વિદુલા/વિદુલા1

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિદુલા

સુરેશ જોષી

ગાડી ઝડપથી દોડ્યે જતી હતી. પાટાઓ બદલાવાને કારણે લાગતા આંચકાને લીધે હું જાગી ઊઠ્યો. કમ્પાર્ટમેન્ટમાંની લાઇટ બુઝાવી નાખી હતી; મધરાતના સૂનકારને ભેદીને, નિર્જન સ્ટેશનને હચમચાવીને, ગાડી દોડ્યે જતી હતી. સ્ટેશન પરના દીવાના પ્રકાશની કરવત અમારા અન્ધકારને વહેરી નાખતી હતી; ત્યાં એકાએક એક મોટો આંચકો લાગ્યો, ને રેલવે યાર્ડની ફલૅશલાઇટના ઝબકારમાં મેં બારીની બહાર દૃષ્ટિ માંડીને બેઠેલી અન્યમનસ્ક સ્ત્રીનો ચહેરો જોયો; ને એની સાથે જ યાદ આવી વિદુલા…

સરકારી કચેરીમાં મકાન મેળવવા માટે મેં અરજી કરી હતી. એને અંગે તપાસ કરવા હું ગયો હતો. બેચાર જગ્યાએ અથડાતો અથડાતો હું વિદુલા દેસાઈની કૅબિન આગળ પહોંચ્યો. મેં મારા નામનું કાર્ડ મોકલાવ્યું. મને અંદર બોલાવવામાં આવ્યો. અંદર દાખલ થતાં જોયું તો મુલાકાતીઓ માટેની ખુરશીઓ પૈકીની એક્કેય ખાલી નહોતી. આથી શું કરવું તેની મૂંઝવણમાં હું વચ્ચે જ ઊભો રહી ગયો. વિદુલા દેસાઈએ તો એક વાર માત્ર ઊંચે નજર કરી, પછી એ મુલાકાતીઓ સાથે વાતમાં પરોવાઈ ગઈ:

‘તો બોલો, ક્યાં જઈશું? દાજિર્લિંગ કે કોડાઇકનાલ?’

‘કમ્પની સારી હોય તો ગમે ત્યાં મજા આવે, તમે કહો ત્યાં જઈએ.’

‘ચાલોને, ક્યાંક પણ ભાગી છૂટીએ, અહીં તો ‘લાઇફ’ જ નથી લાગતી!’

હું અકળાયો, મારી જેમ રાહ જોતા બેઠેલા બીજા બે મુલાકાતીઓ પણ અકળાયા. અમારામાંના એક હિંમત કરીને કહ્યું: ‘માફ કરજો, જો આપ એક મિનિટ –’

વિદુલાએ માફી માગતાં અત્યન્ત નમ્રતાપૂર્વક કહ્યું: ‘આપને અગવડમાં મૂક્યા હોય તો દિલગીર છું. આપને માટે વરલીના લત્તામાં ઘર નક્કી કરવામાં આવ્યું છે. આપને અનુકૂળ આવશે ને?’ ને એ આંખો માંડીને હોઠ પર પેન્સિલની અણીને રમાડતી જવાબની રાહ જોઈ રહી.

ત્રણ મુલાકાતીઓને પતાવ્યા પછી મારો વારો આવ્યો. મારા તરફ જોયા વિના એ મારું નામ બોલી: ‘સૂર્યકાન્ત પરીખ.’ પછી અરજીઓના થોકડામાંથી મારી અરજી શોધવા લાગી. એ દરમિયાન બેચાર વાર બબડી: ‘મિ. પરીખ, હં, પરીખ, તમે અરજી ક્યારે કરી હતી તે યાદ છે?’

મેં કહ્યું: ‘હા, હા, પંદરમી એપ્રિલ.’

મારો અવાજ સાંભળીને એ ચોંકી હોય તેમ એકદમ બાવરી આંખે મારી સામે જોવા લાગી. એની સામે બેઠેલા સજ્જનને પણ આશ્ચર્ય થયું ને એઓ પણ મારી સામે જોઈ રહ્યા. પછી વિદુલા બોલી: ‘પરીખ? સૂર્યકાન્ત? તમારો અવાજ બહુ પરિચિત લાગે છે. આપણે ક્યાંક મળેલાં ખરાં?’

હું વિચારમાં પડ્યો. મેં યાદ કરી જોયું. પછી કહ્યું: ‘ના, મને કશું યાદ આવતું નથી.’

પછી એ વાત જાણે થઈ જ નથી એવા ભાવથી એણે ફરી અરજીઓમાં ધ્યાન પરોવ્યું, મારી અરજી શોધી કાઢી ને મને આપવા ધારેલા ઘરની વીગતો જણાવી, ને એ ઘરનો કબજો હું ક્યારે લઈ શકું તે જણાવ્યું. પછી મારી સામે જોઈને બોલી: ‘બોલો, આપને માટે બીજું શું કરી શકું?’

મેં પણ ઔપચારિક ઢબે કહ્યું: ‘આભાર, તકલીફ આપવા બદલ દરગુજર કરશો.’

આટલું કહીને હું ઊઠ્યો. મારી સાથે પેલા સજ્જન પણ ઊઠ્યા. એમનો પગ લંગડાતો હતો. મેં જોયું તો એમને પગે પાટો બાંધ્યો હતો. એઓ લંગડાતા લંગડાતા ચાલવા જતા હતા ત્યાં વિદુલાએ જરાકેય સંકોચ વિના એમને પોતાના ખભાનો ટેકો આપ્યો. આ પ્રગલ્ભતા જોઈને હું પણ સહેજ ડઘાઈને ઊભો રહી ગયો. એટલામાં પેલા સજ્જને મને પૂછ્યું: ‘મિસ્ટર પરીખ, તમારે ક્યાં જવું છે? ચાલો, હું તમને ઉતારી દઈશ.’

મેં બહાનું કાઢ્યું: ‘મારે હજુ બેન્કમાં જવું છે. આપના સદ્ભાવ બદલ આભાર.’ ને હું નમસ્કાર કરીને છૂટો પડ્યો.

આ વાતને પંદરેક દિવસ થયા હશે. એક દિવસ પટાવાળો ચિઠ્ઠી આપી ગયો. ચિઠ્ઠી વિદુલાની હતી. લખ્યું હતું: આજે સાંજે ‘ચેતના’માં કેટલાક મિત્રોને બોલાવ્યા છે. તમે પણ જરૂર આવજો. મને આનન્દ થશે.

મને નવાઈ લાગી. મારે જવું જોઈએ? ન જવાથી કદાચ એને ખોટું લાગે. પણ એટલી આત્મીયતા અમારી વચ્ચે હતી જ ક્યાં? એ સ્ત્રીને ઓળખવાનું મને કુતૂહલ થયું. કુતૂહલ? ના, એને જોઈ ત્યારથી મનમાં, કશા કારણ વિના, એની પ્રત્યે કરુણાની લાગણી થયા કરતી હતી. એથી હું મારી જાત પર હસતો પણ હતો. એને શાનું દુ:ખ છે? ને દુનિયામાં દુ:ખી તો ઘણાં છે; તો પછી એ સ્ત્રી છે, યુવતી છે માટે…

સાંજે છને સુમારે ‘ચેતના’માં પહોંચીને જોયું તો મંડળી જામી ચૂકી હતી. મેં વિદુલાને દૂરથી જોઈ. બહુ જ સાદાં સફેદ વસ્ત્ર એણે પહેર્યાં હતાં. પણ એમાં સફાઈ હતી, વિશિષ્ટ પ્રકારની રુચિનો એથી પરિચય જરૂર થતો હતો. એનામાં એક પ્રકારનો તરવરાટ હતો. એની નજર મારા પર પડતાંની સાથે જ એ લગભગ દોડીને મારી પાસે આવી. પછી બોલી: ‘સૂર્યકાન્તભાઈ, છ એટલે બરાબર છ વાગ્યે જ આવવું એવું માનો છો? અમારી મંડળીમાં એ નહીં ચાલે. આવો, ઓળખાણ કરાવું.’

એ મંડળીમાં બે પ્રોફેસરો હતા, એક રાજકારણમાં જાણીતા યુવાન હતા, બે પત્રકારો હતા, બે જાણીતા લેખકો ને એક વેપારી પણ હતા. વાતો ચાલી. સ્પુટનિક, સુર્રિયાલિઝમ, એબ્સ્ટ્રેકટ પેઇન્ટંગિ, શેરના ભાવતાલ, સરકારની વિદેશનીતિ, સાહિત્ય અને શેખીખોરી.. કશું બાકી ન રહ્યું. મને એક વાતની નવાઈ લાગી. વિદુલા ભારે વિદગ્ધ હતી. ચર્ચામાં એણે ઉત્સાહથી ભાગ લીધો. એક-બે પ્રસંગે તો એણે મને ચકિત જ કરી દીધો. વાત જીવનને વ્યાપી લેતી હતાશા વિશે ચાલતી હતી. એ એકદમ ઉશ્કેરાઈ ગઈ: ‘હતાશા? ક્યાં છે હતાશા? આપણામાંના કોણે અનુભવી છે હતાશા? આપણું ગજું શું? નાનામાં નાના, તુચ્છમાં તુચ્છ સુખ કે સુખના ભ્રમની પાછળ લપાઈને આપણે સદા બચતાં આવ્યાં છીએ. હતાશાનાં રંગીન ચિત્રો આલેખવાની મજા પડે ખરી, એમ કરીને પ્રગતિવાદીમાં ખપવાની જોગવાઈ થાય ખરી, પણ તેથી શું? હતાશા – આપણા હોઠ પર એ શબ્દ શોભતો નથી…’

આ આકસ્મિક આવેગથી હું હેબતાઈ ગયો. મારા મુખ પરના ભાવને જોઈને એ એકદમ હસી પડી ને બોલી: ‘અરે સૂર્યકાન્તભાઈ, શું થયું છે તમને? આ તો નાટક છે નાટક, ડોન્ટ ટેઇક ઇટ સિરિયસલી, જસ્ટ ફન, આ તો મજાક છે, મજાક!’ એ જાણે મને આશ્વાસન આપી રહી હતી.

વળી વાતો આગળ વધી. વિદુલાએ મને પૂછ્યું: ‘કેમ, હમણાં તમે શું લખો છો?’

આ પ્રશ્ન મને રુચ્યો નહીં. મેં વાતને ટાળવા કહ્યું: ‘ખાસ કશું નહીં.’

વિદુલા મને છોડે એમ નહોતી. એણે કહ્યું: ‘તમારા લોકોનું ભલું પૂછવું! જીવવામાં રસ લેતાં તમને આવડતું હશે ખરું? તમને તો એમ થયા કરતું હશે કે લાવ, આની વાર્તા બનાવી નાખું; લાવ, આ વાક્ય ડાયરીમાં નોંધી લઉં. ને પછી જીવનની ઉષ્માભરી, આંસુભરી આવેગના ધબકારભરી ક્ષણોને ઇજિપ્તના સાચવી રાખેલા મૃતદેહોની જેમ શણગારવા બેસી જાવ! મને તો બહુ ભય લાગે છે. તમે અમારી બધાંની એ જ દશા કરશો. પાકા પૂઠાની બાંધેલી ચોપડીમાંના અક્ષરોના કીડિયારામાં અમે અટવાઈ જઈશું .’

વાત સાવ અસમ્બદ્ધ હતી, આથી શો જવાબ આપવો તેના વિચારમાં હું હતો. ત્યાં એણે વળી કહ્યું: ‘જીવનની સામે તમારે ફરિયાદ શી છે? જીવનના પર આવો જુલમ શા માટે કરો છો? કૃત્રિમ ભાવોચ્છ્વાસ, કઠપૂતળીઓનાં ટોળાં, હજાર બહાને હજાર વેશે એકની એક વાત, તેને માટે ધમપછાડા કેટલા? એકસ્પ્રેશનિઝમ, એક્ઝિસ્ટેન્શિયાલિઝમ – સારું છે કે જીવન તમારી પકડમાં આવતું નથી, તમારી આંગળીમાંથી સરી જાય છે – નહીં તો તમારો જુલમ કેટલો વધી પડે? પ્રેમ કરવા જઈએ ને તમારા જ શબ્દો હોઠે ચઢે, મરીએ પણ તમારી સૂચના પ્રમાણે! કોણે આ ગુનો કર્યો હશે? જીવનને જોતાં હતાં ત્યાં કોઈકે પરાણે ધ્યાન ખેંચ્યું ને કહ્યું: ‘જીવનને શું જુઓ છો? અહીં જુઓ, અહીં એની છબિ કેવી પડી છે!’ ત્યારથી અમારી ડોક ખેંચાય છે, આંખ તણાય છે, માથું ફરે છે. હું વિદુલા – પણ મને કોણ વિદુલા રહેવા દે? દમયન્તી, સીતા, ક્લીઓપાત્રા, મન્થરા – એ બધી જ મારામાં અથડાયા કરે.’

પ્રોફસર પંડ્યાએ વાતને હળવી બનાવવાનો પ્રયત્ન કર્યો: ‘બ્રેવો, બ્રેવો, વિદુલાબેન, પ્લેટો પછી સાહિત્યના પર આવો હુમલો તો તમે જ કર્યો.’

પણ વિદુલાએ જાણે એ શબ્દો સાંભળ્યા જ નહીં. એ બોલ્યે ગઈ: ‘જુઓ, આ ગ્લાસ હું હાથમાં લઉં છું. પાણી પીઉં છું, ખાઉં છું, બોલું છું, હસું છું – ને છતાં મારામાં જ ક્યાંક એક ખૂણો એવો છે કે જ્યાં કશું કશા જોડે સંધાતું નથી, નથી પવન ફરકતો, નથી પ્રકાશ – જ્યાં છે કેવળ નથી, નથીનો નગ્ન વિસ્તાર, ભ્રાન્તિના આવરણ વિનાનો – લાવો જોઉં તમારા શબ્દો, ઢાંકો જોઉં એ નગ્નતાને, એક તણખો તો ચમકાવો – પછી એકાએક એ થંભી ગઈ. પોતે શું કહી ગઈ તેના ખ્યાલે એ સંકોચ પામી, એ સંકોચને દૂર કરવા એ એકદમ ઊભી થઈ ગઈ. ઊઠીને મનમોહનદાસ શેઠ પાસે ગઈ. પછી એમના ખભા હલાવી નાખીને બોલી: ‘શેઠ, ઊંઘી તો નથી ગયા ને? બોલો, કોફી ફાવશે ને? અરે બોય, ક્રીમ કોફી, ને તમે લોકો શું લેશો? ચા? વારુ…’

બેએક મહિના પછીની વાત છે. એ દરમિયાન વિદુલા ત્રણ ચાર વાર મારે ઘરે આવી ગઈ હતી. મારી પત્નીને પ્રથમ નજરે જ એ ગમી નહોતી. એને વિશે એ કોણ જાણે ક્યાંથી ઘણી વાતો એકઠી કરી લાવી હતી. તે દિવસે રવિવાર હતો. બપોરના જમીને આડે પડખે થયો હતો ત્યાં પત્નીએ વાત ઉપાડી: ‘સાંભળ્યું તમે? પેલી વિદુલાને તો કે’ છે કે એના વરે કાઢી મૂકી છે.’

મે કહ્યું: ‘તને કોણે કહ્યું?’

એ બોલી: ‘તમે તો બધું જાણતા જ હશો, પણ મને કાંઈ થોડા જ કહેવાના હતા!’

મેં કહ્યું: ‘એવી વાત સ્ત્રીઓ સ્ત્રીઓને જ કહે.’

એ ખંધું હસીને બોલી: ‘એણે તમને શી શી વાતો કરી હશે તે હું કાંઈ થોડી જ જાણું છું?’

હું રોષે ભરાયો ને કશું બોલ્યા વિના પડી રહ્યો. એટલે એ બોલી: ‘કેમ, કેવા ચૂપ થઈ ગયા!’

એ છતાં હું કશું ન બોલ્યો એટલે એણે આગળ ચલાવ્યું: ‘વર કાઢી મૂકે એમાં નવાઈ શી! બાઈસાહેબનાં લક્ષણ કેવાં છે – આ તો મને પારલાવાળાં સુમનબેને કહ્યું તેથી કહું છું. તમે એની મંડળીમાં ભળો છો તે વગોવાઉં છું હું. એ તો તમારો એવો ફજેતો કરશે ને –’

હું ચિઢાયો. મેં કહ્યું: ‘ફજેતો તું કરવા બેઠી છે. સુમનબેને કહ્યું તે વેદવાક્ય!’

એ મોઢું ચઢાવીને બોલી: ‘તમને તો મારું બોલ્યું જ ગમતું નથી! એમાં મેં શું કહી નાખ્યું તે–’ એટલું કહીને એ સાડીના છેડાથી આંખ લૂછવા લાગી. વાતને આટલેથી અટકાવવા મેં કહ્યું: ‘કેટલા વાગ્યા? બે? ચાલો, આજે વિહાર જવું છે ને?’

થોડી વાર સુધી તો એ કશું બોલી નહીં. પછી ઊઠીને તૈયાર થવા લાગી. અમે વિહાર ગયાં. બાળકોએ આનન્દ કર્યો. પત્ની પણ ખુશમિજાજમાં હતી, ને હું પણ…

‘યુસિસ’ની લાયબ્રેરીમાં જૂનાં અમેરિકન સામયિકોનાં પાનાં ફેરવતો હતો ત્યાં વિદુલા આવી ચઢી. એ બોલી: ‘સારું થયું તમે અહીં મળી ગયા તે, ચાલો, હું કિશોરકાન્તને બહાર ઊભા રાખીને આવી છું.’

હું હા-ના કરતો રહ્યો ને એ મને બહાર ખેંચી ગઈ. અમે કિશોરકાન્તની કારમાં બેસીને ઊપડ્યાં ઉલ્લાસનગર કેમ્પ. શરણાર્થી સિન્ધી કુટુંબોનાં સુખદુ:ખ જાણવા અમે ફરતાં હતાં. એક ઘરમાં દાખલ થયાં. એક ખૂણામાં કાથાના ખાટલા પર પંદર-સોળ વરસની એક છોકરી સૂતી હતી. વિદુલાએ એની પાસે જઈને પૂછ્યું: ‘ચન્દ્રા, કૈસી હો?’

ચન્દ્રાએ વિદુલા તરફ જોયું, એની દૃષ્ટિમાં શૂન્યતા હતી. વિદુલા ક્યાં હશે તેનું અવાજની મદદથી એણે અનુમાન કર્યું. ને એ તરફ એની સૂની નજર માંડીને કહ્યું: ‘ઠીક હૈ વૈસે તો…’

વિદુલાએ પૂછ્યું: ‘મુઝે દેખ શકતી હો? કહાં હૂં મૈં, બતાઓ તો –’

ને એની આંખો ચકળવકળ ફરવા લાગી. એની અસહાયતા જોઈને વિદુલાથી નહીં રહેવાયું. એણે ચન્દ્રાનો હાથ પકડીને કહ્યું: ‘હત્ પાગલ, તો ફિર દાકતરસા’બકો જૂઠ હી બતાયા ન?’

ચન્દ્રાએ કહ્યું: ‘નહીં તો, કભી કભી મૈં દેખ પાતી હૂં.’

વિદુલાએ કહ્યું: ‘અચ્છા, તો મૈં ફિર ઇસ્પિતાલમેં લે જાઉં?’

ચન્દ્રાએ એકાએક કરગરીને પડીને કહ્યું: ‘ના ના, મુઝે બહોત તકલીફ હોતી હૈ, ઔર અમ્મી કો ભી –’

વિદુલાએ કહ્યું: ‘અચ્છા, અચ્છા…’ ને અમે બહાર નીકળ્યાં. થોડી વાર સુધી અમે કોઈ કશું બોલ્યાં નહીં. પછી વિદુલા બોલવા મંડી: ‘બાપ એક દિવસ કોઈ અજાણ્યા માણસને લઈ આવ્યો, એને ઘરમાં બેસાડીને ચાલી ગયો, પેલાએ બળાત્કાર કર્યો. બિચારીએ બાપને ફરિયાદ કરી. બાપે ધમકાવી કાઢી. બીજે દિવસે બીજો માણસ, ત્રીજા દિવસે ત્રીજો… એકાએક એક દિવસ એની આંખ જતી રહી. પછી લમ્બરપંક્ચર શોકથેરપી… મા ક્ષયથી પીડાય છે, બાપ ફેરિયો છે…’

તે દિવસે વિદુલાને જુદે સ્વરૂપે જ જોઈ – પાટાપીંડી કરે, ડ્રેસિંગ કરે, નાનાં બાળકોને રમાડે, તાવમાં ધગધગતાને માથે બરફ ઘસે – પાછાં ફરતાં આખે રસ્તે એ એક અક્ષર બોલી નહીં.

મારી નવી નવલકથા લઈને એક દિવસ સાંજે એને ઘરે પહોંચ્યો ત્યારે વિદુલા આયના સામે ઊભી ઊભી વાળ સરખા કરી રહી હતી. મેં પૂછ્યું: ‘કેમ, શું ચાલે છે?’

એણે કહ્યું: ‘જુઓને, આ થોડા ધોળા વાળ બેધડક આગળ ધસી આવે છે, એને છુપાવવાની મહેનત કરું છું, પણ કશું વળતું નથી. તો બોલો, શું કરીશું?’

‘પ્રૌઢ વયની સાથેનું યુદ્ધ છોડી દઈને સુલેહનો ધોળો વાવટો ફરકાવી દો.’

એ બોલી: ‘તમને સાવ સાદી ભાષામાં વાત કરવાનું શું કદી જ નહીં આવડે?’

મેં કહ્યું: ‘શિષ્ય થવા હું હજુ તૈયાર છું.’

એણે અણધાર્યો જ જવાબ આપ્યો: ‘મારા શિષ્ય શા માટે? પત્નીને ગુરુ બનાવો, પણ પત્ની પાસેથી શીખવામાં કદાચ –’

મેં કહ્યું: ‘એ બિચારી મારા સંગદોષને કારણે બગડી જ ચૂકી છે.’

એણે પૂછ્યું: ‘ને હું?’

મેં કહ્યું: ‘તમારે વિશે શું હું કહી શકું?’

એ રસોડામાં ચાની તૈયારી કરવા ગઈ. ત્યાં એક સજ્જને પ્રવેશ કર્યો. એઓ મને અપરિચિત હતા. એઓ મને જોઈને સહેજ વિચારમાં પડી ગયા. પછી બેસીને ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’ જોવા લાગ્યા.

ત્યાં વિદુલા આવી. પેલા સજ્જનને જોઈ એ ઉમળકાથી બોલી ઊઠી: ‘ઓહો, કોણ ધનસુખ? કેમ, ગુપચુપ આવીને બેસી ગયો?’ પછી મારી સામે જોઈને બોલી: ‘બે પુરુષો ભેગા થાય તો એકબીજાની સામે જોઈને ઘુરક્યા કરે, બોલે નહીં. ને અમે સ્ત્રીઓ ભેગી થઈએ તો ઘર ગજાવી મૂકીએ.’

પછી તો એ જાણે મને સાવ ભૂલી જ ગઈ. ધનસુખની ટાઇ એણે ખેંચી નાખી, એને ખસેડીને જગ્યા કરીને એની પાસે બેસી ગઈ, ને ટોળટિખ્ખળ ગપસપમાં એવી તો ગરકાવ થઈ ગઈ કે મારી હાજરીનું જાણે એણે ભાન જ ન રહ્યું. થોડી વાર પછી રોષે ભરાઈને હું ઊભો થયો ને કહ્યું: ‘વારુ, ત્યારે હું રજા લઈશ.’

ને જાણે એ એકદમ ભાનમાં આવી હોય તેમ બોલી: ‘અરે, તમારી ચા –’

પણ એ વાક્ય પૂરું થાય તે પહેલાં હું બહાર નીકળી ગયો હતો. હું રસ્તા ઉપર આવ્યો ત્યારે મેં વિદુલાને ખડખડાટ હસતી સાંભળી.

બીજે જ દિવસે મારી ઓફિસમાં વિદુલાએ ફોન કર્યો. એણે કહ્યું: ‘તમે ગુસ્સે થયા તે મને ગમ્યું.’

મેં કહ્યું: ‘એમ?’

એણે કહ્યું: ‘હા, કારણ ખબર છે?’

મેં કહ્યું: ‘ના.’

એ બોલી: ‘તો સાંભળો, બરાબર ધ્યાન દઈને હં. કારણ એ કે જેને રોષ થાય તેને સ્નેહ પણ થાય; અથવા બીજી રીતે કહું તો સ્નેહ હતો માટે રોષ – ના , સ્નેહ, પછી ઈર્ષા ને ઈર્ષાને કારણે રોષ, ખરું ને?’

હું કશું બોલ્યો નહીં, એટલે એણે કહ્યું: ‘હલો, હલો, ગુસ્સે થયા?’

મેં કહ્યું: ‘ના.’

એણે પૂછ્યું: ‘તો બોલતા કેમ નથી?’

મેં કહ્યું: ‘વિચાર કરું છું.’

એ બોલી: ‘તો કરો વિચાર.’ એમ કહીને એણે રિસિવર મૂકી દીધું.

ચોમાસાના દિવસો હતા. પ્રોફેસર કોઠારી એક દિવસ સંદેશો લઈને આવ્યા: ‘વિદુલાબેન તમને સંભારતાં હતાં.’

મેં પૂછ્યું: ‘કેમ?’

