વિદ્યાવિનાશને માર્ગે/૧૦

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૦

સુરેશ જોષી

આપણે જેને યુવાનોની ‘નવી પેઢી’ કહીએ છીએ તે વાસ્તવમાં શું છે? એ માત્ર છાપાળવો શબ્દપ્રયોગ જ છે? અમુક વયના કે અમુક પ્રકારનાં કપડાં પહેરનારા કે અમુક પ્રકારની હેરસ્ટાઈલ રાખનારા નવી પેઢીના લોકો છે? પણ આવાં વર્ણનો જાહેરખબરવાળાને કે કપડાં બનાવનારાને શોભે. આપણે વખાણવા માટે કે નિંદા કરવા માટે ‘નવી પેઢી’નો ઉલ્લેખ કરતા હોઈએ છીએ ત્યારે ખરેખર આપણે એ સંજ્ઞાથી શું સમજતા હોઈએ છીએ? સામાજિક દૃષ્ટિએ આ પેઢી એવાં લક્ષણો ધરાવે છે ખરી કે જેથી એનું મહત્ત્વ સ્વીકારવું જ પડે? એ નવી પેઢીના સભ્ય થવા માટે કઈ વિચારસરણીને સ્વીકારવાની રહે કે પછી કશી ગમ્ભીર વિચારસરણીની વિડમ્બના એ જ નવી પેઢીનું લક્ષણ છે?

સામાન્યત: કોઈ એક જૂથનો આપણે વિચાર કરતા હોઈએ છીએ, ત્યારે એ જૂથની વિચારસરણી અથવા જીવનદૃષ્ટિના પાંચ ઘટકો હોય છે. એમાં થયેલાં પરિવર્તનોની એમાં નોંધ લેવાઈ હોય છે, સંસ્કૃતિની વર્તમાન પરિસ્થિતિની એ આલોચના કરે છે, વર્તમાન સંસ્કૃતિને સ્થાને તે પોતાને અભિમત એવી આદર્શ સંસ્કૃતિની કલ્પના રજૂ કરે છે. સાંસ્કૃતિક પરિવર્તન શી રીતે કરવું એની પદ્ધતિ એણે વિચારી હોય છે.

આજે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વિરોધ કે વિદ્રોહના વિધિઓનું પ્રદર્શન કરતા હોય છે. એની પાછળ આવી કશી વૈચારિક ભૂમિકા હશે કે કેમ એ વિશે ઘણાના મનમાં શંકા રહે છે, એ એક પ્રકારનો માનસિક આવેગ કે ભાવદશા છે, ગમ્ભીર પર્યેષણા નથી એવું ઘણાને લાગે છે. જો આવી સ્વીકૃત કે વૈચારિક ભૂમિકા કે કાર્યક્રમ હોતા નથી તો એ જૂથને જોડી રાખનારું તત્ત્વ હોતું નથી. આથી એ જૂથને ‘નવી પેઢી’ને નામે ઓળખાવી શકાય નહિ. કામચલાઉ પ્રયોજનને માટે તત્પૂરતા તો ઘણા ભેગા થાય છે ને પ્રયોજન સિદ્ધ થયા પછી સૌ પોતપોતાના માર્ગે ચાલ્યા જાય છે. સમય એક એવી જ્વાલા છે જે જોતજોતાંમાં બધું ભસ્મીભૂત કરી નાખે છે. એવું બને તે પહેલાં ભૂતકાળના ટકાવી રાખવા જેવા અંશનો આપણે ઉદ્ધાર કરી લીધો હોવો જોઈએ. બધું જ કાળના ખપ્પરમાં હોમી દેવા જેવું હોય છે એવું તો માની શકાય નહિ. આ શું છે તે વિચારવું ઘટે. એને માટે બૌદ્ધિક ઊહાપોહ નવી પેઢીમાં ચાલ્યા કરતો હોવો જોઈએ, વિચાર-વિનિમય સતત થયા કરતો હોવો જોઈએ, અર્થપૂર્ણ સંવાદની ભૂમિકા રચાઈ હોવી જોઈએ.

