વિવેચનની પ્રક્રિયા/મૅથ્યુ આર્નલ્ડનો કાવ્યવિચાર
મૅથ્યુ આર્નલ્ડનો કાવ્યવિચાર
૧
પ્રાસ્તાવિક :
મૅથ્યુ આર્નલ્ડ કવિ, વિવેચક, સંસ્કૃતિવિચારક અને શિક્ષણશાસ્ત્રી. જન્મ : ૧૮૨૨. મૃત્યુ : ૧૮૮૮. પિતા ડૉ. થોમસ આર્નલ્ડ ઇંગ્લેન્ડની પ્રસિદ્ધ રગ્બી શાળાના આચાર્ય હતા. (લિટન સ્ટ્રેચીએ ‘એમિનન્ટ વિક્ટોરિયન્સ’માં એમનું સુંદર રેખાચિત્ર આપ્યું છે.) મૅથ્યુ આર્નલ્ડનું આરંભનું શિક્ષણ રગ્બી શાળામાં થયું, ઉચ્ચ શિક્ષણ બેલિઅલ કૉલેજ, ઑક્સફર્ડમાં. ત્યાં તેમને ન્યૂડિ ગેટ પ્રાઇઝ મળ્યું. ઓરિયલ કૉલેજમાં ફેલો નિમાયા. ૧૮૫૧થી ૧૮૮૩ સુધી તેમણે શાળાઓના ઇન્સ્પેકટર તરીકે કાર્ય કર્યું. ૧૮૨૨થી ૧૮૮૮ સુધીના છાસઠ વર્ષના જીવનકાળ દરમ્યાન ૧૮૫૧થી ૧૮૮૬ સુધી એટલે કે પૂરા પાંત્રીસ વર્ષ તે શાળાઓના ઇન્સ્પેકટર તરીકે રહેલા, એ સમયગાળામાં એ કામગીરીની સાથે જ ૧૮૫૭થી ૧૮૬૭ સુધી ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ‘પ્રોફેસર ઑફ પોએટ્રી’ના પદે રહ્યા. આર્નલ્ડની મુખ્ય કાવ્યપ્રવૃત્તિ ૧૮૫૭ પહેલાં થઈ હતી અને તેમનું મોટાભાગનું ગદ્ય લખાણ ૧૮૫૭ પછી થયું હતું.
આર્નલ્ડનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ધ સ્ટ્રેઇડ રેવલર ઍન્ડ અધર પોએમ્સ’ અને બીજ સંગ્રહ ‘એમ્પેડોકલ્સ ઑન એટના ઍન્ડ અધર પોએમ્સ’ ૧૮૫૨માં પ્રગટ થયો. થોડા સમય પછી બંને સંગ્રહો તેમણે પાછા ખેંચી લીધા અને એમાંના થોડા ભાગો અને અન્ય રચનાઓ ઉમેરી ‘પોએમ્સ’ સંગ્રહ બીજે વર્ષે પ્રગટ કર્યો. ‘સોરાબ ઍન્ડ રૂસ્તમ’, ‘ધ સ્કૉલર જિપ્સી’ જેવાં કાવ્યો એમાં સમાસ પામ્યાં. ૧૮૫૫માં ‘પોએમ્સનો’ બીજો ભાગ પ્રગટ થયો. ૧૮૬૭માં ‘ન્યૂ પોએમ્સ’માં ‘રગ્બી ચેપલ’, ‘થઅર્સિસ’ જેવાં જાણીતાં કાવ્યો સંગૃહીત થયાં. ‘સોરાબ ઍન્ડ રૂસ્તમ’ એ કાવ્યમાં પિતા રૂસ્તમને હાથે પુત્ર સોરાબનું અજાણતાં થતું મૃત્યુ વર્ણવી એ નિમિત્તે જૂની–નવી પેઢી વચ્ચેના આંતરસંઘર્ષને તાર સ્વરે રજૂ કર્યો છે. ‘થઅર્સિસ’ના એલેજી-કાવ્યમાં કવિમિત્ર આર્થર કલફની સ્મૃતિને અંજલિ આપવા સાથે અતીતનું શ્રદ્ધેય યુગચિત્ર આપ્યું છે. ‘ડોવર બીઇચ’ કાવ્યમાં શ્રદ્ધાના સાગરમાં મચેલા વિષાદનો ખળભળાટ સંભળાય છે. આ, ‘રગ્બી ચેપલ’ અને વર્ડ્ઝવર્થ, શેઇકસ્પિયર આદિને આપેલી અંજલિઓ આર્નલ્ડને આ અંગ્રેજી ‘ભાષાના સિદ્ધ અને સારા કવિ તરીકે સ્થાપે છે, તેમની કવિતા ‘ઍકેડેમિક કવિતા’ છે અને હોમરની અલંકાર શૈલીનું અનુકરણ ઠેર ઠેર અનુભવાય છે એમ વિવેચકો ટીકા કરે છે, પણ આ ટાઢીબોળ કવિતાના પણ ચાહકો હતા અને કેનોથ એલોટ નોધ્યું છે કે વૉટર બેજહોટ મધુરજની ગાળવા ગયેલા ત્યારે મૅથ્યુ આર્નલ્ડની કવિતાઓ સાથે લઈ ગયા હતા!
પરંતુ મૅથ્યુ આર્નલ્ડનું કાર્ય કવિતા કરતાં વિવેચનક્ષેત્રે વધુ માતબર છે. ‘એસેઝ ઇન ક્રિટિસિઝમ’ (૧૮૬૫; ૧૮૮૮) એ એમનું મૂલ્યવાન અર્પણ છે. અડધી સહી સુધી આર્નલ્ડની પ્રતિષ્ઠા એરિસ્ટોટલ જેવી હતી. વિવેચક ઉપરાંત અંગ્રેજ સમાજ અને સંસ્કૃતિના વિચારક તરીકે તેમનું સ્થાન મોટું હતું. ‘ઑન ટ્રાન્સ્લેટિંગ હોમર’(૧૮૬૧)માં લોકગાયાના પરંપરા છંદને બદલે હોમરનો અનુવાદ હેકસામિટરમાં કરવાનો તેમણે આગ્રહ રાખ્યો ‘ધ સ્ટડી ઑફ કેલ્ટિક લિટરેચર’(૧૮૬૭)માં કેલ્ટિક જાતિની પ્રકૃતિગત લાક્ષણિકતાઓની સાથે સાહિત્યને પણ તેમણે સાંકળી લીધું. શિક્ષણક્ષેત્રની સુધારણા માટે મૅથ્યુ આર્નલ્ડે આપેલા વિવિધ અહેવાલોમાં એક દૃષ્ટિસમ્પન્ન શિક્ષણશાસ્ત્રીનું દર્શન થાય છે.