એમણે કહ્યું: ‘તમારી નવલકથા વિશે ચર્ચા કરવા.’

આ વાત મને ગમી, ને તે જ દિવસે સાંજે કશી ખબર આપ્યા વિના હું એને ત્યાં જઈ ચઢ્યો. આગલા ઓરડાનું બારણું અમથું જ અડકાવેલું હતું. હું ખોલીને દાખલ થવા જતો હતો ત્યાં જ મારા પગ થંભી ગયા. મેં જોયું તો વિદુલા તથા એને ત્યાં ઘણું ખરું આવતી એની બેનપણી મન્દા લગભગ અર્ધ નગ્નાવસ્થામાં એકબીજાને વળગીને સૂતાં હતાં. મેં વાતો તો સાંભળી હતી, પણ…ને હું એમનું ધ્યાન ખેંચ્યા વિના ચોરપગલે પાછો ફર્યો. તે દિવસે મનમાં ને મનમાં નિશ્ચય કર્યો કે હવે વિદુલાને ઘરે પગ મૂકવો નહીં.

પણ મારો નિશ્ચય ઝાઝો ટક્યો નહીં. આઠેક દિવસ બાદ ખબર પડી કે વિદુલા માંદી છે ને પથારીવશ છે. તેમ છતાં હું એને ઘરે ગયો નહીં. ત્યાં એની ચિઠ્ઠી આવી ચઢી: ‘આજે બપોરે વખત કાઢીને જરૂર આવો.’ બસ, આથી વિશેષ કશું લખ્યું નહોતું. ને તે દિવસે હું એને ઘરે ગયો. હું ગયો ત્યારે એ સૂતી હતી. મેં એને જગાડી નહીં. દૂર સોફા પર ચુપચાપ બેસી રહ્યો. એની આંખોની નીચે કાળાશ હતી. મોં પર ફિકાશ હતી ને એના શ્વાસની ગતિમાં સ્વાભાવિકતા નહોતી. એણે પડખું ફેરવ્યું, એમ કરતાં એ જાગી ગઈ ને ઓરડામાં કોઈક બીજું છે એનો ખ્યાલ આવતાં એ ભયથી બૂમ પાડી ઊઠી: કોણ? એટલી એક ક્ષણમાં મેં જાણે એનું બાલ્ય વયનું સ્વરૂપ જોઈ લીધું. પછી એણે મને ઓળખ્યો ને જરાક સ્વસ્થ થઈને બોલી: ‘ક્યારના આવ્યા છો? મેં નહીં ધારેલું કે તમે આવશો.’

મેં પૂછ્યું: ‘હવે કેમ છે?’

એણે કહ્યું: ‘આજે તાવ ‘નોર્મલ’ થયો. એક રાતે તો લવારે ચઢી હતી. નહીં નહીં તો દશ વાર મેં તમારું નામ લીધું હશે.’

મને એ ગમ્યું. મેં હસતાં હસતાં કહ્યું: ‘લવારો કરતાંય એટલું ગણી લીધું ખરું!’

એણે કહ્યું: ‘ના રે, મને તો કશી ખબર નહોતી, એ તો મન્દા કહેતી હતી.’

મન્દાનું નામ આવતાં પેલો પ્રસંગ ફરી મારી નજર આગળ ખડો થયો ને થોડી વાર સુધી હું કશું બોલ્યો નહીં. એણે કામ કરનારી બાઈને બોલાવી ને ચા કરાવી. આગ્રહ કરી કરીને ચા પાઈ. એનાથી બેઠા થવાતું નહોતું એટલે મેં ફીડીંગ કપથી એના મોઢામાં ચા રેડીને પાઈ. એમ કરતાં પહેલે ઘંૂટડે એ દાઝી, એટલે બોલી: ‘બહુ ગુસ્સે થયા છો, એટલે વેર લો છો, નહીં?’ પછી થોડી ચા મારાથી ઢોળાઈ ગઈ એટલે ફરી બબડી: ‘આટલું ટીચું કામેય કરી શકતા નથી?’ એ બધું મને ગમ્યું. પછી એણે મારો હાથ ખેંચીને મને એની પાસે બેસાડ્યો. હું જરા ખંચકાયો. એટલે એ હસીને બોલી: ‘જો કોઈ સ્ત્રીનું મડદું તમને ઊંઘમાં અડી જાય તોય તમે ઊભા થઈને ભાગવા માંડો, નહીં?’ મેં ગુસ્સે થઈને કહ્યું: ‘બસ, એવું તે બોલાતું હશે?’ થોડી વાર સુધી એ મારી સામે જોઈ રહી. પછી એની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. હું આથી અસ્વસ્થ થયો. થોડી વાર રહીને મેં પૂછ્યું: ‘કેમ, શું થાય છે?’

એણે આંખો લૂછીને હસતાં હસતાં કહ્યું: ‘ના, ના, કશું જ નહીં. પછી પડખું બદલીને એ સૂઈ ગઈ ને મને કહ્યું: ‘હવે તમે જાવ.’ થોડી વાર સુધી હું બેસી રહ્યો, પણ એ કશું બોલી નહીં, એટલે હું ઊઠીને ચાલ્યો આવ્યો.

પંદરેક દિવસ બાદ એકાએક સવારે એ મારે ઘરે આવી ચઢી. હું તો નાહવા બેઠો હતો. મેં અવાજ પારખ્યો.

એણે મારાં બાળકોને વહાલથી રમાડ્યાં. મારી પત્ની સાથે શાકભાજીની, સાડીની, ઘરેણાંની વાતો કરી. મારી થોડી ટીકા પણ કરી લીધી. મારી પત્નીને સાથે લઈને ભૂલેશ્વરમાં અમુક દુકાને ખરીદી માટે જવાનું પણ નક્કી કર્યું, ને હું નાહીને બહાર નીકળું તે પહેલાં તો એ ચાલી પણ ગઈ. તે દિવસે મારી પત્નીએ એનાં ખૂબ વખાણ કર્યાં. તે જ દિવસે સાંજે એ મારી ઓફિસે આવી ચઢી. અમે ‘રોયલ એશિયાટિક’માં જઈને બેઠાં. સાંજનો વખત એટલે રેસ્ટોરાંમાં ઘોંઘાટ ભારે હતો. અમારાથી ચારેક ટેબલ દૂર એક જાણીતા વાર્તાકાર બેઠા હતા. એને વિદુલાએ બોલાવીને અમારી સાથે બેસાડ્યા. મારી નવલકથાની વાત નીકળી. વિદુલાએ જ પ્રહાર શરૂ કર્યા: ‘આપણે ત્યાં નવલકથા લખાવાને હજુ વાર છે. ગોવર્ધનરામની નવલકથા નિબન્ધના રેતાળ રણમાં અટવાઈ ગઈ, મુનશીની અસ્મિતાનું ચઢાવેલું ઢોળ ઊતરી ગયું ને સૌરાષ્ટ્રની ધરતીનાં ગુણગાન પણ થંભી ગયાં – ગાંધીજી ગયા, અસ્પૃશ્યતાનો પ્રશ્ન જૂનો બન્યો – બિચારા લેખકો કરે શું?’

પેલા વાર્તાકાર બોલ્યા: ‘જો જોતાં આવડે તો જીવનમાં તો મબલખ સામગ્રી પડી છે.’

આથી વિદુલા ઉશ્કેરાઈ: ‘કોણ જુએ? આપણા સ્તનંધય શિશુઓ? આ સૂર્યકાન્તભાઈની જ વાત કરો ને. એમની નવલકથામાં શું છે? તમને પાને પાંચ રૂપિયા મળે છે ને? તો સાતસો પાનાંથી ઓછાં લખવાં જ શા માટે? એ તો મારા જેવું કોઈ વિવેચન લખતું નથી ત્યાં સુધી ઠીક છે. હું તો એવા ફુરચેફુરચા ઉડાવી દઉં – ટાહ્યલી ટાહ્યલી ભાષા, ઘટનાઓ પણ અષ્ટાવક્ર જેવી – એક્કે હાડ સીધું નહીં. ને આખરે એ સૃષ્ટિમાંથી બહાર નીકળીએ ત્યારે એવા ને એવા કોરા – દુ:ખનો એક કમ્પ નહીં, ભયની અરેરાટી નહીં, સુખની એક ક્ષણ નહીં – તકલાદી, સાવ તકલાદી ને બનાવટી.’

મેં કહ્યું: ‘સાહિત્ય એટલે જ બનાવટ.’

એટલે એ બોલી: ‘પણ એ બનાવટના ધંધામાં રચ્યોપચ્યો રહેનાર માણસ પણ આખરે માણસ મટીને નરી બનાવટ બની રહે એવો ભય તમને કદી થાય છે ખરો?’

મને પણ, કોણ જાણે કેમ, એને જરા ચિઢવવાનું મન થયું: ‘કેટલાક બનાવટ કરીને એમાંથી સાહિત્ય જેવું કશુંકેય ઉપજાવે છે, પણ એવું કશું ઉપજાવ્યા વિના, કેવળ બનાવટ કરીને જ જેઓ અટકી જાય છે તેમની તમને દયા નથી આવતી?’

આ સાંભળીને એ એકદમ ગમ્ભીર થઈ ગઈ. પછી થોડી વાર રહીને બોલી: ‘દયા? અહીં કોણ કોની દયા ખાય? તમને યાદ છે ને પેલી છોકરી જેણે આંખો ખોઈ નાંખી હતી? બોલો, તમને એની દયા આવતી હતી? મારા મનમાં તો રોષ હતો. મારા મનની અંદર વ્યાપેલી પોકળતાને કશાકથી પૂરવા માટે હું ફાંફાં મારતી હતી. એ માટે જ મેં એના અંધાપાનો ઉપયોગ કર્યો. એ બધાં વચ્ચે ફરતી હતી ત્યારે હું મારી જાત સાથે ઝઘડી રહી હતી. બીજાંઓની લાચારીને લેખે લગાડવાની આ તે કેવી નિષ્ઠુર ચાલાકી? ને તેથી એવા કામ બદલ કોઈ પ્રશંસા કરે ત્યારે હું કાબૂ ખોઈ બેસું છું.’

વાત વધારે પડતી ગમ્ભીર થઈ ગઈ હતી એટલે હું અસ્વસ્થ બન્યો ને એને જુદો વળાંક આપવાનો ઉપાય શોધવા લાગ્યો. ત્યાં એ જ એકાએક હસી પડી ને બોલી: ‘કાલે મારે ઘરે આવશો? હું તમને એક નવી જ વ્યક્તિ સાથે ઓળખાણ કરાવીશ.’

વાતની દિશા બદલાઈ તે મને ગમ્યું. એના આનન્દમાં જ મેં કહ્યું: ‘મને રવીન્દ્રનાથની પેલી પંક્તિ યાદ આવે છે –

કત અજાનારે જાનાઇલે તુમિ – તેં કેટલાય અજાણ્યાને ઓળખાવ્યા!’

એ બોલી: ‘કોઈ કદી અજાણ્યું મટે છે ખરું? પૃથ્વીના બધા ખણ્ડો મનુષ્યે શોધી કાઢ્યા છે, પણ મનુષ્યની અંદર હજુ કેટલાક ખણ્ડો અગોચરમાં પડેલા છે! એકાએક કોઈક વાર લોહીના ધબકારમાં નવો વેગ આવે છે, શિરાએ શિરા રણઝણી ઊઠે છે, ને ત્યારે ભીતરના કોઈ નવા જ પ્રદેશના અક્ષુણ્ણ માર્ગની એંધાણી મળતાં ભય અને આશંકાથી હૃદય ફફડી ઊઠે છે. એ નવા પ્રદેશ પર રાજ ચલાવવાની જવાબદારી વધે છે, એ નવા પ્રદેશમાંથી કોઈક વાર બળવો પણ થાય છે. યુદ્ધ, સુલેહ, યુદ્ધતહકૂબી – આ બધા વાવંટોળમાંથી બહાર આવ્યા પછી જિંદગીનો સામાન્ય લય ઝટ પકડાતો નથી. પેલા ઉત્તાલ લયથી જંદિગીની રોજિંદી વાતો કરવા જઈએ છીએ ત્યારે લોકોને લાગે છે કે આ તે કેવું ગાંડપણ! પણ જે લોકોએ ભીતરનાં બધાં દ્વાર વાસી દીધાં છે, જે લોકો પોતાની જ બહાર, આંગણામાં, બેસી રહ્યા છે. તેઓ શાસ્ત્રની વાત કરે છે, સ્મૃતિઓ રચે છે ને અમારાં જેવાં પાગલ લોકોના પર કડક શાસન ચલાવવા સદા તત્પર રહે છે.’

આટલું બોલીને એ અટકી ગઈ ને પછી એકાએક મારા તરફ વળીને પૂછ્યું: ‘તમને કોઈક વાર ગાંડપણ આવે છે ખરું?’

આ પ્રશ્નથી હું જરા હેબતાઈ ગયો ને કંઈક બોલવા જતો હતો ત્યાં જોરથી હસી પડી ને મને બોલતો અટકાવી દઈને એણે કહ્યું: ‘બસ બસ, ગાંડપણ એ દરેકની ગુહ્ય વાત છે, એને અહીં, રોયલ એશિયાટિકમાં, પ્રકટ કરાવવાનો જુલમ હું નહિ કરું.

પછીના પંદર દિવસ હું ભારે કામમાં હતો. દેશમાંથી સાસુ મોતિયો કઢાવવા આવ્યાં હતાં. એમની આગળ પત્નીપરાયણ પતિનો પાઠ ભજવવામાંથી ઊંચા અવાય તેમ જ નહોતું. સાસુને મૂકવા સેન્ટ્રલ ગયો હતો ત્યાં જ વિદુલાનો ભેટો થઈ ગયો. એની સાથે કોઈ, મને અપરિચિત, ગૃહસ્થ હતા. મોઢામાં સિગાર, જાડા કાચના ચશ્મા, અસ્ત્રીબંધ ગરમ સૂટ ને બોલવેચાલવે ભારે વિવેકી; પણ બહારના સ્વસ્થ ને ઠાવકા વર્તનની પાછળ ભારે અસ્વસ્થ. હાથમાંની લાકડીને ઘુમાવ્યા કરે, સહેજ બેસે ને વળી ઊભા થાય, વાત અર્ધેથી પડતી મૂકીને જાણે કોઈકને શોધતા હોય તેમ આમથી તેમ બાવરી નજર ફેરવવા માંડે. મને એ માણસમાં રસ પડ્યો. વિદુલા મારી જોડે ઝાઝું બોલી નહિ. કેવળ મારો પરિચય કરાવીને એની સાથેની બીજી સ્ત્રીઓ જોડે વાતે વળગી. આખરે મારે એને કહેવું પડ્યું: ‘આ તો એકતરફી પરિચય થયો, તમે એમનો તો પરિચય કરાવ્યો જ નહિ!’

એ બોલી: ‘પરિચય પણ બેધારી તલવાર છે નહિ? એ છે મારા પતિ મિસ્ટર દલાલ, ઇસ્ટ આફ્રિકામાં ધંધો છે. હમણાં ત્રણચાર મહિના માટે આવ્યા છે. તમને આફ્રિકાની પેલી ઝેરી માખી, જિરાફ, ટાંગાનિકાના જંગલના સિંહ, કિલિમાંજારો – બધાંની માહિતી આપશે.’

પેલા ગૃહસ્થને આ બધું ગમ્યું નહિ, ને એમણે એમનો અણગમો છાનો રાખ્યો પણ નહિ. એમણે રોષભરી નજરે વિદુલા સામે જોયું. આ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવા હું બોલ્યો. ‘મિસ્ટર દલાલ, તમે કેટલે વર્ષે અહીં આવ્યા?’ વાતોનો માર્ગ ખુલ્લો થયો. જિરાફ ને સિંહની નહિ, પણ બીજી અનેક વાતો ચાલી અને છૂટાં પડ્યાં ત્યારે પરિસ્થિતિ સાવ સ્વાભાવિક હતી એવો સન્તોષ મને થયો.

ત્રણેક દિવસ બાદ વિદુલાને ત્યાં ગયો. વિદુલા નહોતી, પણ ઘરમાં કામ કરનાર બાઈએ કહ્યું કે બેસો, શેઠાણી કોઈ આવે તેને બેસાડવાનું કહી ગયાં છે. હું બેઠો. વિદુલાની ગેરહાજરીમાં વિદુલાનું ઘર કેવું લાગતું હતું! અદૃશ્ય રીતે જાણે એની ઉપસ્થિતિ બધે અંકાઈ ગઈ હતી. ખૂણામાંનું ચોપડીઓનું કબાટ – એમાંથી હમણાં જ બહાર ખેંચી કાઢેલી એક ચોપડી, બરાબર ગોઠવાયા વિનાની, પડી હતી. આ તરફ ફૂલદાનીમાં મૅગ્નોલિયાનાં ફૂલો હતાં, તો ‘સૅન્ટર પિસ’ પર વિદુલાના પતિનો ફોટો હતો. આખા ઓરડામાંથી રહી રહીને કશાક અજાણ્યા વિષાદનું મોજું ઊઠતું હતું. જાણે કોઈક વિહ્વળ બનીને અહીં કશુંક શોધતું હતું. પણ એની દૃષ્ટિ અન્ધ હોવાને કારણે પડીઆખડીને નિશ્વાસ નાખતું હતું. બહારની હવા અંદર દાખલ થતાં નિ:શ્વાસરૂપ બની જતી હતી, ને એ નિ:શ્વાસ શ્વાસ સાથે ઊંડે ઊંડે ઊતરીને જીરવી નહિ શકાય એવી બેચેની ઉપજાવતો હતો. મારી સામેની દીવાલ પરની વિદુલાની છબિ તરફ મારી નજર પડી. એની આંખોના તરલ ચમકારની પાછળ ભારે કરુણતા હતી. એનો હસવાનો પ્રયત્ન જ આખા ચહેરાને ભારે કરુણ બનાવી મૂકતો હતો. એ જાણે કે બીજી જ પળે કોઈ ઊંડી ખીણમાં કૂદકો મારવાની હોય ને એ જોવાજાણવા છતાં આપણે એને વારી શકીએ એમ ન હોય – મને મારી જાત પર રોષ ચઢ્યો. આવા વિચારો મનમાં શા માટે લાવવા જોઈએ? ને હું ઊઠ્યો. ફરી કોઈ વાર આવીશ એમ કહીને હું ચાલી આવ્યો.

મારી પત્નીએ એક દિવસ એકાએક વાત કાઢી: ‘સાંભળ્યું કે? કહે છે કે વિદુલાનો વર એને આફ્રિકા તેડી જવા આવ્યો છે, પણ બાઈસાહેબ જવાની ના પાડે છે.’

મેં કાંઈ કહેવા ખાતર કહી નાખ્યું: ‘એમ?’

એનો વાત કહેવાનો ઉત્સાહ વધ્યો: ‘એ તો ના પાડે જ ને! અહીં એકલા રહીને પૂરી છૂટ ભોગવવી ને મન ફાવે ત્યાં ફરવુંહરવું, પછી જાણીકરીને એ કેદમાં શું કરવા પુરાય?’ મને જરા ટિખ્ખળ કરવાનું મન થયું. મેં કહ્યું: ‘તનેય આ ઘર કેદ તો નથી લાગતું ને?’

એટલે એ ઠસ્સો કરીને બોલી: ‘ને કેદ લાગે તો શું તમે મને મુક્ત કરી દેવાના છો?’

મેં કહ્યું: ‘તારા વગર તો મારું બધું જ અટકી પડે. હું તારી કેદમાં એવો પુરાઈ ગયો છું કે –’

મારી આ વાત એને ગમી. એના વિના મને ચાલે નહીં એ મારે મોઢે ફરીફરી સાંભળીને એને આનંદ થયો હતો.

એ ખુશ થઈને બોલી: ‘ને વળી એની વાત જુદી. એને છોકરાંછૈયાં નહિ, ઘરમાં વર નહિ ને છોકરાં નહિ, પછી ઘર જેવું રહ્યું શું? આ પાંચેક વરસથી નથી ગઈ ચોપાટી કે નથી ગઈ ભૂલેશ્વર. પણ મારે તો આ ઘરમાં જ અડસઠ તીરથ ને દેવદેવતા. તમે છો એટલે બધું છે –’

એનું આ ભક્તિસ્તોત્ર લાંબું ચાલ્યું; ને મારે તે જ દિવસે એને ચોપાટી ફરવા લઈ જવી પડી.

ત્યાર પછી ચારેક દિવસ બાદ મારે વિદુલાને ઘરે જવાનું થયું. એ અંદરના ઓરડામાં હતી. હું દાખલ થયો એટલે એણે પૂછ્યું: ‘કોણ, સૂર્યકાન્તભાઈ? આવો આવો, જુઓ તમને કંઈક બતાવું.’

હું અંદરના ઓરડા તરફ જવા વળ્યો. ઉમ્બર પર જ મારા પગ થંભી ગયા. અ ટોઇલેટ ટેબલ સામે બેઠી હતી, એની પીઠ મારા તરફ હતી, ને એ પીઠ ખુલ્લી હતી. હું ખંચકાઈને ઊભો રહી ગયો તે તેણે આયનામાં જોયું. એથી એ બોલી: ‘અરે, ભડક્યા કે શું? પણ મેં જ તમે બોલાવ્યા છે, પછી ભય શાનો? જુઓ. મારા બરડા પર કશુંક દેખાય છે ખરું?’

મેં પાસે જઈને જોયું તો પીઠ પર ખાસ્સા ઉઝરડા પડેલા હતા, હું કશું બોલી શક્યો નહિ, મારે માત્ર અનુમાન જ કરવાનું રહ્યું; ને એ અનુમાન કરવામાં ઝાઝી મુશ્કેલી પડી નહિ.

આખરે એ જ બોલી: ‘પુરુષ રહીરહીને ખાતરી કરે લેવા ઇચ્છે છે કે સ્ત્રી અબળા જ છે કે નહિ, એ સબળા તો થઈ નથી ને! પોતાની વિજયગાથાના શિલાલેખ ને તામ્રપત્ર તો એ કોતરાવે જ છે; પણ એના વિજયલેખ આલેખવાનું સૌથી સુગમ સાધન તો સ્ત્રીની પીઠ છે. પણ ઇતિહાસમાં એની વાત આવતી નથી, ખરું ને?’

વિદુલાને આ રીતે વાત કરવાની ટેવ નથી. આજે જાણે એ લાગણીવિવશ બની ગઈ હોય એમ મને લાગ્યું, ને તેથી હું અસ્વસ્થ બની ઊઠ્યો. મારી અસ્વસ્થતા જોઈને એને દયા આવી હોય તેમ એ બોલી: ‘ચાલો, એ વાત પર આપણે પડદો પાડીએ. બોલો, હવે કાંઈ છે?’

આમ કહીને એણે પીઠ ઢાંકી દીધી ને એ ઊઠી. પછી બોલી: ‘ચાલો, આપણે ચા પીએ. મારુ મન ઉશ્કેરાય છે ત્યારે હું સાવ સાધારણ એવું કશુંક કામ કરવા મંડી પડું છું. અસાધારણથી બચવાને મારે સાધારણતાનો જ કિલ્લો જોઈએ; ને અમને સ્ત્રીઓને સાધારણતાની ક્યારેય ખોટ પડતી નથી.’

એ ચા લાવીને કીટલીથી મારા પ્યાલામાં ચા રેડવા માંડી. રેડતાં રેડતાં એકાએક અટકી ગઈ, ને પછી અત્યન્ત ગમ્ભીર બનીને મારી સામે તાકી રહીને પૂછવા લાગી: ‘તમને મારા પર બહુ વિશ્વાસ છે? તમને કદી એવી શંકા થાય છે ખરી કે આ પ્યાલામાં ઝેર તો નહિ ભેળવ્યું હોય?’

મને રોષ ચઢ્યો. મેં કહ્યું: ‘આ તે તમે કેવી વાત કરો છો? મને ઝેર પાવાનું કાંઈ કારણ?’

એ હસી પડી, પછી ખુરશીમાં બેસી પડીને બોલી: ‘કારણ? બધી જ વાતને કાંઈ કારણ હોય છે? મારી પીઠ પરના ઉઝરડાનું શું કારણ? પતિદેવનો રોષ. વારુ, એ રોષનું કારણ? પત્ની પરત્વે સંશય, એ સંશયનું શું કારણ? – ક્યાં અટકશો? નાનપણમાં મેં જીનની વાત સાંભળેલી તે યાદ આવે છે. જૂની અવાવરુ વાવ આગળ રમવા જતાં ત્યારે દાદાજી કહેતા કે ત્યાં ના જશો, એમાં તો જીન રહે છે. પહેલે પગથિયે સોનાનો હાર મૂકે એટલે લેવા જઈએ. પણ તરત જ એ સરીને બીજે પગથિયે પડે. પછી ત્રીજે – એમ કરતાં એ આપણને છેક છેલ્લે પગથિયે લઈ જાય ને પછી પાણીમાં ખેંચી લે. તમારા કારણની વાત આવી જ નથી શું? કારણોની બલામાંથી જ છૂટવાને કોઈ ઝેર નહીં પાઈ દે?’

