વાસ્તુ/13

From Ekatra Wiki
Jump to navigation Jump to search
તેર

વૉશબેસિનના દર્પણ સામે ઊભા રહી એક દિવસની વધેલી દાઢી પર શેવિંગ બ્રશ ફેરવતાં સંજયને યાદ આવ્યું – માથાના વાળનો જથ્થો ઓછો થઈ ગયો ત્યારે સંજયે વધારેલી દાઢી કાઢી નાખેલી. બીજે દિવસે એ કૉલેજ પહોંચ્યો ત્યારે – ‘સર, દાઢી નકામી કાઢી નાખી', અપર્ણાએ કહેલું, ‘દાઢીમાં તમે કવિ જેવા લાગતા'તા.’ ‘હા, હા, સર, દાઢી નકામી કાઢી નાખી.’ તન્મય-કિન્નરીએ પણ સૂર પુરાવ્યો. ‘દાઢી નથી એટલે હવે હું કવિ નથી એમ ને?’ હસતાં હસતાં સંજય બોલ્યો. ‘દાઢી વગર તમારું હસવુંય જુદું લાગે છે, સર!' મુદિતા. ‘હા, સર, ફરી દાઢી વધારો ને…' કિન્નરી. દાઢીના વાળ પસવારવાની ટેવ તે આ વાતો દરમ્યાન સંજયનો હાથ દાઢી તરફ ગયો ને દાઢીની ગેરહાજરી પસવારતાં ભોંઠો પડ્યો. વિદ્યાર્થીઓનું ટોળું ખડખડાટ હસી ઊઠ્યું. ‘દાઢી પસવારતી વખતે તમે ફિલૉસૉફર જેવા લાગો છો, સર, દાઢી ફરી વધારો.’ હસતાં હસતાં સંજયે કહ્યું, ‘મોહ-માયાથી હવે મારે ધીરે ધીરે પર થવું જોઈએ ને… શરૂઆત દાઢીથી કરી…! થોડો વખત પછી કદાચ માથાના આ બધા જ વાળ પણ ખરી પડશે...’ બધાં એકદમ ગંભીર થઈ ગયાં. જાણે સંજયના મોતનું પ્રતિબિંબ આ વિદ્યાર્થીઓના કુમળા ચહેરા પર પડ્યું…! સંજય એના વિચારો રજૂ કરવામાં જ પૂરો તન્મય હતો – શરીરનો મોહ છૂટે એ માટે જ કદાચ આ રોગ તથા કિમોથૅરપી – વાળ ખેરવી દેતાં હશે ને ચામડીનો રંગ બદલી નાખતાં હશે… આ રોગ બધા જ વાળ ખેરવી દે એ અગાઉ હું જ માથે ટકો કરાવી દઈશ… આ રોગનેય હું હંફાવીશ ને મોતનેય. આસાનીથી જીતવા નહિ દઉં. અને…’ એક શ્વાસ લઈને એણે ઉમેર્યું – ‘મોતનીયે પૂર્વતૈયારી તો કરવી પડે ને?’ ને મુદિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. અમિત-અપર્ણાની આંખોમાં ઝળઝળિયાં ડોકાયાં. કિન્નરી અને તન્મય અત્યંત ગંભીર બની ગયાં. સંજયે સંકલ્પ કર્યો– વિદ્યાર્થીઓ આગળ રોગ બાબત કશું બોલાઈ ન જાય એય હવે જાળવવું જ રહ્યું.

