વિવેચનની પ્રક્રિયા/વિવેચનની પ્રક્રિયા

વિવેચનની પ્રક્રિયા[1]

આપ સૌના સદ્ભાવના પ્રતીક તરીકે આ સ્થાને મારી વરણી થયાની જાણ કરવામાં આવી એ ક્ષણે મારા મનમાં કેવો પ્રતિભાવ જન્મ્યો એનું વિશ્લેષણ કરું છું ત્યારે આ સ્થાન યશસ્વી રીતે શોભાવનાર મારા સમર્થ પુરોગામીઓનું સ્મરણ મનને વિનમ્રતાથી ભરી દે છે અને મને એક મૌનની સ્થિતિમાં મૂકી આપે છે. પણ એ સ્થિતિમાં હું વધુ સમય રહી શકું એમ નથી, મારે ચારપાંચ હજાર શબ્દોમાં વક્તવ્ય પણ રજૂ કરવાનું છે. તો હું શાને વિશે બોલું?

છેલ્લાં પચ્ચીસેક વરસમાં વિવેચન નિમિત્તે હું અગણિત શબ્દો પ્રયોજતો રહ્યો છું. વિવેચનકારને શબ્દ શું સિદ્ધ કરે છે? એનું પ્રયોજન શું? વિવેચનપ્રવૃત્તિ જો સમાજને અને સાહિત્યને ઉપકારક છે તો એની પ્રક્રિયા કેવીક હશે? એટલે મને થયું કે જે કામ મને ગમે છે એના વિશેની કેટલીક વાતો આપની સમક્ષ મૂકું.

કેટલાક લેખકો વિવેચનપ્રવૃત્તિ સર્જક કે સર્જનને તદ્દન નિરુપયોગી છે એેવો અંતિમવાદી અભિપ્રાય ધરાવે છે, પણ વિવેચનપ્રવૃત્તિની વ્યાવહારિક ‘ઉપયોગિતા’નો પ્રશ્ન અસ્થાને છે એમ મને લાગે છે. જીવનમાં બધી પ્રવૃત્તિઓને આપણે ઉપયોગિતાની દૃષ્ટિએ મૂલવતા હોતા નથી. તો તો ‘જીવન’ વિશેનો ખ્યાલ આપણને સંક્ષુબ્ધ કરી મૂકે. એ પ્રવૃત્તિ ચાલે છે એ જ એની મૂલ્યવત્તા અને ઉપયોગિતા સિદ્ધ કરે છે. શેઇકસ્પિયર ઉપર એક પુસ્તકાલય થાય એટલું બધું લખાયું હોવા છતાં લૉગાન પીયર્સ સ્મિથ પુસ્તક લખવા પ્રવૃત્ત થાય છે ત્યારે આરંભમાં જ કહે છે કે સાહિત્યના મહાન તાત્પર્યદર્શકો તરફ હું એટલો અહેસાનમંદ છું કે ભાગ્યે જ વિવેચકોને વખોડવાના કાર્યમાં સામેલ થઈ શકું. વિવેચકોએ મને કાન અને આંખ આપ્યાં છે, તેઓએ મને શીખવ્યું છે – સૌન્દર્યને ઉત્તમ રીતે પ્રશંસવાનું, અને કેવી રીતે તથા ક્યાં એને શોધવું તે. વિવેચનના સાથ વિના કેટલા બધા સાહિત્યયાત્રીઓ રસસ્થાનોને ચૂકી જાય! મહાન કૃતિઓના વાચકો જો એ કૃતિઓ વિશેનું વિવેચન વાંચવાની પણ ના પાડે તો કેટલાં બધાં સૌન્દર્યસ્થાનોથી તે અસ્પૃષ્ટ રહે!

સર્જકની જે મનોભૂમિમાંથી કળાકૃતિ પ્રસ્રવે છે એની સાથે વધુમાં વધુ તાદાત્મ્ય સાધી વિવેચક આપણને એનું રહસ્ય પૂરી તટસ્થતાથી ઉપલબ્ધ કરી આપે છે, આપણું રસાનંદ લેવાની શક્તિને વિકસાવે છે, અને એમ કરતી વેળા એનું પોતાનું લખાણ સાહિત્યના સ્તર સુધી પહોંચતું હોઈ આપણને જ્ઞાન અને આનંદ અર્પ્યા છે; પરંતુ સ્મિથે કહ્યું છે તેમ સૌન્દર્યને ઓળખી કાઢી ઉત્તમ રીતે પ્રશંસવાનું શીખવતો વિવેચક પ્રજાની સંવેદનશીલતા કેળવતો અને સમગ્રતયા સંસ્કારિતાનું સંવર્ધન કરતો હોય છે.

