વાસ્તુ/15
ડૉ. મંદારની ચૅમ્બરમાં સંજય બેઠો છે. ટેબલ પર સંજયના બ્લડરિપોર્ટની ફાઈલ પડી છે… બ્લડ લેવા માટે મંદારનો એક પૅથૉલૉજિસ્ટ મિત્ર દર બે કે ત્રણ દિવસે જરૂર પ્રમાણે સંજયના ઘરે જાય છે. સંજયની ચામડીનો રંગ બદલાયો છે. રોગપ્રતિકારક શક્તિ સાવ ઓછી થઈ ગઈ છે. આંખોની ચમક એવી ને એવી છે પણ આંખો ઊંડી ઊતરી ગઈ છે અને આંખે નંબર આવી ગયા છે. લમણા પાસે ને કાનની ઉપર વાળ સફેદ થવા લાગ્યા છે. વાળનો જથ્થો ખૂબ ઓછો થઈ ગયો છે. રાત્રે, પથારીમાં, સંજયના વાળમાં આંગળીઓ ફેરવતાં એક વાર અમૃતાએ કહેલું – ‘આ વાળ તારા નહિ, પણ કોકના હોય એવું લાગે છે.' ‘થોડા સમય પછી તારે વાળમાં આંગળીઓ ફેરવવાના બદલે કદાચ ટકામાં હથેળી ફેરવવી પડશે.’ કહી સંજય એ રીતે હસેલો કે જાણે એ હવે ધીરે ધીરે સુખ-દુઃખ-પીડા… બધાંથી પર ન થતો જતો હોય! માઇલેરાનનો ડોઝ વધારવા છતાં ઘણી વાર લોહીમાંના શ્વેતકણોની સંખ્યા લાખ-દોઢ લાખથીયે વધી જાય છે. તો ક્યારેક, શ્વેતકણોની સંખ્યા સામાન્યથીય ઓછી થઈ જાય છે ને તરત માઇલેરાનનો ડોઝ ઓછો કરી દેવો પડે છે. સંજયના લોહીમાં હિમોગ્લોબિન ઓછું થતું જાય છે. પ્લેટલેટ્સ પણ અસામાન્ય થતા જાય છે. ક્યારેક ક્યારેક નસકોરી ફૂટે છે ને લોહી ઝટ બંધ નથી થતું. થોડાક શ્રમ માત્રથીયે અતિશય થાક લાગે છે. હાડકાનાં પોલાણમાંય અસહ્ય દુખાવો શરૂ થઈ ગયો છે. સંજયના પેટમાં ડાબી બાજુ જાણે કશીક ગાંઠ જેવું ઊછરતું જાય છે ને પેટની નીચે તરફ ફેલાતું જાય છે… ગર્ભની જેમ જ પોતાના પેટમાં જાણે મરણ ઊછરી રહ્યું છે... વિકસી રહ્યું છે… બધા વિદ્યાર્થીઓ સંજયનું, એના પ્રિય ‘સર’નું ખૂબ ધ્યાન રાખે છે. સંજયનું ઘર તન્મયને રસ્તામાં જ પડે છે. કૉલેજ જતાં એ રોજ એના સરને સ્કૂટર પાછળ લઈ જાય છે ને સાંજે ઘેર મૂકી જાય છે. સંજયે કહેલું, ‘તન્મય, હું એક શરતે તારા સ્કૂટર પાછળ આવીશ. પેટ્રોલના પૈસા…' તરત તન્મય કાળઝાળ ગુસ્સે – ‘તમે જો સર ન હોત ને માત્ર મારા મિત્ર હોત તો સખત ઝઘડો કરત તમારી સાથે.’ સંજયનો ખોરાક ઓછો થતો જાય છે. ભૂખ ઓછી થઈ ગઈ છે. ટુકડે ટુકડે થોડું થોડું રસથી જમે છે. રિસેસ માટે અમૃતા નાનકડા ડબ્બામાં કંઈ ને કંઈ નાસ્તો ભરી આપે છે તે છતાં કિન્નરી-મુદિતા ખાખરા-જીરાળુ વગેરે નાસ્તા સાથે હાજર થઈ જાય છે – ‘સર, બહારના ખાખરા સારા નહિ. મારી મમ્મી સરસ ખાખરા બનાવે છે. જીરાળુ ને મેથીનો મસાલોય ઘરે જ બનાવે છે. મમ્મીએ તમારા માટે ખાસ, નહિ જેટલું જ મરચું નાખીને આ મેથીનો મસાલો બનાવ્યો છે...’ કિન્નરી-મુદિતા-તન્મય-અપર્ણા-અમિત બધાંય હવે નડે નહિ એવો ને પચવામાં હળવો નાસ્તો લાવતાં થઈ ગયાં છે. અપર્ણા-કિન્નરી તો અમૃતા સાથેય ઝઘડેલાં – ‘તમારે સરને નાસ્તાનો ડબ્બો આપવાની જરૂર નથી. કૉલેજમાં અમે નથી? કૉલેજમાં સરનું ધ્યાન અમે જ રાખીશું.’ કૉલેજસમય દરમ્યાન કોઈ દવા લેવાની હોય તોપણ ભુલકણા પ્રોફેસર ભૂલી જાય એ અગાઉ જ એમનાં શિષ્યો આવી આવીને પૂછી જાય છે – ‘સર, દવા લીધી?’ સંજયના વિદ્યાર્થીઓની આ ટોળકીમાંથી એકાદ-બે તો રોજ મોડી સાંજ સુધી ક્યારેક રાત સુધી હાજર રહે છે. દવાઓ કે કરિયાણું ખરીદવાથી માંડીને લાઇટનું બિલ ભરવા સુધીનાં બધાં જ બહારનાં કામો અમિત કે તન્મય પતાવે છે. અપર્ણા-મુદિતા-કિન્નરી રસોઈથી માંડીને ઘરના કોઈ પણ કામમાં અમૃતા તથા બાની મદદે લાગી જાય છે. ક્યારેક કામવાળી ન આવી હોય ને અમૃતા ‘ના’ પાડે છતાંય અપર્ણા કે કિન્નરી કે મુદિતા વાસણ- કપડાં કે પોતાં કરવાના કામમાં લાગી જાય. રજાના દિવસેય આમાંથી કોઈ ને કોઈ તો સવારથી જ આવ્યું હોય. આ બધાં જ વિદ્યાર્થીઓ જાણે ઘરનાં જ સભ્યો બની ગયાં છે. અપર્ણા-કિન્નરી રસોઈ સરસ બનાવે. આથી મોટે ભાગે એ રસોઈના કામમાં લાગી જાય. એક વાર અપર્ણા રોટલી કરતી હતી. બા પૂજા કરતાં હતાં. તન્મય કિન્નરી-રૂપા-વિસ્મયને લઈને કૉમન પ્લૉટના બગીચામાં ગયેલાં. અમૃતા એના કોઈક ઇન્ટરવ્યૂની તૈયારીમાં ડૂબેલી હતી. સંજયને જમવાનો સમય થયો. સંજય જમવા બેઠો. અપર્ણાએ પીરસ્યું. ત્યાં અમૃતા આવી ચડી. ‘લાવ, અપર્ણા' ભીના-તીણા અવાજે અમૃતા બોલી, ‘સંજય જેટલી રોટલી હવે હું કરું..’ ‘ના… ના… ભાભી.. રોટલી કરું છું. તમતમારે ઇન્ટરવ્યૂની તૈયારીમાં જ સમય આપો.’ ‘હા, અમૃતા…’ સંજય બોલ્યો, ‘અપર્ણા સાચું કહે છે. ઇન્ટરવ્યૂ સારો જાય એ અત્યારે વધારે અગત્યનું છે. ગૅસ પર રોટલી સરસ ફૂલીને મોટો દડો થઈ. પોતાની જેમ જ અપર્ણાએ પણ એના પર ખાસું ઘી લગાવ્યું ને આંગળીઓ દાઝતી હોવા છતાં ઘી રેલાઈ ન જાય માટે ચારે કોરથી રોટલી ભેગી કરીને સંજયની થાળીમાં પીરસી. અમૃતા આ દૃશ્ય તાકી રહી. એણે અપર્ણાની આંખો અને એની નજર અવલોકી. અપર્ણાની નજર જાણે નાળચામાંથી કંસારના ઢગ પર પીરસાતા ઘીની ધાર જેવી હતી. સંજય માટેની રોટલી બીજું કોઈ બનાવે એ અમૃતાને પહેલેથી જ ગમતું નહિ, આજેય ન ગમ્યું. પણ ઇન્ટરવ્યૂ સારો જાય ને પોતાને જલદી નોકરી મળે એ પણ મહત્ત્વનું હતું. અમૃતા રસોડામાંથી ચાલી ગઈ. સંજયે આજે રોજ કરતાં બે રોટલી વધારે ખાધી. તન્મય-અમિત-અપર્ણા ઘણી વાર ‘સર’ના પગ દાબવાનું કામ પણ કરતાં. અમિત ક્યારેક ખૂબ સરસ મસાજ પણ કરી દેતો. શરૂઆતમાં સંજય ‘ના’ ‘ના’ કરતો પણ પછી આ વિદ્યાર્થીઓ એવાં તો હળી ગયેલાં તેમજ પગનાં હાડકેહાડકાં એવાં સખત દુખતાં કે એ ‘ના’ કહેવાનું ટાળતો. અપર્ણા સંજયના પગ દાબતી એ અમૃતાને ગમતું નહિ – જાણે પોતાનો અધિકાર કોઈ ધીરે ધીરે ઝૂંટવી રહ્યું હોય એવી લાગણી એને થતી. અમૃતા પહેલાં તો મંગળસૂત્ર રોજ પહેરતી નહોતી. પણ છેલ્લા ઘણા વખતથી મંગળસૂત્ર હંમેશાં એની ડોકમાં હોય છે. હમણાં હમણાંથી અમૃતાને ડોકમાંના ડબલ સેરના મંગળસૂત્રને આંગળીઓ વડે પંપાળવાની ટેવ પડી છે. ને મંગળસૂત્રને પંપાળતાં પંપાળતાં એ વર્તમાન-વાસ્તવ છોડીને જાણે કોક જુદી જ દુનિયામાં ખોવાઈ જાય છે. નિકટના મિત્રો ને સગાંઓને જ નહિ. બધાં જ પરિચિતોને તથા સંજયને કવિ-સર્જક તરીકે માત્ર નામથી જ જાણનારાઓનેય એના બ્લડકૅન્સરની જાણ થઈ ગઈ છે. ઘરે ખબર કાઢવા આવનારનો ધસારો દિવસે દિવસે વધતો જાય છે. સાવ અપરિચિતોય એમના પ્રિય સર્જકની ખબર કાઢવા આવે છે. અમૃતા તથા બા કસમયે ખબર પૂછવા આવનારાઓથી થાકી જાય છે, કંટાળી જાય છે. ખબર કાઢવા આવનારાઓના કારણે સંજયને પૂરતો આરામ પણ મળતો. નથી. છતાં એ કંટાળતો નથી, પણ ગૌરવ અનુભવે છે – ‘કેટકેટલાં લોકો ક્યાં ક્યાંથી ખબર કાઢવા આવે છે! કેટલા બધા મને નિઃસ્વાર્થ ચાહે છે! હું કેટલો સદ્ભાગી છું!' કોઈ મોટી હસ્તી ખબર પૂછવા આવે એનુંય એ ગૌરવ અનુભવે છે– ‘ગઈ કાલે નાયબ મુખ્યમંત્રી આવેલા મારી ખબર પૂછવા...’ ‘ઘરે ખબર કાઢવા આવનાર માટેય હૉસ્પિટલની જેમ અમુક સમય નક્કી કરવો જોઈએ,’ અવારનવાર અમૃતા કહે છે, ‘હું ને બા તો એ લોકોની તહેનાતમાંથી જ ઊંચાં નથી આવતાં રૂપા-વિસ્મયનેય પૂરતો સમય નથી આપી શકાતો.’ ‘મારા માટેનો પ્રેમ અને આદર એ લોકોને ખેંચી લાવે છે ને… આપણાથી કોઈનાય પ્રેમનો અનાદર કઈ રીતે થઈ શકે? કોઈ બિચારું બહારગામથી આવે એને કઈ રીતે કહી શકાય કે ખબર કાઢવાનો સમય પાંચથી છનો જ છે?’ ‘પણ એ લોકોના ધસારાથી તનેય રજાના દિવસે પણ જરીકે આરામ મળતો નથી એનું શું? ‘કોને ખબર? ખબર પૂછવા આવનારાંઓમાંથી કોકના હૃદયમાંથી આપોઆપ થયેલી પ્રાર્થના ફળેય ખરી. ઘણાબધા વૈજ્ઞાનિકોનું રિસર્ચ ચાલે છે. થોડા વખતમાં લ્યૂકેમિયાની દવા શોધાય પણ ખરી... ત્યાં સુધી તો માઇલેરાન, કિમોથૅરપી, મારું આત્મબળ, તારી પ્રેરણા, બાની તથા અનેક સહૃદયોની પ્રાર્થના મને ટકાવી રાખશે…’ આટલું બોલતાં સંજયને જરી થાક લાગ્યો. વાક્ય પૂરું કરતાં એનો અવાજ અંતે ક્ષીણ થઈને જરી ખેંચાયો. થોડા ઊંડા શ્વાસ લીધા પછી એ બોલ્યો – ‘ક્યારેય મંદિરેય નહિ જનારો અમિત જેવો નાસ્તિક છોકરો મારા માટે શું કરે છે? ખબર છે? ‘શું?!’ ‘ક્યાંકથી એણે સાંભળ્યું હશે કે તુલસીનાં પાંદડાં પર ‘રામ રામાય નમઃ’ – મંત્ર લખીને દર શનિવારે એવાં એકવીસ પાંદડાં હનુમાનજીને ચઢાવવાનાં – એકવીસ શનિવાર સુધી – એકેય શનિવાર પડવો ન જોઈએ. વચ્ચે કોઈ શનિવાર પડે તો ફરીથી એકવીસ શનિવાર. તો જે ઇચ્છા કરી હોય એ ફળે.’ ‘મેંય આવું સાંભળ્યું તો હતું.’ અમૃતાએ સૂર પુરાવ્યો. ‘મને સારું થાય એ માટે અમિતેય આવા શનિવાર શરૂ કર્યા છે.’ ‘અપર્ણાએ વૈષ્ણવીદેવીની માનતા રાખી… મુદિતાય મારા કાંડે રક્ષાપોટલી બાંધે છે ને એના મહારાજશ્રીને મારી જિંદગી માટે પૂછતી રહે છે અને આપણને જાણ નથી એવાય અનેક લોકોએ મારી જિંદગી માટે બાધા-આખડી-માનતા રાખ્યાં હશે.’ સંજયનો સ્વર ભાવુક થતો ગયો. ‘પણ તું તો આવાં કશામાં માનતો નહોતો ને?’ ‘તે હજીયે ક્યાં માનું છું? મેં એકેય માનતા માની નથી. મંદિરેય હું જતો નથી. હા, ઉપનિષદોનો અભ્યાસ જરૂર કરું છું ને ધ્યાન તો હું ભણતો ત્યારથી કરું છું. અંધશ્રદ્ધામાં જરીકે નથી માનતો. પણ હા, કોઈ જ સ્વાર્થ વગર કોકના માટે સાચા હૃદયથી કરેલી પ્રાર્થના ફળેય ખરી.’ આટલું બોલવાથી એના અવાજને શ્રમ પડે છે. બહાર આવતો શ્વાસ ઝડપથી પૂરો થઈ જવાથી છેલ્લો શબ્દ ક્યારેક જરી ખેંચાઈ જાય છે. શ્વેતકણોની સંખ્યા વધી જવાના કારણે હવે એને કોઈ પણ રોગનું તરત ઇન્ફેક્શન લાગે છે. જરીક ધૂળ કે ધુમાડો શ્વાસમાં જાય કે તરત એને શ્વાસનો હુમલોય શરૂ થઈ જાય છે. પહેલાં આવું નહોતું થતું. કૉલેજમાંય બ્લૅક-બૉર્ડ પર ચૉકથી લખવાના કારણે શ્વાસમાં જતી રજકણોના લીધે તરત ગળાનું ઇન્ફેક્શન અને પછી છાતીમાં ઇન્ફેક્શન થઈ જાય ને શ્વાસ લેવામાંય તકલીફ પડે છે. શરદી-ખાંસી તો કદાચ એના શરીરમાં કાયમ રહેવા જ આવ્યાં છે. ખબર કાઢવા આવનારમાંથી કોક છીંક ખાય તોય એને તરત શરદી થઈ જાય છે. અમૃતાને ડર રહે છે – ખબર કાઢવા આવનારમાંથી કોઈ કદાચ ચેપી રોગવાળું હોય તો? ચૉકનો ઉપયોગ કરવાની ડૉ. મંદારેય સ્પષ્ટ ‘ના’ પાડેલી. એના વિદ્યાર્થીઓ પણ મનાઈ કરતાં, છતાંય આ પંતુજીનો જીવ બ્લૅક-બોર્ડ પર લખ્યા સિવાય રહી શકતો નહિ. ને પછી થ્રોટ-ચેસ્ટ ઇન્ફેક્શન સહન કરતો. છેવટે એના વિદ્યાર્થીઓની ટોળકીએ મૅનેજમેન્ટને મળીને – જો તમે ન કરી શકો તો અમે વિદ્યાર્થીઓ ફાળો ઉઘરાવીનેય સર માટે વ્હાઇટ બોર્ડ લાવીશું – કહીને સંજયના ક્લાસરૂમમાં તો વ્હાઇટ બોર્ડ લગાવડાવ્યું. જેના પર સંજય માર્કરથી લખતો. ‘મને આ રોગ થયો છે ત્યારથી કેટકેટલા લોકોનો કેટકેટલો પ્રેમ મળે છે!’ – સંજય આમ વિચારતો હતો ત્યાં જ ડૉ. મંદારે એની વિચારધારા તોડી: ‘શેના વિચારોમાં ખોવાઈ ગયો છે, સંજય? મૃત્યુ અંગેનું ચિંતન તો નથી કરતો ને?’ કહી મંદારે પરાણે હસવાનો પ્રયત્ન કર્યો. પણ સંજયે હસીને જવાબ આપ્યો – ‘હું હંમેશાં જીવન વિશે જ વિચારું છું. મૃત્યુના દર્પણમાંય હંમેશાં જીવનને જ જોઉં છું, માણું છું. શેષ જીવનની એક એક પળ અને એક એક શ્વાસ મારે શેમાં વાપરવો એ મારે બરાબર મૅનેજ કરવું જોઈએ. થોડા દિવસ રજા લઈને અમૃતા સાથે સિમલા જવાનોય ક્યારેક વિચાર આવે છે...’ ‘હેં?!’ મંદારને આશ્ચર્ય થયું. પછી એને યાદ આવ્યું – અમૃતા-સંજય હનીમૂન માટે સિમલા ગયેલાં. છેલ્લા મહિનાના બ્લડ-રિપોર્ટ જોતાં મંદારને લાગ્યું કે કદાચ થોડા સમયમાં જ હવે સિમલા તો શું, પણ સંજયનું શહેરમાંય ક્યાંય બહાર જવાનું બંધ થઈ જશે. કૉલેજ જવું ને લેક્ચર લેવું મુશ્કેલ બનશે… ને કવિ મહાશય રોમૅન્ટિક મૂડમાં આવીને સિમલા જવાનું વિચારે છે! દર વખતની જેમ આજે એને છેલ્લા બ્લડ-રિપોર્ટ અંગે ચર્ચા કરવાનો વિચાર સુધ્ધાં નથી આવ્યો! સંજયે મૌન તોડ્યું: ‘મંદાર.’ ‘હં?’ ‘મારે હવે વસિયતનામું કરી દેવું જોઈએ.’ ‘...’ ‘મિલકત તો કંઈ છે નહિ. તું જ કોઈ વકીલ મારફત મૅટર ટાઇપ કરાવી દેજે. હું સહી કરી દઈશ.’ મંદાર સંજયનો ચહેરો અવલોકી રહ્યો. સંજય પૂરેપૂરી સ્વસ્થતાથી વાત કરતો હતો. ‘કુલ મિલકતના ચાર ભાગ કરવાના – બા, અમૃતા અને બંને બાળકો. બંને બાળકોના ભાગની રકમની ‘એફડી.’ કરી દેવાની – બાળકો મોટાં થાય ત્યારે જ મળે એ રીતે… એટલે એ રકમ વિસ્મયના અભ્યાસમાં કામ લાગે તેમજ રૂપાના અભ્યાસ તથા લગ્ન માટે કામ લાગે…. ઘર બાના નામે. મારાં પુસ્તકોના કૉપીરાઇટ્સ અમૃતાના નામે… બસ… આ પ્રમાણે તું કોઈ વકીલ પાસે એની ભાષામાં ડ્રાફ્ટ કરાવી દેજે...’ ‘સારું… એ બધું હું પતાવીશ. તું ચિંતા ન કર.’ થોડી વાર સંજય બારી બહાર તાકી રહ્યો. એના મોં પર ઉદાસીનાં વાદળ ઘેરાવા લાગ્યાં. ત્યાં ઓચિંતી એ વાદળોની કોર પર જાણે સુવર્ણરેખા ફૂટી હોય તેમ સંજય બોલ્યો : ‘અને મંદાર, તને કહેવાનું તો ભૂલી જ ગયો.’ ‘શું?’ ‘ઘરનું કામ આગળ વધવા લાગ્યું. ધીમું પણ નક્કર કામ થાય છે. પાયાય પૂરતા ઊંડા ખોદેલા ને સ્ટ્રક્ચરની ગણતરી પણ ભવિષ્યમાં ઉપર માળ કરવો હોય તો વાંધો ન આવે એમ કરેલી.’ સંજય બોલતો જતો હતો એ સાંભળતાં મંદારના મનમાં સમાન્તરે વિચારો ચાલતા હતા – લ્યૂકેમિયાએ પણ સંજયના શરીરમાં ખૂબ ઊંડા પાયા નાખ્યા છે… રોગ જલદી ડિટેક્ટ થયો, તરત સારામાં સારી ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી છતાં રોગ ઝડપથી આગળ વધતો જાય છે. રોગ પણ ‘પ્લીન્થ’ સુધી આવી ગયો છે… સંજયની ચેતનાનું આવું તેજ જોઈને બીક લાગે છે કે એની ચેતના બુઝાતાં પહેલાં ક્યાંક વધુ પ્રજ્વલિત થઈ ઊઠી હશે?! ‘છેલ્લા બ્લડ-રિપોર્ટ અંગે કશું પૂછવું નથી?’ ડૉ. મંદારે સંજયને નર્યા વાસ્તવમાં આણ્યો. ‘જે નિશ્ચિત છે એની ચિંતા શું કરવાની? હવે મને બ્લડ-રિપોર્ટમાં કે ડબ્લ્યુ.બી.સી.