૨
ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં મૅથ્યુ આર્નલ્ડનું સ્થાન અંગ્રેજ પ્રજામાં એક વિચારક અને વિવેચક તરીકે ઘણું મોટું હતું. સાહિત્યવિવેચન ક્ષેત્રે આર્નલ્ડ વિષે સામસામા છેડાના અભિપ્રાયો ફંગોળાતા રહ્યા. એલિયટે આર્નલ્ડને ‘વિવેચક કરતાં વિવેચનને માટે પ્રચાર કરનારો’ એમ કહેલું પણ તેમણે પોતાનો એ અભિપ્રાય પાછળથી સુધારેલો અને એમના કાર્યનું મૂલ્ય આંકેલું. વેલેકે એમને ‘વિવેચનનો બચાવ કરનાર’ (Apologist for scriticism) કહ્યા છે. આર્નલ્ડનાં તારણો વોલ્ટર પેટર, આર્થર સાયમન્સ, સ્ટીવન, માયર્સ, જ્યોર્જ સેઇન્ટસબરી જેવા વિવેચકોએ સ્વીકારેલાં એમ એલિયટે નોંધ્યું છે. એફ. ઓ. મેથિયિસેને કહ્યું હતું કે જ્યોર્જ સેઈન્ટ્સબરી, ચાર્લ્સ વ્હિબ્લે, એ. સી. બ્રેડલી, ડબ્લ્યુ પી. કેર અને ઇરવિંગ બેબિટ જેવા વિવેચકોએ આર્નલ્ડની પરંપરા જાળવી રાખી છે. એફ. આર. લીવીસે આર્નલ્ડના વિવેચનકાર્યને ‘Higher Pamphleteering’ રૂપે જોયું છે પણ રેની વેલેક જેવા અર્વાચીન વિવેચન સાહિત્યના ઇતિહાસકાર ખુદ એફ. આર. લીવીસ અને એલિયટ જેવાઓનું આર્નલ્ડના વિવેચનકાર્ય સાથે સામ્ય જુએ છે. આર્નલ્ડના ઘણા વિચારો સાથે સહમત ન થઈ શકનાર હૉપકિન્સ રૉબર્ટ બ્રિજિઝને એક પત્રમાં લખે છે કે આર્નલ્ડ સાથે સહમત ન થવામાં બ્રિજિઝ કરતાં પોતાને વધારે કારણો હોય, તેમ છતાં આર્નલ્ડ વિરલ પ્રતિભાશક્તિવાળા અને મહાન વિવેચક હતા. એકંદર લાયોનિલ ટ્રિલિંગ, વેલેક અને એચ. ડબ્લ્યુ ગેરડ જેવા વિવેચકોએ અંતિમરાગી થયા વગર આર્નલ્ડના વિવેચન કાર્યને સમ્યક્ દૃષ્ટિએ મૂલવ્યું છે. આર્નલ્ડનું સમગ્ર મૂલ્યાંકન કરતાં ગેરેડ કહે છે : “If he is not the greatest of English critics, his make up of being so in itself a piece of greatness; and not to enjoy it is a piece of stupidity.”[1]
આર્નલ્ડ જોકે કવિ–વિવેચકોની પરંપરાના વિવેચક છે તેમ છતાં કવિ આર્નલ્ડનો વિવેચક આર્નલ્ડને બહુ સાથ રહ્યો લાગતો નથી. એમનું વિવેચનકાર્ય એક કલાકારના દૃષ્ટિબિંદુથી થયું હોય એના કરતાં એક વિચારકના દૃષ્ટિબિંદુથી થયું હોય એવી પ્રતીતિ થાય છે. અલબત્ત, કવિતા એમના હૃદયની ખૂબ નિકટ હતી અને હોમર, વર્ડ્ઝવર્થ કે મિલ્ટનની કવિતાની ખૂબીઓ બતાવતાં એમનું હૃદય આનંદથી ઊભરાય છે. લિટન સ્ટ્રેચી જેમને ‘એમિનન્ટ વિકટોરિયન’ કહે છે તે એમના પિતા ડૉ. થોમસ આર્નલ્ડ વિષે મૅથ્યુ આર્નલ્ડ લખેલું કે, “My dear father had many virtues, but he was not a poet.” પોતાના પિતા કવિ ન હતા એ વસ્તુ જાણે કે તેમને ખટકતી લાગે છે. કવિતા માટેની તેમની આ પ્રીતિ કવિતા–કાર્યને એક ઉચ્ચ ભૂમિકા પર સ્થાપવા તેમને પ્રેરે છે.
ટી. એચ. વોર્ડે સંપાદિત કરેલ ‘The English Poets’ની પ્રસ્તાવના રૂપે આર્નલ્ડે લખેલ ‘The Study of Poetry’ – ‘કવિતાનું અધ્યયન’ એ નિબંધ અનેક રીતે મહત્ત્વનો છે. એમાં ત્રણ વસ્તુઓ મહત્ત્વની છે : (૧) આર્નલ્ડની કાવ્યવિભાવના, (૨) એનો વિનિયોગ કરીને તેમણે કરેલી કવિઓની મુલવણી અને (૩) એમાં પ્રતીત થતી આર્નલ્ડની વિવેચકશક્તિ.
આ નિબંધના આરંભમાં જ આર્નલ્ડ જણાવે છે કે કવિતાકલાની કામગીરી ઘણા ઊંચા પ્રકારની છે. જીવનના અર્થઘટન અર્થે, જીવનમાં સાચું આશ્વાસન મેળવવા માટે અને જીવનમાં ટકી રહેવા માટે માનવજાતિએ કવિતા તરફ વળવું જોઈશે. કવિતાની આ ઊંચી કામગીરીને અનુરૂપ એવાં એનાં ધોરણો પણ ઊંચાં રાખવાં જોઈશે. જીવનનાં અનેક ક્ષેત્રોમાં અજ્ઞાની દંભને ભલે સ્થાન હોય, પણ સાહિત્યાદિ કળાઓમાં એને સ્થાન ન હોઈ શકે. આ ઉમદા ક્ષેત્રને એમાંથી બાકાત રાખવું જોઈએ. બીજાં ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ અને નિકૃષ્ટ અથવા સત્ય અને અસત્ય સેળભેળ થઈ ગયાં હોય છે, એમનો ગોટાળો થઈ ગયો હોય છે, જ્યારે કવિતામાં તેમનું જુદાપણું, તેમનો ‘વિશેષ’ એ મુખ્ય બાબત છે. માનવજાતિના આત્માને કવિતામાં આશ્વાસન અને વિશ્રાન્તિ મળી શકે છે. આર્નલ્ડને ઉત્તમ કવિતાથી એવું જરાય ખપતું નથી. તે કહે છે કે આપણે જોઈએ છે ઉત્તમ કવિતા. આવી ઉત્તમ કવિતા આપણને ઘડે છે, ટકાવી રાખે છે, રસાનંદ આપે છે. બીજું કોઈ એ કરી શકતું નથી. તો પછી ધર્મનું શું? ધર્મ તો એક મહાન વિભૂતિ છે. આર્નલ્ડ માને છે કે કવિતા ધર્મનું સ્થાન લેશે. અન્યત્ર તેમણે કહ્યું છે કે કવિતા એટલે વાસ્તવ, તત્ત્વજ્ઞાન એટલે આભાસ (‘Poetry is the reality, philosophy the illusion’) સાહિત્યાદિ કળાઓ અને માનવવિદ્યાઓના પક્ષકાર તરીકે આર્નલ્ડે મિશનરીના ઉત્સાહથી ચાલુ લખ્યા કર્યું છે. “ઊર્મિથી સંસ્પૃષ્ટ નૈતિકતા” – એ આર્નલ્ડની ધર્મ અને કવિતા બંનેની વ્યાખ્યા છે એવી ટીકા થાય એ સ્વાભાવિક છે. [2] આના કરતાં કાકાસાહેબનું વલણ ઉચિત જણાય છે : “કળા કોઈ કાળે ધર્મનું સ્થાન ન લઈ શકે, અને તે ધર્મની વિરોધી પણ ન જ થવી જોઈએ”[3] એ જ રીતે આર્નલ્ડે કવિતા વગર વિજ્ઞાન અધૂરું રહેશે એમ કહી વિજ્ઞાન કરતાં કવિતાની સર્વોપરીતા સ્થાપવા પ્રયત્ન કર્યો. [4] ‘Culture and Anarchy’(સંસ્કૃતિ અને અરાજકતા)માં આર્નલ્ડ ધર્મ અને સંસ્કૃતિના સામ્યનો વિચાર કરીને પણ સંસ્કૃતિને ધર્મ કરતાં ચઢિયાતી લેખે છે. સંસ્કૃતિ માનવપ્રકૃતિની બધી શક્તિઓનો સંવાદી વિસ્તાર સાધે છે, જ્યારે ધર્મ અમુક જ શક્તિઓ – ખાસ કરીને નૈતિક શક્તિ ઉપર ભાર મૂકે છે.
સંસ્કૃતિને તે ‘પૂર્ણતાનું અધ્યયન’ કહે છે. સંસ્કૃતિ સાથે પૂર્ણતાનો અવ્યભિચારી પ્રેમ સંકળાયેલો છે, એની આંતરિક વૃત્તિ કેવળ પ્રજ્ઞા અને ઈશ્વરીય સંકલ્પશક્તિનું પ્રવર્તન કરાવવાની છે. માધુર્ય અને પ્રકાશ એ સંસ્કૃતિની સાચી ઉપાસનાનાં વરદાન છે. માધુર્ય અને પ્રકાશ (‘Sweetness and Light’) એ શબ્દો દ્વારા અહીં એક વિશાળ માનવીય સહાનુભૂતિ અને એક બલિષ્ઠ અભિજ્ઞા લેખકને અભિપ્રેત લાગે છે. સંસ્કૃતિનો હેતુ બધી જ હિલચાલોમાં શું શાશ્વત અને શું ક્ષણિક અને અપૂર્ણ છે એનો વિવેક કરવાનો છે. આર્નલ્ડની કવિતા વિષયક વિચારણામાં – કવિતાની મહાન જવાબદારી અને એના ઉદાત્ત કાર્ય વિષેની વિચારણામાં – મૂળે આ અભિગમ રહેલો છે. આર્નલ્ડની પોતાની વિવેચનપ્રવૃત્તિ અને વિવેચનનો ઉચ્ચગ્રાહ પણ આ દૃષ્ટિબિંદુથી પ્રવર્તેલો જોવો દુષ્કર નથી.
