વાર્તાવિશેષ/૧૧. ત્રણ વાર્તા-પ્રતીકો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૧. ત્રણ વાર્તા-પ્રતીકો


‘વહુ અને ઘોડો’, ‘ઝાડ, ડાળ અને માળો’, ‘વિદુલા’

૧. ઝવેરચંદ મેઘાણીની વાર્તા ‘વહુ અને ઘોડો’ એની નાયિકા તારાને મુખે કહેવાયેલી છે. ક્રમશઃ ઊંડે ઊતરવાની ગતિ સિદ્ધ કરવા માટે આ કથનરીતિ અહીં પૂરતી ખપ લાગી છે. તારા એક મોટા ઘરની વહુ છે. નાના ઘરની કન્યા હતી. વાર્તાને અંતે એ એક અંધ કન્યાની માતા છે. તળપદા સંસ્કાર ધરાવતું એનું વ્યક્તિત્વ આ આખો અનુભવ હળવી રીતે કહે છે. એ પોતે સભાનતાથી પ્રતીક યોજી આપે એવી શક્યતા જ નથી. તેથી અહીં પ્રતીકનો ભાર નથી કે નથી પ્રતીક-યોજનાને કારણે ક્યારેક આવી જતી બૌદ્ધિક શુષ્કતા. સાવ સાદી વાત છે. ગામડાઘરની છોકરી, વૈભવ જોઈને એનાં સપનાં સેવે છે. સપનાં સાચાં પડે છે, શેઠનો છોકરો જાણે એના માટે જ વિધુર થાય છે અને એને ઘોડો લઈ જાય છે. થોડા જ વખતમાં સાસરવાસનો લહાવો પૂરો થઈ જાય છે. પછી તો સહન કરવાનું શરૂ થાય છે. છેવટે પતિનો જાતીય રોગ પુત્રીની આંખો લઈને જાય છે. આ બધું પણ તારા ખેલદિલીથી કહી દે છે. દુઃખના વિલક્ષણ અનુભવે એને તટસ્થ બનાવી દીધી છે – એનામાં તટસ્થ બનવા જેટલી સમજણ વધી છે. જો એ રોતલ બની ગઈ હોત તો કટાક્ષ કરી શકી ન હોત. એ પોતે હસતી રહીને વાચકને આઘાત આપે છે. ક્યાંક રાહત પણ આપે છે ને પાછી લાગણીના વમળમાં ખેંચી જાય છે. ખાસી ૨૪ પૃષ્ઠ લાંબી વાર્તા છે પણ એકધારી વહ્યે જાય છે. વાર્તાના શીર્ષકમાં બે શબ્દ છે ‘વહુ’ અને ‘ઘોડો’. વહુની વાત તો તારા એના અનુભવરૂપે કહી રહી છે. ‘ઘોડા’ના સંદર્ભો આપોઆપ અવારનવાર આવે છે. વાર્તાના અંતે તો વાચક સામે ઘોડો જ છે : ‘આજે જ સવારે જમતાં જમતાં જેઠે વરને ખુશખબર આપ્યા કે ઘોડો તો વળગાડું છું વિઠ્ઠલ ગાડીવાળાને. રૂ. ૧૦૦માં ઝીંક્યો. ઘોડાની એબો એણે ઓપાએ પારખી નહીં!’ ‘ઠીક થયું મોટાભાઈ!’ મારા વર આનંદ પામ્યા : ‘સ્ટેશનના ફેરા કરવાને જ લાયક છે આ હરામી! હમણાં હમણાં બહુ હઠતો’તો. પાધરો દોર થઈ જશે.’ ‘વિઠલો આવે ત્યારે છોડી દેજો. પણ સરક નથી દેવાની; બોલી કરી છે કે સરક તો એણે એની જ લાવવી.’ ભાડાત ગાડીવાળો વિઠ્ઠલ બપોરે ઘોડાને છોડીને દોરી ગયો. જેઠાણીએ કહ્યું : ‘અપશુકનિયાળ હતો મૂવો : છોકરી આંધળી થઈ, વેપારમાં ખોટ ગઈ, ઘરમાં કોઈ માંદા મટે નહીં – આ ઘોડાનાં પગલાં થયાં ત્યારથી જ ઘરમાં જંપ નથી.’ હું મેડી ઉપર ચાલી ગઈ. આંધળી સૂરજને કેડ્યે લઈને બારીમાં ઊભી રહી. ઘોડો દેખાયો ત્યાં સુધી તાકી રહી. મારી આંખો ખળખળી પડી; વિચાર આવ્યો : ઘોડાની માફક માણસને શા સારુ નહીં કાઢી નાખતાં હોય? ઘોડો તો નસીબદાર થઈ ગયો; પણ આવું નસીબ માનવીને કાં નહીં? તે વખતે છાપાંનો ફેરિયો રસિકલાલ મોટી ડાંફો ભરતો ચાલ્યો આવતો હતો. ઘડીભર તો મને એમ જ થયું કે મને પણ કાઢી નાખી હશે ને મને દોરી જવા માટે જ રસિક આવ્યો હશે. – હાય! છાપું ફેંકીને એ તો ચાલ્યો ગયો. મારી આંખો એના પગની પથ્થર-શી પિંડીઓને ચોંટી પડીને ટંગાતી ટંગાતી ક્યાં લગી ગઈ!’ તારાનું આ માનસિક નિષ્કાસન યોગ્ય ક્ષણે જ નિર્દેશાયું છે. ઘોડો અને રસિકની પિંડીઓ એક જ અર્થનો સંકેત કરે છે એવું તો નથી પણ આરંભે વૈભવના પ્રતીકનું કામ આપતો ઘોડો અંતે કામનું પ્રતીક બને છે. અપ્રાપ્યની કામના, એની પ્રાપ્તિ અને પ્રાપ્તિમાંથી પાછી અપ્રાપ્તિ. સરોવરને કાંઠેથી જાણે મૃગજળની સામે આવીને ઊભી ન હોય! – કૌમાર્યમાંથી કામી પતિનો રોગ સહેવા સુધીનો વિકાસક્રમ કંઈક આવું જ સૂચવી જાય છે. એમાં ઘોડાનું પ્રતીક કેટલી મોટી મદદ કરી જાય છે! તારા અવારનવાર ઘોડાને જોતી રહે છે, એની સાથે મનથી સંકળાયેલી રહે છે. જે ક્ષણે ઘોડો વેચાય છે બલ્કે કાઢી નખાય છે તે જ ક્ષણે જે રસિક છાપાવાળાની પથ્થર-શી પિંડીઓને ચોંટી પડીને તારાની આંખો ટંગાતી ટંગાતી દૂર ચાલી જાય છે એ જ રસિક છાપાવાળા સાથે તારાની સગાઈ થવાની વાત હતી. પણ તારાએ તો બાળપણમાં ઘોડો જોયો ત્યારથી શેઠ પરતાપરાયના ઘરની વહુ થવાનું સ્વપ્ન સેવવા માંડ્યું હતું. રસિકની પિંડીઓનો નિર્દેશ અગાઉ પણ આવે છે. અહીં અંતે ભાવાન્તર સધાતાં આખો સંદર્ભ જ બદલાઈ જાય છે. દેખીતી રીતે આ એક બીજો તંતુ છે પણ સમગ્રપણે ઘોડાના પ્રતીકને અર્થસભર કરવામાં મહત્ત્વનો ફાળો આપી જાય છે. આ ચર્ચા સામે વાંધો લઈ કોઈ કહી શકે કે મેઘાણીને મન ઘોડો પ્રતીક હતો એની ખાતરી શી? અને પહેલાંથી જ પ્રતીકનો અર્થ નિશ્ચિત ન હોય તો વાચકે વાચકે અર્થભેદ થાય. બીજા પ્રશ્નનું સાહિત્યિક મૂલ્ય છે. કૃતિ અને ભાવકને જોડી શકે