વાસ્તુ/9

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નવ

ડૉ. મંદાર પરીખને મળીને અમૃતા ઘરે આવીને જુએ છે તો – શેની તૈયારી ચાલી રહી છે. આ બધી? સંજયના વિદ્યાર્થીઓ- વિદ્યાર્થિનીઓનું પાંચ-છનું ગ્રૂપ આવ્યું છે ને એ લોકો જાણે કોઈ ભવ્ય પાર્ટી હોય એમ દીવાનખંડ શણગારી રહ્યા છે. ‘ભાભી..’ સંજયની વિદ્યાર્થિની મુદિતાની નજર અમૃતા પર પડતાં જ એ બૂમ પાડતી દોડી. હાથ લંબાવ્યો ને પછી એનો હાથ હાથમાં લઈ દાબતાં મૅરેજ ઍનિવર્સરી ‘વિશ' કરી. મુદિતાની પાછળ જ કિન્નરી, અપર્ણા, અમિત ને તન્મય દોડી આવ્યાં. બધાએ ‘ભાભી-ભાભી-ભાભી' કરીને વાતાવરણ ગજવી દીધું ને લગ્નતારીખની શુભેચ્છાઓ પાઠવી. એ પછી અપર્ણાએ તો એના હોઠ છેક અમૃતાના કાન પાસે લઈ જઈને કશુંક કહ્યું ને એ પછી બેય જણ ખડખડાટ હસી પડ્યાં. પણ અમૃતાનું હાસ્ય કંઈક ફિક્કું હતું… અમૃતાને થયું – આ લોકોને વળી લગ્નતારીખની ક્યાંથી ખબર પડી? તન્મય ફોન પર લાગી પડેલો – સર અને અમૃતાભાભીના લગ્નદિન નિમિત્તે બધાંને આમંત્રણ પાઠવતો હતો. અમૃતા વિચારમાં પડી – છોકરાઓનો બર્થ-ડે ઊજવીએ, પણ લગ્નદિવસ તો અમે ક્યારેય ઊજવતા નથી. આમ અચાનક કોણે આ બધું ઊભું કર્યું? સંજયના વિદ્યાર્થીઓએ? સંજયે? લગ્નદિવસ ઊજવવો’તો તો અગાઉથી કહેવું જોઈએ ને? બધી તૈયારી કરવાની ખબર પડે... અમૃતાની મૂંઝવણ વધતી ચાલી – આ લોકો તો ફોન કરી કરીને બધાંને આમંત્રણ આપ્યે રાખે છે! હવે હું બધી તૈયારી કઈ રીતે કરીશ? મુદિતા - અપર્ણા - કિન્નરી બધાં મદદ તો કરાવે; પણ અત્યારે આમ છેલ્લી ઘડીએ શું શું બનાવવું ને શું નહિ ને કેટલાં જણાં આવવાનાં છે… કંઈ કહેતાં કંઈ જ ખબર નથી. દર્પણમાં નજર પડતાં થયું – અને મારા દીદાર પણ કેવા છે? ભૂત જેવી લાગું છું! સવારે જ તેલ નાખીને ચપ્પટ માથું હોળ્યું છે તે સાવ ‘ચંપાબેન’ જેવી લાગું છું. અગાઉથી ખબર હોત તો માથુંય ધોઈને રાખત ને મેન્યૂય નક્કી કરી રાખત… ત્યાં કપાળ તરફ નજર ગઈ – ચાંલ્લો ક્યાંક પડી ગયો હતો, પણ કોરું કપાળ જોતાં જ ડઘાઈ ગઈ. થોડી વાર પહેલાંનું ડૉ. મંદાર પરીખની ચેમ્બરનું વાતાવરણ યાદ આવી ગયું ને ઘરે આવતાં જ પોતે સાવ અચાનક ‘પાર્ટી’ના વાતાવરણમાં મુકાઈ ગઈ! – કઈ રીતે હું ગોઠવી શકીશ મારી જાતને? ક્યાં?! અમૃતાને દર્પણ સામે આમ તાકી રહેલી જોઈને મુદિતા દોડી આવી – ‘ભાભી, તમે મૂંઝાઓ નહિ, તેલ નાખ્યું છે તો કંઈ નહિ, અત્યારે જ માથું ધોઈને નાહી લો. ચિંતા ન કરો, મેં બ્યૂટી-પાર્લરનો કોર્સ કરેલો છે. તમને સરસ તૈયાર કરી દઈશ.’ ‘એ તો બધું ઠીક પણ રસોડાનું બધું કામ –’ ‘એની તમે ચિંતા ન કરો, ભાભી. અમિત-તન્મયે બધું ઍરેન્જ કરી લીધું છે. ‘અગ્રવાલ’માંથી બધું આવી જશે. ‘અગ્રવાલ’વાળો તન્મયનો ખાસ મિત્ર છે. તમારે ભાભી, સરસ તૈયાર થઈને બેસવા સિવાય કશું જ કરવાનું નથી.’ મુદિતાની આ બધી વાતો અમૃતાના કાને તો પડતી હતી પણ તે છતાંય એના ચહેરાની રેખાઓ બદલાતી ન હતી. કાને પડતી વાત જાણે મગજ સુધી પહોંચતી જ નહોતી. ડૉ. મંદાર પરીખ પાસેથી હમણાં જ સંજયને ‘બ્લડકૅન્સર થયાનું જાણ્યા પછી અમૃતાનું મન-મગજ એવું થઈ ગયેલું કે જાણે કમ્પ્યૂટરમાં કોક વાઇરસે આખીયે હાર્ડડિસ્ક સાવ કોરીકટ ન કરી દીધી હોય! રાત્રે આ વાત સંજયને કેમ કરીને કહેવી એનીય મૂંઝવણ મનમાં ચાલ્યા કરતી હતી. ‘આ વાત સંજયને હું જ કરીશ’ – એવું મોટા ઉપાડે મંદારને કહ્યું ન હોત તો સારું થાત. ડૉ. મંદારનું સૂચન બરાબર હતું – એના ઘરે હું ને સંજય ગયા હોત ને ત્યાં મંદાર જ આ વાત જણાવત. ને ત્રણેય જણા વેદનાને વહેંચી લેત…! મનમાં આવું બધું ઘોળાતું હોય ત્યાં, ઘરે આવતાં જ આ પાર્ટી'નું વાતાવરણ?! કારમા આઘાતની ખબર જાણ્યા પછી અમૃતાના મનની હાલત એવી હતી કે એ એકલી રહેવા ઇચ્છતી હતી, સાવ એકલી. બાની હાજરીય એને અત્યંત ભારરૂપ લાગતી હતી; એટલું જ નહિ, એને થતું કે રૂપા-વિસ્મય પણ અત્યારે ન જોઈએ, સંજય પણ નહિ. આ ઘર ને એની બધીયે પળોજણ મૂકીને એ ક્યાંક ભાગી જાય… દૂ…૨… ખૂ…બ દૂર… સાવ એકલી… જ્યાં પોતાનો પડછાયોય સાથે ન હોય. હિમાલયના કોઈ એવા શિખર પર, જ્યાં બરફ સિવાય કશું જ ન હોય, કોઈ પશુ-પંખીય નહિ, વનરાજીય નહિ, જળ સુધ્ધાં નહિ, ચારેકોર શ્વેત ઠંડુંગાર ભેંકાર, થીજી ગયેલી શૂન્યતા, ખાલીખમ આકાશ… ને આવા ભયાનક રૌદ્ર વાતાવરણમાં પોતે સાવ એકલી હોય ને જોરશોરથી ચીસો પાડ્યા કરે – ‘સંજય…’ પડઘા પડે – ‘સં...જ...ય… જ...ય…’ ‘મને છોડીને તું ક્યાંય કહેતાં ક્યાંય જઈ ન શકે. ક્યાંય જઈ ન શકે... જઈ ન શકે... ન શકે... ‘મને તો બધાંએ અખંડ-સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા છે, મારા પહેલાં તું ચાલી જઈ ન શકે.’ વળી પહાડો ને ખીણોમાંથી પડઘા ઊઠે – ચાલી જઈ ન શકે... સં…જ...ય… સંજય… જ...