માં કે પ્લેટલેટ્સમાં કે બરોળ કેટલી ફૂલી એમાં રસ નથી. બસ, મને એટલું કહેતો રહેજે કે આ કૅન્સરગ્રસ્ત શરીર પાસેથી કામ લઈ શકાય એવા મહિના કેટલા બાકી છે… કે દિવસો કેટલા બાકી છે… જેથી શેષ સમયને હું મૅનેજ કરી શકું. બાકી બચેલા શ્વાસને હું મૅનેજ કરી શકું..’ સંજયની સ્વસ્થતા જોઈને મંદારને ખૂબ નવાઈ લાગતી. એણે આટલું સ્વસ્થ રહી શકનાર એકેય દર્દી જોયો નહોતો. મંદાર એના સાઇકિયાટ્રિસ્ટ ડૉક્ટર મિત્ર હરકાન્ત સાથે સંજય બાબતે વારંવાર ચર્ચા કરતો. ડૉ. હરકાન્તને મંદાર જેટલી નવાઈ નહોતી લાગતી. પૃથક્કરણ કરતાં એ કહેતો– ‘સંજયની સ્વસ્થતા એના જીવનનાં બાકીનાં કામો પૂરાં કરવાના ઉત્સાહ-ધગશના કારણે છે; સમય તથા શ્વાસને મૅનેજ કરવાની અવેરનેસને આભારી છે. શક્ય છે કે બાકીનાં કામો પૂરાં થતાં જ એની મેરુ જેવી સ્વસ્થતા પત્તાંના મહેલની જેમ તૂટીય પડે.’ ડૉ. હરકાન્તે કંઈક વિચારીને ઉમેર્યું, ‘તારા કહેવા પ્રમાણે, પત્ની તથા બાળકો માટે ઘરનું ઘર મૂકતાં જવું – એ એના જીવનની સૌથી પહેલી પ્રાયોરિટી છે, ગોલ છે. મારા મતે, શક્ય છે કે ઘર બની રહેતાં જ એની સ્વસ્થતા તથા લાઇફફોર્સ ઓછાં થતાં જાય ને જીવાદોરી ટૂંકાઈ જાય. મંદાર, તારે એને વધારે સમય જિવાડવો હોય તો બંધાનારા ઘરને જલદી પૂરું ન થવા દેવું…’ ડૉ. મંદારનેય ડૉ. હરકાન્તની આ વાત ઘણી વાર સાચી લાગતી. પણ ઘર બંધાઈ ગયા પછી એની સ્વસ્થતા ઓછી થઈ જવાની વાત સાથે એ સંમત નહોતો. ડૉ. મંદારને મન થતું કે ઘર બંધાવવાના કામમાં અવારનવાર વિલંબ થાય એવું કશું એ ગોઠવે. પણ પછી વિચાર આવતો કે – ઘર બંધાઈ રહે એ પહેલાં જ કદાચ સંજયને કંઈક થઈ ગયું તો? ઘરના ઘરનું એનું અંતિમ સ્વપ્ન સાકાર થયેલું એ જોવા ન પામે તો? એના કરતાં સ્વપ્નને સાકાર થયેલું જોઈને, નિરાંતનો છેલ્લો શ્વાસ લઈને એ બધાંની અંતિમ વિદાય લે તો…?? આવા વિચાર સાથે જ ડૉ. મંદાર સભાન થયો – સંજય બાબત પોતે હમણાં હમણાંથી વધુ પડતો ભાવુક થતો જાય છે. સંજય ડૉ. મંદારની ચેમ્બરમાંથી બહાર નીકળ્યો. તન્મય રાહ જોતો. હતો. ‘કેવો છે બ્લડ-રિપોર્ટ?’ ‘એઝ યુઝવલ.’ તન્મયના સ્કૂટર પાછળ સંજય ગોઠવાયો. કિક વાગી. સ્કૂટર ચાલ્યું. ઘરે પહોંચ્યા ત્યાં સુધી સંજય એક શબ્દ પણ બોલ્યો નહિ. તન્મયને થયું, આ… ટલો લાં...