સાહિત્યક્ષેત્રમાં ત્રણ વ્યક્તિઓ જોવા મળે છે : (૧) સર્જક (૨) ભાવક અને (૩) વિવેચક. આપણા સંસ્કૃત મીમાંસકોએ ‘ભાવક’ને ‘પ્રતિભાનું ગૌરવ આપ્યું છે, અને સર્જક પોતે જ પોતાની કૃતિનો પ્રથમ ભાવક અને વિવેચક હોય છે એ આપણે જાણીએ છીએ. પણ બધા ભાવકો વિવેચકો હોતા નથી. એ એથી આગળ ઉપરનું પગથિયું છે. કળાકૃતિનું ભાવન કરવું એટલું પર્યાપ્ત નથી, પણ અન્યને ભાવનપ્રક્રિયામાં ભાગીદાર બનાવી સહાયરૂપ થવું એ પણ એટલું જ મહત્ત્વનું છે. પોતાના રસાત્મક અનુભવનાં પ્રતીતિકારક કારણો આપવાં એ વિવેચકના કાર્યક્ષેત્રમાં આવે. પોતે રસાનંદ લે, પણ ત્યાં અટકી જાય એ ભાવક, પરંતુ પોતે કળાકૃતિનો ઉપભોગ કેમ કર્યો એ તર્કપુરઃસર સમજાવી વાચકને કૃતિ પ્રત્યે પ્રેરી એક પ્રકારનો સાત્ત્વિક સંસ્પર્શ આપે તે વિવેચક. ઉમાશંકર જોશી વિવેચકને ‘ભાવકશ્રેષ્ઠ’ કહે છે ત્યારે ‘ભાવક’માં અપેક્ષિત સજ્જતા ઉપરાંતની સજ્જતાનો ‘વિવેચક’માં સ્વીકાર કરતા જણાય છે. આ સજ્જતા કઈ?

વિવેચનશક્તિ એ આમ તો આદિમ (primitive) અને મૂળભૂત (fundamental) શક્તિ છે. આપણે દરેક પ્રસંગે કાંઈનું કાંઈ વિવેચન કરતા જ હોઈએ છીએ. પણ એમાં એકવાક્યતા, વૈજ્ઞાનિકતા, તાર્કિકતા હમેશાં હોતી નથી, વિવેચક પાસે પ્રથમ અપેક્ષા એવી રહે કે સૌન્દર્ય પ્રત્યે એક સ્વાભાવિક ખુલ્લાપણું તે ધરાવે, સૌન્દર્ય પ્રત્યેની એક સાહજિક સંવેદનશીલતા એનામાં હોય, શ્લીલ-અશ્લીલ કે પ્રકૃતિ-વિકૃતિનો પણ સમાવેશ કરી લેતી સૌન્દર્યગ્રાહક દૃષ્ટિ વિવેચકને વરેલી હોય. વિવેચક પણ સર્જક છે એવા મારા કોઈ ખ્યાલ કે અભિનિવેશથી નહિ, પણ આ દૃષ્ટિએ પોપનું એક કથન – સર્જક અને વિવેચક ઉભયને પ્રાપ્ત પ્રકાશ દૈવી છે – જોવા જેવું છે :

Both must alike from heaven derive their light
Those born to judge, as well as those write.

આ પછી વ્યુત્પત્તિ, પ્રશિષ્ટ ગ્રંથનું પરિશીલન, રસરુચિનું ઘડતર વગેરે આવે. વર્ષોથી એમ માનવું મને ગમ્યું છે કે વિવેચકમાં કવચિત્ ઝીણી વિદ્વત્તા કે શાસ્ત્રોનો રૂઢિબદ્ધ અભ્યાસ થોડોક ઓછો હોય તો નભી જશે પરંતુ એનામાં કળાકૃતિ પ્રત્યેનું વિસ્મય જ ન હોય એ કદાપિ ન નભી શકે. સતેજ સંવેદનાવ્યાપાર એ વિવેચક હોવાની પ્રથમ શરત છે. પોતાની ચેતના પર કળાકૃતિએ શો કીમિયો કર્યો એની વાત એ માંડે ત્યારે ઐતિહાસિક પરિવેશ, બહુવિધ શાસ્ત્રોની જાણકારી અને કૃતિમાંથી નિષ્પન્ન થતા પ્રશ્નોના પરામર્શ અંગે વિવિધ જ્ઞાનસંભાર એને ઉપયોગી નીવડે અવશ્ય. તેમ છતાં વિવેચન એ પદાર્થવિજ્ઞાન કે અન્ય વિજ્ઞાનનો કલ્પિતાર્થ નથી, એ ગાણિતિક સિદ્ધાંત નથી. વિવેચક એક સજીવ સાવયવ એકતાવાળી ચેતન વસ્તુ સાથે કામ પાડી રહ્યો હોઈ એણે અનેકવિધ સંભાવનાઓથી સંતોષ પામવો રહ્યો.

