વિદ્યાવિનાશને માર્ગે/૧૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૧

સુરેશ જોષી

દરેક ક્રાન્તિના મૂળમાં એક વિરોધાભાસ રહેલો છે. આપણે સામાન્ય રીતે એમ માનીએ છીએ કે એ જૂનાને ઉથાપીને એને સ્થાને કશાંક નવીનને સ્થાપવા માંગે છે. વાસ્તવમાં ઘણી વાર તો જૂનાં મૂલ્યોની ઉપેક્ષા થતી હોય છે, એ મૂલ્યોની પુન:સ્થાપના માટે ક્રાન્તિ થતી હોય છે. ફ્રાન્સની ક્રાન્તિની પાછળ રહેલા આદર્શોનાં મૂળ પ્રાચીન કાળના એથેન્સમાં રહેલાં જોવામાં આવશે. નવા આદર્શોનો એકાએક આવિર્ભાવ થાય છે તેથી ક્રાન્તિ થાય છે એવું હંમેશાં બનતું નથી. એથી ઊલટું, નવી પેઢી જૂનાં મૂલ્યોને ગમ્ભીરતાથી લેવા માંગતી હોય છે. એનો બળવો એ મૂલ્યો પરત્વેના જૂની પેઢીના વલણ સામે હોય છે. આ મૂલ્યોના સૈદ્ધાન્તિક ઊહાપોહમાં માત્ર એને રસ નથી, એ મૂલ્યોને રાજકારણમાં તથા સામાજિક પરિવર્તનની પ્રક્રિયામાં ચરિતાર્થ થતા જોવામાં એમને રસ છે. માનવતાવાદી દૃષ્ટિકોણ, માનવજીવનની ચરિતાર્થતા તથા અભિવ્યક્તિથી સમૃદ્ધ, કલ્પનાપ્રવણ અને ઉત્કટ ભાવાવેશપૂર્ણ જીવન જીવવાનું રોમાંચક વલણ નવી પેઢી દાખવે છે. એ લાખ્ખો વિદ્યાર્થીઓનો આદર્શ બની રહે છે. આથી આ મૂલ્યોને સ્વીકારનાર વિદ્યાર્થીઓને પ્રતિક્રાન્તિકારી કહી દેવાશે નહિ.

આજનો વિદ્યાર્થી ટેક્નોલોજીનો વિરોધી છે. એવું કહી શકાશે નહિ. એનો વિરોધ કરવાને જરૂર એવી જાણકારીની ભૂમિકા એની પાસે છે ખરી? ‘હાઇ ટેક્નોલોજી’ને મોટા ભાગનો સમાજ કશા પ્રશ્ન પૂછ્યા વિના, સ્વીકારી લેતો દેખાય છે. એ વિશે ઝાઝી ચિન્તામાં કોઈ પડતું હોય એવું લાગતું નથી. પણ ટેક્નોલોજી જ એક માત્ર આરાધ્ય છે એવી માન્યતા સામે વિરોધ છે ખરો. લોકોને ટેક્નોલોજીની વ્યવસ્થામાંના ‘ઇનપુટ’ અને ‘આઉટપુટ’ તરીકે જોવામાં આવે એની સામે વિરોધ છે. ટેક્નોલોજીના કાર્યક્રમોમાં માનવીને ગૌણભાવે જોવામાં આવે એની સામે વિરોધ છે જ. વિદ્યાર્થીઓનું અલ્પસંખ્ય જૂથ જ વિરોધ અને વિદ્રોહનો આરમ્ભ કરે છે. બાકીના બીજા તો ભાઈચારાની ભાવનાને વશ થઈને, કશીક આત્મપ્રતીતિથી નહિ પણ વફાદારીની ભાવનાથી, એમાં તણાતા હોય છે. ટેક્નોલોજીને પ્રધાન સ્થાન આપનારો સમાજ ભવિષ્યમાં કઈ દિશા લે છે, તે પરત્વે જ એમને મતભેદ અને વિરોધ છે. ટેક્નોલોજી સામે એમને વિરોધ હોય એવું દેખાતું નથી.

