વાસ્તુ/21
નખીતળાવે નામનો આંટો મારીને અમૃતા-મંદાર પાછાં આવ્યાં ને જોયું તો સંજય લખવામાં ઓતપ્રોત હતો. થયું, તાવ ઊતર્યો લાગે છે… ‘બસ, એટલી વારમાં પાછાં?' ‘અહીંથી તો નખી તળાવ સાવ નજીક છે' – કહેતી અમૃતાએ જોયું તો એનું શરીર હજીયે તાવથી ધખતું હતું… ‘મીઠાનાં પાણીનાં પોતાં…’ મંદાર-અમૃતા એકી સાથે બોલી ઊઠ્યાં. ‘તમે સાથે બોલ્યાં તો કોક આવશે…’ સંજય. ‘અહીં તે વળી કોણ આવવાનું હતું?’ અમૃતા. ‘મારું મોત – બીજું કોણ આવી ચડે આ હૉટલનું સરનામું પૂછતું પૂછતું...’ ‘આવી મજાક નહિ કર, પ્લીઝ…’ બોલતાં અમૃતાના અવાજમાં આંસુઓની ખારાશ ઊભરી આવી. સહેજ અટકી, ગળું સાફ કરીને એ બોલી, ‘ચાલ, માથે પોતાં મૂકું…’ ‘માથે પોતાં જ મૂકવાં હોત તો ઘેર જ ન રહ્યો હોત…! અહીં આવત શું કામ?! થોડો તાવ છે તો છે… હું મારે લખ્યા કરીશ..’ પછી મંદાર સાથે નજર મેળવીને ઉમેર્યું – ‘હવે પછીની ગોળી કેટલા વાગે લેવાની છે એ કહી દે એટલે પત્યું.' ‘આટલો તાવ આવી હળવાશથી ન લેવાય. દવા દસ વાગે ને પોતાં અત્યારે.’ આ બંને પોતાને છોડશે નહિ એવું લાગતાં સંજય બોલ્યો, ‘સારું, તો અમૃતા, પંદરેક મિનિટ પોતાં મૂકી દે. એ પછી હું લખવા બેસીશ… ઓ.કે.?’ ‘પહેલાં આ બે સુદર્શન ઘનવટી લઈ લે, પછી પોતાં મૂકું.’ અમૃતા પોતાં મૂકતી, બદલતી રહી… પોતાંથી જરીક જેટલો ફેર પડ્યો. ‘મંદાર… તું સૂઈ જા હવે. જરૂર પડશે તો તને ઉઠાડીશ…’ ‘સારું’ કહી મંદાર એસટીડી ફોન કરવા ગયો. તરત ફોન લાગ્યો. ડૉ. શાહે સ્પષ્ટ કહ્યું – ‘સંજયને લઈને પાછાં આવી જવું જોઈએ.’ ‘બસ, હવે પોતાં બંધ. અમૃતા, તું હવે સૂઈ જા… તને ડિસ્ટર્બ ન થાય માટે હું ગૅલરીમાં લખવા બેસું...' ‘ના. ગૅલરીમાં ઠંડી લાગશે. તું અહીં જ લખ. મને ડિસ્ટર્બ નહિ થાય.’ લગભગ રાતના ત્રણ સુધી એણે લખ્યા કર્યું. વચ્ચે વચ્ચે ગૅલરીમાં આવીને આંટા મારતાં મરણ જેવા અડીખમ પહાડો પર વરસતી અમૃત જેવી ચાંદનીને જોયા કરી… ખીણોમાં અંધકાર થીજેલો હતો. પણ હળવું ઝાપટુંય પડી ગયું હશે તે ભીની શિલાઓ પર ચાંદનીનાં ધાબાં ચમકતાં હતાં ને પણે પેલી ઝરણરેખા તો જાણે શુદ્ધ ચાંદી પીગળીને વહેતી ન હોય વાંકીચૂકી..! અમૃતા ચિંતા કરતી કરતી છેવટે ઊંઘી ગઈ... સિમલાનાં સ્મરણોનું પોટકું બંધ જ રહ્યું. ત્રણેક વાગ્યા પછી સંજય લાઇટ બંધ કરી પથારીમાં પડ્યો. અમૃતાનો હાથ હાથમાં લીધો, આંગળીઓમાં આંગળીઓ પરોવી, ને વચ્ચે જરીકે અવકાશ ન રહે એમ દાબી.. અમૃતાનો હાથ આરસ જેવો ઠંડો લાગ્યો. ઊંઘમાં જ અમૃતા સંજય તરફ પડખું ફરી ને પગ સંજયને વીંટાળ્યો.. પણ તરત અમૃતા સભાન થઈ – સંજયને મારા પગનું વજન લાગશે… એના પરથી પગ હટાવી લીધો. પણ જમણો હાથ વેલની જેમ વીંટાળેલો રહેવા દીધો… હવે પછીનાં પ્રકરણો વિશે વિચારતાં વિચારતાં સંજય પણ ઊંઘી ગયો. પરોઢિયે મંદાર બહાર થોડું ચાલી આવ્યો. પાછા આવીને જોયું તોય સંજયની રૂમમાં લાઇટો બંધ હતી. થયું, ઉજાગરો થયો હશે, ભલે સૂતાં બંને. સંજય ઊઠ્યો ત્યારેય તાવ હતો, પીડાય અસહ્ય હતી. પણ રાત્રે સારું લખાયું આથી એ ખુશ હતો. મંદાર પણ આવી ગયો. ચા મંગાવી. સંજયે એકાદ-બે ઘૂંટડા પછી ચા રહેવા દીધી. ચાનો સ્વાદ એને જૂના તાવ જેવો લાગ્યો. ચા પીતાં પીતાં મંદાર પાછા ફરવાની વાત કઈ રીતે કરવી એ વિચારતો હતો. ‘સવારે આપણે નાસ્તો પતાવીને ગુરુશિખર જઈ આવીએ – જીપ જાય ત્યાં સુધી; ઉપર તો ચઢવું નથી. બપોરે જમીને આરામ કર્યા બાદ બાકીનાં સ્થળોએ. ને સાંજે સનસેટ પૉઇંટ' ‘ના, સનસેટ પૉઇંટ હું નહિ આવું. તમે બે જઈ આવજો.’ સંજય બોલ્યો. ‘કેમ?’ વળી અમૃતા-મંદાર એકસાથે બોલી ઊઠ્યાં. ‘સાંજે મારે લખવું છે.’ સંજયે આમ કહ્યું તો ખરું પણ પછી સાચું કારણ મનમાં તો ઊપસ્યું જ – ‘હમણાં હમણાંથી હું સૂર્યાસ્ત નથી જોઈ શકતો… અમૃતાના કપાળમાં હું રોજેરોજ આભાસી સૂર્યાસ્ત જોઉં છું…’ અંદર ઘૂંટાયા કરતી પીડા ચહેરા પર ઊપસી આવે એ અગાઉ જ એણે મહોરું ધારણ કર્યું... ને હસીને બોલ્યો– ‘સનસેટ જોવા તમે બે જઈ આવજો… કાલે પરોઢિયે અંધારામાં આપણે સનસેટ પૉઇંટ જઈશું ને ત્યાંથી આપણે આંખો બંધ કરીને સૂર્યોદય જોઈશું!’ ‘કવિ-લેખકો આમેય ઊંધા જ હોય.' અમૃતા. ‘આજે બધું જોવાઈ જાય તો કાલે સવારે જ પાછા ફરવાનું હું વિચારતો’તો.’ મંદાર મૂળ વાત પર આવ્યો. ‘પણ મારી નવલકથા માટે હજી બે-ત્રણ દિવસ…’ ‘અધૂરી નવલકથા તો ત્યાં જઈનેય પૂરી થશે.’ ‘પણ ત્યાં મહેમાનો ને ખબર કાઢનારાં…’ અધૂરું વાક્ય છોડી દઈને એ બોલ્યો – ‘એકાન્ત ક્યાં મળશે?’ મંદારે ઉકેલ કાઢ્યો – ‘પાછાં ફરીને તારી નવલકથા પતે ત્યાં લગી આપણે ભૂગર્ભમાં ચાલ્યા જઈશું – મારા ઘરે – અજ્ઞાતવાસે. સાવ અંગત લોકોને જાણ નહિ કરીએ, બસ?!’ સંજયના મગજમાં ઉલ્કાની જેમ કશુંક ઝબક્યું. મંદારની આ વાત એના ગળે જ નહિ, હૃદયમાંય ઊતરી ગઈ. સૂચક દૃષ્ટિથી એણે અમૃતાને પૂછ્યું – ‘તને મંદારના ઘરે ફાવશે?’ ‘મને શું કામ ના ફાવે?’ સહજ લહેકા સાથે એ બોલી. રાજી થતાં સંજયે કહ્યું – ‘તો ત્યાં મારી અધૂરી નવલકથાનાં અંતિમ પ્રકરણો પૂરાં થઈ જશે… પણ હા, આજે સાંજે હું ન આવું એથી તમારે સનસેટનો પ્રોગ્રામ રદ નહિ કરવાનો. હું મારે ગૅલરીમાં બેસીને આસપાસનો પહાડી પરિવેશ નિહાળતો લખ્યા કરીશ.' ‘સારું. તું કહે તે બધું કબૂલ. પણ કાલે સૂર્યોદય જોયા પછી અમદાવાદ માટે રવાના થઈશું. ઓ.કે.?’ ‘ઓ.કે.' જીપમાં આખો દિવસ બધા સાથે ફર્યા. તાવ હોવા છતાં સંજયનો ઉત્સાહ ઓછો નહોતો થયો. નર્યા વિસ્મયથી એ બાળકની જેમ જોયા કરતો – પહાડો, પહાડ જેવા પહાડની ભીતરથી ઊભરાતી ને વહેતી લાગણીઓ જેવાં ઝરણાં, આકાશમાં છૂટાંછવાયાં, પીંજાયેલા રૂના ઢગલા જેવાં વાદળો સાથે મૂક સંવાદ કરતા, ક્યારેક વાદળને હળવેકથી સ્પર્શી લેતા, તો ક્યારેક વાદળ પાછળથી ડોકું ઊંચું કરતાં શિખરો. શિખર પરથી હૂ-હૂ કરીને, એકેક વૃક્ષ પર કૂદી કૂદીને નીચે ખીણ ભણી દોડતા પવનમાં નમી નમી જતાં-ઝૂમતાં-તણાતાં વૃક્ષો; વૃક્ષોની જેમ જ જાણે ઊગી ગયેલાં ઊંચાં-નીચાં રમકડાંનાં હોય તેવાં લાગતાં મકાનો, ટેકરીઓની ટોચ પરથી આંગળી ઊંચી કરીને કશું કહેવા ઇચ્છતી હોય એવી નારિયેળીઓ… ઘસી ઘસીને સાફ કરેલા કાચ જેવી હવા – પ્રકૃતિ સંજયમાં પ્રાણવાયુની જેમ જીવનરસ રેડ્યા કરતી… આજેય સંજયે ગઈ કાલની જેમ જીદ કરી – ‘હું નહિ આવું પણ તમે બે જઈ આવો. મારા કારણે સનસેટ પૉઇંટ જવાનું રદ ન કરો.’ અમૃતા-મંદાર નીકળ્યાં ત્યારે આજેય સંજયે ઝાંપે ઊભા રહીને જોયા કર્યું – આજે ખાસ્સું વહેલું હતું તે ગઈ કાલની જેમ બંનેની છાયાઓ નહોતી દેખાતી. પાસપાસે ચાલતાં, કદાચ પોતાની માંદગીની જ વાતો કરતાં તેઓ ઢાળ ઊતર્યાં… પછી ડાબી બાજુએ વળાંક પૂરો થવા આવ્યો ત્યારે ગઈ કાલની જેમ આજે બે છાયાઓ એક થતી ન દેખાઈ, પણ મંદાર ડાબી બાજુએ ચાલતો હોવાથી અમૃતા એની પાછળ ઢંકાઈ ગઈ... ઓચિંતા જ કેટલાક લોકો થોડે દૂરની એક હૉટલ ભણી દોડ્યા… જોતજોતામાં તો ત્યાં ખાસ્સે ટોળું ભેગું થઈ ગયું… પોલીસની જીપ પણ ત્યાં આવીને ઊભી રહી. શું થયું હશે? કુતૂહલ તો થયું. પણ પછી વિચાર્યું, ના, મારે આવી બાબતોમાં સમય વેડફવાના બદલે હવે જરી ફ્રેશ થઈને લખવા બેસી જવું જોઈએ. ત્યાં કોઈ સમાચાર જાણી લાવ્યું– ‘ઘરેથી ભાગીને નીકળેલાં કોઈ ટીન એજર પ્રેમીઓએ એ હૉટલમાં આત્મહત્યા કરી લીધી...’ સંજયનું મન ખિન્ન થઈ ગયું… એક બાજુ હું મરણ સામે આટઆટલો સંઘર્ષ કરું છું ને બીજી બાજુ લોકો આત્મહત્યા કરે છે?! મોત આટલું સસ્તું?! મરી જવું એ આટલું સહેલું?! મરણ પામવું એ કદાચ સાવ સહેલું છે ને સૌથી અઘરું પણ. મારી ઇન્દ્રિયોને આ રોગ ક્રમશઃ હોલવતો જશે ત્યારે? હું કશું વાંચી નહિ શકું… માત્ર પથારીમાં પડી રહેલાં, કણસતાં ખોબો હાડકાં બની રહીશ… અનેક નળીઓ ભરાવેલા દુર્બળ દેહનાં ફેફસાંમાં શ્વાસનો તૂટવા આવેલો જીર્ણ દોર દવાઓના જોરે ખેંચાયા કરતો હશે પણ તૂટતો નહિ હોય... બેઠા થવાની શક્યતાનો એકેય તાંતણો બાકી નહિ રહ્યો હોય ત્યારે હુંય, બીજાંઓની અનેક તકલીફો લંબાવ્યા કરવાને બદલે આત્મહત્યા કરવાનું પસંદ કરું તો…? એ સ્ટેજે પહોંચ્યા પહેલાં, મારા શરીરનાં અવયવો – આંખ, કિડની વગેરે કોકને કામ આવી શકે એવી સ્થિતિમાં હોય ત્યારે જ આત્મહત્યા કરી હોય તો?! પણ હા, અમૃતાની રજા મળશે તો જ... મને વધુ જિવાડવા માટે આટઆટલું કરતો મંદાર શું મને મદદ કરશે આત્મહત્યા માટે પણ?! બસ, એક ઇન્જેક્શન ને ખેલ ખતમ… નહિ, મારે આવા નકારાત્મક વિચારો નહિ કરવા જોઈએ.. વધુ સમય વેડફ્યા વિના હવે લખવા બેસવું જોઈએ... સખત તાવમાં અને અસહ્ય પીડામાંય સંજયે લગભગ આખી રાત લખ્યું. છેલ્લા પ્રહરમાં એ અમૃતાને બાઝીને ઊંઘી ગયો ઘસઘસાટ. તાવ છતાં એ જાણે નિદ્રાના પાતાળનાય પાતાળમાં પહોંચી ગયો. અમૃતાએ એને ઉઠાડ્યો પણ એ દ્વાપર યુગના પથ્થરની ઊંઘે ઊંઘતો રહ્યો… અમૃતાને થયું, સવારે સૂર્યોદય જોવા જવાનું ઉત્સાહથી કહેતો’તો. ને હજી ઊઠતો કેમ નથી? શરીર તાવથી ધગધગતું હતું તે થયું, ઊંઘવા દો, નથી જવું સૂર્યોદય જોવા. તડકો ચડ્યો છતાં, ઢંઢોળવા છતાંય સંજય ઊઠ્યો નહિ ને અમૃતાને ફાળ પડી. મંદારને બોલાવવા એ દોડી. જોયું તો સામેથી એ આવતો હતો. એનેય સંજયની ચિંતામાં લગભગ આખી રાત ઊંઘ નહોતી આવી. છેક પરોઢિયે જરી આંખ મળી ગયેલી. મંદારે જોયું તો સંજય બેભાન થઈ ગયેલો… મંદારે દોડાદોડ કરીને ત્યાં જરૂરી સારવાર અપાવી ને પછી ઍમ્બૂલન્સની વ્યવસ્થા કરીને સીધા અમદાવાદ મંદારના ઘરમાંના અજ્ઞાતવાસને બદલે સંજયને હૉસ્પિટલમાં દાખલ કરાયો. હવે અમૃતાના પપ્પાનીય જીદ વધતી જતી હતી – સારવાર માટે સંજયને અમેરિકા મોકલવા માટે. ‘મારા આટલા પૈસાને કરવાના શું? વળી મનન પણ અમેરિકા જ છે. ને મારી મિલકતનો અડધો ભાગ તો તને આમ પણ મળે, અમૃતા… એ અડધા ભાગમાંથી, તારા જ પૈસાથી તું સંજયને લઈને અમેરિકા જા… બેટા, પ્લીઝ..’ બાએ પણ કહ્યું – ‘અમૃતા, તારા પપ્પા સાચું કહે છે.' ‘સારું… તો એને થોડું સારું થાય પછી એને લઈને હું જઈશ અમેરિકા…’ અમૃતા મંદાર સાથેય અવારનવાર ચર્ચા કરતી – અમેરિકા જવાથી કેટલો ફાયદો થશે? એને અમેરિકા લઈ ગયા હોત તો કદાચ એ થોડું વધારે કાઢત એવો રંજ તો નહિ રહી જાય… દવાખાનું ને ઘર… બંને સંભાળવામાં અમિત-અપર્ણા-તન્મય-કિન્નરી બધાં મદદ કરતાં હતાં તે બા-અમૃતાને મોટી રાહત હતી… ઘરનું કામ પણ હવે ખૂબ ઝડપથી ચાલતું હતું, યુદ્ધના ધોરણે. જૂના કૉન્ટ્રેક્ટરને પૈસા આપીને છૂટો કરી દીધેલો. અમૃતાના પપ્પાના બિલ્ડર મિત્રે કામ ઉપાડી લીધું તે બહારનું બધું કામ તો પતીયે ગયેલું… માત્ર અંદરનું કામ બાકી હતું. સંજયના ડૉક્ટરને નવાઈ લાગી કે આવી હાલતમાં અન્ય પેશન્ટ તો આબુમાં જ ખતમ થઈ ગયો હોત… સંજય અહીં સુધી ટકી શક્યો કઈ રીતે? અહીં હૉસ્પિટલમાં દાખલ કર્યા પછીય એના ડૉક્ટરને બહુ આશા નહોતી. એમણે મંદારને કહ્યુંય હતું – બસ, હવે છેલ્લા થોડાક કલાકો. એ કલાકો દરમ્યાન એ બેભાનાવસ્થામાંય અસ્પષ્ટ બબડ્યા કરતો – ઘર કેટલે આવ્યું? દીવો બળે એટલે? ઘરનું કામ ઝટ પૂરું કરાવો. આકાશમાં ચંદરવા બંધાવો… મારે નવું ઘર જોઈને જવું છે. મારે નવા ઘરમાં જ મરવું છે… મારે આકાશમાં તરવું છે… ને... જળમાં પડી તિરાડ… ઝટ સંધાવો… પછી તો ચમત્કારની જેમ સંજયનું શરીર ખૂબ સારો રિસ્પોન્સ આપવા માંડ્યું ને ચૌદસ-અમાસ પણ હેમખેમ પસાર થઈ ગયાં... અમૃતાનાં મમ્મી ગિરનાર જઈ આવ્યાં – કોઈ સાધુબાબા પાસે. એમણે કહેલું – ચૌદસ-અમાસ ખૂબ ભારે છે. મહામૃત્યુંજય મંત્રના જપ કરજો ને આ દોરો બાંધજો. જો અમાસ નીકળી ગઈ તો પછી વાંધો નહિ આવે. ચૌદસ-અમાસ બેય દિવસ અમૃતાનાં મમ્મી એમની પૂજાની ઓરડીમાં સતત મહામૃત્યુંજય મંત્રના જાપ કરતાં રહેલાં. છાતી પર ચઢી બેઠેલા રાક્ષસ જેવા, સાક્ષાત યમદૂત જેવા એ બે દિવસો છેવટે પસાર થઈ ગયા.. જાણે બે યુગ પસાર થયા હોય એવું લાગ્યું. થોડું સારું થયા પછી એને અમેરિકા મોકલવાનીય બધી વ્યવસ્થા થઈ ગઈ. અમાસ પછી ઘરનું કામ પણ રાત-દિવસ ધમધોકાર ચાલતું. અંદરનું પ્લાસ્ટર, બારી-બારણાં, ટાઇલ્સ, રસોડાનું પ્લૅટફૉર્મ, પ્લમ્બરનું કામ, બાથરૂમ-સંડાસ, વીજ જોડાણ, ઇલેક્ટ્રિક ફિટિંગ… અઠવાડિયામાં તો બધું કામ પતી ગયું. માત્ર ફર્નિચરનું કામ બાકી હતું… દરમ્યાન સંજયને સારું થયા પછી હૉસ્પિટલમાંથી ઘરે લાવ્યા. અમેરિકા જવાની તારીખ નક્કી થઈ. ત્યાંના ડૉક્ટર સાથેય તારીખ-સમય નક્કી થઈ ગયાં. દિવસે તો ખબર પૂછવા આવનારાને કારણે કશું લખી શકાતું નહિ પણ રાત્રે જાગીને એણે અધૂરી નવલકથાનાં અંતિમ પ્રકરણો પતાવ્યાં ને ફાઈલ પ્રકાશકને મોકલી આપી. સંજય જેવો જિદ્દી માણસ અમેરિકા જવા તૈયાર થયો આથી બાને તથા અમૃતાનેય ખૂબ નવાઈ લાગેલી. જોકે, સંજયને સતત થયા કરતું – પપ્પાજીનું દેવું હું ક્યારે ચૂકવી શકીશ? કદાચ બધું જ લોહી બદલવાથી તેમજ અદ્યતન સારવારથી થોડાં વરસો લંબાશે… મોત થોડું પાછું ઠેલાશે... પણ કેટલાં વરસ?! વિસ્મયને બાલમંદિર મૂકવા હું જઈ શકીશ? રૂપાની બોર્ડની પરીક્ષા વખતે એને લેવા-મૂકવા જઈ શકીશ? બાને વૈષ્ણવીદેવીની યાત્રા કરાવી શકીશ? વિસ્મયને જનોઈ દેવા માટે હું અમૃતાની સાથે બેઠો હોઈશ? ઘરની લોનના