વિદિશા/માંડુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માંડુ

ભોળાભાઈ પટેલ

કોણ, જો હું પોકાર કરી ઊઠું, સાંભળશે મને…?
– રાઈનેર મારિયા રિલ્કે

માંડુ – માંડવગઢ બોલતાં મનમાં એક રોમૅન્ટિક ઉદ્વેગ જાગે છે. સરોવર, સંગીત અને સ્વપ્નનું નગર માંડુ. સૈકાઓ થયાં સરોવર જર્જરિત થતી જતી મહેલાતોનાં ખંડિત પડછાયા ઝીલ્યા કરે છે. એ મહેલાતોમાંથી એક વેળા ગુંજી ઊઠેલી સંગીતની મધુર સુરાવલિઓ સૈકાઓ થયા હજીય જાણે આસપાસ ઘૂમરાયા કરે છે અને ધીરે ધીરે દૂર દૂરના સ્વપ્નલોકની એક માયાવી કુહેલિકા આપણા ૫ર સંમોહનની એક જાળ પાથરી દે છે!

ચાંદનીમાં ચાંદની બનીને રૂપમતી ઊભી છે, એક ઊંચી ઇમારતની નિર્જન છત પર હળું હળું પવનમાં એના વેદનાવિધુર કંઠમાંથી નીકળતી પ્રલંબિત પ્રકંપિત સ્વરલહરીઓ નીચે નિમાડના હરિયાળા મેદાનમાં વિલીન થઈ જાય છે…

મંન ચાહત હૈ મિલન કો, મુખ દેખન કો નૈન,શ્રવન સુચાહત હૈ સુન્યો, પ્રિય! તવ મીઠે બૈન.

તુમ બિન જિયરા દુખત હૈ, માંગત હૈ સુખરાજરૂપમતિ દુખિયા ભઈ, બિના બહાદુર બાઝ.

પહાડના ઢોળાવવાળાં એક માર્ગ પર સ્તબ્ધતા પથરાયેલી છે, દૂર ઉ૫૨ આકાશમાં બીજનો ચંદ્ર છે, નીચે સરોવરનો એક છેડો દેખાય છે. બે અશ્વારોહી ઝાંખા થતા જતા વૃક્ષ પાસે ઊભા છે. અશ્વો એટલા એકબીજાની અડોઅડ છે, એક અશ્વારોહી બીજાને ખભે એક હાથ મૂકી, બીજા હાથની તર્જનીથી આ સૌન્દર્યલોકનું જાણે દર્શાન કરાવે છે. આ અશ્વારોહીઓ છે બાઝ બહાદુર અને રૂપમતી. માંડુ કહેતાં રાજપૂત કલમનું આ ચિત્ર સજીવ બની જાય છે, આંખમાં અલપઝલપ અંજાઈ જાય છે. બાઝ, રૂપમતી, માંડુ અભિન્ન છે.

વર્ષો પહેલાં ચૂનીલાલ વર્ધમાન શાહની નવલકથા વાંચી હતી – ‘રૂપમતી.’ તારુણ્યના એ દિવસોમાં બાઝ બહાદુર અને રૂપમતીના શુદ્ધ પ્રેમ (પ્લેટૉનિક લવ)ની આ કથા ખૂબ અસર કરી ગઈ હતી. રૂપમતી અને બાઝ સંગીતને તાંતણે બંધાયાં હતાં. ઉસ્તાદો અને તવાયફોની મદીલી ગાયકીમાં મગ્ન બાઝ વૈષ્ણવ કન્યાના સાત્ત્વિક સ્વર પર વારી ગયો અને એ કિશોરી કન્યાને પણ શાહજાદા બાઝીદમાં મનનો મીત દેખાયો. રૂપમતી સુંદર ગાતી હતી. એટલું જ નહીં, કવિતા પણ જોડતી હતી. બાઝને એણે સંદેશો મોકલ્યો હતો :

કમલન કો રવિ એક હૈ, રવિ કો કમલ અનેક;હમસે તુમકો બહુત હૈં તુમસે તુમ મોહિ એક.

અને બાઝ રૂપમતીને પોતાના હરમમાં લઈ આવ્યો હતો. એની સાથે શાદી કરવા ઇચ્છયું. પણ રૂપમતીએ ના કહી. શુદ્ધ પ્રેમની આંચમાં બંને ભૂજાતાં રહ્યાં. બાઝ અને રૂપમતીની વાત દેશદેશાવરમાં પહોંચી ગઈ હતી. માલવાની જાહોજલાલી હતી. સુલતાને-માલવાની દુનિયા શિકાર, સંગીત અને રૂપમતીમાં સીમિત થઈ ગઈ હતી. અકબરના સેનાપતિ અહમદખાને માંડુને ઘેરી લીધું. બાઝ લડ્યો, હાર્યો અને નાસી છૂટયો. માંડુ પર, બાઝના હરમ ૫ર અહમદખાનનો અધિકાર થયો. એની નજર હતી રૂપમતી પર. રૂપમતીએ ત્રણ દિવસની મહેતલ માગી. મળી. ત્રીજે દિવસે ફૂલ-શય્યામાં અહમદખાન રૂપમતીના મૃત દેહને વૃથા ઢંઢોળી રહ્યો હતો! કથા દિવસો સુધી મનમાં રહી.

અમદાવાદમાં પછી ‘રૂપમતી’ નાટક જોયું, જૂના પ્રેમાભાઈ હૉલમાં. ભવ્ય સેટિંગ્ઝ. એ નાટકની રંગસજ્જા, એનું સંગીત હજી સ્મરણમાં છે. પછી આવી હતી ફિલ્મ ‘રાની રૂપમતી.’ સંગીત મઢયા એ ચિત્રનું એક ગીત એ દિવસોમાં અમે બહુ ગણગણતા –

આ લૌટકે આ જા મેરે મિત, તુઝે મેરે ગીત બુલાતે હૈંમેરા સૂના પડા હૈ સંગીત, તુઝે મેરે ગીત બુલાતે હૈ..

એક વાર રૂપમતી બાઝની પ્રતીક્ષા કરતી ગાય છે, માંડુની ઊંચી અટારીએથી. એ જ ગીત પછી બાઝ ગાય છે, રૂપમતીના આત્મવિસર્જન પછી. એક વાર લતા અને એક વાર મુકેશને કંઠે ગવાયેલું આ ગીત આજે પણ જ્યારે રેડિયો પર આવે છે ત્યારે મર્મમાં એક વેદના, ફરકી જાય છે.

બાઝ-રૂપમતીની આ પ્રણયકથા સાથે માંડુનું એક કલ્પનાચિત્ર રચાયું હતું. તે પછી આજના માંડુનું એક દસ્તાવેજી ચિત્ર જોયું. રંગના સ્તર પર સ્તર ચઢતા જતા હતા. માંડું જવાનું આકર્ષણ વધતું ચાલ્યું.

અને પછી બન્યું એવું કે રિલ્કેના દુઈનો દુર્ગમાંથી રૂપમતીના મંડપ દુર્ગ – માંડુ પહોંચી જવાયું. દાહોદમાં રિલ્કેની જન્મશતાબ્દી નિમિત્તે ત્રણ દિવસનો પરિસંવાદ હતો. ઉમાશંકર આવ્યા હતા – તાજેતરમાં અસમ-નાગાલૅન્ડનો પ્રવાસ કરી. સુરેશ જોષી હતા. ત્રણ દિવસ રિલ્કેમય હતા. તેમાં એક વિચાર દાહોદથી માંડુ જવાનો આવ્યો. એક વહેલી સવારે જ્યારે માંડુ જવા ધારાનગરી (ધારા)ની બસ પકડી ત્યારે રિલ્કે અને રૂપમતી બેમાં મન પરોવાયેલું હતું. સાગરકિનારાની ઊંચી ભેખડો પર ઊભેલો દુઈનો કિલ્લો અને વિંધ્યાચળને છેક છેવાડે આવેલો માંડુનો કિલ્લો જાણે પાસે પાસે ઊભા હતા.