‘વિવેચનનું કાર્ય’ એ સુદીર્ઘ નિબંધમાં તે કહે છે કે સર્જનાત્મક શક્તિ જે તત્ત્વો વડે કાર્ય કરે છે તે તો છે વિચારો. શ્રેષ્ઠ વિચારોને પ્રભાવક કરવા એ વિવેચનનું કાર્ય છે. વિવેચક સઘળા જ્ઞાનરાશિને આત્મસાત્ કરીને સાચા અને તાજા વિચારો ફેલાવે છે. એક વૈચારિક આબોહવામાં જ સર્જનાત્મક શક્તિ ખીલી ઊઠી શકે અને વિવેચનનું કાર્ય વૈચારિક આબોહવા ઊભી કરવાનું છે. સંકુચિત પ્રાદેશિકતાવાદમાંથી ઇંગ્લેન્ડને છોડાવવાનું જાણે કે તેમણે પોતાનું કર્તવ્ય લેખ્યું છે અને તે સતત યુરોપીય – ખાસ કરીને ફ્રેન્ચ અને જર્મન સાંસ્કૃતિક પ્રવાહો ઝીલવાની ઘોષણા કરે છે. સાહિત્યમાં મોટા યુગો ત્યારે આવે છે જ્યારે વાતાવરણમાં વૈચારિક સમૃદ્ધિ ભરપટ પડી હોય. વિવેચનાએ બૌદ્ધિક પરિસ્થિતિનું નિર્માણ કરવાનું છે, એને હાથવગી બનાવવાની છે જેથી સર્જકો એનો યોગ્ય લાભ લઈ શકે. ગેટે અને બાયરન બંનેમાં મોટી સર્જકશક્તિ હોવા છતાં બંનેની કવિતામાં ફેર છે તે આ વિવેચનાત્મક શક્તિને કારણે છે એમ તે જુએ છે. આ કે તે પ્રવૃત્તિ કે પદ્ધતિને બદલે શુદ્ધ વિચારદ્રવ્યના પ્રવર્તન પર આર્નલ્ડનો ઝોક છે. પ્રો. ઈ. કે. બ્રાઉન ‘Matthew Arnold : A stuly in Conflict’માં કહે છે કે આર્નલ્ડમાં ‘strategy of disinterestedness’ છે. આ એક પ્રકારની અલિપ્તતા અમુક ચોક્કસ અર્થમાં લેવાની છે. આ અલિપ્તતા કે અલગતાને ઉદાસીનતા તરીકે લેવાની નથી, પણ તે તો છે તત્કાલીન રાજકીય અને સાંપ્રદાયિક હેતુઓનો અસ્વીકાર, એક વિસ્તૃત ક્ષિતિજ, પૂર્વગ્રહનો અભાવ અને ક્ષણિક આવેગોની પેલે પાર દેખા દેતી અક્ષુબ્ધતા. જાતિ, ધર્મ કે પ્રદેશની સંકુચિતતાથી પર રહીને ઉત્કૃષ્ટ વિચારોનો સંગ્રહ કરવો અને સાચા પ્રજાકીય ઉત્થાન માટે મૂલ્યોની સંસ્થાપના કરવી અને વિભિન્ન વિચારસરણીઓમાંથી પણ સત્ય અને સંવાદ સારવી લેવાં – એવી સમુદાર જીવનદૃષ્ટિથી આર્નલ્ડ વિવેચનમાં પ્રવૃત્ત થયા હતા. પ્રાદેશિકતાની સામે કેન્દ્રવર્તિતાની જાણે કે તેમણે જેહાદ જગાવી. તેમના ‘ઍસેઝ ઇન ક્રિટિસિઝમ’માં આપણે એ જોઈએ છીએ. આર્નલ્ડની કાવ્ય વિચારણામાં કવિતા એ જીવનની સમીક્ષા છે, કવિતા પ્રાકૃતિક અને નૈતિક જગતનું અર્થઘટન આપે છે, કવિતા ઉમદા અને ગંભીર વિચારોને જીવન પરત્વે લાગુ પાડે છે, કવિતા અને નૈતિકતાનો સંબંધ, કવિતામાં વિષય અને આકૃતિનું મહત્ત્વ, પ્રશિષ્ટ કવિતા, કવિતામાં ઊંચું સત્ય અને ગાંભીર્ય, ભવ્ય શૈલી, કવિતાના મૂલ્યાંકનની પદ્ધતિ વ.નો સમાવેશ થાય છે.
કવિતા એ જીવનની સમીક્ષા છે એવા આર્નલ્ડના અભિપ્રાય ઉપર એલિયટ આદિએ પસ્તાળ પાડેલી. સામસામા અભિપ્રાયો વ્યક્ત થયા. ગેરડે તો કવિતા એ જીવનની ‘સમીક્ષા’ નહિ પણ એ પોતે જ એક વિશિષ્ટ ‘જીવન’ છે એમ કહેલું. અગાઉ ઉલ્લેખ કર્યા તે ટી. એચ. વોર્ડના સંચય ‘ધ ઇંગ્લિશ પોએટ્સ’ની પ્રસ્તાવના રૂપે મુકાયેલ ‘The Study of Poetry’ (૧૮૮૦) નિબંધમાં તેમણે કવિતા એ જીવનની સમીક્ષા છે એમ કહ્યું ત્યારે પણ એ સમીક્ષા કાવ્યગત સત્ય અને કાવ્યગત સૌન્દર્યના નિયમોએ નક્કી કરેલી શરતો પ્રમાણેની હોવી જોઈએ એવો આગ્રહ રાખેલો. તેમની રજૂઆત આ પ્રમાણે હતી : “In poetry, as a criticism of life under the conditions fixed for such a criticism by the laws of poetic truth and poetic beauty, the spirit of our race will find, we have said, as time goes on and other helps fail, its consolation and stay.” પણ ‘જીવનની સમીક્ષા’ એ શબ્દો સૌ પ્રથમ તેમણે ૧૮૬૪માં યોજેલા. પોતે જેને “ફ્રેન્ચ કોલરિજ” તરીકે ઓળખાવેલા તે જ્યૂબેર ઉપરના નિબંધમાં સમગ્ર સાહિત્ય એ જીવનની સમીક્ષા છે એમ કહેલું. એ પછી ૧૮૭૯માં વર્ડ્ઝવર્થ ઉપરના નિબંધમાં કવિતા એ, અંતરંગ દૃષ્ટિએ વિલોકતાં, જીવનની સમીક્ષા છે એમ તેમણે લખ્યું. મૅથ્યુ આર્નલ્ડની આ કોઈ તર્કબદ્ધ સુવ્યવસ્થિત વ્યાપ્તિ નથી, એનું મહત્ત્વ પ્રસંગોપાત્ત વ્યક્ત કરેલી પોતાની કાવ્યભાવના જેટલું જ છે.
આગળ તે કહે છે કે કવિતામાં જીવનની સમીક્ષાની જેટલી તાકાત હશે તેટલા પ્રમાણમાં માનવજાતિને પ્રાપ્ત થનાર આશ્વાસન અને વિશ્રાંતિની તાકાત હશે. અને જીવનની સમીક્ષા આપતી કવિતા જેટલા પ્રમાણમાં ઉત્કૃષ્ટ, નક્કર અને સાચી હશે તેટલા પ્રમાણમાં એ જીવનસમીક્ષા પણ તાકાતવાળી હશે. ટૂંકમાં, જેટલે અંશે કવિતા ઊંચી હશે તેટલે અંશે માનવજાતિને એની જીવનયાત્રામાં આશ્વાસન અને વિશ્રાંતિ મળશે. પણ કવિતા હશે શાને લઈને? તો કહે, જીવનની સમીક્ષાને લઈને. અને આ જીવનસમીક્ષા કાવ્યગત સત્ય અને કાવ્યગત સૌન્દર્યના નિયમોએ નક્કી કરેલી શરતો પ્રમાણે હોવી જોઈએ. પણ તે આ ‘કાવ્યગત સત્ય’ અને ‘કાવ્યગત સૌન્દર્ય’ શું? એની વિચારણા તેમણે કરી નહિ! બીજી રીતે કહીએ તો આર્નલ્ડની આ કાવ્યભાવના છે, કાવ્યવિભાવના નહિ.