એવી અર્થવત્તા નવલિકાના પ્રતીકમાં હોવી જોઈએ. મોટા ભાગના ભાવકો માટે પ્રતીક એકાર્થવ્યંજક રહે એ ખરું પણ વિરલ દાખલાઓમાં એની ગોપિત અર્થસંપદા ઊઘડવાની. એ દૃષ્ટિએ અહીં ઘોડાનું પ્રતીક વિલક્ષણ લાગશે. લેખકે ઘોડાનો પ્રતિક નહીં પણ એક સામગ્રી તરીકે ઉપયોગ કર્યો હોય એવું પણ નથી. વાચકને કઈ દિશામાં આગળ લઈ જવો છે એ અંગે લેખક તો શરૂઆતથી જ સ્પષ્ટ છે. પરિસ્થિતિનો આછો નિર્દેશ કરીને તારા વાર્તાની માંડણી કરે છે અને ત્રીજા ફકરામાં તો કથન અને કથ્યની પૂર્વયોજનામાં વાચકને મૂકી દે છે : ‘...પરિણામે સહુ મને ‘ભાન વિનાની’, ‘રોઝ જેવી’ કે ‘ગામડાનું ભોથું’ કહે છે. તેમ છતાં, મને મારા પાંચ વર્ષના વયનું તલેતલ નાનપણ યાદ આવે છે. તે વખતે હું ઘરની ભીંતેથી કરોળિયાનાં જાળાં તેમજ ભમરીનાં ભોંણ ઉખેડી નાખતી, તે દેખીને રતનમા મને કહેતાં કે ‘રે’વા દે, રે’વા દે. પાપણી! – નહીં તો તને ઓલ્યો ભવ પરતાપરાય શેઠની ગાડીના ઘોડાનો ને કાં એમના ઘરની વહુવારુનો અવતાર મળશે, હોં!’ તે વખતે હું બહુ સમજણી નહોતી; પણ મારા મનમાં આ વિચાર દિવસ-રાત ઘોળાવા લાગ્યો : શા માટે રતન ડોશીએ પેલા અમારા ઘર સામેના રસ્તામાં સૂઈ રહેતી, ઘરબાર વગરની ગાંડી વલૂડીના અવતારને બદલે, કે પેલી અમારે ઉંબરેથી રોજ લાકડી ખાઈને ચાલી જતી ટીપુડી કૂતરીના અવતારને બદલે, પ્રતાપરાય શેઠના ઘોડાનું ને એના ઘરની વહુવારુઓનું સુખ મારા પાપના બદલા તરીકે બતાવ્યું? ‘તો તો હું ખૂબ પાપ કરીશ!’ નાચતી કૂદતી હું બોલી ઊઠી : ‘મારે તો મરીને પ્રતાપરાય શેઠનો ઘોડો થવું જ છે. બહુ મઝા પડે – બહુ જ મઝા પડે. રતનમા, મને એ ઘોડો બતાવજો.’ આ રમતિયાળ ઉદ્ગારો વાર્તાને અંતે કેવા ભારેખમ બનીને ઊભા રહે છે! રતનમા જે જાણે છે એ તારા ત્યારે નહોતી જાણતી અને વાચક પણ એની સાથે જ રહે છે. ઘોડો એક ભાર વહેનાર પ્રાણી છે અને તારાએ એક પુરુષનો ભાર વહેવાનો હોત તો એય સહ્ય હતું, પણ અહીં નર્યો ઉપયોગ થાય છે અને એય પાછો હીન રીતે. એને ઢાંકવા માટે મોટાઈનું આવરણ કુશળતાથી ખપમાં લેવાયું છે. પ્રતાપરાય શેઠના ઘરની વહુવારુઓનો અને ઘોડાનો વાર્તામાં છેક સુધી મહિમા થતો રહ્યો છે. હકાર કે નકાર સમાંતર ચાલ્યા કરે છે. એ કારણે તો આ એક હેતુલક્ષી નવલિકા પણ બોલકી બની જતી