વાસ્તુ/11

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અગિયાર

‘અમૃતા...' સાંજે જમી રહ્યા પછી હથેળીમાંની વરિયાળી ફાકતાં સંજય બોલ્યો, ‘હું મારી રૂમમાં જઉં છું. મને કોઈ ડિસ્ટર્બ ન કરશો.’ ‘કેમ? આજે જમ્યા પછી થોડું ચાલવા નથી જવું?’ ‘થોડી કાવ્યપંક્તિઓ ફૂટી રહી છે... ઉતારી નહિ લઉં તો પૂરના પાણીની જેમ વહી જશે, એ પછી કંઈ જ હાથ નહિ આવે.’ રસોડાનું કામ બાજુએ મૂકી દઈને ઉમળકાથી અમૃતા સંજયની સંમુખ ઊભી રહી ને નરી મુગ્ધતાથી સંજયની આંખોમાં તાકતાં બોલી – ‘એ થોડી કાવ્યપંક્તિઓ સંભળાવ ને…’ જાણે શ્રોતાઓ સમક્ષ માઇકમાં બોલવાનું હોય એમ સંજયે ખોંખારો ખાધો. થોડો કફ પણ ખખડ્યો. ગળું સાફ કરી એ બોલ્યો –

મારી ભીતર હું તો ડૂબકી મારીને દઉં ગોતી,
વીજ ચમકારે પાક્યાં છે મોતી?

‘વાહ!’ ઉમળકાથી અમૃતાએ કહ્યું. બીજી પંક્તિની પ્રતીક્ષામાં એ સંજયની આંખોમાં તાકી રહી. ‘પછીની પંક્તિ?’ અમૃતાના અવાજમાં કુતૂહલ છલકાતું હતું. આખું કાવ્યું પૂરું ન થાય ત્યાં લગી કવિતા એ મારી અંગત બાબત છે… મારે એકાંત જોઈએ છે… ગીચ એકાંત…’ કહેતો – બબડતો સંજય દાઢી પસવારતો એની રૂમમાં ચાલ્યો ગયો ને ‘ધડ્’ કરતું બારણું બંધ કર્યું. કવિનો મૂડ ક્યારે પલટો ખાય કંઈ નક્કી નહિ – અમૃતા મનોમન બબડી. એક-બે પંક્તિ ફૂટે ને પછી કવિતા આગળ ન ચાલે ત્યારે સંજય હંમેશાં ગૂંચવાયેલો – ખોવાયેલો – અર્ધો આ દુનિયામાં – અર્ધો એની કોઈક આગવી દુનિયામાં રહ્યા કરે. કવિતા રચાતી હોય ને અમૃતા જો ભૂલથી એને ડિસ્ટર્બ કરે કે ખલાસ. કવિમિજાજ છટકે. સંજયની વાત સાચી હતી. થોડીક પંક્તિ ફૂટ્યા પછી કશા કામને લીધે કે ડિસ્ટર્બન્સને લીધે કે પથારીમાંથી ઊભા થઈને એ પંક્તિઓ ઉતારવાની આળસને લીધે જો વિલંબ થયો તો પછી આવનારી – અવતરનારી એ કવિતા હાથતાળી દઈને જતી રહેતી તે ક્યારેય પાછી ફરતી નહિ. પોતાને લ્યૂકેમિયા છે એની જાણ થયા પછી સંજય ખાસ્સો બદલાઈ ગયો છે. હવે એ જરીકે આળસુ રહ્યો નથી. પહેલાં એ હંમેશાં નાની નાની બાબતોમાં દ્વિધા અનુભવતો. હવે એ તરત નિર્ણય લઈ લે છે – હા કે ના. એ બેની વચ્ચે ક્યારેય અટવાતો નથી. સર્જનાત્મક લખાણ બાબતેય પહેલાં એ આળસુ અને થોડો ઉદાસીન હતો. પરંતુ લ્યૂકેમિયાની જાણ થયા પછી? – ‘અમૃતા.’ ‘હં...’ ‘સર્જનાત્મક લેખન માટે હવે મારી પાસે કદાચ સમય ખૂબ જ ઓછો. છે… જે કંઈ ચિત્તસ્થ છે એ બધું મારે શબ્દસ્થ કરવું જોઈએ… હજી તો ઘણીબધી કવિતાઓ લખવાની બાકી છે ને શ્વાસ પડે છે ઓછા… ‘ઘણીબધી વાર્તાઓ લખવી છે. ત્રણેક નવલકથાનાં થીમ પણ ઘણા સમયથી મનમાં રમ્યા કરે છે. નવલકથાય શરૂ કરી દેવી છે. વિવેચનનું કામ ન થાય તો વાંધો નહિ, પણ સર્જનાત્મક કામને સૌથી પહેલી પ્રાયોરિટી… ડાયરી લખવાનું શરૂ કરવું જોઈએ.’ હવે ખૂબ ઓછો સમય બાકી રહ્યો છે એ જાણ્યા પછી સંજય ખૂબ ‘ઍક્ટિવ' અને હતો એનાથીયે વધારે ‘લાઇવ’ થઈ ગયો છે. એક સેકન્ડ પણ એ વેડફતો નથી. શરીર પ્રત્યે એ અત્યંત બેદરકાર હતો, પણ હવે તબિયત અંગે ઝીણી ઝીણી બાબતો માટે ખૂબ કાળજી લે છે. દવાઓ જાતે જ નિયમિત લઈ લે છે! વૈદે આપેલા કડવાવખ ઉકાળાય યાદ કરીને સમયસર બનાવડાવે છે! અને રસથી પી જાય છે! – કડવાશની એકેય રેખા ચહેરા પર ઊપસતી નથી! કહે છે – ‘આ શરીર પાસેથી હજી ઘણુંબધું કામ લેવાનું બાકી છે.’ આયુર્વેદ અને નેચરોપૅથીનોય અભ્યાસ કરે છે. વૈદો સાથે ચર્ચાઓ કરે છે. ઍલોપથીની સાથે આયુર્વેદ, નેચરોપથી, હોમિયોપથી – બધું જ ચાલે છે. આયર્ન જળવાઈ રહે માટે રોજ સવારે નાસ્તામાં ફણગાવેલા મગ લે છે. તાંદળજો કે પાલકના શાકને ક્યારેય હાથ નહિ લગાડનાર સંજય હવે વારંવાર ભાજી કરવાનું કહે છે. સંજયને ખાવાના તો કેટલા ચાળા હતા – આ ભાવે ને આ ન ભાવે... દાળ-શાક બધું ધમધમાટ જોઈએ. શાકમાં તેલ પણ જરી આગળ પડતું જોઈએ. ગરમ મસાલાનોય ખૂબ ઉપયોગ થાય. અઠવાડિયામાં બે-ત્રણ વાર કંઈ ને કંઈ ફરસાણ જોઈએ, બે-ત્રણ વાર કંઈક ગળ્યુંય જોઈએ. પણ હવે તો સંજય એટલો બધો બદલાઈ ગયો છે કે અમૃતાય નવાઈ સાથે કહે છે – ‘સંજયે જાણે જીભ બદલાવી દીધી છે! જૂની જીભ કઢાવીને જાણે રબરની જીભ નંખાવી છે!’ હવે એ કડક ચરી પાળે છે. એમાં કોઈ જ અપવાદ નહિ. માત્ર બાફેલું જ એ ખાય છે – કોઈ જ સ્વાદ વગરનું, ખાણ જેવું. ત્રિફળા ને ધાત્રી રસાયણ ને સીઝન વખતે આમળાં ને સુદર્શન ઘનવટી ને.. ગાજરનો રસ ને… શરીરનાં થઈ શકે તેટલાં બધાં જ જતન એ કરવા લાગ્યો છે. ઘણી વાર બા પૂછે છે – ‘અમૃતા… હમણાંથી સંજય માટે કેમ કશું ફરસાણ નથી કર્યું? હમણાંથી કેમ કશું ગળ્યું નથી બનાવ્યું? સંજય કેમ હમણાંથી જાણે ખાણ બાફ્યું હોય એવું ખાય છે?’ અમૃતા શો જવાબ આપે? આવો કશો સવાલ સાંભળતાં જ અમૃતાના પગ જાણે પાણી થઈ જાય છે. બીક લાગે છે કે ક્યાંક આંખો ઊભરાઈ જશે તો? આવો સવાલ સાંભળતાં જ એ કોઈ ને કોઈ બહાને બીજા ઓરડામાં કે બાથરૂમમાં દોડી જાય છે... બાને કશીક શંકા તો જાય છે. પણ સંજય દર વખત બાજી સંભાળી લે છે – ‘હમણાં હું આયુર્વેદ ને નેચરોપથીનો અભ્યાસ કરું છું ને બા, એટલે થોડો વખત બધા પ્રયોગ કરી જોઉં…’ સંજયના જવાબથી બાને સંતોષ તો થતો નથી. પણ થાય છે, હમણાં હમણાંથી એ આયુર્વેદ ને નેચરોપથીનાં પુસ્તકો વાંચે તો છે. વળી સંજય નાનો હતો ત્યારથી તેઓ એના તરંગી સ્વભાવને જાણે છે. આથી તેઓ વિચારે છે – સંજુ હમણાંથી આયુર્વેદના રવાડે ચડ્યો લાગે છે. કવિતાના રવાડે ચડે ત્યારેય એને ખાવા-પીવાનું ભાન ના રહે.’ રસોડાનું કામ આટોપીને પથારી કરી ચાદર પાથરતાં અમૃતાને થયું – બાને સંજયના આ રોગની ખબર ન પડવા દેવી એ ખૂબ અઘરું કામ છે. બા પણ સંજયની મા છે, હોશિયાર છે. તેઓ કશીક શંકા કરતાં તો થઈ ગયાં છે. ક્યારેક બા પૂછે છે – ‘અમૃતા, વારેઘડીએ સંજય આટલી બધી દવાઓ શાની લે છે?’ સવાલ સાંભળતાં જ સંજય હોઠે આવ્યું એ બહાનું બોલી નાખે છે – ‘એ તો બા, ચેસ્ટ ઇન્ફેક્શન થઈ ગયું છે ને…' ‘ગુજરાતીમાં બોલ. તો સમજાય.’ તત્ ફફ્ થશે એવું સંજયને લાગ્યું પણ તરત જે સૂઝ્યું એ બોલી ગયો ‘ડૉ. મંદારે કહ્યું છે કે મારી પાંસળીઓમાં પાણી ભરાઈ ગયું છે તે લાંબો વખત દવા લેવી પડશે… એટલે તો હું હમણાં હમણાંથી બાફેલું ખઉં છું…' ‘એમ બોલને ત્યારે, અંગ્રેજી ફાડ્યા વિના…’ કહેતાં બા ચાલ્યાં તો ગયાં પણ એમણે છોડેલા નિ:શ્વાસમાં કશોક અસંતોષ મૂકતાં ગયાં. જે સંજયે અનુભવ્યો. થયું – પણ આમ ક્યાં સુધી બાથી છુપાવી શકાશે? બ્લડ-રિપોર્ટની મોટી થતી જતી ફાઈલ એમના હાથમાં આવશે ત્યારે? રોગ આગળ વધશે ત્યારે? કિમોથૅરપી શરૂ થશે ત્યારે? ખબર પૂછવા આવનારની સંખ્યા વધતી જશે ત્યારે? ચામડીનો રંગ બદલાઈ જશે ત્યારે? માથાના બધા વાળ ખરી પડશે ત્યારે?