દિવાળી પછીના દિવસો હતા. રસ્તાની બન્ને ધારે ખેતરો આંખને ઠારતાં હતાં. બપોર થતાં સુધીમાં તો ધારાનગરીમાં આવી પહોંચ્યા. માલવપતિ મુંજના પ્રતાપી નામ સાથે જોડાયેલી એ નગરી હવે માત્ર ધાર તરીકે ઓળખાય છે. જિલ્લાનું મુખ્ય મથક. આમેય વર્ષો સુધી માલવાનું કેન્દ્ર રહેલું. રાજા ભોજનું પણ આ નગર. અહીં હતી તેની પ્રસિદ્ધ પાઠશાળા અને સરસ્વતીની પેલી પ્રસિદ્ધ મૂર્તિ! આજે તે મૂર્તિ તો લંડનમાં છે અને પાઠશાળાની મસ્જિદ થઈ ગઈ છે. કિશોરાવસ્થામાં વાંચેલી ભોજ અને કાલિદાસને નામે ચઢેલી કવિતાવિનોદની અનેક કથાઓ યાદ આવી, પરંતુ માંડુની બસમાં બેસતાં જ મન બાઝ બહાદુર, રૂમપતી અને માંડવગઢના ખ્યાલોમાં ડૂબવા લાગ્યું.

બસ ઢોળાવ ચઢતી હતી. વિન્ધ્યાચળનો આ પ્રદેશ. રમણીય બંધુર ભૂમિ, જંગલોથી છવાયેલી. એક જમાનામાં અહીં સિંહોની ડણક સંભળાતી. આજે પણ અનેક હિંસ્ત્ર પ્રાણીઓનું આશ્રયસ્થાન છે. બાઝ આ જંગલોમાં શિકારે નીકળતો હશે ને? આ વિન્ધ્ય જ્યાં પૂરો થાય છે તે દક્ષિણ-પશ્ચિમના છેડે માંડું વસેલું છે. એ રીતે એ વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવી રહે છે. બપોર હતી, પણ ઠંડક હતી. વાંકીચૂકી જતી બસમાંથી જર્જરિત કિલ્લાના કાંગરાં દેખાયા અને બસ પહાડને ખુલ્લા પ્રદેશમાંથી એક જર્જરિત દરવાજે થઈ કિલ્લેબંધી નગરમાં પ્રવેશી. માંડુનો આ દિલ્હી દરવાજો. આપણે અમદાવાદમાં પણ દિલ્હી દરવાજો છે જ ને! મને લાગે છે કે ઘણા કિલ્લાઓને આવા ‘દિલ્હી દરવાજા’ હશે – દિલ્હી અભિમુખ હોય એટલે દિલ્હી દરવાજા. એક વેળા સમ્રાટ અકબરની સવારી પણ દિલ્હી દરવાજેથી અમદાવાદ નગરમાં પ્રવેશી હશે. આજે તો હવે દરવાજામાં થઈને પ્રવેશવાની બંધી છે, દરવાજાની બન્ને બાજુએથી પ્રવેશ છે.

માંડુનો આ દિલ્હી દરવાજો હજી ખરી રહ્યો છે, તેને અડીને હતી ખરતી જતી કોટની રાંગ.. પછી આવ્યો આલમગીર દરવાજો અને તે પછી ભંગી દરવાજો! નામ સાંભળતાં આશ્ચર્ય થયું. પણ પછી ખબર પડી કે આ નગરની કિલ્લેબંધી ટાણે આ દરવાજો બન્યો ત્યાં એક ભંગીનું બલિદાન આપવામાં આવ્યું હતું! એવી માન્યતા હતી કે નરબલિથી કિલ્લો કે ઇમારત ચિરકાળ ટકે. કિલ્લો તો લગભગ ટક્યો ન ટક્યો થઈ ગયો છે; ‘ભંગી દરવાજા’ નામ ટકી ગયું છે. સહસ્ત્રલિંગ તળાવમાં પણ કહે છે કે પાણી થતું નહોતું અને પછી મયાનું બલિદાન આપવામાં આવ્યું હતું. રાજાબાદશાહોની કીર્તિકથાઓની ઓથે આવી કેટલીય કલંકકથાઓ દટાયેલી હશે!

બસમાંથી એક અદ્યતન ઇમારત દેખાઈ, ટૂરિસ્ટ લૉજ, થોડી વારમાં બસ જરા જીર્ણ વસ્તીવાળા ગામના એક નાનકડા હાટબજાર પાસે પણ નજરને ડારતી એક પ્રાચીન ભવ્ય ઇમારતના પરિસરમાં આવીને ઊભી રહી. આ માંડુ!

આ માંડુ એક વખતે આબાદ નગર હતું. એનું એક નામ હતું ‘શાદિયાબાદ’ – આનંદ નગર. એની પ્રાકૃતિક સુષમા વચ્ચે આજે ‘શાદ’નો અનુભવ એટલો થતો નથી જેટલો એક ‘ગમ’નો અનુભવ થાય છે, એક હળવી બેચેની થાય છે. આ અલસ બપોરે અહીં કેટલાક ફૅશનેબલ ટૂરિસ્ટોની અવરજવર હતી – બધા જાણે ઉતાવળમાં હોય નહીં એમ વ્યસ્તભાવે ફરતા દેખાતા હતા. અમે ગ્રામપંચાયતની ધર્મશાળા જોઈ. ‘ધર્મશાળા’ જ હતી. ત્યાં રહેવું ગમે તેવું નહોતું. કાકાસાહેબે આવી ધર્મશાળાઓ વિશે જે વિધાન કરેલું કે કુદરતી હાજત કુદરત પર છોડી દેવામાં આવે છે – તે અહીં પણ લાગુ પડતું હતું.

થોડું ચાલ્યા પછી એક જૈન ધર્મશાળા હતી. જૂની રીતિની હતી, પણ વિશાળ અને વ્યવસ્થિત હતી. અમદાવાદનાં છીએ એવી ખબર પડતાં વૃદ્ધ મુનીમજી ગુજરાતીમાં બોલવા લાગ્યા. તેમણે ઝટપટ અમારાં નામ રજિસ્ટરમાં લખી સામાન લઈ આવવા કહ્યું. એટલામાં ત્યાંનો સ્થાનિક કારકુન આવી લાગ્યો. અમારા દેખતાં વૃદ્ધ મુનીમજીને હિન્દીમાં દબડાવવા લાગ્યો. સામાન લેકર આ જાય, બાદમેં હીં નામ લિખના ચાહિયે – વગેરે. અમે મુનીમજી વતી માફી માગી સામાન લઈ આવ્યા. ધર્મશાળામાં જ એક સરસ વાવડી હતી – જાતે પાણી ખેંચી લેવાનું. આંબલીનું જૂનું ખખડધજ ઝાડ અત્યારે કાતરાથી ભરેલું હતું. બાજુમાં દેરાસર હતું. અમે જ માત્ર યાત્રિકો હતા. ગમી ગયું.

