વિદ્યાવિનાશને માર્ગે/૮
સુરેશ જોષી
સ્પૅનિશ ફિલસૂફ ઓર્તેગાએ ઘણાં વર્ષ પહેલાં વિદ્યાપીઠના કાર્યક્ષેત્ર અને લક્ષ્ય વિશે ‘મિશન ઓવ ધ યુનિવર્સિટી’ એ નામની પુસ્તિકા લખી હતી તે આજના સન્દર્ભમાં સંભારવા જેવી છે. એમની મુખ્ય ફરિયાદ એ છે કે વિદ્યાપીઠની સમસ્યાઓ વિશે આપણે વિધેયાત્મક દૃષ્ટિએ વિચારતા નથી. વિદ્યાપીઠમાં અમુક દૂષણો પ્રવેશી ગયેલાં દેખાતાં હોય તો એને દૂર કરવા પૂરતી સુધારણાથી આપણે સન્તોષ માની લેતા હોઈએ છીએ. પણ આ દૂષણોની ઊંડી તપાસ કરીને ધરમૂળથી જે પરિવર્તન કરવું જરૂરી છે તે કરવાની આપણી દાનત હોતી નથી. આવી થાગડથીંગડથી કશો અર્થ સરે તેમ નથી. આપણી કાર્યપ્રણાલી અને નીતિમાં જ કશીક મૂળભૂત ક્ષતિ રહેલી છે. એના પર હવે આપણે ધ્યાન આપવું જ જોઈએ.
કોઈ સંસ્થાની સ્થિતિ સંગીન છે એમ આપણે ક્યારે કહી શકીએ? નાની-મોટી ઊણપો અને ક્ષતિઓ છતાં સંસ્થાનો પાયો હચમચી ન ઊઠે એવી એની કાર્યપ્રણાલી હોવી જોઈએ. થોડીક કાંકરી ખરવાથી જ જો આખું સ્થાપત્ય હચમચી ઊઠતું હોય તો એવી પરિસ્થિતિ ચિન્તાજનક જ લેખાય. તન્ત્રવાહકોની કાર્યદક્ષતાનો અભાવ, સંચાલકોની દૃષ્ટિની સંકુચિતતા, સમકાલીન સામાજિક અને રાજકીય વાતાવરણ – આ બધામાં કંઈક ને કંઈક મર્યાદા તો રહેવાની જ. પણ એટલા માત્રથી જ વિદ્યાપીઠ એનું લક્ષ્ય ચૂકી જાય, એના મૂળભૂત ઉદ્દેશને સિદ્ધ કરવાની ક્ષમતા ગુમાવી બેસે તો એના પાયામાં કશુંક ખોટું છે એમ જ માનવું રહ્યું. જેનું સ્વાસ્થ્ય સારું હોય તેવો માણસ એકાદ-બે નાની ઉપાધિથી ખખડી જતો નથી. એવું બધું આસાનીથી વેઠી લઈને અડીખમ રહી શકે છે. વિદ્યાપીઠની બાબતમાં પણ આવું જ છે. આથી વિદ્યાપીઠની આજની પરિસ્થિતિ પરત્વે વિચારનારા જો કામચલાઉ અમુક સુધારા કરીને બધું હેમખેમ છે તેમ માનતા થઈ જાય તો ભવિષ્યમાં મોટા અનિષ્ટને નોતરી બેસવા જેવું થશે. એ માટે જ તો યુનિવર્સિટીના ઉદ્દેશ વિશે ફરીથી વિચારવાનું અનિવાર્ય થઈ પડે છે.