આર્નલ્ડને ઉત્તમ કવિતાથી ઓછું જરાય ખપતું નથી. ‘ઉત્તમ’ અને ‘પ્રશિષ્ટ’ ક્યારેક સમાનાર્થ હોય એમ પણ તે પ્રયોજે છે. તે કહે છે કે ઉત્તમ કવિતા જ આપણને ઘડે છે, ટકાવી રાખે છે અને રસાનંદ અર્પે છે, બીજું કોઈ એમ કરી શકતું નથી. કવિતા વાંચતી વખતે ઉત્તમ અને ખરેખરી ઉત્કૃષ્ટ કવિતાની સૂઝ અને એ કવિતામાંથી મેળવવાના આનંદ અને તાકાતનો ખ્યાલ ચાલુ મનમાં રહેવો જોઈએ.
કવિતાના અભ્યાસીઓએ પ્રશિષ્ટ રચનાઓ ઉપર નજર ઠેરવવી જોઈએ. પ્રશિષ્ટ કાવ્યકૃતિનો પુરસ્કાર અને કૃતક–પ્રશિષ્ટની ઉપેક્ષા સતત કરતા રહેવું જોઈએ. પ્રશિષ્ટ કાવ્યરચનાને નમૂના રૂપ રાખી જે રચનાઓ એનાથી ઊણી ઊતરે અથવા જેમાં એના ગુણો નથી એ બે વચ્ચે તારવણી કર્યા કરવી અને પ્રશિષ્ટ કૃતિઓની ભાવસૃષ્ટિમાં રમમાણ રહેવું, એનો આનંદ ઊંડાણપૂર્વક અનુભવવો એ કવિતાના અધ્યયનનું શ્રેય છે. કવિતાવિવેકની આ પ્રક્રિયામાં જે દખલરૂપ છે તે હાનિકારક છે અને સર્વથા ત્યાજ્ય છે. આર્નલ્ડ કહે છે કે આપણી સમક્ષ રજૂ થતી કવિતા ખરેખરી ઉત્કૃષ્ટ છે કે કેમ તે નક્કી કરવા માટે મહાન કવિઓની કાવ્યપંક્તિઓ અને અભિવ્યક્તિઓ હંમેશ આપણા ચિત્તમાં રમતી રહેવી જોઈએ અને એ કવિતાના મૂલ્યાંકનમાં નિકષ તરીકે એનો ઉપયોગ કરવો જોઈએ. આ જાતની કવિતામાં પેલી ઉચ્ચ કાવ્યસંપત્તિ છે કે કેમ અને હોય તો કેટલી માત્રામાં તે નક્કી કરવું જોઈએ. આ કવિતા અને પેલી પ્રશિષ્ટ કવિતામાં તદ્દન સરખાપણું હોવું જોઈએ એમ નથી, પણ એની ઉચ્ચ ગુણસંપત્તિના અણસારા એમાં મળે છે કે કેમ એ અભ્યાસીએ જોવાનું છે. આ કાર્યમાં ઉત્કૃષ્ટ કવિતાની ટૂંકી કંડિકાઓ કે પંક્તિઓ પણ મદદરૂપ નીવડે છે. આ રીતે લેખકે હોમર, દાઁતે, શેકસ્પિયર અને મિલ્ટન જેવા કવિઓની કાવ્યપંક્તિઓ ટાંકી બતાવી છે અને આ પંક્તિઓમાં ઉચ્ચતમ કાવ્યગુણ રહેલો છે એમ કહ્યું છે. વિવેચકોના ગદ્યલખાણોમાંથી એ ઉત્તમતા મેળવવી એના કરતાં બહેતર છે કે એ કવિતાનો જાતે આસ્વાદ લેવો, કવિતા સમજવા માટે કવિતાની પોતાની પાસે જ જવું જોઈએ એમ લેખક ભારપૂર્વક સૂચવે છે, કારણ કે એમ કરવાથી અભ્યાસીને પોતાને કાવ્યનો અનુભવ થાય છે. અલબત્ત ઉત્તમ રસવૃત્તિ ધરાવનાર વિવેકી અભ્યાસી – વિવેચક એવો અનુભવ કરાવવામાં આપણને જરૂર મદદરૂપ થાય છે. અને ઘણીવાર એ મદદ ઘણી મોટી હોવા છતાં પ્રત્યક્ષ કાવ્યકૃતિઓનું પરિશીલન સવિશેષ મહત્ત્વનું છે એમ તે માને છે. આર્નલ્ડનો આ સિદ્ધાંત કાવ્યનિકષના સિદ્ધાંત તરીકે ઓળખાય છે. આ રીતે ખુલ્લી આંખે (અને ખુલ્લા મગજે) પ્રશિષ્ટ કવિની કૃતિઓનો આસ્વાદ લેવો અને એવી ઉત્તમ કૃતિઓની સાથે સરખાવતાં જે કૃતિઓ નિકૃષ્ટ જણાય તેનું યથાર્થ મૂલ્યાંકન કરવું જોઈએ. આવા નિષેધાત્મક વિવેચનનો ઉપયોગ એ છે કે એનાથી જે કાંઈ સાચેસાચ ઉત્કૃષ્ટ છે. એની વધારે સ્પષ્ટ સૂઝ મળે અને એનો વધારે ઊંડો રસાસ્વાદ કરવામાં મદદ મળે.
મૅથ્યુ આર્નલ્ડ અહીં મૂલ્યાંકનની વિભિન્ન પદ્ધતિઓની વાત કરે છે. તે મુખ્યત્વે ત્રણ પદ્ધતિઓ ગણાવે છે : (૧) વાસ્તવિક અંદાજ, (૨) ઐતિહાસિક અંદાજ અને (૩) અંગત અંદાજ. જો આપણે જાગ્રત ન રહીએ તો વાસ્તવિક અંદાજ બાજુએ રહી જાય છે અને બીજા બે અંદાજો આગળ આવી જવાનો સંભવ છે. આ બંને અંદાજો ખોટે રસ્તે દોરનારા છે. આ પ્રમાણે ઉત્તમ અને અધમ, ઉત્કૃષ્ટ અને નિકૃષ્ટ, સાચી અને કૃતક કવિતા વચ્ચે વિવેક કરી વાસ્તવિક અંદાજ પર આવવું એ કવિતાના અભ્યાસીનું કામ છે. કોઈ પણ પ્રજાની કવિતાનો ઉત્તરોત્તર વિકાસ કેમ થતો ગયો અને આ વિકાસક્રમમાં તે તે કવિનું શું સ્થાન છે તે તપાસવું અલબત્ત ગમે એવું છે, પણ એ માર્ગે કવિતાને વધારે પડતું મહત્ત્વ મળી જવા સંભવ છે અને ઐતિહાસિક મૂલ્યાંકન એ તાત્ત્વિક મૂલ્યાંકનનું સ્થાન લે તેવો ભય છે. પરિણામે તે તે કવિતાનું વિવેચન કરતી વેળા આપણે અતિશયોક્તિભરી ભાષા વાપરવા મંડી જઈએ છીએ અને એનું અઘટિત વિશેષ મૂલ્ય આંકીએ છીએ. ઐતિહાસિક અંદાજનો આ દોષ છે. અંગત અંદાજમાં આપણને ગમતા વિષય ઉપરનું કાવ્ય જોતાંવેંત આપણે એનાં વખાણ કરવા લાગીએ છીએ અને આપણે માટે જે વસ્તુ મહત્ત્વની છે તેને એટલું બધું પ્રાધાન્ય આપીએ છીએ કે એવી કવિતામાં જે ઉચ્ચ ગુણો નથી એનું આરોપણ કરીએ છીએ. આપણા અંગત ગમા–અણગમા કવિતાના સાચા મૂલ્યાંકનથી આપણને દૂર લઈ જાય છે. એ સિવાય પ્રશિષ્ટ કવિના પ્રયત્નો, એની મહેનત, એની નિર્બલતાઓ કે નિષ્ફળતાઓ જાણવી અથવા તો એના જીવન અંગેની કે એના જમાના અંગેની માહિતી એકઠી કરવી એ સાહિત્યક્ષેત્રે શિખાઉપણું સૂચવે છે – સિવાય કે એની પાછળ પેલી કાવ્યવિવેકની સૂઝ અને ઊંડો રસાનંદ લેવાની વૃત્તિશક્તિ પડ્યાં હોય. આમાંથી જન્મે છે કવિતાનું ઐતિહાસિક મૂળ શોધનારાઓનો વર્ગ. આ વર્ગના અભ્યાસીઓ ઉત્તમ કવિતાનો આસ્વાદ લેવાનું બાજુ ઉપર મૂકી જે ઓછું સારું છે એમાં જ વધુ પડતા રોકાયેલા રહે છે અને તેમના આ જાતના સંશોધનમાં તેમને જે મહેનત પડી હોય છે તેના પ્રમાણમાં એ કવિતાનું મૂલ્ય આંકે છે! –વધુ પડતું મૂલ્ય આંકે છે.