અધ્વખેદ થોડી વારમાં દૂર કરી અમે બહાર નીકળી પડ્યાં. અમારે માંડુનાં બધાં સ્થળો જોઈ લેવાં હતાં. પણ આ કંઈ નાનું ‘નગર’ થોડું હતું! વિંધ્યની લગભગ બે હજાર ફૂટ ઊંચી છેવાડી પહાડી પર માંડું વસેલું છે. તે પૂર્વ-પશ્ચિમ લગભગ પાંચેક માઈલ હશે. ઉત્તર- દક્ષિણ પણ લગભગ તેટલું જ. અહીં એકમાત્ર ઉપલબ્ધ સાધન ટેમ્પોરિક્ષા છે, જેનાથી આ બધાં સ્થળોએ જઈ શકાય. બસસ્ટૅન્ડ પાસેથી આ ટેમ્પો મળતો હતો. ત્યાં પહોંચીએ એટલામાં એક ફાંકડા જુવાને સલામ કરી કહ્યું – ‘ગાઇડ ચાહિયે સા’બ? હમ માંડુ કા પૂરા ઇતિહાસ બતાયેંગે… આપ ચાહેં તો અંગ્રેજી મેં, આપ ચાહેં તો હિન્દી મેં,’

ઢળતો પહોર હતો. એક જોરદાર ઘરઘરાટી સાથે ટેમ્પો ચાલુ થયો અને તેની સાથે જ ગાઈડની અસ્ખલિત વાગ્ધારા. વચ્ચે વચ્ચે ઉર્દૂ શેર પણ ફટકારતો જતો હતો, પણ એની નોંધ કરવાનું ચૂકતો ન હતો કે શાયરી અમને ગમે છે કે નહીં. ટેમ્પો વાંકાચૂકા રસ્તે થઈ દક્ષિણ દિશા તરફ જઈ રહ્યો હતો. ગાઇડ માંડવગઢની – શાદિયાબાદની પુરાણી જાહોજલાલીની વાત કરતો જતો હતો. અરે, અહીં રસ્તાની બંને બાજુ તો ક્યાંય કોઈ ઘર નથી! ખેતરો ખેડાઈ રહ્યાં છે અને વચ્ચે વચ્ચે ખંડિયેરો ઊભાં છે, પણ માણસ-વસતી ક્યાં? પાણીભર્યાં છીછરાં સરોવર છે – લીલાંછમ ઝાડ છે.

હા, એક વખતે માંડવગઢની રોનક હતી. અહીં લાખેક કુટુંબો રહેતાં હતાં (ગાઇડ કહેતો જતો હતો). કોઈ નવો માણસ અહીં વસવાને ઇરાદે આવે તેને દરેક કુટુંબ તરફથી એક ઈંટ આપવામાં આવતી અને એક સોનામહોર. એકીસાથે તેની પાસે લાખ ઈંટો થઈ જતી, જેનાથી તે ઘર બાંધતો અને લાખ સોનામહોરો થઈ જતી, જેનાથી તે ધંધે વળગતો!

ગમી જાય તેવી તેની વાત હતી, ભલે ગળે ઊતરી જાય તેવી ન હોય. અમે આજુબાજુ જોતા હતા. ક્યાંય કોઈ ઈંટ દેખાતી નહોતી. ક્યાં ગઈ હશે બધી? આ ખેતરો નીચે, ગાઢ વનરાજીઓના મૂળમાં દટાઈને પડી હશે? જે કેટલાંક ખંડિયેરો દેખાતાં હતાં તે તો શાહી ઘરાનાઓ સાથે જોડાયેલાં હતાં. સામાન્ય માણસનું ઘર એકેય નહીં? ગયાં ક્યાં એ બધાં ઘર?

ઇતિહાસ તો માંડુનું પગેરું છેક છઠ્ઠી સદી સુધી લઈ જાય છે. તે વખતના એક અભિલેખમાં મંડપદુર્ગ નામથી તેનો ઉલ્લેખ થયો છે. મધ્યકાળના ફારસી ઇતિહાસકારોની તવારીખમાં પછીથી પ્રચલિત થયેલું માંડવ નામ મળે છે. તેમાંથી થઈ ગયું માંડુ. કોઈ વળી કહે મંડુ. દસમી સદીમાં માળવા પર પરમારોનું શાસન હતું. તેમની રાજધાની હતી. ઉજ્જૈન, પછીથી ધારાનગરી – ધા૨. ૫૨મા૨ રાજવીઓમાં મુંજ અને ભોજનો પ્રતાપ દૂર સુધી વિસ્તર્યો હતો. મુંજના નામનું તો તળાવ છે માંડુમાં, જે માંડુ સાથે મુંજનો સંબંધ સ્થાપી આપે છે અને આમેય માંડુ તેની રાજધાની ધારાનગરીથી દૂર તો વીસ-બાવીસ માઈલ જ ને! અને ભોજનીય સરસ્વતી અર્થાત્ વાગ્દેવીની એક પ્રતિમા માંડુમાંથી મળી આવેલી છે. તે પછી બારમી સદીમાં તો માંડુ માળવાની રાજધાનીનું ગૌરવ પામે છે.

તેરમી સદીના અંત ભાગમાં માંડુ મુસલમાનોના હાથમાં ગયું. એક નવી અફઘાન સભ્યતાના સંપર્કમાં આવ્યું. પણ જે બાદશાહે માંડુની કિલ્લેબંધીની શરૂઆત કરી તેને અનેક ઇમારતોથી સજાવ્યું તે તો હોશંગશાહ. પંદરમી સદીની શરૂઆતનાં વર્ષોમાં તેણે અહીં રાજ્ય કર્યું. પછી આવ્યો મહેમુદશાહ. આ બંને બાદશાહો જેટલા ઇમારતો બંધાવવાના શોખીન હતા તેટલા લડાઈઓ લડવાના પણ. તે પછી ગ્યાસુદ્દીન. આ ભલો ધાર્મિક રાજા શરાબને અડકતો સુધ્ધાં નહોતો પણ તેના જનાનખાનામાં પંદર હજાર સુંદરીઓ હતી! આ ધાર્મિક પિતાને ઝેર આપી પુત્ર નસિરુદ્દીન ગાદીએ આવ્યો.

શેરશાહે માંડુ જીત્યા પછી શુજાઅતખાન નામના સરદારને ત્યાંનો સૂબો બનાવ્યો. તેણે સુજાઉસપુરની સ્થાપના કરી ત્યાં પોતાને સ્વતંત્ર રાજા જાહેર કર્યો. તેના અવસાન પછી સંગીતપ્રિય બાઝ બહાદુરે ફરી માંડવની રંગીલી રોનક પાછી લાવવાનો પ્રયત્ન કર્યો. તેનું નામ માળવાના ગામેગામમાં ગુંજતું થયું અને આજે પણ લોકગીતોમાં પડઘાય છે, બાઝ બહાદુર અને રૂપમતી…

‘યહ હે રૂપમતી કા મહલ…’ અમે જોયું. છેક ઊંચે ઉત્તર-દક્ષિણ બે છત્રીઓવાળી અનેક વાર ચિત્રોમાં જોયેલી રૂપમતીની છત્રી તરીકે ઓળખાતી ઇમારત હતી. ‘યહાઁ રૂપમતી હરરોજ નર્મદા મૈયા કે દર્શન કરને કે લિયે આતી થી’ ટેમ્પો આસ્તે થયો.

‘ક્યાં યહાઁસે નર્મદા દિખાઈ પડતી હૈ?’

‘હાઁ, હાઁ મૈં દિખાઊંગા આપકો – પહલે ઉસકી દાસ્તાન સુન લીજિયે.’

ટેમ્પોમાંથી ઊતરી, અમે નીચે ઊભા. આસપાસની નિસર્ગશોભા આંખને ગમે તેવી હતી. ગાઇડે રૂપમતીની વાત શરૂ કરી. બાઝ કેવી રીતે એ વૈષ્ણવ કન્યાને માંડુમાં લાવ્યો – કેવી રીતે રૂપમતી દરરોજ અહીં નર્મદામૈયાનાં દર્શન કરવા આવતી વગેરે વાત કર્યા પછી તેણે કહ્યું, ‘બાઝ બહાદુર રૂપમતી કો અપની બહન માનતે થે.’