આપણી સંસ્કૃતિમાં કેટલું જીર્ણ અને વર્જ્ય બન્યું છે, કેટલાનું સંવર્ધન કરવાનું છે, અને કેટલાનો પરિહાર કરવાનો છે એ વિચારવાનું રહે છે. ‘સંસ્કૃતિ’ અને ‘સભ્યતા’ એ બે સંજ્ઞાઓનો આવી વિચારણામાં વ્યવહાર થતો રહ્યો છે. પણ એ બન્નેના સંકેત વિશે કશી સ્પષ્ટ સમજ પ્રવર્તતી હોય એવું લાગતું નથી. એને વિશેની કેટલીક જાણીતી વ્યાખ્યાઓમાં મોટે ભાગે અતિવ્યાપ્તિનો દોષ રહ્યો હોય છે. આ સંજ્ઞાની ઘણી અર્થચ્છાયાઓ છે અને જુદા જુદા સન્દર્ભમાં આ જુદી જુદી અર્થચ્છાયાઓ પ્રવર્તતી આપણે જોઈએ છીએ. આમ છતાં એ વિશેની સર્વસામાન્ય સમજૂતીનો અભાવ હોતો નથી તેથી જ તો હજી આપણે સંસ્કૃતિ, સાંસ્કૃતિક પરિવેશ અને સાંસ્કૃતિક મૂલ્યની વાત કરતા હોઈએ છીએ.

અમુક એક સમાજ કયાં સાંસ્કૃતિક મૂલ્યોને ઉચ્ચતાના કયા ક્રમે સ્વીકારે છે તે જોવું જરૂરી બની રહે છે. રાષ્ટ્રને માટે શહાદત વહોરનારા જુવાનો આપણે ત્યાં હતા. હવે સહેજસરખા પશુસુખ માટે, ધનપ્રાપ્તિ માટે, રાષ્ટ્રને ક્ષણ વારમાં હંમેશને માટે છોડી જનારા જુવાનોની સંખ્યા વધતી જાય છે. ધર્મ કે ધામિર્ક અનુષ્ઠાનો પ્રત્યે નવી પેઢીને ખાસ કશું આકર્ષણ નથી. તો આઠવલે શાસ્ત્રીએ યોજેલા કાર્યક્રમો અને સરઘસોમાં મોટી સંખ્યામાં જુવાનોને જતા જોઈએ છીએ.

આ મૂલ્યોની પણ ચઢતીઊતરતી શ્રેણી છે. કેટલાંક મૂલ્યો બીજાં મૂલ્યો સિદ્ધ કરવાને માટેનાં સાધનરૂપ હોય છે. તો કેટલાંક મૂલ્યો આત્યન્તિક સ્વરૂપમાં હોય છે. આજે ઘણી જગ્યાએથી મૂલ્યબોધ ડહોળાઈ ગયાની કે મૂલ્યહ્રાસની ફરિયાદ થતી સાંભળીએ છીએ. મૂલ્યો આત્યન્તિક સ્વરૂપનાં હોઈ જ ન શકે. બદલાતા માનવસન્દર્ભ અનુસાર એનું સ્વરૂપ બદલાતું રહે છે એમ પણ કહેવાય છે. મૂલ્ય વ્યવહારમાં સિદ્ધ કરવાનું રહે છે. પરમ્પરા પાસેથી શ્રદ્ધાથી સ્વીકારવાનું હોતું નથી એવું આજે જોરશોરથી કહેવાઈ રહ્યું છે. વાસ્તવમાં મોટા ભાગના જુવાનો સંસ્કૃતિ જેવી કશી અલાબલા વિના જ જીવતા હોય છે. જીવવાની ટેવના ધક્કાથી જ એઓ આગળ વધતા હોય છે, જ્યારે જે કરવાથી લાભ થાય તે કરવું એટલી સાદી એમની મૂલ્ય વિશેની સમજ હોય છે. આજે તો પોતાની માતૃભાષાને જ બરાબર ન જાણનારો અને એ બદલ ગૌરવ અનુભવનારો એક વર્ગ ઊભો થતો જાય છે. આથી ભાષા આપણને સાંકળનારું તત્ત્વ છે એવું પણ કહી શકાશે નહિ.