આ શેવિંગ ક્રીમ થોડું વધારે આવી ગયું હશે. બેય કાન પાસેની કલમોથી છેક ગળાના હૈડિયા સુધી ફીણ ફીણ થઈ ગયું. ફીણમાંથી આવતી લીંબુ જેવી ગંધના કારણે બે-ત્રણ છીંકો આવી ગઈ. રેઝરમાં બ્લેડ બદલી. પછી કાન પાસેની કલમથી શરૂ કરીને નીચે સુધી રેઝર ફેરવ્યું. દર્પણમાં જોયું – ફીણ વગરનો ચોખ્ખોચણક એક લાં...બો લંબચોરસ પટો ચહેરા પર દેખાયો. સંજયને એક જૂની જાહેરાત યાદ આવી ગઈ – દાઢી કરતી વેળા સુનિલ ગાવસ્કરને આવા લાંબા પટ્ટામાં ક્રિકેટની પીચ દેખાતી ને કોઈ બૉલ ફેંકતું ને એ કવરડ્રાઇવ લગાવતો. સંજયનેય ફીણ વગરનો આ લંબચોરસ પટો કંઈક જુદો દેખાયો. ધારીને એણે જોયું. એ લાંબા પટ્ટામાં ક્રિકેટની પીચના બદલે જાણે મરણનો ઓછાયો દેખાયો! એ જ પટા પર એણે ફરીથી રેઝર ફેરવ્યું. એમ કરવાથી જાણે મરણની છાયાય દાઢીના વાળની જેમ દૂર થઈ જવાની ન હોય! દાઢી થઈ ગયા પછીય એણે ધ્યાનથી દર્પણમાં જોયું. આખાયે ચહેરા પર જાણે મરણની છાયા હતી! પછી નજીકનાં ચશ્માં ચઢાવીને ધ્યાનથી જોયું – ‘ચામડીનો રંગ થોડો બદલાયેલો લાગે છે.’ હાથની ચામડી જોઈ. ‘હા, ચામડીનો રંગ થોડો બદલાયો છે.’ ત્યાં અમૃતા દાખલ થઈ, હોઠ સુધી શબ્દો આવી ગયા – ‘જો તો અમૃતા. મારી ચામડીનો રંગ કંઈક જુદો લાગે છે?’ પછી થયું, ના, આ પ્રશ્ન અમૃતા માટે નથી. આ સવાલ ડૉક્ટર મંદાર માટે છે. બપોરે બધાં જમી રહ્યાં. અમૃતાએ રસોડું આટોપી લીધું. વિસ્મયને બે-ત્રણ થપ્પડો મારી, રોવડાવીને ઊંઘાડી દીધો. સવારથી તે ઊંઘે ત્યાં સુધી અમૃતાને કામ ને કામ કરતી જોઈ સંજયને થાય છે – અમૃતાને કદાચ નોકરી મળે તો એની ચોવીસ કલાકની ઘરની ‘ડ્યૂટી' કોણ સંભાળે? અમૃતા નવરી પડતાં જ સંજયે કહ્યું, ‘અમૃતા...’ ‘હં...' કૉન્ટ્રાક્ટરના ભરોસે બધું છોડી ન દેવાય. ભલે એ મારા ખાસ મિત્રનો ખાસ મિત્ર છે. મકાનનું કામ શરૂ થઈ ગયું છે. આજે રજા છે તો સાઇટ પર જઈ આવીશું?’ આમ પૂછ્યા પછી મનોમન સંજયને થયું – જિદ્દી ને રિસાળ અમૃતા હમણાં મોં મચકોડીને ઘર બાંધવા અંગેના એના વિરોધને વળી જસ્ટીફાઈ કરવા લાગશે… પણ આનાથી ઊલટું થયું. એનાં બેય પોપચાં આશ્ચર્યથી પહોળાં થઈ ગયાં, ભમરો ઊંચકાઈ, ગોળમટોળ કીકીઓ ચમકી ઊઠી – ‘હેં?! ના હોય! તો ચાલ, અત્યારે જ જોવા જઈએ, હું કપડાં બદલી લઉં…' સંજય અમૃતાને તાકી રહ્યો. જાણે અમૃતાથી અત્યંત દૂર જઈને એને અવલોકી રહ્યો – અમૃતાનો આ ઉત્સાહ-ઉમંગ બનાવટી તો નથી ને? હું હંમેશાં રાજી રહું, ખુશ રહું એ માટે એણે એની