વાર્તાવિશેષ/૧. અનુભવથી અવાજ સુધી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧. અનુભવથી અવાજ સુધી


જેની પ્રતીતિ ન હોય એની વાત કરવી એટલે જીવવા તરફ બેવફા થવું. એને બદલે પોતાને સતાવ્યા કરતા પ્રશ્નોમાં રહેવું બહેતર. આ જગતમાં વ્યાપેલી જુદાઈ નિવારી શકાય તેમ છે? જાગ્રત-અર્ધજાગ્રત ચિત્તમાં જાગેલી શૂન્યતા અને નિરર્થકતાને નકારી શકાય તેમ છે? ભારરૂપ બની બેઠેલા નિશ્ચિતાર્થોનો છડેચોક ઇનકાર કરીને એમને ફગાવી દઈ શકાય તેમ છે? આપણી વ્યવસ્થાને ઈજા પહોંચાડ્યા વિના? નિશ્ચિતાર્થો કરતાં ક્ષણજીવી સંવેદનાઓ આત્મસંવિત્તિમાં વધુ સહાયક થતી હોય તો? સંવેદનાઓ ક્ષણજીવી છે માટે એમનું કોઈ સત્ય નથી? અને સત્ય કયું સત્ય – કોનું સત્ય? ભાવિની અનિશ્ચિતતાઓ સામે હાથ લંબાવવાથી એ મળી જવાનું છે? કહેવું જોઈએ કે એ ન મળે એમ માની શકાતું નથી. તેથી વિશ્વાસ રાખવાનું જોખમ ઉઠાવ્યું છે. લખવું એટલે વિશ્વાસ રાખવાનું જોખમ ઉઠાવવું. જે કંઈ અહીં ઇતર લાગે છે, અપ્રસ્તુત લાગે છે, નગણ્ય લાગે છે, વિખરાયેલું લાગે છે એમાં પરોવાવાનું હોય છે. એ બધાને પોતાના અવાજમાં સંકલિત કરીને જે નથી મળ્યું એને પામવાનું હોય છે. There is nothing without other things. અધર થિંગ્સ દ્વારા થિંગ સુધી જવાનું છે. સારો એવો પ્રપંચ છે આ. અધર થિંગ્સને કે અન્યને માત્ર વિશ્વાસથી સાંકળી શકાય નહીં, પ્રેમ જોઈએ. પણ અમે પ્રેમની વાત કરશું તો તમે માનવાના જ નહીં. અમારો અહંકાર તમને નડવાનો. પણ શું નકાર અને સ્વીકાર, અહંકાર અને પ્રેમ એકસાથે ન હોઈ શકે? અસ્તિત્વ એટલું સંકુલ પણ ન હોય? હકીકતમાં તો એ એથીય વધુ સંકુલ છે. તેથી તો એને ઘટનાત્મક વિશ્વના સંબંધમાં અને સંદર્ભમાં રજૂ કરવાનું હોય છે, શબ્દમાં. લેખકે શબ્દ દ્વારા, શબ્દરૂપે જ બીજા સુધી પહોંચવાનું હોય છે. વાચકને તો શબ્દ સાથે જ સંબંધ, પણ લેખક માટે એ પહેલાં અનુભવની વાત આવે છે. લેખકને આજે નિરર્થકતા અને શૂન્યતાનો અનુભવ છે જ, પુરોગામીઓથી વિશેષ નહીં તોપણ વધુ તીવ્ર. જાણી જોઈને એણે નિરર્થકતા અને શૂન્યતા વહોર્યાં છે. એમ કરીને એ જાગ્રત થવાનું મૂલ્ય ચૂકવી રહ્યો છે. એણે જે વહોર્યું છે અથવા એને જે આપમેળે મળ્યું છે એને એ સ્વીકારી લેતો નથી. પહેલાં તો નકારે છે. શૂન્યતાને શૂન્યતારૂપે લેખક બિરદાવતો નથી, એને વેદનામાં પરિણત કરે છે. જીવનમાંથી ઊંચકેલા અનુભવને સ્પર્શક્ષમ અવાજમાં પરિણત કરે છે. અનુભવથી દૂર જવાના અનુભવ દ્વારા અનુભવ અવાજમાં પરિણમે છે. માત્ર અનુભવમાં રહી શકાતું નથી. મૌનમાં ટકી શકાય અટક્યા વિના? અન્યને શબ્દથી સ્પર્શ્યા વિના જીવવું મુશ્કેલ હશે, નહીં તો લખવું ન પડે. અને લખવું એટલે સંડોવાવું – involve થવું. સમયમાં અને સમય દ્વારા સમગ્રમાં. ‘મારે અભિપ્રાય કે અભિગ્રહ નથી’ એમ કહીને છટકી ન શકાય. માત્ર સંવેદન નહીં, દૃષ્ટિકોણ પણ ખરો. એટલું જળવાય કે દૃષ્ટિકોણ મમત્વનો વિષય ન બને. બાકી, માત્ર શબ્દની શોધ ન ચાલે, સ્વની સંવિત્તિ પણ ખરી. એ પલ્લું વજનદાર હોવું જોઈએ, સમતુલા જળવાય એટલું. એક બાજુ ‘હું’ અને બીજી બાજુ આખું વિશ્વ. વિશ્વમાં ‘હું’ વિસ્તરે અને વિશ્વ ‘હું’માં ઝિલાય. સબ્જેક્ટ અને ઓબ્જેક્ટનો ભેદ અભેદમાં પરિણમે અનુભવ અવાજમાં પરિણમે.

