વિનોદ જોશીનાં કાવ્યો/કૂવાકાંઠે
Jump to navigation
Jump to search
કૂવાકાંઠે
સોળ સીંચણ બાર બેડલાં રે
કૂવાકાંઠે વહુવારુ કરે વાત,
કિયે ઘડૂલે ઊગ્યો ચાંદલો ને
કિયે ભમ્મર કાળી કાળી રાત;
બોલે ગોરાંદે બોલે સૈયરું રે
કાંઈ બોલે પાડોશણ નાર,
ઝીણાં હસીને ખણે ચૂંટિયું રે
કોણે લીધા ઉજાગરાના ભાર;
કૂણાં કાંડા ને કેડ્ય પાતળી રે
પાણી આવે આવે ને ઝરી જાય,
નેણાં ઢાળીને ગોરી નીરખે રે
હેલ્ય મોતીડે અભરે ભરાય;
ભારી જોબન ભારે ઝાટકા રે
સરે બેવડ મશરૂનાં ચીર,
ઘેરી વળે રે વેરી વાયરા રે
અણજાણ્યાં અદીઠાં વાગે તીર;
આઘી શેરી ને આઘી ઓસરી રે
આઘે આઘે બુઝારે બેઠો મો૨,
ક્યારે ઊડીને ક્યારે આવશે રે
મારી સગી નીંદર કેરો ચોર?