રીસ, જીદ, મિજાજ.. બધું જ છોડી દીધું? મારા આ રોગના કારણે અમૃતાનું સમગ્ર વ્યક્તિત્વ જાણે સાવ બદલાઈ ગયું છે! સંજયનું મન આ ક્ષણે ઝંખતું હતું – મકાન બાબત અમૃતા દલીલ પર દલીલ કરે, વિરોધ કરે, ઝઘડે, અકળાય, રિસાય, મોં મચકોડે, પગ પછાડે… પોતાની છાતી પર હળવેથી એની મુક્કીઓ લગાવે… એટલી વારમાં તો અમૃતા તૈયાર થઈને દુપટ્ટો સરખો કરતી આવીયે ગઈ! તૈયાર થતાં આટલી ઓછી વાર?! અને એય અમૃતાને?! આ શું અમૃતા જ છે?! પતિ સાથે ગાળવાની એક પળ પણ તૈયાર થવામાં બગડે એ હવે અમૃતાને પોસાય તેમ નહોતું. શેષ સમયની દરેકે દરેક ક્ષણ એ ભરપૂર જીવી લેવા માગતી હતી. સંજયના મનમાંય અનેક સવાલો કોબ્રાની જેમ ફૂંફાડા મારતા – હવે મારી જિંદગીમાં કેટલો સમય રહ્યો હશે શેષ? કેટલા બાકી હશે હજીયે શ્વાસ?! કોના માટે બાકીનું આ જીવવાનું? માત્ર પોતાના માટે? માત્ર સાહિત્યસર્જન માટે? આત્માના ઉદ્ધાર માટે? કોણે જોયો છે આવતો જન્મ? બાકી રહેલા શ્વાસોમાંથી કેટલા શ્વાસ સાહિત્ય માટે? કેટલા શ્વાસ બા માટે? કેટલા શ્વાસો બાળકો માટે? ને કેટલા શ્વાસ મારી અ-મૃ-તા માટે? કેટલા શ્વાસ મારા જ શ્વાસ માટે? ‘હું તો તૈયાર થઈ ગઈ ક્યારની… શું વિચારમાં પડી ગયો?’ ‘હં. ચાલ, બાને કહી દે કે આપણે જઈએ છીએ.’ શર્ટનું છેલ્લું બટન બંધ કરતાં સંજયે કહ્યું. ‘ઇનશર્ટ કેમ ન કર્યું?' ‘ચાલશે...’ ‘ના, ચાલશે શું કામ? તું જ કહેતો – મારી ડિક્શનેરીમાં ‘ચાલશે’ શબ્દ નથી… ઇનશર્ટમાં તું વધારે સ્માર્ટ લાગે છે… ઇનશર્ટ કરીને પટ્ટો ફિટ કરતાં સંજયને થયું – વજન થોડું ઘટ્યું લાગે છે. પટ્ટાનું બક્કલ આ કાણાને બદલે અહીં ભરાવવું પડે છે. ‘બા, અમે નવા ઘરનું કામ જોવા જઈએ છીએ… દૂધ પિવડાવીને વિસ્મયને હમણાં જ સુવાડ્યો છે…’ બોલતી અમૃતા બહાર નીકળી. સંજયે સ્કૂટર નમાવ્યું. હાથને – બાવડાંને સ્કૂટરનું વજન અનુભવાયું. કિક મારી. સ્કૂટર ચાલુ થવાને બદલે ગુર્રર અવાજ કરીને અટકી ગયું. ‘સ્કૂટર સર્વિસમાં આપવું પડશે’ – વિચારતાં સંજયે ફરી જરા જોરથી કિક મારી. સ્કૂટર ચાલુ થયું. એક્સલરેટર જરી વધારે રાખ્યું. સ્કૂટરનો અવાજ સાંભળી રૂપા ક્યાંયથીયે દોડતી આવી ચડી ને હાંફતાં હાંફતાં બોલી – ‘પપ્પા, આંટો...?’ ‘અત્યારે અમારે મોડું થાય છે…’ છણકો કરતાં અમૃતા બોલી, ‘સ્કૂટરનો અવાજ સાંભળ્યો નથી કે ક્યાંયથીય ટપકી પડે છે... પાછા આવ્યા પછી પપ્પા ખવડાવશે આંટો...’ ‘નાઆઆઆ… અત્તારે…’ ‘રૂપાને આંટો ખવડાવી લેવા દે અમૃતા… કદાચ...’ એ પછીના શબ્દો પર એણે બ્રેક મારી.. સંજયના ડાબા હાથ નીચેથી જરી નમીને તરત સ્કૂટરના આગલા ભાગમાં રૂપા ગોઠવાઈ ગઈ. સંજયે ગિયર બદલ્યું. ગિયર કાઠું થઈ ગયું હોય એવું લાગ્યું. છેક ચાર રસ્તા સુધી ખાસ્સો મોટો આંટો ખવડાવ્યો. પાછા આવતાં જ રૂપા સ્કૂટર પરથી ઊતરીને દોડી ગઈ… અમૃતા સ્કૂટર પાછળ બેસી ગઈ ને સ્કૂટર ઊપડ્યું. અનેક રસ્તાઓ પાર કરતું દોડવા લાગ્યું. રસ્તામાં એ બધી જગ્યાઓ આવી. પ્રેમમાં પડેલાં ત્યારે જે બસસ્ટૅન્ડે મળવાનું ગોઠવતાં એ બસ-સ્ટૅન્ડ, એ રેસ્ટોરાં, કૉલેજમાં ગાપચી મારીને જ્યાં ફિલ્મો જોતાં એ થિયેટર, બગીચાની બહારનો એ અંધારો રોડ... જ્યાં સ્કૂટર પાર્ક કરીને બેસતાં… જ્યાં પ્રણય પાંગર્યો હતો એ કૉલેજ, કૉલેજ બહારનો એ લીમડો, કૉલેજનું એ પાર્કિંગ સ્ટૅન્ડ... સજીવા એ દિવસો… એ સમય. ચ્યુઇંગમની જેમ વધુ સમય મોંમાં રાખી શકાતા નહિ. કારણ? – મેઇન રોડ સિવાયના અનેક રોડ પર ‘પૅથૉલૉજી લેબોરેટરી’ કે કૅન્સર સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરોનાં પાટિયાં જોતાં અમૃતા ધબકારા ચૂકી જતી… ને એ નીચી નજર ઢાળીને સ્કૂટર નીચેથી પાછળ પસાર થઈ જતા રોડને જોઈ રહેતી. સીટી-વિસ્તાર પૂરો થયો. ‘કેમ કંઈ બોલતી નથી?’ ‘શું બોલું?’ ‘અમૃતા…’ ‘હં?’ ‘કેમ આટલી દૂર બેઠી છે? આપણે પ્રેમમાં પડ્યાં ને લગ્ન નહોતાં થયાં ત્યારે તું સ્કૂટર પાછળ બેસતી એ રીતે બેસ ને?’ ‘હવે બે છોકરાંની મા છું' – કહેતી અમૃતા જરી નજીક સરી. સ્કૂટરને જરી આંચકો આવ્યો. સમતોલન જરી ડગ્યું ને પછી જળવાઈ ગયું. અમૃતાએ એનો હાથ વેલની જેમ સંજયને વીંટાળ્યો ને એની પીઠ સાથે છાતી દબાય એમ બેઠી તો ખરી. પણ... છાંટો સરખોયે રોમાંચ અનુભવાતો નહોતો. શ્વાસનો કે લોહીનો લય જરીકે બદલાતો નહોતો. શું સંજય આ ક્ષણે અનુભવતો હશે કશો રોમાંચ?! પણ એને લગ્ન અગાઉના પ્રણયજીવનના એ દિવસો સાંભર્યા, સ્કૂટર પરનું એ ફરવું સાંભર્યું એય શું નવાઈની વાત નથી? It's a something… – ને અમૃતાએ એ દિવસોની જેમ પાછળથી સંજયના કાન પર હળવું બટકું ભર્યું... ને કહ્યું – ‘આપણે ફરી એ દિવસોમાં પહોંચી ગયા, નહિ?’ જવાબમાં સંજય ફિલ્મીગીતની પંક્તિ ગાવા લાગ્યો – ‘ચલો એક બાર ફિરસે અજનબી બન જાયેં હમ દોનો..’ તાજા પ્રેમીઓની જેમ બંને સાઇટ પર પહોંચ્યાં. દીવાલો ખાસ્સી ચણાઈ ગયેલી. બારીઓ હજી મુકાઈ નહોતી તે એટલો લંબચોરસ ભાગ છોડીને ચણતર કરેલું. પ્લાસ્ટર હજી બાકી હતું. તાજા છાંટેલા પાણીથી તડકામાં ચમકતી કિરમજી ઈંટો વચ્ચે સિમેન્ટની આડી-ઊભી રેખાઓ સરસ ડિઝાઇન રચતી. એક મજૂરણ પાણી છાંટેલી ભીની ઈંટોની થપ્પીઓ એક તબડકામાં માથે ઊંચકીને લાવતી હતી. કોઈ મજૂરણ માલ બનાવતી હતી. કડિયો માલ બની રહે એની રાહ જોતો, બીડી પીતો એ મજૂરણને તાકી રહેલો. દૂ...૨ સિગારેટ પીતો કૉન્ટ્રાક્ટર સંજય-અમૃતાને જોતાં જ સિગારેટ ફેંકી દઈ આ તરફ આવ્યો ને વગર પૂછ્યે કેમ આટલું બધું મોડું થયું એના ખુલાસા કરવા લાગ્યો – ‘સિમેન્ટની થેલીઓ નોંધાવી તો હતી પણ ટ્રક-હડતાલ નડી. રેતીનું ટ્રૅક્ટર આવ્યું પણ ઝીણી રેતીના બદલે જાડી રેતી આવેલી… એ અગાઉ સ્કિલ્ડ કડિયો માંદો થઈ ગયેલો.. પછી ચૌદસ-અમાસ નડ્યાં… ‘એ પછી એક મજૂરણ માંદી પડેલી તે આવતી નહોતી તે કડિયોય આવીને પાછો જતો રહેતો. પછી મૂછમાં હસતાં કૉન્ટ્રાક્ટરે ઉમેર્યું, ‘એ મજૂરણ વગર કડિયાને ગમે તેટલી તીસ નંબર કે ધોળી પીવા છતાંય મૂડ નહોતો આવતો.’ અમૃતા-સંજયને રસ પડ્યો. ‘એ કડિયો પણે પેલી માલ બનાવે છે ને એ મજૂરણના પ્રેમમાં છે...’ અમૃતાએ નજર નાખી. એ મજૂરણ કાળી પણ ઊંચી ને ઘાટીલી હતી. ઊંચા વાળેલા કાછોટા તળે મજબૂત સાથળ થરથરતા દેખાતા. મોટી મોટી કાળી ચમકતી આંખોમાંય જાણે કશીક ચુંબકશક્તિ હતી. ભમરોય ઘાટીલી હતી. લિપસ્ટિક સિવાય, લારીઓમાં મળતી સસ્તી ચીજો – ચાંલ્લા, નખ રંગવાની શીશી, ખોટાં ઘરેણાં વગેરે એની ગરીબી સાથે ને યુવાની સાથે મૅચ થતી! ‘જાઓ.’ કારીગરો તરફ જોતાં ઊંચા અવાજે કૉન્ટ્રાક્ટરે બૂમ પાડી, ‘હવે બધાં જમી લો...’ ‘એ કડિયો જ મજૂરણને ચાહે છે કે પછી મજૂરણ પણ પ્રેમ કરે છે એને?’ અમૃતાએ પૂછ્યું. કારણ કે કોઈ આ કડિયાના પ્રેમમાં પડે એવું કશું તો એનામાં દેખાયું નહિ. વધારે પડતું લાંબું મોં, સહેજ ત્રાંસી આંખો, લબડી પડેલું નાક, માથાના પાછલા ભાગમાં ગોળમટોળ ટાલ, દૂબળોપાતળો દેહ, સોટા જેવા હાથ-પગ... બીડી પીધા કરે ને ખોંખોં કર્યા કરે. ‘એ મજૂરણનું તો એવું છે ને બેન’, કહેતાં કૉન્ટ્રાક્ટર જરી અટક્યો, હોઠ સુધી આવી ગયેલી ગાળ ગળી ગયો ને પછી બોલ્યો, ‘કે હું કાલથી કડિયો બદલી નાંખું તો એ નવા કડિયાના પ્રેમમાં પડે... ગમે તે રીતે એના બૉસને એ પોતાનો કરી લે ને પછી ગમે તેવો બૉસ એની આગળ પૂંછડી પટપટાવતો થઈ જાય...' સંજયના મનમાં આ મજૂરણ વિશેની એક વાર્તા ક્લિક થઈ. સંજયે જોયું – ઝીણી કપચીના ઢગલા પર ત્રણેક મજૂરણો અને બે મજૂરો પોતપોતાનાં ઍલ્યુમિનિયમના બે નાના