ખોટી વાત. ગાઇડ આમ કેમ કહેતો હતો? બાઝ અને રૂપમતીના પ્રેમની વાતો તો ઇતિહાસ-પ્રસિદ્ધ છે. અનેક ચિત્રકારોનાં ચિત્રો તેની સાખ પૂરે છે. એક ચિત્ર છે મુગલ ચિત્રકાર ગોરધનનું. ચિત્ર નીચે ફારસીમાં લખ્યું છે – ‘બાઝ બહાદુર વ રૂપવતી દર દારૂલ ખિલાફહ મન્દુ દાદ એશ વે તરબ દન્દી’ – ‘પાટનગર માંડુમાં મોજમજા માણી રહેલાં બાઝ બહાદુર અને રૂપમતી.’ રૂપમતી બાઝને પ્રેમ કરતી હતી – બેહદ પ્રેમ. બાઝ અને રૂપ બે દેહ એક પ્રાણ હતાં. રૂપની આ પંક્તિઓ કહે જ છે :

પ્રીતમ હમ તુમ એક હૈં, કહત સુનન કો દોય,મનસે મનકો તોલિયે, દો મન કભી ન હોય.

(હમણાં એક પુસ્તક જોયું, અંગ્રેજીમાં. એનું નામ છે ‘ધ લેડી ઑફ ધ લોટસ – એ સ્ટ્રેન્જ ટેઇલ ઑફ ફેઈથફુલનેસ.’ આ ‘લેડી ઑફ ધ લોટસ’ – ‘પદ્મિની’ નારી તે બીજું કોઈ નહીં, રૂપમતી છે. એલ. એમ. ક્રમ્પ નામના અંગ્રેજે એક ફારસી લેખક અહમદ ઉલ ઉમેરીએ લખેલી ‘શહીદે વફા’ કિતાબ પરથી અંગ્રેજીમાં રૂપાંતર કર્યું છે. આ ફારસી લેખક અકબરનો સમકાલીન હતો અને એણે બાઝ અને રૂપમતીના એક અંતેવાસી સરદાર સુલેમાનને મોઢે સાંભળેલી ઘટનાઓ પરથી ૧૫૫૯માં એ કથા લખેલી. ક્રેમ્પે એ કથાના અનુવાદ ઉપરાંત રૂપમતીરચિત ગણાતી કવિતાઓનો અનુવાદ આપ્યો છે. રૂપમતીની એ કવિતાઓ પણ ગાઢ માનવીય પ્રેમની વાત કહી જાય છે. ક્રમ્પે છાપેલા એક ચિત્રમાં ચિત્રકાર સાંવલાએ રૂપમતીને એક હાથમાં હોઠની પાસે પ્યાલી અને એક હાથમાં દર્પણ (ચુ સાગર બર લબ વ આઈના બર દસ્ત) લઈ તેને શણગારતી સ્ત્રીના ઘૂંટણ પાસે બેઠેલી બતાવી છે. વૈભવ-વિલાસની આ મુદ્રા છે.

રૂપમતી રાની રૂપમતી કહેવાય છે. ગુજરાત અને માળવામાં બાદશાહોની બેગમોને રાની – રાણી કહેવામાં આવતી અને એ રીતે રાની રૂપમતી કહેતાં બાઝ સાથે તેનાં લગ્ન થયાનું નકારી શકાતું નથી. જોકે કેટલાક ઇતિહાસકાર રૂપમતીને માત્ર બાઝ બહાદુરની ગાયિકા તરીકે ઓળખાવે છે અને કેટલાક એને ‘પાતુર’ (ગણિકા) કહેવા પ્રેરાયા છે. ગમે તેમ બન્ને વચ્ચે ઐહિક પ્રેમનો સંબંધ હતો. રૂપમતીના હૃદયોદ્ગાર જેવી તેની કાવ્યપંક્તિઓ પ્રકટપણે આ બધું કહી જાય છે.

ગાઇડની વાતનો અમે વિરોધ કર્યો, તો તે જાણે ઘવાયો હોય એમ લાગ્યું. ‘નહીં સા’બ બાઝ બહાદુર રૂપમતી કો બિલકુલ અપની બહન કી તરહ હી રખતા થા…’ પણ પછી રૂપમતીની નજાકત વગેરેનું કલ્પનારસિત ચિત્રણ અનેક શેરોની મદદથી તે કરતો રહ્યો.

ઇમારતનાં બે મજલા છે અને ઉપર છત ૫૨ છત્રીઓ છે. દક્ષિણ તરફના એક સાંકડે દરવાજેથી પ્રવેશવાનું હતું. દરવાજો શાનો? એક માણસ માંડ જઈ શકે એટલો સાંકડો માર્ગ હતો, જેનું બન્ને બાજુનું પ્લાસ્ટર ઊખડી ગયું હતું. ગાઇડ ત્યાં ઊભો રહી ગયો. કમર પર હાથ રાખી શાયરીના અંદાઝમાં કહેવા લાગ્યો, ‘યહ દેખિયે સા’બ કિતના સઁકરા રાસ્તા હૈ? જબ યહ પલસ્તર ભી હોગા તો ઔર ભી સઁકરા હોગા. રૂપમતી ઇતની પતલી થી કિ બિના અપને જિસ્મ કો ઇધરઉધર કિયે સીધે હી સીડિયાં ચઢ જાતી થી. વહ તો રાની થી (?) રાની – હમારી તરહ શરીર કો ઇધર-ઉધર કર જૈસે તૈસે કેસે જાતી? અબ આપ સોચિયે. કિતની પતલી હોગી વહ.’ અને એમ કહી તેણે ફરી પાછો એક શેર સંભળાવ્યો. રસ્તો સાંકડો હતો. અમારે જરા આડાઅવળાં થઈ પ્રવેશ કરવો પડ્યો. ઉપર છત ઉપર આવીને ઊભા – અદ્ભુત દર્શન!

વિંધ્યનો આ છેડો જ છે. અહીંથી એકદમ સીધું છેક બે હજાર ફૂટ નીચે નિમાડ પથરાઈને પડયું છે. થાળી જેવું સપાટ હરિયાળું નિમાડ. અહીં પહાડની ધારેધાર કોટની રાંગ છે. ભાગ્યે જ કોઈ શત્રુ આ દિશાએથી હુમલો કરવાનું સાહસ કરી શકે. અહીં દરરોજ રૂપમતી આવતી હશે. નર્મદા મૈયાનાં દર્શન કરતી હશે. અમે દૂર દક્ષિણમાં નજર દોડાવી, તડકાની ઝાંય ટાળવાં નેત્રપલ્લવી કરી જોયું પણ ક્યાંય નર્મદા દેખાતી નહોતી. ‘નર્મદા કહાઁ હૈ?’ અધીરાઈથી ગાઇડને પૂછયું, ‘દિખાતા હૂઁ સા’બ, દિખાતા હૂઁ – અભી. પહલે આપ સબ યહાઁ દેખ લીજિયે.’ ઉત્તર તરફની છત્રી તરફ લઈ જઈ તેણે ત્યાંથી જરા નીચે વૃક્ષોના ઝુંડમાં દેખાતી બીજી ઇમારત બતાવી કહ્યું, ‘વો હે બાઝ બહાદુર કા મહલ.’ દૂરથી એ ઇમારત જાણે મૂંગીમૂંગી બોલાવતી હતી. ‘કભી કભી ચાંદની રાતમેં રૂપમતી યહાઁ ગાયા કરતી થી, બાઝ બહાદુર ઉસ મહલ કી છત પર બેઠ કર સુના કરતે થે.’ ગાઇડ બોલતો જતો હતો. નજર સામે બધું પલટાઈ ગયું. નિર્જન ચાંદની રાત છે. એક સૂર ધીરે ધીરે ઊઠતો ગયો :

કઠિણ ચઢિબો પ્રેમ તરુ, ડાલી બીન ખજૂર,ચઢૈ તો પાવૈ મિષ્ટ ફલ, પડૈ તો ચકના ચૂર.