આ સાંભળીને મારા શરીરમાંથી ભયની ધ્રુજારી પસાર થઈ ગઈ. આ એણે જોયું નહિ, એટલું સારું થયું. પછી એણે ચા તૈયાર કરી ને પીતાંપીતાં બોલી: ‘પીઓ, પીઓ – ઝેર નથી, જુઓ ને, મેં પીધા છતાં મને કાંઈ થયું? લો, પીઓ.’ મેં ચા પીવા માંડી. થોડી વાર સુધી અમે કશું બોલ્યાં નહિ. પણ અમારી વચ્ચેનું મૌન અમારે માથે ભારે શિલાની જેમ ચંપાયું. આથી મેં પૂછ્યું: ‘મિસ્ટર દલાલ ક્યાં ગયા?’

એણે સાવ સ્વાભાવિકતાનથી જવાબ આપ્યો: ‘દેશમાં કુટુમ્બીજનોને મળવા. એમનો વિચાર આવતે મહિને આફ્રિકા પાછા ફરવાનો છે. આવ્યા’તા તો મારા લગ્ન કરાવવા. એમણે એમ કે આ પાંચ વરસના મારા એકલા વસવાટ દરમિયાન મેં કોઈ પુરુષ શોધી લીધો હશે. પણ તમને જોઈને એ નિરાશ થયા.’

મારાથી પૂછી દેવાયું: ‘કેમ?’

એ હસીને બોલી: ‘કેમ શું? તમારો ચહેરો જ કહી આપે છે કે તમે સો ટકા પત્નીવ્રત પુરુષ છો.’

અમે બંને હસી પડ્યાં. પછી વળી એ ગમ્ભીર થઈ ગઈ ને બોલી: ‘મિસ્ટર દલાલના મનમાં કોઈએ એમ ભરાવી દીધું હતું કે હું એમને ઝેર પાઈ દેવાની તક શોધું છું, મારા પર એમને શક. મારા હાથનું પાણી નહિ પીએ, મારા હાથનું ખાય નહીં. ભયત્રસ્ત સંદેહભરી આંખે એ મારા ભણી તાકી રહે. આથી હું કંટાળી ગઈ. આખરે મેં એમને ભયમાંથી મુક્ત કરવા આ માર્ગ લીધો. તમને કદી આવો અનુભવ થયો છે ખરો? તમે જે કાંઈ કરો, જ્યાં જાવ ત્યાં આંખો તમારા પર મંડાયેલી જ રહે – ભીરુ દયામણી આંખો, એ આંખોએ મને જળોની જેમ ચૂસી લીધી. આથી એક દિવસ કંટાળીને મેં એમના દેખતાં ચાના બે પ્યાલામાંથી એકમાં એસ્પિરિન નાખ્યું – અરધી જ ટીકડી. પણ અસર એવી જાદુઈ થઈ ગઈ – બસ, મને મુક્તિ મળી ગઈ!’

આટલું બોલીને એ હાથમાંનો પ્યાલો પકડીને શૂન્યમનસ્ક થઈને બેસી રહી. મને લાગ્યું કે મારે કશુંક બોલવું જોઈએ. હું એની શોધમાં જ હતો ત્યાં હાથમાંનો પ્યાલો નીચે મૂકી દઈને એ બોલી: ‘તે દિવસે સ્ટેશન પર મેં તમને કહ્યું હતું તે યાદ છે?’

મેં પૂછ્યું: ‘શું?’

એણે કહ્યું: ‘કે એઓ તમને આફ્રિકાની ઝેરી માખીની, જિરાફની, ટાંગાનિકાના સિંહની વાતો કરશે.’

મને તો વાતનો સમ્બન્ધ આજની વાત સાથે જોડવો શી રીતે તે સમજાયું નહિ. મારી મૂંઝવણ જોઈને એ બોલી: ‘તે વાતને ને આ ઉઝરડાને સમ્બન્ધ છે એટલે હું તમને એ યાદ દેવડાવું છું. નબળો માણસ નબળાઈ ઢાંકવા વધારે પડતો જુલમી બનવાનો પ્રયત્ન કરે છે. એના એ પ્રયત્નમાં કશુંક દયનીય રહ્યું હોય છે, ને તેથી મને જુગુપ્સા થાય છે. તે રાતે એવું જ થયું. મેં એમને કહી નાખ્યું: ‘‘આ ચાર દીવાલ વચ્ચે તમે ને હું બે જ છીએ, એકાદ વાર તો કરોડરજ્જુના બધા મણકા સાંધીને અક્કડ ઊભા રહેવાનો પ્રયત્ન કરી જુઓ! એમ કરતાં એકાદ વાર પડી જવાશે તોય મારા સિવાય અહીં કોઈ જોવાનું નથી.’’ ‘

આ સાંભળીને, કોણ જાણે કેમ, મને એમ લાગ્યું કે આ સ્ત્રી જાણી કરીને સર્વનાશની દિશામાં દોડી રહી છે. મારા મોઢા પરનો એવો ભાવ જોઈને એ બોલી: ‘તમને નવાઈ લાગતી હશે ખરું? પણ હું શું કરું! એમણે મારી સામે જોયું. એ જ ભીરુ આંખો. હાથ થરથર ધ્રૂજે. શરીરે પરસેવો. હું ચિઢાઈને ત્રાડ પાડી ઊઠી: ‘‘જંદિગીમાં એકાદ વાર તો તમે છો તેની ખાતરી કરાવો! કોઈ પોતાના પ્રેમના પ્રલયપૂરમાં સ્ત્રીને સાવ ઓગાળી નાખે, કોઈના પ્રતાપી વ્યક્તિત્વની આભાસમાં સ્ત્રી આખી ને આખી ભસ્મ થઈ જાય – એ કેવો ધન્ય અનુભવ! ને તમે? પેલી ઝેરી માખીનું ઝેર, સિંહના પંજાના તીક્ષ્ણ નહોર – કશું નથી તમારી પાસે? ગેંડાનું દન્તશૂળ પણ નથી?’’ – હું બધું બોલી ગઈ, પણ એ તો વધારે ને વધારે ધ્રૂજવા લાગ્યા. આખરે મેં મારો બરડો ખુલ્લો કરીને કહ્યું: ‘‘એક વાર ખાતરી તો કરી જુઓ.’’ ને એકાએક જાણે એમના શરીરમાં આંચકી આવી. મરણિયો પ્રયત્ન કરીને એ મારી તરફ ધસ્યા ને જેટલું જોર હતું તેટલું વાપરીને મને પીખી નાખી – પણ બીજી જ પળે સાવ ઢગલો થઈ ગયા!’

એ હૃષ્ટપુષ્ટ કદાવર માણસનું આ ચિત્ર હું મનમાં ગોઠવી રહ્યો હતો ત્યાં એ ઊઠી. બારી આગળ જઈને ઊભી રહી. એ બહુ ઉત્તેજિત થઈ ગઈ હતી. આથી મેં કહ્યું: ‘અસ્વાભાવિક ને અસાધારણની અપેક્ષા જ આપણને છિન્નભિન્ન નથી કરી નાખતી?’

આ સાંભળીને એ હસી પડી. પછી મારી પાસેની ખુરશી પર આવીને બેઠી ને બોલી: ‘સૂર્યકાન્ત નામનો એક માણસ સાંજને વખતે, સીધો પોતાને ઘરે પોતાના કુટુમ્બ ભેગો થવાને બદલે, વિદુલા નામની પરિણીત પણ ત્યક્તા પ્રૌઢ યુવતીને ઘરે જઈને એના પરિણીત જીવનની ગુહ્યતમ વાતોને દિલચસ્પીથી સાંભળતો બેસી રહે તે શું સ્વાભાવિક વર્તન કહેવાશે?’

હું સાવ ભોંઠો પડી ગયો. એણે મારા પરથી દૃષ્ટિ ખસેડી જ નહિ. એ દૃષ્ટિના સકંજામાં હું જકડાઈને જાણે તરફડવા લાગ્યો. આખરે આ તંગ પરિસ્થિતિનો એણે જ અંત આણ્યો. એ બોલી: ‘માફ કરજો, બેઅદબી થઈ હોય તો! પણ સ્વાભાવિક આ દુનિયામાં છે શું? સવારના ફૂલની પાંખડી પર ઝિલાયેલું ઝાકળનું બિન્દુ કશી જાણ કર્યા વિના, ચુપચાપ, સરી જાય છે તે સ્વાભાવિક છે? એ ઝાકળનું બિન્દુ – એની પાછળ પ્રખર સૂર્યનો તાપ છે, એટલી જ શીતળ હવા છે. આ બે અસ્વાભાવિકતાના સંયોગના ગર્ભમાં એ જન્મે છે. પણ કુદરત અસ્વાભાવિક ને અસાધારણને ઢાંકીને સહજ અને સ્વાભાવિકને પ્રકટ કરે છે; પણ માણસ એમ કરી શકે છે? હા, કદાચ એવા જડ લોકો હશે ખરા! એમને માટે બધું જ સાધારણ, કશુંય અસાધારણ નહિ. પણ સ્વાભાવિક બનવાને માટે મારાથી એટલી મોટી કિંમત નહિ ચૂકવાય!’

તે દિવસે અમે છૂટાં પડ્યાં ત્યારે મારું મન વ્યગ્ર હતું. વિદુલાના પર કશીક અનિષ્ટ છાયાને ઘેરાઈ રહેલી મેં જોઈ હતી. ઋણાનુબન્ધની વાત સાચી હશે કે ખોટી તે તો રામ જાણે! પણ મારા મનમાં વિદુલાને માટે જે ભાવ હતો તેનું મૂળ, તટસ્થ રીતે જોતાં, કેવળ એક પુરુષના એક સ્ત્રી પ્રત્યેના આકર્ષણમાં નહોતું. વિદુલાની ઉપસ્થિતિમાં મને એક વિચિત્ર અનુભવ થાય છે. ત્યારે હું મારી જાતને જાણે સાવ પારદર્શી બની જતી જોઉં છું, કશું ઢાંકવા છુપાવવાનું રહેતું નથી. પણ મને વિદુલાને વિશે ચિન્તા થાય છે, હું કદાચ જૂનવાણી વિચારનો હોઈશ – પણ મનેય મારી પત્નીની જેમ લાગે છે કે સ્ત્રીએ કાંઈક સર્જવું જોઈએ. સ્ત્રી સરજે નહિ ત્યાં સુધી પૂર્ણ થતી નથી. ત્યાં સુધી એ વલખાં મારે છે, ને આખરે એની અપૂર્ણતા જ એને ભરખી જાય છે. પણ સ્ત્રી એકલી તો સરજે નહિ, એને સહચાર જોઈએ. બસ, આથી આગળ રસ્તો નથી!

શિયાળાના દિવસ હતા. એ ચાર દિવસ ઠંડીનું મોજું આવ્યું હતું. હું જહાંગીર આર્ટ ગૅલેરીમાંથી ચિત્રોનું પ્રદર્શન જોઈને નીકળતો હતો ત્યાં મિસ્ટર દલાલ ભેટી ગયા. એમણે ‘હેલો, મિ. પરીખ,’ કહીને મારો હાથ એમના હાથમાં લઈને લગભગ હચમચાવી નાખ્યો. પછી પૂછ્યું: ‘કેમ, ખાસ ઉતાવળ તો નથી ને?’

મેં કહ્યું: ‘ના, પણ –’

મને વચ્ચેથી અટકાવી એઓ બોલ્યા: ‘ચાલો, જરા મોન્જિનીમાં બેસીએ. વિદુ સાત વાગે ત્યાં આવવાની છે. તમે રાહ જોવામાં સાથ આપતા હો તો તમારો ઉપકાર.’

આવી પરિસ્થિતિમાંથી છટકી જવાનો રસ્તો જ શોધતો હતો. પણ પછી થયું: એવું શા માટે કરવું? જોયું જશે.

અમે ચા પીતા બેઠા. થોડાં પારસી યુગલો ‘બોલ ડાન્સ’ કરતાં હતાં. પશ્ચિમી સંગીત ચાલતું હતું. મિ. દલાલ જાણે એકાગ્ર બનીને એ સાંભળી રહ્યા હતા. થોડી વાર સુધી અમારી વચ્ચે કશી વાત થઈ નહિ. પછી સંગીત થંભ્યું. મને લાગ્યું કે કાંઈક વાત તો ઉપાડવી જાઈએ. આથી મેં એમને પૂછ્યું: ‘આફ્રિકામાં તમને ફાવે છે ખરું?’

એમણે કહ્યું: ‘હવે તો ત્યાં જ ગોઠી ગયું છે. અહીં કાંઈ ગમતું નથી.’

વાત આગળ ચાલી નહિ, અટકી ગઈ. થોડી વાર અમે એમ ને એમ બેસી રહ્યા. પછી મિ. દલાલે અણધારી જ શરૂઆત કરી: ‘મિ. પરીખ, તમે વિદુ વિશે શું ધારે છો? Is she in her senses? (એ ભાનમાં છે ખરી?’)

પ્રશ્ન અણધાર્યો ને આકસ્મિક હતો. જવાબ આપતાં હું ખંચકાયો. પછી બોલ્યો: ‘કેમ, તમે એવું શા માટે પૂછો છો?’

એઓ બોલ્યા: ‘મને લક્ષણ સારાં લાગતાં નથી. મને બહુ દુ:ખ થાય છે. એ આફ્રિકા છોડીને આવવા નીકળી ત્યારે જ મેં તો એને કહેલું. પણ એ ભારે જિદ્દી છે. હું તો હવે બહુ રોકાઈ શકીશ નહિ. પણ તમે એને જોજો –’

મેં કહ્યું: ‘એમના પર કોઈ દેખરેખ રાખે એ જરૂરી છે ખરું?’

એમણે કહ્યું: ‘તમે જગદીપ આશરને ઓળખો છો?’

એ નામ મારે માટે અજાણ્યું હતું. મને સહેજ કુતૂહલ થયું. મેં પૂછ્યું: ‘ના, કેમ?’

મારા જવાબથી એમણે મનમાં ધારેલી વાત સાચી પડ્યાનો એમને સન્તોષ થયો હોય એવું લાગ્યું. એમણે કહ્યું:’મેં એમ જ ધારેલું. તમે વિદુને સારી રીતે ઓળખો છો, વિદુએ મારી આગળ તમારાં બહુ વખાણ કર્યાં છે. પણ જુઓ, આ વાત તો તમારી આગળ પણ એણે છુપાવી!’

મેં કહ્યું: ‘પણ એમના જીવનની બધી વાત એઓ મને શા માટે કહે? ને એ જાણવાનું મારે કુતૂહલ પણ શા માટે રાખવું?’ મારી વાત જાણે એમણે સાંભળી જ નહિ હોય તેમ એઓ બોલ્યા: ‘જગદીપ એક નંબરનો ગુંડો છે, લક્ષાધિપતિ છે, ને કોણ જાણે શું કામણ છે એનામાં – એની પાછળ પાછળ એ ચાલી આવી છે. પણ વિદુને ખબર નથી કે જગદીપના જીવનમાં એવી તો કેટલીયે સ્ત્રી આવીને ચાલી ગઈ –’

એઓ કશુંક વધારે કહેવા જતા હતા ત્યાં વિદુલા આવી ચઢી. મને જોઈને ખૂબ રાજી થતી બોલી: ‘ઓહો, તમને ક્યાંથી પકડી આણ્યા? ચાલો, બહુ સારું થયું. બોલો,ક્યાં જઈશું?’

મિસ્ટર દલાલે કહ્યું: ‘પહેલાં ગુલમહોરમાં જઈને કાંઈક ખાઈએ, પછી નરીમાન પોઇન્ટ તરફ જઈએ ને ક્યાંક બેસીને.’ વિદુલા બોલી: ‘કેમ, નવેસરથી પ્રેમની શરૂઆત કરવી છે? તો પછી સાથે સૂર્યકાન્તભાઈને શું કરવા સંડોવો છો? કે પછી પ્રણયત્રિકોણ?’

હું જરા અકળાયો. મિ. દલાલ કશું બોલ્યા નહિ. વળી મેં ઘરે જવાનું બહાનું કાઢતાં કહ્યું: ‘મારે હવે ઘરે પહોંચવું જોઈએ. આજે એક સમ્બન્ધી મળવા આવવાના છે.’

આથી વિદુ એકદમ હસી પડીને બોલી: ‘સાવ જૂઠી વાત! તમારું મોઢું જ કહી આપે છે ને! અરે, એક સ્ત્રીથી, અબળાથી તે આટલું બધું ગભરાવાનું હોય? ચાલો, ચાલો –’

આમ કહીને એણે હાથ પકડીને મને ખેંચ્યો. આ બધું વધારે પડતું હતું ને મિ. દલાલ ધૂંઆપૂંઆ થતા હતા.

અમે આગળ વધ્યાં. આખે રસ્તે વિદુલા કાંઈનું કાંઈ બોલ્યે જ ગઈ. અત્યારે એ પંદર- સોળ વર્ષની મુગ્ધ કન્યા જેવી લાગતી હતી. રસ્તામાં એણે ચોકલેટ લેવડાવી ને ખાધી. નાની નજીવી વાતમાં પણ એ ખૂબ રસ લેવા લાગી. સહેજ સહેજમાં હસીને એ બેવડ વળી જવા લાગી. સંસારમાં ક્લેશકારક અનુભવોની છાયા, મનની રૂંધામણ, તડફડાટ – બધું જાણે ક્યાંનું ક્યાં સરી ગયું . ઘડીભર તો જાણે પેલી આંખમાંની કરુણ ઝાંય પણ આનન્દની તરલતામાં ફેરવાઈ ગઈ. એની આંગળીઓ પતંગિયાની પાંખની જેમ અસ્થિર થઈ ઊઠી. અમારી પાછળ જ સમુદ્રનો ઘુઘવાટ એકધારો સંભળાતો હતો. એની તરફ અમારું કોઈનું ધ્યાન નહોતું. રહી રહીને વિદુલાનું હાસ્ય અમારા કાનમાં રણકી ઊઠતું હતું. મિ. દલાલને ખવડાવવાપીવડાવવામાં વિદુલાએ ખૂબ આગ્રહ કર્યો. એમના કોટ પર પડેલો ચાનો ડાઘ બહુ સિફતથી સાફ કરી આપ્યો. મને મનમાં થયું: જે શક્તિને પ્રતાપે આ સ્ત્રી આટલી સરળ પ્રેમાળ ને હસમુખી બની શકે છે તે શક્તિની એના પર હંમેશાં કૃપા ઊતરે તો! – આ વાક્ય હજુ મારા મનમાં પૂરું ગોઠવાયું પણ નહોતું ત્યાં આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. મિ. દલાલ બોલ્યા: ‘મિ પરીખ, હું તો આવતે શનિવારે ઊપડતી બોટમાં આફ્રિકા જઈશ. તમે વિદુલાની ખબર રાખતા રહેજો.’

આ સાંભળતાંની સાથે જ વિદુલા છેડાઈ પડી: ‘કોણ છે એ મારી ખબર રાખનારા? મુંબઈ શહેરમાં હજારો ગુંડાઓ ને મવાલીઓ છે. આફ્રિકામાં બેઠાબેઠા તમે મારા પતિવ્રતાપણાની ચિન્તા કેટલીક કરશો?’

મિ. દલાલ પણ જરા ઉશ્કેરાયા ને બોલ્યા: ‘મને મુંબઈના હજારો ગુંડાઓનો પરિચય નથી, પણ એક ગુંડાને હું ઓળખું છું.’ આથી વિદુલા જાણે ઊભી ઊભી ભડકો થઈ ગઈ: ‘ઓહો, ત્યારે તમે સૂર્યકાન્તભાઈના કાનમાં પણ ઝેર રેડી ચૂક્યા છો! તમે બે સતવાદીઓ અહીં મારા વર્તનનો ન્યાય ચૂકવવા ભેગા થયા છો, એમ ને?’

મારી સ્થિતિ ભારે વિચિત્ર થઈ ગઈ. હું કાંઈક બોલવા જતો હતો ત્યાં મિ. દલાલ મને રોકીને બોલી ઊઠ્યા: ‘તું મિ. પરીખને નાહક આમાં સંડોવે છે. એમને તારે અન્યાય ન કરવો જોઈએ.’

વિદુલા વ્યંગપૂર્ણ હાસ્ય સહિત બોલી: ‘ન્યાય, અન્યાય – આ બધું ક્યાંથી લાવ્યા? આફ્રિકાથી? એ બધું અહીં લાવવાની બંદી છે. અમે તમને કદી પૂછ્યું છે ખરું કે આફ્રિકામાં તમે કેવી રીતે વર્તો છો? તો પછી એ વિશે મને પૂછવાનો શો અર્થ? ને માણસ માણસની જેમ વર્તે. નથી તમે દેવ કે નથી હું દેવી. કેમ ખરું ને, સૂર્યકાન્તભાઈ?’

આ વાતમાં પડવાનો મને સંકોચ થતો હતો, આથી મેં અચકાતાં અચકાતાં કહ્યું: ‘હા–આ–આ.’

મારી આ સ્થિતિ જોઈને એ હસી. મિ. દલાલનું મોઢું પડી ગયું હતું. વિદુલાના મુખ પર એક પ્રકારની કૃત્રિમ ઉત્તેજનાનો તરવરાટ હતો. એને કારણે એનામાં કશુંક કદર્ય ને જુગુપ્સાજનક એવું દેખાતું હતું. એ જાણે કોઈક બહારના તત્ત્વનું આક્રમણ હતું. એની નીચે જાણે એ આખી ઢંકાઈ ગઈ હતી. પણ કદાચ આ બધી મારા મનની કલ્પના પણ હોય, મને એટલી જ ખબર છે કે હું તરત જ ઊભો થઈ ગયો ને કશું કહ્યા વિના હોટેલની બહાર નીકળી આવ્યો. મારી પાછળ પાછળ એ બંને પણ ચાલી આવ્યાં. પછી કશી વાત થઈ નહિ ને અમે છૂટાં પડ્યાં.

જેઠ મહિનાના પાછલા ભાગના દિવસો હતા. અમે સાંજે જૂહુ પરથી પાછાં ફરતાં હતાં. આકાશમાં પાણી ભરેલાં વાદળ હતાં, ક્યાંક વરસેલા વરસાદની ભીનાશવાળો પવન વાતો હતો. વાદળને લીધે પશ્ચિમમાં રંગની લીલા નહોતી, કેવળ હતો આછી ધૂસરતાનો લેપ. હું જરા પાછળ ચાલતો હતો. આવી ધૂસરતા મારા મનને સદે છે. એથી દુનિયાની ને આપણી વચ્ચે એક સુખદ રીતે સહ્ય નીવડે એવું આવરણ-અન્તર સરજાય છે. એવી પળે આપણે આપણાથી પણ જાણે સહેજ દૂર સરી જઈએ છીએ. આપણી જાતને પ્રસરવાને માટે જાણે બહોળો વિસ્તાર મળે છે. હું આ ભાવસ્થિતિને માણતો ચાલી રહ્યો હતો – ને મારી આગળ હતી વિદુલા. એ નામ પણ જાણે આ ધૂસરતાના લેપ નીચે ઢંકાઈ ગયું હતું, પવનમાં ફરફરતાં વસ્ત્રો ને દેહનો માત્ર આછો આભાસ જ દેખાતો હતો – એ પણ જાણે ગાઢી થતી જતી ધૂસરતામાં લુપ્ત થઈ જવાની અણી પર હતો. લાંબા વખત સુધી હું કશુંય બોલ્યો નહોતો તેથી કદાચ અકળાઈને કે પછી પોતાની એકલતાથી ભય પામીને એ ઊભી રહી ગઈ. થોડી વાર એના પગ નીચેથી સરી જતાં પાણીના સ્પર્શને માણતી એ ઊભી રહી, નીચા વળીને એક છીપ હાથમાં લીધી ને એ દરમિયાન અમારી વચ્ચેનું અન્તર ઘટતાં એ બોલી: ‘કેમ, ક્યાં ડૂબકી મારી ગયા હતા?’

મેં કહ્યું: ‘જે ભારે હોય, પોતાના ભારને હળવો બનાવવાની જેનામાં આવડત હોય નહિ તેને ડૂબ્યે જ છૂટકો!’

એ ચિઢાઈને બોલી: ‘મેં ડૂબવાની વાત નહોતી કરી. તમારા ભાષાજ્ઞાન વિશે મને માન હતું. પણ હવે – ‘

હું હસીને બોલ્યો: ‘જે કોઈ લખવાનો ધંધો કરે છે, ભાષાને વાપરે છે તેને પહેલું ભાન એ થાય છે કે ભાષા તો પરકીયા જ રહી જાય છે, એની મનામણી- વિનવણીમાં જ જન્મારો પૂરો થવાનો છે!’

એ મારી વાતથી જાણે દૂર સરી ગઈ હોય એવું મને લાગ્યું. મને ચીઢ ચડી. નાહક મારી નિ:શબ્દતામાં કાંકરી નાખીને આમ ખસી જવાનો શો અર્થ? મને થયું કે હું પણ કશુંક બોલ્યે જઈને એને પરાણે મારી વાતની નજીક ઘસડી આણું. આથી મેં વળી શરૂ કર્યું: ‘ને આમ તો શબ્દ આપણને એકબીજાની નજીક લાવવાને બદલે દૂરતાનું જ ભાન નથી કરાવતા? હું જે બોલું તેનો અર્થ બીજાના મનમાં, હું જે ઇચ્છતો હતો તે જ, પહોંચે છે ખરો? શબ્દ જેવું અંગત કે ખાનગી કશું નથી, ને એથી ભાષા વાપરનારને એકલતા, લાચારી, અસહાયતાનું સૌથી વિશેષ ભાન થાય છે.’