ડબ્બાવાળાં ટિફિન ખોલીને જમતાં હતાં. એકાદના ટિફિનમાં રોટલા ઉપરાંત શાક હતું. બાકીનાં જાડા જાડા જુવાર કે મકાઈના રોટલા ડુંગળી કે ગૉળ સાથે રસથી ખાતાં હતાં. એ જોઈ અમૃતાએ સંજયને કહ્યું – ‘આ લોકો માટે એક બાટલીમાં અથાણું લઈ આવ્યાં હોત તો સારું થાત. હવે તું આ તરફ આવે ત્યારે યાદ કરજે. હું અથાણું ભરી આપીશ...’ સંજયે જોયું તો પેલી મજૂરણ જમી રહ્યા પછી ઢગલામાંથી ઝીણી ઝીણી કપચીઓ લઈને પેલા કડિયાને મારતી હતી ને આંખો નચાવતી દાંત કાઢતી હતી! અમૃતા એની પાસે પહોંચી ગઈ. પૂછ્યું – ‘શું નામ તારું?’ ‘સીતા.’ ‘પરણેલી છે?' ‘ના, કુંવારી.’ આ સાંભળી બાકીની મજૂરણો ખડખડાટ હસી. ‘ઈંમોં દોંત હું કાઢો સો?’ ડોળા કાઢતી સીતા બોલી. ‘કોની હારે લગન કરવાની?’ અમૃતાએ પૂછ્યું. ‘મને ચ્યોંથી ખબૅર?’ ‘આ કડિયા સાથે નથી પરણવું?’ વળી બધાં દાંત કાઢી ઊઠ્યાં. ‘એ પીટ્યો તો પઈણેલો હ.. ને તૈણ હવાહૉરિયોંનો બાપ હ…’ ‘ચાલ, અમૃતા…’ સંજયે બૂમ પાડી, ‘પાછા જઈશું?’ ઘરના ‘નકશા’ કરતાં અહીં અમૃતાને વધારે ચોખ્ખું ચિત્ર મળ્યું. ધીમું ધીમુંય, વચ્ચે વચ્ચે ગાબડાં સાથેય, કામ ચાલે છે... અને જે કંઈ કામ થાય છે તે સારું થાય છે એ જોઈ સંજય પ્રસન્ન હતો. બંને ઘરે પાછાં ફર્યાં. પાછાં ફરતાં સ્કૂટર પર પ્રેમીઓની જેમ બેસવાનું કોઈનેય યાદ ન આવ્યું! ઘર બાબતે બાએ ઘણીબધી ઝીણી ઝીણી વિગતો પૂછી. જેમ કે – ‘પાયા પૂરતા ઊંડા ખોદેલા?’ ‘સિમેન્ટનું પ્રમાણ બરાબર હતું?’ ‘ચણતરમાં જાડી રેતી વાપરેલી કે ઝીણી?’ ‘ને પ્લાસ્ટરમાં?’ ‘સળિયાની જાડાઈ બરાબર ગણી છે કે નહિ?’ બાને આવી બધી જાણ ક્યાંથી? સ્ટ્રક્ચરની ગણતરી બાબતેય તેઓ સભાન?! એમના જમાનામાં તો આરસીસી સ્ટ્રક્ચર જેવું કશું હતું નહિ! નવાઈ સાથે સંજયે પૂછ્યું – ‘બા, ઘર બાબત તમને આ બધી જાણકારી ક્યાંથી? કોણે શીખવ્યું?’ ‘કોઈ વળી શું શીખવતું’તું? આંખ-કાન ખુલ્લાં રાખીએ ને મગજનો ઉપયોગ કરીએ તો બધુંય એની મેળે આવડે.’ શહેરના છેક છેવાડે સાઇટ પર સ્કૂટર પર ગયાં હોવા છતાં સંજયને ખૂબ થાક લાગ્યો. બ્રેક પર પગ રાખવાથી ને ટ્રાફિકમાં અવારનવાર બ્રેક મારવાથી પગના પંજાના સાંધા દુખતા હતા. વારેવારે ગિયર બદલવાથી ડાબા કાંડાના સાંધાય દુખતા ને ઢીંચણ પણ. મનનેય અતિશય ટ્રાફિકનો થાક, ફેફસાંને સખત પ્રદૂષણનો થાક, કાનને ને મગજને ચીસાચીસ કરતાં હોર્નનો થાક… સીધા જ પથારીમાં પડવાનું મન થતું હતું. પણ પેલી મજૂરણની સ્મૃતિએ બધો થાક ઉતારી