બધાથી નોખા પડવું, વેગળા રહેવું એમાં જે ખુમારીની જરૂર પડે છે તે કદાચ આજના જુવાનમાં નથી. ટોળામાં જ એ સાહસિક બને છે, કારણ કે ત્યારે એને પકડાઈ જવાનો ભય રહેતો નથી. વાસ્તવમાં સ્વતન્ત્રતાનો એને મન ઝાઝો અર્થ નથી. કારણ કે સૌ પ્રથમ એ સહીસલામતી શોધે છે. બીજા નવ જે કરે છે તે એ કરે છે ને એ બધાની સાથે જ છે, નોખો નથી એવી લાગણી ઉત્પન્ન કરે છે. આ એના વ્યવહારમાં તરત જ પરખાઈ આવે છે. એનો પોષાક, એની બોલવાચાલવાની રીત, એના મનોરંજન મેળવવાના માર્ગો – એ બધામાં એ પોતાના જૂથને વફાદાર રહે છે. એમાં જુદા તરી આવવાનું જોખમ એ ખેડવા તૈયાર નથી.

સંસ્કૃત સાથેનો આપણો વિચ્છેદ હવે લગભગ પૂરેપૂરો થઈ ચૂક્યો છે. આથી એ ભાષા દ્વારા સંસ્કૃતિની જે સિદ્ધિઓ પ્રાપ્ત થઈ અને સચવાઈ તે હવે આજના મોટા ભાગના જુવાનો માટે દુષ્પ્રાપ્ય છે. પશ્ચિમમાં જ શિક્ષણ પામેલા અને એક્કેય ભારતીય ભાષા નહિ જાણનારા શ્રી અરવંદિ ઘોષે વડોદરામાં આવીને સંસ્કૃત શીખી લીધું અને છ મહિનામાં કાલિદાસના ‘વિક્રમોર્વશીયમ્’નો અનુવાદ પણ ‘ધી હિરો એન્ડ ધી નીમ્ફ’ને નામે કર્યો. સંસ્કૃત દ્વારા એઓ ભગવદ્ગીતા અને પાંતજલ યોગસૂત્ર સુધી પહોંચી શક્યા અને પૂર્ણયોગની પોતાની વિભાવના રજૂ કરી શક્યા. આજે જીવવું તે માત્ર એક પ્રકારની ઘટમાળ જેવું બની રહ્યું છે. કશા લોકોત્તર પુરુષાર્થની મહત્ત્વાકાંક્ષા જુવાનોમાં નથી. આથી જ યુનિવર્સિટી કેમ્પસમાં યેનકેન પ્રકારેણ ચૂંટણી જીતનારો, પરીક્ષા મોકૂફ રખાવનારો, નાના નાના લાભ મેળવી આપનારો વિદ્યાર્થી જેટલો પ્રિય છે તેટલો કોઈ વિદ્યાવ્યાસંગી કે અભ્યાસમાં ક્ષેત્રના કશી અસાધારણ સિદ્ધિ મેળનારો વિદ્યાર્થી નથી.

યુવાનોનો અજંપો ભારતમાં જ છે એવું નથી, એ એક જાગતિક ઘટના છે. વિકસેલા દેશોમાં પણ યુવાનો તોફાને ચઢે છે, વિદ્રોહ કરે છે. હાર્વર્ડ જેવી યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓએ ભાંગફોડ કરી હતી. ભારત જેવા વિકાસશીલ દેશમાં તો વિદ્યાર્થીઓને મળતી અપૂરતી સગવડો, ભણી રહ્યા પછી બેકારીનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિ, સામાજિક રૂઢિ સામેનો વિરોધ – આમ ઘણાં કારણો અજંપા માટે હોઈ શકે. કથળતી જતી અર્થવ્યવસ્થા પરત્વેનો અસન્તોષ પણ એનું કારણ હોઈ શકે. ચોથા મહત્ત્વના બળ લેખે યુવાનોને પોરસાવ્યા કરવાનું વલણ પણ, ખાસ કરીને, રાજકીય પક્ષો દાખવે છે.