ઊંચી કવિતાનાં લક્ષણો કાવ્યસત્ત્વ અને કાવ્યવસ્તુમાં (Substance and matter) અને કાવ્યરીતિ અને કાવ્યશૈલી(Style and manner)માં હોય છે. આ બંને ઉપર ઊંચા સૌન્દર્યની આગવી મુદ્રા ઊઠેલી હોય છે. ઇતિહાસ કરતાં કવિતા ઊંચી છે કારણ કે કવિતામાં ઉચ્ચતર સત્ય અને ઉચ્ચતર ગાંભીર્ય છે એવા એરિસ્ટોટલના નિરીક્ષણને અનુસરીને આર્નલ્ડ કહે છે કે ઉત્તમ કવિતાના સત્ત્વમાં અને વસ્તુમાં વિશિષ્ટતા છે તે એનામાં મોટા પ્રમાણમાં સત્ય અને ગાંભીર્ય (Truth and High seriousness) હોવાને લઈને છે, અને કાવ્યશૈલીમાં એ વિશિષ્ટતા વરતાઈ આવે છે એની પદાવલિથી અને એથીય વિશેષ એની ગતિ(movement)થી. ઉત્તમ કવિતાના વસ્તુ અને સત્ત્વમાં ઊંચું સત્ય અને ગાંભીર્ય રહ્યું છે, અને એની રીતિ અને શૈલીમાં ઊંચી પદાવલિ અને ગતિ રહેલી છે. આ બંને એકબીજાને એવાં વળગેલાં છે, એકબીજા સાથે એવાં પ્રમાણસર સંલગ્ન છે કે તેમને જુદાં કરી શકાય નહિ. એ બંને અવિભાજ્ય છે. જે કવિની કવિતાના વસ્તુમાં ઉચ્ચ કાવ્યસત્ય અને ગાંભીર્ય નહિ હોય એ કવિની કાવ્યશૈલીમાં પણ ઊંચી કોટિની પદાવલિ અને ગતિ નહિ હોય. અને જે કવિની કાવ્યશૈલીમાં ઊંચી કોટિની પદાવલિ અને ગતિ નહિ હોય એની કવિતાના કાવ્યવસ્તુમાં પણ ઉચ્ચ કાવ્યસત્ય અને ગાંભીર્ય નહિ હોય. આટલું કહ્યા પછી આર્નલ્ડે ઉચિત રીતે જ ઉમેર્યું છે કે આ કેવળ શુષ્ક વ્યાપક કથનો માત્ર છે, એનો સમગ્ર ભાર તો એના વિનિયોગ પર જ છે.
એરિસ્ટોટલની ‘સ્પાઉદાઇઓતેસ’ એ ગ્રીક સંજ્ઞાનો આર્નલ્ડે ‘હાઈ સિરીઅસનેસ’ એવો અનુવાદ કર્યો છે. પણ આ શબ્દગુચ્છ ગાંભીર્ય અને ઉદાત્તતાની ઉત્કટ અર્થચ્છાયા ધરાવે છે અને મહાન કવિતાની વ્યાખ્યા તરીકે એ ઘણાં ઓછાં પડે એવી ટીકા વિવેચકોએ કરેલી છે.
આર્નલ્ડ વસ્તુ અને આકૃતિને પણ સ્વીકારે છે પણ સામાન્યતઃ વિષય જાણે કે નક્કી થયેલો, કળાકૃતિથી વિચ્છિન્ન રૂપમાં એની કાવ્યાત્મકતા કે અકાવ્યાત્મકતાનો નિર્ણય થઈ શકતો હોય એવું એમનું નિરૂપણ ચર્ચ્ય લેખાયું છે. આકાર એ જાણે કે નક્કર પાત્ર હોય અને કવિ વસ્તુ સામગ્રીને એમાં રેડતો હોય એ શી રીતે સ્વીકાર્ય નીવડે?
આર્નલ્ડ કવિતાને માટે ધ્યર્થ – કલ્પ(idea)ને સર્વસ્વ ગણે છે, એ સિવાયનું સઘળું માયાવી – દિવ્ય ભ્રાન્તિ છે. કવિતા ધ્યર્થની સાથે ઊર્મિને જોડે છે.
આર્નલ્ડે પોતાની કાવ્યભાવનાને અનુલક્ષીને અંગ્રેજી કવિતાધારાને મૂલવી છે. ચૉસરથી ખરી અંગ્રેજી કવિતાનો આરંભ થયો હોવા છતાં, એની કવિતામાં કેટલાક ઉત્કૃષ્ટ ગુણો હોવા છતાં ચૉસરમાં કશુંક ખૂટતું લાગે છે અને તે છે ઉચ્ચ અને ઉત્કૃષ્ટ ગાંભીર્ય. દાઁતેને એ સહજસિદ્ધ છે. ચૉસર એને આંબી શકે એમ નથી.
મિલ્ટન અને શેકસ્પિયર સર્વસ્વીકૃત પ્રશિષ્ટ કવિઓ છે. અઢારમી સદીના ડ્રાયડન અને પોપ ગદ્યકાર તરીકે મોટા છે. તેઓએ કવિતા જરૂર લખી છે, પણ તેઓ પ્રશિષ્ટ કવિઓ નથી, પ્રશિષ્ટ ગદ્યકારો છે, જ્યારે ગ્રેની કેટલીક મર્યાદાઓ હોવા છતાં નાનો નાનો તોય તે પ્રશિષ્ટ કવિ છે. અઢારમી સદીના અંતભાગમાં નજર કરતાં મોટું નામ બર્ન્સનું દેખાય છે. બર્ન્સની કવિતામાં પ્રશિષ્ટ કવિનો સાચો અવાજ નથી. કશુંક બોદું લાગે છે. બર્ન્સમાં એક પાકટ સમજણ છે અને ભાષાનો તો તે સ્વામી છે, પણ પ્રશિષ્ટ કવિતામાં એથી વિશેષ જોઈએ. એનામાં સંપૂર્ણ સહૃદયતામાંથી જન્મતું ઊંચું ગાંભીર્ય નથી, એટલે ચૉસરની જેમ બર્ન્સને મહાન પ્રશિષ્ટ કવિ કહી શકાય નહિ. બર્ન્સની રચનાઓ કવિતા સુધી બરોબર પહોંચે છે, પણ એ કવિતા મહાન કવિતા નથી.
હવે પ્રશિષ્ટ ગ્રંથો વંચાશે ખરા? આ પ્રશ્ન પણ તેમણે છેડ્યો છે. સામાન્ય વાચકો સામાન્ય કક્ષાનું વાચન માગશે, કશુંક નક્કર અને સત્ત્વશાળી વાચન તેમને માફક નહિ આવે, વિશાળ વાચકવર્ગમાંથી એ સાહિત્ય તદ્દન નીકળી જશે એમ માનીએ તો પણ એનો રસાનંદ લેનારા નીકળવાના એવો આર્નલ્ડનો દૃઢ પ્રત્યય છે. આ પ્રશિષ્ટ ગ્રંથો વંચાશે જ. પ્રશિષ્ટ સાહિત્યનું ચલણ અને એની સર્વોપરીતા રહેવાનાં જ છે, કારણ કે માનવજાતિમાં આત્મસંરક્ષણની વૃત્તિ રહેલી છે. અર્થાત્ માનવજાતિ ટકી રહેવા માટે પ્રશિષ્ટ ગ્રંથોનું સેવન પોતાની ગરજે કરશે.