રૂપમતીના શબ્દ… બાઝ બહાદુર અને રૂપમતીને ‘મિષ્ટ ફલ’ મળ્યું હતું કે પછી ‘ચકના ચૂર’…?

‘અબ આઈએ સા’બ. નર્મદા મૈયા કે દર્શન કીજિયે.’ આતુર બની અમે ગાઇડે બતાવેલી દિશા ભણી નિમાડનાં મેદાનોમાં આંખ ઝીણી કરી જોઈ રહ્યા. ‘વો દિખાઈ નહીં પડતી – પતલી સફેદ લકીર? વો હી નર્મદા હૈ.’ અમને કંઈ જ દેખાતું નહોતું. વળતાં પૂછ્યું, ‘આપકો દિખાઈ પડતી હૈ? સચ કહના.’ હવે જરા હસીને ગાઇડ બોલ્યો, ‘નહીં સા’બ, મુઝે ભી નહીં દિખાઈ પડતી. ઉસકે લિયે શ્રદ્ધા ચાહિયે – રૂપમતી તો ભક્ત થી નર્મદા મૈયા કી. ફિર ઉસકો તો મૈયા દર્શન દેગી હી.’

નર્મદાના અ-દર્શનથી જરા વ્યથિત થઈ અમે નીચે ઊતર્યા અને બાઝ બહાદુરના મહેલ ભણી વળ્યા. શરૂમાં જ આવે છે પાકા બાંધેલા ઓવારાવાળું સ્વચ્છ પાણીનું તળાવ. એ રેવાકુંડ. કહેવાય છે કે જ્યારે બાઝ બહાદુરે રૂપમતીને માંડુમાં લઈ જવાની ઇચ્છા કરી હતી, ત્યારે રૂપમતીએ સંભળાવી દીધું હતું કે જ્યાં સુધી ત્યાં ઊંચે માંડવગઢમાં રેવાનાં પાણી ના વહે ત્યાં સુધી મારું ત્યાં આવવું કેવું? પણ તે રાત્રે નર્મદા મૈયાએ રૂપમતીને સપનામાં દર્શન દીધાં અને કહ્યું કે માંડુમાં હું ઝરણારૂપે પ્રકટ થઈશ. એ ઝરણું મારા નામથી જ ઓળખાશે. તે આ રેવાકુંડ. સ્થિર સ્વચ્છ પાણી. પાણી સુધી જવાનાં પગથિયાં હતાં. આ તળાવમાંથી બાઝના મહેલમાં પાણી લઈ જવાની વ્યવસ્થા હતી.

બધાય મુસલમાન બાદશાહો પાણીના આશિક હતા. ગમે ત્યાંથી પાણીની નહેર વહેવડાવી મહેલના હમામ સુધી તો લઈ આવતા. લાલ કિલ્લો હોય, આગ્રાનો કિલ્લો હોય કે આ માંડુનો. બાઝનો મહેલ ટેકરીના ઢોળાવ પર છે. ગાઇડે જળવહનની તે વખતની કરામતની વાત કરી. બાઝના મહેલના વિશાળ ખંડો છે, ઓરડાઓ છે, વચ્ચે ખુલ્લો ચોક છે, જેમાં નાનકડો સુંદર કુંડ છે. પાણીથી ભરેલો હતો. શાંત જળમાં વાદળછાયા આકાશનું પ્રતિબંબ પડતું હતું. અમે ઝૂકીને જોયું – અમારા ચહેરા પ્રતિબિંબિત થયા. જરા નીચે નમી હથેલીમાં પાણી લેતાં પાણીની સ્થિર સપાટી કંપી ઊઠી. તેની સાથે આકાશ કંપવા લાગ્યું – અમે પણ.

ઉપર ખુલ્લી છત પર ગયાં. ‘દેખિયે સા’બ, યહ બારહદરી હૈ, ફિલમવાલે યહાઁ ફિલ્મ કે વાસ્તે આતે હૈં.’ સુંદર સ્થળ હતું. ટેકરીના નીચે વૃક્ષની ઘટા હતી. એકાએક પોપટનું એક મોટું ટોળું ઊડતું ઊડતું આવ્યું. બાજુના વૃક્ષની ડાળે થોડો કલબલાટ કરી ઊડી ગયું. અહીંથી રૂપમતીની છત્રી કાવ્યાત્મક લાગતી હતી. આ બંને ઇમારતો એકબીજાને તાકી રહી છે. અહીં વચ્ચે હવે અવકાશ છે, કોઈ તારામૈત્રક રચાતાં નથી. પણ પગથિયાં ઊતરતાં ઊતરતાં અહીંની હવા જાણે પીછો કરતી હતી, ક્ષુધિત પાષાણોની હવા.

ઘર્રર્રર્ર… અવાજ સાથે શરૂ થયેલા ટેમ્પોએ વર્તમાનમાં લાવી દીધા. વાંકેચૂંકે રસ્તે ફરી પાછો ટેમ્પો દોડવા લાગ્યો. ફરી એક જલવિસ્તાર આવ્યો. આ હતું સાગરતળાવ. અહીં પ્રાકૃતિક સુષમા મુગ્ધકર હતી. ‘દાઈ કા મહલ’ની ઇમારત સામે હતી. વચ્ચે ગુલાબની વાડી હતી. ખોબા જેવડાં ગુલાબ લલચાવતાં હતાં. પ્રવેશબંધી લખેલી હતી. ત્યાં એક પથ્થર પાસે ઊભા રહી ગાઇડે જોરથી બૂમ પાડી – ‘રૂપમતી…’ અને ક્ષણેકમાં દૂરથી પડઘા પર પડઘા આવ્યા ‘મતી… મતી…’ પછી તો અમને બહુ મઝા પડી. એકબીજાનાં નામ લઈને પુકારવા લાગ્યા, ઘોષ-પ્રતિઘોષની સૃષ્ટિ!

તળાવ કમળવેલથી છવાયેલું હતું, પાણી લગભગ સ્થિર. દૂર સુધી વિસ્તરેલાં આછાં નીરમાં જળપંખીઓ અસંખ્ય હતાં. ટેમ્પો ત્યાંથી અમને મુખ્ય રસ્તાથી ફંટાતા એક બીજા માર્ગે લઈ ગયો. નીલકંઠ મહાદેવની જગા. અહીંથી માંડુની પહાડીનો એક સુંદર ‘વ્યૂ’ જોવા મળે છે. એક નાનકડું ઝરણું મહાદેવના મંદિરમાં થઈને વહી આવતું હતું. અકબરે આ સ્થળની મુલાકાત લીધી હતી. અહીં થોડું થોભ્યા ન થોભ્યા ત્યાં ફરી ઊપડ્યા. જે સ્થળેથી ટેમ્પો ઊપડ્યો હતો ત્યાં આવીને ઊભો રહ્યો, માંડુના હાટબજાર પાસે.

