વિનોદ જોશીનાં કાવ્યો/ઘચ્ચ દઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઘચ્ચ દઈ

ઘચ્ચ દઈ દાતરડું ઝિંક્યું કપાસ કેરે છોડ,
ફૂટ્યો પાનેતરનો તાંતણો...

સૈયર આણીપા આવ્ય સૈયર ઓલીપા આવ્ય,
ઓલ્યું દખણાદું ગામ હવે પાદરમાં લાવ્ય;
ઘચ્ચ દઈ...

ઝીણું ઝીણું દળાય જાડું જાડું ચળાય,
ભીનું ભીનું મળાય ઝાંખું ઝાંખું કળાય;

મને ઝાલી લે ઝાલ, મને ઝીલી લે હાલ્ય,
હું તો ઓળઘોળ આજ, હતી ગોળગોળ કાલ્ય;
ઘચ્ચ દઈ...

ઘેરા ઘેરા ઘેઘૂર આખે આખા કે ચૂર,
પાસે પાસે કે દૂર ગમે તેવા મંજૂર;

હું તો વીંઝાતી જાઉં હું તો વીંધાતી જાઉં,
હું તો તેર હાથ તાકામાં બંધાતી જાઉં;
ઘચ્ચ દઈ...