વિવેચક હમેશાં બે વ્યક્તિઓ સાથે વાત કરી રહ્યો હોય છે : કળાકારની સાથે, વાચકની સાથે. પણ એ પહેલાં તે પોતાની સાથે વાત કરતો હોય છે : ભલા જીવ! આ તું શું કરી રહ્યો છે? આ કાર્ય તને કોણે સોંપ્યું? પોતાની મેળે આ સ્વીકાર્યું છે તો તારી જ વાત કરને, કે આ કૃતિએ તારા સંવિદતંત્ર ઉપર શું કર્યું? સર્જકકૃતિના પરિચય પહેલાં તું જે હતો તે જ રહ્યો છે કે અધિક સમૃદ્ધ થયો છે? તારી ચેતના પર આ કૃતિના અનુભવ સાથે શું શું અંકિત થયું? – જો આવું આવું કાંઈક તમને થયું હશે તો જ બીજાને તમારી વાતમાં ઇતબાર પડશે, તો જ એ વાત કરવા જેવી પણ બનશે.

આમ વિવેચનપ્રવૃત્તિ એ જેમ સ્વગતોક્તિ છે તેમ કૃતિ સાથેનો એક પ્રકારનો સંવાદ પણ છે. આ સંવાદ અને સંભાષણમાં આપણને રસ પડે છે કારણ કે એ એક એવા મનુષ્યનો છે જેણે એનું આકંઠ રસપાન કર્યું છે. વિવેચક સર્જન સાથે કામ પાડી પોતાના રસકીય અનુભવની વાર્તા કરે છે એટલે તો એ સર્વ આપણે રસપૂર્વક સાંભળીએ છીએ, કારણ કે એમાં એક પટુકરણ સતર્ક વ્યક્તિ બેઠેલી છે. કોઈએ કહેલું કે કવિતાની ગમે તે વ્યાખ્યા કરવાનો પ્રયત્ન કરો પણ છેવટે તમે કવિતા આગળ આવીને ઊભા રહેશો, પ્રશ્નાર્થ આગળ આવીને ઊભા રહેશો, માટે કવિતા એટલે એ કે જેમાં કવિની અર્થાત્ સર્જકમાત્રની રહસ્યઘન ઉપસ્થિતિ હોય. એ રીતે આપણે એમ કહીએ કે વિવેચન એ જેમાં વિવેચકની અતંદ્ર હાજરી હોય.

જુદી જુદી કલાગત અવસ્થિતિઓના પ્રતિભાવ આપતી વેળા વિવેચકનો મિજાજ, એની પ્રસન્નતા, એનો ખોફ, એના છણકા, એની નારાજી-નાપસંદગી, કલાબાહ્ય વિરૂપતા પ્રત્યેની ચીડ – એ બધું જ આપણે આસ્વાદીએ છીએ –વિવેચકનાં કોઈ કોઈ વિધાનો સાથે અસંમત થતા હોઈએ ત્યારે પણ. વિવેચક પણ આ બધું કરે છે શબ્દ દ્વારા : સર્જકનો પ્રથમ શબ્દ અને વિવેચકનો અનુગામી શબ્દ. આ બંનેના ‘શબ્દ’ની સંવાદિતા ઉત્તમ વિવેચનની સાર્થકતા બને.

અલબત્ત વિવેચકનો શબ્દ સર્જકના શબ્દ પર અવલંબિત છે. પરંતુ એ પોતાની સહજસ્ફૂર્ત સંવેદનાને – પોતાના બૌદ્ધિક પ્રતિભાવને પ્રસ્તુત કરે છે. એમાં એ સિદ્ધાંતોનો વિનિયોગ કરે છે, પણ સિદ્ધાંતોને લાગુ પાડવા માટે થઈને કોઈ વિવેચક વિવેચન કરવાનું ભાગ્યે જ પસંદ કરે. વિવેચક માત્ર અનુભવપ્રમાણવાદી છે. કળાકૃતિની સર્વસાધારણ અપીલ હોય છે એ એણે ગૃહીત તરીકે સ્વીકારેલું છે. કોઈ વાર મોટા સર્જકોએ પણ અમુક કામ કેમ બાકાત રાખ્યું એવી ફરિયાદ પણ માન્ય વિવેચકો કરતા જોવા મળે છે. જેમ કે લાયોનલ ટ્રિલિંગે સાત્ત્વિક ઊહાપોહ કર્યો કે વીસમી સદીના પ્રથમ ત્રણ દસકામાં વિશ્વસાહિત્યમાં જેઓ અગ્રણી ગણાતા હતા તે પ્રુસ્ત, આન્દ્રે જીદ, થૉમસ માન કે રિલ્કે જેવાઓએ ઉદારમતવાદી લોકશાહીએ સન્માનેલી લાગણીઓ અને વિચારોને પોતાની કૃતિઓમાં કળારૂપ શા માટે ન આપ્યું?