એને બોલ્યા વગર છૂટકો નહોતો: ‘હા ભાઈ હા, કબૂલ, તમારી અસહાયતા ને લાચારીની દયા ખાઈશું, સહાનુભૂતિ બતાવીશું, બસ?’

પણ એ સહાનુભૂતિ બતાવવાને વળી શબ્દો જોઈશે, એટલે વળી પાછી લાચારી!–’ આટલું કહીને એણે કૃત્રિમ નિ:શ્વાસ નાખ્યો. આથી હું રોષે ભરાયો. મેં જરા ઉશ્કેરાઈ ને કહ્યું: ‘એવી લાચારી અનુભવવી એ પણ અધિકારની વાત છે. એ સૌ કોઈ નહિ અનુભવી શકે.’

એ હસીને બોલી: ‘ભલે ભલે, એ બાબતમાં અમારે હરીફાઈમાં નથી ઊતરવું, તમારી લાચારી તમને મુબારક.’

મે કહ્યું: ‘આ લાચારી કાંઈ અમારી અંગત વ્યક્તિગત લાચારી નથી, એ તમારા સૌ વતીની લાચારી છે –’

એ મને વચ્ચેથી જ અટકાવીને બોલી: ‘રાખો રાખો હવે, એવી ભ્રાન્તિનો આધાર લેવાની તમને જરૂર પડે છે એ જ તમારી સૌથી મોટી લાચારી છે એનું તમને ક્યારેય ભાન નહિ થાય?’

મનમાં મને થયું કે મારે અહીં અટકવું જોઈએ. આથી આગળ જવામાં સાર નથી. હું ઘડીભર ગમ ખાઈ ગયો. આથી એ એકદમ મારી નજીક આવી ને બોલી: ‘આવી સાંજ લાચારીની વાત કરવા માટે ઈશ્વરે નહિ સરજી હોય. છોડો એ વાત.’

ને એણે મને ધક્કો મારીને સામેથી આવતાં મોજાં તરફ ધકેલી દીધો. હું ભીંજાયો ને આછા અન્ધકારમાં એની ચમકતી આંખોને જોઈ રહ્યો.

પછી એ બોલી: ‘અમે સ્ત્રીઓ આમ, આ મોજાંની જેમ જ, છલકાઈને તમારા સંસારને પખાળીએ છીએ, એને અમારા પાલવના પ્રસારમાં ઢાંકીને સુરક્ષિત રાખીએ છીએ. પણ એક દિવસ અચાનક લાગે છે કે ખોળો તો ખાલી ખાલી છે. જેને બે બાહુની સીમામાં સાચવી રાખતાં તે ક્યાં છે? જેને ગર્ભની કેદમાં પૂરીને રાખ્યા, જેને પાલવની છાયામાં સંગોપીને સાચવ્યા, જેને બાહુની પકડમાં પૂરીને નિશ્ચિન્ત રહ્યાં તે તો એકાએક ક્યાં ને ક્યાં સરી ગયા! ને ખણ્ડિત આલિંગનવાળા ખાલીખાલી બે હાથની વચ્ચે જે વિસ્તાર છે, જે અસીમતા છે તે બીજે ક્યાંક નથી – તે નથી આ સાગરમાં, નથી આ આકાશમાં!’ વાત એકાએક ગમ્ભીર બની ગઈ. આવા ઉદ્ગારના જવાબમાં મારે કાંઈ કહેવું એવી કદાચ એને અપેક્ષા પણ નહોતી. એ પોતે પોતાને જ જાણે આ કહી રહી હતી. પણ આ સ્થિતિનું એને ભાન થાય તે પહેલાં મારે કશુંક કહેવું જોઈએ, નહિ તો આવી લાગણીવશતા બદલ એ પોતા પર ગુસ્સે થાય. આથી હું બોલ્યો: ‘સંસારનો ક્રમ એવો છે માટે જ કદાચ આપણે આટલી મોકળાશ અનુભવીએ છીએ, છૂટથી શ્વાસ લઈ શકીએ છીએ. જેને સંગોપીને રાખીએ તેને એક દિવસ આપણે હાથે વિશાળ વિસ્તાર વચ્ચે મૂકી દઈએ છીએ – જમનામાં દીવાઓને તરવા મૂકે છે તેમ. ત્યારે જ એક નવી શક્યતાનાં દર્શન થાય છે.

એ ગમ્ભીરતાના સ્તર પરથી નીચે ઊતરી આવી ને બોલી: ‘બસ બસ, જરા સાંભળનારની તો દયા રાખો!’

મેં વાત બદલવાને કહ્યું: ‘મિસ્ટર દલાલ નૈરોબી પહોંચી ગયા?’

એણે ટૂંકો જવાબ આપ્યો: ‘સુખરૂપ.’

પછી શું બોલવું તે અમને બંનેને સૂઝ્યું નહિ. આજુબાજુના ઘોંઘાટની વચ્ચેથી અમારા મૌનના તંતુને વળગીને અમે આગળ સરકતાં ગયાં. પણ મૌન એ કોઈ વસ્તુ નથી, એ તો પાત્ર છે, ખાલી પાત્ર છે; એને ભરી દેવું જોઈએ એમ લાગે છે એટલે આપણે વળી શોધમાં નીકળીએ છીએ.

હું આ શોધમાં જ હતો ત્યાં એ બોલી: ‘પેલી ડૂબકીવાળી વાત મને યાદ આવી. ડૂબકી મારનારને કશુંક મૂલ્યવાન હાથ કરવું છે, માટે એ સપાટી છોડીને ઊંડે જાય છે પણ અમે ઉપર તરીએ છીએ. મૂલ્યના ભારને ધારણ કરવાની તાકાત અમારામાં નથી, અમારા સિવાય બીજો કશો ભાર ઉપાડવાની અમારામાં હામ નથી.’

મને મજાક સૂઝી: ‘અથવા એમ કહો કે તમે પોતે જ તમારું મૂલ્ય છો, એથી વિશેષ બીજા કશા મૂલ્યને હાથ કરવાની જફામાંથી તમે ઊગરી ગયાં છો.’

એ હસીને બોલી: ‘ વાહ, તમે સમજ્યા ખરા. મારે તે જ વાત કહેવી હતી, પણ હું મારે મોઢે કહું તો ઉચિત ન લાગે! કેવળ હોવું, જીવવું – બસ એને શું પોતાનું આગવું મૂલ્ય નથી?’

મેં એને ચિઢવવાને કહ્યું: ‘એવું કૈવલ્ય અમારા જેવાને તો બહુ સુલભ નથી. અમે કોઈના પતિ થઈએ, કોઈ ચોપડીના લેખક થઈએ, કશી ચળવળ કરીએ ત્યારે એમ લાગે કે અમને કોઈ ઓળખે એવું કશું અમે ઉપજાવ્યું. ત્યારે સમાજ અમને ઓળખે.’

એણે કહ્યું ‘પણ આખરે શું? જશો કયાં?એ કૈવલ્યની જ દિશામાં ને? ત્યારે બધું પાછળ રહી જશે. ત્યારે વળી તમારે તમારો જ સામનો કરવો પડશે.’

મેં કહ્યું ‘ એ તો બહુ દૂરની વાત થઈ. અત્યારે તો નિરાંત છે. ચોર્યાસી લાખ ફેરાની સગવડ આપી છે, પછી એવી અધીરાઈ અત્યારથી શા માટે?’

એ એકાએક હસી પડી: ‘વાહ, ફેરા ફરવાનો ભારે શોખ છે નહિ? માફ કરજો, ઘાંચીનો બળદ પણ –’

હાસ્યની છોળમાં એનું બાકીનું વાક્ય ડૂબી ગયું. હું કશું બોલ્યો નહિ. થોડી થોડી વારે, જાણે આ વાત યાદ કરીને, એ હસ્યે જ ગઈ. પછી એકાએક બોલી: ‘પુરુષોને આવા ફેરાનો ભારે શોખ હોય છે, સપ્તપદીના ફેરા –’

મને તક મળી એટલે હું તરત બોલી ઊઠ્યો: ‘એ ફેરા કાંઈ પુરુષ એકલો નથી ફરતો, સ્ત્રી પણ –’

મને વચ્ચેથી જ અટકાવીને એ બોલી: ‘સ્ત્રી શું કરે? છેડાછેડી ગાંઠીને એને બાંધી દીધી હોય, પછી એ ક્યાં જાય?’

મેં કહ્યું: ‘આ દુનિયામાં બંધાયા વગરનું શું છે? આ જુઓ, આ બધાં સ્ત્રી, પુરુષો ને બાળકો – આંગળીમાં આંગળી ગૂંથીને ચાલે છે, ને આ ઉપરનો ચન્દ્ર ને આ સાગર – આકર્ષણના તન્તુએ બંધાયા છે–’

વળી એ મને અટકાવીને બોલી: ‘આવી વાત તમારે તમારી નવલકથામાં પાત્રો જોડે કરવી. હું તો એક જીવતીજાગતી સ્ત્રી છું – બે પૂઠાં વચ્ચે દબાઈને સપાટ થઈ ગઈ નથી, જીવું છું, શ્વાસ લઉં છું. ખાતરી કરવી છે તમારે?’– એમ કહીને એણે જોરથી મારો કાન એકાએક આમળ્યો. પછી હસતાં હસતાં પૂછ્યું: ‘કેમ, હવે છે શંકા?’

મેં કહ્યું: ‘તમારા અસ્તિત્વની મારા કાનને તો પાકી ખાતરી થઈ ગઈ છે!

ને એ હસી પડી – નિર્મળ છલકાતું હાસ્ય. એનું શરીર હાસ્યના હિલ્લોળથી ઝૂલી રહ્યું. હું એ જોઈ રહ્યો. હું હજુ એ સ્થિતિમાંથી બહાર નહોતો આવ્યો ત્યાં એ બોલી: ‘પણ જુઓ, એક વાત સાંભળો. જે દિવસે ફ્રોક છોડીને ઓઢણી પહેરી તે દિવસે એ ફ્રોકની સાથે મેં મારા એક અંશને વદાય આપી, પછી ઓઢણી ગઈ ને સાડી આવી –’

વળી મને ટિખ્ખળ કરવાનું સૂઝ્યું: –

પણ એણે એ વાત જાણે સાંભળી જ નહિ. મેં પાડેલો વિક્ષેપ પૂરો થતાં જ એણે કહેવા માંડ્યું: ‘આમ વદાય આપતાં આપતાં જોઉં છું તો બધું એકાએક સાવ ખાલી લાગે છે. કોઈક ખૂણામાં દૂર સહેજ કશાકનો આભાસ દેખાય છે. નજર ઠેરવીને જોઉં છું ને ત્યારે એમ લાગે છે કે ‘હું’ના વિસ્તારને સહેવા જેટલો એનો પ્રસાર નથી. થોડી વેરવિખેર આછી ઝાંખી રેખાઓ જ છે માત્ર – કોઈક વાર મમતાના બખિયા ભરીને એ ‘હું’ ને પોતાનામાં સમાવે એવું આવરણ તૈયાર કરવા જાઉં છું ત્યારે કશું હાથ નથી આવતું – એ ફ્રોક કોણ જાણે આડે હાથે ક્યાંક મુકાઈ ગયું છે, એ ઓઢણી કોણ જાણે ક્યાં સરી પડી છે! હવે રહી છે માત્ર દિગમ્બરતા – ન દેખાવું એ જ જેનો સ્વભાવ છે.’

અમે બંને પાસેપાસે ચાલતાં હતાં. આજુબાજુ લોકોની ભીડ હતી, કોલાહલ હતો. પવનનો સુસવાટ હતો, સમુદ્રનો ઘુઘવાટ હતો – એ બધાંમાં થઈને આ શબ્દો આવતા હતા. એ મારી પાસેની સ્ત્રી બોલતી હતી એવું લાગતું નહોતું. એ કશીક અશરીરી વાણી હતી, બહુ દૂરથી જાણે અહીં વહી આવી હતી. એ કદાચ આજુબાજુ છવાયેલી ધૂસરતાની જ વાણી હતી.

થોડી વારની ચુપકીદી પછી એ ફરી બોલવા લાગી: ‘નગ્નતા, નહિ, દિગમ્બરતા – નગ્નતા પોતે જ પોતાનું વસ્ત્ર છે, આવરણ છે. એનાથી અકળાઈ જવાનું નથી. પણ ધીમેધીમે વધતી જતી આ શૂન્યતાની વાત જુદી છે. દર વખતે પાછાં વળતાં નજર કરું છું તો શૂન્યતાની સરહદ વધી હોય એમ લાગે છે. બહાર ખૂબ રખડીએ, ઘણાંને મળીએ, ઘણુંઘણું કરીએ ને પાછાં વળીને ઘરમાં પગ મૂકીએ ત્યારે થાય કે હાશ, આપણે છીએ, આ આપણું ઘર છે. પણ બહારથી પાછા વળતાં દરેક વખતે આ ઘર આ પોતાપણું, આ ‘હું’ જાણે ખૂટતાં જાય છે, જેના આધારે વ્યક્તિત્વનું કોકડું વીંટાળ્યું હતું તે જાણે હવે ધીમે ધીમે લોપ પામે છે. ને એક દિવસ પાછા આવીને જોતાં કશું જ નહિ હશે, પાછા આવવાપણું જ નહિ રહેશે. ત્યારે રહેશે કેવળ સૂનો વિસ્તાર – જેને વિસ્તાર કહેવાની પણ કાંઈ જરૂર રહેશે નહિ, કારણ કે ગમે તેવા વિસ્તારનો પણ ક્યાંક છેડો આવે છે, પણ શૂન્યની હદ ક્યાં? ધીમે ધીમે એ શૂન્યને તાગનારા શબ્દો પણ શૂન્યમય બનતા જાય છે. દરેક ઘટનાની સાથે થોડા શબ્દો ઉલેચાઈ જાય છે, શૂન્યમાં ભળી જાય છે ને આમ જીવન જેમ જીવાતું જાય છે તેમ તેમ નિ:શબ્દતાનું આકાશ વિસ્તરતું જાય છે, આખરે આકાશમય થઈ જઈએ ત્યારે અન્ત આવે છે. એને અન્ત કહેવો કે તમે કહો છો તેમ નવી શક્યતા કહેવી એ ઝઘડો કદાચ પછી રહેતો નથી. રૂપ ઓગળે છે, શબ્દ ઓગળે છે ને આકાશ વિસ્તરે છે; આકાશ વિસ્તર્યે જ જાય છે – એના પોકળ વિસ્તારમાં હૃદયનો ધબકાર ભયંકર પડઘો પાડે છે, પણ એની ભયંકરતાને પ્રત્યક્ષ કરવા જઈએ તે પહેલાં એ પેલા આકાશમાં ભળી જાય છે. એ ભયંકરતા સાથે ટક્કર ઝીલીને કશુંક નક્કર અનુભવવાની તક પણ ચાલી જાય છે. આ, જો ગણો તો, લાચારી છે. એ લાચારી અનુભવ્યા બદલના વિશિષ્ટ અધિકારના ગૌરવને જીરવવાનું મારું ગજું નથી.’

એને આશ્વાસન આપવાનો પ્રયત્ન કરતાં મેં કહ્યું: ‘આવડા વિશાળ આકાશની નીચે નાની શી કળી આંખો ખોલીને અંગને પ્રસારવાની હિંમત કરે જ છે ને? એને ક્યાં એનો અફસોસ કરવો પડે છે? એને તો કૃતાર્થતા થાય છે, એ કૃતાર્થતા એવી સુવાસ રૂપે આપણા સુધી પહોંચે છે.’

કોઈ અદૃશ્ય બળની સામે તાકીને રોષથી એ બોલી ઊઠી: ‘ના, ના, એ મને મંજૂર નથી. ફૂલ જેવું મૂરખ પ્રકૃતિમાં કશું નથી. અન્ધકારમાં દટાઈ રહેવું, પછી પોતાની જાતને ભેદવી, માટીને ભેદવી, ટાઢતડકો વેઠવો, ધીમે ધીમે આ બધી ટપલીઓ ખાઈને આકાર ઘડાવા બીજ રૂપે કેદ થઈને પાછા સમાઈ જવું – ના, એ મને મંજૂર નથી.’

મને કોણ જાણે શું સૂઝ્યું તે મેં કહ્યું: ‘પણ ભ્રમરનો ગુંજારવ, સ્પર્શ, ચુમ્બન–’

મારા વાક્યને જાણે એક ઝાટકાની સાથે તોડી નાખીને એ બોલી ઊઠી: ‘હા, ભ્રમરને પાંખ છે, ફૂલને પાંખડી છે. ભ્રમર પાંખથી ઊડે છે, ફૂલની પાંખડી કરમાઈને ખરી પડે છે. મધના સંચયના પાત્ર માત્ર બનીને ફૂલે સાર્થકતા માનવાની છે. સ્ત્રીની પણ આ જ દશા, આકાર ઘડવાનું એ સ્થાન માત્ર. આકારની માયા રાખવાનો એને અધિકાર નહિ, બધું ધીમે ધીમે એના હાથમાંથી સરી જાય. જે આકાર ધરવાની વેદના અનુભવે તેને આકાર પર અધિકાર નહિ? તેને આકાશનું આશ્વાસન આપવાનું કવિઓને પરવડે, પણ અમારામાંથી કોઈક તો આખરે કહેશે જ કે અમને એ મંજૂર નથી. આકારથી છિન્નભિન્ન થવામાં જ સ્ત્રીના સ્ત્રીત્વની સાર્થકતા છે, પવિત્રતા છે, સ્ત્રી તો દેવી છે – કહ્યે જ જાઓને! –’

એ બોલતી હતી ત્યાં બાળકોએ રેતીમાં કરેલા ખાડામાં એનો પગ પડ્યો ને ‘ઓ રે!’ કહીને એ ઊભી રહી ગઈ. પછી મારા પર રોષે ભરાઈને બોલી: ‘અરે, જરા હાથ આપીને બહાર તો કાઢો. ચિત્રપટના પ્રણય પ્રસંગનો અભિનય નહિ ભજવાય તેની ખાતરી આપું છું.’

મેં એને હાથ આપીને બહાર કાઢી. એના પગે સહેજ મોચ આવી ગઈ. એ બોલી: ‘મનમાં ને મનમાં શાપ આપ્યો હશે તમે, નહિ તો આવું થાય જ નહિ!’

મેં કહ્યું: ‘હું ક્યાં સત્યયુગનો ઋષિમુનિ છું કે શાપ આપું?’

એણે કહ્યું: ‘શાપ આપનારને સત્યયુગની રાહ જોવી પડતી નથી!’

મેં જવાબ આપ્યો: ‘કળિજુગનો એક ઇષ્ટ પ્રભાવ એ છે કે શાપ ફળતા નથી.’

એ તરત બોલી: ‘પણ કોઈક વાર આવું બને છે ત્યારે એના એ ઇષ્ટ પ્રભાવ વિશે મનમાં શંકા ઊપજે ખરી!’

અમે ટેક્સીની શોધમાં હતાં ત્યાં એને કંઈક યાદ આવ્યું ને એ બોલી: ‘તમે પહેલવહેલા મારી ઓફિસમાં આવ્યા હતા ત્યારે એક સજ્જન લંગડાતે પગે બહાર જતા હતા ને મેં તેમને ટેકો આપેલો તે યાદ છે?’

મેં કહ્યું: ‘હા, કેમ?’

એણે કહ્યું: ‘ના, બસ, મને જરા યાદ આવી ગયું.’

મારું કુતૂહલ શમ્યું નહિ એટલે મેં પૂછ્યું: ‘કેમ અત્યારે એ યાદ આવ્યું?’

એણે કહ્યું: ‘એનું તે કાંઈ કારણ હોતું હશે? એ ગૃહસ્થને તમે ઓળખો છો?’

મેં કહ્યું: ‘ના, તમે ઓળખાણ તો કરાવી નહિ, પછી શી રીતે ઓળખું?’

એ બોલી: ‘એ ઓળખવા જેવા માણસ છે. એ હતા પ્રોફેસર ભટ્ટ, બૌદ્ધિક સહચાર માટે મારી પાસે આવે છે. અંગ્રેજીના પ્રોફેસર છે, એટલે એ લંગડાતા ચાલે તો ‘બાયરોનિક લીમ્પ’ કહેવાય, સમજ્યા?’

આમ તે દિવસે છૂટા પડતાં વળી અમે ટોળટપ્પાંમાં સરી જઈ શક્યાં, પણ મારું મન, કોણ જાણે શાથી, ઉદાસ જ રહ્યું.

તે દિવસે દીવાનખાનામાં ચારપાંચ નવા ચહેરાઓ જોઈને હું સહેજ મુંઝાયો, ને એ પરિસ્થિતિમાંથી છટકી જવાની યુક્તિ શોધવા લાગ્યો. મારી આ અવદશા વિદુલા પારખી ગઈ. એણે મને અણસારો કરીને બાલ્કનીમાં જવાનું સૂચવ્યું. બેચાર જણ એનો આ અણસારો જોઈને સંશયભરી દૃષ્ટિએ મારા તરફ તાકી રહ્યા. આથી હું સંકોચનો માર્યો એકદમ ઊભો થઈ શક્યો નહિ. એણે બાલ્કનીમાં જઈને વળી આંગળીનો અણસારો કર્યો. હું કચવાઈને ઊઠ્યો ને જાણે સિગારેટની રાખ ખંખેરવા જ જતો હોઉં તેવું બતાવવાનો પ્રયત્ન કરતો બાલ્કનીમાં ગયો. દીવાનખાનામાંના કબાટના આયનાની ફ્રેઇમમાં અમારી જુગલ છબિ જડાઈ ગઈ હતી તેનો વિદુલાને ખ્યાલ નહોતો, અથવા કદાચ ખ્યાલ હશે, પણ તેની એને પડી નહોતી. એણે તરત સાડીના છેડામાં સંતાડેલી કશીક ચબરખી બહાર કાઢી ને મારા કોટના ખિસ્સામાં સેરવી દીધી. પછી છેક કાન પાસે મોઢું આણીને કહ્યું: ‘હમણાં વાંચશો નહિ, પછી વાંચજો’ ને હું કશું કહું કરું તે પહેલાં એ વળી, જાણે કશું જ બન્યું નહિ હોય તેમ, મંડળી વચ્ચે જઈને બેસી ગઈ. બેઠા પછીય, હું એની ઇચ્છાનો અનાદર કરીને, પેલી ચિઠ્ઠી વાંચતો તો નથી ને તે એણે ત્રાંસી આંખે જોઈ લીધું, હું પાછો વળીને મારી જગ્યાએ બેઠો ત્યારે જાણે એ નિશ્ચિન્ત થઈ. પછી મારી સામે જોઈને એણે કહ્યું: ‘જુઓ, તમને આ બધાંની ઓળખાણ કરાવું. આ શ્રી જગદીપ આશર – ‘ એ આગળ બોલતી જ ગઈ, પણ મારું ધ્યાન એમાં રહ્યું નહિ. મિસ્ટર દલાલે મને આ જગદીપ આશરની વાત કરેલી ને વિદુલા એની પાછળ ગાંડી બનીને ચાલી આવી હતી એમ કહેલું તે યાદ આવતાં હું જગદીપના ભણી જ તાકી રહ્યો. મારી આ દૃષ્ટિથી, કોઈ સંસ્કારી માણસ અણઘડ માણસના અસંસ્કારી માનસથી અકળાઈ ઊઠે તેમ, એ અકળાયો. મને ભાન આવ્યું. વિદુલા બોલ્યે જતી હતી: ‘આ સુચેતા સંઘવી, હમણાં જ મેક્સિકોમાં ચિત્રકળાનો અભ્યાસ કરીને પાછાં આવ્યા છે. આ છે મિસ્ટર અધ્વર્યુ, ઘણા અંગે્રજી અખબારોના ‘આર્ટક્રિટિક’ છે. એમની ભાષાની તમતમતી તીખાશ ચાખવા જેવી છે – અલબત્ત, બીજાને ભોગે ચાખવાની હોય તો જ, આપણે ભોગે તો ચાખી શકીએ જ નહિ!’

પછી મારી તરફ આંગળી ચીંધીને કહ્યું: ‘શ્રી સૂર્યકાન્ત પરીખ, નવલકથાકાર –’

એ સાંભળીને મિસ્ટર અધ્વર્યુ ભવાં ચઢાવીને મારી સામે સહેજ તાકી રહ્યા. પછી બોલ્યા: ‘સાહેબ, તમે ખરેખર નવલકથા લખો છો? પ્રૂસ્ત, કાફકા ને જોય્સે એને ક્યારની ખતમ કરી નાખી છે. હવેનો જમાનો તો પશુકથા લખવાનો છે.’

મેં એમને કશો જવાબ આપ્યો નહિ. મારા વતી, કદાચ મારી દયા ખાઈને, વિદુલાએ જવાબ આપવાનો પ્રયત્ન કર્યો: ‘પણ મિસ્ટર અધ્વર્યુ, એમણે તો અમારી નવલકથાને જુદી દિશામાં વાળી છે –’

અધ્વર્યુ હસીને બોલ્યા: ‘એ વળી કઈ દિશા? જોય્સે વીસબાવીસ કલાકની વાત લખી, હવે તમારે એક મિનિટમાં શું બને છે તેની નવલકથા લખવાની રહેશે – બોલો છે જિગર?’