‘યહ હૈ જામી મસ્જિદ…” અમે તેનાં પગથિયાં ચઢવા માંડ્યા. વિશાળ મહેરાબોવાળા ભવ્ય દરવાજામાંથી ઊંચો ગોળ ગુંબજ વટાવી અંદર પ્રવેશતાં જ તેની ધાકમાં અવાક્ થઈ જવાય; ‘હોશંગશાહને બનવાના શુરૂ કિયા થા, મુહમ્મદ ખિલજીને ઉસે પૂરા કિયા થા.’ મસ્જિદની રચનામાં સાદગીયુક્ત સંયમ હતો. દમાસ્કસની પ્રસિદ્ધ મસ્જિદના નમૂના પરથી આ મસ્જિદ બનાવવામાં આવેલી કહેવાય છે. ઇસ્લામી સ્થાપત્યમાંથી ભૌમિતિક સૌંદર્ય અનન્ય રીતે નિષ્પન્ન થતું હોય છે. ભારતમાં અફઘાન સ્થાપત્યનો આ વિરલ નમૂનો છે. હિંદુ સ્થાપત્યની પણ તેના પર અસર છે. મસ્જિદની વચ્ચે ખુલ્લું પ્રાંગણ છે અને ફરતે સપ્રમાણ કમાનોવાળા ગુંબજોની રચના છે. માંડુનાં રંગીન ખંડિયેરોમાં લગભગ સચવાયેલી આ સાદી ભવ્ય મસ્જિદનો પ્રભાવ કંઈક ઔર જ છે.

‘ઔર યહ હૈ અશરફી મહલ.’ જામી મસ્જિદની વાત કરતાં ગાઇડમાં જે અદબ હતી તે પાછી અશરફી મહેલની વાત કરતાં ચાલી ગઈ. એ માંડુના રંગીલા સુલતાનોના જનાનખાનાની વાતે ચડ્યો હતો. જામી મસ્જિદની સામે એક વિરાટ ખંડિયેર ઊભું હતું. આ અશરફી મહેલ ખરેખર તો મદરેસા હતી, મુહમ્મદશાહે બંધાવેલી. તે પછી મેવાડ જીતવાની યાદમાં તેણે અહીં ચિતોડમાં છે તેવો ઊંચો વિજયસ્તંભ બનાવ્યો હતો અને બાદશાહે ખુદ પોતાને માટે ‘આરામગાહ’ તૈયાર કરાવી હતી. આજે હજી ખંડિયેરોના ઢગલા વચ્ચે પીળા આરસથી જડેલી બાદશાહની કબરો છે. ખાસ ઈરાનના કારીગરોને બોલાવવામાં આવ્યા હતા. ગાઇડની વાગ્મિતા વધતી જતી હતી. અમે પૂછયું, ‘લેકિન ઇસકા નામ અશરફી મહલ ક્યોં હૈ?’

ઇમારતમાં પ્રવેશવાનાં પગથિયાં પાસે તે ઊભો રહી ગયો. જામી મસ્જિદની જેમ અહીં પણ ખાસ્સાં પગથિયાં હતાં. બે પગથિયાં વચ્ચે અંતર ઓછું હતું પણ પગથિયાંની પહોળાઈ ઘણી. સામાન્ય રીતે એક પગથિયે બબ્બે પગલાં મૂકતાં ચડવું પડે. ‘દેખિયે!’ કહીને ગાઇડ ઊભો હતો ત્યાંથી સવેગ એક એક પગથિયે, એક એક પગ મૂકતો ઉપર ચઢી ગયો અને તેવી જ રીતે ઊતરી, અમારી પાસે હાંફતો ઊભો રહ્યો. હાંફ શમે તે પહેલાં તેણે બોલવાનું શરૂ કર્યું. અહીંના બાદશાહોનાં હરમ અનેક સુન્દરીઓથી ભર્યાં ભર્યાં રહેતાં. ખાવું-પીવું, મોજમજા – એ જ જીવન. ખાઈ-પીને ઘણીખરી સુન્દરીઓ જાડી થઈ જતી, તેમની ખૂબસૂરતી ચાલી જતી. એટલે બાદશાહે આવાં પગથિયાંની રચના કરી એક એવો દસ્તૂર બનાવ્યો હતો કે જનાનખાનાની જે કોઈ સુન્દરી એક એક ડગલે એક એક પગથિયું ચડી જાય તેને તે જેટલાં પગથિયાં ચઢે તેટલી અશરફી આ૫વી. આમ બે વાર ચડે-ઊતરે એટલે સારી એવી કસરત થઈ જાય એવું હતું – એ તો અમે જ્યારે એ રીતે ચઢવાનો પ્રયત્ન કર્યો ત્યારે ખબર પડી!

મદરેસા પણ ખંડેર છે, વિજ્યસ્તંભનું નામનિશાન નથી. કદાચ તેની વધારે પડતી ઊંચાઈને કારણે જ એ તૂટી પડ્યો હશે. મુહમ્મદશાહનો મકબરો પણ તૂટુંતૂટું હાલતમાં છે. એક સમયે આ અશરફી મહેલનો ઊંચો ગુંબજ, જામી મસ્જિદનો ગુંબજ અને પાસે આવેલા હોશંગશાહના મકબરાનો ગુંબજ એક અદ્ભુત ‘સ્કાય લાઈન’ રચતા હશે. એક એક પગથિયે એક એક પગલું મૂકીને ઊતરવાનો ઉપક્રમ પણ અમે કરી જોયો – અને એકસાથે અનેક સુંદરીઓને સૌન્દર્યની સ્પર્ધા સાથે સાથે આ ૫ગથિયાં ૫ર ચડઊતરની સ્પર્ધામાં પ્રસ્વેદનાં નાજુક બિંદુઓ લૂછતી કલ્પવામાંય સરી પડ્યા.

હોશંગશાહનો મકબરો પણ સાદગીભર્યો છતાં ભવ્યતાનો અનુભવ કરાવે છે. શિલ્પીઓએ મકબરાની મહેરાબોમાં, જાળીઓમાં ભૌમિતિક સૌન્દર્ય પ્રકટાવ્યું છે. જાળીઓમાંથી જોઈએ તેટલો જ પ્રકાશ ચળાઈને અંદર આવે છે – જાણે આરામગાહમાં સૂતેલા સમ્રાટની અદબ ન જાળવતો હોય! ગાઇડે એક અભિલેખ તરફ આંગળી ચીંધી કહ્યું કે તાજમહાલના એક મુખ્ય સ્થપતિ ઉસ્તાદ હમીદે શાહજહાંના કહેવાથી તાજમહાલ બનાવતાં પહેલાં આ મકબરાની ડિઝાઇન જોવા ખાસ મુલાકાત લીધી હતી, તેનો તેમાં ઉલ્લેખ છે.

આ ભવ્ય મકબરો જોયા પછી ટેમ્પો ઉત્તર દિશામાં દોડ્યો. થોડીવારમાં જ આજુબાજુનો ઝાડીઝાંખરાંવાળો રસ્તો વટાવી ખંડિયેરની એક વસાહત વચ્ચે આવી તે ઊભો રહ્યો. સાંજ પડવા આવી હતી. આ બાજુ ઉગમણે તળાવ હતું, પેલી મેર આથમણે તળાવ હતું. તળાવનાં પાણીની સપાટી સ્થિર હતી. ક્યાંક કોઈ જળપંખીની થાપ જરા હલાવી જતી. તળાવની ધારે ઇમારતો હતી, જર્જરિત – ક્યાંક તો માત્ર દીવાલો હતી. દીવાલો પર ઊંચું ઘાસ ઊગી આવ્યું હતું. વર્ષાઋતુ હમણાં જ ગઈ હતી છતાં ઘાસ પીળું પડવા માંડયું હતું.