આર્નલ્ડના કવિતા વિષયક વિચારોએ વિવેચકોમાં ઠીક ઠીક ઊહાપોહ જગાવ્યો છે. આર્નલ્ડના સિદ્ધાંતો, તેમણે કરેલું કવિઓનું મૂલ્યાંકન અને આર્નલ્ડની વિવેચનપદ્ધતિ પરત્વે જુદા જુદા અભિપ્રાયો વ્યક્ત થયા છે. એલિયટે આર્નલ્ડ વિશેનો પોતાનો અભિપ્રાય પાછળથી સુધારેલો. ‘કવિતાનું અધ્યયન’ એ નિબંધ અંગ્રેજી વિવેચન સાહિત્યની એક પ્રશિષ્ટ કૃતિ છે એમ કહેલું. આટલી ત્રેવડથી અને આટલા પ્રભુત્વથી આર્નલ્ડે જે નિરૂપણ કર્યું તે પ્રશસ્ય છે, તેમ છતાં આર્નલ્ડના સિદ્ધાંતો સામે તેમણે જોરદાર રજૂઆત પણ કરી છે કે વિચારો એ દુઃખી માનવજાતિની સૂઝી ગયેલી ત્વચા ઉપર જાણે કે મલમ જેવા લાગે છે! તેમણે એની તો ઠેકડી જ ઉડાડી છે. કવિતા શાને માટે છે એ વિશે આર્નલ્ડ એટલા બધા સભાન હતા કે શાને લઈને કવિતા એ કવિતા છે એ તે જોઈ ન શક્યા એમ એલિયટ કહે છે. પદ્યસંગીતની સૂઝ પણ તેમનામાં ન હતી. સૌન્દર્યજગત સાથે કામ પાડવું એ કવિને લાભદાયક છે, એમ આર્નલ્ડ કહે છે, પણ એલિયટ જણાવે છે કે એ સૌંદર્ય અને વિરૂપતા ઉભયની નીચે જોવું એ પણ કવિને માટે એટલું જ જરૂરી છે. ભયાનકતા, ભવ્યતા અને નિર્વેદ વગેરે પણ કવિ જોઈ શકતો હોવો જોઈએ.
આ જાતના વિરોધો ઉપરાંત આર્નલ્ડે કરેલી અંગ્રેજી કવિતા–પરંપરાની મુલવણીમાં પણ એલિયટને દોષો જણાયા છે. ચૉસરમાં શું પ્રગલ્ભ ગાંભીર્ય નથી? આર્નલ્ડ ચૉસરને દાઁતે સાથે વિરોધાવે છે. દાઁતેની સરખામણીમાં ચૉસરમાં પૂરતું ગાંભીર્ય નથી એ વાત સાચી; પણ આખરે શું ચૉસર વર્ડ્ઝવર્થ કરતાં પણ ઓછો ગંભીર છે? વર્ડ્ઝવર્થની સાથે એને કેમ ન સરખાવ્યો? બર્ન્સ આદિના મૂલ્યાંકનમાં આર્નલ્ડની મુરબ્બીવટ તેમને દેખાઈ છે. એફ. આર. લીવીસ પણ ગ્રેના મૂલ્યાંકનમાં મુરબ્બીવટ જુએ છે.
એલિયટ અને એફ. આર. લીવીસ જેવા આર્નલ્ડના ટીકાકારોનું પોતાનું વિવેચનકાર્ય અને વિવેચનદૃષ્ટિ એક રીતે આર્નલ્ડનું જ અનુસંધાન છે! આર્નલ્ડે પ્રશિષ્ટ અને મહાન સાહિત્ય માટે જે જિકર કરી, એના મૂલ્યાંકનનાં વ્યાપક ધોરણોનો પુરસ્કાર કર્યો, મહાન કૃતિઓમાં પ્રજાના વાઙ્મયપુરુષાર્થનું પ્રતિબિંબ જોયું એ પ્રકારનાં વલણો જરા જુદી રીતે પણ આ વિવેચકોમાં પ્રગટ થયાં છે. એક રીતે તેમનું વિવેચનકાર્ય સંપૂર્તિરૂપ પણ બન્યું છે. આર્નલ્ડે જે મુદ્દાઓ ઉપર વધુ પડતો ભાર મૂકી ગૂંચવ્યા હતા તેની જાણે કે પરિષ્કૃતિ આ વિવેચકોને હાથે ન થઈ હોય!
જ્યોર્જ સેઈન્ટ્રસબરી વિવેચનના ઇતિહાસમાં આર્નલ્ડ વિશે લખતાં કહે છે કે કવિતાને જીવનની સમીક્ષા કહેવામાં નરી પુનરુક્તિ છે. કવિતા વિચારો જીવનને લાગુ પાડે છે એમાં પણ કંઈ નવી વાત નથી. સઘળું સાહિત્ય પણ એ જ કરે છે! ઊંચી કવિતા માટે આર્નલ્ડે જે ધોરણો ઉપજાવ્યાં છે તે અમૂર્ત છે. જે ત્રણ પ્રકારના અંદાજો — ઐતિહાસિક અંદાજ, અંગત અંદાજ અને વાસ્તવિક અંદાજની વાત આર્નલ્ડે કરી છે એમાં અંગત અંદાજ ગેરરસ્તે દોરનારો છે એવા એમના અભિપ્રાય સાથે સેઈન્ટ્રસબરી સંમત થાય છે પણ ઐતિહાસિક અંદાજ વિશેનું દૃષ્ટિબિંદુ સ્વીકારતા નથી. તે કહે છે કે સાહિત્યના ઇતિહાસ ઉપર પ્રભુત્વ મેળવવામાં આર્નલ્ડની અધીરાઈ સૂચવે છે, એનું સાચું મૂલ્ય તે બતાવી શક્યા નથી. કવિતાવિવેકની પ્રક્રિયામાં મદદરૂપ થાય એ અર્થે ઉત્કૃષ્ટ કવિતાની પંક્તિઓ કે કાવ્યખંડો ભાવકના ચિત્તમાં રમતાં હોવા જોઈએ એ આર્નલ્ડના અભિપ્રાય સાથે સંમત થવું એક બીજા વિવેચક કલીન્થ બ્રૂક્સને મુશ્કેલ જણાય છે. તે કહે છે કે જ્યાં સુધી તે તે મહાન કવિની વિશિષ્ટતા પૂરેપૂરી સમજાઈ ન હોય ત્યાં સુધી એવી પંક્તિઓ ભાગ્યે જ મદદરૂપ નીવડે. આર્નલ્ડે ઊંચી કવિતાના નિદર્શન રૂપે આપેલી પંક્તિઓ કેટલાક વિવેચકોને સંતર્પક જણાઈ નથી. જેમ્સ સ્કૉટને આર્નલ્ડે આપેલી મિલ્ટનની પંક્તિઓ કાવ્યત્વની દૃષ્ટિએ નિર્બળ જ નહિ પણ આઘાતજનક પણ જણાઈ છે. આર્નલ્ડે ગણાવેલા ત્રણ પ્રકારના અંદાજો વિશે જેમ્સ સ્કૉટ કહે છે કે આર્નલ્ડને અભિમત યથાર્થ અંદાજ ઉપર આવવા માટે પણ અંગત અંદાજ તદ્દન અનિવાર્ય છે. અંગત–વૈયક્તિક પ્રતિભાવ આપવો એ જ વિવેચકનું કાર્ય છે. એના વગર સાચું મૂલ્યાંકન શી રીતે થઈ શકે?