ત્યાં જગદીપે વાતને બીજી દિશામાં વાળી. એના અવાજમાં કુમાશ હતી, મીઠાશ હતી. ને રોષ પણ એવા રોચક રૂપે એ વ્યક્ત કરે છે કે એ રોષ પણ આસ્વાદ્ય બની રહે. એના ચહેરા પરની સ્નિગ્ધતા જરાયે અળપાય નહિ, ને છતાં એમાં આરસપહાણની નિર્જીવતા નહિ લાગે, આંખના ચમકારને લીધે જીવનનો તરવરાટ વરતાયા કરે. આખા ઓરડાના વાતાવરણની સુખદતાની વધતીઘટતી માત્રાનું નિયન્ત્રણ એ જાણે કેવળ એની દૃષ્ટિથી કરી રહ્યો હતો. હું એને જોઈ જ રહ્યો. એની નાજુક આંગળીઓનાં અણીદાર ટેરવાં, વ્યક્તિત્વના શિખર સરખું નાક, એના સપ્રમાણ શરીરને સર્વથા અનુકૂળ એવો એનો પોષાક – એનામાં કુમાશ ખરી, પણ કશું સ્ત્રૈણ લાગે નહિ, પૌરુષનો પરિચય તો થાય જ. એનું કશું એકદમ આંજી નાખે એવું ભડક નહિ. પણ ધીમે ધીમે સદા એનો પ્રભાવ અગોચર રીતે આપણામાં વિસ્તર્યા જ કરે એવું. પોતાની આ શક્તિ વિશે સભાન રહેવું એ પણ એને અસંસ્કારીપણાનું લક્ષણ કદાચ લાગતું હશે. સુચેતા એના તરફ મુગ્ધ અહોભાવથી મીટ માંડી રહેતી તેથી એ એની મધુર રીતે અકળાતો. એ અકળાટ, તમે જો એના તરફ ધ્યાન આપીને જુઓ તો, હાથની આંગળીની અસ્થિરતામાં દેખાય. એ દર્શાવવા માટે એ શબ્દોનો ઉપયોગ ન કરે. એની ઉપસ્થિતિમાં આપણને સદા દહેશત રહ્યા કરે: આ આપણું બોલવું એને અસંસ્કારી તો નહિ લાગે ને! મારી નજર આગળ મિસ્ટર દલાલ ખડા થયા, ને મને એમની દયા આવી. આવા માણસની પાછળ ગાંડી બનીને વિદુલા ચાલી આવે એની મને નવાઈ લાગી નહિ.

જગદીપે અધ્વર્યુને કહ્યું: ‘કોઈએ શું લખવું તે આપણે શા માટે કહેવું જોઈએ? કોઈ પણ જડ ચોકઠામાં તમે સર્જકની શક્તિને પૂરવાનો આગ્રહ રાખો – પછી એ ચોકઠું નીતિનું હોય, સાહિત્યમાં પ્રવર્તતી તત્કાલીન ફેશનનું હોય કે ફિલસૂફીનું હોય – તો એ નહિ પાંગરે. બીબાં તો ટંકશાળમાં જ કામમાં આવે, સાહિત્યમાં નહિ. પણ જવા દોને એ રકઝક. આપણે સુચેતા પાસે મેક્સિકોની વાત સાંભળીએ. કેમ ત્યાંના થોર કેવા હતા?’

આ સાંભળીને એક ગૃહસ્થ હસ્યા. એમને કહ્યું: ‘સુચેતા, તું થોર જોવા ઠેઠ મેક્સિકો ગઈ હતી?’

જગદીપે કહ્યું: ‘જેનો જેટલો રસ. રસ ખૂટે ત્યારે કદરૂપાપણું પ્રકટ થાય. તમે એ થોરની તીક્ષ્ણ ખુમારી જોઈ નથી, એટલે એમ કહો છો. ચારે બાજુની ખુલ્લી ધરતી અને ઉપરના બળબળતા આકાશ વચ્ચે એ જે ઉદ્ધતાઇભરી અદાથી ઊભો રહે છે તે જોવા જેવું હોય છે.’

સુચેતાએ આ વાતમાં જગદીપ સાથે સંમત થતાં કહ્યું: ‘મેં એ થોરનાં થોડાં ચિત્ર કર્યાં છે, એને તમે અમુક વખતે જુઓ ત્યારે જ એ મેક્સિકોની ધરતીના પ્રતીક જેવો લાગે. એના અસંખ્ય કાંટાની અણી અને એના હાથની પંજા જેવી શાખા – મેં ઉતારવાનો પ્રયત્ન તો કર્યો છે.’

વિદુલાએ કહ્યું: ‘તું અમને કોઈક વાર બતાવજે તો ખરી. આ તો અમારે સાંભળીને બેસી રહેવાનું!’

જગદીપે પૂછ્યું: ‘ને ત્યાંનો સૂર્ય? એનો તાપ રંગમાં ઝલાયો ખરો?’

સુચેતા ઉત્સાહમાં આવી જઈને બોલી: ‘મેં અનેક રીતે એને રંગમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે: બાળકની આંખમાં એના પ્રતિબંિબિત થતા તેજ દ્વારા, ત્યાંની યુવતીના ગાલ પર ઝીલાતી એની તેજટશર દ્વારા. એક વાર હું એક નાના ગામડાની શેરીમાંથી પસાર થતી હતી. એક ઘરમાં બે સ્ત્રીઓ ભારે કર્કશ અવાજે ઝઘડી રહી હતી. બળતી બપોરનો તડકો બહાર વિસ્તરેલો હતો. હું એકદમ ઊભી રહી ગઈ. સામસામા ઘરના પડછાયા એકબીજા સાથે અથડાઈ-કપાઈને જે ખૂણાઓ પાડતા હતા તેની વચ્ચે અણીદાર ફાચરની જેમ તડકાને જાણે કોઈએ સખત જડી દીધો હતો. પેલી કર્કશતાની પ્રબળ અસરને વર્ણવવાને મને ભાષા મળી ગઈ. મેં તડકાનું એ રૂપ ઝડપી લીધું.’

વિદુલા બોલી ઊઠી: ‘સરસ, સરસ. હવે તો તારાં ચિત્રો જોવાની આતુરતા વધતી જ જાય છે.’

જગદીપે કહ્યું: ‘મને સુચેતાનું એક ચિત્ર સૌથી વિશેષ ગમ્યું છે. છે તો વાત સૂર્યની જ – મેક્સિકોમાં જે કાંઈ કરો, તેમાં ક્યાંક ને ક્યાંક કોઈ રૂપે સૂર્યનો પ્રભાવ તો રહેવાનો જ. મેદાનના વિસ્તારમાં સૂર્ય તપી રહ્યો છે, હવા બળી રહી છે. અશરીરી હવા જાણે સતીની જેમ અગ્નિશિખાને લપેટાઈ વળી છે. અશરીરી હવાના દેહનું સૂચન એમાં રંગની ખૂબીથી સરસ કર્યું છે.’

આ વાત ચાલતી હતી ત્યાં પ્રોફેસર ભટ્ટ આવ્યા. મોઢામાં પાઇપ રાખીને બોલવાની ટેવ. જગદીપને જોઈને કહ્યું: ‘હેલો, જગદીપ, પછી તારા બંગલાનું શું થયું?’

મેં જગદીપ તરફ જોયું. જવાબ આપવામાં ભાષાનો ઉપયોગ કરવાનો છે કે કેમ, કે પછી એકાદ અંગના હલનચલનથી જવાબ સૂચવી જ દેવાનો છે, અમુક વિધાનની પ્રતિક્રિયા બતાવવામાં શરીરની કેટલી મદદ લેવાની છે – આ બધું એ જાણે પલકારામાં નક્કી કરી લઈ શકે છે. આ પ્રશ્નથી પોતાને દૂર રાખવા જાણે એણે ગ્લાસ ઉપાડીને સાવ બેફિકરાઈથી પાણી પીવા માંડ્યું – એ પાણીનો ઘૂંટડે ઘૂંટડો અમૃત ન હોય એવી તૃપ્તિથી. બધાંની દૃષ્ટિ એના તરફ વળી હતી તેનું એને ભાન હતું. થોડી પળ પસાર થયા પછી એણે દૃષ્ટિ ઊંચી કરી. પોતાની દૃષ્ટિનો દોર ખેંચીને એણે બીજી બધી દૃષ્ટિઓને જાણે પોતાને અનુકૂળ રીતે ગોઠવી લીધી.

વિદુલાએ કહ્યું: ‘હમણાં મેક્સિકોની, થોરની, સૂર્યની ને સુચેતાનાં ચિત્રોની વાત ચાલતી હતી.’

પ્રોફેસર ભટ્ટ બોલ્યા: ‘પાડ પ્રભુનો કે હું એમાંથી ઊગરી ગયો. જગદીપનું ભલું પૂછવું. સુચેતાનો હાથ પકડીને, એની ચામડી પર હાથ ફેરવીને એ મેક્સિકોના સૂર્યના સ્પર્શને શોધશે. અરે જગદીપ, પણ તારા બંગલાનું શું થયું?’

આ વખતે જગદીપે ટૂંકો જવાબ આપ્યો: ‘મારું મન માનતું નથી.’

પ્રોફેસર ભટ્ટ મારા તરફ ફરીને બોલ્યા: ‘જગદીપને એક બંગલો બાંધવો છે, પણ એ વિશેના એના ખ્યાલ અફલાતૂન છે. એ કહે છે કે ઘરનો આજુબાજુના વાતાવરણ સાથે મેળ ખાવો જોઈએ. બહારથી ઘરમાં પગ મૂકીએ ત્યારે જુદા વાતાવરણમાં પ્રવેશ્યાનું ઉગ્ર ભાન ન થવું જોઈએ. ધીમેધીમે ઘરનું વિશિષ્ટ વાતાવરણ ખડું થાય એવી ઓરડાઓની રચના ને બાંધણી હોવી જોઈએ.

જગદીપે કહ્યું: ‘આપણે તો બધી ઇન્દ્રિયોને જૂઠી કરીને જીવનારા માણસ! આપણાં ઘર તે કાંઈ ઘર છે! કોઈ ઘર ‘એર ઈન્ડિયા’ના ‘રિસેપ્શન રૂમ’ જેવું તો કોઈ કરિયાણાની દુકાન જેવું – હમણાં જ એક અમદાવાદી શેઠિયાની આલિશાન ઇમારત જોવા ગયો હતો. દરિયા પાસે ઘર બાંધ્યું છે, આજુબાજુ અષ્ટાવક્ર જેવી કેટલીય ઇમારતો ડોકાતી ઊભી છે ને તેની વચ્ચે ગ્રોપિયસનું અનુકરણ કરીને ઘર બાંધ્યું છે – મને તો ભારે ત્રાસ થયો. આપણામાં વાતાવરણની પકડ જ નથી.’

વિદુલાએ કહ્યું: ‘જગદીપ, તારું ઘર તું કેવું બાંધવાનો છે તે તો જરા અમને કહે.’

જગદીપે કહ્યું: ‘દરિયા પાસે બાંધું તો આજુબાજુ એ પોતાનું વાતાવરણ સરજાવી શકે એટલી મોકળી જગ્યા રાખું. દરિયાની અસર વિસ્તાર છે, પણ તે આકાશનો નિશ્ચલ વિસ્તાર નહીં, ચંચલ વિસ્તાર. ઘરની અંદર પુષ્કળ મોકળાશનો અનુભવ થવો જોઈએ, દીવાલ એવી બનાવવી જોઈએ કે એ દીવાલ છે એનું ભાન જ ન રહે, એ જાણે દરિયામાંથી ઊપસી આવેલો ખડક જ હોય. રંગ સમુદ્રમાં ઝીલાતા આકાશના રંગ જેવો.’

પ્રોફેસર ભટ્ટ પાઇપમાં નવો તમાકુ ભરતાં ભરતાં બોલ્યા: ‘મિસ્ટર પરીખ, જગદીપ તો ભારે સ્વાદીલો માણસ છે. એ આ દુનિયામાં જાણે બધું ચાખવા જ જન્મ્યો છે. એ ભલે બધી ઇન્દ્રિયોની વાત કરતો હોય, પણ મને લાગે છે કે એને એક જ ઈન્દ્રિય છે, અને તે ચાખવાની – રસના. તમે એને જુદા જુદા સો પ્રકારના દારૂ આપો, એ ચાખીને બધા ઓળખાવી આપશે. સ્ત્રીઓ વિશે પણ એવું જ. પણ એક વાત યાદ રાખજો, એને ચાખવામાં રસ છે, ખાવામાં નહિ, એ અકરાંતિયો નથી.’

જગદીપે અત્યંત મૃદુ હસીને કુમાશથી કહ્યું: ‘આભાર.’

વિદુલા બોલી: ‘પ્રોફેસર ભટ્ટ અને જગદીપ ભેગા થાય ત્યારે ભારે મજા આવે.’

પ્રોફેસર ભટ્ટે કહ્યું: ‘શું જગદીપ, આપણે તે કાંઈ સરકસના રંગલા છીએ?’

જગદીપે પાસેની ફૂલદાનીમાંથી મૅગ્નોલિયા ઉપાડીને વિદુલાના વાળમાં કળામય રીતે ગોઠવી દીધું. આથમતા સૂર્યની રતુમડી ઝાંય ઓરડામાં પ્રસરી ગઈ હતી. હું આ ઓરડાના વાતાવરણને પકડવા મથતો હતો. કોણ જાણે કેમ એમ લાગ્યું કે આ ઓરડાના અસ્તિત્વને કશું કેન્દ્ર નથી. આ બધાં વમળ ને ઘૂમરી જ છે, એની ગતિ તે કેન્દ્રને માટેની આંધળી શોધ છે. આથી ઉલ્લાસને બદલે મારું મન એક પ્રકારની ખિન્નતા અનુભવતું હતું. ઓરડામાંથી એ આંધળી ગતિ રહી રહીને જાણે મારી સાથે પછડાયા કરતી હતી. હું આ વિચારમાં હતો ત્યાં જગદીપે મને પકડી પાડ્યો. એણે મારા તરફ જોઈને પૂછ્યું: ‘મિસ્ટર પરીખ, તમે તો સર્જક છો. તમારા ઇલમ વિશે તો અમને કાંઇ કહો.’

પ્રોફેસર ભટ્ટ હસીને બોલ્યા: ‘જગદીપને મન બધું જ માયાવી ને જાદુઈ છે. એને મન બધું જ જાણે અકળ રીતે બની આવે છે. આકસ્મિકતામાં જ એ જીવનનો રસ જુએ છે. પણ જીવન તો ગણિતના દાખલા જેવું વ્યવસ્થિત છે. એક ખોટું ડગલું ભરો કે ઠેઠ સુધી ભૂલ આવવાની જ. હા, પછી એ ભૂલની ભુલભુલામણીમાં અટવાયા કરવું એને જ જો જીવનનો રસ કહેતા હોય તો વાત જુદી છે. સુચેતા, તું જ કહે, કલામાં કાંઈ સ્વચ્છંદી હોય ખરું?’

સુચેતાએ કહ્યું: ‘કલાકારના છન્દ સાથે જો લય સાધી નહિ શકીએ તો એ સ્વચ્છન્દ લાગે કદાચ.’

જગદીપની આંગળીનાં ટેરવાં અસ્વસ્થ થયાં. સુચેતાની વાળની એક લટને પોતાની આંગળી સાથે ગૂંચવતાં એ બોલ્યો: ‘મને બાળપણની એક વાત યાદ આવે છે. લાકડાનાં ચોસલાંથી હું બંગલો બનાવતો હતો. બનાવતાં બનાવતાં હું અંદર રહી ગયો, ને મારી આજુબાજુ બંગલો ઊભો થઈ ગયો. હવે? બહાર જવાને માટે બંગલો તોડવો પડે ને બંગલો નહિ તોડું તો હું અંદર કેદ થઈને રહું. બાળપણમાં તો મોટું બળ રડવાનું. રડવાનો અવાજ સાંભળીને બાપુએ દોડી આવીને મને ઊંચકી લીધો. આ લોકોની દશા પણ એવી જ છે. જીવવાની ક્રિયા જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ એઓ પોતાની આજુબાજુ કારાગાર રચતા જાય છે. આ બાજુ માથું ઊચું કરતાં દીવાલ સાથે માથું ભટકાય છે? વારુ, પાટિયું લગાવી દો: અહીં કોઈએ માથું ઊંચું રાખીને ચાલવું નહિ. આ બાજુથી બહારનું આકાશ દેખાતાં સંસારના ગણિતમાં ભૂલ આવે છે? બીજું પાટિયું મારી દો: અહીં ઊંચે જોવાની મનાઈ છે. સરવાળે શું? દાખલો ખોટો પડતો નથી! આખરે એક દિવસ કોઈ ઉપરથી આવીને ઊંચકી લે એવી આર્ત સ્વરે પ્રાર્થના કરવી પડે છે – ને ઉપરથી ઊંચકી લેનારાની સંખ્યા પણ થોડી નથી!’

વિદુલાએ કહ્યું: ‘એ જીવનની રમતનો એક અંશ જ છે ને!’

જગદીપે જાણે વિદુલાના એ વાક્યની કશી નોંધ લીધી જ નહિ. એની વાત આગળ ચાલુ રાખતાં એ બોલ્યો: ‘સાચી વાત તો એ છે કે ક્ષણને આપણે સ્વીકારી શકતા નથી, ને વાતો શાશ્વતની કરીએ છીએ. બે ક્ષણને જોડવાનો તન્તુ એ ક્ષણોની બહાર નથી. પણ જે ક્ષણને પૂરેપૂરી સ્વીકારે તેને જ બે ક્ષણને સાંધતો એ તન્તુ હાથ લાગે, અથવા તો એમ પણ કહી શકાય કે પછી એવા સાંધાની કશી જરૂર ન વરતાય. ક્ષણની સ્વયંપર્યાપ્તતાનો સાક્ષાત્કાર એ જ સાચો સાક્ષાત્કાર છે. પણ એ ક્ષણને પાયા તરીકે વાપરીને એના પર નીતિ, ધર્મ, ફિલસૂફીની ઇમારત ઊભી કરો તો એ પડવાની જ. ને આખરે બને છે શું? ઇમારતો ઘડવી ને પાડવી – એની જફામાં પડવું એને જ જંદિગીનું લક્ષ્ય માનવું! જે ક્ષણને જીરવી શક્યો નહિ તે કાયરને પોતાની કાયરતા ઢાંકવા માટે શાશ્વતતાની પ્રચણ્ડ અતિશયોક્તિનો આશ્રય લેવો પડ્યો.’

પ્રોફેસર ભટ્ટ ઉશ્કેરાયા ને બોલ્યા: ‘જગદીપને મતે આપણે ટેઇપરેકોર્ડરની ટેઇપ જેવા. એ ટેઇપ પર જેમજેમ નવું ઊતરતું જાય તેમ તેમ જૂનું આપોઆપ ભુંસાતું જ જાય.’

જગદીપે કૃતજ્ઞતા સૂચવતા સ્મિત સાથે કહ્યું: ‘આભાર, શિક્ષક નવું જ્ઞાન શોધતો નથી, એ દૃષ્ટાન્તો શોધે છે.’

અમે બધાં હસી પડ્યાં. પ્રોફેસર ભટ્ટ એના જવાબમાં શું કહેવું તેની શોધમાં હતા ત્યાં જગદીપે શરૂ કર્યું: ‘સમયનું સરોવર બનાવનારા બંધિયાર જળને જ જીરવી શકે છે. શાશ્વતતા એ પણ આખરે એક સીમા છે. આપણે કહીએ છીએ ‘શાશ્વત કાળ સુધી.’ આ ‘સુધી’ એટલે જ હદ, સીમા. જે અન્તની કલ્પનાના ભયથી અકળાય તેણે જ ‘અનન્ત’ શબ્દ શોધ્યો. નકારવાચક ઉપસર્ગો એ આપણી ભાષાના પર પડેલી ભયની પગલી છે….’

પ્રોફેસર ભટ્ટ તાળી પાડીને બોલી ઊઠ્યા: ‘શાબાશ, શાબાશ! વ્યાકરણની નવી ફિલસૂફી આપણને મળશે એવી આશા બંધાય છે.’

સુચેતા બોલી: ‘આપણે સીમા રચીએ છીએ કારણ કે સીમા જ આકારનો આધાર છે, ને આકારના માધ્યમથી જ આપણો વહેવાર ચાલે છે. જ્યાં સુધી એ વહેવાર નિભાવવાનો હોય ત્યાં સુધી નિરાકારનો શોખ જતો કરવો પડે. હા, અભિમાનથી નથી કહેતી, પણ આકારને નિરાકારના ઇંગિત તરીકે પ્રયોજવાનું અમને કલાકારોને જ આવડે છે. ધર્મ વાત કરે છે બૃહત્ની, પણ આખરે તો એ રુંધે જ છે. રાજ્યોનો તો પાયો જ સીમા છે. નીતિ શુભ અને અશુભના દ્વન્દ્વ પર જ નભે છે. અમે કલાકારો જ આકારના ‘સ્પ્રિન્ગબોર્ડ’ પરથી તમને નિરાકારમાં કૂદકો મરાવી શકીએ છીએ.’

પ્રોફેસર ભટ્ટને પોતાના પક્ષનો એક સમર્થક મળ્યાનો હર્ષ થયો. સુચેતા બોલતી હતી તે દરમિયાન જગદીપ પડદાની સળ પર પડેલાં ચન્દ્રકિરણોને જોઈ રહ્યો હતો. સુચેતા જે બોલી તે એણે કદાચ પૂરું સાંભળ્યું પણ નહિ હોય. ક્યારે વાતની સીમામાં રહેવું અને ક્યારે એની બહાર સરી જવું તે એ તરત નક્કી કરી લઈ શકતો હતો. તન્દ્રામાંથી જાગતો હોય તેમ એ બોલ્યો: ‘સાચું પૂછો તો આકાર છે જ ક્યાં? નિરાકાર એવી એક ગતિ, એવો એક સંચાર, આન્દોલન જ માત્ર છે. મારી સામેના આ પડદાની સળ પર ચન્દ્રના કિરણો પથરાયાં છે. એ બે વસ્તુ તો નિમિત્ત છે, એને નિમિત્તે જે ત્રીજી વસ્તુ – એને વસ્તુ કહેવાનું પણ કશું કારણ નથી – અનુભવાય છે તે નિરાકાર છે, અનામી છે. મનુષ્ય પણ જો પોતાને નિમિત્તરૂપ બનાવીને આ નિરાકારને સિદ્ધ થવા દે તો બસ. એથી મોટી બીજી કશી ચરિતાર્થતા હું જોતો નથી. જિસસ ક્રાઇસ્ટની ચરિતાર્થતા શેમાં છે? એણે દુનિયાનાં દુ:ખ પોતાને માથે ઉપાડ્યાં તેમાં? ના, એ તો એક જુલમ થયો – ને વણનોતર્યા ઉપકારના જેવો બીજો જુલમ કયો હોઈ શકે? – પણ આ પડદો અને ચન્દ્રકિરણ એ નિમિત્તરૂપ બનીને ત્રીજું જ કશુંક આગવું સરજે છે તેમ ક્રાઇસ્ટ અને ક્રોસ – એ બે નિમિત્તોની સહોપસ્થિતિથી જે અનુભૂતિ સરજાઈ તેમાં જ એની ચરિતાર્થતા. ક્રાઇસ્ટ એ સ્વરૂપે જ શોભે છે. તમે, હું, આપણે બધાં જ આ નિમિત્તની પદવીને પામીશું ત્યારે આપણને જોનારાને આપણી ચરિતાર્થતાની ઝાંખી થશે. એની ઝાંખી કરવી એ આપણું કામ નથી.’

વિદુલાએ કહ્યું: ‘આપણે ગીતાની બહુ નજીક આવી પહોંચ્યાં એવું નથી લાગતું?’

જગદીપે જવાબ વાળ્યો: ‘હું ગીતાથી ભડકતો નથી.’

પ્રોફેસર ભટ્ટે કહ્યું: ‘તારી આ ચરિતાર્થતાને દ્વૈતની અપેક્ષા છે, એમ ને?’

જગદીપે કહ્યું: ‘ચરિતાર્થતાની પૂર્વાવસ્થાનું પૃથક્કરણ કરવાનું મારું કામ નથી, ફિલસૂફને જો એમાં રસ હોય તો ભલે એમ કરવાનું જોખમ ખેડે. હું તો દ્રષ્ટા છું, અથવા પ્રોફેસર ભટ્ટ કહે છે તેમ ચાખનાર છું. મારા ઘરમાં અનેક પ્રકારની પરાવર્તક સપાટી રચીને સૂર્યનાં અનેક રૂપ સરજું છું. મારા મનની એવી અનેક સપાટીઓ રચીને સંસારની એમાં અનેક છબિઓ ઝીલું છું. એ બધું સમગ્ર રીતે જોતાં – ને એ સિવાય બીજી કોઈ જોવાની રીત હું જાણતો નથી, કારણ કે ક્ષણમાં જ સમગ્રતા એકાગ્રતા છે, વિસ્તારમાં વિક્ષિપ્તતા છે – કોઈ વિશિષ્ટ આકાર વગરનું લાગે છે. એને નામની જરૂર પડતી નથી. આકાર આકાર કહો છો, પણ ક્યાં છે આકાર? લોહીમાં એક વેગ અનુભવાય છે, કશોક આંધળો સંચાર થાય છે. ને પછીથી જે સ્ત્રી તમારા બાહુમાં સમાય છે તેને આકાર નથી હોતો. એ તો એ સંચારની ભરતી શમી ગયા પછીની બધી ઉપાધિ છે. બે વેગના ટકરાવા સિવાય એમાં કશું નથી. ટકરાવાની એક ક્ષણે જ આકારનું બીજ રોપાય છે. એ બીજના સંવર્ધન માટે બધી જટાજાળ રચવી પડે છે. એને લગ્ન કહો, સમાજ કહો – પણ જ્યાં બે વસ્તુ ટકરાય ને એકબીજામાં વિગલિત નહિ થાય ત્યારે જ આકારનો ગાંગડો રહી જાય. વિગલિત થઈ જવાની શક્તિની ઊણપમાંથી જ આકાર ઉદ્ભવે છે – વળી ત્યાંથી શરૂઆત કરીને નિરાકારની સ્થિતિને પામવાને નવેસરથી પ્રયત્નો શરૂ કરવા પડે છે.’

