વિવેચનની પ્રક્રિયા/ગુજરાતી વિવેચન સાહિત્ય : ૧૯૭૮-૭૯

ગુજરાતી વિવેચનસાહિત્ય : ૧૯૭૮–૭૯[1]

આપણી સાહિત્યવિવેચનની પ્રવૃત્તિ મંદ હોવાની ટીકા થઈ શકે એવી પરિસ્થિતિ નથી! એવી પરિસ્થિતિ થોડી હોત તો સારું એમ ૧૯૭૮–૭૯ના કેટલાક સંગ્રહો જોતાં લાગે છે. આ બે વર્ષમાં પ્રગટ થયેલા લેખસંગ્રહો ઉપરથી આ સમયની વિવેચનપ્રવૃત્તિનો ક્યાસ ન બાંધી શકાય, કારણ કે છૂટક લેખોરૂપે તે વહેલાં સામયિકોમાં તો પ્રગટ થઈ ગયા હતા જ! ગ્રંથસ્થ હમણાં થયા. ખાસ કરીને મહાનિબંધાની બાબતમાં અને શ્રી સુન્દરમના વિચારસંપુટની બાબતમાં એમ બન્યું છે. ગમે તેમ, ૧૯૭૮–૭૯નાં વર્ષોમાં પ્રગટ થયેલાં વિવેચનવિષયક પુસ્તકો તપાસવાનો અહીં પ્રયત્ન છે.

સર્જનની સાથે વિવેચન કદમ મિલાવતું નથી એમ કહેવાય છે, પણ ક્યાંથી મિલાવે? અત્યારે કેટલું જાતજાતનું લખાય છે? એ બધાંનું વિવેચન થઈ શકે એવી વ્યવસ્થા આપણે ત્યાં નથી. આપણી પાસે વિવેચનનાં સામયિકો કેટલાં? જે કાંઈ છે એમાં પણ ‘જાણીતા’ લેખકોની કૃતિઓની સમીક્ષાઓ પ્રગટ થાય છે. એક ‘ગ્રંથ’ના આછાપાતળા અપવાદ સિવાય ઓછા જાણીતા પણ જાણીતા થવા જોઈએ એવા લેખકોની કૃતિઓનાં અવલોકનો ખાસ જોવા મળતાં નથી. તેમને આપણે અનુલ્લેખથી જ મારી નાખ્યા છે! સાહિત્યનાં વિવિધ સ્વરૂપોના ઐતિહાસિક વિકાસના લેખોમાં એમનું કોઈ નામનિશાન નથી (હવે ગુજરાતી સાહિત્ય પરિષદના બૃહદ્ ઇતિહાસમાં એમનો ઉદ્ધાર થશે એવી અપેક્ષા છે) અસંખ્ય લેખકોને પોતાની કૃતિઓ વિશે કશો જ અધિકૃત પ્રતિભાવ સાંપડતો નથી. તેમને કશું માર્ગદર્શન મળતું નથી. તેઓ લખ્યે રાખે છે, વાચકો વાંચ્યે છે અને પ્રકાશકો છાપ્યે રાખે છે! આજની પરિસ્થિતિમાં ગુજરાત સાહિત્યસભાની કાર્યવાહીઓની અ–નિવાર્ય અનિવાર્યતા વરતાય છે.

અહીં આજે અવલોકવાનાં પુસ્તકમાં સામાન્ય રીતે જાણીતી કૃતિઓનાં વિવેચનો જ છે, અમુક કેસોમાં તો ચાર પાંચ એની એ કૃતિઓ વિષે એક કરતાં વધારે વિવેચકોએ કલમ ચલાવી છે અને તે સૌને કશું નવું કહેવાનું છે એવું પણ નથી. આપણા વિવેચનલેખોનાં પુસ્તકોની સર્વસામાન્ય ઢાંચો એ પ્રકારનો છે કે બે ત્રણ સાહિત્યશાસ્ત્રને લગતા લેખો, એકાદ બે પ્રવાહદર્શનના લેખો, એકાદ પાશ્ચાત્ય કૃતિ કે કર્તા વિશેનો લેખ એમાં મૂકવામાં આવે છે, બાકીનાં બધાં અવલોકનો હોય છે. પાશ્ચાત્ય વિવેચકો Literary critic અને Reviewer એ બે શબ્દ દ્વારા બંનેના કાર્યનો ભેદ કરે છે. આપણી પાસે સમીક્ષકો ઠીક ઠીક છે, વિવેચકો આંગળીને વેઢે ગણાય એટલા. વિવેચ્ય સંગ્રહોમાં પણ મધ્યકાલીન સાહિત્ય વિષેના લેખોનું પ્રમાણ ઓછું છે, નર્મદ–દલપત–યુગમાં પણ આપણી ખાસ ગતિ જણાતી નથી, ગાંધીયુગ અને અનુગાંધીયુગમાં અને છેલ્લા વીસ–પચીસ વર્ષના સાહિત્યમાં આપણે ચક્કર લગાવીએ છીએ!

બીજી એક લાક્ષણિકતા તે મહાનિબંધોના અને એકાદ રડ્યાખડ્યા અપવાદ સિવાય વિવેચનનો પ્રકરણબદ્ધ ગ્રંથ આપણને મળ્યો નથી. સામયિકોમાં પ્રગટ થયેલા કાચા–પાકા લેખો ગ્રંથસ્થ થઈ શક્યા એમાં ગુજરાત સરકારની શિષ્ટ માન્ય પુસ્તકોને પ્રકાશન સહાય આપવાની યોજના મુખ્યત્વે કારણભૂત છે. આ યોજનાનું સુપરિણામ મહાનિબંધોના પ્રકાશનમાં પ્રગટ્યું છે. એકાદ–બે દશકાથી અપ્રગટ રહેલા મહાનિબંધો આ યોજનાને કારણે પ્રકાશિત થઈ શક્યા. તે તે વિષય પર કામ કરનારાઓ માટે આ બધી સામગ્રી ગ્રંથસ્વરૂપે સુલભ બની એ એનો મોટો લાભ છે. એ સિવાયના લેખસંગ્રહોના પ્રકાશનમાં વિષયવાર, સ્વરૂપવાર કે અમુક સમયગાળા અંગેના નિબંધોને એક આકૃતિમાં મૂકીને એમનું પ્રકાશન કરવામાં આવે તો તે બધું ઉપયોગી નીવડી શકે. સ્વતંત્ર રીતે પ્રકાશન કરનારને પણ આ વસ્તુ લાગુ પડે છે.

હવે ૧૯૭૮–૭૯માં પ્રગટ થયેલા વિવેચનલેખોના સંગ્રહોને અવલોકતાં પહેલાં આ સમયગાળામાં પ્રગટ થયેલા થિસીસની નોંધ લઉં. આ સમયગાળામાં મધ્યકાલીન સાહિત્યના કોઈ કોઈ અંગને વિષય બનાવીને લખાયેલા મહાનિબંધો પ્રગટ થયા છે. શ્રી બાબુલાલ શાહનો ‘પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન’ અનેક સંદર્ભો ઉપરથી એ સમયની રાજકીય સ્થિતિ, રીતરિવાજો, ધાર્મિક વિધિઓ, આર્થિક વ્યવસ્થા વગેરે વિષે કીમતી સામગ્રી સુલભ કરી આપે છે. સાંસ્કૃતિક ઇતિહાસની દૃષ્ટિએ પણ એમનાં તારણો મૂલ્યવાન ગણાય. ડૉ. ઇન્દુપ્રસાદ ભટ્ટ ‘પ્રેમાનંદ શામળના સમયની લોકસ્થિતિ અને તેનું પ્રેમાનંદ–શામળે પોતાની કૃતિઓમાં કરાવેલું દર્શન’ એનું શીર્ષક સૂચવે છે તેમ, પ્રેમાનંદ–શામળના સમયની ધાર્મિક, રાજકીય અને લોકસ્થિતિનું ચિત્રણ આપે છે. અલબત્ત કવિઓની કૃતિઓમાંથી મળતા ઉલ્લેખો પરથી એ સમયની સ્થિતિનું જે ચિત્ર સાંપડે તે અદ્દલ વાસ્તવિક જીવનનું છે એવું તારણ તો ન કાઢી શકાય. લેખકને પણ એ અભિપ્રેત નથી. તેમ છતાં તેમણે પૂરેપૂરી વૈજ્ઞાનિક પદ્ધતિએ બધા ઉલ્લેખો તારવી જે દોહન રજૂ કર્યું છે તે મૂલ્યવાન છે. આ મહાનિબંધ લેખકની સંનિષ્ઠ અભ્યાસશીલતાથી મંડિત છે ‘રાસયુગમાં પ્રકૃતિનિરૂપણ’ એ ડૉ. ધીરુ પરીખનો મહાનિબંધ છે. તેમણે પ્રાક્–નરસિંહ યુગની કવિતામાં કેવું વૈવિધ્યસભર પ્રકૃતિનિરૂપણ મળે છે તે ઉદાહરણ સહિત દર્શાવી કાવ્યસૌન્દર્યની દૃષ્ટિએ એનું મૂલ્યાંકન કર્યું છે. આ કાર્ય માટે તેમણે કેટલીક હસ્તપ્રતોનો પણ ઉપયોગ કર્યો હોઈ એ શ્રદ્ધેય બન્યું છે. શ્રી અશ્વિનભાઈ પટેલે ‘પ્રીતમ–એક અધ્યયન’માં મધ્યકાળના કવિ પ્રીતમ વિશેની વિગતો એક સાથે મૂકી આપી એની મૌલિક અને અનુવાદિત કૃતિઓનું અવલોકન કરી એના અક્ષરદેહનું જે ચિત્ર આંક્યું છે તે અભ્યાસીઓને ઉપયોગી છે.