આર્નલ્ડના કાવ્યવિચારમાં ‘જીવનની સમીક્ષા’, ‘સત્ય અને ગાંભીર્ય’, વૈચારિક તત્ત્વ, નીતિપરાયણતા આદિ કેમ સ્થાન પામ્યાં એ તપાસતાં એનું મૂલ્ય સમજાય છે. એમાં એમની પ્રજાહિતૈષી સાહિત્યદૃષ્ટિ રહેલી છે. કવિતા અને સમગ્ર સાહિત્યને એક વિશાળ ફલક ઉપર મૂકી આપી માનવજાતિના કલ્યાણમાં એનો વિનિયોગ કરવાની શુભ ભાવનાથી તે પ્રવૃત્ત થયા હતા. તો, સાથે સાથે કાવ્યની સાવયવ એકતા ઉપર પણ તેમણે ભાર મૂક્યો. કાવ્યાંતર્ગત ભિન્ન ભિન્ન વાનાંના સંવાદી સંયોજનનો પણ તેમણે મહિમા કર્યો, કાવ્યની સુશ્લિષ્ટતા અને સમગ્ર છાપ એમને આવશ્યક જણાઈ. કાવ્યની આ ઉત્કૃષ્ટતા એક તરફ વસ્તુ અને અંતસ્તત્ત્વ અને બીજી તરફ રીતિ અને શૈલીમાં પ્રગટ થવી જોઈએ. એ શક્ય બને છે સત્ય અને પ્રગલ્ભ ગાંભીર્ય વડે, અને આ પ્રગલ્ભ ગાંભીર્ય જન્મે છે સંપૂર્ણ સહૃદયતામાંથી. વસ્તુ અને અંતસ્તત્ત્વની સાથે તેમણે એને અન્વય જોડી આપ્યો અને રીતિ અને શૈલીની સાથે પદાવલિ અને લયની ગતિને જોડી આપી, અને એ રીતે ઉત્તમ પ્રશિષ્ટ કવિતા વિશેના ખ્યાલનું એક વર્તુલ રચી આપ્યું. પણ આ શી રીતે શક્ય બને એની સ્વરૂપગત ચર્ચામાં એમની કાવ્યવિચારણા પ્રવૃત્ત ન બની. મૅથ્યુ આર્નલ્ડના કાવ્યવિચારની આ વિશેષતા અને મર્યાદા બંને છે. સર્જકશક્તિ વગર તો કાવ્ય સંભવે જ નહિ પણ વૈચારિક શક્તિ વગર એ મહિમાવંત બને નહિ. અને અહીં કળાની પ્રયોજનલક્ષિતા અને બોધાત્મકતાનો પ્રશ્ન ઉદ્ભવે છે. આર્નલ્ડના સાચા પ્રશંસકોની મુશ્કેલી પણ તેમણે પોતે જ ઊભી કરી છે!
વિવેચકો તેમના ‘જીવનસમીક્ષા’ શબ્દ ઉપર તૂટી પડે છે. વર્ડ્ઝવર્થ ઉપરના નિબંધમાં વૉલ્ટેરના એક અભિપ્રાયની ચર્ચા કરતાં તેમણે કહ્યું છે : “If it is said that to call these ideas moral ideas is to introduce a strong aud injurious limitation, I answer that it is to do nothing of the kind, because moral ideas are really so main a part of human life. The question, how to live, is itself a moral idea; and it is the question which, most interests every man, and with which, in some way or other, he is perpetually occupied......... It is important therefore, to hold fast to this that poetry is at bottom a criticism of life that the greatness of a poet lies in his powerful and beautiful application of ideas to life, – to the question : “How to live.”
‘જીવન’, ‘સમીક્ષા’, ‘નૈતિક વિચારો’ને તેમણે એક વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોયા છે તે આ ઉપરથી સમજાય છે. ૧૮૮૧માં બાયરન વિશેના નિબંધમાં આર્નલ્ડે કહેલું કે જીવનની સમીક્ષા એ શબ્દપ્રયોગ તેમણે પહેલવહેલો કર્યો ત્યારે તેમના મનમાં સમગ્ર સાહિત્ય હતું, ફક્ત કવિતા નહિ. ગદ્ય કે પદ્યમાં આપણું પ્રત્યેક ઉચ્ચારણનું અંતિમ લક્ષ્ય જીવનની સમીક્ષા છે. ગદ્ય કરતાં કવિતાને જુદી પાડતી વ્યાખ્યા તરીકે એ બહુ કામ આવી શકે એમ નથી એવો એકરાર કરતાં તેમણે કહેલું કે : “We are not brought much on our way, I admit, towards an adequate definition of poetry as distinguished from prose by that truth; still a truth it is, and poetry can never prosper if it is forgotten!” અહીં પણ જીવનની સમીક્ષા કાવ્યગત સત્ય અને કાવ્યગત સૌંદર્યના નિયમો પ્રમાણેની હોવી જોઈએ એમ તેમણે કહ્યું જ છે.
લેખકના બધા ખુલાસા છતાં એમનો આ વિચાર કાંઈક ધૂંધળો તો રહે જ છે. પણ કદાચ એનું કારણુ આર્નલ્ડે એનું વ્યવસ્થિત પ્રતિપાદન કર્યું નથી એ છે. આમેય આર્નલ્ડનો કાવ્યવિચાર એ કોઈ સુવ્યવસ્થિત સિદ્ધાંત–પ્રતિપાદન નથી. અન્ય વિષયો પર લખતાં તેમણે પોતાની કાવ્યભાવના રજૂ કરી એટલો જ એનો અર્થ થઈ શકે. જેમ “ઉત્તમ શબ્દો ઉત્તમ ક્રમમાં” એ વ્યાખ્યા છે તેમ ‘જીવનની સમીક્ષા’ એ વ્યાખ્યા નથી. આર્નલ્ડ વિશેના અભ્યાસગ્રંથમાં લાયોનલ ટ્રિલિંગે એનો ખુલાસો કર્યો જ છે. આર્નોલ્ડનું નિરૂપણ વ્યાખ્યાત્મક કરતાં વર્ણનાત્મક સવિશેષ છે. આર્નલ્ડની નિસબત કવિતાનો ધર્મ – એનું કાર્યક્ષેત્ર વર્ણવવાની છે. કવિતાની કામગીરીમાં જીવનની સમીક્ષા કરવી એ એક મુખ્ય કામગીરી છે. કવિતા એ કાર્ય કેવી રીતે કરશે એ નોખો સવાલ છે, આર્નલ્ડને માટે એ બહુ પ્રસ્તુત પણ નથી બન્યો. એલિયટ કહે છે કે દર સો વર્ષે એવો વિવેચક પાકે છે જે કવિઓને–સાહિત્યકારોને ઉચ્ચાવચ ક્રમમાં મૂકી આપે છે. એલિયટ એને ક્રાન્તિ નહિ પણ પુનર્વ્યવસ્થા કહે છે. આર્નલ્ડે એવો ક્રમ સ્થાપી આપ્યો છે. તેમણે પોતાનાં ધોરણોથી સમગ્ર કાવ્યપટને વિલોકવાનો અને કવિઓનું સ્થાન નક્કી કરવાનો જે પ્રયાસ કર્યો છે એમાં એમની શોધ મહાન કવિતાની — great poetry – ની જ છે. જે કવિતા ‘મહાન’ ન હોય તે સારી કવિતા તો હોઈ શકે, અને એ સારી કવિતાના બધા ગુણો તેમણે ઊલટભેર બતાવ્યા છે. પણ કવિતા કઈ બાબતોમાં મહાન થવામાં ઊણી ઊતરે તે એમની તપાસનો વિષય હોઈ અને મહાન કવિતા માટે જીવનના પ્રવાહોનું આકલન અને પર્યેષણા તે અનિવાર્ય લેખતા હોઈ તેમણે સૂચવેલા ગુણવતાદર્શક ક્રમની બાબતમાં મતભેદ જરૂર હોઈ શકે. મહાન કવિતા કે પ્રશિષ્ટ કવિતાથી વ્યતિરિક્ત એવી સર્વસામાન્ય ઊર્મિકવિતાને એમનો કાવ્યવિચાર શી રીતે લાગુ પાડી શકાય એ પ્રશ્ન તો રહે જ છે. જે સમયમાં વર્ડ્ઝવર્થની કવિતાની પ્રતિષ્ટા કરવી એ પ્રશ્ન હતા ત્યારે આર્નલ્ડે વર્ડ્ઝવર્થની કવિતાના ગુણો સયુક્તિક બતાવી એ કાર્ય કર્યું. પરંતુ વર્ડ્ઝવર્થ માટે એને આંધળો પક્ષપાત નથી. ‘The Function of Oriticism’ એ નિબંધમાં વર્ડ્ઝવર્થ કરતાં ગ્યુઈથેને તેમણે ઊંચા સ્થાને મૂક્યો છે, કારણ કે ગ્યુઈથેમાં જે વિવેચકશક્તિ છે તે વર્ડ્ઝવર્થમાં નથી. અને ગ્યુઈથેનું વાચન પણ વર્ડ્ઝવર્થ કરતાં ઘણું વધારે હતું.
આર્નલ્ડની કાવ્યવિષયક વિચારણાની ટીકામાં સંજ્ઞાઓની શિથિલતાએ પણ ભાગ ભજવ્યો છે. વિલિયમ રોબિન્સ યોગ્ય જ કહે છે કે : “Difficulties that arise are mainly due to Arnold’s descriptive, rather than definitive method and his failure to discriminate between a loose literary and an exact philosophical Use of terms.”