। । ।

પ્રથમ બિન્દુથી જ ટૂંકી વાર્તાની દિશા નક્કી થઈ જશે. એટલે કે દિશાનો છેડો બતાવી દેવામાં નહીં આવે પણ હલનચલન શરૂ થઈ જશે. નવલકથામાં આખરે પ્રસ્તુત સિદ્ધ થાય એવા વિષયાંતરને પણ વાર્તામાં સ્થાન નથી. Sean OFaolain ચેખવની વાર્તાકલાને બિરદાવતાં નોંધે છે તે લક્ષણને ટૂંકી વાર્તાના એક પ્રાથમિક ધોરણ તરીકે સ્થાપી શકાય એમ છે – the art of keeping the lines clear from beginning to end of the journey. વાર્તા પૂરી થાય તે પછી પણ ભાવકને આગળ ચાલવાની છૂટ છે ¬– મોટે ભાગે વાર્તા જ ભાવકને આગળ વધવા મજબૂર કરે. વાર્તાનો અંત આપણને માત્ર અલ્પવિરામ આપે છે, સમગ્રપણે તો વાર્તા એક સંકેત છે – a pointing finger છે. આદિથી અંત સુધી લેખકની સજ્જતા અને સર્જકતા a certain unique or single effect જગાવવા રમમાણ હોય છે. જે એક અસર નિપજાવવાની છે તે અનન્ય હોવી જોઈએ. અને વાર્તાના વાચન દરમિયાન તીવ્ર આતુરતાનો – intensityનો ભંગ થયો તો વાર્તા ગઈ. ટૂંકી વાર્તાએ વિકાસના તબક્કામાં સંવેદન સાથે સંબંધ ન ધરાવતા કુતૂહલને પોષતો ઘટનાવિલાસ છોડ્યો હશે, વિસ્મયની ઉપેક્ષા કરી હોય એવું જાણવા મળ્યું નથી. પાત્રની ગેરહાજરીમાં પણ વાર્તા સંવેદન જગાવી શકતી હોય તો પાત્ર-નિરૂપણ વાર્તાસિદ્ધિ માટે અનિવાર્ય શરત ન રહે. અને પાત્ર હોય ત્યાં પણ પાત્રનું ચરિત્રનિર્માણ કરવાનો કે એના વ્યક્તિત્વમાં વળાંક આણવાનો ઉદ્યમ વાર્તાકારે કરવાનો નથી. આખો માણસ નહીં, પણ એની હાજરી – એનું સંવેદન વાર્તામાં પર્યાપ્ત છે. સંવેદનના સ્તરોમાં ઊંડા ઊતરવામાં, મનની સંકુલ ગતિને તાગવામાં વાર્તાકારની કસોટી રહેલી છે. એ તમને પાત્રના વ્યક્તિત્વનો અર્ક આપશે. (...what one enjoys in a short story is a special distillation of personality, a unique sensibility which is a special distillation of personality...) પાત્ર એની ભૂમિકા નહીં બદલે. હા, એકસાથે અનેક ભૂમિકાઓ એ ભલે ભજવે. પણ એણે એના Spots બદલ્યા નહીં હોય. એ છે તે જ રહેશે. પછી ભલે એનામાં એકથી વધુ માણસો હાજર હોય. અપેક્ષા એટલી જ છે કે એનું સંવેદન વ્યક્તિત્વના વિશિષ્ટ અર્કરૂપે ભાવકને સાક્ષાત્ થાય. પોતાને પ્રાપ્ત અથવા ઉદ્દિષ્ટ અનુભવને ભાવમૃદુલ સૂક્ષ્મ સંભાળ સાથે વાર્તાકાર વાર્તાની ભાષામાં વ્યંજિત કરે, સૂઝેલા સંવિધાનને સહાયક