અર્વાચીન સાહિત્યમાં ડૉ. કૃષ્ણકાન્ત કડકિયાએ ૧૯૨૧થી ૧૯૪૦ સુધીની ગુજરાતી અને હિંદી ઐતિહયમૂલક નવલકથાઓનો તુલનાત્મક અભ્યાસ રજૂ કર્યા છે. તેમના મહાનિબંધનો એક જ ખંડ પ્રકાશિત થયો છે. ડૉ. ભરતકુમાર ઠાકરે ગુજરાતી રંગભૂમિના ઘડવૈયા ડાહ્યાભાઈ ધોળશાજીનું સર્વાંગી અધ્યયન રજૂ કયું છે. શ્રી જયંત વ્યાસે મુનશીની ઐતિહાસિક નવલકથાઓનો અભ્યાસ પ્રસ્તુત કર્યો છે. ડૉ. સુમન શાહનો ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ એ મહાનિબંધ આધુનિક યુગના પ્રતિભાશાળી સર્જક અને વિવેચક ડૉ. સુરેશ જોષીના સમગ્ર સાહિત્ય અને ગુજરાતી સાહિત્ય પરના પ્રભાવને વિગતે વર્ણવે છે. એ નિમિત્તે આધુનિક ગુજરાતી સાહિત્યનું પણ એક ચિત્ર એમાં ગૂંથાઈ ગયું છે. લેખકનો સંગીન અભ્યાસ વિષય પરની મજબૂત પકડને કારણે સુરેશ જોષી જેટલો જ પ્રભાવક નીવડ્યો છે.

૧૯૭૮–૭૯ના વિવેચન લેખોના સંગ્રહોમાં સૌ પ્રથમ શ્રી સુન્દરમ્ આપણું ધ્યાન ખેંચે છે. શ્રી સુન્દરમના ‘વિચારસંપુટ’ના ત્રણ ગદ્યગ્રંથો ૧૯૭૮માં પ્રગટ થયા છે : ‘સાહિત્ય ચિંતન’, ‘સમર્ચના’ અને साविद्या. એમાં પહેલો ગ્રંથ શુદ્ધ વિવેચનનો છે. એમાં સાહિત્યની તાત્ત્વિક વિચારણા આપતા લેખો, પ્રો. જે. એચ. કઝિન્સ અને સી. ડી. લુઈના કળા–કવિતા વિષેના વિચારોનું દોહન–વિવરણ બળવંતરાયની કવિતાનું રસદર્શી વિવેચન, ગુજરાતી નિબંધસાહિત્યનું વિસ્તૃત અધ્યયન વગેરે આપવામાં આવ્યું છે. ‘સમર્ચના’ના દલપતરામ, કલાપી, બોટાદકર, મેઘાણી વગેરે વિષેના લેખોમાં તે તે કવિના જીવનની સાથે એના કવનને પણ અવલોક્યું છે. ગુજરાતી સાહિત્ય ઉપર ગાંધીજીની અસરનો લેખ પૂરો થઈ શક્યો હોત તો સારું. બળવંતરાયના તેમણે આપેલાં સંસ્મરણો આહ્લાદક છે. સંગ્રહમાં થોડા અંજલિલેખો પણ છે. પાઠક સાહેબ વિષેનો અંજલિલેખ અંગત સંસ્મરણોથી રોચક બન્યો છે અને ગાંધીયુગના આ સાહિત્યગુરુની વિભૂતિમત્તાને સુપરે ઉપસાવે છે.

આ સંગ્રહોમાં શ્રી સુન્દરમે પોતાના અધ્યયનો અને દીર્ઘ વિવેચનાત્મક લેખોની સાથે નાના, પ્રાસંગિક કક્ષાના પ્રકીર્ણ લખાણો પણ સમાવિષ્ટ કર્યાં છે. શ્રી સુન્દરમના સમગ્ર ગદ્યની ઇબારતનો પણ એથી ખ્યાલ આવે છે. વિવેચક તરીકે શ્રી સુન્દરમની સહૃદયતા, રસિકતા, સાહિત્યપ્રીતિ, સમગ્ર પરિવેશની જાણકારી અને એક બૃહદ સંદર્ભમાં સાહિત્યપદાર્થનું યથાર્થ મૂલ્યાંકન કરવાની શક્તિનું દર્શન થાય છે. એમાં સ્થળે સ્થળે આવતાં અંગત સંસ્મરણો વિષય નિરૂપણમાં એક ઝીણી ભાત ઉપસાવે છે, અને એમના નિબંધો વાંચ્યા પછી સાહિત્યના વાચનનો આસ્વાદ મળે છે. આ બધાં લખાણોમાં શ્રી સુન્દરમ્ એક ગદ્યકાર તરીકે–મોટા ગજાના ગદ્યકાર તરીકે–આપણી સમક્ષ આવે છે. તેઓ વાક્યો રચતા નથી, પરિચ્છેદો રચે છે. પ્રવાહિતા અને વિશદતા આપણું તરત ધ્યાન ખેંચે છે. ક્યારેક એમના ગદ્યમાં સંમાર્જનનો અભાવ વરતાય, પણ એનું સાટું ઓઘવતી શૈલી વાળી દે છે. પ્રશિષ્ટ, ચિત્રાત્મક અને પ્રવાહી ગદ્યના સર્જક તરીકે શ્રી સુન્દરમની જે છબિ ઊપસે છે તે આકર્ષક નીવડે છે. વિવેચનાત્મક નિબંધો પણ અંગત નિબંધના ઢાંચામાં ઢળતા જણાય છે. વિવેચક તરીકે શ્રી સુન્દરમના વ્યક્તિત્વનો સ્પંદ ચાલુ અનુભવાય છે–આ વ્યક્તિત્વ અનાક્રમક, સૌમ્ય અને છતાં પ્રભાવક છે, ‘સા–વિદ્યા’માં તત્ત્વજ્ઞાન, ધર્મ, શ્રી અરવિંદ જીવનદર્શન વગેરે વિશેના લેખો છે, એમાં પણ મહીડા પારિતોષિક પ્રદાન વેળાનું ‘પરાવરની યાત્રા’ વ્યાખ્યાન અને પરિષદના સાહિત્યવિવેચન વિભાગના પ્રમુખ તરીકે આપેલું ‘તપોગિરિની આનંદયાત્રા’ વ્યાખ્યાન સાહિત્યની દૃષ્ટિએ મહત્ત્વનાં છે. ‘મારી સર્જન પ્રક્રિયા’ અને ‘મારી કાવ્યસાધના’ કાંઈક અંગત કક્ષાના છતાં કવિના આંતરજીવનને પ્રગટ કરી આપતા મૂલ્યવાન લેખો છે. ‘યોગના ચક્રમાં’ પોતે કેમ ફિટ થઈ ગયા એની કથા પણ કવિની આંતરિક પ્રતીતિજનક શ્રદ્ધાનો આલેખ આપે છે.

ગાંધીયુગના બીજા કવિ–વિવેચક શ્રી મનસુખલાલ ઝવેરીનો ‘દૃષ્ટિકોણ’ જોઈએ. આપણે ત્યાં કવિ–વિવેચકોની ઉજ્જ્વલ પરંપરા છે, એ પરંપરા બાંધવામાં શ્રી મનસુખલાલ ઝવેરીનો પણ ફાળો છે. ‘અભિગમ’ પછીનો તેમનો સંગ્રહ ‘દૃષ્ટિકોણ’ આ હકીકતને વધુ પુષ્ટ કરે છે. વિવેચકમાત્રમાં સ્વકીય દૃષ્ટિકોણનું પ્રવર્તન હોય જ, પણ અહીં સંગૃહીત લેખોમાં એ ‘વિશેષ’ રૂપે પ્રતીત થાય છે. પછી કાકાસાહેબના કલાવિચારની કે આનંદશંકરના કલાદર્શનની પર્યેષણા હોય, રમણલાલ વ. દેસાઈની નવલકથા ‘દિવ્યચક્ષુ’નું મૂલ્યાંકન હોય કે સાંપ્રત સાહિત્યમાં અર્વાચીનતાની વિભાવનાનું વિશ્લેષણ હોય – શ્રી મનસુખભાઈને પોતાનું ચોક્કસ દૃષ્ટિબિંદુ હોય છે, એ માટેનો આગ્રહ હોય છે, પણ પૂર્વગ્રહ કે અહમહમિકા ક્યારેય હોતાં નથી. એમના અભિપ્રાયોને આપણે નિઃશંક ‘નિર્ભીક’ કહીને નવાજી શકીએ, પણ એ પોતે એમના આ ગુણથી સહેજ પણ સભાન નથી એથી તો એ ‘ગુણ’ રહે છે. એમની સમગ્ર ચર્ચામાંથી અભિપ્રાય નિષ્પન્ન થતો આવે છે. તે પોતાની વાત તર્ક સુસંગત રીતે રજૂ કરે છે, એ અંગેની દલીલો આપે છે, પણ સર્વત્ર વૈજ્ઞાનિકતાની સાથોસાથ સહૃદયતાજન્ય વ્યાપક સમભાવ સંલગ્ન હોવાને કારણે એમનાં લખાણો માત્ર આસ્વાદ્ય જ નહિ, વિચારપ્રેરક પણ નીવડે છે. એમનાથી વિભિન્ન મત ધરાવનારને પણ એમના નિરૂપણમાં રસ પડે છે કારણ કે વાચક પ્રત્યે એક આદરનો ભાવ એમાં અનુચ્યુત રહેલો હોય છે.