ય…’ આવી ભયંકર ચીસોથી હિમાલયની બધી જ ખીણો ભરાઈ-ઊભરાઈ જાય… બધા જ પહાડો આ ચીસોના પડઘા પાડી પાડીને થાકી જાય, હાંફી જાય ને એક પછી એક શિખરો ગબડવા માંડે ખીણ ભણી… આ ચીસો અફળાયા કરવાથી આકાશમાંય ઠેર ઠેર ગાબડાં પડતાં જાય ને ગઢના કાંગરા ખરે એમ થોડું થોડું આકાશ ખરતું જાય… ખર ખર… ખર ખર… જોરજોરથી ચીસો પાડી પાડીને, બધીયે વેદનાને પહાડો, ખીણો ને ક્ષિતિજોમાં ઠાલવી દઈને, સાવ ખાલીખમ થઈ જઈને પાછી ફરું તે પછી વિસ્મયને વળગાડું મારા ડાબા સ્તને… ‘ભા… ભી…’ મુદિતાએ અમૃતાની આંખો સામે એની હથેળી ડાબેથી જમણે હલાવતાં કહ્યું, ‘વળી પાછાં ક્યાં ખોવાઈ ગયાં? તમે કશી ચિંતા ના કરો, ચાલો હવે બાથરૂમમાં ને જલદી નાહી લ્યો.' શૂન્યમનસ્ક થઈ ગયેલી અમૃતાનો હાથ પકડીને મુદિતા એને બાથરૂમ સુધી લઈ ગઈ. બાથરૂમમાં જતાં જ અમૃતાએ પહેરેલાં કપડે જ શાવર ચાલુ કર્યું. પછી બાથરૂમનું બારણું બંધ કર્યું. પૂર ઝડપે શાવરમાંથી પાણી વરસતું હતું. ડોક ઊંચી કરીને, આંખો મીંચીને એણે શાવર નીચે ખાસ્સી વાર ચહેરો ધરી રાખ્યો – પ્રિયતમની બેય હથેળીઓ વચ્ચે ધરી રાખે એમ. પાણીની દરેકેદરેક ધારા જાણે એના ચહેરા પર અનેક ચુંબનો કરી કરીને કશુંક આશ્વાસન આપવાનો પ્રયત્ન કરતી રહી. અમૃતાએ ચહેરો જરી નમાવ્યો. ઝીણી ઝીણી અનેક જલધારાઓ હવે એના માથા પર, તાળવા પર પડતી હતી… માથામાં તેલ ઘસીએ ને તાળવામાં તેલ ઊતરી જાય એમ આ ઠંડી, ઠંડી બધી જ જલધારાઓય તાળવામાં ઊતરી જાય તો? તાળવામાં જાણે તળાવ ભરાઈ જાય તો? તો આ મગજને કંઈક રાહત મળે? ઊધઈની જેમ સતત મગજને કોર્યા કરતી ચિંતા કેમેય જરીકે હઠતી નહોતી. માત્ર મગજને જ નહિ, આખાયે શરીરના કોષેકોષને કશીક રાહતની જરૂર હતી. અમૃતાએ બધાં જ કપડાં કાઢી નાખ્યાં. હવે અસંખ્ય જળધારાઓ એના અણુએઅણુને ચૂમી રહી હતી. રોમે રોમ દ્વારા કશીક શીતળતા અંદર પ્રવેશી રહી હતી. ત્યાં જળધારાઓનો આવેગ ધીમે ધીમે ઓછો થતો ગયો ને જળધારાઓ બંધ થઈ ગઈ. ‘ઓહ… ટાંકીમાં પાણી ખલાસ થઈ ગયું..’ અમૃતા ભાનમાં આવી. ‘સારું છે ડોલ ને ટબ ભરેલાં છે. હવે જલદી માથું ધોઈને બહાર નીકળવું પડશે. નહિ તો મોડું થશે.’ સદ્યસ્નાતા અમૃતા બહાર આવી. સવારના કોમળ કોમળ તડકામાં ઝીણા ઝીણા ઝાકળથી શોભતા કોઈ તાજા જ ખીલેલા પુષ્પ જેવો એનો ચહેરો દેખાતો. વાળમાંથી હજી જરી જરી પાણી ટપકતું હતું ને ગાઉનને જરી જરી ભીંજવતું હતું… ‘ચાલ, મુદિતા...’ અમૃતાએ બૂમ પાડી. પછી બંને અમૃતાની રૂમમાં ગયાં. અમૃતા ડ્રેસિંગ ટેબલ સામે ગોઠવાઈ. અપર્ણા પણ આવી ગઈ. હેર ડ્રાયરથી વાળ કોરા કર્યા. દોરી વગેરે લઈ આઇ-બ્રોને સરખી કરી ને ફેશિયલ ને પછી આછો મેક-અપ. ‘ભાભી, તમે વાળ છુટ્ટા જ રાખજો.’ બોલતી કિન્નરીય આવી ચડી. અર્પણાએ કબાટમાંથી પસંદગીની સાડીઓ કાઢી. ‘ભાભી, તમે આ સાડી પહેરજો.’ અપર્ણા. ‘ના, ભાભી, આ સાડી.’ કિન્નરી. ‘ના, મુદિતા કહે એ ફાઇનલ.’ અપર્ણા. આ બધી જ વિદ્યાર્થિનીઓ અવારનવાર ઘરે આવતી તે અમૃતા સાથે ખૂબ હળી ગયેલી. કિન્નરીએ કબાટમાંથી થોડા સેટ કાઢ્યા ને ખોલીને મુદિતાને પૂછ્યું, ‘આમાંથી કયો સેટ?’ મુદિતાએ મોતીના સેટ પર પસંદગી ઉતારી, ને હૅન્ડલૂમની ડાર્ક મરુન રંગની ઝીણી બૉર્ડરવાળી બ્લૅક સાડી પસંદ કરી. ‘આજના આ શુભ પ્રસંગે આવી કાળી સાડી?’ કિન્નરી બોલી. ‘તું તો સાવ જુનવાણી જ રહી.’ મુદિતા. ‘આ બ્લૅક સાડી જ સુપર્બ છે.’ અપર્ણા. બધાં અમૃતાને શણગારતાં હતાં પણ એનું હૃદય તો કશાંક કાળાંભમ્મર વાદળોથી ઘેરાતું જતું હતું. કિન્નરીએ અમૃતાના કાનમાંથી કડીઓ કાઢીને ઠેકાણે મૂકી. પછી મોતીના સેટમાંનાં ચમકતાં ઝીણાં ઝીણાં મોતીના ટચૂકડા ઝુમ્મર જેવાં લટકણિયાં બેય કાનમાં પહેરાવ્યાં. ‘ભાભી, તમારા કાનના છેદ બહુ મોટા થઈ ગયા છે, નહિ! વજનવાળી બુટ્ટીઓ હવે પહેરશો નહિ.’ ‘હં.’ અમૃતા. લગ્ન વખતે નિકટની સખીઓએ પણ પોતાને આટલા ઉમળકાથી શણગારી નહોતી. આ છોકરીઓ તો જાણે લગ્ન પછીની સૌપ્રથમ ઍનિવર્સરી હોય એમ… વિસ્મયને ઊંઘાડીને બા પણ રૂમમાં આંટો મારી ગયાં. એમના મોં પર એવો ભાવ હતો કે તેઓ મનોમન વિચારતાં હશે – ‘આ શું ખેલ માંડ્યો છે? આજકાલની છોકરીઓ તો સિનેમાની નટીઓના વાદે ચઢી છે! આજકાલ આ ટીવીમાં જોઈ જોઈને બધાં કોઈ ને કોઈ બહાને પાર્ટી કરવા લાગ્યાં છે. શી જરૂર છે આવા ખોટા ખર્ચાની? અમૃતા આટલી રૂપાળી તો છે તો પછી શું જરૂર છે મોં પર આ લપેડાની?’ ત્યાં બારણે ટકોરાનો અવાજ આવ્યો ને પછી સંજયનો અવાજ – ‘જલદી કરજે અમૃતા, હવે બધા મહેમાનો આવવા લાગશે.’ ‘વાહ! ભાભી કેટલાં સુંદર લાગે છે?’ કિન્નરી. ‘વાઉ! બ્યૂટીફૂલ!’ અપર્ણા. ‘આજનું આ રૂપ જોઈને સર ચોક્કસ એક કવિતા રચી કાઢશે.’ કિન્નરી. ‘ભાભી, તમે તો કંઈ બોલતાં જ નથી? કેમ આમ સૂનમૂન છો?’ જવાબમાં અમૃતા ઊભી થઈને દર્પણમાં જોઈ રહી. મુદિતાએ એના કપાળમાં કરેલા વાંકાચૂકા સાપોલિયા જેવા ચાંલ્લા સામે તાકી રહી. ક્ષણમાત્રમાં તો ચાંલ્લામાંનું એ સાપોલિયું સળવળતું સળવળતું મોટું થઈ ગયું ને બીજી જ ક્ષણે તો ફેણ ચઢાવેલો સાક્ષાત્ કોબ્રા! એકાદ ક્ષણ તો અમૃતા ડરી ગઈ, ફફડી ગઈ… પણ પછી તરત સ્વસ્થ થઈને સાપોલિયા જેવો ચાંલ્લો ભૂંસી નાખી ખૂબ મોટ્ટો ગોળમટોળ મરુન ચાંલ્લો ચોંટાડ્યો.. હવે બરાબર, ભાભી…’ કિન્નરી બોલી ઊઠી, ‘મને ક્યારનું લાગ્યા કરતું હતું કે કંઈક ખૂટે છે, કંઈક ખોટું છે, પણ ખ્યાલ ન'તો આવતો.’ ‘ભાભી, તમારી સૌંદર્યની સેન્સ તો મુદિતા કરતાંયે વધારે છે.’ અપર્ણા. ધીરે ધીરે મહેમાનો આવવા લાગ્યાં. અંગત અંગત લોકોને જ બોલાવેલાં તોય ખાસ્સું પચાસેક માણસ થઈ ગયેલું. બધા આવી આવીને સંજય-અમૃતાને અભિનંદન, શુભેચ્છા પાઠવતાં. સંજયે બ્લૅક પૅન્ટ, ક્રીમ શર્ટ ને ડાર્ક મરુન ટાઈ પહેરેલાં. સંજય અત્યંત ઉમળકાથી બધાયે મહેમાનો સાથે વાતો કરતો, હાથ મેળવતો, પ્રેમથી હાથ દબાવતો, કોઈ કોઈને ભેટતો, પીઠ થપથપાવતો. અમૃતાની બાજુમાં જ મુદિતા ઊભી રહેલી. ચૉરીમાં માથે મોડ મૂકીને બેઠેલી કન્યાના સૌંદર્યનું ધ્યાન રાખવા એની પડખે જ ખાસ સખી બેઠી હોય એમ! રૂપા ઝૂલઝૂલવાળું ખૂબ મોંઘું ફ્રોક પહેરીને એના જેટલી વયની છોકરીઓ સાથે રમતી હતી. બા પણ નવાનક્કોર સફેદ સાલ્લામાં ઠાઠથી બેઠાં હતાં, જાણે ફોટો પાડવા માટે ફોટોગ્રાફરે બેસાડ્યાં ન હોય! વારાફરતી બધાય મહેમાનો વિસ્મયને તેડતા – રમાડતા. તન્મય અને અમિત પણ અગ્રવાલના માણસોની સાથે પીરસવાના કામમાં લાગી ગયા હતા. અમૃતાની નજર પડી – બારણાંની ફ્રેમમાં ડૉ. મંદાર જરીક અટકીને ઊભો રહી ગયો ને પછી ભારે પગલે અંદર આવવા લાગ્યો. એને જોતાં જ, ખૂબ રોકવા છતાંયે અમૃતાની આંખોમાં ઝળઝળિયાં તો આવી જ ગયાં… મુદિતાએ જાળવીને મેક-અપ ખરાબ ન થાય એમ બહાર સરી પડેલાં ટીપાં લૂછ્યાં ને પૂછ્યું – ‘આ શું ભાભી? અત્યારે તમને જાણે સાસરે વળાવવાનાં હોય એમ...’ ‘આજ ખૂબ ખુશ છું ને...’ ભીના સાદે અમૃતા બોલી. આવતાંવેંત ડૉ. મંદાર સંજયને ભેટ્યો, પછી અમૃતા સાથે હાથ મિલાવ્યા, પણ નજર ન મેળવી. ‘સૉરી સંજય', મંદારે સંજયના ખભે હાથ મૂકીને કહ્યું, ‘એક ઇમરજન્સી કૉલ છે એટલે મારે તાત્કાલિક નીકળવું પડશે.’ ફરી ડૉ. મંદાર સંજયને ભેટ્યો, ‘પણ મોં તો મીઠું કરતો જા.’ – ના જવાબમાં ‘સારું’ કહીને, રસગુલ્લાં ગોઠવેલી પ્લેટમાંથી એક લઈને મોંમાં મૂકતાં જ, પાછું વળીને જોયા વિના જ, ઉતાવળાં ડગ ભરતો એ ચાલ્યો ગયો. આવી પાર્ટીઓમાં બધાં પત્ની સાથે આવતાં હોય આથી પાર્ટીઓમાં મંદારને એકલું લાગતું. ગ્રીષ્મા સિવાય અન્યને હું ચાહી જ કઈ રીતે શકું? – એવા વિચારે એણે લગ્ન નહોતાં કર્યાં. પાર્ટીઓમાં જવાનું એ મોટે ભાગે ટાળતો. નાછૂટકે જવું જ પડે એમ હોય ત્યાં એ જતો ખરો, પણ વધારે રોકાતો નહિ. પણ આજે ડૉ. મંદાર પરીખના તરત જ પાછા ચાલ્યા જવાનું કારણ જુદું હતું. અમૃતાએ જાણી કરીને મંદારને રોક્યો નહિ, પણ એ ઝડપભેર ચાલ્યા જતા મંદારને જોઈ રહી… એના મનમાં થયું – મારાથી અત્યારે ડૉ. મંદાર પરીખની જેમ આમ ભાગી જઈ શકાય તો?!