નથી. એનામાં ભુલભુલામણીની સંયોજના છે. ભદ્રવર્ગના આંતરિક દારિદ્ર વિશે ઘણી સામાન્ય રચનાઓ મળેલી છે. એમની રચનારીતિ પણ એકસરખી જ હોય છે, આરંભે ભભકો ને અંતે ભંગાર – આરંભે અહોભાવ અને અંતે ઉપેક્ષા, ક્યારેક તો તિરસ્કાર. આ વાર્તામાં ભ્રમનિરાસનું એવું સાદું સમીકરણ શોધી તહોમતનામું પોકારવાનો પ્રયત્ન થયો નથી. જુદી જુદી અર્થચ્છાયાઓ ઉમેરતાં સમગ્રપણે ઘોડાનું એક અર્થસંકુલ પ્રતીક રચાયું છે. ઘોડો અહીં માત્ર ભદ્રવર્ગની સમૃદ્ધિ અને પ્રદર્શનવૃત્તિનું પ્રતીક નથી, એ માત્ર ભદ્રવર્ગની ભોગેચ્છાનું પણ પ્રતીક નથી. એ ગતિ અને સ્ફૂર્તિનું એક રૂપ પણ છે અને વિજાતીય કામનાનું સાર્થક પ્રતીક પણ છે. વાર્તામાં વારંવાર આવતા ઘોડાના આકર્ષક ઉલ્લેખો, એના ભણી તારાનો સખ્યભાવ, એની યાતનામાં ભાગીદારી એ બધું આપોઆપ એક સંમિશ્ર મનઃસ્થિતિ રચ્યા કરે છે. બાહ્ય પરસ્થિતિમાં દેખાતો ઘોડો તારાની મનઃસ્થિતિમાં ઊપસી રહે છે અને અંતે એ વરવી રીતે વેચાય છે ત્યારે તારા પોતાનું પ્રત્યાખ્યાન અનુભવે છે. પેલું કામનાનું રમ્ય રૂપ એ જ ક્ષણે દેશવટો પામે છે. એનો અવબોધ થતાં તારાની વેદના દ્વિગુણિત બને છે. આમ, લેખકે સ્પષ્ટ નિર્દેશેલા પ્રતીકની સાથે ભાવક દ્વારા અનુભવાતી સૃષ્ટિમાં રૂપ ધારણ કરતું પ્રતીક આ વાર્તાને વધુ રસપ્રદ બનાવે છે. ‘વહુ’ અને ‘ઘોડા’ દ્વારા ભદ્રવર્ગની ભોગેચ્છા અને ક્રૂરતા જ સૂચવાઈ હોત તો વાર્તા શુષ્ક જ નહીં, અસંતુલિત પણ થઈ જાત. અલબત્ત, એ વર્ગની જીવનરીતિ વિરુદ્ધની આબોહવા તો વાર્તામાં રચાતી જાય છે જ, પણ એવી ઉદ્દીપક ક્ષણોએ તારા હળવી બની જાય છે. પછી પોતાનો અનુભવ વર્ણવતાં એ લાગણીના ઊંડાણમાં ઊતરે છે. તારાની સમૃદ્ધ સંવેદના દ્વારા ભદ્રવર્ગીય દારિદ્રને સહી લેવાની પરિપક્વતા દર્શાવી એની કથનીને એક સંકુલ સાહિત્ય પદાર્થ બનાવવામાં મેઘાણીએ સફળતા મેળવી છે. ૨. જયંતિ દલાલની નવલિકા ‘ઝાડ, ડાળ અને માળો’ની પ્રતીક-યોજના આનાથી જુદા પ્રકારની છે. ૪૧ પૃષ્ઠોની એ રચનામાં છેક ચોવીસમા પૃષ્ઠે શીર્ષક પ્રતીકરૂપે પ્રગટે છે. છ પાત્રોની સૃષ્ટિમાં પરંતપ, વિલાસ, નૃસિંહપ્રસાદ અને શાંતિદા એ ચારના મનોગત સાથે તો લેખકે સીધું કામ પાડ્યું છે. શાંતિદા નૃસિંહપ્રસાદની બીજી પત્ની છે. પુત્ર પરંતપ પત્ની