સાંગોપાંગ અભ્યાસ એ શ્રી મનસુખલાલની વિવેચનાનો આગળ તરી આવતો ગુણ છે. ગાંધીજીના કલાવિચારની તેમણે સાંગોપાંગ તપાસ કરી છે. તે એક મુદ્દાની છણાવટ કરતાં કહે છે : ‘ભાષાને ગાંધીજી એને બોલનારાઓના ચારિત્ર્યનું દર્પણ ગણે છે, જેવું બોલનારાઓનું જીવન અને ચારિત્ર્ય તેવું તેમની ભાષાનું સ્વરૂપ. આપણી ભાષામાં વિવેક વિનયના અતિરેકવાળા શબ્દોની જે છત છે તે આપણે ઘણાં વર્ષ થયાં પરાશ્રિત દશામાં પડ્યાં છીએ તેને લીધે છે. જે જીવનમાં હોય તે ભાષામાં આવે. શૌર્ય વગેરેનો જે ભાવ આપણે અનુભવતાં ન હોઈએ તે વ્યક્ત કરવા માટે કોઈ શબ્દ આપણે પરભાષામાંથી લાવીએ તો તેનાથી આપણી ભાષાની ગુંજાશ કે સમૃદ્ધિ વધશે નહિ. આપણે શૂરવીર બનીશું ત્યારે જ શૌર્યવાચક શબ્દો આપણી ભાષામાં રૂઢ થશે.’ કાકાસાહેબનો કલાવિચાર પણ તત્ત્વતઃ ગાંધીજીનો જ કલાવિચાર છે એમ તેમણે કહ્યું છે. મશરૂવાળાની ‘સમૂળી ક્રાન્તિ’ની ઝીણી સમાલોચના મનસુખભાઈએ કરી છે, એ ‘ક્રાન્તિ’ની મર્યાદાઓ પણ તેમણે બતાવી છે. તેમ છતાં સમગ્ર રીતે મશરૂવાળાની ‘આખી વિચારણા એક સ્વસ્થ, સંનિષ્ઠ, રાષ્ટ્રહિતચિંતક સાધુપુરુષની જાગ્રત વિવેકબુદ્ધિનું જ ફળ છે’ એમ કહ્યું છે. ‘દિવ્યચક્ષુ’ની કચાશો તેમણે ઉદાહરણ સમેત દર્શાવી છે.

આજકાલ સૈદ્ધાન્તિક ચર્ચાના અને સમીક્ષાત્મક લેખો ઠીક ઠીક લખાતા હોવા છતાં સ્વાધ્યાયલેખો પ્રમાણમાં ઓછા જોવા મળે છે. અહીં શ્રી મનસુખલાલે તો આવા Studies જ આપ્યા છે. આનંદશંકર, ગાંધીજી અને કાકાસાહેબ જેવા ભિન્ન પ્રકૃતિના અને રૂચિના મનીષીઓના કલાવિચારની સૂક્ષ્મ તપાસ તેમણે કરી, એ રીતે ‘સાહિત્યવિચાર’ અને ‘સમૂળી ક્રાન્તિ’ની સમીક્ષા પણ આપી. તે અનેક સંદર્ભોમાં ચર્ચ્ય વિષયનું આકલન આપે છે, પ્રસંગોપાત્ત વિશ્લેષણ–સંયોજન કરે છે, ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય તેમને હંમેશાં હાથવગો હોય છે પણ મૂલ્યાંકન હંમેશાં ચર્ચામાંથી પરિણમે છે. કવિ ન્હાનાલાલના ‘મહાકાવ્ય’ વિશે તે કહે છે : ‘કુરુક્ષેત્ર કવિની પરિણત પ્રજ્ઞાનો આવિષ્કાર નથી જ; પણ કોઈ ખાસ ગણનાપાત્ર કૃતિ પણ નથી.’ અથવા તો અત્યારના સાહિત્યમાં ‘વિરૂપ અને અભદ્ર કુત્સિત અને દુર્ભગનું આ વળગણુ ઝાઝું નહિ નભે’ એેવો મત ઉચ્ચારે – વિવેચના ક્યાંય ઉભડક રહેતી નથી, અભિપ્રાયો વળગણરૂપ બનતા નથી. શ્રી મનસુખલાલે ઉમાશંકરનાં નાટકોની તલસ્પર્શી સમીક્ષા ‘ઉમાશંકર નાટકકાર’ એ પુસ્તિકામાં કરી છે.

શ્રી સુંદરજી બેટાઈનો ‘સુવર્ણમેઘ’ પછીના વિવેચન લેખોના સંગ્રહ ‘આમોદ’માં એમના તેજસ્વી સ્વાધ્યાયના પરિપાક રૂપે જુદા જુદા વિષયો પરના જે અભ્યાસનિબંધો આપણને મળ્યા છે એમાં શિરમોર જેવો નિબંધ તે ‘ગુજરાતી સાહિત્યમાં અનુષ્ટુપ્’નો છે. તેમણે આ દીર્ધ નિબંધમાં નરસિંહરાવ, કાન્ત, કલાપી, બળવંતરાય, ન્હાનાલાલ અને રા. વિ. પાઠક વગેરે કવિઓએ પ્રયોજેલા અનુષ્ટુપની ઝીણી ચર્ચા કરી છે. કાલિદાસ અને વાલ્મીકિ એ એમના પ્રિય કવિઓ વિશેના લેખોમાં તેમનો ઉમળકો પ્રગટ થયો છે. કવિ ન્હાનાલાલના કાવ્યસતનું તેમનું અનુશીલન દ્યોતક દૃષ્ટિબિંદુઓ આપવા સાથે એમની કવિતાના સૌંદર્ય – અંશને પ્રગટ કરી આપે છે. આપણા ઘણા કવિઓએ શ્રીમદ્ ભગવદ્ગીતાનો અનુવાદ કર્યો છે. શ્રી બેટાઈએ પણ એક દસકા પહેલાં કરેલા એના સમશ્લોકી અનુવાદ ‘રોમહર્ષિણી’ની પ્રસ્તાવના સંગ્રહમાં મૂકી છે. ગીતાનું રોમહર્ષણ તત્ત્વ એના ધર્મ્યામૃતમાં છે અન એનો વિશેષ એ ધર્મ્યામૃતને કાવ્યમય રૂપે પ્રગટ કરવામાં છે તે તેમણે સારી રીતે બતાવ્યું છે. ટૂંકી સમીક્ષાઓમાં ગુલાબદાસ બ્રોકરના કાવ્યસંગ્રહ ‘વંસતે’નો ઉપોદ્ઘાત, નર્મદની ‘વીરરસની કવિતા’, ‘જશોદા તારા કાનુડાને’, ‘કોઈ માધવ લ્યો’, ‘ભણકારા’નું રસદર્શન વગેરેનો સમાવેશ થાય છે. પોતાના કાવ્ય ‘પાંજે વતનજી ગાલ્યું’નું રસદર્શન અને એમની સર્જનપ્રક્રિયા વિશેનો લેખ નોંધપાત્ર છે. વિવેચન લેખ ન કહી શકાય તેમ છતાં પોતાનાં સવાઈ માતા માણેકબાઈનું રેખાચિત્ર પણું નોંધવા યોગ્ય છે. ‘સત્’ અને ‘કૌતુક’ એ શ્રી બેટાઈના પ્રિય શબ્દો છે. વિવેચક તરીકે આ બે તત્ત્વોની તેમની શોધનો આલેખ ‘આમોદ’માં ઝિલાયો છે.

‘મૂલ્યાંકનો’ એ શ્રી ઉશનસનો ચોથો વિવેચન સંગ્રહ છે. આ લખનારે એને ‘સહૃદયભર્યાં માર્મિક મૂલ્યાંકનો’ રૂપે ઓળખાવેલો. સંગ્રહના મોટા ભાગના લેખો કવિતાવિષયક છે. ગુજરાતી કવિતાને તેમણે ભાષા, છંદ, લય, અલંકાર વગેરે દૃષ્ટિએ તપાસી છે. એમની તપાસ સર્વગ્રાહી અને સૂક્ષ્મ છે. ગુજરાતી કવિતામાં પ્રગટ થયેલી આધુનિક્તા અને સાચી પ્રયોગશીલતાને પણ તેમણે ઉત્સાહપૂર્વક પોંખી છે. પ્રહ્લાદ પારેખ, રાજેન્દ્ર શાહ, પ્રિયકાન્ત મણિયાર, સુરેશ જોષી, નલિન રાવળ આદિની કવિતા ઉપર તેમણે વિગતે લખ્યું છે. તો દયારામ, ન્હાનાલાલ, કલાપી જેવા પુરોગામી કવિઓની કવિતા વિશે પણ તાજગીભર્યાં નિરીક્ષણો આપ્યાં છે. સમગ્રતયા સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા વિષે તેમણે એક લઘુગ્રંથ જેટલું કામ કર્યું છે. આ ઉપરાંત તેમણે ગુજરાતી સાહિત્યમાં નારીભાવનાનો વિકાસ ચર્ચ્યો છે, પન્નાલાલને ‘ખેતી અને પ્રીતિના કવિવર’ તરીકે ઓળખાવી વિગતે છણાવટ કરી છે. ‘સરસ્વતીચંદ્ર’ તથા ‘રાઈનો પર્વત’માં રેનેસાંની આબોહવા વિશે લખ્યું છે તો નવલકથાકાર ‘દર્શક’ની કૃતિઓમાં પ્રગટ થતા વાર્તાદર્શન–વિકાસ અંગેના લેખો પણ આપ્યા છે. શ્રી બેટાઈની જેમ તેમણે પણ પોતાની સર્જનપ્રક્રિયા વિષેનો લેખ સંગ્રહમાં મૂક્યો છે. રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રદાન પ્રસંગનું પ્રવચન એમની કાવ્યભાવનાનો ખ્યાલ આપે છે.