ગાઇડ હવે અધીરો બન્યો હતો. અમે આસપાસ આમતેમ જોતાં અતીતનાં ખંડિયેરોની આબોહવામાં ખોવાતા જતા હતા. થોડી વાર માટે જાણે સમય થંભી ગયો હતો, ‘ચલિયે; દેખિયે – યહ હૈ ‘હિંડોલા મહલ.’ જાણે કે મહેલ, મકબરા અને મસ્જિદની જ આ નગરી ન હોય! શું આ ત્રણ ‘મ’કાર સિવાય બીજું કશું અહીં નથી કે? ત્રણેની કેવી તો સહોપસ્થિતિ છે! મહેલમાં રંગરેલી, મસ્જિદમાં ઇબાદત અને પછી છેવટે મકબરામાં કયામત સુધીની પ્રતીક્ષા…દર્શકની ભાવસ્થિતિ પણ બદલાતી જાય.

હિંડોલા મહલ જમીન સાથે બરાબર દોસ્તી કરી ઊભો છે. હિંડોલા જેમ ઢળતી દીવાલોની જાડાઈ છ છ ફૂટ જેટલી છે. ઉપર ચડવાનો એક માર્ગ એવો છે કે રાજરાણીઓ સીધેસીધી પાલખીમાં કે ઘોડેસવાર થઈને ઉપરને મજલે પહોંચી જાય. ગાઇડે તો કહ્યું, ‘ઈસ રાસ્તે કો “હાથી ચઢાઓ”, કહતે હૈં. બેગમેં હાથી પર બૈઠે બૈઠે હી ઉપર જાતી થીં….’ રૂપમતીય હાથી પર બેસીને આ મહેલમાં આવી હશે ને? હિંડોલા મહેલમાં બધું ભારે ભારે, વજનદાર લાગે છે. જોકે ઉપર હવે છત કે છાપરું નથી, પણ પાંચ સૈકાઓથી ઊભેલો આ મહેલ આજે પણ અડીખમ લાગ્યો.

હિંડોલા મહેલની આથમણે અનેક જર્જરિત ઇમારતો સાંજના તડકામાં સુંદર લાગતી હતી. ખંડિયેરોનું પણ એક અનોખું સૌંદર્ય હોય છે. બલકે એમ કહો કે ખંડિયેરોનું દર્શન એક જુદી જ સૌંદર્યાનુભૂતિ જગવે છે. ઘણી વાર તો ખંડિયેર એક પૂર્ણ ઇમારત કરતાં આપણી કલ્પનાને વધારે ઉત્તેજિત કરે છે. દર્શકની સૌંદર્યદૃષ્ટિ ખંડિયેરોમાંથી એક અખંડ ઇમારત ચણી લેવા જાણે સક્રિય બને છે.

આ જે તળાવ છે તે મુંજ તળાવ છે. તેના આ એક કાંઠે ખંડિયેરોના ઢગલા પડયા છે. એક વખતની ભવ્ય મહેલાતો ઈંટરોડાંના ઢગલામાત્ર છે. તેમાંય ક્યાંક કોક વસ્તુ પેલી ભવ્યતાનો આછોપાતળો ખ્યાલ આપી જાય. ‘યહ હૈ ચંપાબાવડી. ઇસ કે પાની કી સુગંધ ચંપા કે ફૂલ જૈસી હોતી થી…’ આપણા ભમ્મરિયા કૂવા જેવી રચનાનો પ્રકાર હતો. નીચે તહખાનામાં ઓરડાઓ તળાવના પાણી પરથી આવતી પવનની લહેરોથી ઠંડા રહેતા. ત્યાં નીચેથી સીધા મુંજ તળાવને કાંઠે જઈ શકાતું.

મુંજ તળાવની ઉત્તર-પશ્ચિમ ભણી અમે ઊભા હતા. આથમણે હજી એક ઇમારત બોલાવતી હતી એકલવાયી, જર્જરિત, ત્યજાયેલી. આ બાજુ મુંજ તળાવમાં પ્રતિબિંબિત થતી અહીંની સૌથી મોટી ઇમારત ઊભી હતી.

‘યહ જહાજ મહલ હૈ…’ ગાઇડ એનો રંગીન રોમાંચક ઇતિહાસ શેરોશાયરીમાં ગૂંથતો જઈ રજૂ કરતો જતો હતો. માંડુની રંગીન દાસ્તાનોનો એ જાણે હજી જીવંત દસ્તાવેજ લાગતો હતો. જહાજ મહલ નામ ખરેખર સાર્થક બને છે, કેમ કે ઉગમણે કપૂર તળાવ અને આથમણે મુંજ તળાવ – આ બન્નેની વચ્ચે ઊભો છે આ મહેલ, જાણે કે વચ્ચે તરતો ન હોય! ગ્યાસુદ્દીનનો આ રંગમહેલ, પેલો જેના જનાનખાનામાં પંદર હજાર સુંદરીઓ હતી તે ગ્યાસુદ્દીન, શરાબને ન અડકનાર, ધાર્મિક વૃત્તિનો ગ્યાસુદ્દીન! ગાઇડની જીભ પર સરસ્વતી આવી ગઈ હતી. ગ્યાસુદ્દીનનો જ્યારે દરબાર ભરાતો ત્યારે તેની જમણી બાજુએ પાંચસો પુરુષવેશમાં સજજ સુંદર તુર્કી રમણીઓ અને ડાબી બાજુએ પાંચસો ઍબિસીનિયન ૨મણીઓ તહેનાતમાં ખડી રહેતી! અને છતાં રાજકારણ તે ‘સ્વસ્થ ચિત્તે’ ચલાવતો.

માંડુમાં જ્યારે જહાંગીર આવેલો ત્યારે તેણે નૂરજહાં સાથે આ મહેલમાં ઉતારો લીધેલો. જહાંગીરનામાં (અંગ્રેજીમાં ‘મૅમ્વાર ઑફ જહાંગીર’)માં માંડુમાં નૂરજહાંએ યોજેલી ભવ્ય મિજલસનું જહાંગીરે વર્ણન કર્યું છે (જહાંગીરના જેવી સૌન્દર્યપારખું નજરને વર્ષાઋતુમાં શોભી ઊઠતા માંડુ જેવું બીજું સુંદર સ્થળ ક્યાંય નહોતું દેખાયું.); ‘તે દિવસે સાંજ પડતાં જ તળાવો અને મહેલની ચોપાસ દીવાઓ ઝળહળી ઊઠયા હતા. પાણીમાં એ દીવાઓ એવી રીતે પ્રતિબિંબિત થતા હતા કે જાણે સમગ્ર તળાવની જળસપાટી એક જ્વાળાઓનું મેદાન ન હોય… ભવ્ય મનોરંજન ગોઠવાયું અને શરાબની તો એવી મહેફિલ જામી…”

જહાજ મહેલ આ બધી રંગરેલીઓનો સાક્ષી છે. વૃદ્ધ પિતા ગ્યાસુદ્દીનને ઝેર આપી નસિરુદ્દીન ગાદીએ આવ્યો. તેણે આ આખા વિસ્તારમાં પુરુષોને આવવાની બંધી ફરમાવેલી. એક વેળા પીધેલી હાલતમાં જળક્રીડા કરતાં તે ડૂબી ગયો ત્યારે તેની સાથેની સુંદરીઓએ તેને બહાર ખેંચી કાઢ્યો. પછી જ્યારે તેને ભાન આવ્યું ત્યારે જે સુંદરીઓએ તેને બચાવ્યો હતો તેમની કતલ કરાવી દીધી. પછી જ્યારે તે બીજી વખત ડૂબ્યો ત્યારે ડૂબી જ ગયો. કોઈએ બચાવ્યો નહીં.