થાય એ રીતે અથવા તો એ સંવિધાનમાં તદાકાર થાય એ રીતે ભાવપરિસ્થિતિ યોજે, એમ કરતાં જે પરિણમે તે વાર્તાની આકૃતિ. વાર્તાની આકૃતિમાં સમય, ઘટના અને સંવેદન પરસ્પર સંકળાયેલાં લાગે, એ ત્રણેયની ગતિ એકસાથે – એકરૂપ હોય. સમય-સંકલના (handling of time), ઘટનાતત્ત્વ (hapening in story) અને સંવેદના (Sensibility) પરત્વે બદલાતા અભિગમ જોતાં લેખકના પુરુષાર્થની અને સામે સમગ્ર વાર્તા-સાહિત્ય હોય તો એની વિકાસરેખાની ઝાંખી થાય. જોકે કોઈપણ સાહિત્ય-સ્વરૂપના ઇતિહાસમાં બધા તબક્કા વિકાસના જ આવે એવું બનતું નથી. ફક્ત વિષયવસ્તુની પસંદગીમાં આવતા વળાંકોની વાત કરીને આગળ વધતા ઇતિહાસ વાર્તાની એક સાહિત્ય-સ્વરૂપ તરીકે પૂરી ઓળખ આપી શકતા નથી, સમગ્ર સંવિધાનની વાત થવી જોઈએ. વાર્તામાં સમય, ઘટના, સંવેદનના પારસ્પરિક સંબંધની ચર્ચા થવી જોઈએ. સમય વિશે કહેતાં વાર્તાના પરિવેશની વાત પણ થઈ જાય. કેમ કે દેશ વિના કાળને ઓળખી શકાતો નથી. સમયને રૂપ નથી. સ્થળને રૂપ છે. વાસ્તવિક કે માયાવી પણ સ્થળને રૂપ છે જ. તેથી નિરાકાર સમયને ઓળખવામાં સ્થળની મદદ અનિવાર્ય બને છે, પરંતુ સજર્નાત્મક સાહિત્યમાં પ્રયોજાતા સમયનું પરિમાણ પ્રગટ કરનાર તો છે પાત્રોનું ચિત્ત. તેથી વાર્તાનો સમય કેવળ તિથિ-ક્રમને અનુસરતો નથી હોતો. એના સમયના વિસ્તાર અને ગતિ ચૈતસિક પણ હોય છે, બલ્કે આજનો વાર્તાકાર તો કહેશે કે મને સમયની ચૈતસિક ગતિના નિરૂપણમાં વધુ રસ છે. સજર્નાત્મક કૃતિમાં આ સાઇકોલોજિકલ ટાઇમનાં પરિમાણ કૃતિ બહારની વાસ્તવિકતાના ટેકાની અપેક્ષા રાખતાં નથી. વાર્તામાં પ્રતીતિજનકતાની વાત લાવીએ તો એ સ્વીકારવું જ રહ્યું કે પ્રતીતિ કદી બાહ્ય હોઈ ન શકે. વાર્તામાં સમયની ગતિ વાર્તાની સૃષ્ટિ પર જ નિર્ભર રહે છે. પૃથ્વી પર ઊભા ઊભા કદી સમયને અટકાવીને એની સ્થગિતતાની વાત નહીં કરી શકાય. વાર્તામાં એમ કરવું શક્ય બનશે. ક્યાંક સમયની ગતિ અટકશે; ક્યાંક માનવચિત્તની વિરતિ અને માત્ર સમયની જ ગતિ અનુભવાશે. વળી, જ્યારે વાર્તામાં મનનો વેગ પ્રબળ થઈને એની આખી સૃષ્ટિમાં છવાઈ જાય ત્યારે ભાવકને સમયરહિત સૃષ્ટિના પ્રસારનો અનુભવ થાય. વાસ્તવિક સૃષ્ટિથી ભિન્ન એવી કલાસૃષ્ટિનો અનુભવ કરનારાં તત્ત્વોમાં આ ‘સાઇકોલોજિકલ ટાઇમ’નો પણ સમાવેશ થાય છે. અને આ પ્રકારના સમર્થ વાર્તાકારો યુગચેતનાનો ભાર ઉમેરી