‘સાંપ્રત’ એ શ્રી રાધેશ્યામ શર્માનો ‘વાચના’ પછીનો વિવેચનલેખોનો સંગ્રહ છે. ‘સંસ્કૃતિ’, ‘ગ્રંથ’, ‘નિરીક્ષક’, ‘સંજ્ઞા’ આદિમાં તેમણે કવિતા, નવલકથા, ટૂંકી વાર્તા, નિબંધ અને વિવેચન વિષયક કૃતિઓનાં કરેલાં અવલોકનો અને સાહિત્યિક પ્રશ્નો અંગે કરેલી ચર્ચાના લેખો આ પુસ્તકમાં મૂક્યા છે. પણ તેમણે લેખોની જે ગોઠવાણી કરી છે એમાં ઉમાશંકરના ‘કવિની શ્રદ્ધા’ પુસ્તક વિશેની ચર્ચાનો લેખ ‘કવિતા’ વિભાગમાં મૂક્યો છે. એ જ રીતે ચિનુ મોદીના મહાનિબંધ ‘ખંડકાવ્ય’ વિશેનો લેખ પણ કવિતા વિભાગમાં મૂક્યો છે. વાસ્તવિક રીતે આ વિવેચનનું વિવેચન જ છે. એ રીતે ‘ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો’ અને ‘ભારતીય નવલકથા’ બંને પણ વિવેચન વિભાગમાં ચાલે, તેમણે એમને નવલકથામાં મૂક્યા છે. આ તો ગોઠવણીનો પ્રશ્ન થયો, તેમના લખાણની વાત કરીએ તો વિવેચ્યકૃતિની ઝીણવટપૂર્વકની તપાસ એમના વિવેચનલેખોનો આગળ તરી આવતો ગુણ છે એ તપાસનાં તારણોની રજૂઆત પ્રત્યેક વિવેચન લેખમાં જુદી જુદી હોવાને કારણે સમગ્ર પુસ્તકમાં વિષયવૈવિધ્યની સાથે વિવેચનશૈલીનું વૈવિધ્ય પણ સિદ્ધ થાય છે. પોતાનાં નિરીક્ષણોને તે પાશ્ચાત્ય સાહિત્યનાં સમુચિત દૃષ્ટાંતોથી પુષ્ટ કરે છે અને વાચકને સાહિત્યિક આબોહવાના પરિચયમાં મૂકી આપે છે. તીક્ષ્ણતા એ રાધેશ્યામનો વિવેચક તરીકેનો ગુણવિશેષ છે. વિવેચનનાં ઓજારોને સંપૂર્ણતયા કામે લગાડીને આપણા સાહિત્યનાં વિવિધ સ્વરૂપોને અને સાહિત્યવિષયક પરિસ્થિતિને તપાસતી આ વિવેચક શક્તિને કારણે એમનું વિવેચન વાંચવું ગમે છે. ‘ઓડિસ્યૂસનું હલેસું’, ‘અથવા’, ‘ઈતરા’, ‘અશ્રુઘર’, ‘ઝંઝા’, ‘અમૃતા’ વિશેના લેખોમાં એમની નજર વત્તેઓછે અંશે સંઘટનાની તપાસ પર છે. ગુલામ મોહમ્મદ શેખની ચિત્રસંવેદનાવાળી કૃતિઓને મુખ્યતયા રસાસ્વાદની રીતે તેમણે અવલોકી છે, ચન્દ્રકાન્ત શેઠની ‘નિર્વ્યાજ નિર્દંભ, સરળ અખાની યાદ જગાવતી આખાબોલી વાક્શક્તિ’નો ઉદાહરણસમેત માર્મિકતાથી ભર્યો ભર્યો આસ્વાદ પણ ગમી જાય તેવો છે. ‘ઝંઝા’માં શરદબાબુની દૂરવર્તી છાયા જોવાનો અભિગમ મૌલિક છે. ‘ગૃહપ્રવેશ’ અને ‘અભિનિવેશ’ની વાર્તાઓનો કસબ (લેખકના નિવેદન કે સમીક્ષકોનાં સંવેદન સમેત) વાર્તાકાર વિવેચક જ બતાવી શકે એેવો છે. અન્યનાં પુસ્તકોની સમીક્ષામાં પૂર્વસૂરિઓની સમીક્ષાઓના મુદ્દાને ગૂંથી ચર્ચી લેનાર રાધેશ્યામ પોતાના વિવેચનનું વિવેચન કરનારનું વિવેચન કર્યા વિના કેમ રહે? ‘ગ્રંથ’માં ‘સાંપ્રત’ વિશે ‘પ્રાગ્ વૈજ્ઞાનિક સંસ્કારપરાયણતા’ જોનાર ચન્દ્રકાન્ત ટોપીવાળાની પરિસ્થિતિ તેમણે ‘ફા. ગુ. સ. ત્રૈમાસિક’ના જુલાઈ–સપ્ટે. અંકમાં વર્ણવી બતાવી છે. રાધેશ્યામનો (અને સુરેશ જોષીનો પણ) અભિગમ ‘ઇસ્થેટિક’ છે, વસ્તુલક્ષી ભાષાવૈજ્ઞાનિક વિશ્લેષણથી કલાકૃતિ પૂરેપૂરી પામી શકાય કે કેમ એ પ્રશ્ન તેમણે ઉચિત પરિપ્રેક્ષ્યમાં ઉઠાવ્યો છે.

શ્રી પ્રમોદકુમાર પટેલનો ‘વિભાવના’ પછીનો બીજો સંગ્રહ ‘શબ્દલોક’ સુરેખ અભ્યાસ–આસ્વાદના નમૂના રૂપ છે. સંગ્રહના કુલ દસ લેખોમાં છ લેખો સિદ્ધાન્તચર્ચાના છે. તેમણે આકૃતિની વિભાવના, પ્રકારલક્ષી અભિગમની મર્યાદા, સાહિત્યિક શૈલી અને બહુ ચર્ચાયેલો ભાવાભાસનો પ્રશ્ન ચર્ચ્યો છે. પ્રમોદકુમારની વિશેષતા સાહિત્ય વિવેચનના મૂળભૂત પ્રશ્નો ઊભા કરવામાં રહેલી છે, એની માંડણીમાં તે અનેક પાશ્ચાત્ય સાહિત્યશાસ્ત્રના ગ્રંથોના સંદર્ભો આપે છે, એમનો નિબંધ પ્રશ્નથી શરૂ થઈ પ્રશ્નમાં પરિણમે છે! ‘નવ્ય વિવેચનની ભૂમિકા’ તેમણે ઐતિહાસિક અને તાત્ત્વિક ઉભય દૃષ્ટિએ માંડી આપી છે. પ્રત્યક્ષ વિવેચનના લેખોમાં ગુલામ મોહમ્મદ શેખની કવિતા કે ઉશનસની કવિતાના વિગતવાર અભ્યાસલેખો, આજની ટૂંકી વાર્તા કે કવિતા વિશેના લેખોનો સમાવેશ થાય છે. આ પ્રકારના લેખોમાં ‘ઇસ્થેટિક પ્રોબ્લેમ્સ’ પણ તે રજૂ કરતા રહે છે અને પ્રશ્નોની ફેરતપાસની જિકર કરતા રહે છે, પણ એમ કરવામાં એમની પ્રસ્તારપૂર્ણ શૈલી ક્યારેક અવરોધરૂપ બને છે અને વિવેચન નિબંધનું ગ્રથન ઢીલું પડી જાય છે. નવી પેઢીના વિવેચકોમાં સઘન અભ્યાસ, સંવેદનશીલ પ્રતિભાવ–શક્તિ, સાહિત્યની સૈદ્ધાન્તિક ભૂમિકાની સમજ અને અત્રત્ય–તત્રત્ય સાહિત્યની–વિચારણાની જાણકારી પ્રમોદકુમારને પહેલી હરોળમાં સ્થાપિત કરે છે, એનો સુખદ પરિચય ‘શબ્દલોક’માં થશે.

શ્રી ચન્દ્રકાન્ત શેઠને વિવેચનશૈલી પરત્વે પ્રમોદકુમાર સાથે ઠીક ઠીક નિકટનો સંબંધ છે. તે પણ માંડીને વાત કરનારા છે. એથી સ્વાભાવિક રીતે જ વિષયાન્તરમાં તે રાચે છે અને એમના વાચકો પણ સાચકલી સાહિત્યપ્રીતિથી મંડાયેલી સાહિત્યવાર્તા માણે છે! બીજી રીતે કહું તો એમના વિવેચનલેખોનો પ્રસ્તાર આપણને બહુ કઠતો નથી. નિઃશેષ નિરૂપણ કરવાના લોભમાંથી આ પ્રકારની અધ્યાપકીય નિરૂપણરીતિ વિકસી છે. ‘અર્થાન્તર’માં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સાંસ્કૃતિક ભૂમિકાથી આરંભી પંડિતયુગ, ગાંધીયુગ અને સમકાલીન સાહિત્ય સુધીનો વ્યાપ જોવા મળે છે. ગુજરાતી નવલકથામાં પ્રયોજાયેલા સર્જનાત્મક ગદ્યની જુદી જુદી તરાહો તેમણે તપાસી છે તો ઐતિહાસિક કૃતિઓમાં ઇતિહાસના તથ્યની પણ તાત્ત્વિક વિચારણા તેમણે કરી છે. સૈદ્ધાન્તિક ચર્ચા અને પ્રત્યક્ષ વિવેચન ઉભયમાં ચંદ્રકાન્તની એકસરખી ગતિ છે. આધાર આપ્યા વગર તે વાત કરતા નથી અને તેમના વિવિધ વાચનનો ધજાગરો કરવામાં તેમને રસ નથી, પરિણામે એમના નિબંધો સૌમ્યતાથી અને છતાં પૂરતી સ્પષ્ટાર્થતાથી પોતાના પ્રતિભાવો આપે છે. સાગોપાંગ વિગતવાર અધ્યયનશીલતાથી મંડિત ચન્દ્રકાન્તના વિવેચનલેખો ધ્યાનાર્હ નીવડે છે.