વિદ્યાપીઠ સજીવ અને પ્રાણવાન છે તે તો એ પોતાના ઉદ્દેશને સમર્થ રીતે સિદ્ધ કરી શકતી હોય તો જ માની શકાય. એને આ કે તે જૂથના તરંગો કે સંકુચિત આશયોનું સાધન બનાવીએ તો એ આ ઉદ્દેશના મૂળમાં જ કુઠારાઘાત કરે. આપણા દેશની વિશિષ્ટ સાંસ્કૃતિક અને સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પ્રશ્નની વિચારણા થવી જોઈએ. આપણે કેવળ પશ્ચિમની યુનિવર્સિટીના અમુક નમૂનાઓને દૃષ્ટિ સમક્ષ રાખીને વિચાર કરીશું તો એવી અનુકરણાત્મક પ્રવૃત્તિ આપણી પોતાની સર્જનાત્મક અને વિધેયક દૃષ્ટિથી વિચારવાના પુરુષાર્થ આડે અન્તરાય ઊભા કરશે. પછી તો આપણે આ સમસ્યાના ઉછીના ઉકેલથી જ ચલાવી લેવાનું રહેશે. આ સમસ્યા વિશે વિચારતાં આપણે અન્યત્ર જે નિર્ણયો લેવાયા હોય કે નિરાકરણો સૂચવાયાં હોય એ નિર્ણયો અને નિરાકરણો પર આવીએ તે ઝાઝું મહત્ત્વનું નથી. જે મહત્ત્વની વાત છે તે એ કે એવા નિર્ણયો અને નિરાકરણો આપણે, આપણી મૂળભૂત પરિસ્થિતિને ધ્યાનમાં લઈને, સ્વતન્ત્ર મૌલિક દૃષ્ટિએ વિચાર્યા હોવા જોઈએ.
રાષ્ટ્રની મહત્તા ઘણાં તત્ત્વોની સુગ્રથિત એકતા પર આધાર રાખે છે. જો રાષ્ટ્રની પ્રજાની રાજકીય સ્થિતિ કથળી ગયેલી હોય તો એની દૂરગામી અસર તેની શિક્ષણસંસ્થાઓ પર પડવાની જ. એવી સ્થિતિમાં શિક્ષણસંસ્થાનાં ઉત્તમ ફળ અલ્પસંખ્ય લોકોને જ મળે. એવું ફળ પ્રાપ્ત કરનારા મોટા ભાગના લોકોથી વેગળા અને નિલિર્પ્ત થઈને રહેતા હશે. એમ બને કે લાંબે ગાળે ફળ મેળવનારા આ અલ્પસંખ્ય લોકો રાષ્ટ્રના સમૂહજીવન પર પ્રભાવ પાડી શકે અને દેશની શૈક્ષણિક પરિસ્થિતિને ધરમૂળથી ફેરવી નાખવામાં સફળ બને. શિક્ષણના એક મૂળભૂત સિદ્ધાન્તનો આપણે ત્યાં સ્વીકાર થયેલો લાગતો નથી. શિક્ષણસંસ્થા જ્યારે ખરેખર રાષ્ટ્રના એક અનિવાર્ય કાર્યક્ષમ અંગ તરીકે ક્રિયાશીલ બનતી હોય છે ત્યારે એનો આધાર દેશમાં પ્રવર્તતા આગવા સાંસ્કૃતિક વાતાવરણના પર વિશેષ રહે છે. સંસ્થામાં કૃત્રિમ રીતે ઊભા કરવામાં આવેલા ‘પેડેગોગિક એટમોસ્ફિયર’ પર એ આધાર રાખતી નથી. એ એનો પ્રાણવાયુ ન હોઈ શકે. આવા બાહ્ય અને આન્તરિક દબાણ વચ્ચે સન્તુલન સ્થાપવાનું અનિવાર્ય થઈ પડે છે. એના સંગીન પાયા પર જ શિક્ષણ સંસ્થાને ઊભી કરી શકાય.
આપણે તો પશ્ચિમના માળખાનું અનુકરણ કરીને શિક્ષણસંસ્થાઓ ઊભી કરવાનો જ ઉત્સાહ બતાવ્યો છે, અને આપણા સાંસ્કૃતિક સન્દર્ભને અનુરૂપ શિક્ષણવ્યવસ્થા ટાળતા રહ્યા છીએ. આજે મોટા ભાગના લોકો સાંસ્કૃતિક શૂન્યાવકાશમાં જીવવાને ટેવાઈ ગયા છે. રાષ્ટ્રનો કશો સ્પષ્ટ સંકેત એમની પાસે નથી. આથી જ તો ‘બ્રેઇન ડ્રેઇન’ની સમસ્યા ઊભી થઈ છે. સમાજનો શિક્ષણ પામેલો ઉપલો થર પોતાની ભાષા સુધ્ધાં ખોઈ બેઠો છે અને અંગ્રેજી ભાષા પાસેથી જે શ્રેષ્ઠ પામી શકાય તેનાથી પણ મોટે ભાગે વંચિત રહ્યો છે. આવી પરિસ્થિતિમાં ધનપ્રાપ્તિ અને એથી મળતું પશુસુખ જ જીવનરીતિમાં પ્રાધાન્ય પામે તે દેખીતું છે. આજે શિક્ષક, અધ્યાપકો અને કહેવાતા બુદ્ધિશીલોનો વર્ગ પણ પંદર કે વીસ વર્ષ પાછળ જીવતો હોય એમ લાગે છે. એમ બને કે એમના અભ્યાસના મર્યાદિત ક્ષેત્ર પૂરતી એમની જાણકારી હોય.