હપતા પૂરા થાય ત્યાં લગી ખેંચાશે? કદાચ એ અગાઉ બધું પતી જાય તો લોનના હપતા માફ થઈ જાય? અમેરિકા સારવાર લઈને આવ્યા પછીયે રાણીછાપ ચાંદીના સિક્કા જેવો નક્કર સમય મને કેટલો મળશે? સોનાની લગડીઓ જેવાં કેટલાં વર્ષ મને મળી શકશે? – આ આંકડો મારે અમેરિકાના ડૉક્ટરને ફોન પર પૂછી લેવો પડશે… ને આવી ટ્રીટમેન્ટ લેતાં અન્ય પેશન્ટોની હિસ્ટરી વિશે પણ. જો વધારે વર્ષ ન મળવાનાં હોય તો પછી આટલો બધો ખર્ચ કરીને અમેરિકા નથી જવું. ભલે બધી તૈયારી થઈ ગઈ હોય… જોકે, થોડાં વરસ લંબાય એમાં સર્જનાત્મક કામોય ઘણાં થઈ શકશે… મરણે જાણે મારી સર્જકચેતનાને સંકોરી છે… લખી ન શકાય, ઝીલી ન શકાય, ઉતારી-અવતારી ન શકાય એટલું બધું સૂઝ્યા-ફૂટ્યા કરે છે… જાત-ભાતનું બધું visulize થાય છે… દરેકે દરેક કલ્પન નરી આંખે જોઈ શકાય છે, હૂબહૂ… પહેલાં મારી સર્જકચેતના કદી આવી, આટલી ઝણઝણતી-રણઝણતી-ઝળહળતી નહોતી… અત્યારે મારી સર્જકચેતના તો જાણે ધગધગતો સૂરજ – ચારે કોર એમાંથી અવકાશમાં ફેંકાતા-ફંગોળાતા ઊર્જાના અગનગોળાઓ – એને ઝીલવા તો કઈ રીતે? ઊભો રહી જાઉં હુંય શંકરની જેમ જટા ફેલાવીને અવકાશમાં?! ડૉ. મંદારની ચેમ્બરમાં સંજયના કેસ બાબતે વળી મનોચિકિત્સક ડૉ. હરકાન્ત સાથે વિગતે ચર્ચા થઈ. ડૉ. હરકાન્તે ભાર મૂકીને કહ્યું – સંજય મોતના મોંમાં, ના, છેક મોતના ગળા સુધી જઈને પાછો આવ્યો એનું કારણ ઘરનું ઘર પૂરું કરવાનો એનો સંકલ્પ છે. ઘરનું ઘર પૂરું થાય ત્યાં લગી એ ગમે તે હાલતમાંય ટકી રહેશે. પણ એ પછી એનું ખરાબ હાલતમાં ટકી રહેવું મુશ્કેલ થઈ પડશે. માટે ઘરનું કામ ભલે પૂરું થઈ ગયું પણ ફિનિશિંગ, લાસ્ટ ટચ હજી બાકી રાખો…’ ત્યારબાદ આ જ વાતની ચર્ચા અમૃતાના પપ્પા સાથે થઈ. એમણે કહેલું – ‘ના, ના, એવું તો ન થાય.. અને કદાચ ધારો કે અંતિમ ફિનિશિંગ આપણે બાકી રાખીએ ને કંઈક થઈ ગયું તો? ઘરનું ઘર પાછળ મૂકતા જવાની ને ઘરના ઘરમાં મૃત્યુ પામવાની એની અંતિમ ઇચ્છા પૂરી ન થાય… વળી, અત્યારે એની તબિયતમાં સુધારો છે તો એ સારવાર માટે અમેરિકા જાય એ અગાઉ જ નવા ઘરનું વાસ્તુ પણ કરી દઈએ.’ બા ખૂબ રાજી હતાં પણ સંજયને વાસ્તુના પ્રસંગને ધામધૂમથી ઊજવવાની બધી ધમાલ પસંદ નહોતી. અમૃતાના પપ્પાની ખૂબ ઇચ્છા હતી કે અમૃતાના લગ્નનો પ્રસંગ મેં મારી જિંદગીમાંથી ગુમાવ્યો છે તો એનાં ઘરના વાસ્તુનો પ્રસંગ હું મારા ખર્ચે ધામધૂમથી ઊજવું… મંદારે જ નહિ, સંજયના ડૉ. શાહે પણ આ માટે ના પાડી. – ‘વાસ્તુમાં ખૂબ લોકો ભેગાં થશે તો, સંજયને ક્યાંક કોઈનું ઇન્ફેક્શન લાગી જશે.’ છેવટે માત્ર સાવ નજીકનાં, ઘરનાં સિવાય વાસ્તુમાં કોઈને નહિ બોલાવવાનું નક્કી થયું. સંજયના સ્ટાફના મિત્રો પણ નહિ કે સાહિત્યકાર મિત્રો પણ નહિ. અમૃતાનાં મમ્મી-પપ્પા, મંદાર, ડૉ. શાહ તથા અમિત અપર્ણા-મુદિતા વગેરે વિદ્યાર્થીઓ, બસ. વાત વાતમાં અમૃતાએ એના પપ્પાને કહેલું કે આંગણમાં ક્યાં શું શું ઉગાડીશું એય સંજયે નક્કી કરી રાખેલું... તરત તો બધા છોડ ક્યાંથી ઊગે? પણ અમૃતાના પપ્પાએ વ્યવસ્થા કરી. ઊછરેલાં, ખૂબ મોટા થયેલા બધા છોડ ફૂલ-મૂળ સાથે લાવીને આંગણમાં ને પાછળના ભાગમાં રોપાવ્યા ને એનું જતન કરવા ખાસ માળીય રાખી દીધો! ને ઠેકઠેકાણે અનેક કૂંડાંય