‘અશ્રુઘર’, ‘ફેરો’ કે ‘વિશ્વજિત્’ નવલકથાની તેમની સમસ્યાઓ માર્મિક છે. એમના અભિગમો સાથે સંમત ન થનાર પણ એ અભિપ્રાયો તરફ આવવાની પ્રક્રિયાની પ્રશંસા કરશે.

જયંત કોઠારીનો ‘અનુષંગ’ એ ‘ઉપક્રમ’ પછીનો સંગ્રહ છે. એમાં સિદ્ધાંતસ્વરૂપ ચર્ચાના, અધ્યયનલેખો, અવલોકનો અને અનુવાદ ને ભાષાની ચર્ચા કરતા લેખો મૂક્યા છે. એમના વિવેચનલેખોમાં રામનારાયણ પાઠક અને નગીનદાસ પારેખની વિવેચનરીતિનું સુભગ મિશ્રણ થયેલું છે. તે વસ્તુલક્ષી ચર્ચાને ચુસ્તપણે વળગી રહેતા હોઈ એમના નિબંધોમાં કોઈ ને કોઈ મુદ્દાની ચર્ચા સિવાય ફાલતુ વાતો જોવા નહિ મળે. તેમનું ધ્યાન ચર્ચ્ય મુદ્દાની સાંગોપાંગ ચર્ચા કરવા તરફ હોઈ તે સાદ્યંત પૂર્વપક્ષની માંડણી કરે છે અને વસ્તુલક્ષી દૃષ્ટિએ પોતે ક્યાં જુદા પડે છે તે આવેશ કે ઉદ્રેક વગર રજૂ કરે છે, અને પરિણામે તેમનું નિરૂપણ તથ્યની શોધનું અને શોધમાંથી તથ્ય તારવવાનું થઈ રહે છે. ‘મુનશી અને મધ્યકાલીન સાહિત્ય’ એ લેખનું સ્વરૂપ તપાસવાથી એમની પદ્ધતિનો ખ્યાલ આવશે. મુનશીનાં જુદાં જુદાં પુસ્તકો અને વ્યાખ્યાન નિબંધોમાં રજૂ થયેલા મધ્યકાલીન સાહિત્ય વિષેના અભિપ્રાયો અને તારણોની ચર્ચા સરસ થઈ છે. એમાં પ્રસંગોપાત્ત મુનશીના બચાવપક્ષે ઊભેલા આનંદશંકરના અભિપ્રાયથી પોતે શા કારણે જુદા પડે છે તે તેમણે વિશદતાથી દર્શાવ્યું છે. મધ્યકાલીન સાહિત્ય વિશેની તેમની પરિશીલનજન્ય સમજ એવા જ બીજા સ્વાધ્યાયનિબંધ ‘મધ્યકાલીન પ્રેમલક્ષણા ભક્તિની કવિતાધારા’માં પ્રગટ થઈ છે. ગઝલના આપણા વિવેચનમાં પ્રગટ થયેલી સંદિગ્ધતા કે ધૂંધળી સમજને સ્પષ્ટ કરવાનો તેમણે પ્રયત્ન કર્યો છે. જયંત કોઠારીનાં અવલોકનો એની માર્મિકતા અને સ્પષ્ટભાષિતાથી ધ્યાન ખેંચે છે. સુરેશ દલાલના ‘મારી બારીએથી ભાગ ૧–૨’ અને યશવંત ત્રિવેદીના ‘કવિતાનો આનંદકોશ’ એનાં ઉદાહરણો છે. આ બંને પુસ્તકોનાં ઇષ્ટ તત્ત્વોને આવકારવા છતાં તે તે લેખકના સમગ્ર નિરૂપણમાં રહેલી કચાશો અને મર્યાદાઓ તેમણે સાધાર પ્રગટ કરી આપી છે. ‘ઉપક્રમ’ને મુકાબલે ‘અનુષંગ’માં ટૂંકી સમીક્ષાઓનું બાહુલ્ય હોવા છતાં આ લખાણો એના લેખકના ઊંડા અભ્યાસ અને પ્રચલિત સાહિયચર્ચાની ફેર–તપાસ કરવાની વૃત્તિશક્તિને કારણે–અને સૌથી વિશેષ એમાં પ્રગટ તથા સ્વભાવગત તાટસ્થ્ય અને સત્યશોધનની વૃત્તિને કારણે–ગુજરાતી વિવેચન-સાહિત્યના અભ્યાસીને માટે બહુમૂલ્ય નીવડે એવાં છે.

શ્રી યશવંત ત્રિવેદીનો ‘કાવ્યની પરિભાષા’ ગ્રંથ સાહિત્યકૃતિનાં સ્વરૂપ સમજ અને ભાવનનાં મૂળભૂત રીતે જણાતાં તત્ત્વોની સંજ્ઞાઓનો ગુજરાતી કૃતિઓના સંદર્ભમાં સ્વાધ્યાય આપે છે. એના પહેલા પ્રકરણમાં સંદિગ્ધતા, બીજામાં કલ્પના અને કલ્પન, ત્રીજામાં કલ્પનતંત્ર, અલંકારો, કલ્પનવાદ, ચક્રવૃત્તિવાદ, ચોથામાં રૂપક, પાંચમામાં પ્રતીક, છઠ્ઠામાં પુરાણ કલ્પન, સાતમામાં પ્રતિબદ્ધતા અને આઠમામાં આકાર અને અંતર્ગતની ચર્ચા કરી છે. આ આઠે પ્રકરણોમાં એમનો આ વિષયનો વ્યાપક અને સાંગોપાંગ અભ્યાસ જણાઈ આવે છે. ગુજરાતી સાહિત્યિક સંજ્ઞાઓની અનિશ્ચયાત્મકતા અને સંદિગ્ધતા પરત્વે આધુનિક વિવેચકોએ છેલ્લા દશકામાં ઘણા ઊહાપોહ કર્યા હોવા છતાં, આ સંજ્ઞાઓને નિશ્ચિત રૂપ આપવાનો પ્રયત્ન વ્યવસ્થિત રીતે થયો ન હતો. આ પરિસ્થિતિમાં શ્રી યશવંત ત્રિવેદીએ પાશ્ચાત્ય સાહિત્યાચાર્યોનાં લખાણોનો અભ્યાસ કરી સંજ્ઞાઓને કાંઈક ચોક્કસ રૂપ આપવાનો જે પ્રયત્ન કર્યો છે તે પ્રશંસનીય છે. પ્રસંગોપાત્ત તેમણે ગુજરાતી વિવેચકોનાં લખાણોનો પણ પોતાના નિરૂપણમાં વિનિયોગ કર્યો છે. તેમણે મુખ્યત્વે અંગ્રેજી લખાણોને ચર્ચાના પાયા તરીકે લીધાં હોઈ એના અનુવાદનો પ્રશ્ન પણ તેમની સમક્ષ ઉપસ્થિત થયો છે. અનુવાદ કે તાત્પર્ય રૂપે પાશ્ચાત્ય મનીષીઓનાં કથયિતવ્યને ગુજરાતીમાં રજૂ કરતાં ક્યારેક વિશદતા જોખમાઈ પણ છે. તેમ છતાં એકંદરે તેમણે પૂરતી સ્પષ્ટતાથી નિરૂપણ કર્યું હોવાની છાપ પડે છે. કેટલાક અંગ્રેજી શબ્દોના તેમણે યોજેલા પર્યાયની બાબતમાં મતભેદને અવકાશ છે. દા. ત. ‘મોટિફ’ માટે ‘મૂળભાવ’ કે ‘કોમ્પોઝિશન’ માટે ‘સંયોજન’ વિચારણીય ગણાય. ‘એમ્પિરિસિસ્ટ’ માટે ‘પ્રત્યક્ષવાદી’ કરતાં ‘પ્રત્યક્ષ પ્રમાણવાદી’ કદાચ વધુ યોગ્ય ગણાય. કેટલાક અંગ્રેજી પારિભાષિક શબ્દોના જુદા જુદા સમાનાર્થ શબ્દો તેમણે વાપર્યા છે. આરંભથી અંત સુધી એક જ પર્યાય વપરાયો હોત તો એકવાક્યતા જળવાત. અંગ્રેજી પરિચ્છેદોના ગુજરાતી અનુવાદ સર્વત્ર આપ્યા નથી, તે આપવા જોઈતા હતા. ‘પ્રતિબદ્ધતા’ અંગેનું પ્રકરણ પણ પુસ્તકના સમગ્ર બંધમાં બરોબર બેસતું નથી. તેમ છતાં પ્રસ્તુત પુસ્તકમાં એમનો સઘન અભ્યાસ, સાહિત્યસૂઝ, સમગ્ર ગુજરાતી સૈદ્ધાન્તિક વિવેચનનો ઝીણવટપૂર્વકનો ખ્યાલ અને તત્ત્વચર્ચા કરવાની ફાવટ જોવા મળે છે.