વિવેચનની પ્રક્રિયામાં, મારા નમ્ર મતે, આવી કાંઈક સોપાનશ્રેણી સંભવી શકે : ૧. વિવેચનાર્થ કૃતિની વરણી ૨. કૃતિનું વાચન-ભાવન ૩. કૃતિનું વિવેચકના ચિત્તમાં પુનઃસર્જન ૪. સ્વકીય અનુભૂતિનો રસકીય વૃત્તાંત ૫. ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં અને વસ્તુલક્ષી દૃષ્ટિએ કૃતિનું મૂલ્યાંકન.

રોજેરોજ જાતજાતનાં પુસ્તકો પ્રગટ થાય છે, એ તમામ વિશે વિવેચક વિવેચન કરવા બેસતો નથી. વિવેચન માટે તે અમુક જ કૃતિઓને પસંદ કરે છે. શા માટે? અહીં જ વિવેચનપ્રક્રિયાનું પ્રસ્થાનબિંદુ રહેલું છે. વિવેચક જે કૃતિ પસંદ કરે છે એના સર્જકમાં એને અંગત રસ છે માટે પસંદ કરે છે? કોઈએ એ કૃતિ વિશે લખવાનું કહ્યું છે માટે પસંદ કરે છે? એ કૃતિ જે સમયની છે એ સમયના સાહિત્યનો એને ઘનિષ્ઠ પરિચય છે માટે પસંદ કરે છે? એ સર્જકે જે સાહિત્યપ્રકાર ખેડ્યો છે તે પ્રકાર એને ગમે છે માટે પસંદ કરે છે? — ઘણાબધા પ્રશ્નો આપણું સમક્ષ આવીને ઊભા રહે. વિવેચકના અંગત ગમા-અણગમા પણ એમાં ભાગ ભજવે છે. વધારે સ્થૂલ રીતે કહીએ તો વિવેચકનો દૃષ્ટિકોણ આવી વરણીમાં નિર્ણાયક બને.

વિવેચન આપણે ત્યાં ધર્મનો કાંટો કહેવાયું છે. એમાંથી એક આખી વિવેચનશૈલી ઊભી થઈ – ઉપર-હાથ રાખનારી શૈલી. વ્યવહારદક્ષ ગુજરાતી વિવેચક ગુણ અને દોષનાં ચોકઠાંમાં ગૂંચવાયા કરે એમાં શું આશ્ચર્ય? પોતાના વિવેચનલેખમાં અમુક પાનાં સુધી ગુણદર્શન અને છેલ્લે થોડું દોષદર્શન (છેલ્લે શા માટે?), છેલ્લે તો મુરબ્બીવટથી આપેલી શિખામણ અને વિવેચનનું અચ્યુતં કેશવં!

લગભગ છ્યાશી વર્ષ પહેલાં ગોવર્ધનરામે વિવેચનકાર્યને “આનંદની ઉજાણી” રૂપે વર્ણવી પોતાની રસિકતા અને ઊંડી સાહિત્યસૂઝ પ્રગટ કરી હતી : “ગ્રંથપરીક્ષક એ ગ્રંથરૂપ પુષ્પોનો ભોગી ભ્રમર છે. તે સ્થળે સ્થળેથી પરાગ અને મધુના પરમાણુ શોધી કાઢી તેનો સંચય કરે છે; અને એના રચેલા મધપૂડાઓનું મધ તેને પોતાને તેમ અન્ય લોકોને કામ લાગે છે. ગ્રંથના ગુણની પરીક્ષા કરવી, એ ગુણનો જાતે ઉપભોગ કરી આનંદ અનુભવવો, અને એ આનંદ પામવા ગ્રંથના વાંચનારાઓને સમર્થ કરવા, પોતે સુરસ અન્ન જમવું અને બીજાને જમાડવા – આ આનંદની ઉજાણી આપવી એ જ ગ્રંથપરીક્ષકનો અભિલાષ હોય છે.”