વિદ્યાર્થીઓના વિરોધને કેવળ જૂની પેઢી સામેના બળવારૂપે કે પોતાને નિરર્થક બનાવનાર સમાજ સામેના વિદ્રોહરૂપે જ જોવાનું ભૂલભરેલું લેખાશે. અત્યારે જે વિરોધના ઉપચારો તથા આન્દોલનો થઈ રહ્યાં છે તેને સમજાવવા માટે આટલું પૂરતું નથી. યુવાનોનો સામાજિક સંસ્થા પરત્વેનો અભિગમ કેવો છે, એ સંસ્થાઓની પ્રવૃત્તિમાં એઓ સક્રિય રીતે સંલગ્ન છે કે નહિ, તેનો પણ વિચાર કરવો જોઈએ. એના બૌદ્ધિક, નૈતિક તેમ જ ઊમિર્ગત વિકાસ માટે સમાજ કેવીક તકો ઊભી કરે છે? આ બાબતમાં જ, ખાસ કરીને પછાત દેશોમાં, ઊંડો અસન્તોષ પ્રવર્તી રહ્યો હોય એવું લાગે છે.

પહેલાના જમાનામાં શૈશવ પૂરું થતાંની સાથે જ માનવી મોટેરાંઓના સમાજમાં ભળી જતો. છ સાત વર્ષની વય વટાવ્યા પછી એને કિશોરાવસ્થા જેવું કશું હતું જ નહિ. આથી એઓ મોટી વયનાઓ જે કરે તેમાં જોડાઈ જતા. પાછળથી કિશોરાવસ્થાનો જીવનની એક આગવી અવસ્થા તરીકે સ્વીકાર થયો. આ હકીકત તરફ ફિલિપ એરિસે એમના પુસ્તક ‘સેન્ચ્યુરીઝ ઓવ ચાઇલ્ડહુડ’માં ધ્યાન ખેંચ્યું છે. પ્રાથમિક શિક્ષણનો પ્રારમ્ભ આમ ઘણો મોડો થયો. એ જ રીતે વય:સન્ધિની અવસ્થાનો સ્વીકાર પણ ઘણો મોડો થયો.

ઔદ્યોગિક ક્રાન્તિ પછીના સુસંપન્ન સમાજમાં કિશોરને તરત જ આજીવિકા રળવામાં જોતરી દેવાની જરૂર રહી નથી. આથી માધ્યમિક શિક્ષણનો અને ઉચ્ચ શિક્ષણનો પ્રારમ્ભ થયો. સમાજની વ્યાવસાયિક અને મનોવૈજ્ઞાનિક આવશ્યકતાઓમાંથી પણ આ પરિસ્થિતિ ઊભી થઈ. એને ઊંચા સ્તરની કેળવણીની જરૂર હતી. સમાજ જીવનના તબક્કાઓ જે રીતે નક્કી કરે છે તેને કેળવણીના તબક્કાઓ સાથે મહત્ત્વનો સમ્બન્ધ છે. વળી આપણે આપણી અર્થવ્યવસ્થા, રાજકારણ અને સામાજિક લાક્ષણિકતાને કેવે સ્વરૂપે જોતા હોઈએ છીએ તેની સાથે આપણો નિકટનો સમ્બન્ધ છે.

આ ઉપરાંત, આજના સમાજમાં, યુવાવસ્થાનો એક આગવા તબક્કા રૂપે સ્વીકાર થયેલો દેખાય છે. આ અવસ્થામાં પણ માનવી સીધો સમાજના વ્યાવસાયિક ક્ષેત્ર સાથે સંલગ્ન થઈને રહેતો નથી. વય:સન્ધિ અને પુખ્તતા વચ્ચેના આ તબક્કાનો સ્વીકાર એ માનવીના વિકાસમાં એક મહત્ત્વની ઘટના છે. આપણાથી થોડેક જ છેટે રહેનારા, આદિવાસીઓના સમાજમાં કે વસવાટોમાં, આ તબક્કાઓનો સ્વીકાર આજે પણ થયેલો દેખાશે નહિ.