‘ઈષિકા’માં મોટા ભાગના લેખો કવિતા વિશેના છે. નરસિંહથી આરંભી કાન્ત, ન્હાનાલાલ, કલાપી, પ્રિયકાન્ત આદિ કવિઓની કવિતાનું મૂલ્યાંકન તેમણે આપ્યું છે. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા ઉપરનાં તેમનાં નિરીક્ષણોમાં એમનો આ ગાળાની કવિતા સાથેનો ઘનિષ્ટ સંબંધ સ્ફુટ થયો છે. અસ્તિત્વવાદ અને સરરિયાલિઝમ વિશેનો શ્રી યશવંત ત્રિવેદીનો અભ્યાસ સારો હોવા છતાં ગુજરાતીમાં આ વિષયો તે પૂરી સ્પષ્ટતાથી નિરૂપી શક્યા નથી. તેમના લેખોમાં કવિતા પ્રત્યેનો તેમનો સાચકલો ઉમળકો પ્રગટ થયો હોઈ વિવેચક તરીકેની તેમની શક્તિ રસદર્શનમાં ખીલી ઊઠતી જોવા મળે છે.

‘સમભાવ’એ પ્રા. ચન્દ્રશંકર ભટ્ટનો ‘સંનિધિ’નો અનુગામી સંગ્રહ છે. આ સંગ્રહના લેખોમાં એમનો સંનિષ્ટ અભ્યાસ સુપરિણામકારી નીવડ્યો છે. સંગ્રહનો પહેલો લેખ તે લેખકે કરેલા લૉન્જાઈનસને ‘ઓન ધ સબ્લાઇમ’ના અનુવાદની દ્યોતક પ્રસ્તાવના છે. ગોવર્ધનરામના વિવેચક વિ. ૨. ત્રિવેદીના વિવેચન વિશેના કુલ ચાર લેખ સાંગોપાંગ અભ્યાસ, સ્વકીય દૃષ્ટિબિંદુઓ અને પ્રાસાદિક રજૂઆતને કારણે મહત્ત્વના બન્યા છે. બોટાદકર વિશેનો લેખ પણ આ જ વિભાગનો ગણાય. પુસ્તકનો એક તૃતીયાંશ ભાગ પંડિતયુગ રોકે છે. બાકીનામાં ગાંધીયુગ અને અનુગાંધીયુગને આવરી લીધો છે. લેખકની રુચિ પ્રશિષ્ટતાનો આગ્રહ સેવનારી અને ઠરેલ મૂલ્યાંકનો આપવાની છે.

પ્રિયકાન્ત મણિયારની કવિતા, રાજેન્દ્ર–નિરંજનની કવિતા, રાવજીની ‘અશ્રુઘર’ અને ‘અંગત’ એ કૃતિઓ, સરસ્વતીચન્દ્રની પ્રતીકયોજના – આટલા લેખો સંગ્રહના ઉત્તમ લેખો છે. સાદ્યન્ત વિવેચકના સમભાવનું દર્શન થાય છે. તે આ કે તે મતોમાં ઘસડાઈ જતા નથી, વાદવિવાદથી તેમની બુદ્ધિ કુંઠિત બનતી નથી. વિવેચકને આવશ્યક એવી મુગ્ધતા તેમણે ટકાવી રાખી છે અને ઉન્નતભૂ બનવાના મોહથી સામાન્ય રીતે મુક્ત રહીને તેમણે કર્તા અને કૃતિઓને ન્યાય આપ્યો છે. સંગ્રહના ઉપરણા પર મૂકેલા રઘુવીર ચૌધરીના અભિપ્રાય સાથે સંમત થઈ શકાય કે ‘જે લોકો તટસ્થતાની પેલી બાજુ રહી નકારાત્મકતાના નશામાં લખે છે એમના કરતાં શ્રી ભટ્ટ સાહેબ તટસ્થતાની આ બાજુ રહી વિધાયક ગુણદર્શન કરે છે.’

ગાંધીજી વિશે થોડાંક સારાં પુસ્તકો આ સમયગાળામાં મળ્યાં છે. એક તો શ્રી ચી. ના. પટેલનું ‘ગાધીજીની સત્ય સાધના અને બીજા લેખો’, ‘ગુજરાતી ગ્રંથકાર શ્રેણી’માં તેમણે લખેલું ગાંધીજી વિષેનું પુસ્તક અને શ્રી મનસુખલાલ ઝવેરીનાં મુંબઈ યુનિવર્સિટીનાં ઠક્કર વસનજી વ્યાખ્યાનોનું પુસ્તક ગાંધીયુગનું સાહિત્ય. ‘અભિક્રમ’ પછીના આ લેખસંગ્રહમાં અમેરિકન મનોવૈજ્ઞાનિક એરિક એરિકસનના પુસ્તકની વિગતવાર સમીક્ષા આપી છે. એરિકસને ઊભા કરેલા મુદ્દાઓને એક પછી એક ચર્ચીને લેખકે તારણ કાઢ્યું છે કે ‘અસત્ સામેનું આ જીવનપર્યંતનું યુદ્ધ એ ગાંધીજીનો મુખ્ય જીવન પુરુષાર્થ હતો. એને આલેખવામાં અને એનું રહસ્ય સમજાવવામાં એરિકસન નિષ્ફળ નીવડ્યા છે.’ એરિકસનના પ્રયાસને સ્તુત્ય ગણાવવા સાથે એમની દલીલોનું તર્ક પુરઃસર ખંડન કરવા છતાં રખેને તેમને અન્યાય થઈ બેસે એની સતત તકેદારી લેખકે રાખી છે. પૂર્વપક્ષની યથાસ્થિત રજૂઆત, પ્રતિપક્ષીને ઘટતો ન્યાય કરવાની તકેદારી અને અસંમત મુદ્દાઓના અસંદિગ્ધ પ્રતિપાદનના નમૂનારૂપે આ સ્વાધ્યાયલેખ ધ્યાન ખેંચે છે. ગાંધીજીની સત્યાગ્રહની ભાવના વ્યાવહારિક, ધાર્મિક અને આધ્યાત્મિક જીવનધ્યેયોનો સંપૂર્ણ સમન્વય સાધવાનો પ્રયત્ન છે, એ લેખકે સારી રીતે બતાવ્યું છે. શ્રી અરવિંદ અને ગાંધીજી વિશેના લેખમાં આ બંને વિભૂતિઓના જીવન પ્રત્યેના વિભિન્ન અભિગમોની વિશદ રજૂઆત થઈ છે. ગાંધીજીની સાધના નૈતિક સ્તરની હતી અને આધ્યાત્મિક ન હતી એ માન્યતાનું લેખકે નિરસન કર્યું છે. આ બંને મહાનુભાવોનાં દર્શનમાં અનુસ્યૂત એકત્વની ભાવનાનું પણ પ્રસંગોપાત્ત તેમણે સૂચન કર્યું છે અને બંને દર્શનો પ્રત્યે સહિષ્ણુતાજન્ય સમદૃષ્ટિ કેળવવાનો અનુરોધ કર્યો છે. ભારતમાં પૂર્વ અને પશ્ચિમના મિલન વિશેના વ્યાખ્યાનમાં સાહિત્યક્ષેત્રે ભારતની સર્જકતાનું બયાન આપતાં આપતાં એક ગોવર્ધનરામને બાદ કરતાં ગાંધીયુગ અને એ પછીના યુગના લેખકો ભારતના હૃદયને કલ્પનામાં સળવળતા જીવન આદર્શોને, ભાવનાઓને આશાઓનું દર્શન કે ચૈતન્યોદ્રેકની પ્રતીતિ કરાવી શક્યા નથી એમ લેખકે કહ્યું છે પણ પંડિતયુગ અને ગાંધીયુગના પ્રશ્નો અને સંદર્ભ જુદો હોઈ આવી તુલના બહુ બંધબેસતી નથી. ‘ગાંધીજીની જીવન દૃષ્ટિમાં નવાં મૂલ્યો’ અને સાહિત્ય પરિષદના ઇતિહાસ માટે લખેલું ગાંધીજી વિશેનું પ્રકરણ પણ સઘન અને સર્વાંગી અધ્યયનલેખો છે.

સમગ્રતયા ગાંધીવિચારના ઊંડા અભ્યાસી પ્રો. ચી. ના. પટેલે પોતાના દીર્ઘકાલીન પરિશીલનના પરિપાક રૂપે જે લેખો આ પુસ્તકમાં આપ્યા છે એમાં એમનો સંનિષ્ઠ અભ્યાસ, તાર્કિક રજૂઆતમાં, માર્મિક દૃષ્ટિબિંદુઓ, સ્પષ્ટ નિર્ભીક અને વિશદ નિરૂપણ અને સત્યશોધક જીવનદૃષ્ટિની દીપ્તિ પ્રગટ થયાં છે. આપણા વિવેચનાત્મક અને વિચારાત્મક સાહિત્યમાં આ પુસ્તક મહત્ત્વનો ઉમેરો છે.