વિલાસ સાથે ઘર છોડી ગયો હતો. હવે નોકરી જતાં બીમાર-શો બની અણધાર્યો ઘેર આવ્યો છે. પોતાનું કેવું સ્વાગત થશે એ અંગે પહેલાંથી જ એના મનમાં વહેમ છે. સ્વમાની વિલાસને પણ દહેશત હતી. એમની આ પૂર્વ ધારણાઓ નૃસિંહપ્રસાદના જ નહીં, અમિત અને શાંતિદાના ઉદ્ગારોમાંથી પણ બેવડા અર્થ શોધી કાઢે છે. પ્રેમ અને શંકાનો સંઘર્ષ ચાલ્યા જ કરે છે. અંતે પરંતપ બોલી ઊઠે છે : ‘કાલ જઈએ કે અત્યારે?’ આ અણધાર્યો પ્રશ્ન જોઈને નૃસિંહપ્રસાદ બોલી ઊઠે છે : ‘જો, તું જાણે છે, મારી પાસે ત્રાગું કોઈનું ચાલતું નથી. મેં તને બોલાવ્યો ન હતો. તું આવ્યો. અહીંથી જતાં બોલેલા શબ્દો પાછા ચાટીને આવ્યો. અત્યારે તને કોઈએ જવાનું કહ્યું નથી અને છતાં જવું હોય તો કોઈ રોકતું નથી.’ અહીં, શાંતિદા બોલ્યા વિના રહી શકતી નથી : ‘અત્યારે તમે બીજાંને ભૂંડાં કરવા નીકળ્યા છો.’ નૃસિંહપ્રસાદના હાથમાંથી સૂડી પડી જાય છે. સોપારીનો ચૂરો પાટ પર વેરાઈ જાય છે. આ એક બીજી ગેરસમજ. આ આખી વિષમ પરિસ્થિતિમાં કંઈક સ્વસ્થ લાગતી વિલાસ પરંતપ પાસે જઈને કહે છે. ‘ચાલો.’ પરંતપ વિલાસના સામું જોઈ રહે છે, અને ત્યાં જ નૃસિંહપ્રસાદ ત્રાડ પાડે છે : ‘ક્યાં જવું છે? નથી જવાનું.’ આ નિર્ણય માટે પણ નૃસિંહપ્રસાદનો વિલક્ષણ સ્વભાવ જ જવાબદાર છે, કોઈ ઘટના નહીં. એમના આ અણધાર્યા ઉદ્ગાર પછી બધું વીંખાતાં વીંખાતાં રહી જાય છે. વળી, વીંખાઈ જવા આવેલામાં જેનું પોતાનું તો કશું જ ન હતું એ શાંતિદાનું મનોગત વિચ્છિન્ન થતાં થતાં બચી જાય છે. ચાર સભાનતાઓના ઘર્ષણમાંથી આકાર પામેલી આ વાર્તા હવે શાંતિદાની અભીપ્સિત સૃષ્ટિના પરિમાણમાં દોરી જાય છે. સાથે સાથે અન્ય પાત્રોના અભિગ્રહો લોપ પામે છે અને એમને ન દેખાયેલ ‘ઝાડ, ડાળ અને માળો’ કુટુંબજીવનનાં અંગોના સંકેતરૂપ લાગે છે. આ પ્રતીક કોઈને આકસ્મિક કે અવાંતર પણ લાગે. કેમ કે જે અંત સુધી વાર્તા પહોંચે છે એ તો પાત્રોની પૂર્વધારણાઓને લીધે ઊભી થતી ગેરસમજને આભારી છે. પ્રતીકનો પોતાનો ફાળો છે? દેખીતી રીતે પરંતપનું પાત્ર વિવશ લાગે, વાચકનો સમભાવ એ કંઈક વિશેષ માગી લે છે પણ લેખક શાંતિદાની વ્યથાને ઉપસાવવા કૃતસંકલ્પ છે. બધાં પાત્રો સરખા અધિકારથી વાર્તાની સૃષ્ટિમાં ભાગ પડાવી બેઠાં હોય ત્યારે