એ જે હોય તે, પચાસના ગાળામાં જેને ‘સાયલેન્ટ જનરેશન’ કહેતા હતા તે હવે વિરોધ કરવામાં વાચાળ અને સક્રિય બની છે એટલું નક્કી. આ જુવાનો જોતજોતામાં દંગલ ઊભું કરી દે છે, એ લોકો સ્વસ્થતાથી બુદ્ધિપૂર્વક દલીલ કરવામાં માનતા નથી, નારા ગજાવવામાં માને છે, એમના રોષને ભડકી ઊઠતાં વાર લાગતી નથી. આ દોષ હિંસાનું સ્વરૂપ પણ લે છે. એ લોકોને એમ લાગે છે કે વડીલોની પેઢીએ એમની સામે કાવતરું યોજ્યું છે. શિક્ષણસંસ્થાના વહીવટકર્તાઓ મોટે ભાગે આવા વિદ્યાર્થીઓ આગળ નમતું જોખે છે, અથવા તો પોલીસની કુમક બોલાવીને મામલાને વધુ વણસાવે છે. કેટલાક વિદ્યાર્થીઓને ‘પીનહેડેડ ઇન્ટેલેકચ્યુઅલ્સ’ કહીને ભાંડે છે. એમનામાં ટાંકણીનાં ટોચકાં જેટલી જ બુદ્ધિ છે એમ કહીને વિદ્યાર્થીઓને બુદ્ધિમત્તા વિરુદ્ધ જ ઉશ્કેરી મૂકવા જેવું કરે છે. કેટલીક વાર એને ‘ઇડિપલ રિબેલિયન’ જેવી સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. આમ માનનારા કહે છે કે જુવાનોને, એમને અણગમતું જે કાંઈ બને છે તે માટે, વડીલો જ જવાબદાર લાગે છે. એમના પર જ એઓ બધો દોષ ઢોળી દે છે. વડીલોના શાસનને એઓ સ્વીકારતા નથી. આ એક જાતનો અન્ધ અને અસંપ્રજ્ઞાત એવો આવેગ છે. એનાં મૂળ બાળપણની કેટલીક પરિસ્થિતિઓમાં રહ્યાં હોય એમ બને. દોસ્તોએવ્સ્કીએ ‘બ્રધર્સ કારામઝોવ’માં કહ્યું છે તેમ દરેક પુત્રને જીવનમાં એક વાર તો પિતાની હત્યા કરવાની પ્રબળ ઉત્તેજના થતી હોય છે.

આ આવેગને આદર્શવાદી લેબલ ચોંટાડીને ઓળખાવવામાં આવે છે. આ વિધ્વંસકતા આત્મવિધ્વંસક નથી હોતી એવુંયે નથી. આ રીતે આ ઘટનાને સમજાવવામાં આપણે જે મનોવૈજ્ઞાનિક કારણો આપીએ છીએ તે કેટલે અંશે સાચાં છે? ઇડિપસ કોમ્પ્લેક્સ તો થોડે ઘણે અંશે દરેક બાળકમાં હોય જ છે, તો પછી વિદ્યાર્થીઓનાં આન્દોલનો પાછળ પણ એ જ કામ કરે છે એમ કહેવું તે તો ‘દરેક બાળક ચાલતાં શીખે છે’ એમ કહેવા બરાબર છે. જો એના જેવી આ સાર્વત્રિક ઘટના હોય તો અમુક તબક્કે જ વિદ્યાર્થીઓ ચળવળિયા બને છે, બાકીના સમયમાં એઓ શાન્ત હોય છે, એ હકીકતને શી રીતે સમજાવીશું? વળી તોફાનો જગાવનાર અને એની સરદારી લેનાર તો અમુક જ વિદ્યાર્થીઓ હોય છે. બાકીના તો એમને કેવળ અનુસરનારા હોય છે. આ આપણે શી રીતે સમજાવીશું? આ તોફાન કરનારા મોટે ભાગે ઉપલા મધ્યમ વર્ગના કે સાધનસમ્પન્ન વર્ગના જુવાનો હોય છે. એમને ભણીને તરત વ્યવસાય શોધવાનો હોતો નથી. એકાદ-બે વર્ષ બગડે તે એમને પરવડતું હોય છે. વળી આ વિદ્યાર્થી-ચળવળિયાઓનો એમનાં માતાપિતા સાથેનો સમ્બન્ધ સંઘર્ષપૂર્ણ હોતો નથી. એથી ઊલટું, પોતાનાં સન્તાનોમાં નેતાગીરીનાં લક્ષણો જોઈને, એ લોકો તો એમને પોરસાવતા હોય છે.