શ્રી ચી.ના. પટેલનું બીજું પુસ્તક ‘ટ્રૅજેડી : સાહિત્યમાં ને જીવનમાં’ એ ગુજરાતી સાહિત્ય પરિષદને ઉપક્રમે આપેલાં પાંચ વ્યાખ્યાનોનો સંગ્રહ છે. એમણે આરંભમાં પશ્ચિમની દૃષ્ટિએ ટ્રૅજેડીની વિભાવવાની છણાવટ કરી પ્રાચીન ભારતીય દૃષ્ટિએ એની આલોચના ‘રામાયણ’ અને ‘મહાભારત’ને કેન્દ્રમાં રાખીને કરી છે. અર્વાચીન ભારતીય દૃષ્ટિએ ‘સરસ્વતીચંદ્ર’ જેવી મહાનવલ અને મહાત્મા ગાંધીજી જેવું મહાજીવન એને નજર સમક્ષ રાખીને ચર્ચા કરી છે. પાંચે વ્યાખ્યાનોની એક આકૃતિ બંધાઈ છે અને એક પ્રકરણબદ્ધ અભ્યાસગ્રંથ આપણને મળે છે.

‘અત્રત્ય તત્રત્ય’ (ડૉ. ધીરુ પરીખ) એ કવિ ન્હાનાલાલની કવિતા, પ્રિયકાન્તની કવિતા, કવિ કુરૂપની કવિતા જેવા ભારતીય અને ગુજરાતી કવિઓની કવિતાનું રસદર્શી વિવેચન આપે છે અને મોંન્તાલે, યેવતુશૅન્કો, પાબ્લો નેરુદા, રિલ્કે, સી. ડે. લુઈ, રેબર્ટ ફ્રોસ્ટ અને ઓડન જેવા પાશ્ચાત્ય કવિઓની કવિતા અને જીવનનો સર્વગ્રાહી પરિચય આપે છે. સંગ્રહના ટૂંકા લેખો લેખકની પાસેથી આ પ્રકારના સુદીર્ઘ અભ્યાસનિબંધોની અપેક્ષા જગાવે છે. ડૉ. ધીરુ પરીખની સહૃદયતા, અભ્યાસનિષ્ઠા અને કવિતાનાં રસસ્થાનોની માર્મિક સૂઝને પરિચય આનંદદાયક છે.

ડૉ. મફત ઓઝાએ ‘ઉન્મિતિ’માં મૂકેલા તેર લેખોમાં ઉમાશંકર, ધૂમકેતુની સર્જનપ્રવૃત્તિ તેમજ અસ્તિત્વ, પ્રતીક, પુરાકલ્પન, કલ્પન વગેરેનો એક યા બીજા સંદર્ભ સાહિત્યમાં થતો ઉપયોગ અને એની યથાર્થતા વિષે ચર્ચા વગેરેનો સમાવેશ થાય છે. કવિતાના આસ્વાદની પ્રક્રિયાની તેમની ચર્ચા ધ્યાન ખેંચે છે. આ લેખોમાં ડૉ. ઓઝાનો અભ્યાસ જણાઈ આવે છે.

ડૉ. રમણલાલ ચી. શાહ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અભ્યાસી અને અને જૈનધર્મના વિદ્વાન છે. ‘પડિલેહા’માં તેમના રસના વિષયોના લેખો છે. સંગ્રહનું શીર્ષક સમજાવતાં તે લખે છે, ‘પડિલેહા પ્રાકૃત ભાષાનો શબ્દ છે. પડિલેહા એટલે પ્રતિલેખા. ‘પડિલેહા’નો એક અર્થ છે વ્યાપક, ગહન અને સ્વતંત્ર દૃષ્ટિથી ઝીણવટપૂર્વક અભ્યાસ કરવો. વારંવાર ચીવટપૂર્વક સૂક્ષ્મ અવલોકન કરવું. પડિલેહા–પડિલેહણ (પ્રતિલેખા–પ્રતિલેખના) જૈનોનો પારિભાષિક શબ્દ છે.’ સંગ્રહમાં દસ અભ્યાસલેખો આપ્યા છે, ‘જૈનસાહિત્ય’નો લેખ ઈ. સ. ૧૪પ૦થી ૧૬૦૦ સુધીના જૈન સાહિત્યનો વિગતે ખ્યાલ આપે છે. કવિ સમયસુંદર એમના વિશેષ અભ્યાસનો વિષય છે. સમયસુંદરના ‘મૃગાવતી ચરિત્ર ચોપાઈ અને વક્રલચીરી રાસ’નો વિગતે પરિચય આપ્યો છે. ‘ત્રિભુવન દીપક પ્રબંધ’ એ રૂપક કાવ્યમાં જયશેખરસૂરિએ રૂપક દ્વારા આત્મા, ચેતના, માયા, પ્રવૃત્તિ, નિવૃત્તિ, મોહ, વિવેક, સુમતિ, સંયમશ્રી, કામ, રાગ વગેરેનાં સ્વરૂપ અને રહસ્ય સુંદર રીતે સમજાવ્યાં છે. હેમચંદ્રાચાર્ય અને યશોવિજયજી વિશેના લેખો માહિતીપૂર્ણ છે. ‘કુવલયમાલા’ વિશેનો લેખ સાગોપાંગ નિરૂપણનો નમૂનો છે. શાસ્ત્રીય અભિગમ, સાંગોપાંગ અભ્યાસ, હકીકતોનું નિઃશેષ નિરૂપણ, હકીકતોમાંથી સયુક્તિક અભિપ્રાયો તારવવાની શક્તિ, જૈનધર્મના પાયાના સિદ્ધાંતોની સ્વચ્છ સમજ અને સહૃદયતાને કારણે ‘પડિલેહા’ નોંધપાત્ર વિવેચનગ્રંથ બન્યો છે. આજે જ્યારે મધ્યકાલીન સાહિત્ય વિષે ઝાઝા લેખો મળતા નથી ત્યારે આ સંગ્રહ વિશેષરૂપે આવકાર્ય બને છે.

‘કથાવલોકન’(દીપક મહેતા)માં ત્રીસેક ગુજરાતી નવલકથાઓનાં અવલોકનો આપ્યાં છે. સાંગોપાંગ ચર્ચા કરતા સ્વાધ્યાયલેખો કરતાં ટૂંકાં અવલોકનો આપવાનું તેમણે પસંદ કર્યું હોઈ કેટલાંક અવલોકનો ટાંચણ જેવાં થઈ ગયાં છે. ‘ઘમ્મર વલોણું’ કે ‘પારકાં જણ્યાં’નું તેમનું મૂલ્યાંકન ચર્ચાસ્પદ છે. મુનશીની નવલકથાઓનો તેમનો અભ્યાસ ધ્યાનાર્હ નીવડ્યો છે.

‘પ્રત્યગ્ર’માં ડૉ. પ્રવીણ દરજીએ સંગૃહીત કરેલા બાર લેખોમાં સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નિબંધ, રિલ્કેના પત્રો અને ‘ઓડિસ્યુસનું હલેસું’નું અવલોકન ખાસ ધ્યાન ખેંચે છે. ડૉ. દરજીનો સંનિષ્ઠ અભ્યાસ અને ગુજરાતી સાહિત્યના ઐતિહાસિક વિકાસક્રમની જાણકારી આ પ્રકારના લેખોને ઉપયોગી અને રસાવહ બનાવે છે. વિવેચ્યવસ્તુની તપાસમાં વિશ્લેષણ પદ્ધતિનો વધુ વિનિયોગ અને સ્વકીય પ્રતિભાવોની દલીલ પુરઃસર રજૂઆત વધતાં તેમના લેખો અભ્યાસીઓને પણ સવિશેષ ઉપયોગી નીવડશે.

‘અનુભાવિત’ એ ડૉ. ઈશ્વરલાલ ૨. દવેનો ચોથો સંગ્રહ બે ખંડોમાં વહેંચાયો છે. પહેલા ખંડમાં ગુજરાતી સાહિત્યમાં થયેલા મહાકાવ્યના પ્રયોગો, નરસિંહ અને કબીરની તત્ત્વદર્શી કવિતા, ‘વસતોત્સવ’, સૌરાષ્ટ્રની બોલીઓ જેવા વિષયો પરના અભ્યાસલેખો આપ્યા છે. બીજા ખંડમાં વીસ અર્વાચીન કૃતિઓનાં અવલોકનો આપ્યાં છે. અવલોકનમાં નવલકથા, નાટક અને વાર્તાસંગ્રહને સ્થાન મળ્યું છે. એમાં સ્વ. ૨. વ. દેસાઈ, ન્હાનાલાલ, મડિયા, જયંતી દલાલ જેવા દિવંગત સાહિત્યકારોનાં પુસ્તકનાં અવલોકનો સંગૃહીત કર્યાં છે. તો ઈવા ડેવ, ભાનુપ્રસાદ પંડ્યા, મનોહર ત્રિવેદી જેવા નવોદિત લેખકોની કૃતિઓને પણ અવલોકી છે. નવીનોની કૃતિઓનાં અવલોકનોમાં વ્યાપક સમભાવ જોવા મળે છે. આમેય લેખકનું વલણ ગુણદર્શિતાનું છે. સુંદરમ્–ઉમાશંકરની કવિતા સાથે ‘સ્નેહરશ્મિ’ની કવિતાની સરખામણી કરતાં લેખક કહે છે, ‘સુંદરમની જેમ જીવનની ગહન અનુભૂતિ ભલે એમનામાં ન હોય, ઉમાશંકરની જેમ ભલે ઊંડું સંવેદન અને કલ્પનાની ચારુતા કે ચમત્કૃતિ ન હોય, પણ એ બંનેમાં ગૌણ છે તે સુકુમારતા, હૃદયસંવેદન, મૃદુ કલ્પના, મધુર ગેયતા અને સ્થિર અવિહ્વલ જીવનદૃષ્ટિ તેમનામાં સારા પ્રમાણમાં છે.’ આ અભિપ્રાય ચિંત્ય છે. માધુર્ય અને ગેયતા એ ‘સ્નેહરશ્મિ’ની કવિતાની વિશેષતા ગણીએ તો પણ અન્ય લક્ષણો તો આ બે કવિઓની કવિતામાં પણ છે જ. આવાં સર્વસામાન્યરૂપનાં સ્ટેટમેન્ટ્સ વાચકને બહુ દૂર લઈ જતાં નથી. પિરાન્દેલોની રૂપાંતરિત રચના વિશેનો લેખ સારો છે. ‘હરિસંહિતા’માં પણ તેમનો ઊંડો અભ્યાસ જોવા મળે છે. સૌરાષ્ટ્રની બોલીઓ, પત્રકારત્વ કે મહાદેવ દેસાઈનું સાહિત્યિક પ્રદાન જેવા અભ્યાસલેખો ડૉ. દવે વધુ આપે એમ ઇચ્છીએ.