શકતા હોય છે. ઘટનાતત્ત્વ એટલે પ્રસંગોનું આધિક્ય કે પ્રાસંગિકતા એવો અર્થ લેવાનો નથી. એમ કરવા જતાં ઘણો અધૂરો અર્થ તારવી બેસાશે. ઘટિત થવું, કંઈક કશાકનું ગુજરવું, ગતિશીલ કે સ્થિર પણ કશાકનું કોઈ ને કોઈ રૂપે હોવું એ અર્થ અહીં અભિપ્રેત છે. કારણ કે જો કંઈ પણ હોય તો પછી તેમાંથી કંઈક પણ થયા વિના રહે નહીં. એક ક્ષણે જે છે તે બીજી ક્ષણે નથી અને ‘નથી’નું ‘ન હોવાપણું’ પણ કાંઈક તો છે જ. નિર્માનવીકરણ પણ માનવ અસ્તિત્વનો છેદ ઉડાડતું હોય એમ સ્વીકારી શકાતું નથી. તીવ્ર અસ્વીકારમાં પ્રકટ થતું વલણ પ્રતિક્રિયાજન્ય લાગે છતાં એમાંય (ભલે વિરોધભાવે પણ) એક અપેક્ષા – એક દૃષ્ટિબિંદુ રહેલું છે. મહાનતાવાચક ઘટનાઓના અંકનમાં કોઈ વાર્તાકારને રસ ન હોય, ભવ્ય અને દિવ્ય એના માટે અપ્રસ્તુત બની ગયાં હોય અને એણે નિરૂપેલું જીવન ઝાંખુંપાંખું અને રુગ્ણ લાગતું હોય તો એટલા પરથી એ વાર્તાકારની વાર્તાકાર તરીકેની ક્ષમતા તપાસવા પહેલાં એનો જીવનસંદર્ભ સમજી લેવો જરૂરી ખરો. જીવન સાથે નિસ્બત ન ધરાવતી ઘટનાનું મહત્ત્વ ‘વાર્તા’ માટે હશે, ‘ટૂંકી વાર્તા’ માટે નથી. જો એ જીવનની યાદ આપતી હોય તો ઘટનાનો પ્રકાર કે ઘટનાનું રૂપ બદલાય એની સામે વાંધો લઈ શકાય નહીં. ગુજરાતી વાર્તામાં કોઈ એક નિશ્ચિત દિશામાં ઘટનાનું રૂપ બદલાયું હોય એમ સ્થાપી નહીં શકાય; પણ બદલાયું છે જ, બદલાવાની અનિવાર્યતા પ્રતીત કરાવતું કરાવતું. ઘટના માણસને અનુસરે છે, પણ સુરેશ જોષીએ ઘટનાના તિરોધાનની વાત એ રીતે મૂકી કે જાણે ઘટનાના ભાર નીચે વાર્તાની કલા કચડાઈ ગઈ ન હોય! એમણે કહ્યું કે પ્રાપ્ત ઘટનાના યથાવત્ નિરૂપણમાં લેખકની સર્ગશક્તિ ક્યાં? સર્જક તરીકેનો એનો પુરુષાર્થ શું? જાણે કે વાર્તા સિદ્ધ થાય એ કરતાં સર્જકનો પુરુષાર્થ દેખાય એ વધુ મહત્ત્વનું ન હોય! વાર્તાનો છેલ્લો શબ્દ લખાઈ ન જાય ત્યાં સુધી એમાં અંકિત થયેલી ઘટનાનું રૂપ કેવી રીતે નક્કી થાય? પણ એટલું તો અવશ્ય જોઈ શકાય કે વાર્તાની ચર્ચાને ગેરમાર્ગે દોરવામાં એમને રસ નથી (‘નવલિકાની રચના’ નામના લેખમાં એમનું દૃષ્ટિબિંદુ આ રીતે રજૂ થયું છે – દરેક ઘટનાને એનું આગવું વજન હોય છે. એ વજન ગળે બાંધેલા પથ્થર જેવું હોય તો વાર્તાને ડુબાડે, એ વજન પંખીની પાંખ જેવું હોય તો વાર્તાને ઉરાડી શકે. પોતાની વિશિષ્ટ આકૃતિને જાળવવા પૂરતું