અર્થાત્ વિવેચક જે સર્જક ચેતનામાંથી કળાકૃતિ પ્રગટે છે એ ચેતના સાથે વધુમાં વધુ તાદાત્મ્ય સાધી કળાના આનંદનો ઉપભોગ કરે છે, એ આનંદને તટસ્થતાથી બૌદ્ધિક રીતે સમજાવવા પ્રવૃત્ત થાય છે, વિશાળ જનસમુદાયને પોતાના કલાનુભવનાં કારણો આપે છે, – અને એ રીતે વાચકોને પોતાને તે આનંદ પામવા સમર્થ બનાવે છે.

એચ. ડબ્લ્યુ. ગેરડે વિવેચકની પ્રથમ ફરજ રસિક થવું એ છે એમ જે કહ્યું એની પાછળની એમની દૃષ્ટિ, વિવેચક સાહિત્ય જેવા પરમ રસિક પદાર્થ સાથે કામ પાડી રહ્યો છે, પોતાના રસાનંદને વર્ણવી રહ્યો છે એ વસ્તુને કેન્દ્રસ્થાને મૂકવાની લાગે છે. પછી સર્જક (જીવંત હોય તો) શું કહેશે, એના પ્રશંસકો કે ટીકાકારો શું કહેશે, પોતાના વિવેચનના કેવા પ્રત્યાઘાતો પડશે એવી એવી બાબતો અકિંચિત્કર થઈ રહે. મુરબ્બીવટ કે ઉપર હાથ રાખવાની વાત એમાં આવતી જ નથી. કળાકૃતિનું સ્વતંત્ર અસ્તિત્વ છે અને એને આસ્વાદવા પોતે પ્રવૃત્ત થયો છે અને અન્યને પણ વ્યાપારશીલ કરવાની એની નેમ છે એના પર વિવેચકનું સમગ્ર અવધાન કેન્દ્રિત થયેલું હોય છે.

આ બાબત હેલન ગાર્ડનરે સૅમ્યુઅલ જૉન્સનના એક રૂપક દ્વારા સાર્થકતાથી મૂકી આપી છે. જૉન્સનનું રૂપક એવું છે કે વિવેચના એ પરિશ્રમ અને સત્યની જ્યેષ્ઠ પુત્રી છે, શાણપણ(wisdom)ના મહેલમાં ઊછરેલી આ કન્યા જન્મથી જ ન્યાયની કાળજી લેવા પ્રતિબદ્ધ છે. કલ્પનાની આયા તરીકે એની નિયુક્તિ થઈ હતી અને એને એવી સત્તા આપવામાં આવી હતી કે જ્યુપિટર(આપણે બૃહસ્પતિ કહીશું?)ના સિંહાસન સમક્ષ કલાદેવીઓના વૃંદસંગીતની સાથે એણે તાલ મેળવવો. આ દેવીઓ જ્યારે અધોવિશ્વમાં ઊતરી ત્યારે વિવેચના એની સાથે ગઈ. ન્યાયે એના હાથમાં એક રાજદંડ આપ્યો. આ દંડ વડે તે અમરત્વ કે અવગણનાની લહાણ કરી શકે. પણ એના ડાબા હાથમાં એક અમરજ્યોત – ‘ટૉચ’ – હતી, એ ઘડી હતી પરિશ્રમે અને પ્રગટાવી હતી સત્યે. સામાન્ય દૃષ્ટિને ભલે ન દેખાય પણ આ ‘ટૉર્ચ’ દરેક વસ્તુને એને સાચા સ્વરૂપમાં તરત પ્રગટ કરી દેતી. એ એનો ગુણવિશેષ હતો. પણ વિવેચનાએ જોયું કે એની સામે એવી તો અસંખ્ય કૃતિઓ હતી જેમાં સૌન્દર્યો અને દોષો સરખે સરખાં ભળી ગયાં હતાં. એટલે ન્યાયે આપેલા રાજદંડનો અયોગ્ય ઉપયોગ કરવાની ભીતિએ એણે આ જવાબદારી કાળને ભળાવી. સ્વર્ગમાં પાછાં ફરતાં પહેલાં વિવેચનાએ રાજદંડ તોડી નાખ્યો, એ રાજદંડનો એક ટુકડો પકડી લીધો ખુશામતે અને બીજો પકડી લીધો દ્વેષે.