થોડો કાળ વીત્યે અહીં બાઝ બહાદુર અને રૂપમતીની સંગીતની મહેફિલો જામતી હશે. કપૂર તળાવમાંથી કપૂરની સુગંધ – કદાચ અંગરાગ લગાડતી સુંદરીઓના સ્નાનને કારણે – આવ્યા કરતી હશે. કદાચ અહીં જ કોઈ એક ખંડમાં રૂપમતી વિષપાન કરી ફૂલશય્યામાં પોઢી ગઈ હશે. રૂપમતીના આખરી કહેવાતા શબ્દો યાદ આવ્યા :

પ્રીત મીત કે દિન ગયે, ગયે બહાદુર બાઝ,અબ ઉન પર જિયા જાત હૈ, યહાઁ કહાઁ હૈ કાજ.

આથમતી સાંજે આ જહાજ મહેલનો સંમોહનકારી પ્રભાવ પડતો હતો – એની આ રંગીન ઐતિહાસિક પૃષ્ઠભૂમિ તેમાં નવું પરિમાણ ઉમેરતી હતી. જહાજ મહેલનાં પૂર્વ દિશાનાં વિશાળ પગથિયાં છેક ઉપરની છત તરફ દોરી જાય છે. મુંજ તળાવમાં જહાજ મહેલ પ્રતિબિંબિત થતો હતો અને કોઈ પંખી જળસપાટીને હલાવી જતું ત્યારે હાલકડોલક થતો હતો. જહાજ મહેલને આથમણે ઝરૂખેથી અમે સૂર્યાસ્ત જોઈ રહ્યા. લાલ ઝાંયમાં બધું રસાતું જતું હતું. પેલી તરફ હિંડોલા મહેલ, ત્યાં દૂર પાણીને અડકીને ઊભેલી પેલી જર્જરિત ઇમારત, મુંજ તળાવ – બધું સ્તબ્ધ બનતું જતું હતું. ધીરે ધીરે સૂરજ ડૂબ્યો. માત્ર લાલ ટશરો રહી ગઈ.

હમણાં શું જહાજ મહેલના ખંડેખંડમાં દીવાઓ પ્રકટી ઊઠશે, તળાવની જળસપાટી આગ આગ થઈ જશે…ના કશુંય નહીં થાય. હવે જ્યારે પ્રવાસીઓના છેલ્લાં પદરવ શાન્ત થઈ જશે ત્યારે અહીં સૂનકાર ઊતરશે. અમે દબાતે પગલે પગથિયાં ઊતરી ગયાં. ટેમ્પો જ્યાંથી ઊપડ્યો હતો ફરી ત્યાં આવી પહોંચ્યો. માંડુનું હાટબજાર. હાટડીઓમાં દીવા બળતા હતા. ‘સલામ’ કહી ગાઇડે ઝૂકીને સલામ કરી.

જૈન ધર્મશાળામાં જૂના આંબલીના ઝાડ ઉપર દેખાતો ચંદ્ર શીળી પ્રભા વિસ્તારતો હતો. એક વેળાના ઝળહળતા અતીતના જીર્ણ સાન્નિધ્યની તીવ્ર ઉત્તેજના પછી હવે અહીં શાંતિ અનુભવાતી હતી.

બીજે દિવસે આખી સવાર, બપોર અને સાંજ માંડુના આ જર્જરિત મહેલો, મકબરાઓ અને મસ્જિદોમાં આથડ્યા કર્યું. રૂપમતીની છત્રીએ ચઢી દૂર દૂર નિમાડનાં મેદાનોમાં નર્મદાની રેખ જોવા મથ્યા, બાઝ બહાદુરના મહેલના સ્વચ્છ કુંડને પગથિયે બેસી પોતાનાં પ્રતિબિંબ જોયાં, મહેલની છત પર બેસી અધૂરાં ગીતની અધૂરી પંક્તિઓ ગણગણી, મહેલને ઓતરાદે દરવાજે ઊડતાં પોપટનાં લીલાં ઝુંડ જોયાં, રેવાકુંડમાં પગ ઝબોળી સ્તબ્ધ પાણીને ઝબકાવ્યાં, ઈકો પૉઇંટ પર પ્રલંબિત સ્વરે એકબીજાનાં નામ બોલી પડઘા સુણ્યા, નગરમાંથી બનેલાં ખેતરોમાં ખેડતા ખેડૂતો સાથે વાતો કરી, ઢોર ચરાવતા છોકરાઓના હાથમાંથી ગોફણ લઈ, કાંકરા ફેંકી પાસેના જળાશયનાં પંખીઓ ઉડાડ્યાં, ગુલાબના ક્યારાઓમાં વિશ્રામ કર્યો અને આમ ભટકી ભટકીને સાંજ પાડી દીધી.

સાંજે ફરી જહાજ મહેલને ઝરૂખે આથમતા સૂરજને માંડુનાં ખંડિયેરો પર લાલ કિરણો ફેંકતો જોયો. આ સૂરજ તો કાલે ઊગશેય ખરો; પણ આ નગરનો આફતાબ તો ક્યારનોય આથમી ચૂક્યો છે. નગરના અધિદેવતાનો વાસ નગરમાંથી ઊઠી ગયો છે.

દિવસ-રાતની આ સંધિ વેળાએ આ ખંડિયેરો સંમોહન પાથરતાં જતાં હતાં. હમણાં જાણે આ ક્ષુધિત પાષાણોમાંથી એક પ્રેતસૃષ્ટિ વહી આવશે. આ કપૂર તળાવના ભાંગેલા ઓવારા પર, આ બાકોરા જેવા મહેલના ઝરૂખા ૫ર, આ જર્જરિત મહેલને ઓરડે ઓરડે તેની રાત્રિરમણા શરૂ થઈ જશે. કોઈ અવગતિક જીવ પોકાર કરી ઊઠશે… (કોણ સાંભળશે?)

ના. હવે અહીં વધારે નહીં ઉભાય. હવે જવું જોઈએ. ઉપર ઊગેલો અર્ધચંદ્ર જાણે સંકેત હતો. જહાજ મહેલનાં પગથિયાં ઊતરી રસ્તે ચાલવા લાગ્યા. ચાલીને જવાનું હતું. છેલ્લે પાછળ નજર કરી લીધી, પછી ચાલ્યા. ધીમે ધીમે અમારા ઝાંખા પડછાયા દેખાવા લાગ્યા. તબેલી મહેલને વટાવી એક જૂના દરવાજાની બહાર નીકળ્યા ત્યાં સુધીમાં તો પડછાયા સ્પષ્ટપણે અમારી સાથે ચાલતા દેખાયા. કારતકની સાતમ કે આઠમ હશે. સ્વચ્છ આકાશમાં ફરી ચંદ્ર ભણી નજર ગઈ.

અર્ધચંદ્રલોકમાં બધું ‘મિસ્ટીરિયસ’ બની જતું લાગ્યું. હજુ તો પેલી મહેલાતોના પરિસરમાં જ હતા. પુરાણી ઇમારતની અડોઅડ ઊભેલા પુરાણા ઝાડ પરથી કોઈ રહ્યોસહ્યો પ્રેતાત્મા હમણાં ઊતરી પણ આવે. ક્યાંક ઠોકર વાગતી ત્યારે લાગતું કે અમે ચાલી રહ્યા છીએ. ચાંદનીનો પ્રભાવ વિસ્તરતો ગયો. પણ હવે અમે પેલા પરિસરની બહાર આવી ગયા હતા. થોડાંક ઘર આવ્યાં. ઘર. ઘરોમાં દીવાનું અજવાળું હતું. માણસોનો આછો આછો રવ હતો. હાશ.