દીધો. સર્જકતા સંકોરાઈને પ્રજ્વલિત થઈ ઊઠી. સાંજે થોડું જમ્યા પછી એ મજૂરણની વાર્તા લખવા સંજય બેઠો. ઝીણી ઝીણી વિગતોની ગૂંથણી, ચરિત્રચિત્રણ, નાના નાના પ્રસંગો-ઘટનાઓ, પરિવેશની વિગતો, પ્રકૃતિ, સહજ પ્રતીક-કલ્પનો… બધું અનાયાસ વણાતું ચણાતું-ગૂંથાતું હતું… કલમમાં જાણે સરસ્વતીએ અને ગણપતિએ પ્રવેશ ન કર્યો હોય એમ કાગળ પર કલમ દોડ્યે જતી હતી... અમૃતા બધું કામ આટોપીને આવી. ચાદર ઝાટકીને ફરી પાથરી. ઓશીકાં સરખાં ગોઠવ્યાં. એય થાકી ગયેલી તે ટેબલ-લૅમ્પ તરફ પીઠ રાખી ડાબે પડખે સૂઈ ગઈ.. સંજયને થયું, વાર્તા લખવી રહેવા દઈને ઊંઘતાં પહેલાંની ક્ષણો અમૃતા સાથે ગાળે.. પણ સર્જનના નશાને અને મોહને એ છોડી ન શક્યો. થયું, ના, ના, હવે બહુ બાકી નથી… આટલું પતાવી દઉં… ચરિત્રવાર્તા પતાવીને એ અમૃતાની નજીક સૂઈ ગયો. અમૃતા જાગતી જ હતી, એ વેલની જેમ સંજયને વીંટળાઈ વળી. એકમેકની હૂંફમાં થોડી વારમાં જ બેય જણાં ઊંઘી ગયાં. ઊંઘમાંય બેમાંથી એક જણ જરીકે દૂર સરતું નહોતું. શરીરનાં બધાં જ વળાંકો બંધ બેસે એમ બેય એકમેકને વીંટળાયેલાં. ઘણા સમયથી એક પડખે રહેવાથી સંજયને થાક લાગ્યો. એ પડખું, કમર અકડાઈ ગયાં. એ જરી ફર્યો ને સીધો સૂઈ ગયો. અર્ધ ઊંઘમાંયે અમૃતાએ સંજયનો હાથ પોતાની હથેળીઓમાં ઝાલીને છાતીસરસો એવી રીતે જકડી રાખેલો કે જાણે યમદૂત પણ સંજયનો હાથ છોડાવી ન શકે ને નિરાશ થઈને પાછો ફરે... મધરાતે ત્રણેક વાગ્યે બેડરૂમનું બારણું ખખડ્યું. સંજય-અમૃતા ભરનિદ્રામાં હતાં. વળી બારણું ખખડ્યું. બારણું ખખડવાનો અવાજ સાંભળી અમૃતા સંજયની વધારે નજીક સરી. ફરી બારણું ખખડ્યું. સંજય ઊંઘના તળિયેથી સપાટી પર આવ્યો. ઊભો થયો. બારણું ખોલ્યું તો – સાક્ષાત્ બા! કોઈ પાતાળ તળેથી આવતો હોય એવા અવાજે બા બોલ્યાં : ‘સંજુ… અહીં આવજે જરા…’ કોઈ નાના ટેણકાનો હાથ ઝાલીને મા લઈ જાય એમ બા સંજયનેય હાથ ઝાલીને એમના રૂમમાં લઈ ગયાં. પોતાની પથારી તરફ આંગળી ચીંધતાં બાએ કહ્યું, ‘બેસ.’ ‘શું છે બા?’ ‘પહેલાં બેસ.’ સંજય બેઠો. સંજયના ખભે હાથ મૂકીને, આંખમાં આંખ પરોવીને બા બોલ્યાં – ‘મારી આગળ જૂઠું ના બોલતો.’ સંજય અવાક્ બનીને બાને તાકી રહ્યો. ‘મને ઊઠાં ભણાવવાનું રહેવા દેજે.’ પછી હૃદયના સાતમા પાતાળને તોડીને પાણી ઉપર આવે એમ બા બોલ્યાં – ‘બોલ, તને થયું છે શું? કયો રોગ છે? સાચેસાચું કહી દે.’ ગમે તેટલા સખત બાંધેલા બંધ જરીકે કામ ન લાગ્યા. ‘લોહીનું કૅન્સર… બા…!