આ ઉપરથી હેલન ગાર્ડનરને મન વિવેચકનું પ્રતીક તે રાજદંડ નહિ પણ પેલી જ્યોત – ‘ટૉર્ચ’ – છે. આ રૂપક ઘણું ઘણું સૂચવી દે છે. આજે પણ “રાજદંડ” ગ્રહીને ચાલનારા વિવેચકોનો તોટો નથી!

એટલે વિવેચનનો સૌ પ્રથમ અને પાયાનો સિદ્ધાંત, ટી. એસ. એલિયટ કહે છે તેમ, સારા કાવ્યને પસંદ કરવું અને ખરાબને બાજુએ ઠેલવું એટલું જ નહિ પણ સારા નવા કાવ્યને પસંદ કરવું, નવી અવસ્થિતિને યોગ્ય પ્રતિભાવ આપવો એ છે. આ ‘નવા’ની વાત આવે છે ત્યારે શિષ્ટ અને સિદ્ધ વિવેચકો પણ મૂંઝાઈ જાય છે. તેઓ મગનું નામ મરી પાડતા નથી. કદાચ રુચિનું બંધિયારપણું અવરોધક બનતું હશે. સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં છેલ્લાં વર્ષોમાં કેટલાં બધાં પરિવર્તનો આવ્યાં! અને આપણ પાસે પીઢ, નીવડેલા વિવેચકો પણ છે, પણ એમાંથી કેટલાએ એની ચર્ચા કરી? જો એમ કહે કે તેઓ પ્રાચીન મહાન લેખકોની સૃષ્ટિમાં જ રમમાણ છે, તો તેઓ એમના ધર્મમાંથી ખસે છે. ઉમાશંકરે તો આવનારાં એંધાણ વરતી જઈ ઘણું આગોતરું કહેલું : “વિવેચક જૂના શિષ્ટ ગ્રંથોનું ઉત્તમ વિવેચન આપે એટલું જ પૂરતું નથી, એની શક્તિની કસોટી તો રચાતા આવતા સાહિત્યને તારતમ્યબુદ્ધિએ તપાસી એની અંતર્ગત શક્યતાઓ અને સિદ્ધિઓ પોતાની ઘડાયેલી રુચિ વડે ઓળખી કાઢી એની સાચી મુલવણી કરવામાં છે…[સાહિત્યક્ષેત્રે] નવરાત્રીઓની પ્રવૃત્તિઓ ઉપર જે નજર રાખતો રહે અને એ પ્રવૃત્તિઓ કેટલે અંશે ખરેખર કાર્યસાધક છે એ દર્શાવતો રહે એ સૌ ભાવકોનો અગ્રેસર એેવો વિવેચક ગણાય.”

વિવેચકે કૃતિને પસંદ કરી અને હવે એ એનું વાચન કરવા પ્રવૃત્ત થાય છે. એ મહત્ત્વનું પગથિયું છે. કૃતિને વાંચવી એટલે મનનપૂર્વક એને આત્મસાત્ કરવી. કૃતિનું વાચન એટલે શું એ વિશે એલિયટ કેમ્બ્રિજમાં ક્લાર્ક લેક્ચર્સ આપવા ગયેલા, ત્યારનો એક પ્રસંગ વિલિયમ એમ્પસને નોંધ્યો છે. પૂર્વસ્નાતકો સાથેની વાતચીતમાં કોઈકે એલિયટને પૂછ્યું ‘તમે પ્રુસ્ત વિશે શું ધારો છો?’ ‘મેં પ્રુસ્ત વાંચ્યો નથી’ જવાબ મળ્યો. ૧૯૨૦ના અરસામાં આ બન્યું. બીજા જ અઠવાડિયે કોઈ નવો વિદ્યાર્થી પાછો પૂછી બેઠો : ‘સ્કૉટ મોનક્રીફે કરેલા પ્રુસ્તના ભાષાંતર વિશે તમારું શું માનવું છે?’ જવાબમાં એલિયટે ભારપૂર્વક જણાવ્યું કે તે મૂળ કરતાં સહેજે ઊણું ઊતરે તેવું ન હતું વગેરે વગેરે.

એમ્પસન નોંધે છે તેમ એક જ અઠવાડિયાના ગાળામાં વ્યક્ત થયેલા એલિયટના આ ભિન્ન ભિન્ન પ્રતિભાવો પાછળ એમનો ‘વાચન’ અંગેનો વિશિષ્ટ ખ્યાલ કારણભૂત હોય. વિગતવાર નોંધો ટપકાવી ન લે ત્યાં સુધી પુસ્તક વંચાઈ ગયું છે એવું તે માનતા નહિ. (જોકે ‘Seven Types of Ambiguity’ના લેખક એમ્પસન એ શક્યતાને પણ નકારી કાઢતા નથી કે પેલા વિદ્યાર્થીની વાત એલિયટે બરાબર કાને ધરી જ ન હોય!)

