’ (1986)માં સ્વામિનારાયણ સંપ્રદાયના સત્વ-તત્વને સમજાવ્યું છે. ‘ધર્મવિવેક’ (2000)માં સ્વામી સચ્ચિદાનંદના જીવન-કાર્યની વાત છે. ‘પુનર્વિચાર’ (1999), ‘મુદ્દાની વાત’ (1999), ‘વાડમાં વસંત’ (2005) ઇત્યાદિ એમના નિબંધસંગ્રહો છે.

‘સહરાની ભવ્યતા’ (1980)માં વિદ્યાપુરુષોનાં લાક્ષણિક શબ્દચિત્રો છે. ‘તિલક કરે રઘુવીર’ ભાગ : 1-2 (1999) ચરિત્રાત્મક લેખોનો સંગ્રહ છે. ‘બારીમાંથી બ્રિટન.’ (1984), ‘તીર્થભૂમિ ગુજરાત’ (1998), ‘ચીન ભણી’ (2003), ‘અમેરિકા વિશે’ (2005) ઇત્યાદિ એમનાં પ્રવાસપુસ્તકો છે.

‘અદ્યતન કવિતા’ (1976), ‘વાર્તાવિશેષ’ (1976), ‘ગુજરાતી નવલકથા’ (1972-77 અન્ય સાથે) વગેરે ગ્રંથોમાં સાહિત્યનાં સ્વરૂપો અને કૃતિઓ પરનું વિવેચન છે. ‘દર્શકના દેશમાં’ (1980) અને ‘જયન્તિ દલાલ’ (1981)માં સર્જક પરનું વિવેચન છે.

એમણે રામચરિત માનસના કથાકાર મોરારિબાપુને અનુલક્ષી ‘માનસથી લોકમાનસ…’ (2008) નામક પુસ્તક લખ્યું છે, જેમાં એમની ચરિત્રાત્મક વિગતો સાથે એમની રામચરિતમાનસ કથાસંદર્ભે વિચારણા કરી છે.

તેમનાં સંપાદનોમાં ‘નરસિંહ મહેતા – આસ્વાદ અને સ્વાધ્યાય’ (1983), ‘જયન્તિ દલાલનાં પ્રતિનિધિ એકાંકી’ (1971, અન્ય સાથે) અને ‘મેઘાણીની નવલિકાઓ’ (1972, અન્ય સાથે) વગેરે છે. રઘુવીર ચૌધરીએ ‘સ્વામિનારાયણ સંત-સાહિત્ય’ (1986), ‘ઉત્તર ગુજરાતનું અનોખું મોતી’ – ‘મોતીભાઈ ચૌધરી’ (1998), ‘પન્નાલાલનું પ્રદાન’ (1995-2008) ઇત્યાદિ સંપાદનો પણ કર્યાં છે. વિશ્વનાથ ભટ્ટના ‘પારિભાષિક કોશ’(1982)નું પણ એમણે સંપાદન કરેલું છે.

ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી અને મુંબઈમાં ભરાયેલા ચોત્રીસમા અધિવેશનમાં નવલકથાના વિભાગીય અધ્યક્ષપદે એમની વરણી થયેલી. અને ગુજરાતી સાહિત્ય પરિષદના 41મા અધિવેશન(પાટણ)ના પ્રમુખ તરીકે એમની વરણી થઈ હતી. હાલ ગુજરાત સાહિત્ય પરિષદ અને ‘કુમાર ટ્રસ્ટ’ના ટ્રસ્ટી છે. ઉપરાંત ‘લોકભારતી’ સણોસરાના પણ ટ્રસ્ટી છે તો ‘ગ્રામભારતી’ અને મોતીભાઈ ચૌધરી ફાઉન્ડેશનના મૅનેજિંગ ટ્રસ્ટી છે. આદિકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ’(જૂનાગઢ)ના ચૅરમેન છે. 2015માં જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત થયો. 2019માં ગુજરાત યુનિવર્સિટીએ માનદ્ ડિ. લિટ્ની પદવી એનાયત કરી છે.