મુકાવ્યાં, લટકાવ્યાં… ઘરની આસપાસ જાણે વસંત છલકી ઊઠી... મહેકી ઊઠી… પંખીઓને ખાવા-પીવા માટેય ડાળ પર ખુલ્લાં પિંજર લટકાવ્યાં. વહેલામાં વહેલું મુહૂર્ત નક્કી થયું. એ પછીના અઠવાડિયે સંજય-અમૃતા અમેરિકા જશે. એ અગાઉ મનમાં હતી એ થોડીક વાર્તાઓનું કામ કરવું હતું પણ વાર્તાઓના બદલે કવિતાઓ ફૂટવા લાગી! – ફાગણમાં ફૂટતા કેસૂડાની જેમ! જેમ જેમ ફૂલો ફૂટતાં જાય તેમ તેમ ડાળીઓ પરથી પાંદડાં ખરતાં જાય… ને છેવટે છેલ્લું પાંદડુંયે ખરી પડે ત્યારે તો આખુંયે વૃક્ષ ઘેરા, ઊજળા કેસરી ફૂલોથી ભરચક ભરાઈ-છલકાઈ ગયું હોય! ડાળે ડાળ પર કેસૂડાંનાં અસંખ્ય ફૂલો દીવાની જ્યોતની જેમ ટમટમતાં હોય… બરાબર કેસૂડાંનાં પાંદડાંની જેમ જ સંજયની ભીતર પણ કશુંક સતત ખરતું જતું હતું અને અધ્યાત્મના ઊંડાણવાળી ગૂઢ કવિતાઓ કેસૂડાંના ફૂલોની જેમ ફૂટતી જતી હતી – અંદર-બહારને અજવાળતી! જોતજોતામાં તો નાનકડો – રૂપકડો સંગ્રહ થાય એટલાં કાવ્યો રચાઈ ગયાં! એ કાવ્યોની ઝેરૉક્ષ અલગ અલગ સામયિકોને મોકલી ને એની ફાઈલ પ્રકાશકને. કાવ્યો સતત ફૂટતાં રહ્યાં તે વાસ્તુનો દિવસ ક્યાં આવી ગયો એની ખબરેય ન રહી… આ દિવસની જો સતત પ્રતીક્ષા કરી હોત તો આ શુભ દિવસ ઝટ ન આવત. સવારના પહોરમાં જ બધાં નવા ઘરે પહોંચી ગયાં. આખુંયે ઘર ઉમંગ-ઉત્સાહથી છલકાઈ ગયું. આંગણામાંના ઊછરેલા છોડવા ને તરુણ વૃક્ષો જોઈને તો સંજય જાણે આનંદથી પાગલ થઈ ગયો... સૌપ્રથમ ગૃહપ્રવેશ કર્યો નાનકડી રૂપાએ – ચણિયા-ચોળીમાં સજ્જ, હાથમાં નાનકડા મોરિયા સાથે. ત્યારબાદ અમૃતા-સંજય-બા-અમૃતાનાં મમ્મી-પપ્પા વગેરે. પાણિયારે મોરિયો મૂક્યો. અડધો ભરેલો, અડધો ખાલી. પછી ઘીનો દીવો. બારીમાંથી આવતા આછા પવન સામે ફડફડતી જ્યોત ઝઝૂમતી હતી. સંજયે તરત બારી બંધ કરી. એકાદ-બે ક્ષણ પછી જ્યોત જાણે નિર્વિકલ્પ સમાધિ જેવી સ્થિર થઈ. આ ઘરમાં પ્રવેશ કર્યા પછી સંજય કોઈ જુદી જ હળવાશ અનુભવતો હતો… એના શ્વાસ જાણે શીમળાના ફૂલ જેટલા હળવા થઈ ગયેલા… એના શ્વાસ જાણે નાનાં ભૂલકાંઓએ સાબુના પાણીમાં ભૂંગળી બોળીને ઉડાડેલા રંગબેરંગી ઝલમલતા પરપોટા જેવા જ હળવા થઈ ગયેલા… ડ્રૉઇંગરૂમમાં ગોરમહારાજના શુદ્ધ મંત્રોચ્ચાર સાથે વાસ્તુપૂજન શરૂ થયું – વિધિવત્ સ્થાપન, પૂર્વજોને તર્પણ, દેવ-દેવતાઓને નિમંત્રણ-આસન-સ્થાપન, ગ્રહશાંતિના પાઠ… વગેરે. અબીલ-ગુલાલ-પુષ્પ-ચંદન વગેરેની સુગંધના કારણે સંજય માટે દીવાલોના તાજા રંગની ગંધ સહ્ય બની. પૂજાપામાંનાં પુષ્પો જોઈને સંજયને યાદ આવ્યું – નાનો હતો ત્યારે, પૂજા માટે માળણ ફૂલોનું નાનું પડીકું રોજ આપી જતી… ફૂલો માટે એ દોડતો.. ત્યાં બા કહેતી, ‘લઈશ નહિ એ ફૂલો, સૂંઘીશ નહિ... નહીંતર ભગવાનને એ ફૂલો નહિ ચડાવાય...’ ‘ભગવાનને ચડાવ્યા પછી તો એ ફૂલો લેવાય ને? પછી તો એ ફૂલો ભગવાનનો પ્રસાદ થઈ જાય ને!’ ‘સારું, લેજે.' ને તાજા ચંદનમાં બોળીને ભગવાનને ચડાવેલાં એ ફૂલો મળતાં પોતે ધન્ય થઈ જતો… વાસ્તુપૂજનમાં સંજય-અમૃતા લાકડાના પાટલાઓ પર બેઠાં છે... અમૃતાએ પાનેતર જેવી ભારે સાડી પહેરી છે. માથે ઓઢ્યું છે. વારે વારે એ માથે ઓઢેલું સરકી જતાં સરખું કરે છે. ઘરેણાં બધાં પહેર્યાં છે. સવારે ધોયેલા ને છુટ્ટા રાખેલા વાળ હજી થોડા ભીના છે. પીઠ પર બ્લાઉઝ પણ ભીંજાયો છે. આછી લિપસ્ટિક ને કપાળમાં મોટ્ટો ચાંલ્લો, જેની ઉપર ગોરમહારાજે કરેલો ચાંલ્લો… ને નાક પર થઈને ખરી ગયા પછીયે ચાંલ્લા પર ચોંટી રહેલા બે-ત્રણ ચોખા… સંજયે પીળું પીતાંબર પહેર્યું છે ને ખાદી સિલ્કનો ક્રીમ ઝભ્ભો. જનોઈ દીધી ત્યારે બાએ પીતાંબર પહેરાવેલું… ચડ્ડી કાઢતાં સખત શરમ આવતી'તી… – હવે તો હું મોટો થઈ ગયો, બાની હાજરીમાં આમ નાગા થવાય? – જનોઈ વખતે વાળ નહોતા ઉતરાવવા તોય બાપુજીના હુકમથી માથું વાળંદના હાથમાં આપવું પડેલું… સહેજ અસ્ત્રો વાગેલો તે લાહ્ય બળતી હતી એના કરતાંય વધુ દુઃખ તો વાળ જતા રહ્યા એનું હતું… ફોઈ પાછી એના પાલવમાં વાળ ઝીલતી હતી! પાલવમાં ઝીલવાને બદલે એ વાળ મારા માથામાં જ રહેવા દીધા હોત તો?! મોટાં મોટાં આંસુ ખરતાં હતાં. બાપુજી ચાવીવાળી કાર અપાવવાની લાલચ આપતા હતા. બા મારાં આંસુ લૂછતી હતી… બાની બંગડીઓ મારી ડોકને અથડાઈને રણકતી હતી. ઝટ વાળ ઊગે એ માટે બા ટકામાં તેલ ઘસી દેતી. થોડા વાળ ફૂટ્યા ત્યારે દર્પણમાં જોતો… કંકોડા જેવું માથું જરીકેય ગમતું નહિ… બાબરી ઉતરાવી નહોતી ત્યારેય, જૂઓ ન પડી હોય તોય બા પાસે જૂ વિણાવા બેસતો... પણ અત્યારે, વાસ્તુપૂજન કરતી વખતેય, એ બધી વર્ષો જૂની વાતો કેમ યાદ આવે છે?! સંજયે બા સામે સ્મિત કર્યું. નવોનક્કોર સફેદ સાલ્લો પહેરીને બા જાણે દીકરાના લગ્નપ્રસંગમાં બેઠાં હોય એમ ઠાવકાઈથી બેઠેલાં. એમણેય મીઠા-મધુરા સ્મિતથી દીકરાના સ્મિતનો જવાબ વાળ્યો. ખબર નહિ, મા દીકરા વચ્ચે આમ સ્મિત દ્વારા શો સંવાદ થયો?! આરતી વખતે ક્યાંયથીય રૂપા દોડી આવી. ને પાસપાસે બેઠેલા અમૃતા-સંજયની વચ્ચે ઘૂસીને બોલી : ‘આરતી હું કરું...’ ‘તને ક્યાંક દઝાશે બેટા...' પણ ગોરમહારાજે તરત વ્યવસ્થા કરી – એક પિત્તળની થાળીમાં ટમટમતા દીવાઓવાળી આરતી મૂકીને પછી થાળીને ત્રણેય જણે પકડીને આરતી ઉતારી. વિસ્મયને તો પિત્તળની ઘંટડી વગાડવાની એટલી મજા પડી કે આરતી પૂરી થયા પછીયે એણે ઘંટડી વગાડ્યા કરી ને રમ્યા કર્યું… અમૃતા-સંજય વડીલોને પગે લાગ્યાં. બાએ અમૃતાના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા – ‘અખંડ સૌભાગ્યવતી...’ સંજયને માથે હાથ મૂક્યા વિના બાએ કહ્યું, ‘જલદી સાવ સાજો-સારો થઈ જા…’ ને આવું આવું થતાં ઝળઝળિયાં અટકાવ્યાં. ત્યાં ટ્રેનની વ્હિસલ સંભળાઈ. તરત વિસ્મયને લઈને સંજય ધાબે ગયો. દૂરથી આવતી ટ્રેન જોવાની વિસ્મયને ખૂબ મજા પડી. ટ્રેન નજીક આવતાં સંજય ને વિસ્મય હાથ ઊંચો કરીને ‘આવજો’ કહેવા લાગ્યા. સરકતા જતા કથ્થઈ ડબ્બાની લંબચોરસ બારીઓમાંથી કેટલાક હાથ ઊંચકાયા ને ‘આવજો’ કહેતા રહ્યા… વળાંક લઈને ટ્રેન પસાર થઈ ગઈ… એ પછીયે સંજયને દેખાય છે – પસાર થતી જતી ટ્રેનની બારીઓ નથી... તે છતાં, ‘આવજો' કહી રહેલા ઊંચકાયેલા માત્ર હાથ…! હવામાં તરતા જતા… લાઇનસર… કોઈ કોઈ હાથમાં તો ફરકતા રૂમાલો પણ…! ને હાથ સિવાયનું બાકીનું શરીર જ નહિ! સંજય છળી મર્યો... ધોળા દિવસેય આવો આભાસ કેમ થયો?! સંજય ધાબેથી નીચે ગયો ત્યાં, ‘સૉરી, સર’ કહેતો કોઈ માણસ હાથમાં વીડિયો કૅસેટ લઈને પ્રવેશ્યો, ‘થોડું મોડું થઈ ગયું.’ ‘લો, સંજયની વીડિયો ફિલ્મ તૈયાર થઈને આવી ગઈ.’ અમૃતાના પપ્પા બોલ્યા. એમણે એડિટિંગ વખતે આ ફિલ્મ જોયેલી. ત્યારે એડિટિંગ અધૂરું હતું, બાકી કોઈએ જોઈ નહોતી. ત્યાં અમૃતાના પપ્પાને યાદ આવ્યું – ‘ઓહ! ટીવી-વીસીઆર લાવવાનાં તો રહી જ ગયાં..! અમિત, લે, આ કારની ચાવી… ને આ ઘરની. જા, ટીવી-વીસીઆર લેતો આવ...’ સંજય બોલ્યો, ‘જમવાનું તૈયાર થઈ ગયું છે. પહેલાં બધાં ઝટ જમી લો.’ બાને નવાઈ લાગી – એના વિશેની ફિલ્મની આ કૅસેટ આવી એ તરફ કશુંયે ધ્યાન આપવાના બદલે એ કેમ બધાંને જમી લેવાની ઉતાવળ કરાવે છે? ‘જમવાની શું ઉતાવળ છે, બેટા?’ બાએ પૂછ્યું. ‘મહારાજે કહેવડાવ્યું કે બધું તૈયાર છે. જમવા બેસવું હોય તો ગોટા ઉતારે.’ જમવાનું શરૂ થયું. બધાં જમતાં હતાં ત્યાં જ પ્રકાશકનો માણસ આવ્યો, હાથમાં ફાઇનલ પ્રૂફનું ભૂંગળું લઈને. ‘આ પ્રૂફ તપાસાવીને અત્યારે જ પાછું લઈ જવાનું મને કહ્યું છે તો…' ‘પહેલાં તુંય જમવા બેસી જા… ‘ના’ ચાલે જ નહિ... પછી સંજય પ્રૂફ જોઈને આપી દેશે.’ બાએ કહ્યું. સંજયે જોયું તો નવલકથાના ફાઇનલ પ્રૂફની સાથે બીજુંય પ્રૂફ હતું. – કવિતાસંગ્રહનું! જમ્યા પછી વરિયાળી ચાવતો સંજય એની રૂમમાં પ્રૂફ લઈને ગયો. બે દાંત વચ્ચે ભરાઈ રહેલી એક વરિયાળીને જીભ વડે બહાર કાઢવા મથતો સંજય પ્રૂફ જોવા લાગ્યો. ખૂબ ઝાંખું દેખાતું. આંખો સખત ખેંચાતી. થયું, વળી નંબર વધ્યા લાગે છે… નેત્રદાન માટે કામમાં આવી શકે એવી આંખો રહે તો સારું. અંતે જીભની મહેનત ફળી. વરિયાળીનો કણ બહાર નીકળ્યો ને દાઢો વચ્ચે ચવાવાય લાગ્યો. પણ આ પ્રયત્નોમાં જીભનું ટેરવું લાલ થઈ ગયેલું તે બળતું હતું… ટીવી-વીસીઆર આવી ગયાં. દરમ્યાન જમવાનું પતી ગયેલું તે બધાં ડ્રૉઇંગરૂમમાં સંજય પરની ફિલ્મ જોવા માટે ગોઠવાઈ ગયાં… અમિતે બધાં કૉર્ડ ભરાવ્યા… સ્વિચ ઑન કરી. પણ ટીવીમાં સપ્લાય આવતો નહોતો. સ્વિચ બે-ત્રણ વાર ચાલુ-બંધ કરી જોઈ. પણ પરિણામ ન આવ્યું. ‘બાજુના સૉકેટમાં પ્લગ ભરાવી જો…’ અમૃતાના પપ્પાએ સૂચન કર્યું. પ્લગ બાજુના સૉકેટમાં ભરાવીને સ્વિચ પાડતાં જ ટીવી ચાલુ થયું. વીસીઆરમાં કૅસેટ ભરાવીને સ્વિચ ઑન કરી. શરૂઆતનો કોરો ભાગ ચાલતો હતો ત્યાં અપર્ણા બોલી – ‘પણ સર તો છે નહિ!' ફિલ્મ જોવાના ઉત્સાહ-ઉમળકામાં સંજયને બોલાવવાનું જ ભૂલી જવાયેલું… તરત અમૃતા સંજયની રૂમ ભણી દોડી – ‘બાકીનું પ્રૂફ હવે પછી જોવાશે… ચાલ… પહેલાં…’ અમૃતાનું વાક્ય પૂરું થાય એ પહેલાં તો એની તીણી ચીસ આવી… બધાં સંજયની રૂમમાં દોડી ગયાં... પ્રૂફ જોતાં જોતાં જ એ ઢળી પડેલો. ચશ્માં નીકળી પડેલાં. હાથમાંથી ખુલ્લી ફાઉન્ટન પેન રગડી ગયેલી… નીબની ફાટનો ડાબી તરફનો ભાગ જરીક તૂટી ગયેલો. ‘સંજય બેભાન થઈ ગયો કે શું? જલદી હૉસ્પિટલ…’ ડૉ. મંદાર ઉપરાંત ડૉ. શાહ પણ હાજર જ હતા… જોયું તો બધું પતી ગયેલું… દરિયા ફાટી પડે એવા આઘાત છતાં મંદારને થયું – ઘરનું કામ પૂરું કરવામાં વિલંબ કર્યો હોત તો?! ડ્રૉઇંગરૂમમાં સંજયની ફિલ્મ શરૂ થઈ ગઈ હતી… પણ એને જોનારું કોઈ કહેતાં કોઈ જ નહોતું… સંજયની રૂમમાંથી ભાંગી પડવાના, હૈયાફાટ રુદનના, આશ્વાસનના અવાજો આવ્યા કરતા… ને સાવ ખાલીખમ ડ્રૉઇંગરૂમના ટીવીમાં સંજયનું કવિતાપઠન શરૂ થયું…
- ‘એક બારી હોત જો આકાશને…’
- * * *
- ‘એક બારી હોત જો આકાશને…’