બો સમય સર મૌન રાખી શકે? સંજયને મૂકીને તન્મય ગયો. બા અને અપર્ણા સંજયની રાહ જોતાં હતાં. અપર્ણાએ પૂછ્યું – ‘કેવોક છે બ્લડ-રિપોર્ટ?’ બાએ કાન સરવા કર્યા. ‘એવો ને એવો જ છે; બહુ ખરાબ નથી.’ સંજય ખૂબ થાકી ગયેલો. બોલવાની શક્તિ નહોતી. પગ સખત તૂટતા હતા. હાડકેહાડકું અંદરથી દુખતું હતું. મરણ જાણે હાડકેહાડકાંની અંદર પેસી ગયેલું ને જાણે હાડકેહાડકાંને તપાવી તપાવીને અંદરથી બાળતું હતું. ‘અમૃતા…’ સંજય ઊંચા અવાજે બોલ્યો, ‘જરા પગ દાબી દઈશ?’ ‘ઇન્ટરવ્યૂ આપીને હજી એ આવી નથી.' બાએ કહ્યું, ‘હું પગ દાબી આપું છું.’ ‘ના બા, એટલા બધા નથી દુખતા.' ‘બા,’ અપર્ણા બોલી, ‘હું પગ દાબી દઉં છું…’ બહારથી આવતાંવેંત તરત કપડાં બદલનારો સંજય આજે સીધો જ પથારીમાં પડ્યો ને વિચારવા લાગ્યો – અમૃતા ખાસ્સી બદલાઈ ગઈ છે! પહેલાં તો એ બસની જરીકે રાહ ન જુએ. તરત રિક્ષા કરી લે. હમણાંથી એ ક્યારેય રિક્ષા નથી કરતી. પૈસાનો ક્યારેય વિચાર નહિ કરનારી ને પાણીની જેમ પૈસો વાપરનારી અમૃતા હવે શક્ય તેટલી વધુ બચત અને કરકસર કરવા લાગી છે. અમૃતા રિક્ષા કરીને જલદી આવી ગઈ હોત તો સારું હતું. અપર્ણા પગ દાબતી હતી. સંજય થોડી ક્ષણ અપર્ણાના શાંત, સુંદર, લંબગોળ ચહેરા સામે જોઈ રહ્યો. પછી એની સહેજ ભૂખરી કીકીઓવાળી મોટી મોટી આંખોમાં તાકી રહ્યો. સંજયના મુખમાંથી સહસા શબ્દો સરી પડ્યા – ‘અપર્ણા…' ‘હં?’ ‘તમારા બધાંયનો મને એટલો બધો પ્રેમ મળે છે કે થાય છે કે તમારા બધાનું ઋણ હું કયા જનમે ચૂકવી શકીશ?’ સંજયે ઊંડો શ્વાસ લઈ આંખો બંધ કરી છતાં ઝળઝળિયાં પાંપણની પાળ ઓળંગીને જરી બહાર રેલાઈને ઝળકી રહ્યાં. સરને શો જવાબ આપવો એ અપર્ણાને સૂઝ્યું નહિ. એ સંજયના ચહેરા નજીક ગઈ. પાંપણો પર ચમકતાં મોતીને ચૂમી લેવાનું એને મન થયું. સંજયના ચહેરા પર એ ઝૂકી. પછી સંજયના બેય ગાલ પર એની બે હથેળીઓ દાબી ને પાંપણો ઓળંગીને બહાર આવી ગયેલાં આંસુઓ એના અંગૂઠા વડે હળવેકથી લૂછ્યાં. રૂમના બારણા સુધી આવી ગયેલી અમૃતાએ આ દૃશ્ય જોયું – સંજય ઉપર ઝળૂંબીને અપર્ણાએ એની ગોરી ગોરી બેય હથેળીઓ વચ્ચે સંજયનો ચહેરો ધારણ કર્યો છે… અમૃતા અડધી ક્ષણ બારણા બહાર થંભી ગઈ ને પછી દબાતે પગલે પાછી ચાલી ગઈ.