એક પાત્રને કેમ કરીને કેન્દ્રમાં મૂકી દેવું? પ્રતીકની મદદથી જયંતિ દલાલ શાંતિદાની સહાયે ગયા છે. સાવકી મા ગણાય એ. સમાજે એનાં લક્ષણો નક્કી કરી રાખેલાં છે. કદાચ પતિ નૃસિંહપ્રસાદ પણ એને એ રીતે જુએ છે એવો વહેમ આવતાં જ એના મનમાં સ્મૃતિ-સંચાર થાય છે : ‘ન જાણે કેમ; પણ મોસાળમાં નાનપણમાં જોયેલું વિશાળ ઝાડ શાંતિદાની નજર સામે આવી ગયું. વિશાળ ઝાડ, અનેક ડાળાં-ડાળી, ઋતુ પ્રમાણે રંગ બદલતાં પાંદડાં અને છેક ટોચ આગળ પંખીનો માળો કેવો હશે એ જોવાનું એ નાનકડી છોકરીને બહુ જ મન થાય પણ ઉપર કેમ કરીને જવાય? મામાનો દીકરો તો સડસડાટ ઉપર ચડી જાય અને ત્યાં પહોંચીને પાછો શાંતિદાને બકાવે. નીચે આવીને પાછી માળાની વાત કરે. ‘રસોડું છે, ચોક છે, બેઠકનો ખંડ છે; હા, હા, પાટ છે. અને ખુરશી-ટેબલ પણ છે. હં, નાવણિયું છે. બચ્ચાને માટે ઘોડિયું છે.’ કેવી કેવી વાત કરતો’તો એ! અને એક વાર જબરો પવન ફૂંકાતો હતો. વંડામાં સૂકવેલી એની નાની ઓઢણી ઊડીને ઝાડમાં ભરાઈ હતી. પેલી નાનકડી છોકરી ઓઢણી માટે રોતી હતી. ત્યારે બીજાં આશ્વાસન દેતાં હતાં : ‘ગાંડી એ તો તારી ઓઢણી ઊડીને ઝાડમાં ભરાઈ તે હવે ઝાડ ઊડી જવાનું નથી. હમણાં પવન રે’શે એટલે ઉતારી લાવીશું.’ પણ ઝાડ નહીં ઊડે એની શી ખાતરી? ઝાડ સામે ટગર ટગર એ છોકરી જોઈ રહી. ઝાડ તો એમ ને એમ સ્થિર-અડગ ઊભું હતું. પણ આ ડાળી હાલતી હતી. ઝાડ ઊડશે? ઊડ્યું? જીવ તો આવીને જાણે હોઠે બેઠો હતો. હમણાં ઊડશે. આ ઊડ્યું. ડાળી હાલતી હતી. ઉપર જોયું. માળોય ઝૂલતો હતો. તો પવનમાં માળો વીંખાઈ જશે? પંખીનું શું થશે? અને પેલાં ટેબલ અને ખુરશી, ચૂલો અને તપેલી? જીવ પડીકે બંધાયો હતો. પણ કાંઈ ન થયું. ઝાડ ન હાલ્યું, ડાળી હાલતી બંધ થઈ ગઈ. માળો ઝૂલતો અટકી ગયો અને ઓઢણીય પાછી આવી. જરાકે ફાટી ન હતી... વાર્તાને અંતે જાણે શાંતિદાની જ લાજ રહી જાય છે. એનું સ્મરણ જ વાર્તાના મધ્ય ભાગમાં એને એક અર્થ આપી જાય છે : ‘ના, માળો નહીં પીંખાય. મોટી વાત તો હૂંફના વિશ્વાસની છે.’ શાંતિદાના સ્મરણમાંથી ગૂંચનો ઉકેલ મેળવી લીધો હોય એમ વાર્તા પછી તો ઝડપથી આગળ વધે છે. સ્મરણમાંથી સારવેલી સમજના જોરે શાંતિદા ગેરસમજના વમળમાંથી બચી શકે એમ છે. લેખક નવેક પૃષ્ઠ પછી પ્રતીકનું પુનરાવર્તન કરે છે અને અર્થઘટન પણ કરે છે : ‘ઝાડ : ઝાડને સહારે ડાળ : ડાળને સહારે માળો! અને માળામાં સલામતી માનનાર પંખી! કેવી છેતરામણી છે આખી વાત! બધું ઊગે છે મનની ધરતી પર અને આ મનની ધરતી તો કઈ ક્ષણે ધરતીકંપ નથી અનુભવતી?’ કંઈક જુદું કહેવા લેખકે આ વાક્યો ઉમેર્યાં છે. જયંતિ દલાલના લેખનની એ વિશેષતા હતી કે પૂર્વકથનની સ્પષ્ટતા કરવા જતાંય નવો અર્થ ઉમેરાય. ઉપરનાં વાક્યો જુઓ. પણ અહીં પ્રતીકનું ગૌરવ જાળવવા માટેય સ્પષ્ટ કથનથી બચી શકાયું હોત તો સારું. કલ્પનનું સ્વરૂપ ધરાવતું અને અન્યોક્તિનું કામ આપતું એક અર્થસભર પ્રતીક યોજીને એને વાર્તાની ધરીનું સ્થાન અપાયું ત્યાં જ લેખકની જવાબદારી અદા થઈ ચૂકી હતી. જયંતિભાઈ જેવા લેખક પણ અર્થઘટન અને અર્થવિસ્તાર કરે ત્યારે પ્રતીક એની સાંકેતિકતા ગુમાવીને બોધક દ્રષ્ટાંત બની જાય એવું જોખમ હોય છે. બચાવ તો શક્ય નથી પણ પૂર્તિરૂપે કહી શકાય કે લેખકે પોતા તરફથી જે કંઈ કહ્યું છે એ શાંતિદાના મનની પછીતે રહીને કહ્યું છે. વળી, વાચક માટે જે પ્રતીક છે એ શાંતિદા માટે એક સ્મરણ છે – સ્મૃતિકલ્પન છે. રૂઢ રીતે કહીએ તો એ શાંતિદાનો સંસ્કાર છે જે છેવટે વાર્તાના વળાંકમાં નિમિત્ત બને છે. આ પ્રકારની પ્રતીક-યોજનાના અભાવે આ નવલિકા એક આશ્વાસક ઘટના બનીને અટકત. એને શાંતિદાના મનનું વિશેષ પરિણામ ન લાધત. ૩. જેનું ચોક્કસ અર્થઘટન ન કરી શકાય અને જે ભાવકે ભાવકે ભિન્ન પ્રતિભાવ જગવે એવાં અર્થસંકુલ પ્રતીકો આપણે ત્યાં જવલ્લે જ જોવા મળશે. છેલ્લા દાયકાની વાર્તાનાં પ્રતીકોમાં જે સંકુલતા છે એ અર્થની નહીં પણ ભાવની છે. કેમ કે અર્થઘટન કરતાં શુદ્ધ સંવેદનાનો મહિમા વધ્યો છે. તેમ છતાં એમાં જોવા મળતી માનસશાસ્ત્રીય સંકુલતા ક્યારેક સંદિગ્ધતા બની બેસે છે. કલ્પન, પુરાણ કલ્પન અને રૂપકની નજીક જઈને પ્રતીક એનાં રૂઢ લક્ષણો ગુમાવે એનો વાંધો ન હોય પણ વાર્તાના ખંડકોમાં આવી જતાં એ પ્રકારનાં પ્રતીકો એક વસ્તુ છે અને સમગ્ર વાર્તાની ધરી બની એને સંકલિત કરનાર પ્રતીક બીજી વસ્તુ. શ્રી સુરેશ જોષીની સુદીર્ઘ નવલિકા ‘વિદુલા’માં ‘સ્યૂડો પ્રેગ્નન્સી’ની ઘટના વાર્તાના અંત ભાગમાં આવે છે. આ ઘટના કે વિગતને પ્રતીક રૂપે જોઈએ તો વિદુલાના પાત્રને સમજવાની