અંગ્રેજી સાહિત્યનાં અધ્યાપિકા અને બંગાળી—ગુજરાતી સાહિત્યનાં અભ્યાસી શ્રી અનિલા દલાલે ‘રવીન્દ્રનાથ અને શરતચંદ્રના કથાસાહિત્યમાં નારી’ નામનું નાનકડું પુસ્તક તાજેતરમાં પ્રગટ કર્યું છે. રવીન્દ્રનાથની સાત નવલકથાઓમાંથી અને શરતચંદ્રની પાંચ નવલકથાઓમાંથી કુલ ચૌદેક પાત્રોનું વિષ્લેષણ કર્યું છે. કથાસાહિત્યના વિવેચનની એક સ્વરૂપગત મર્યાદા છે કે કોઈને કોઈ રૂપે કથાસાર આપ્યા વગર એનાં પાત્રોની ચર્ચા ન થઈ શકે. અનિલાબહેનને પણ એને અનુસરવું પડ્યું છે. પણ તેમણે કથાસાર જે દૃષ્ટિએ આપ્યો છે એમાં જ એમનું વિવેચન પ્રગટ થઈ જાય છે. એમની પદ્ધતિ ખાસ કરીને કથાનાં રસબિંદુઓને આવરી લઈ ચર્ચ્ય નારીપાત્રોના વ્યક્તિત્વને ઉપસાવવાની રહી છે એને કારણે એમનું નિરૂપણ રસાવહ બને છે. કથાસારનો મેદ વ્યક્તિત્વને ઢાંકી દેતો નથી. વિભિન્ન કથાઓમાંથી લેખિકાએ માણેલો રસ અકબંધ પ્રગટ થતો હોઈ એમનું વિવેચન પણ નવલકથાના વાચન જેટલો આનંદ આપે છે. તેમણે જેમ પાત્રોની તુલના કરી છે તેમ રવીન્દ્રનાથ અને શરતચંદ્રનાં નારીપાત્રોની નિરૂપણપદ્ધતિની તુલના કરી હોત તો પુસ્તક વધુ સમૃદ્ધ બનત. બંને મહાન કથાકારોના પસંદગીપૂર્વકનાં પાત્રોની ચર્ચા જુદા જુદા નિબંધોમાં કર્યા બાદ ઉપરસંહાર રૂપે ચર્ચાનો નિષ્કર્ષ મેળવવાની વાચકની અપેક્ષા સંતોષાતી નથી એ આ પુસ્તકની મર્યાદા છે. તેમ છતાં એક મુદ્દો લઈને તેમણે આ બંનેનાં કથાસાહિત્યમાં એક લટાર લગાવી છે. ગુજરાતીમાં તો આ પ્રકારનું એ પહેલું પુસ્તક છે(લેખિકાનું પણ), અને એમાં એકંદરે સારું પરિણામ નિપજાવી શકાયું છે.

શ્રી કનુભાઈ જાનીના વિવેચનલેખોના પ્રથમ સંગ્રહ ‘શબ્દ નિમત્ત’માં કાન્તનાં નાટકો, મેઘાણીના નાટ્યાનુવાદો, મુનશીની સામાજિક નવલકથાઓ, જયંત ખત્રીની નવલિકાઓ વિષે ચર્ચા પરીક્ષણ કરવામાં આવ્યાં છે. તર્કબદ્ધ રજૂઆત અને વિવેચ્ય મુદ્દાને દૃષ્ટાંતો દ્વારા સમર્થિત કરવાની એમની પદ્ધતિ લેખકની અભ્યાસનિષ્ઠા અને સાહિત્યસૂઝનાં દ્યોતક છે.

શ્રી ભોળાભાઈ પટેલનો ‘કાલપુરુષ’ સંગ્રહ હમણાં મારા હાથમાં આવ્યો. એના શીર્ષક પરત્વે તેમણે કહ્યું છે : ‘કાલપુરુષ’ના એકાધિક અર્થ થાય પણ કાલ સૌથી મોટો વિવેચક છે એવા દૂરના સંકેત ઉપરાંત બંગાળીમાં તેનો એક અર્થ મૃગશીર્ષ નક્ષત્ર થાય છે.’ એમાં બે ગુજરાતી સર્જકો અને મોટા ભાગના અસમિયા, ઓડિયા, બંગાળી અને હિંદી સર્જકો વિશેના લઘુલેખો સંગ્રહાયા છે. સંસ્કૃતિનાં પચ્ચીસ વર્ષ એ લેખ પુસ્તકમાં કાંઈક આગન્તુક જેવો લાગે છે. વિવિધ ભાષાઓના સાહિત્ય સાથેનો લેખકનો મૂળગામી પરિચય પુસ્તકના નિરૂપણને એક અધિકૃતતાની છાપ અર્પે છે. તુલનાત્મક ભારતીય સાહિત્ય વિશેનો લેખ પણ તેમના આ વિષયના અભ્યાસનો પરિચાયક છે. ભોળાભાઈ તુલનાત્મક સાહિત્ય વિષે એક વ્યવસ્થિત ગ્રંથ આપે એમ ઇચ્છીએ.

આ ઉપરાંત ૧૯૭૮–૭૯માં પ્રગટ થયેલાં વિવેચન વિષયક પુસ્તકોમાં રમણલાલ પાઠકનું ‘વાર્તાવિલોક’, પ્રકાશ મહેતાનું ‘અન્વીતિ’, ડૉ. બિપિન ઝવેરીનું ‘અક્ષરની આરાધના’, કૃષ્ણકાન્ત કડકિયાનું ‘શર્વિલક : નાટ્યપ્રયોગ શિલ્પની દૃષ્ટિએ’, નરોત્તમ વાળંદનું ‘સૌરભ’, ભરતકુમાર ઠાકરનું ‘શબ્દસલિલ’ ઉલ્લેખપાત્ર છે. સંસ્થાગત પ્રકાશનમાં ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રગટ કરેલો ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ ગ્રંથ ૩ અને ગુજરાત યુનિવર્સિટીએ પ્રગટ કરેલ ‘ન્હાનાલાલ શતાબ્દી ગ્રંથ’ આ બે ગ્રંથો સાંપ્રત ગુજરાતી વિવેચન સાહિત્યમાં કીમતી ઉમેરણરૂપ છે. આ ગ્રંથો દ્વારા વિવિધ અભ્યાસીઓની વિવેચકશક્તિનું સુંદર સંયોજન કરવા બદલ તે તે સંસ્થાને અભિનંદન ઘટે છે.

આ સમયગાળામાં મારા સંપાદન હેઠળ પ્રગટ થતી ‘ગુજરાતી ગ્રંથકાર શ્રેણી’માં ૧૩ લઘુગ્રંથો પ્રગટ થયા છે એનો માત્ર નામોલ્લેખ કરું : ‘મીરાં’ (હસિત હ. બૂચ), ‘દયારામ’ (પ્રવીણ દરજી), ‘શામળ’ (હસુ યાજ્ઞિક), ‘રમણભાઈ નીલકંઠ’ (ચંપૂ વ્યાસ), ‘નરસિંહરાવ’ (વ્રજલાલ દવે), ‘અખો’ (ભૂપેન્દ્ર ત્રિવેદી), ‘કનૈયાલાલ મુનશી’ (મનસુખલાલ ઝવેરી), ‘ગાંધીજી’ (ચી. ના. પટેલ), ‘સમયસુંદર’ (રમણલાલ ચી. શાહ), ‘નાકર’ (ચિમનલાલ ત્રિવેદી), ‘નંદશંકર’ (પિનાકિન્ દવે), ‘રામનારાયણ વિ. પાઠક’ (ચન્દ્રકાન્ત શેઠ) અને ‘કૃષ્ણલાલ શ્રીધરાણી’ (ચિનુ મોદી).

૧૯૭૮–૭૯ના ગુજરાતી વિવેચનસાહિત્યનું આ સરવૈયું એકંદરે આશાપ્રેરક જણાય છે. નવી નવી વિવેચક પ્રતિભાઓનું સાહિત્ય ક્ષેત્રે થયેલું આગમન એના ઉજ્જ્વલ ભાવિના એંધાણરૂપ છે. સાંપ્રત સાહિત્યિક પરિસ્થિતિ વિવેચનને આહ્વાનરૂપ છે, એ પરિસ્થિતિને પહોંચી વળવાની આપણી ક્ષમતાનું આ સમયગાળામાં પ્રગટ થયેલા વિવેચનગ્રંથોમાં જે દર્શન થાય છે તે અવશ્ય આનંદપ્રદ છે.


  1. ગુજરાતી સાહિત્યસભા, અમદાવાદના આશ્રયે તા. ૧૬ જાન્યુઆરી, ૧૯૮૦ના રોજ આપેલું વ્યાખ્યાન. એનો કેટલોક અંશ આકાશવાણી પર પ્રસારિત થયો હતો.