ચાદરની સળ સરખી કરતાં અમૃતાનું ધ્યાન ગયું – રૂપા સંજયની રૂમનું બારણું ખખડાવતી હતી! અમૃતા તરત દોડી. દબાયેલા અવાજે રૂપાને કહ્યું – ‘પપ્પા વઢશે, બારણું ખખડાવીશ નહિ.. પપ્પા અંદર લખે છે, ખબર છે ને? પપ્પા લખતા હોય ને ડિસ્ટર્બ થાય તો કેવા ચિડાઈ જાય છે…’ છતાં રૂપાએ તો એનું થોબડું ફુલાવીને વળી બારણું ખખડાવ્યું – ઠક ઠક્ ઠક્. તરત અમૃતાએ એનું બાવડું પકડ્યું ને દૂર લઈ જાય એ પહેલાં તો કિચૂડ અવાજ સાથે બારણું ખૂલ્યું. ‘હું નહિ...’ અમૃતા ગભરાયેલા સાદે બોલી, ‘ના પાડી તોય આ તમારી દીકરી ખખડાવતી'તી…’ ધીમેથી, પ્રેમાળ અવાજે સંજય બોલ્યો : ‘શું છે, રૂપા બેટા?’ અમૃતાની નવાઈનો પાર ન રહ્યો. કવિતા રચતાં એ ડિસ્ટર્બ થયો છતાં જરાય ગુસ્સો નહિ! આ ખરેખર સંજય જ છે?! કે પછી બીજું કોઈક? અમૃતાનું હૃદય ઇચ્છતું હતું કે સંજય સખત ગુસ્સે થાય અને પોતાને તથા રૂપાને ધમકાવે... ‘પપ્પા...’ ‘હં… બોલો, બેટા…’ ‘તમે અત્તારે મારી સાથે સૂઈ જાઓ ને.’ ‘અત્યારે હું કામમાં છું બેટા, મમ્મી જોડે સૂઈ જા ને... મમ્મી તને થપેડીને સુવાડશે હોં!’ રૂપાનું થોબડું વધારે ફૂલ્યું – ‘ના… મમ્મી નહિ. આજે તમે મારી જોડે સૂઈ જાવ…’ ‘સારું બેટા, તો ચાલો આપણે સૂઈ જઈએ.’ કહી રૂપાનો હાથ ઝાલી, રૂપા દોરે તેમ સંજય ચાલવા લાગ્યો. ને અમૃતા તરફ ફરીને એ બોલ્યો – ‘મારા રૂમની લાઇટ બંધ કરી દે અને… કાલે બારણાંનાં મજાગરાંમાં જરી તેલ પૂરી દેજે. એનો કર્કશ અવાજ મારાથી સહન નથી થતો…’ રૂપાની સાથે સંજય સૂઈ ગયો ને હળવેથી રૂપાને ચોક્કસ લયમાં થપેડવા લાગ્યો. આ દૃશ્ય જોઈ અમૃતાને લાગ્યું, કવિતા પૂરી થઈ ગઈ લાગે છે… કેવો સંતોષ દેખાય છે સંજયના ચહેરા પર! એણે પૂછ્યું – ‘કવિતા પૂરી થઈ? ક્યારે સંભળાવે છે?’ ‘ના. એ કવિતા કદાચ બાકીય રહી જાય…' ‘તો રૂપાને હું સુવાડું છું.’ ‘કવિતા રચવા કરતાંય આ ક્ષણે હું વધારે અગત્યનું કામ કરી રહ્યો છું...’ મનોમન સંજય બોલ્યો – થોડા સમય પછી મારી લાડકી રૂપા પપ્પા વગરની થઈ જશે... એ પછી તો એ કોઈને કહેવાની નથી કે પપ્પા, મારી જોડે સૂઈ જાઓ ને… અમૃતાએ સંજયની વિચારધારા તોડી – ‘પણ આ કવિતા ક્યાંક અધૂરી જ રહેશે તો?’ ‘જિંદગીમાં કેટલાંક કામો અધૂરાં જ રહેવા નથી સર્જાતાં? જેટલું થઈ શકે તેટલું કરવું… બાકી રહી જાય એનું દુઃખ નહિ રાખવું… સભાનતાપૂર્વક હું સાક્ષીભાવ કેળવવા મથું છું, અમૃતા… ને તારેય મથવું જોઈએ…’ અમૃતા મનોમન બોલી – હું કેટલું મથું છું એ તો માત્ર મારું જ મન જાણે છે. ‘અમૃતા…’ બાનો અવાજ આવ્યો. ‘એ આવી બા...’ બા પાસે જતાં હમણાં હમણાંથી અમૃતાને ખૂબ બીક લાગે છે – સંજયના રોગ બાબતે બા ક્યાંક કશુંક પૂછશે તો? ‘બીજાનાં શ્રાદ્ધ ના કર્યાં તો કંઈ નહિ, પણ કાલે સંજયના બાપુજીનું શ્રાદ્ધ કરવાનું છે ને ફોઈને જમવાનું કહી દે.’ ‘હા, બા… ફોન પર કહી દઉં છું.’ કહી અમૃતા ઉતાવળે પાછી જવા લાગી… ‘અને પૂરું સાંભળ, પાછી ક્યાં જાય છે?’ અમૃતા પાછી ફરી. ‘કાલ સવારે દૂધની કોથળીઓ વધારે લેજે. કાલે બાસુદી હું બનાવીશ. તારા સસરાને બાસુદી બહુ ભાવતી… ને તપેલી પર તળિયે ચોંટેલા કપોડાંય. સંજયની જેમ એય ફરસાણના શોખીન હતા. તે બટાકાવડાં કે ગોટાય કરજે. ને કઠોળમાં… મગની છૂટી દાળ. ના, મગની દાળ કરતાં ચણા પલાળી દે. કાબુલી ચણા ના પલાળીશ. તારા સસરાને દેશી ચણા બહુ ભાવતા… એ કહેતા – કાબુલી ચણા દેશી ચણા જેટલા મીઠા ના લાગે.’ ‘સારું બા' કહેતી અમૃતા રસોડામાં ગઈ. ચણા પલાળતાં એક ખરાબ વિચાર પણ આવી ગયો. ‘સસરાના શ્રાદ્ધ બાબતે બા જે રીતે વાત કરે છે એ રીતે કદાચ… બે-ચાર વર્ષ પછી સંજયના શ્રાદ્ધ બાબતે વાત કરી શકશે?’ અમૃતા કંપી ગઈ… આવો ખરાબ વિચાર આવ્યો જ કેમ?! મગજનેય સાવ ખાલી કરી દઈને માંજી શકાતું હોય તો? રૂપા આખો દિવસ ધમાલ કરીને એટલી બધી થાકી ગયેલી કે પડતાંવેંત ઊંઘી ગઈ. સંજય ઊભો થઈને એની રૂમમાં ગયો. લાઇટ કરી. રૂમમાં ઊભેલા કોઈ ઓળા બારીમાંથી કૂદી કૂદીને બહાર નાસી ગયા હોય એવો આભાસ થયો. ત્યાં વિસ્મયના રડવાનો અવાજ આવ્યો. તરત અમૃતા રસોડામાંથી દોડી આવીને વિસ્મયને હીંચોળવા લાગી. સંજયની રૂમમાં લાઇટ બંધ થઈ. સંજય આવ્યો ને અમૃતાના હાથમાંથી દોરી લઈ વિસ્મયને હીંચોળવા લાગ્યો. ‘તું કવિતા પૂરી કર; વિસ્મયને હું –’ ‘ના, અમૃતા… મને હીંચોળી લેવા દે જીવ ભરીને… કદાચ થોડા સમય પછી ક્યાંક…’ સંજયના હોઠ પર આંગળીઓ દાબતાં અમૃતા બોલી – શ્ શ્ શ્ શ્... બા ક્યાંક સાંભળશે… અને પ્લીઝ, શુભ શુભ બોલ…’ અમૃતાને યાદ આવ્યું – લગ્ન પછી સિમલા ગયેલા... ત્યાં પોતે હીંચકા પર બેઠેલી... ને સંજય જોર જોરથી હીંચકા નાખતો... હીંચકો છેક ઉપર જાય ત્યારે ક્ષિતિજરેખા પૂરા ભૂ-દૃશ્ય સાથે નીચે સરી જતી ને હીંચકો નીચે ઊતરે ત્યારે ક્ષિતિજરેખા ઉપર ચઢતી.. ક્ષિતિજરેખાય જાણે કોઈ પરિઘ પર હીંચકા ખાતી…! ‘ધીમે નાખ… સંજુ… મને બીક લાગે છે...’ પોતે બૂમો પાડતી રહેલી… ને સંજય વધારે જોરથી હીંચકા નાખતો રહેલો... અત્યારેય અમૃતાને મન થઈ આવ્યું – ફરી પાછા સિમલા જઈએ ને ફરી સંજુ પોતાને મોટ્ટા હીંચકા નાખે...