વિનોદ જોશીનાં કાવ્યો/મને ભૂલી તો જો !

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મને ભૂલી તો જો !

મને ભૂલી તો જો!
તેં જ મને તારામાં પૂર્યો
         એ વાતને કબૂલી તો જો!

લોક બધાં જોતાં કે પાંદડું હલે છે
તને એકને જ દેખાતો વાયરો,
તારામાં તુંય હજી આંજે અણસાર
અને મારામાં હુંય ભરું ડાયરો;

પોપચાંનું અંધારું ઓઢીને
         પોયણામાં ખૂલી તો જો!

છેટે રહેવાથી નહીં ટાળી શકાય
મારી પડખેનો આવરો ને જાવરો,
થોડી તું ઘેલી કહેવાય અને
થોડેરો હુંય હજી કહેવાતો બ્હાવરો;

હોઠના હિસાબ હશે હૈયામાં,
         કોક દિ’ વસૂલી તો જો!