આ બધું હોવા છતાં મૅથ્યુ આર્નલ્ડની કાવ્યવિચારણાએ અંગ્રેજી વિવેચન સાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે એ હકીકત એમના કટ્ટર ટીકાકારોને પણ સ્વીકારવી પડે છે. એમની વિચારણા તેમના સમયમાં તો એક મોટા પરિબળ સમાન હતી. રોમૅન્ટિક યુગ પછી અંગ્રેજી વિવેચનને ઉદાસીનતામાંથી બહાર કાઢી એક સ્થિર ભૂમિકા ઉપર મૂકી આપ્યું, એટલું જ નહિ એ પછી પણ આર્નલ્ડ એક મોટી પરંપરાના પ્રવર્તક બન્યા અને એ તંતુ આગળ ચાલ્યો. એનો અર્થ એવો નથી કે આર્નલ્ડને કાવ્યવિચાર કેવળ ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. આજે કાવ્યપ્રક્રિયા અને વિવેચનપદ્ધતિ વિષયક વિવિધ મતશાળાઓ વચ્ચે આર્નલ્ડના તદ્વિષયક વિચારોનો નિરપેક્ષ દૃષ્ટિએ પણ સમાદર થતો રહે છે. એમના અવસાનને લગભગ એક સદી થવા આવશે અને છતાં આર્નલ્ડના વિવેચનનું વિવેચન યુરોપમાં થતું રહ્યું છે એ એમના વિવેચનકાર્યની જીવંતતાનો પુરાવો છે. વિવેચક તરીકેની તેમની બહુમુખી પ્રતિભા અને માનવવિદ્યાઓનું વ્યાપક જ્ઞાન એમની વિરલ સજ્જતાનાં સૂચક છે. એમના બધા વિચારો ન સ્વીકારવાને માટે પણ એ વિચારોનું પરિશીલન ઉપકારક નીવડે એવું છે. એવા મોટા ગજાના સાહિત્યવિવેચક એ હતા. એમના વિશે સામસામા છેડાના અભિપ્રાયો અંગ્રેજ અને અમેરિકન વિવેચકો તરફથી અપાયા છે ત્યારે આપણા આનંદશંકરે સમભાવ અને ઔચિત્ય વિવેકપૂર્વક આર્નલ્ડનું જે મૂલ્યાંકન કર્યું છે તે ખાસ ઉલ્લેખનીય બની રહે છે. રવીન્દ્રનાથે પ્રસંગોપાત્ત કહેલા કાવ્યના લક્ષણ “...to give a rhythmic expression to life on a colourful background of imagination”નું વાર્તિક કરતાં તેમણે લખ્યું છે કે “કાવ્યમાં જીવનનો ઉચ્ચાર હોવો જોઈએ. મૅથ્યુ આર્નલ્ડે કાવ્યને જીવનની સમાલોચના યાને સારાસારા વિવેચન રૂપ (‘criticisrn of life’) કહ્યું છે એનાં પછીના અંગ્રેજ લેખકોનાં લખાણોમાં અસંખ્ય ચૂંથણાં થયાં છે, પણ એમાં અમને મૂળ લક્ષ્ય – મૅથ્યુ આર્નલ્ડનું તાત્પર્ય અમારે મન ભુલાઈ જતું લાગે છે : એ લક્ષણમાં અપૂર્ણતા છે, પણ અયથાર્થતા નથી. પણ ડૉ. ટાગોરે તો કાવ્યને જીવનનું ‘criticism’ – ‘વિવેચન’ નહિ પણ ‘expession’ – ‘ઉચ્ચારણ’ કહ્યું છે એટલે એ આક્ષેપો એમના લક્ષણને લાગુ પડશે નહિ.” [5]
[અમદાવાદના ગુજરાતીના અધ્યાપકોના સ્વાધ્યાય–વર્તુલમાં તા. ૧૪ જુલાઈ, ૧૯૬૦ના રોજ વાંચેલો નિબંધ સુધારા–વધારા સાથે]
અમરજ્યોતના અજવાળામાં....
સાહિત્યવિવેચનના સિદ્ધાંતોનો વિશ્વરસંદર્ભ ચોકસાઈપૂર્વક આપતું અને સાહિત્યવિવેચનની પ્રક્રિયાનાં ઊંચાં નિશાન નિરાડંબરપણે તાકતું એવું આ પુસ્તક, વિવેચનની પ્રક્રિયા, ડૉ. રમણલાલ જોશીની સ્વસ્થ-સરળ અને આનંદમૂલક દૃષ્ટિની નીપજ છે. ‘મુખ્ય બાબત તો કલાકૃતિને પામવાની છે’– એ સરળ–દૃઢ વાક્ય એમની વિવેચનાનું ધ્રુવપદ છે. ગોવર્ધનરામ ત્રિપાઠીએ વિવેચનને ‘આનંદની ઉજાણી’ રૂપે વર્ણવ્યું હતું, એની નોંધ અહીં ગોવર્ધનસાહિત્યના આ અગ્રણી વિવેચકે લીધી છે. કલા અને કલાકારના સાન્નિધ્યમાં એમને થતો સહજ આનંદ એ કૃતિમર્મગામી છતાં બૃહદસંદર્ભશીલ એવા આ વિવેચનગ્રંથનું ધબકતું હૃદય છે.
પુસ્તકનો પહેલો લેખ વિવેચનની પ્રક્રિયા સૈદ્ધાન્તિક સાહિત્યવિવેચનનું ગતિરૂપ પ્રગટ કરી શકે છે. સમય ગ્રંથની ભૂમિકા અહીં રચાય છે. મૅથ્યુ આર્નલ્ડની વિવેચના વિશેનો, પુસ્તકનો અંતિમ દીર્ઘલેખ એક જિજ્ઞાસુ ચિત્તની સાધનાનું પક્વ ફળ છે. ભારતીય સાહિત્યના ફલક પર લેખકે કરેલું કામ અર્વાચીન કન્નડ કવિતા વિષેના નિબંધરૂપે પ્રગટ થાય છે. માસ્તી વ્યંકટેશ આયંગરથી તે ગોપાળકૃષ્ણ અડિગ સુધીના કેટલાક ઉત્તમ કન્નડ કવિઓની અંતરંગ છબીઓ અહીં ઝડપાઈ છે. તો, શરદબાબુના દેવદાસનો ગૃહત્યાગ અને ગોવર્ધનરામના સરસ્વતીચંદ્રનો ગૃહત્યાગ સરખાવી–વિરોધાવી જોતા નિબંધમાં એક પ્રગલ્ભ તુલનાકાર દેખા દે છે.
સેમ્યુઅલ જોન્સને વિવેચના માટે યોજેલા એક રૂપકનો લેખકે ઉલ્લેખ કર્યો છે. તે પ્રમાણે વિવેચના એ સત્યની અને પરિશ્રમની જ્યેષ્ઠ પુત્રી છે. એના એક હાથમાં રાજદંડ તો બીજામાં એક અમરજ્યોત છે. નિર્ણયો આપતા રાજદંડનો નહીં પણ કલાનું સ્વ–રૂપ પ્રગટ કરતા એ અમરજ્યોતના પ્રકાશનો આપણને ખપ છે. ‘વિવેચનની પ્રક્રિયા’માં લેખકની આવી દૃષ્ટિમાં પેલી અમરજ્યોતનો પ્રકાશ વ્યક્ત થાય છે. એ પ્રકાશમાં દીર્ઘ, દીર્ઘતર યાત્રાની એમને શુભેચ્છા.
નવી દિલ્હી ૫ એપ્રિલ, ૧૯૮૧.
– સિતાંશુ યશશ્ચન્દ્ર
- ↑ ‘Poetry and the Criticism of Life’, પૃ. ૮૩
- ↑ રેને વેલેક–કૃત ‘A Histroy of Modern Criticism’, વૉ. ૪, પૃ. ૧૫૬
- ↑ ‘જીવનનો આનંદ’, પૃ. ૪૨૩
- ↑ સરખાવો, વર્ડ્ઝવર્થ : “Poetry is the impassioned expression which is in the countenance of all sciences”…“Poetry is the breath and spirit of all knowledge.”
- ↑ ‘સાહિત્યવિચાર’, પૃ. ૪૬૨.