રસાસ્વાદનની પ્રક્રિયામાં વ્યક્તિગત વિઘ્નો તો વિવેચકે વિવેચકે જુદાં રહેવાનાં પણ સર્વસામાન્ય રીતે આ પ્રક્રિયાને જોઈએ તો વિવેચકના પોતાના અમુક ખ્યાલો, એનાં પોતાનાં માનસિક વળગણો સાચી સમસંવેદનાની ક્રિયામાં અવરોધરૂપ બને છે. કૃતિ એવાઓની આગળ પોતાનું હૃદય ખોલતી નથી. એથી જ કદાચ વિવેચકના ચિત્તની નિરામય અવસ્થાનું આપણે આટલું ગૌરવ કરીએ છીએ. આમય – આમળા વગરની મનની સ્થિતિ મહત્ત્વની છે. આ જ વાત ઉપર ભાર મૂકતું અભિનવગુપ્તનું એ કથન જાણીતું છે કે સહૃદયનું – સાચા વિવેચકનું ચિત્ત અનેક કૃતિઓના પરિશીલનથી દર્પણ જેવું સ્વચ્છ થયેલું, અકલુષિત અને અક્ષુબ્ધ હોવું જોઈએ.

વિવેચ્ય કૃતિ પરત્વે સાચા ઉમળકા વગર એનો આસ્વાદ શક્ય નથી. આ આસ્વાદની ક્રિયા સંકુલ છે. આખી કૃતિ વિવેચકના ચિત્તમાં પુનર્નિર્મિત થાય છે. મૂળ કૃતિની એ માત્ર પ્રતિકૃતિ નથી – એ કૃતિ એક બીજા માણસના ચિત્તમાં ફરી રચાય છે. આ પ્રક્રિયા અત્યંત સૂક્ષ્મ છે અને સમાન્તર ચાલે છે. વિવેચક સર્જકની નિર્મિતિની શક્યતમ પાસે જવા પ્રયત્ન કરે છે. પણ એના ઉત્સાહમાં એનાથી કશું આરોપિત ન થઈ જાય એનું ધ્યાન તેણે રાખવું જોઈએ. સ્વાભાવિક ક્રમમાં કોઈ કોઈ દાખલામાં કૃતિ-અંતર્ગત ક્ષતિઓ સુધરી જાય એવું બને, પણ એમ કરવા માટે વિવેચક સભાનપણે પ્રવૃત્ત ન થાય એટલું જોવું રહ્યું. કૃતિના પુનઃસર્જનને શક્ય બનાવતું વિવેચકનું ચિત્ત ઓછામાં ઓછું સર્જકના ચિત્તની જેમ વેદનશીલ અને ગ્રહણશીલ હોવું જોઈએ. જે કૃતિ વિવેચકના ચિત્તમાં ફરી સર્જાઈ અને તેને જે અનુભવ થયો તેને પછી એ કાગળ ઉપર મૂકે છે. મને લાગે છે કે એ અનુભવ પૂરેપૂરો અને યથાતથ ઊતરવો કદાચ શક્ય નહિ હોય, એથી ઘણાં સારાં વિવેચનોમાં પણ ક્યારેક કશું ખૂટતું હોવાની લાગણી આપણને થાય છે. આવી મર્યાદા કોઈ અમુક વિવેચકની જ ન હોતાં ઉક્ત વિવેચનપ્રવૃત્તિમાં જ નિહિત છે.

સર્જકની અનુભૂતિની અભિવ્યક્તિ અથવા શબ્દાયનની પ્રક્રિયા સાથે વિવેચકની પરિષ્કૃત અભિરુચિના સંનિકર્ષને પરિણામે વિવેચકના અનુભવને વિશિષ્ટ ઘાટ મળે છે, એનો વૃત્તાંત આપવા એ પ્રવૃત્ત થાય છે ત્યારે સાહિત્યના સિદ્ધાંતો, કૃતિ-પ્રેરિત જીવનવિભાવો અને ઐતિહાસિક સંદર્ભ વગેરે એક પશ્ચાદ્ભૂ તરીકે મોજૂદ હોય છે. વિવેચનને કશી દાર્શનિક પીઠિકા હોઈ શકે ખરી? બધા જ વિવેચનાત્મક અભિગમો અને સંપ્રદાયો જાણ્યેઅજાણ્યે કશીક દાર્શનિક પીઠિકા સ્વીકારીને ચાલતા હોય છે. વિવેચકની એને વિશેની સભાનતા એના પ્રત્યક્ષ વિવેચનકાર્યમાં સંભવ છે કે મદદરૂપ નીવડે. જેમ કે, સાહિત્યસર્જન અને વિવેચનને માટે પ્રસ્તુત એવી એક દાર્શનિક પીઠિકા ફિનૉમિનૉલૉજીની પણ છે, અને એને વિશે આપણે ત્યાં થોડોક ઊહાપોહ પણ હમણાં થયેલો છે.