ઘટનાનું ગુરુત્વ જાળવવું ને gravitation સાથે એના lavitationનું બળ પણ સજર્કે પ્રકટ કરવું જોઈએ.) એમના આગ્રહોમાંથી એટલું તારવી શકાય કે એમની અપેક્ષા કલાત્મક સૂક્ષ્મતાની છે, જે કેવળ ઘટનાના તિરોધાનથી સિદ્ધ ન થાય, પણ એ તો સાચું જ કે વાર્તા એ કેવળ ઘટના નથી. વાર્તામાં તો એવું પણ બને કે એક ક્ષણે જે છે અને તે બીજી ક્ષણે જે રૂપ ધારણ કરે છે તેનો સાક્ષાત્કાર થવાને બદલે, તે બીજી ક્ષણે જે રૂપ ધારણ નથી કરતું તેનો અનુભવ થાય. એટલે કે ઘટના માત્ર હોવા પર આધારિત નથી, ન હોવા પર પણ અવલંબે છે. અને હોવા કરતાં ન હોવાનું મૂલ્ય ઓછું નથી. ખાલી આંખોની વાર્તા લખીને જે દેખાય છે તેના દ્વારા નહીં, પરંતુ જે નથી દેખાતું તેના દ્વારા પણ વાર્તાકાર કૃતિ નિપજાવી શકે. કોઈ વાર્તા એવી હોય કે વાંચ્યા પછી એનું કથાનક યાદ રહે અને તે કારણે બીજાને એ વાર્તા સ્મૃતિમાંથી કહેવાનો કોઈ સંતોષ અનુભવી શકે. બીજી વાર્તા એવી હોય કે એ શબ્દશઃ યાદ હોય તો જ સંભળાવી શકાય. આ બે વાર્તાઓને સરખાવતાં પહેલીમાં ઘટના છે અને બીજીમાં નથી એમ કહી નહીં શકાય. વળી, કથાનક સ્પષ્ટ, ઉપર ઉપરથી કડીબદ્ધ ન હોય તો ઘટના નથી એમ ન કહી શકાય. કશુંય ઘટિત ન થાય તો વાર્તા સંભવે જ નહીં. એક બિંદુથી શરૂ થતી વાર્તા ભલે આખરે પાછી એની પાસે જ આવીને અટકે, પણ વચ્ચે કંઈ જ ન થાય તે ન ચાલે. મનોવ્યાપારને ઘટના કહી શકાય. સ્વપ્નનો ઘટના તરીકે ક્યારનોય સ્વીકાર થઈ ચૂક્યો છે. વાર્તા વાંચતાં અસ્તિત્વનો સ્પંદ અનુભવાય તો ઘટના છે એમ માનવું. ઘટનાનો સંપૂર્ણ અભાવ ‘એબ્સ્ટ્રેક્શન’ ઊભું કરે અથવા દ્રશ્યકલ્પનો અને અમાનસિક તરંગોની રંગોળીઓ રચી શકે, એ રીતે પણ વાર્તા અશક્ય છે એમ તો નહીં કહી શકાય. કારણ કે શબ્દની પ્રકૃતિ જ એવી છે કે એમાં ઘટનાનો અંશ આપોઆપ આવી જાય. ભાષા પરનો અધિકાર અને લયની સૂઝ લેખકને છેક વિજયની નજીક લઈ જઈ શકે. સુરેશ જોષી ‘કપોળકલ્પિત’ વાર્તામાં પૂર્વેની ઘટનાને સ્થાને કલ્પનો, તરંગો અને લયથી ઘણું સારું પરિણામ લાવી શક્યા છે. પણ વાંચ્યા પછી લેખકની પ્રશંસા કરવા પ્રેરે તે વાર્તા કરતાં વાંચ્યા પછી અશબ્દ બનાવી મૂકે તે વાર્તા જ કંઈક વિશેષ આપે છે. વાર્તાએ જો કંઈ આપવાનું હોય તો વ્યાપ્તિનો અનુભવ, વિસ્મયસભર વ્યાપ્તિને જ સૌંદર્યનો અનુભવ કહો. સંવેદનાનો બે રીતે વિચાર થઈ શકે – વાર્તામાં