દૃષ્ટિ મળે એમ છે. આધુનિક નગર-જીવનના સંદર્ભે જન્મેલી સંવેદનશૂન્યતા અને રૂઢ સમાજમાં ચોતરફ ફરકતી ગેરસમજ વચ્ચે વિદુલા સાવ હળવાશથી જીવે છે. એનો મુક્ત વ્યવહાર, એની અનન્ય વાક્ચાતુરી, એના સંપર્કમાં આવતી વ્યક્તિઓ દ્વારા અપાતી રહેતી એની ઓળખ – આ બધું વાચકમાં અવનવું કુતૂહલ પ્રેરે છે. વિદુલા ત્યક્તા છે. એના વ્યક્તિત્વને બાંધી શકતી નથી. વિરોધાભાસી વર્તન દ્વારા એ છેક ૬૩મા પૃષ્ઠ સુધી સંદિગ્ધ રહે છે. એને વિશે છેવટે અફવા એ છે કે તે સગર્ભા છે. વાર્તાકથકને લેખકે આવી બાબતે જિજ્ઞાસા વિનાનો રાખીને વિદુલા દ્વારા જ એની કેફિયત રજૂ કરાવી છે : ‘ઓહો! તો તમને કુતૂહલ છે ખરું! તો સાંભળો. મારા ગર્ભાશયમાં ગાંઠ થઈ છે, ને એ વધતી જાય છે. આને એ લોકો કહે છે ‘સ્યૂડો પ્રૅગ્નન્સી’! બોલો, હવે સમજાયું?’ આ પછી એ ગાંઠને લીધે વિદુલાએ વેઠવી પડતી યાતનાનું વર્ણન આવે છે. વાર્તાએ હજી આગળ વધવાનું છે, ડૉક્ટર પાસેથી જાણવા મળે છે કે આ તો જીવલેણ રોગ છે, ઑપરેશનથી એક જ ટકાની આશા છે, વાર્તાકથકને ડૉક્ટરે કહેલું, વિદુલાને નહીં. વિદુલા ખુશમિજાજ રહીને – બનીને વર્તે છે, પણ ડૉક્ટરના રિપોર્ટનો કાગળ ટેક્સીમાં જ ભૂલીને વાર્તાકથક ઊતરી જાય છે, પછી તો વાર્તાના આરંભે નિર્દેશાયેલી પરિસ્થિતિ યાદ આવે છે, – ગાડીની બારી બહાર દૃષ્ટિ માંડીને બેઠેલી અન્યમનસ્ક સ્ત્રીનો ચહેરો... પેલી વંધ્ય ગાંઠના સંદર્ભમાં એ થઈ એ પહેલાંના વિદુલાના અનેક ઉદ્ગારો વાચકને યાદ આવી જશે : ‘જુઓ, આ ગ્લાસ હું હાથમાં લઉં છું. પાણી પીઉં છું, ખાઉં છું, હસું છું – ને છતાં મારામાં જ ક્યાંક એક ખૂણો એવો છે કે જ્યાં કશું જ બનતું નથી, નથી પવન ફરકતો, નથી પ્રકાશ – જ્યાં છે કેવળ નથી, નથીનો વિસ્તાર, ભ્રાંતિના આવરણ વિનાનો–’ વિદુલાની વેદના એ છે કે એનો પ્રેમ પ્રત્યુત્તર પામ્યો નથી, પરિણામે એની સર્જકતા ખીલી શકી નથી. એની વંધ્યતા એને મળેલી છે, જેને માટે એ એકલી જવાબદાર નથી જ. એ વંધ્ય ગાંઠની વેદનાને જીરવવા એ મથી રહી છે. આમ, પાત્રના જીવનની એક ઘટના કે વિગત સમગ્ર વાર્તામાં પ્રતીકનું વજન ધારણ કરીને એની ચર્ચાબહુલ – પ્રસ્તારી રચનાને અર્થસભર બનાવી જાય છે. ૭૨ પૃષ્ઠનો વિસ્તાર આ ગાંઠના પ્રતીકને લીધે એકકેન્દ્રી બને છે.