વિદુલાએ કહ્યું: ‘એને જ અમે લોકો ભગવાનની લીલા કહીએ છીએ.’

પ્રોફેસર ભટ્ટ આ દરમિયાન મનમાં એક મુદ્દો તૈયાર કરી રહ્યા હતા. એમના તરફ જોઈને જગદીપે પૂછ્યું: ‘બોલો, શું કહેવું છે તમારે?’

પ્રોફેસર ભટ્ટે કહ્યું: ‘આ વાતો સાંભળવામાં સારી લાગતી હશે, પણ એમાં અરાજકતાનાં બીજ રહેલાં છે. સ્ત્રી નહિ સ્ત્રીત્વ, સીમા નહિ ને શૂન્ય – આ બધા તો વાહિયાત ખ્યાલો છે. હમણાં જ આપણી ઉપરનું છાપરું પડે તો આપણે બધા ખ્યાલોને ભૂલીને નાસવા મંડીએ. જગદીપ નામથી ઓળખાતી દોઢસો પાઉંડની નક્કર કાયા ત્યારે એક નરી વાસ્તવિકતામાં ફેરવાઈ જાય, ખરું ને?’

જગદીપ હસીને બોલ્યો: ‘તમારું નિદાન તો સાચું છે. હાઇડ્રોજન બોમ્બની ભૂતાવળ ઊભી કર્યા વિના માણસને પોતાની વાસ્તવિકતાની નક્કર પ્રતીતિ થતી નથી. પણ એ સિવાય એ પ્રતીતિના બીજા ઉપાય હોઈ શકે. પાણીમાં તરનાર, જમીન પર ચાલનાર ને આકાશમાં ઊડનારને એક જ નિયમ લાગુ નહિ પડી શકે. જમીન પર ઊભેલો માણસ પાણીમાં તરનાર જે રીતે હાથપગ હલાવતો હોય છે તે જોઈને જો એમ કહે કે અરે, આ તે કાંઈ ચાલવાની રીત છે! – તો એમ કહીને એ તરનારનો નહિ, પણ પોતાનો જ ઉપહાસ કરતો હોય છે.’

સુચેતાએ કહ્યું: ‘પણ જ્યાં સુધી ઉપર આકાશનો વિસ્તાર છે ને ક્ષિતિજના છેડા દૂર છે ત્યાં સુધી માણસ પોતાના અસ્તિત્વના બિન્દુમાં પર્યાપ્ત નહિ રહે, એની દૃષ્ટિની રેખા ખેંચાઈને ક્ષિતિજ સુધી વિસ્તરવાની.’

જગદીપે કહ્યું: ‘પણ આકાશ એ શૂન્ય અવકાશ છે, ને ક્ષિતિજને છેડે શું છે? બે સ્થિર બિન્દુ વચ્ચેના પ્રસારને રેખા કહીએ. પણ અહીં તો શૂન્ય જ છે!’

પ્રોફેસર ભટ્ટ ચિઢાઈને બોલી ઊઠ્યા: ‘સુચેતા, તું એની જોડે ખોટી રકઝક કરે છે. આ તો નર્યું તર્કછળ છે, જિહ્વાચાતુરી છે.’

જગદીપ બોલ્યો: ‘જે તર્ક સ્વીકારે તેને જ છળનો ખપ પડે, અમારે શું?’

વિદુલા બોલી: ‘પણ જગદીપ, તું આટાપાટાની રમત રમતો હોય એવું તો લાગે જ છે. સરળ વાત તું કોકડું વાળીને જ મૂકે છે.’

જગદીપે કહ્યું: ‘વારુ, સરળ બનાવવાનું સાહસ કરી જોઉં. જીવનનું રહસ્ય છે પર્યાપ્તતાની અનુભૂતિ. એને વિસ્તારની અપેક્ષા નથી. કશા સાથેના અનુસન્ધાનની અપેક્ષા નથી. કારણ કે અહીં જે છે તે સ્વયંપર્યાપ્ત છે, પોતાની રીતે અપૂર્વ છે, અદ્વિતીય છે. હું પાણી પીઉં છું – સાવ સાદી ક્રિયા છે. છતાં બીજી વાર પાણી પીઉં છું ત્યારે એ સાવ જુદી જ વસ્તુ હોય છે. આમ બધી જ ઘટનાનું, બધી જ અનુભૂતિનું, સ્મૃતિનું. સ્મૃતિના ભિક્ષાપાત્રમાં જેઓ બધું સંઘરતા હોય છે તેમને જ કેવળ આની ઝાંખી થતી નથી. એઓ સો ટકા સાચું પાણી પીતા નથી હોતા, પણ સ્મૃતિમાંના પાણી પીવાના આગલા અનુભવનું પુનરાવર્તન કરે છે. જીવન એ પુનરાવર્તન નથી. જે અપૂર્વ છે તે અદ્ભુત છે. બસ, જીવનને વિશે આ બે વિશેષણો જ સાચાં છે, બાકીની બધી શબ્દજાળ છે. જે સ્ત્રી જોડે સહચાર માણ્યો તે જ સ્ત્રી શું બીજા સહચાર વેળાએ ફરી આવે છે? ના. પણ ભયભીત લોકોની નીતિ જુદી છે. એ એકની જ વાત કરે છે, વફાદારીની વાત કરે છે. પણ એક એટલે કયું એક? જે સદાસર્વદા અખણ્ડ અભિન્ન અનામત રહે તે. એવું શું છે? હું, તમે? આપણે એક નથી. ચાલો, બહુ લાંબું થઈ ગયું. સૂત્રાત્મક બનવાનો પહેલો પ્રયત્ન હતો ને!’

સુચેતા બોલી: ‘તો વૈવિધ્ય એ જ નિયમ?’

જગદીપે કહ્યું: ‘એવી ભાષા હું ન વાપરું. એક વસ્તુ પ્રત્યેનો આપણો ભાવ સમીકરણના સમ્બન્ધથી જોડવો નહિ. જો એમ કરીએ તો એની અપૂર્વતા ચાલી જાય. મારી સામે દારૂની શીશી છે. એમાંથી હું એક રંગીન પ્યાલામાં દારૂ રેડું છું. એ રેડતી વેળાની દારૂની સહેજ વળાંક લઈને સરવાની ગતિ, પ્યાલીમાં પડવાનો અવાજ, પ્યાલીના રંગની ઝાંય, દારૂના રંગની સાથે ભળતાં એમાંથી પ્રકટી આવતી રંગની એક નવી છટા, સપાટી પર તરતાં ફીણ – આ બધું જ આસ્વાદ્ય છે, કેવળ દારૂ જ નહિ. ને પછી જે દાહક સ્પર્શ સાથે એ ગળામાંથી ઊતરે છે તે પણ માણવા જેવો છે. આ એકેએક અનુભવ અપૂર્વ હોઈને એકસરખો આસ્વાદ્ય છે. એમાં ઊંચનીચના ભેદ નથી. જંદિગી પણ દારૂની જેમ ટીપેટીપે ચાખવાની વસ્તુ છે, દવાની જેમ ગટગટાવી જવાની વસ્તુ નથી.’

વિદુલાએ કહ્યું: ‘તો પછી આસક્તિ, ઝંખના, મુક્તિ – આ બધા સદીજૂના શબ્દો ખોટા?’

જગદીપે કહ્યું: ‘જેટલા શબ્દો જીવતાં જીવતાં તમારે ઘડવા પડે તેટલા જ સાચા. બાકી તો દુનિયામાં બિનજરૂરી એવું ઘણું ઘણું છે. હું આ દુનિયામાં છું માટે મારે પણ એ બધાંનો ભાર ઉપાડવો જરૂરી નથી. મુખ્ય વાત તો જીવવાની છે.’

પ્રોફેસર ભટ્ટ બોલ્યા: ‘જગદીપ, તું એક ડગલું પાછળ છે. જીવવું એ પણ નિરર્થક આળપંપાળ બની રહે એવી પણ એક સ્થિતિ આવે છે. એટલે જ તો વિલિયર્સ (Villiers de I’ble-Adam)નું પાત્ર એક્ષેલ કહે છે: Live? Our servants will do that for us.’

જગદીપ બોલ્યો: ‘હા, એ સ્થિતિ આખરે તો અનિવાર્ય છે. જુઓ ને, આપણને અનુભવ નથી થતો? બહુ સુન્દર સંગીત સાંભળતાં હોઈએ છીએ ત્યારે એ શ્રુતિસુખની પ્રબળતા શ્રવણેન્દ્રિયને સાર્થકતાથી નિ:શેષ કરી મૂકે છે. જ્યારે છલોછલ સાર્થકતા આવે ત્યારે લય જ સ્વાભાવિક બની રહે. ને, એ લય એટલે જ નિરાકારતા. ઇતિ સિદ્ધમ્.’

પ્રોફેસર ભટ્ટ અકળાઈને ઊભા થઈ ગયા ને બોલ્યા: ‘આ બધું પુસ્તકિયા પ્રલાપ જેવું છે મિસ્ટર પરીખ, ડોન્ટ ટેઇક હીમ સિરિયસલી, વોલ્ટર પેટરનો મેરિયસ કે Huysmansનો Des Esseintes – એના વાઘા પહેરીને જગદીપ ફરે છે. આ તો ‘માસ્ક’ છે.’

જગદીપ કાંઈ ગાંજ્યો જાય એવો નહોતો, એણે કહ્યું: ‘માણસ જિંદગીભર પોતાનું મોઢું ઢાંકવાને આ ‘માસ્ક’ તૈયાર કરતો હોય છે. માત્ર દયાજનક પરિસ્થિતિ એ છે કે મૃત્યુ જ્યારે એ ‘માસ્ક’ ઉતારે છે ત્યારે જ ખબર પડે છે કે આપણે તો ‘માસ્ક’ પહેરીને ફરતા હતા.’

વિદુલાએ મારા તરફ જોઈને પૂછ્યું: ‘સૂર્યકાન્ત, તમે કેમ કશું બોલ્યા જ નહિ?’

હું કશો જવાબ દઉં તે પહેલાં પ્રોફેસર ભટ્ટે કહ્યું: ‘જ્યાં મૂર્ખાઓનો પ્રલાપ ચાલતો હોય ત્યાં પંડિતો મૌન જ સેવે, ખરું ને?’

જગદીપે કહ્યું: ‘એમના મૌનનો આધાર હતો તો જ આપણો શબ્દધોધ વહી શક્યો. જલપ્રપાતને પથ્થરની કરાડની જરૂર પડે જ છે!’

આ સાંભળીને અમે બધાં હસી પડ્યાં. જતી વેળાએ વિદુલાએ ફરી મારા કાનમાં કહ્યું: ‘પેલી ચિઠ્ઠી વાંચવાનું ભૂલતા નહિ, હં.’

બસમાં બેસતાંની સાથે જ મેં ચિઠ્ઠી ખોલીને વાંચી. એમાં લખ્યું હતું:

સૂર્યકાન્તભાઈ,

તમારા પર હું ખૂબ રોષે ભરાઈ છું. તમારામાં એક એવું અપલક્ષણ છે કે તમારી સાથે વાતો કરતાં મારે જે કહેવું નથી હોતું તે મારાથી કહેવાઈ જાય છે. જુઓને, જૂહુ પર હું શુંનું શું બકી ગઈ! મને એવા લાગણીવેડા ગમતા નથી. લોકો એવાં ઘેલાં કાઢે છે ત્યારે મને એની હાંસી કરવાની મજા આવે છે. પણ તમે નવલકથામાં જેમ પાત્રોને રમાડો છો, એમની પાસે ધાર્યંુ બોલાવો છો ને ધાર્યું કરાવો છો તેમ મારી જોડે પણ કરો છો! ઘણી વાર મને શંકા જાય છે કે તમે મને એક જીવતું માણસ ગણો છો કે કેવળ પાત્ર! ઇચ્છીએ તે જેમાં ભરી શકીએ તેને જ પાત્ર કહેવાય ને? જુદી જુદી પરિસ્થિતિઓ, જુદી જુદી વ્યક્તિઓ વચ્ચે મને જોઈને મારામાં એ બધાંની થતી પ્રતિક્રિયા જોવામાં તમને જેટલો રસ છે તેટલો કદાચ તમને મારામાં એક વ્યક્તિ તરીકે, (ને કહું?) એક સ્ત્રી તરીકે રસ નથી. કદાચ તમે આને જ કલાકારની તટસ્થતા કહેતા હશો. પણ અમને સ્ત્રીઓને આ તટસ્થતાની તટરેખા ભૂંસી નાખવાનું પણ આવડે છે એ નહિ ભૂલશો હં! મને ખાતરી છે કે આ પત્ર વાંચીને તમે મલકાશો. તો એમ માનજો ને કે એટલું સુખ આપવા જ મેં તમને આટલું લખ્યું છે. બાકી ઘણી વાર હોઠ કચડીને નિશ્ચય કરું છું કે તમારી જોડે ઝાઝી લપછપ ન રાખવી. મને આ બાબતમાં કાંઈ મદદ કરી શકશો?

નીચે એણે પોતાની સહી કરી નહોતી તેથી, કે કોણ જાણે કેમ, એ પત્ર જાણે અધૂરો હોય એવું મને લાગ્યું. હજુ એને કશુંક લખવું હતું, પણ કદાચ એની નિરર્થકતા જાણી લઈએ કે પછી લખતાં લખતાં એના પ્રવાહમાં જ વધારે પડતાં ઘસડાઈ જવાની ભીતિથી એણે પત્ર પૂરો કરી નાખ્યો હતો. મેં બસની બારીમાંથી એ પત્ર બહાર ફેંકી દીધો.

એક દિવસ પ્રોફેસર ભટ્ટ એકાએક મારી ઓફિસમાં આવી ચઢ્યા ને મને કહ્યું: ‘મિસ્ટર પરીખ, ચાલો, આપણે જરા કેન્ટિનમાં બેસીએ. મારે તમને એક ખાસ વાત કહેવાની છે.’

મને આ ખાસ વાત શી હશે તે કશું સમજાયું નહિ, પણ હું એટલું તો કળી જ ગયો કે એ વાતને વિદુલા જોડે કશો સમ્બન્ધ તો જરૂર હશે, ને મારી એ અટકળ સાચી પડી.

પ્રોફેસર ભટ્ટે કોઈ ભેદભરમની વાત કહેતા હોય તેવી અદાથી શરૂઆત કરી: ‘પેલા આશરને તો તમે નહિ ભૂલ્યા હો, ખરું ને?’

મેં કહ્યું: ‘હા, કેમ?’

એમણે કહ્યું: ‘એ ભાઈએ પોતાનાં પરાક્રમોની યાદીમાં એક પરાક્રમનો વધારો કર્યો છે.’ આટલું બોલીને એઓ, મારા કુતૂહલને ઉત્તેજિત કરવાના ઇરાદાથી, અટકી ગયા.

મેં પૂછ્યું: ‘ કેમ, કોઈને ઉઠાવીને ભાગી ગયો કે શું?’

એઓ હસીને બોલ્યા: ‘નવલકથા લખવી હશે તો તમને સારો ‘પ્લોટ’ મળશે. જુઓ, વાત એમ બની કે – ‘ આટલું કહીને એઓ સિગાર સળગાવવાને સહેજ થંભ્યા. ઉપર ફરતા પંખાને કારણે બે પ્રયત્નો નિષ્ફળ ગયા. ત્રીજા પ્રયત્ને સિગાર સળગી. બેચાર દમ ખેંચીને ધુમાડાનાં વર્તુળો રચતાં બોલ્યા: ‘વિદુલાની પડોશમાં એક પંજાબી યુગલ રહે છે. એ પંજાબી ભાઈની પત્નીને ઉઠાવીને એ ભાઈ પલાયન થઈ ગયા ને અજાયબીની વાત તો એ છે કે વિદુલાએ એ બાઈને ભગાડવામાં મદદ કરી.’

મેં પૂછ્યું: ‘તમને આ વાત કોણે કહી?’

એઓ સહેજ ચિઢાયા: ‘એટલે શું તમે એમ કહેવા ઇચ્છો છો કે આ ટાઢા પહોરની ગપ છે?’

હું એમને મારા બચાવમાં કંઈક કહેવા જતો હતો એ અટકાવીને એઓ કહેવા લાગ્યા: ‘મારા સાહેબ, આ તો જાતે જોયેલી વાત છે. હું કાલે એ બાજુથી પસાર થતો હતો એટલે મનમાં થયું કે લાવ, જરા વિદુલાને ત્યાં ડોકિયું કરતો જાઉં. જઈને જોઉં છું તો ભારે બૂમરાણ મચેલું. વિદુલા તો હતી નહિ. પણ પેલા પંજાબીએ આખી વાત મને કહી. એ તો એવો ખુન્નસે ભરાયો છે કે કંઈનું કંઈ કરી બેસશે. તમે જરા વિદુલાને સમજાવો તો ઠીક.’

મને કોણ જાણે શું સૂઝ્યું તે કહ્યું: ‘પણ આ તો એક પક્ષની વાત થઈ. બીજા પક્ષની વાત જાણ્યા વિના –’

એમણે મને વચ્ચેથી જ અટકાવીને કહ્યું: ‘તમેય કેવી વાત કરો છો, મારા સાહેબ! બીજો પક્ષ ત્યાં છે જ ક્યાં? ને સ્ત્રીને ભગાડી એ તો હકીકત છે, પછી બીજો પક્ષ એમાં શું બચાવ કરવાનો હતો? તમેય આશરથી અંજાઈ ગયા લાગો છો!’

મેં કહ્યું: ‘ના ના –’

એમને મારા વર્તનથી અસન્તોષ થયો એ સ્પષ્ટ હતું. હું આ બાબતમાં તરત કંઈક કરવાને તૈયાર થઈશ એમ એમણે માનેલું. એને બદલે હું તો દલીલે ચઢ્યો. આથી એઓ નિરાશ થઈને ચાલ્યા ગયા.

ત્યાર બાદ જુદે જુદે પ્રસંગે ચારેક વાર વિદુલાને મળવાનું થયું, પણ પ્રોફેસર ભટ્ટે આપેલા સમાચારના તથ્ય વિશે મેં એને કશું પૂછ્યું નહિ. એક દિવસે એણે ‘ફોન પર મને કહ્યું કે એ મસૂરી જાય છે, ને જો બને તો મારે સેન્ટ્રલ એને મળવું.’ શનિવાર હતો ને તેથી ઓફિસેથી વહેલો છૂટ્યો હતો એટલે ઘરે જઈને મારાં બે બાળકોને લઈને હું સેન્ટ્રલ પહોંચ્યો. જોઉં છું તો ખાસ્સી એવી મંડળી જામી છે. સ્લૅક્સ અને જંપર પહેરીને વિદુલા ઊભી હતી. આજુબાજુ ઘણી અજાણી વ્યક્તિઓ હતી. મારા મોટા દીકરાની સાથે વિદુલા વાતે ચઢી:

‘કેમ દોસ્ત, તારું નામ શું?’

‘પ્રિયંવદ.’

‘ઓહો, નામ તો ખૂબ સરસ છે ને! ચાલો, પપ્પાને કહો કે મારી સાથે ગાડીમાં બેસી જાય. હિમાલયનું નામ તો સાંભળ્યું છે ને?’

મારા પુત્રે પોતાનું ભૂગોળનું જ્ઞાન અભિમાનપૂર્વક ઠાલવી નાંખ્યું. આમ વાતો ચાલ્યા કરી. વિદુલા મને તો જાણે સાવ ભૂલી ગઈ. છેક ગાડી ઊપડી ચૂકી હતી ત્યારે મારા તરફ હાથ કરીને એ મને પાસે બોલાવવા લાગી. પણ ગાડી જોડે દોડવાનો પ્રયત્ન કરવાનું મને ઠીક ન લાગ્યું, ને એ કશુંક અસ્પષ્ટ બોલી, પણ મને એ સમજાયું નહિ.

મસૂરીથી એના ત્રણચાર પત્રો આવ્યા. એ બધાનો સૂર એક જ હતો: પોતે બહુ લહેરમાં હતી, નવા નવા મિત્રો, નવા સમ્બન્ધો, ટ્રેકિંગ હાઇકિંગ, બોટિંગ – ખૂબ મજા પડતી હતી. એક પત્રમાં એણે એક નવા સમ્બન્ધની વાત કરતાં લખ્યું હતું. ‘આજે એક જૂની ઓળખ તાજી થઈ. મને બાળપણમાં જેણે ખોળે લઈને રમાડેલી તે ગજુકાકાનો અહીં ભેટો થઈ ગયો. મને તો કશું યાદ નથી, પણ કાકીએ સાક્ષી પૂરી એટલે મારે ના કહેવાનો કાંઈ ઉપાય રહ્યો નહિ, પણ ગજુકાકાની વૃત્તિ હજુ મને એમના ખોળામાં રમાડવાની હોય એમ લાગે છે. ગઈ કાલની જ વાત કરું. અમે ટ્રૅકિંગ કરતાં જરા દૂર નીકળી ગયાં હતાં. એકાન્ત જોઈને એઓ મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા: ‘બસ, હવે હું તો બહુ થાકી ગયો. જરા અહીં આવ, આરામ કરીએ.’ આમ કહીને એમણે હાથ ઝાલીને મને નીચે ખેંચી પાડી અને પરાણે મારા ખોળામાં સૂવાનો પ્રયત્ન કર્યો. ઘડીભર તો મને મને થયું કે એને ધક્કો મારીને નીચે ખીણમાં ગબડાવી પાડું, પણ પછી મનેયે તાલ જોવાની ઇચ્છા થઈ. મેં એમને ખોળામાં સૂવા દીધા. પછી તો જુઓ ડોસાનો વલવલાટ! હું તો હસવું જેમતેમ ખાળી શકી. એ તો કેમે કર્યા ઊઠે નહિ. પછી મેં કહ્યું: ‘તમે મારો એક સરસ ફોટો નહિ પાડી આપો?’ ને ડોસા ઊભા થઈ ગયા. કોઈ સિનેમાનટીની ઇશ્કી અદાથી મને ઊભી રાખીને એક નહિ પણ ઘણા ફોટા લીધા. હું મુંબઈ આવીને તમને બતાવીશ. વાત્સલ્યની શૃંગારમાં થયેલી આ પરિણતિ અથવા રસસંક્રાન્તિ તમારા પ્રેમાનન્દે આલેખી છે ખરી?’ મારી પત્નીના હાથમાં ન જાય એટલા માટે મેં એ બધા પત્રો કાળજીપૂર્વક ફાડી નાખ્યા.

ઓફિસના કામે પંદરેક દિવસ રખડીને પાછો ફર્યો ને ટેબલ પર જોયું તો વિદુલાની ચબરખી પડી હતી: તમારે ત્યાં આવી ગઈ, તમે નહોતા. વખત કાઢીને આવજો.

હું તરત તો ન ગયો. મારી નવલકથાને મળેલા સારા આવકારથી ખુશ થઈને મારા પ્રકાશકે ચોપાટી પર ‘બાથ’માં એક નાનોસરખો ભોજન સમારમ્ભ ગોઠવ્યો હતો. એમાં મેં વિદુલાને પણ બોલાવી હતી. ત્યાં અમારો ભેટો થઈ ગયો. કોઈએ મને ‘એક્ઝિસ્ટેન્શિયાલિસ્ટ’ કહ્યો તો કોઈએ મારી સરખામણી અમેરિકી નવલકથાકાર ટોમસ વૂલ્ફ જોડે કરી. વિદુલા આ બધું સાંભળતી ખંધું હસતી બેસી રહી, કશું બોલી નહિ. આખરે મારે જવાબ આપવાનો વારો આવ્યો. મેં અત્યન્ત વિનયપૂર્વક મારા વાચકોને અને અણજાણપણે મને પ્રેરણા આપનારી જંદિગીમાંની અનેક અજ્ઞાતનામ વ્યક્તિઓને આભાર માન્યો ને એ નાટક પૂરું થયું.

પાછા વળતાં વિદુલાએ કહ્યું: ‘હે કાફકા અને હેમિંગ્વેના ગુણાકારસ્વરૂપ લેખકમહાશય, જો આજે રાત્રે આ પ્રોત્સાહનમાંથી પ્રેરણા પામીને નવી નવલકથાનું સર્જન કરવા બેસી નહિ જવાના હોય તો આવો, જરા મરીનડ્રાઇવ પર લટાર મારીએ.’ ને અમે ‘નરીમાન પોઇન્ટ’ની દિશામાં વળ્યાં. મેં એને ચિઢવવા ખાતર જ કહ્યું: ‘જો જો હં, તે દિવસની જૂહુની સાંજનું પુનરાવર્તન નહિ થાય!’

એ બોલી: ‘પુનરાવર્તન? પુનરાવર્તન કશાનુંય સંભવે ખરું? દરેક ક્ષણની મુદ્રા જુદી હોય છે. કાળ એકસરખાં બીબાં ઢાળતો નથી.’