પરદેશમાં આ આન્દોલન કરનારા વિદ્યાર્થીઓનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ થયો છે. એ વિદ્યાર્થીઓ મોટે ભાગે કોઈ પ્રકારની મનોરુગ્ણતા કે ન્યુરોસિસથી પીડાતા હોય એવા જણાયા નથી. માત્ર એમનામાં ‘જનરેશન સોલિડારિટી’ હોય છે. આનું બીજું મહત્ત્વનું કારણ તે પોતાની ઉપેક્ષા થઈ રહી છે, પોતાનું કુટુમ્બમાં, સમાજમાં કે વિદ્યાપીઠમાં, કોઈ મહત્ત્વ નથી એવી જુવાનોમાં પ્રવર્તતી પ્રબળ લાગણી છે. આ ઉપરાંત આન્દોલનોની પાછળ રોમેન્ટિક અભિનિવેશ પણ કામ કરતો હોય છે. આ દૃષ્ટિએ જોતાં આવાં આન્દોલનોનાં કારણો મનોવૈજ્ઞાનિક નહિ પણ સામાજિક હોવાનો વધુ સમ્ભવ છે. ઔદ્યોગિક ક્રાન્તિ પછીની સામાજિક પરિસ્થિતિમાં થયેલું પરિવર્તન આને માટે જવાબદાર છે. આથી આ આન્દોલન એ એક પ્રતિક્રિયા છે, ‘કાઉન્ટર રેવોલ્યુશન’ છે. ડેનિયલ બેબે કહ્યું છે તેમ એ એક પ્રકારની નપુંસકતા અને વન્ધ્ય ક્રોધમાંથી ઉદ્ભવેલો રોમેન્ટિક અભિનિવેશ છે.

હવે આપણે ઝડપથી ટેકનોક્રસીના વર્ચસ્વાળા તબક્કા તરફ ધકેલાઈ રહ્યા છીએ. એમાં સાચું પ્રભુત્વ કોમ્પ્યુટર નિષ્ણાતોનું અને ‘ટેક્નોબ્યુરોક્રેટ’નું હશે. આવા જગતમાં માનવતાવાદ કે રોમેન્ટિસિઝમને કેટલું સ્થાન રહેશે? આ કદાચ વાસી થઈ ચૂકેલાં મૂલ્યો લેખાશે. આ વિદ્રોહ કરનારાના મનમાં એવી લાગણી હોય છે કે પોતે પણ નષ્ટ થવા આવેલા સમાજના છેલ્લા અવશેષો જેવા છે. યન્ત્રો આવતાં શ્રમિકોએ એની સામે રોષ પ્રગટ કરીને તોડફોડ કરેલી તેના જેવી આ પરિસ્થિતિ છે.

આમ માનવું પણ પૂરેપૂરું સાચું નથી. ભાવિનો નિર્ધાર ટેકનોલોજીથી જ થવાનો છે એવું ગૃહીત એની પાછળ રહ્યું છે, જે પૂરેપૂરું સ્વીકારી શકાય તેમ નથી. આન્દોલન કરનારા વિદ્યાર્થીઓ એમને આ ટેકનોલોજીથી નિયન્ત્રિત સમાજમાં કશો આદર, કશી સત્તા કે કશો લાભ મળવાનો નથી એવી લાગણીને કારણે બળવો કરવા પ્રેરાય છે. ભાવિ આ રીતે નિર્ધારિત થઈ ચૂક્યું છે એ એકદમ સ્વીકાર્ય બની શકે એમ નથી. વિદ્યાર્થીઓ આ જાણી ચૂક્યા છે એવું પણ નથી. આપણે ત્યાં હજી એમનામાં પોતાની પરિસ્થિતિ વિષે ભયંકર અજ્ઞાન પ્રવર્તે છે. ભવિષ્યમાં માનવજીવન કેવું હશે, સામાજિક અને રાજકીય સંસ્થાઓનાં ઘડતર કેવાં હશે એ વિશેની આગાહીઓ મોટા ભાગે સાચી પડતી નથી. માનવી જ એના ભાવિનો સાચો વિઘાતક અને નિર્ણાયક છે. ટેકનોલોજી માનવી પર કે તેના ઇતિહાસ પર અનિવાર્યતયા પ્રભુત્વ ધરાવે એવું નથી, અમુક વિશિષ્ટ સમસ્યાઓ પરત્વે વૈજ્ઞાનિક સૂઝનો વિનિયોગ કરવાની એ અનુકૂળતા ઊભી કરી આપે છે એટલું જ. માનવી એનું નિયન્ત્રણ કરીને એનો વિનિયોગ કરે અથવા તો એનાથી નિયન્ત્રિત થઈને એના વડે વપરાય. આમ આન્દોલન કરનારાઓ માનવસન્દર્ભની પૂરી અભિજ્ઞતા કેળવીને એવું કરતા હોય છે એવું પણ નથી.