વિદ્યાવિનાશને માર્ગે/૧૨
સુરેશ જોષી
સમાજમાં મૂલ્યબોધ અને મૂલ્ય-પ્રતીતિ પરત્વે આવી વ્યામોહની સ્થિતિ પ્રવર્તતી હોય ત્યારે વડીલ વર્ગ એની નૈતિક સાભિપ્રાયતા ગુમાવી બેસે છે. વડીલવર્ગ યુવાનો પાસે નીતિનો આગ્રહ રખાવે કે એના વર્તન પર અંકુશ મૂકવાનો પ્રયત્ન કરે તો યુવાનો એને દમન ગણીને એની સામે થાય છે, આવી વફાદારી, સંયમ, નમ્રતા કે સ્થાપિત મૂલ્યો પરત્વે તત્સમ વૃત્તિ કેળવી એમને સ્વીકારી લેવાનો આગ્રહ તરત જ એની પ્રતિક્રિયા રૂપે વિરોધ અને વિદ્રોહ ઊભા કરે છે. વિદ્યાપીઠના વડાનો આદેશ હવે સાંખી લેવામાં આવતો નથી, એને તરત જ સરમુખત્યારશાહી વલણ તરીકે ઓળખાવવામાં આવે છે અને લોકશાહીનાં મૂલ્યોને નામે એનો વિરોધ કરવામાં આવે છે. વિદ્યાપીઠ અંગેના એમના નિર્ણયોમાં પણ વિદ્યાથીઓની સમ્મતિ હોવી જોઈએ એવો આગ્રહ રાખીને સૅનેટમાં વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ સ્વીકારવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને હવે શાસક કે સત્તાધીશ નામે ખોટી રીતે પોતાનાં મત કે નીતિને ઠોકી બેસાડનારા લાગે છે. આથી એનું પ્રભુત્વ હવે એ સાંખી લેવા તૈયાર નથી. આથી જ આજે વિદ્યાર્થીઓમાં એમનું દમન થઈ રહ્યાની અને રૂંધામણની લાગણી પ્રવર્તે છે. જે સમાજ પાસે સ્પષ્ટ નૈતિક સૂઝ નથી, અને એવી સૂઝથી નિયન્ત્રિત થતો આચાર નથી તેનો આદેશ શા માટે સ્વીકારવો? એનો અનાદર કરવો એ જ જાણે નવી પેઢીની ફરજ થઈ પડે છે.
સમાજમાં આવી સ્ફોટક પરિસ્થિતિ પ્રવર્તતી હોય ત્યારે કોઈ મોટી સમસ્યા કે મહત્ત્વના પ્રશ્નોના નિરાકરણ માટે આન્દોલન જગાડવાની વાત રહેતી જ નથી. એને માટે તો ગમે તેવું નિમિત્ત ચાલી શકે. ઘણી વાર સમસ્યા નાની હોય છે અને આન્દોલન એનાથી વ્યસ્ત પરિમાણનું હોય છે. વિદ્યાપીઠોમાં આજે જ ભ્રષ્ટાચાર પેઠો છે એવું નથી, પણ એ પરિસ્થિતિને પોતાના હેતુ માટે વાપરવાની રીત હવે દેખાવા લાગી છે. પછાત વર્ગની ઉન્નતિ માટે પ્રયત્નો વધુ પ્રમાણમાં થઈ રહ્યા છે, નાત-જાતને કારણે ઊભાં થતાં ધોરણો હવે ખાસ રહ્યાં નથી. તેમ છતાં એને જ નિમિત્ત બનાવીને, જાણે આદર્શ સમાજવ્યવસ્થા ઊભી કરવા માટે અને અનિષ્ટોને દૂર કરવા માટે જ ધર્મયુદ્ધ આરમ્ભાયું હોય એવો દેખાવ આન્દોલનકારો કરતા હોય છે અને નીતિથી ક્રમશ: વિમુખ થતા જતા સમાજમાં નીતિનો આગ્રહ રાખવાના આદર્શવાદી વલણને એઓ અપનાવતા હોય એવો દેખાવ કરે છે.
સાચી વાત એ છે કે ભૂતકાળમાં જેનું નિરાકરણ નહોતું થઈ શક્યું એવી ઘણી સમસ્યાઓનું નિરાકરણ આજે શક્ય બનતું દેખાય છે; તેથી જ વિદ્યાર્થી એને કલ્પેલી, ઊભી કરેલી કે વાસ્તવિક સમસ્યાઓનું નિરાકરણ કરવાના પ્રયત્નો નથી થતા દેખાતા ત્યારે પુણ્યપ્રકોપથી ભભૂકી ઊઠે છે. હવે એનાં નવાં લક્ષ્યો નક્કી કરવા માંગે છે. જે જૂનું છે તેને સ્થાને નવીનની સ્થાપના કરવા માટેનું ઉદ્દામવાદી વલણ અખત્યાર કરતા દેખાય છે.
