વિનોદ જોશીનાં કાવ્યો/‘શિખંડી’નો અંશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
‘શિખંડી’નો અંશ

(ખંડ : ૨)

પ્રવક્તા :

ક્ષણ પછી ક્ષણનાં સ્તર ઉદ્ભવે,
સમયપિંડ અખંડ જતો વધ્યે;
ભીષણ યુદ્ધ પછી અવસાદમાં,
વ્યથિત શાં મરણોન્મુખ ભીષ્મ, હા!

ધવલ મસૃણ શ્મશ્રૂ નાભિપર્યંત દીર્ઘ,
ઝગઝગ દ્યુતિવંતાં બ્રહ્મચર્યે જ ગાત્રો;
બૃહદફલક સ્કંધો, સુપ્ત આજાનબાહુ,
નિમીલિત દૃગ બેઉ ભીતરે દૂર જોતાં.

અકિંચન પરાસ્ત દેહ શ્વસતો સ્વકર્મો સ્મરી,
અતીત તણી આવ-જા સતત વ્યગ્ર ચિત્તે થતી;
ઇષત્ક્ષત જીવિતનું સ્મરણ માત્ર શું પીડતું!
ઉઘાડી ઘડી મૃત્યુદ્વાર વળતી પળે ભીડતું!

ખળભળે અવિરામ અશાતના,
પળેપળે પ્રસરી રહી યાતના
સહજ સ્હેજ ખૂલે હળુ પોપચાં,
તહીં શિખંડી જ સન્મુખ દીસતો!

ઝલમલ થતો આછો વાયુ ઘડીભર સૂસવે,
ઉડુગણ તણી આંખો થાતી અવાચક, રાત્રિયે
લપસતી જતી જાણે એવી ત્વરાથી રહે ધસી,
ક્ષણ પછી ક્ષણો વીતે તેનું છતાં નહીં ભાન ત્યાં!
અશ્રુબિન્દુ છલછલી જતાં લોચને જોતજોતાં,
સામે ઊભો અપલક શિખંડી વિલોકે વિહાસી!
નક્ષત્રોથી અવિદિત ઝરે રાગિણી શી પ્રફુલ્લ!
ન્હાતી તેમાં મદભર અનાવૃત કૈં લ્હેરખીઓ.

અવશ ભીષ્મ વિષણ્ણ, વિષાદના
પડળગ્રસ્ત, હૃદે, પરિવેદના;
નિકટ જોઈ શિખંડી વિહાસતો,
અનુભવે ક્ષણમાં શીય વેદના!

નેત્રો સદ્ય બિડાય, કલાંત હૃદયે અક્ષુણ્ણ જાગે સ્મૃતિ,
ને ગાંગેય અતીત ઉત્ખનનમાં ડૂબે પ્રવેગે કરી;
આવે એ ક્ષણ યાદ એ અપહૃતા અંબા જ -અસ્વીકૃતા
ને ઉન્મલિત-છેવટે વદી હતી, ‘ભીષ્મ, ગ્રહો હે! મને!’

સડસડાટ પસાર થઈ જતી,
મૃદુલ ઝંકૃતિ સુપ્ત શરીરમાં;
સ્મરણની લઈ ટેકણલાકડી,
સુદૂર ભીષ્મ સરે ભૂતકાળમાં.

ભીષ્મ :
કહી નવ શક્યો અરે! કશું ય આજપર્યંત હું,
રહ્યો સબડતો નિગૂઢ દવમાં અભિક્ષિપ્ત હું;
કહું અવ સમાપ્તિકાળ પ્રતિ જોઈ મારી ગતિ,
હજી નિકટ આવ, આવ પ્રિય, હે શિખંડી! હજી...

પળનું પગલું દબાવતું,
પળમાં મોત અહીં પહોંચશે;
ઝબકી ઝબકી ડરાવતો,
હમણાં કાળ અહીં ઝળૂંબશે.

મુજ પ્રતિ પ્રિય! ઉન્નતભ્રૂ ન થા,
સજળ નેત્ર મહીં છલકે કથા;
અતિક્રમી ન શક્યો ક્રૂર દૈવને,
ન અવ શક્ય જ સંઘરવી વ્યથા.

ગાત્રો જાણે ભડભડ બળે સૂસવે શ્વાસ એમાં,
આ શય્યામાં ટળવળવુંયે શક્ય ના હાય! અંબા;
ધીમે ધીમે કરવત ફરે મોતની તીક્ષ્ણ કેવી!
વ્હેરાતો હું રહું વ્યતીતના ભાર નીચે દબાઈ!

પ્રદધ્મ નહીં પાંચજન્ય, નહીં પાર્થનું ગાંડીવ,
ન કોટિ શર પીડતાં, રુધિરસિકત ગાત્રો ય ના;
ન ચિત્ત થતું વ્યગ્ર જોઈ શતલક્ષના નાશને,
પરંતુ બસ, તાહરું સ્મરણ માત્ર પીડે મને.

તું શાલ્વની પ્રિયતમા, તું પ્રદતચિત્તા,
ગાંગેય હું અભિહિત વ્રતબદ્ધ ભીષ્મ;
તું માહરી અપહૃતાય, તિરસ્કૃતાય,
કર્તવ્યમૂઢ અધમાધમ હું જ, હાય!

શરણ અવશભાવે માહરું તેં લહ્યું ’તું,
રણઝણ મુજ હૈયે-એ ક્ષણે કૈં થયું ’તું;
પલકભર પ્રતિજ્ઞા વીસરી મુગ્ધ હૈયે,
અતિશય તુજનેં મેં ચાહી’તી રોમરોમે!