આવતાં પાત્ર કે પાત્રોનું સંવેદન અને માણસની અવેજીમાં પાત્ર તરીકે કે અન્યથા કામ આપતાં હોય તેવાં પ્રતીકોના પ્રભાવથી ભાવકના ચિત્તમાં જાગતું સંવેદન. આમ તો પાત્રનું સંવેદન પણ ભાવકનું ચિત્ત પ્રમાણે તે જ સાચું. તેની જ વાત થઈ શકે, પરંતુ ભેદ ત્યાં રહેલો છે કે જ્યાં પ્રતીકાદિ જેવું કોઈ નિમિત્ત ઉપાદાન ખપમાં લેવાતું નથી અને પાત્રની સાથે ભાવકને સીધું સંધાન મળી રહે છે. કોઈક વાર પ્રતીક આડખીલી પણ બનતાં લાગે. પ્રતીક-રચનામાં એ સંભવ રહેલો છે કે એ સંવેદન જગાવવાને બદલે નિશ્ચિત સીમાવાળો અર્થ તારવી આપે. સમર્થ પ્રતીક અર્થસભર, અમર્યાદ સંવેદન જગાડશે અને એ વિસ્મયના તત્ત્વનો છેદ ઉડાડી નહીં દે. વાર્તા જગાડે તે સંવેદન કેટલું ઘનીભૂત છે, તીવ્ર છે એ તપાસવાથી વાર્તાની સફળતાનો અંદાજ મળે. વ્યવહારજગતનું સંવેદન અને સૌંદર્યના અનુભવથી સાંપડતું સંવેદન ભિન્ન તો છે જ, પણ કયા આધારથી એમની ભિન્નતા પ્રમાણી શકાશે? કલાકૃતિના સૌંદર્યનો અનુભવ વિસ્મયસભર હોય છે. કશુંક અનુભૂત સંવેદનને સ્પર્શતું લાગે. આ પ્રકારની અપૂર્વતાનો અનુભવ એટલે વાર્તા વાંચતાં પ્રભવતું સંવેદન. અહીં ચમત્કૃતિના અર્થમાં વિસ્મયને ઘટાવવાનું નથી, છતાં આ વિસ્મયસભર સંવેદનની વાત કરતાં કરતાં ઊર્મિકાવ્ય અને એકાંકીની નજીક આવી જવાશે. અલબત્ત, સૉનેટ અને એકાંકીને અંતે ચમત્કૃતિની અપેક્ષા રહે છે. વાર્તામાંય મોપાસા અને ઓ. હેન્રી અંતે આવતી ચમત્કૃતિ પર ઘણો મદાર બાંધે છે, પણ હવે એ પ્રકારની વાર્તાઓ તરફ પક્ષપાત રાખી નહીં શકાય. વાર્તામાં વિસ્મયસભર સંવેદન સાદ્યંત અનુભવાવું જોઈએ અને સમગ્રપણે એ Single effect ઉપજાવતું હોવું જોઈએ. ઘટના દ્વારા – The State of existing દ્વારા ભાવકના ચિત્તને સ્પર્શી શકે એવા સંભાવ્ય અસ્તિત્વની પ્રતીતિ થાય, સમય-સંકલના દ્વારા અભિપ્રેત પ્રભાવ ઘનીભૂત અને કેન્દ્રિત થાય, સંવેદન દ્વારા વાર્તાના પાત્ર અને ભાવકના અહંસાપેક્ષ દૂરત્વનો લોપ થાય. પરંતુ આ બધું એકત્વને પામે લેખકની સંયોજનાશક્તિ વડે અને ભાષામાં. માધ્યમ વિના અભિવ્યક્તિ શક્ય નથી. કોઈપણ સમર્થ વાર્તાકારના દાખલામાં એવું બને નહીં કે એ માધ્યમ તરીકે ભાષાની પૂરી શક્તિનો લાભ લઈને એની મર્યાદાઓને ઓળંગી ગયો ન હોય! ભાષાના સજર્નાત્મક વિનિયોગથી પણ એના કાર્યની ઇતિશ્રી નથી, એ ભાષા એનો ‘અવાજ’ બને...

૧૯૬૭