મેં કહ્યું: ‘ભારે ખાધા પછી ફિલસૂફી મને પથ્ય નીવડતી નથી.’

આ સાંભળીને એ હસી પડી ને બોલી: ‘તો કહો, શું પથ્ય નીવડશે?’

મેં કહ્યું: ‘ગપસપ.’

એટલે એણે એકાએક સહેજ ઊભા રહી જઈને મને પૂછ્યું: ‘મારે વિશે એક ગપ ચાલે છે તે તમારે કાને આવી ખરી?’

મેં કહ્યું: ‘ના, મારી પાસે આવતાં ગપના પગ ઢીલા પડી જાય છે.’

મારું કહેવું એણે ધ્યાનમાં લીધું નહિ. એ બોલી: ‘તમે નવલકથા સરજો છો, હું ગપ સરજું છું. સન્તાન તો મારે છે નહિ; ને સ્ત્રી તો સર્જન કર્યા વગર અધૂરી રહે, એટલે ગપ સરજીને સન્તોષ માનવો રહ્યો. હં, ગપ એમ છે કે મને મહિના રહ્યા છે. આ તમારી સભામાં જ બે સ્ત્રીઓ ગુપચુપ એ વાત ચર્ચી રહી હતી. પણ પ્રશંસાના સાગરમાં ડૂબેલાને એ નહિ સંભળાઈ હોય તે બનવાજોગ છે.’

અણધારી આ વાતથી હું મનમાં તો અકળાયો, પણ એ બહાર જણાવા દીધા વિના હસી પડીને બોલ્યો: ‘એ જો ગપ જ છે તો એની આપણે વાત જ શા માટે કરીએ?’

એકાએક એ રોષે ભરાઈને બોલી: ‘તમે તે કેવા જડભરત છો? તમને કોઈ દિવસ મારે વિશે શંકા જ થતી નથી, પ્રશ્નો જ થતા નથી, તમે એટલા બધા દૂર છો કે –’ ને એ આગળ બોલી શકી નહિ. થોડી વાર સુધી હું પણ કશું બોલ્યો નહિ. આમ ને આમ ચર્ચગેટ આવ્યું, હું છૂટા પડવાનો પ્રસ્તાવ બીતાં બીતાં મનમાં ગોઠવતો હતો ત્યાં એ બોલી: ‘તે દિવસે તમે એકાએક આવી ચઢ્યા અને મને મન્દા સાથે સૂતેલી જોઈ, મારા પર રોષે ભરાયા, થોડા દિવસ ન આવ્યા, પણ મને એ વિશે પૂછ્યું? મારા પતિદેવે તમને જગદીપ અને મારી વચ્ચેના સમ્બન્ધ વિશે કહ્યું. એની પાછળ ગાંડી બનીને હું દોડી આવી એમ પણ કહ્યું. પણ તમે એ વિશે કશું પૂછ્યું? મારી પડોશમાંથી પેલી પંજાબી બાઈ નાસી ગઈ. એને મેં જ જગદીશ જોડે ભગાડી મૂકી એમ બધે ગવાયું. ને તોય તમે એ વિશે મને કશું પૂછ્યું?’

મેં એની ઉત્તેજનાને હળવી પાડવાનો પ્રયત્ન કરતાં કહ્યું: ‘આપણા સમ્બન્ધના કક્ષમાં આવી વાતો આવતી જ નથી. કોણ જાણે કેમ, આવી વાતોમાં, બીજાને હોય છે તેવું, કુતૂહલ મને નથી.’

એ એટલા જ રોષથી બોલી: ‘આ શું કેવલ કુતૂહલની વાત છે?’

મેં બને તેટલા સ્વસ્થ અવાજે કહ્યું: ‘મારા તમારે વિશેના ખ્યાલને સુધારવાની ફરજ કોઈ બાહ્ય ઘટના પાડે એમ મેં માન્યું નથી.’

એ બોલી: ‘બાહ્ય અને આન્તરિક એ બધી વાતો મિથ્યા છે. લોકો તો બનાવને ઓળખે છે. ને એ બનાવ ઓળખાવે તેટલે જ અંશે માણસોને પણ ઓળખે છે.’

મેં કહ્યું: ‘હું એ લોકો પૈકીનો નથી.’

એ તીખું હસીને બોલી: ‘ઓહો, તમે તો અલૌકિક છો, અસાધારણ છો એ વાત, હમણાં જ આટલી આટલી પ્રશંસા સાંભળીને આવી છું છતાં, હું ભૂલી જ ગઈ!’

મેં કહ્યું: ‘દરેક પોતપોતાની રીતે અસાધારણ તો હોય જ છે ને? તમે પોતે કાલે આવીને મને એમ કહો કે મેં ખૂન કર્યું છે તોય હું તમારે વિશે કશું ખરાબ મનમાં ન ધારું.’

એણે કહ્યું: ‘એનાં બે કારણ હોઈ શકે: એક તો ઉદારતા અને બીજું ભક્તિભાવ; તો બોલો, તમે મારા ભક્ત છો?’

મેં આ તક લઈને વાતને હળવી બનાવવાનો પ્રયત્ન કર્યો: ‘પોતાના ભક્તોને ભગવાન જ નહિ ઓળખે?’

એ હસી પડી ને બોલી: ‘આ તો કળિયુગ છે, ભગવાનના પર પણ એની અસર તો થાય જ ને!’

મને સહેજ નિરાંત થઈ. વાતને એ જ રીતે આગળ ચાલુ રાખવા મેં કહ્યું: ‘પણ ભગવાને સાવધ તો રહેવું જ જોઈએ ને!’

એ બોલી: ‘કોને ખબર!’

થોડી વાર વળી મૌન રહ્યું. મને દિલમાં ગભરાટ પેઠો. મેં વાતને બીજી દિશા તરફ વાળવાનો પ્રયત્ન કરતાં કહ્યું: ‘અરે હા, એક વાત તો હું ભૂલી જ જતો હતો. પેલા તમારા ગજુકાકાએ પાડેલા ફોટા ક્યારે બતાવો છો?’

‘લો ને, હમણાં જ બતાવું છું.’ કહી એ લાઇટ પાસેના બાંકડા પર બેસી ગઈ ને વેનિટીપર્સમાંથી ફોટા કાઢીને બતાવવા લાગી. આગળ થયેલી આખી વાત જાણે થઈ જ નહોતી! ફોટા બતાવતી બતાવતી એ બોલવા લાગી: ‘આ હાથ આમ ઊંચો રાખવાનો ગજુકાકાએ ખાસ આગ્રહ રાખેલો. ને આ ફોટો જોયો? એસ્થર વિલિયમ્સનેય આંટી દે એવી છું ને? ને આ – વૃક્ષની શાખા વચ્ચેથી દેખાતું મારું મુખ, જાણે બીજો ચન્દ્ર ઊગ્યો ન હોય! એથી જ તો મેં ગજુકાકાને સૂચવેલું કે આ ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’માં ‘મૂન રાઇઝ’ એવા શીર્ષક સાથે મોકલાવો તો ઇનામ મળશે. ને આ વાળની લટ પર ઝીલાયેલો બરફ જોયો? મને મારાં આટલાં બધાં રૂપ તો કોઈએ નહોતાં બતાવ્યાં! પણ જાણો છો, આ બધા ફોટા જોતાં મને એક વિચિત્ર પ્રકારની લાગણી થાય છે: આમાં હું ક્યાં છું? આથીય વિશેષ રૂપ પ્રકટ થઈ શકે, ને એ નહિ થાય ત્યાં સુધી એટલે અંશે હું તો અપ્રકટ જ રહું ને? આથી મને એમ થાય છે કે જાણે હું હજુ પૂરેપૂરી ઘડાઈ જ નથી: હું છું જ નહિ!’

મેં હસતાં હસતાં કહ્યું: ‘રૂપની ચરમ નિયતિ અરૂપમાં.’

એણે પણ એવી જ રીતે હસતાં જવાબ વાળ્યો: ‘ઓહો, ભારે ખોરાક ધીમે ધીમે ભારે ફિલસૂફીમાં પલટાતો જાય છે! ચાલો, મારે જોખમ નથી ખેડવું. હવે આપણે છૂટાં પડીએ.’

પત્ની એની નાની બહેનના લગ્નમાં મદદરૂપ થવા પિયર ગઈ હતી. હું એકલો હતો. ઓફિસેથી ઘરે આવીને, મહામુશીબતે રોટલીની કણક બાંધીને વેલણથી આખળિયા પર હિન્દુસ્તાન, ઓસ્ટ્રેલિયાના આકાર પાડી રહ્યો હતો ત્યાં એકાએક વિદુલા આવી ચઢી. બહારથી જ એણે ટહુકો કર્યો: ‘ભાભીસાહેબ, છો કે?’

મારી આ સ્થિતિ એ જોઈ જાય ને હું ઉપહાસને પાત્ર ઠરું તે મને રુચતું તો નહોતું. પણ આ બધું ટૂંક વખતમાં સંકેલવુંય શી રીતે? આ વિચારમાં જ હજી તો હું હતો ત્યાં વિદુલા રસોડા સુધી આવી પહોંચી ને મારી સ્થિતિ જોઈને હસતાંહસતાં બેવડ વળી ગઈ. પછી માંડ હસવું ખાળીને બોલી: ‘શરદ્બાબુની નવલકથામાં આ નાયકને માટે પ્રણયને અનુકૂળ પરિસ્થિતિ બની રહે, ખરું ને?’

હું ઊભો થઈને વિદુલાની પીઠ કરીને હાથ ધોવા લાગ્યો. પછી એ બોલી: ‘હું તો ભાભીને તમારી વિરુદ્ધ ભંભેરવા આવી હતી. તમે મારી જોડે મોન્જિની ને ગુલમહોરમાં અમનચમન કરો છો ને એમને તો ક્યાંય લઈ જતા નથી. આથી હું ભાભીને આજે બહાર લઈ જવા આવી હતી. પણ જુઓ, બિચારાંનું નસીબ!’

મેં કહ્યું: ‘એવી ખોટી દયા ખાવાની જરૂર નથી. એ તો અત્યારે એની નાની બહેનના લગ્નમાં ગીતો ગાતી હશે. ગુલમહોરમાં જવા કરતાં કદાચ એને મન એ વધારે આનન્દદાયક હશે.’

મારા બોલવામાં કટાક્ષનો રણકો નહોતો, તેમ છતાં કદાચ એને એવું લાગ્યું હોય. એ બોલી: ‘મારા જેવી સ્ત્રી આ ઘરમાં પગ મૂકે તે પણ એક અપરાધ જ કહેવાય તે જાણું છું. ગૃહિણીપણાની આણ અહીં, ચારે બાજુ દેખાય છે ને વરતાય છે. તમે જે દિવસે મોડા આવો તે દિવસે અહીં, બરાબર તમારી સામે બેસીને એ તમને કહે છે: ‘આમ મોડું કરો તેથી મને તો કાંઈ નહિ, પણ ખાઓ મોડેથી એટલે પચે નહિ, બીજે દિવસે માથું ભારે રહે ને સહેજસહેજમાં મારા પર ચિડાઈ જાઓ –’

મેં કહ્યું: ‘અહીં સુધી તો ભૂલ નથી પડી, પછી આગળ ચાલો જોઉં –’

એ સહેજ ગમ્મીર થઈને બોલી: ‘સાચું કહું છું, એક વખત હતો જ્યારે મનેય આવા જ સંસારની કલ્પના હતી. સંયુક્ત કુટુમ્બમાં નાની વહુ થઈને જવાનું, મોઢું ઘૂંઘટમાં સંતાડી રાખવાનું , વર જોડે ચોરીછૂપીથી અણસારે વાત કરવાની, રાતે અનેક ખોટાં ખોટાં બહાનાં કાઢીને રીસાવાનું, પણ –’ આટલું બોલીને એ અટકી ગઈ. હું પણ કશું બોલ્યો નહિ. પછી મને એમ ને એમ ઊભો રહી ગયેલો જોઈને બોલી: ‘ અરે, આમ બાઘાની જેમ કેમ ઊભા રહી ગયેલા છો? હું અહીં જ ખાવાનું નક્કી કરીને આવી છું. ચાલો, સ્ટવ સળગાવતાં તો આવડે છે ને?’ એક ગૃહિણીની અદાથી તે દિવસે એણે દાળભાત શાકરોટલી કરી નાખ્યાં. અથાણાંની બરણીઓમાં પણ થોડું સંશોધન કર્યું. પછી અમે આનન્દપૂર્વક જમ્યાં. જમીને હું બહાર સિગારેટપાન લેવા જતો હતો ત્યાં એણે કહ્યું: ‘ઘરમાં કોફી છે ખરી કે? મને રાતે સૂતાં પહેલાં કોફી પીવાની ટેવ છે.’ એના રાતવાસો રહેવાની નિર્ણયથી મને પુરુષસહજ સંકોચ થયો તે જોઈને બોલી: ‘કેમ, ગૃહિણીની અશરીરી મૂતિર્થી ડરો છો કે શું?’

મેં કહ્યું: ‘ના, ડરનો સવાલ નથી –’

એણે પૂછ્યું: ‘તો? પડોશીઓ શું કહેશે એમ ને?’

મેં જરા દમામમાં કહી નાખ્યું: ‘મને એવા કશાની પડી નથી.’

એટલે તરત જ એ બોલી પડી: ‘ તો ઝખ મારે છે દુનિયા, આપણે તો અહીં લંબાવ્યું!’ એમ કહીને એ બાળકના જેટલી સરળતાથી બારી પાસેની આરામખુરશી પર બેસી પડી.

મનમાં તો હું ધૂંધવાયો. આવું કશું અળવીતરું કરવાનું જ એને કેમ સૂઝતું હશે? પણ આ વિષયમાં વધારે પડતા સભાન બનવું એ જ અનિષ્ટકારક નીવડે છે. આથી, સિગારેટ ને પાન જ અત્યારે મારે મન મહત્ત્વની વસ્તુ છે એમ માનીને હું આગળ વધ્યો.

પાછો આવ્યો ત્યારે વિદુલા આરામખુરશીમાં એની એ જ સ્થિતિમાં બેઠી હતી. મને પાછો આવેલો જોઈને એણે કહ્યું: ‘આટલી બધી વાર્તાઓ લખો છો તો આજે મને એક વાર્તા સંભળાવો – એ સાંભળતાં સાંભળતાં હું તરત મીઠી નંદિરમાં પોઢી જાઉં એવી હં!’

મેં કહ્યું: ‘મીઠી નંદિરમાં પોઢાડવાની મારી વાર્તાઓમાં શક્તિ નથી. દાદીમાનો જ એ તો ઇજારો.’

કદાચ મેં જે કહ્યું તે એણે ધ્યાન દઈને સાંભળ્યું પણ નહિ.એ કશા વિચારમાં થોડી વાર સુધી એમ ને એમ બેસી રહી. પછી બોલી: ‘મહાભારતમાંની પેલી કર્ણના રથવાળી વાત યાદ આવે છે? ચાલુ યુદ્ધે બિચારાની કેવી દશા થઈ!’

મેં કહ્યું: ‘કર્ણના રથને કેમ અત્યારે યાદ કર્યો?’

એ બોલી: ‘સાંભળો તો ખરા, એ જ તો કહી રહી છું. શરીર વિશે ફરિયાદ કરવી એમાં મને નાનપણથી જ નામોશી લાગતી. આજે એ વાત કહેવી પડશે. ગઈ રાતે એક સ્વપ્ન આવ્યું. હું ઓરડામાં એકલી સૂતી છું. બારીમાંથી ચાંદની ઓરડામાં પથરાઈ ગઈ છે. ત્યાં ઓરડાને એક ખૂણેથી કશુંક કાળુંકાળું નીકળ્યું. એ પ્રાણી હતું કે ભૂત તે સમજાયું નહિ. થોડી વાર સુધી હું એમ ને એમ પડીપડી જોઈ રહી. ઘડીમાં એ અદૃશ્ય થઈ જાય ને ઘડીમાં વળી બીજે જ ખૂણેથી ફૂટી નીકળે. આખરે મારાથી ન રહેવાયું, ને હું હિંમત કરીને એને બહાર કાઢવા ઊઠી. એના પર લાકડી ઉગામી ત્યાં એ ભમરા જેવું સાવ નાનું બનીને લાકડીને વળગી ગયું ને મારી નજીક ને નજીક આવતું ગયું. આથી ગભરાઈને હું ચીસ પાડવા ગઈ ત્યાં એ ખુલ્લા થયેલા મોંમાં ઘૂસી ગયું. પછી અંદર ભરાઈને જાણે એના તીક્ષ્ણ નહોરથી મને ખોતરીખોતરીને ખાવા લાગ્યું. એની વેદના ન સહેવાવાથી હું ઝબકીને જાગી પડી. જાગીને જોયું તો કશું નહોતું, પણ પેલી વેદના હતી, ન સહેવાય એવી. રાત તો અર્ધી બાકી હતી. ક્યાં જાઉં ને શું કરું? જેમતેમ રાત પૂરી થઈ. સવારે ઊઠીને મેં આયનામાં જોયું તો પેલા અજાણ્યા પશુના નહોર જાણે મારી આંખ નીચે એનાં ચિહ્ન મૂકી ગયાં હતાં.’ આટલું બોલતાં થાકી ગઈ તેથી, કે પછી એ ભયાનક સ્વપ્નના સ્મરણથી એ વેદના ફરીથી થઈ હોય તેવી, એ ઘડીભર થંભી ગઈ. આ વાતને ઝાઝી નહિ લંબાવવી જોઈએ એમ મને લાગ્યું. આથી મેં કહ્યું: ‘ચાલો, કોફી પીવી છે ને?’

એ બોલી: ‘કોફી? અત્યારમાં? તમે બહુ વહેલા સૂઈ જાઓ છો? તો આજે તો જાગવું પડશે.’

મેં કહ્યું: ‘કોફી પીને તરત જ સૂઈ જવું જોઈએ એવું તો કાંઈ નથી.’

એણે એ વાત સાંભળી નહિ. પછી એના મનની વાતનો તન્તુ આગળ લંબાવતાં એણે પૂછ્યું: ‘તમને કોઈ વાર મરણની બીક લાગે છે ખરી?’

મેં સીધો જવાબ આપવાનું ટાળતાં કહ્યું: ‘મરણની બીક કોને નહિ લાગે?’

એણે કહ્યું: ‘બાળપણમાં દાદા જોડે જંગલના પ્રદેશમાં રહેતી ત્યારે જોયું હતું તે હજી યાદ છે. નાનીસરખી વાત હતી. પણ એથી ઉશ્કેરાઈને એક માણસે બીજાનું ખૂન કરી નાખ્યું હતું. એમને મન મરણ કદાચ એટલી ભયાનક વસ્તુ નથી. આપણે સુધરેલા બુદ્ધિજીવીઓ મરણ પર ઘણું મનન કરીએ છીએ. ફિલસૂફી ઉત્પન્ન થાય છે જ મરણમાંથી ને આપણા દેશમાં તો મરણનો પડછાયો જીવનને ઢાંકી દે એટલો વિસ્તરીને પડ્યો છે. મોક્ષ એટલે જ મૃત્યુમાંથી મોક્ષ. જીવનને જેટલી સાહજિકતાથી સ્વીકારીએ છીએ તેટલી સાહજિકતાથી મૃત્યુને આપણે સ્વીકારી શક્યા નથી એ એક હકીકત છે.’

મેં કહ્યું: ‘પણ માણસ અન્તને સ્વીકારવા તૈયાર નથી. અમરતા એ પણ એની જ શોધ છે ને? અમર દેવોની સૃષ્ટિ એણે જ સરજી ને?’

એ ફિક્કું હસીને બોલી: ‘અમરતા! એણે તો મૃત્યુના ઘામાં મીઠું ભર્યું. અમરતા ક્યાં છે? આજે હું અહીં છું, તમારી સામે કાલે નહિ હોઉં ત્યારે શું હશે? હું બોલું છું તે અવાજનો રણકાર સચવાઈ રહેશે ખરો? મારી દૃષ્ટિ આ ઓરડાના પ્રકાશમાં ભળેલી હશે ખરી? આપણે કહીએ છીએ કે સ્મૃતિમાં બધું જ જળવાઈ રહેશે. વાત સાવ ખોટી છે. સ્મૃતિનેય કાળ કાણી કરી નાખે છે, એમાંથી બધું ઠલવાઈ જાય છે!’

હું બોલ્યો: ‘તોય અમરતાની વાતથી માણસ છેતરાયો છે એવું કોઈ સ્વીકારતું નથી.’

એ સહેજ ઉશ્કેરાઈને બોલી: ‘એ સ્વીકારવાનું આપણા હિતમાં નથી ને! સન્તાનને પાછળ મૂકી જાઓ, કોઈ સ્થળે આરસની તખ્તી કોતરાવી જાઓ કે એકાદ કૃતિ સરજી જાઓ – બસ, તમે અમર થઈ ગયા! પણ બધાં જ આ કરી શકે છે? બધાંને જ આ અમરતા પ્રાપ્ત છે ખરી? અમારા જેવાંનું શું?’

મને લાગ્યું કે વાત જરા નાજુક બનતી જતી હતી. એનું કેન્દ્ર બદલવાની જરૂર હતી. આથી મેં કહ્યું: ‘અમરતાના આશ્વાસનથીય પર એવી કોઈ ચિત્તની સ્થિતિ નહિ હોઈ શકે? મને તો ઘણી વાર એમ લાગે છે. બહાર જતાં જેમ ઘરને વાસી દઈએ તેમ બધું વાસી દઈને ચાલ્યા જવું.’

એને કાંઈ આથી સન્તોષ થયો નહીં. એ બોલી ઊઠી: ‘ના ના ના! ‘બારણું વાસી દેવું’, ‘ચાલ્યા જવું’ – આ શબ્દો જ જુઓને, એ તમને દગો દે છે. વાસેલું બારણું ફરી ઊઘડે છે, ચાલ્યા જનાર અમુક દિશામાં અમુકની પાસે જાય છે, વળી પાછાં આવે છે. પણ અહીં શું?’

એના પ્રશ્નમાં આક્રમકતાનો રણકો હતો. હું જવાબ શોધતો હતો. પણ આવી વાતનો શો જવાબ હોય! મને જે સૂઝી આવ્યું તે કહ્યું: ‘બાળક રમતાં રમતાં એકાએક આંખ બીડીને મરી જાય છે તેમ –’

મારા વાક્યને વચ્ચેથી જ કાપી નાખીને એ બોલી: ‘આખરે બાળક પાસે જવું પડ્યું! રમતાંરમતાં મરે તોય મરણની કાળી છાયા એના ચહેરા પર કેમ છવાઈ જાય છે? એ આપણી જેમ મરણની ફિલસૂફી ડહોળતું નથી તેથી આપણે માની લઈએ છીએ કે એને મરણની વેદના થતી જ નહિ હોય! પણ મને એ વાત સાચી લાગતી નથી.’

મેં થાકી જઈને કહ્યું: ‘મરણ છે એટલી વાતને જીવનમાં અનુકૂળ રીતે ગોઠવી દઈએ એટલે પત્યું!’

એ અધીરી બનીને એકદમ ઊભી થઈ ગઈ ને બોલી: ‘જવા દો એ વાત! મરણની નિશ્ચિતતાને ખૂંટે આપણી બધી દોડધામ બંધાઈ ચૂકી છે. પછી ગમે તે કરો. પણ હું તો છેલ્લા શ્વાસ સુધી એને પડકારીશ, મારો છેલ્લો શબ્દ એના વિરોધનો જ હશે. હું એને શરણે નહિ થાઉં, હું બળવાખોરની જેમ ખપી જઈશ – અનેક મૂક અજ્ઞાત શહીદોની ભેગી ક્યાંક દટાઈ જઈશ. તમારી આરસની તખ્તીઓ, સુપુત્રો કે સુકૃતિઓને તાંતણે દયાજનક સ્થિતિમાં બાઝી રહેવા કરતાં આમ ખપી જવું અમને વધારે પસંદ છે.’

વાત આટલેથી અટકતી હોય તો મારે એને લંબાવવાની જરાય ઇચ્છા નહોતી. આથી હું કશું બોલ્યો નહિ. એ કશું બોલ્યા વિના રસોડામાં સ્ટવ સળગાવવા લાગી.

કોફી પીધા પછી એ જરા સ્વસ્થ બની. અમે બીજી આડીઅવળી વાતોએ વળ્યા. એવી ગપસપમાં જ અગિયાર તો વાગી ગયા. મારી આંખ ઊંઘથી ઘેરાવા લાગી. મારા હોંકારા ધીમા પડી ગયા. ત્યાં એકાએક એણે કહ્યું: ‘મને મહિના રહ્યા છે એ વાત તો તમે સાંભળી ને? એ વાત સાવ ખોટી નથી.’

મેં કહ્યું: ‘આવી વાત ક્યાં તો સાવ ખોટી હોય, ક્યાં તો સાવ સાચી હોય.’

એણે કહ્યું: ‘એ જ તો ખૂબી છે ને! વાત સાવ સાચીય નથી ને સાવ ખોટીય નથી.’

મેં પૂછ્યું: ‘એટલે?’