સમયનું હાર્દ પારખવાની સૂઝ આપણે શિક્ષણથી કેળવી નથી. એ સૂઝ જ જ્ઞાનનાં બધાં ક્ષેત્રોને ખિલવવામાં અનિવાર્ય બની રહે છે. આ સૂઝનાં પરિવર્તનો લયબદ્ધ હોય છે. એનો બદલાતો લય પારખવાની શક્તિ આપણામાં હોવી જોઈએ. એ પરિવર્તન પેઢી દર પેઢી થતાં રહે છે. એથી બે પેઢી વચ્ચે સમજનો અભાવ પ્રવર્તે છે, એમાંથી જે સમસ્યાઓ અને સંઘર્ષો ઊભાં થાય છે તેની ભૂમિકા સમજવાનો આપણે પૂરો પ્રયત્ન કરતા નથી. આપણી સમજ કેળવવા માટે જે માહિતી જરૂરી લાગે તે પશ્ચિમમાંથી મેળવીએ, પણ આપણી શિક્ષણસંસ્થાનું માળખું પશ્ચિમમાંથી ઉછીનું માગી આણવાની જરૂર નથી. આથી જ તો શિક્ષિતોનો વર્ગ પ્રજાજીવનના મુખ્ય પ્રવાહથી વેગળો થઈ જતો લાગે છે. વર્ણવ્યવસ્થામાં અનેક દૂષણોથી પીડાતા સમાજમાં એક નવો વર્ણ ઊભો થયો છે.
આપણા દેશમાં જે લોકો ઉચ્ચ શિક્ષણની સુવિધાનો લાભ લેતા હોય છે તેઓ ઘણું ખરું સાચા અર્થમાં તેના અધિકારી હોતા નથી. એમને આ સુવિધા પ્રાપ્ત થાય છે. કારણ કે એઓ સાધનસમ્પન્ન છે અને આપણા દેશમાં ઉચ્ચ શિક્ષણ ઘણું ખરચાળ છે, જે સમાજના અલ્પસંખ્ય લોકોને જ પરવડે છે. આ વર્ગની નજર પશ્ચિમ તરફ જ મંડાયેલી હોય છે. આપણે વિદ્યાપીઠમાં જે સુધારણા કરવા માગીએ છીએ તેમાં અસર પાડી શકે એવા મોટા ભાગના અધ્યાપકો પણ જાણે આપણી વિદ્યાપીઠને પશ્ચિમની વિદ્યાપીઠ સાથે સ્પર્ધામાં ઉતારવા માંગતા હોય તેમ લાગે છે. આપણા ઉચ્ચ શિક્ષણમાં વ્યવસાયલક્ષિતા અને સંશોધન-સત્યાન્વેષણ આ બંનેનું વર્ણસંકર મિશ્રણ થયેલું જોવા મળે છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં ‘પ્યોર રિસર્ચ’ તરફ વળનારો વર્ગ બહુ જ નાનો છે. આમ છતાં વ્યવસાયલક્ષી અને સંશોધનલક્ષી આ બન્ને વર્ગને માટે એક જ પ્રકારની શિક્ષણવ્યવસ્થા પ્રવર્તે છે! તો આપણને પ્રશ્ન થાય છે કે ઉચ્ચ શિક્ષણ એ માત્ર આ બેનો સરવાળો જ છે? એથી વિશેષ કશું નથી?
‘સર્વસામાન્ય સંસ્કૃતિ’ જેવી સંજ્ઞા આજકાલ પ્રચારમાં આવેલી દેખાય છે અને એને શિક્ષણના ઉદ્દેશ તરીકે ઓળખવામાં આવે છે. પણ ભૌતિક વિજ્ઞાન કે ગણિત શીખનારો ભણેલો હોઈ શકે, સંસ્કારી પણ હોય જ એવું કહી શકાય નહિ. કોઈ ‘કલ્ચર્ડ ઇન ફિઝિક્સ’ એવું કહે છે ખરું? આમ છતાં સમાજમાં શણગારરૂપ ગણાય એવું નામ આપવાની આપણી નેમ લાગે છે.