આ અવસ્થા વીસથી ત્રીસ સુધી આજે તો લંબાતી હોય છે. એ દરમિયાન બૌદ્ધિક, નૈતિક અને ઊમિર્ગત વિકાસને માટેની તકો એને ઉપલબ્ધ કરવામાં આવી છે. આજના યુવાનોના વિદ્રોહને આ ઐતિહાસિક સન્દર્ભમાં આપણે જોવો જોઈએ. આ અવસ્થા દરમિયાન જ યુવાન કોલેજ કે યુનિવર્સિટીમાં જતો હોય છે, અને વિકાસ માટે આ અનુકૂળ પરિસ્થિતિ છે એવું સામાન્યપણે સ્વીકારવામાં કોઈને કશો વાંધો હોય નહીં. એ દરમિયાન જ એને એવી સજ્જતા પ્રાપ્ત થાય છે જેથી એ ભૂતકાળનાં ગૃહીતોને, એની વિવેક-પૂર્વકની આલોચના કર્યા વિના, યથાતથ સ્વીકારી લેતો નથી. એ દરમિયાન જ બાળપણમાં એ અજ્ઞાતથી જે રૂઢિ અને વહેમને અને કુસંસ્કારને વશ થયો હતો તેનાથી છૂટવાની તક મેળવે છે. એ દરમિયાન જ એ પોતાની લાગણીને વધારે નિખાલસતા અને આત્મવિશ્વાસથી પ્રકટ કરવાનું શીખે છે અને એ દરમિયાન જ એ પોતાના પર પ્રભુત્વ ધરાવનારાઓએ લાદેલાં કેટલાંક, બુદ્ધિને અસંગત એવાં, બંધનોમાંથી છૂટવાનું શીખે છે. આનો અર્થ એ નથી કે બધા જ વિદ્યાર્થીઓ આ કરી શકે છે, પણ એ સહુને એમ કરવાની તક મળે છે એમ તો કહેવું જોઈએ. આ અવસ્થામાં પણ આપણા દેશમાં ઘણાં વિદ્યાર્થીઓ અવિવેકી, બુદ્ધિને અસંગત, જડ રૂઢિ અને કુસંસ્કારથી દોરવાતું, તથા વડીલોના પ્રભુત્વમાં વિશ્વાસ મૂકીને જીવાતું, જીવન જીવતાં દેખાય છે. એટલે અંશે સાચા અર્થમાં શિક્ષણ એમના સુધી પહોંચ્યું નથી એમ જ કહેવું રહ્યું. વિદ્યાપીઠો આપણી અર્થવ્યવસ્થાને ટકાવી રાખવા માટેના દક્ષ શ્રમિકો જ તેયાર કરે છે એવું નથી, થોડી સંખ્યામાં એ વિવેકશક્તિ કેળવીને બધું જ આલોચનાત્મક રીતે તપાસીને પછી જ સ્વીકારનારા એવા જાગૃત નાગરિકોને પણ તૈયાર કરે છે. આ અલ્પસંખ્ય જુવાનો, બીજાઓ જ્યાં પોતાના વધુ વિકાસને છોડી દે છે, ત્યાંથી પોતાના વધુ વિકાસને આગળ ચાલુ રાખે છે. આમ શિક્ષણ, ક્રમિક રીતે સતત ચાલ્યા કરતા, માનવીના વિકાસની ભૂમિકા રચી આપે છે અને સજ્જતા કેળવવામાં સહાયક નીવડે છે. આ અર્થમાં આપણે ત્યાં શિક્ષણ સફળ નીવડ્યું છે ખરું? એ અંગે યુવાન પેઢીને અસન્તોષ હોઈ શકે.