એ હસીને બોલી: ‘ઓહો, તો તમને એટલું કુતૂહલ છે ખરું! તો સાંભળો. મારા ગર્ભાશયમાં ગાંઠ થઈ છે, ને એ વધતી જાય છે. આને એ લોકો કહે છે ‘સ્યૂડો પ્રેગ્નન્સી!’ બોલો, હવે સમજાયું? લોકોની વાતને કાંઈક પાયો તો હોય જ છે. મારા પતિ થોડા સમય પર અહીં આવી ગયા હતા એટલે કડી બરાબર મળી ગઈ. મારે મારા પતિદેવનો પાડ માનવો જોઈએ કે એમણે અણજાણપણે મને એક અપમાનજનક આરોપમાંથી,દૂર રહ્યા રહ્યા, બચાવી લીધી!’

હું કશું બોલ્યો નહીં. પછી એણે એટલી જ આકસ્મિકતાથી પૂછ્યું: ‘તમે જગદીપ વિશે શું માનો છો?’

મેં જરા સાવધ બનીને કહ્યું: ‘એ માણસ મને નર્યો કૃત્રિમ લાગ્યો.’

એણે અણધાર્યો જવાબ આપ્યો: ‘સાવ સાચી વાત. એ બાબતમાં હું તમારી સાથે સો ટકા સંમત છું. કોલેજમાં ભણતી ત્યારે રસાયણશાસ્ત્રના પ્રયોગો કરતાં જુદાં જુદાં દ્રાવણોના મિશ્રણથી જુદા જુદા રંગો ઉપજાવવાની મજા બહુ આવતી. એ માણસ કાંઈક એવું જ કરી રહ્યો છે. પણ એથી કાંઈ અંદર રહેલા પશુને ઢાંકી શકાતું નથી. બખોલ બહુ ઊંડી છે એટલું જ.’

મારાથી પુછાઈ ગયું: ‘તો પછી –’

એણે મારા પ્રશ્નનું અનુમાન કરી લઈને તરત કહ્યું: ‘તો પછી હું એની પાછળ આફ્રિકાથી ઠેઠ અહીં સુધી કેમ દોડી આવી એમ જ ને? તો સાંભળો. એ પશુ છે તે વાત સાચી. પણ એને નહોર નથી, દાંત નથી. એની પાસે માત્ર યાળ છે, ગર્જના છે. સ્ત્રીને એના જેવી સહીસલામતી બીજે ક્યાં મળે?’

મેં પૂછ્યું: ‘તો બધી સ્ત્રીઓ એની પાછળ ફૂદાંની જેમ ફરે છે એનું શું?’

એણે કહ્યું: ‘એની તમને નવાઈ લાગે છે? ઘણું ખરું તો પ્રૌઢ કુમારિકાઓ કે લગ્નજીવન અર્ધું વટાવી ચૂકેલી અસન્તુષ્ટ સ્ત્રીઓ જ એમ કરતી દેખાશે. એક રીતે તો જગદીપ જેવાઓનો સમાજે ઉપકાર માનવો જોઈએ. આ રીતે કોઈની તંગ વૃત્તિઓ, કશું અનિષ્ટ ઉત્પન્ન કર્યા વિના, જો સ્વસ્થ બનતી હોય તો એટલે અંશે માનસિક સ્વાસ્થ્યની રક્ષા થઈ કહેવાય.’

મારાથી બોલાઈ જવાયું ‘: /’

એણે તરત કહ્યું: ‘સંસાર આટલો વિચિત્ર છે માટે જ જીવવાનું ગમે છે, એની વાર્તા રચવાનું ફાવે છે, એ વિચિત્ર છે જાણીને તમે કે હું સંન્યાસી તો નથી થઈ જતાં, ખરું ને?’

મેં કહ્યું: ‘ના ના, હમણાં જ કોફી પીધી, એનો સ્વાદ હજી માણું છું.’

આમ વાતો ચાલ્યા કરી ને હું ક્યારે ઊંઘી ગયો તેની મને ખબર પડી નહિ. ઊંઘમાં જ કોઈનો ભારે દર્દથી કણસવાનો અવાજ આવ્યો ને હું જાગીને સફાળો બેઠો જ થઈ ગયો. ઘડીભર તો કશું સમજાયું નહિ. પછી મેં દીવો કરીને જોયું તો ભારે દર્દને કારણે વ્યાકુળ બનીને વિદુલા આળોટતી હતી. હું એની પાસે ગયો. એનાં વસ્ત્ર અસ્તવ્યસ્ત થઈ ગયાં હતાં. એના મુખ પર દર્દને કારણે જુદી જ રેખાઓ અંકાઈ ગઈ હતી. એણે અણસારાથી મને પાસે બોલાવ્યો અને મારો હાથ ખેંચીને એના પેટ પાસે લીધો. ઘડીભર હું સંકોચ પામ્યો. મારા હાથની એ દ્વિધાગ્રસ્ત સ્થિતિ એણે પારખી લીધી. એના હાથની પકડ શિથિલ બની ગઈ. પછી મેં એના પેટ પર માલિશ કરવા માંડ્યું. એથી એને કંઈક ઠીક લાગ્યું. એણે કૃતજ્ઞતાભરી નજરે મારી સામે જોયું. આમ ને આમ મેં અર્ધોએક કલાક માલિશ કર્યું. પછી એણે મને સૂઈ જવાનું કહ્યું. એ પણ ઊંધી પડીને આંખો બંધ કરીને સૂઈ ગઈ. થોડી વાર રહીને એણે એની પર્સમાંથી એક શીશીમાંની બે ટીકડીઓ કાઢી આપવાનું મને કહ્યું. મેં તે કાઢીને આપી એટલે બોલી: ‘જો આ ટીકડી ઝેરની હશે તો તમારા પર મારા ખૂનનો આરોપ આવશે.’ ને એ ફિક્કું હસી. પછી કશું બોલ્યા વિના એ ચુપચાપ સૂઈ ગઈ.

સવારે હું ઊઠ્યો ત્યારે એ જાગી નહોતી. એવી તો નિશ્ચેષ્ટ પડી હતી કે મને ચિન્તા થઈ. પાસે થઈને જોયું તો શ્વાસોચ્છ્વાસ તો ચાલુ હતો. એ જાગી ન ઊઠે તે માટે મેં રસોડાનાં બારણાં બંધ કરીને ચા કરીને પીધી, નાવાધોવાનું પતાવ્યું. પાછો બહાર આવીને પેપર જોતો બેઠો. અર્ધાએક કલાક પછી એ જાગી ગઈ. પછી મારા તરફ જોઈને કહ્યું: ‘કેમ, હું કશું ફાવે તેમ બબડી તો નથી ગઈ ને?’

મેં કહ્યું: ‘કેમ? એ જ વાત સૌથી પ્રથમ પૂછવી પડી?’

એણે કહ્યું: ‘મને એવી ખરાબ આદત છે. વારુ કોફી તો પાઈ શકશો ને?’

એમ કહીને અંગેઅંગ ઢીલાં કરીને આંખ મીંચીને એ પડી રહી. હું કોફી તૈયાર કરી લાવ્યો ને એની પાસે મૂકી. એ માંડ માંડ બેઠી થઈ. કોફી પીધા પછી બોલી: ‘બોલો શું આપું? માગો માગો, જે માગો તે આપું.’

મેં કહ્યું: ‘તમને શિક્ષા કરવાની શક્તિ.’

એણે કહ્યું: ‘તથાસ્તુ!’ ને પછી એની પીઠ મારી આગળ ધરી. હું એમ ને એમ બેસી રહ્યો એટલે કહ્યું: ‘પારકી સ્ત્રી પર ભદ્ર પુરુષ હાથ નહિ ઉપાડે, ખરું ને?’

મેં કહ્યું: ‘હાથ ઉપાડવાથી જ શિક્ષા થઈ શકે? મારી શિક્ષા એ છે કે હું ઓફિસેથી પાછો આવું નહિ ત્યાં સુધી આ ઘર છોડીને જશો નહિ.’

એણે પૂછ્યું: ‘આ કેદ કેટલા દિવસની છે?’

મેં કહ્યું: ‘ગુનેગારનું વર્તન જોઈને સજા ઘટાડવામાં આવશે. હું ઓફિસેથી પાછો વળું પછી આપણે દાક્તરને ત્યાં જઈશું.’

એ હસી પડી ને બોલી: ‘પરોપકાર કરવાનો આટલો બધો ઉત્સાહ!’

મેં કશો જવાબ ન આપ્યો ને હું ઓફિસે જવા નીકળી પડ્યો. સાંજે ઓફિસેથી પાછો ફર્યો ત્યારે ઘરે તાળું હતું. પડોશી પાસેથી ચાવી લઈને બારણું ખોલ્યું. જોયું તો ટેબલ પર નાની શી ચબરખીમાં લખ્યું હતું: કેદીએ પોતાની મુક્તિ હાંસલ કરી લીધી છે!

એક દિવસ એકાએક વિદુલાએ ઓફિસમાં ફોન કર્યો: ‘આજે સાંજે છ વાગ્યે ચર્નીરોડ પર ડો.શાહને ત્યાં મને મળો.’

હું છ વાગે ડો.શાહને ત્યાં પહોંચ્યો ત્યારે વિદુલા બહાર ‘લાઉન્જ’માં બેઠીબેઠી નિરાંતે ‘લાઇફ’નાં ચિત્રો જોઈ રહી હતી. મને જોઈને એ ઊભી થઈ ગઈ. પછી કહ્યું: જાઓ, જરા તપાસ કરો તો, રિપોર્ટ તૈયાર થઈ ગયો છે કે નહિ? મેં તો અહીં બેઠાં બેઠાં ‘એમ્બેસેડર’માં એક ટેબલ રિઝર્વ કરાવી દીધું છે.’

હુ ડો.શાહની ચેમ્બરમાં ગયો. એઓ કદાચ મારી જ રાહ જોતા બેઠા હતા. મને જોતાંની સાથે જ એઓ ઊભા થઈ ગયા ને મારે ખભે હાથ મૂકીને મારી પાસે આવીને બોલ્યા: ‘સાહેબ, આ ટ્યૂમરનો મેલિગ્નન્ટ કાસિર્નોમા છે – ફાર એડવાન્સ્ડ સ્ટેઇજનો.’

મેં પૂછ્યું: ‘ઓપરેશન કરી નહિ શકાય?’

એમણે ટૂંકોટચ જવાબ વાળ્યો: ‘વન પરસેન્ટ ચાન્સ.’

મારા તો પગ જ જાણે ભાંગી ગયા. મારાથી પૂછી દેવાયું: ‘ બીજો કશોય ઇલાજ નથી?’

એમણે કહ્યું: ‘ના, મેં દર્દીને આ સમ્બન્ધમાં કશું કહ્યું નથી. યુ ઓલ્સો ડોન્ટ ટેલ હર, ઇટ’સ નો યુઝ ટેલંગિ હર, અલબત્ત, કાંઈ વીલ કરવાનું હોય કે એવી કશી વાત હોય તો – પણ ઇન્ટર્નલ હૅમરેજ ગમે તે ઘડીએ થાય. બે કલાકમાંય થાય ને બે મહિનામાંય થાય. આઇ એમ રિયલી વેરી સોરી મિ. પરીખ! પણ આટલું બધું લેઇટ કેમ કીધું?’

મારામાં જવાબ આપવાના હોંશકોશ નહોતા. મેં બહાર નીકળવાને પગ ઉપાડ્યા. દાક્તર બોલ્યા: ‘લાઇફ ઇઝ લાઇક ધેટ –’

‘ફલૅપ ડોર’ની બહાર નીકળતાં સુધીમાં મેં મનને કઠણ કર્યું. મોઢા પર સ્મિત આણીને વિદુલાને કહ્યું: ‘અરે, તમારું નામ વિદ્યુલ્લતા છે એ તો આજે જ આ રિપોર્ટમાં વાંચ્યું ત્યારે ખબર પડી.’

એણે રિપોર્ટ વિશે જાણવાની જરાય અધીરાઈ બતાવ્યા વિના કહ્યું: ‘કેમ, તમને એ નામ વધારે ગમે છે? તો હવેથી એ નામે બોલાવજો.’

એણે તો રિપોર્ટ વિશે કશું પૂછ્યું નહિ એટલે મેં જ કહ્યું: ‘રિપોર્ટમાં કશું નથી, ભારે ખોરાક ખાઈને ઉજાગરા કર્યાનું પરિણામ છે.’

આ સાંભળીને એ નાના બાળકની જેમ હરખથી નાચી ઊઠી ને મને વળગી પડી. પછી બોલી: અરે, હું તો પહેલીથી જ જાણતી હતી. ચાલો ત્યારે, લેટ અસ સેલિબ્રેઇટ, ચાલો, જ્યાફત ઉડાવીએ.’ આમ કહીને એ લગભગ મને ખેંચીને દાદર ઊતરી પડી. સામેથી એક ટેક્સી બોલાવી ને એને હેંગિંગ ગાર્ડન પર લેવાનું કહ્યું. ટેક્સીમાં એ આખો વખત બોલતી જ રહી. મારાથી તો એક શબ્દ સરખો બોલાતો નહોતો. એ તરફ એનું ધ્યાન જતાં એણે કહ્યું: ‘કેમ, શા વિચારમાં છો? મારું આયુષ્ય વધારવાને તમારે તો વર્ષો કાઢી આપવાં પડ્યાં નથી! કે પછી ભાભી યાદ આવી ગયાં?’

મેં કહ્યું: ‘ના, ના –’

એ બોલી: ‘તમારે જે કરવું હોય તે કરોને, હું તો મજા કરવાની. હેંગિંગ ગાર્ડન પર જરા લટાર મારીને ‘એમ્બેસેડર’માં જવાનું છે તે ભૂલશો નહિ. આજે તો હું તમને છોડવાની નથી.’

હેંગંગિ ગાર્ડન પર બાળકના કુતૂહલથી એણે બધું જોયું. ચોપાટી તરફના ભાગ આગળ ઊભા રહીને મરીનડ્રાઇવનો ભાગ જોતાં બોલી: ‘એક ફૂંક મારતાં આ બધું ઊડી જતું હોય તો કેવું સારું? જગદીપની વાત સાચી છે. દરિયાની પ્રચણ્ડતા સામે દીવાસળીનાં ખોખાં, ને પણે ટ્રોમ્બે રિફાઇનરીના ભડકા – સ્મશાનમાં ફોસ્ફરસના થાય છે તેવા. મસૂરીમાં મજા હતી. અહીં તો ઝાડ છે, પણ નોકરિયાત જેવાં. મારી એક બહેનપણી તો આ હેંગિંગ ગાર્ડનને હરિયાળીનો ઊકરડો જ કહે છે!’ આમ ને આમ એ બોલ્યે જ ગઈ. એના મોઢા પર એક પ્રકારનો અસ્વાભાવિક તરવરાટ હતો. કોણ જાણે કેમ, એની સામે જોવાનીય મારી હિંમત ચાલતી નહોતી.

પછી અમે ‘એમ્બેસેડર’ના ‘રૂફ ગાર્ડન’માં પહોંચ્યાં. ત્યાં વિદુલાને ઘણાં ઓળખીતાંઓનો ભેટો થયો. ઘડીભર તો એ મારાથી દૂર સરીને લગભગ અદૃશ્ય થઈ ગઈ. ઉપર લાલ પીળા રંગની પવનમાં ફરફરતી રેશમી પટ્ટીઓ ને ફુગ્ગાઓ, વચ્ચેના ભાગમાં નૃત્ય કરતાં યુગલો, પિયાનો, ગાયિકાના સંગીતના સૂર અને દૂર કિનારાની પાળ સાથે અથડાઈને ચૂરેચૂરો થઈ જતાં મોજાંનાં ધોળાં ફીણ – અહીં બધું જ ચંચળ હતું, પળે પળે સરી જવામાં જ એની સાર્થકતા હતી. આ સ્ત્રીપુરુષો – નૃત્યની ઘૂમરીમાં એમના આકારો ખોવાઈ જતા હતા. બધું કશીક ભયંકર ગતિથી જાણે સર્યે જતું હતું. ને એના આંધળા વેગમાં અમે પણ જાણે વમળ ખાતાં હતાં. વિદુલા શું બોલી તે મેં સાંભળ્યું નહિ. એનું મન પેલા ઊડતા ફુગ્ગાઓના જેવું ચંચળ ઊડાઊડ કરી રહ્યું હતું; ને મને એ ગતિના ચક્કર આવતા હતા.

મોડી રાતે અમે ઘરે આવવા નીકળ્યાં. વળતાં ટેક્સીને લાંબું ચક્કર લેવડાવ્યું. આખે રસ્તે વિદુલાએ વાતો જ કર્યા કરી. મારે તો કશું બોલવાનું રહ્યું ન નહોતું. વિદુલાએ કહ્યું: ‘તમે મંડળીમાં સાવ મૂગા બની જાવ છો, એનું શું કારણ?’

મેં કહ્યું: ‘મને બધાના જુદા જુદા રસ જાણીને તેને અનુકૂળ રહીને વાત કરતાં આવડતી નથી.’

વિદુલાએ કહ્યું: ‘અને સાથેસાથે ‘‘અમે તો અલગારી જીવ છીએ’’ – એવું થોડું અભિમાન પણ ખરું જ ને?’

મેં જવાબ આપવા ખાતર કહ્યું: ‘અભિમાનથી મુક્ત તો આપણામાં કોણ છે?’

વિદુલા બોલી: ‘એ વાત તો સાચી. પણ અમે તો અમારી જાતને વિખેરી દઈએ છીએ. એમ કરતી વખતે અભિમાનની ગાંઠડીને સુદામાના તાંદુલની પોટલી જેમ સંતાડી નથી રાખતાં, એને લુંટાવી દઈએ છીએ. વાત નીકળી છે એટલે કહું છું. પેલી મન્દા, લગભગ ચાલીસની થવા આવી. લગ્ન તો હવે અશક્યવત્! એની મનોરુગ્ણતા હું નથી સમજતી? સમજું છું માટે જ તો જેની જુગુપ્સા થાય તેવા વર્તનને સહી લઉં છું. પણ તમે તો નાકનું ટેરવું ચઢાવીને ચાલ્યા ગયા, તેથી શું? મેં અહમ્ની ગાંઠડી ખોલી નાખી. સમાજમાં એને દુરાચાર કહેવાય છે તે જાણવા છતાં મેં એને તરછોડી નહિ. નિન્દા થવાની એ તો નક્કી જ. તમે કરી શકશો? ના, તમારી ગાંઠડી એમ ઝટ ખૂલે એવી નથી.’

મેં કહ્યું: ‘પણ સમાજને તો નીતિનાં ધોરણ નક્કી કરવાં જ પડે ને પળાવવાં જ પડે ને?’

એ બોલી: ‘મંજૂર છે. સમાજ દોષિત ગણે, અમારો આચાર દુરાચાર ગણાય એ કબૂલ છે. પેલી પંજાબી બાઈને ભગાડવાની વાત. એના વરને સિફિલીસ. આથી સન્તાન ન થાય એમ બાઈ ઇચ્છે. આ બાજુ પેલાનો જુલમ વધતો જ જાય. એક દિવસ એ આવીને કરગરી: ‘મને મારે પિયર પહોંચતી કરો.’ જગદીપ પણ બેઠો હતો. અમે એને બોરીબંદર જઈને ગાડીમાં બેસાડી. લોકે અમને વગોવ્યાં. પણ આથી આગળ જોઈ શકે એવી દૃષ્ટિય કોઈની હોય ખરી ને? ને ન હોય તોય શું? મને તો એમાં એક વાતનો સન્તોષ મળે છે, ને તે જાતને પૂરેપૂરી મિટાવી દીધાનો. એથી તો હું અનેકને મળું છું, અનેક જોડે ફરું છું, કેન્દ્રને મેં ઊખેડીને ફગાવી દીધું છે. ને આમેય તે આપણે આપણાપણું ક્યાં સુધી ગાંઠે બાંધી રાખી શકવાનાં હતાં? કોઈને સ્મિત, કોઈને બે શબ્દ, કોઈને બે ઘડીનો સહચાર – આ બધું આપીઆપીને જાતને વિખેરી દઉં છું. તેથી જ મને મારો ભાર લાગતો નથી. મૂળથી મારી પ્રકૃતિ જ એવી છે. હું પાછું કશું માગતી નથી. જે મારી પાસેથી લે છે તેનો ઉપકાર માનું છું. નહિ તો આ જગતમાં આપણો બોજો કોણ હળવો કરે?’

મેં કહ્યું: ‘મારા જેવા સંસારી જીવને આ કળા શીખતાં વાર લાગશે.’

એ બોલી: ‘ના, હું એમ નથી કહેતી કે તમે પણ મારી જેમ જ કરો. દરેકનો માર્ગ જુદો. પણ અમારા જેવાં કોઈ નજરે ચઢે તો ભ્રમર વાંકી નહિ કરો, નીતિનો ચોપડો ખોલીને ઉધાર બાજુ આંકડો નહિ પાડો તો સારું.’

મેં કહ્યું: ‘એય અમારો સ્વભાવ થઈ પડ્યો ને! એમાંથી કાંઈ થોડા જ છૂટી શકવાના હતા? પણ મારી વાત કહું તો હું કોઈને વિશે કશો નિર્ણય બાંધતો નથી; કોઈના વર્તનનો ન્યાય ચૂકવવાની જવાબદારી લેતો નથી.’

એણે કહ્યું: ‘ડરપોક છો, ખરું ને? તે દિવસે હું મરણની ને અમરતાની વાત કરતી હતી. મારા દાદા કેવી રીતે મરી ગયા હતા તે જાણો છો? ત્યારે ભારે પ્લેગ ફાટી નીકળેલો. લોકો બધાં નાઠાં. પણ પોતાનાં માણસો તરફડતાં હોય તેને મૂકીને કેમ જવાય? ડોસાએ કેટલાંય શબને ખાંધ આપી, ને આખરે એમને ગાંઠ દેખાઈ ત્યારે એક અવાવરુ ઘરમાં જઈને પડી રહ્યા; મરણને આવકારવાની આટલી સ્વસ્થતા આપણામાં છે ખરી? તે દિવસે મેં મરણ સામે બળવો પોકારવાની વાત કરી. પણ આજે વિચારું છું તો વળી એમ લાગે છે કે મરણને ચોર પગલે આવીને ગાંઠડી આંચકી લેવી પડે એવી દસ્યુવૃત્તિમાંથી આપણે જ શા માટે ન બચાવી લઈએ? ધીરે ધીરે જાતને વિખેરતા જ જઈએ.’

આ સાંભળીને મને સુખ થયું. મનમાં ને મનમાં મેં ભગવાનને પ્રાર્થના કરી: ભગવાન, એને એના દાદાના જેવી, મૃત્યુને આવકારવાની, સ્વસ્થતા આપજો, ને છતાં ટેક્સીનું બારણું વાસ્યા પછી અંદરના અન્ધકારમાંનું વિદુલાનું મોઢું જોઈ લેવા હું સહેજ ઊભો રહી ગયો. કોણ, જાણે ફરી ક્યારે –

ઘરમાં દાખલ થતાં જ યાદ આવ્યું કે પેલો દાકતરી તપાસનો રિપોર્ટ તો ટેક્સીમાં જ રહી ગયો! એ વિદુલાના હાથમાં જવાનો, ને વિદુલા એ જરૂર વાંચવાની – છેલ્લી ઘડીએ હું એને ભ્રાન્તિનું સુખ પણ ન આપી શક્યો!

વિદુલાના ઘર તરફ જવાની મારી હિંમત જ ચાલતી નહોતી. એક દિવસ અનાયાસ જ મારે એ તરફ જવાનું થયું. ઠીકઠીક મોડું તો થઈ જ ચૂક્યું હતું. અંધારામાં દૂરથી જરા એ ઘર તરફ નજર નાખીને આવતો રહીશ એમ મનમાં થયું. ઘર નજીક જઈને જોયું તો વિદુલાનો ઘરઘાટી તાળું મારતો હતો.

મેં પૂછ્યું: ‘બાઈ કુઠે ગેલી?’

એણે જવાબ આપ્યો: ‘આત્તા સેન્ટ્રલલા ગેલી.’

હું વધારે સાંભળવા ઊભો ન રહ્યો. ટેક્સી કરીને સેન્ટ્રલ પહોંચ્યો પણ ત્યાં પહોંચ્યા પછી પગમાંનું બધું જોર ભાંગી પડ્યું. હું લોકલના પ્લેટફોર્મ પર જઈને લોકલટ્રેનમાં બેસી ગયો. ભીડ ખૂબ હતી એટલે દાંડો ઝાલીને ઊભો જ રહ્યો. દાદર આગળ ગુજરાત મેલ ઊભો હતો કદાચ એમાં તો વિદુલા અમદાવાદ નહિ જતી હોય? ત્યાં તો અમારી લોકલ ઊપડી ગઈ. પાછળ ગુજરાત મેલ પણ આવવા લાગ્યો. માહીમ અને વાંદરા વચ્ચે બંને ગાડીના પાટા સાવ નજીકનજીક આવી ગયા ને મેં લોભી નજરે એકેએક ડબ્બા તરફ મીટ માંડી, ને જોઉં છું તો ફર્સ્ટ ક્લાસના કમ્પાર્ટમેન્ટમાં બારીના સળિયાને માથું ટેકવીને અન્યમનસ્ક બનીને વિદુલા બેઠી છે. કશું કહું તે પહેલાં પાટા જુદા થઈ ગયા. અમારી ગાડી વચ્ચેનું અન્તર વધી ગયું. દૂર ને દૂર સરીને ઝાંખી થતી વિદુલાને હું જોઈ રહ્યો…