વિનોદ જોશીનાં કાવ્યો/સખી ! હું સોળ વરસની થઈ...
Jump to navigation
Jump to search
પોઢણ દીધાં મલમલનાં
ને નીંદર દીધી નંઈ,
સખી! હું સોળ વરસની થઈ...
કમખો માગે પતંગિયાં ઓઢણિયું માગે મોર,
અવસર વરસે અનરાધારે અંધારે ઘનઘો૨;
અમથાં પીધાં ઝળઝળિયાં
ને નજરું પીધી નંઈ,
સખી! હું સોળ વરસની થઈ...
શમણાં રોપ્યાં ઉંબરિયે ઓસરિયે ઊગ્યાં વેણ,
જીવતર ઢાળ્યાં પાંગતમાં ઓશીકે ઊઘડ્યાં નેણ;
વાવડ લીધા પડખામાં
ને અટકળ લીધી નંઈ,
સખી! હું સોળ વરસની થઈ...