આજે વિદ્યાપીઠના ક્ષેત્રમાં એક સાથે બે જુદી જુદી ક્રાન્તિઓ ચાલી રહી હોય એવું લાગે છે. એ બન્નેનાં ઉદ્ભવસ્થાનો જુદાં છે. એ પૈકીની એક તે આપણને પરિચિત ઔદ્યોગિક ક્રાન્તિ, છે, એ હજી પૂરી થઈ નથી. અઢારમી સદીમાં ફ્રાન્સ અને અમેરિકામાં એ શરૂ થઈ હતી. એનું લક્ષ્ય વધુ ને વધુ મોટી સંખ્યાના લોકો સુધી આથિર્ક, રાજકીય અને સામાજિક અધિકાર, લાભ અને તકને પહોંચાડવાનું છે. પહેલાં આ બધું માત્ર સમાજના ઉપલા વર્ગનો જ ઈજારો હતો. આ ક્રાન્તિ સંખ્યાપરાયણ છે, એને જીવનની ગુણવત્તા સાથે નિસ્બત નથી. આ લાભ મોટી સંખ્યામાં લોકોને પહોંચે એટલું જ એ ઇચ્છે છે. લોકોને રાજકીય સ્વતન્ત્રતા કેટલે અંશે મળે છે, ન્યાય કેટલે અંશે મળે છે તે જોવું પણ મહત્ત્વનું છે. હજી આપણા દેશમાં તો ઘણા લોકો ગરીબાઈના આંક નીચે જીવે છે, હજી નાતજાતના ભેદભાવ જીવનનાં ઘણાં ક્ષેત્રોમાં પ્રભાવક બની રહેતા જોવામાં આવે છે. આમ છતાં એની સામે ઉગ્ર જેહાદ જગાવવાનું વલણ આજે દેખાય છે. આજે પ્રજાની લાગણી આળી બની ગઈ છે. એ પહેલાં જેટલી સહિષ્ણુ પણ નથી. પહેલી ક્રાન્તિના લક્ષ્યને સિદ્ધ કરવાની અધીરાઈ પ્રજામાં દેખાય છે. હવે ઝાઝી રાહ જોવી, ક્ષમાવૃત્તિ રાખીને, ધીરજ રાખવી એવું વલણ યુવાન પેઢીમાં દેખાતું નથી. જે પહેલાં સિદ્ધ કરવાના લક્ષ્યરૂપ લેખાતું હતું તેને તો જન્મસિદ્ધ અધિકાર જ હોય એવી રીતે જોવામાં આવે છે. સમાનતા, પ્રાચુર્ય અને ભેદભાવના અનિષ્ટમાંથી મુક્તિ – આ માટે હવે વિનંતી કરવામાં નથી આવતી, એની અધિકારપૂવર્ક માંગણી કરવામાં આવે છે. એ બાબતમાં કશું સમાધાન સ્વીકારવાની વૃત્તિ હવે દેખાતી નથી. આજે વિદ્યાર્થીઓ પણ એમને જોઈતી સવલતો માટે વિનંતી કરતા નથી, ઝુંબેશ ઉઠાવીને આક્રમક રીતે માગણીઓ રજૂ કરે છે.
બીજા પ્રકારની ક્રાન્તિ આની સાથે જ ચાલી રહી છે. એ ઔદ્યોગિક ક્રાન્તિ પછીની ક્રાન્તિ છે. એ વીસમી અને એકવીસમી સદીને ધ્યાનમાં રાખીને નવાં લક્ષ્યો નક્કી કરવા ઇચ્છે છે. આથિર્ક સમૃદ્ધિથી આપોઆપ જ વ્યક્તિગત કૃતાર્થતાનો અનુભવ થતો નથી, કહેવાતી રાજકીય સ્વતન્ત્રતા માનવીને આન્તરિક સ્વાતન્ત્ર્યની કે સાંસ્કૃતિક સ્વાતન્ત્ર્યની અનુભૂતિ કરાવતી નથી. સામાજિક ન્યાય અને સમતા હોય છતાં જીવનમાં કશાકની ઊણપ સાલ્યા કરતી હોય છે. 1968ના મે-જૂનમાં ફ્રાન્સની સોરબોન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ નારો ગજાવ્યો: ‘અમારે ઉપભોક્તાનો સમાજ નહિ જોઈએ.’ પણ એથી તો વિદ્યાર્થીઓનો વર્ગ શ્રમિકોથી અળગો પડી ગયો. કારણ કે શ્રમિકોને માટે તો સમૃદ્ધિ અને ઉપભોક્તાને કેન્દ્રમાં રાખતો સમાજ હજી લક્ષ્યને સ્થાને છે.
તો આ નવી ક્રાન્તિનાં લક્ષણો શાં છે? વિદ્યાર્થીઓને પણ એ વિષે જાણકારી છે ખરી? ‘ભૂતકાળમાં કદી નહોતો એવો સમાજ’ સ્થાપવાની ધૂંધળી વાતો એઓ કરતા હોય છે. કોઈક વાર માનવીને વસવા જેવી દુનિયા રચવાનું પણ કહેતા હોય છે. હજી મનોવૈજ્ઞાનિક, સાંસ્કૃતિક અને સામાજિક મુક્તિની વાતો પણ ચાલતી હોય છે. પણ એમની આ વાતો વિધાયક સ્વરૂપની નહિ, વધુ અંશે નકારાત્મક હોય છે. ‘આ ન જોઈએ, પેલું ન જોઈએ’ એવું જ એઓ ઘણું ખરું કહેતા હોય છે. એમનો વિરોધ બુલંદ જ હોય છે, પણ સુધારણા માટેની સક્રિયતા મન્દ હોય છે. પરિસ્થિતિનું નિદાન કેટલીક વાર એઓ સાચું કરતા હોય છે. પણ એના ઉપાય વિશેનાં એમનાં સૂચનો અસ્પષ્ટ હોય છે. પ્રથમ ક્રાન્તિ જલદી પૂરી થાય એની અધીરાઈ એમને વધુ છે, પણ બીજી ક્રાન્તિનાં લક્ષ્યો નક્કી કરવાની તત્પરતા ઓછી છે.