લાંબી ગ્રીવા નમાવી સરવરજળમાં ચીતરે હંસ લ્હેરો,
લજ્જાભારે છુપાવી વદન સુકુમળું હંસિકા ન્હાય તેમાં;
એવું એવું ક્ષણાર્ધે નિમીલિતદૃગથી મેં વિલોકી જ લીધું,
રોમાંચે શી ત્વરાથી પ્રણયઅમૃતનું સત્ત્વ જાણી જ લીધું!

રહ્યું ન કશું ભાનસાન પ્રિય! ડૂબતો હું ગયો,
સુણ્યો પ્રથમ પ્રેમનો સ્વર, ‘ગ્રહો મને, ભીષ્મ હે!’
ખરે વિકલચિત્ત મેં ગ્રહી જ હોત, અંબા! તને,
ચડી સ્મરણમાં અચાનક અરે! પ્રતિજ્ઞા મને.

અયુત યૌવનશ્રીથી રહ્યો અને,
મુજ પિતાસુખ કાજ દહ્યો મને;
વશ કર્યો નિજ દેહ દમી દમી,
જીવિતમાં ન મળ્યું અદકું અમી!

રથ પવનવેગે વીંઝાતો અરુદ્ધ જતો ઉડ્યે,
તરફડ થતી ઝાલી’તી મેં ભુજા મહીં સુંદરી!
પ્રથમ પરણ્યાની શી આલિંગતી મૃદુ સંસ્કૃતિ,
હું ય મનુજ છું, મારી છોડી શકું ક્યમ પ્રકૃતિ?

દૃગ પરોવી દૃગે નવ જોયું તેં,
ન મુજ ભાવ કળી શકી બંધને;
પ્રથમ સ્પર્શ તણી ક્ષણ એ હતી,
પ્રથમ એ ક્ષણ કામ્ય તને ગણી.

ઝણણ ઝાલર કોઈ ઝણેણતી.
પલકમાત્ર સકંપ અનુભવી;
સકલ ગાત્ર પ્રહર્ષિત સ્પંદને,
ફરફર્યો ધ્વજ ઉત્પ્લુત સ્યંદને.

તને મેં પીડી છે અવશ બની ઉત્ક્રાન્ત તનથી,
તને મેં ચાહી છે વિવશ બની ઉદ્ભ્રાન્ત મનથી;
પ્રતિજ્ઞા સંતાપે ઘડી, ઘડી ઝુરાપો પ્રણયનો,
શ્વસું છું આ છેલ્લી ક્ષણ સુધીય આતંક દવનો.

મયંક દ્યુતિમંત હું ન કદી પૂર્ણિમાનો થયો,
થયો નવ અમાસની તિમિરઘેરી કો’ રાત્રિયે;
અરે! અધવચાળ અષ્ટમી તણો રહ્યો ચંદ્ર હું,
ન શુક્લ, નહીં કૃષ્ણ! પૂર્ણપદ કોઈ ના સાંપડ્યું!

આપદ્ધર્મ બજાવવા ડગ ભર્યું વચ્ચે પ્રતિજ્ઞા પડી,
તેને સાચવી તો તને રઝળતી રાખી જ દુર્દૈવમાં;
અદ્યાપિ ઝૂરતો રહ્યો અહીં તહીં આક્રાન્ત, કેવી વ્યથા!
પશ્ચાત્તાપ મહીં હવે પ્રજળતી મારી અકારી કથા!

સદ્ભાગ્ય! આજ મુજ સન્મુખ તેં ઊભીને
આયુધ એક પછી એક મને જ તાક્યાં;
એક્કેક બાણ તુજ ચુંબન જેમ ઝીલ્યાં,
અક્કેક ઘાવ ફૂલ જેમ પ્રપૂર્ણ ખીલ્યા!

ઇચ્છામૃત્યુ અજિત હું છતાં યાતનાગ્રસ્ત મારું,
વીત્યું કેવું જીવિત સઘળું! અર્થ આયુષ્યનો શું?
બબ્બે જન્મો તુંય તરફડી દીપ્ત વૈરાગ્નિ મધ્યે,
પામી આજે પ્રથિત, પણ નિર્વેદથી આર્દ્ર છે તું!

નિકટ બેસી પસાર લલાટને,
દૃગ પરોવી દૃગે દુઃખ જોઈ લે;
સળગતા કુરુક્ષેત્રની સાક્ષીએ
કર અનુગ્રહ શીતળતા ભર્યો !

પ્રવક્તા :

છલછલી જતાં નેત્રે બેઠો શિખંડી સમીપમાં,
નિજ કર થકી લૂછે અશ્રુ શરાધી

ન ભીષ્મનાં;
વ્રણ રુધિરથી દૂઝે, સૂઝે કશું નવ બ્હારનું,
અવ ભીતરના ઊંડાણોમાં નિગૂઢ હતું કશું!

૫૨મ વ્યથિત ચિત્તે શ્વાસ ઊંડા ભરે છે,
નિરવધિ દુઃખ એનાં નેત્રમાં તર્વરે છે.

લચકતી ડગ માંડતી શર્વરી,
નભ વિશાળ પટે જતી નર્તતી;
મદભર્યા પદતાલ પરે થતા,
ઉર વિદારી વિલોપિત તારકો.

સુમંદ શીળી મૃદુ લ્હેરખીમાં,
ક્ષણો રહી ઝૂલતી આમતેમ;
નક્ષત્રશ્રેણી ભરી અંજલિમાં,
શો કાળ ઊભો અહીં અર્ધ્ય આપવા!