વાસ્તુ/3

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ત્રણ

સાઇટ પરથી સંજય ઘરે પાછો ફર્યો. અમૃતા વિસ્મયને સ્તનપાન કરાવતી હતી. સંજયને થયું, સારું છે કે મારા આ રોગની જાણ થતાં જ ધાવણ સુકાઈ ન ગયું... આ ક્ષણે માતૃત્વનો આનંદ હૃદયમાંથી ઊભરાઈ ઊભરાઈને અમૃતાના ચહેરા પર છલકાતો હતો. એના ચહેરા પર પરમ સંતોષ ચમકતો હતો એ જોઈને, છેડો ઢાંકેલો હોવા છતાં સંજય કલ્પી શકતો હતો ધાવણની ધારાના પૂરને… ભરાઈ જતું હશે વિસ્મયનું મોં, રતૂમડા હોઠના ખૂણેથી બહાર રેલાતી હશે શ્વેત ધારા… ઊભરાતા ધાવણથી ભરેલાં સ્તન પલળી ગયાં હશે લથબથ… સંજયના મનમાં એક વિચાર ઝબક્યો – મારા મરણની ક્ષણેય બસ, પરમ તૃપ્તિનું આ દૃશ્ય જોવા મળે… અમૃતાએ વિસ્મયને ખોળામાંથી ખભે લીધો, પીઠે થપથપાવ્યો ને તરત ટચૂકડા વિસ્મયે મોટા માણસ જેવો ઓડકાર ખાધો! હળવેકથી વિસ્મયને ઘોડિયામાં સુવાડતાં અમૃતા બોલી, ‘આને જરી હીંચકો નાખ તો… હમણાં ઊંઘી જશે. એ પછી કર્યા કરજે તારું કામ. હું ઝટ તૈયાર થઈ જઉં… નહિ તો ઇન્ટરવ્યૂમાં મોડી પડીશ…’ ‘... ...’ ‘સંજય…’ સાડીની પાટલી વાળતાં અમૃતા બોલી. ‘શું?' ‘ઇન્ટરવ્યૂ લેનારા તને તો ઓળખતા જ હશે. જોયે કદાચ ન ઓળખતા હોય, પણ કવિ-લેખક તરીકે નામથી તો જાણતા જ હશે.’ ‘તો શું?’ સંજયનાં ભવાં ઊંચકાયાં ને અવાજ પણ. ‘તું એક ચિઠ્ઠી ન લખી દે?’ ‘તારે મારી ઇમેજ ખતમ કરી દેવી છે? મરણ પહેલાં જ પતાવી દેવો છે મને?’ ‘પ્લીઝ સંજુ… આખો દિવસ મને તારું મરણ યાદ ન કરાવ… માત્ર વિસ્મયને ધવડાવતી વખતે જ તારું મરણ યાદ નથી આવતું. એ સિવાય મને સતત…’ આગળના શબ્દો ડૂસકાંમાં ડૂબી ગયા. ‘સૉ...રી… અમૃતા.’ તરત અમૃતાએ સ્વસ્થતા ધારણ કરી લીધી. પાટલી ખોસી, પછી નીચે વળીને પાટલીના સળ ગોઠવતાં પૂછ્યું – ‘સંજય, ઇન્ટરવ્યૂમાં હું તારી પત્ની તરીકેની ઓળખાણ તો આપી શકું ને? એમાં શું વાંધો?’ ‘ના. એવી ઓળખાણ આપવાની પણ જરૂર નથી.’ ‘ઘણી વાર બા સાચું કહે છે, તમે તો સિદ્ધાંતોનું પૂંછડું છો. તમારી પત્ની તરીકેની ઓળખાણ આપવાથી કંઈ કોઈ મને પસંદ નહિ કરી લે. તમે કંઈ હજી એવા મોટા કવિ-લેખક નથી થયા. અને જો હોત તોય એ લોકોને તો તમારા કરતાંય વધારે મૂલ્ય હશે મળનારા લાખ-દોઢ લાખના કરપ્શનનું…' ‘બધે એવું ન હોય. હજી દુનિયામાં કેટલાક સારા માણસોય છે.’ ‘મને ઝટ નોકરી મળે એ કેટલું જરૂરી છે એ તમે સમજતા કેમ નથી? ચાલો, હું નીકળું.' – કહી અમૃતા સડસડાટ બહાર નીકળી ગઈ ને ઘરમાં રહી ગયું એનું પહાડ જેવડું વાક્ય – ‘મને ઝટ નોકરી મળે એ કેટલું જરૂરી છે?' સંજયને લાગ્યું, જો અમૃતાને આ સ્કૂલમાં નોકરી મળી જાય તો મોટા પહાડ જેવડું થઈ ગયેલું મારું માથું ગૅસ ભરેલા ફુગ્ગા જેવું હળવું બની જાય... જો ચિત્રકાર હોત તો ખૂબ મોટી સાઇઝમાં ઑઇલ પેઇન્ટિંગ બનાવત – ઍબનૉર્મલ આકારનાં અનેક લાંબાંલચ શરીર – આછા બ્લૂથી ડાર્ક બ્લૂ રંગોમાં ને માથાના બદલે નાના-મોટા, કાળા-ભૂખરા પહાડ ને વચમાં સોનેરી રંગમાં માછલી જેવા આકારનો એક માણસ ને એના માથાના બદલે એક મસમોટો પરપોટો! વિસ્મયના દેકારાએ સંજયના તરંગો તોડ્યા. સંજય વધારે ઝડપથી હીંચોળવા લાગ્યો તો દેકારા વધ્યા. ઘોડિયામાં પડ્યા રહેવું’તું જ કોને?! ભાઈને ઘોડિયામાંથી બહાર કાઢ્યા કે ચૂપ થઈ હસવા લાગ્યા ખિલખિલ…! રૂપા ડાહી હતી, ઘોડિયામાં પડી રહેતી. અત્યારે રૂપા મામાના ઘરે ન ગઈ હોત તો સારું થાત. વિસ્મયને હીંચકો તો નાખતી... રાખતી, રમાડતી. વિસ્મયને તેડીને સંજય ઓરડામાં આંટા મારવા લાગ્યો. ત્યાં તો વિસ્મયે ‘છી’ કરી! ‘છી’ કરવી'તી એટલે જ ભાઈ ડાહ્યાડમરા-ગંભીર-ધીર થઈ ગયેલા.. હાથ, ગંજી, લેંઘો. બધું બગાડ્યું. વિસ્મયનેય અમૃતા ન હોય ત્યારે જ મુહૂર્ત આવે છે! બા અહીં હોત તો સારું થાત. અમૃતા બહાર ગઈ હોય તોપણ વિસ્મયની કશી ચિંતા નહિ. સંજયે બધું સાફસૂફ કર્યું. કપડાં બદલ્યાં. કપડાં બદલતાં થયું – મારુંય ‘આવું’ કોકને સાફ કરવું પડે એવા દિવસો આવે એ પહેલાં જ ચાલી નીકળવાનું થાય તો સારું… વિસ્મયની આંખોમાં હવે જરી ઊંઘ દેખાતી હતી. એને ઘોડિયામાં સુવાડીને સંજય હીંચોળવા લાગ્યો. બા જાત્રા કરવા ગયાં છે તે સારું છે… પાછાં આવશે ને મારા આ રોગ વિશે પૂછશે ત્યારે?!