વિવેચક મૂલ્યાંકનના પ્રદેશમાં આવે ત્યારે અનેક પ્રશ્નો એની સામે આવીને ઊભા રહે છે. વિશ્લેષણસંયોજન એ સુખ્યાત પદ્ધતિ છે. કલાકૃતિ એ એક અખંડ પદાર્થ હોઈ એનું વિશ્લેષણ શી રીતે થઈ શકે? વિવેચક ખરી રીતે તો કલાકૃતિ વિશેની પોતાની સમજણને પૃથક્ કરી જોતો હોય છે. ભિન્ન ભિન્ન પદ્ધતિઓ વચ્ચે એ મેળ બેસાડતો હોય છે. તાત્પર્ય બતાવતી વેળા મુખ્યત્વે કૃતિ જે વસ્તુ રજૂ કરતી હોય છે એને તપાસવાનું જ વધુ થાય છે અને એનું રચનાવિધાન ગૌણ બની જાય છે. પ્રતિબદ્ધ વિવેચકો પોતાને ઇષ્ટ વિચારસરણી કૃતિના વસ્તુસંભારમાં જોવાના અને એનો વાવટો ફરકાવવાના! એક કૃતિ વિશેનાં બે સારા વિવેચકોનાં મૂલ્યાંકનો પણ ભિન્ન હોય છે. પોપ કહે છે તેમ, આપણી ઘડિયાળોની જેમ તે સરખાં ચાલતાં હોતાં નથી! આવા વખતે વિવેચકની તટસ્થતા, પ્રામાણિકતા અને કલાનિષ્ઠાને જ લેખામાં લેવાં જોઈએ. અમુક કૃતિ અમુક જમાનાને, અમુક માનસબંધારણવાળા માણસને વધુ ગમે, બીજાને એમાં એટલો રસ પડે નહિ. સંજોગો અને સમય પ્રમાણે અભિપ્રાયોમાં પરિવર્તન આવે છે, પણ દેશકાળથી પર એવાં સાર્વત્રિક ધોરણો પણ છે અને એ દૃષ્ટિએ કૃતિઓનું થતું મૂલ્યાંકન ટકી શકે છે. વિવેચકનું કાર્ય એવાં સ્થાયી ધોરણો અનુસાર કૃતિનું મૂલ્ય નક્કી કરવાનું છે.

સાહિત્યકૃતિનું વિવેચન જીવનની દૃષ્ટિએ કરવું કે સાહિત્યની દૃષ્ટિએ કરવું એ પ્રશ્ન વિવેચનક્ષેત્રમાં ચર્ચાતો રહ્યો છે. ગુજરાતી સાહિત્ય પરિષદના મોડાસામાં ૧૯૬૦માં ભરાયેલા જ્ઞાનસત્ર પ્રસંગે મેં જે નિબંધ લખેલો એમાંથી પ્રસ્તુત ભાગ રજૂ કરવો ઉચિત સમજું છું : ‘ઉપર નિર્દેશેલા પ્રશ્નનો પ્રથમ જવાબ સરલ છે કે સાહિત્યનું વિવેચન સાહિત્યિક ધોરણોથી કરવું જોઈએ. પરંતુ કેટલીક રચનાઓ સમગ્ર પ્રજાજીવનના સાહિત્યપુરુષાર્થની પરિણતિરૂપ હોય છે. કેવળ સાહિત્યની દૃષ્ટિએ એનું પરીક્ષણ કરતાં એનો મર્મ પૂરો ન પમાય એમ બને... ટી. એસ. એલિયટે આ પ્રશ્નનો સારો તોડ કાઢ્યો છે. તેમના અભિપ્રાય મુજબ કેવળ સાહિત્યિક ધોરણોથી કોઈ પણ સાહિત્યની મહાનતા નક્કી ન થઈ શકે પણ એ સાહિત્ય છે કે કેમ એનો નિર્ણય તો ફક્ત સાહિત્યનાં ધોરણોથી જ થઈ શકે.

તેમ છતાં કેવળ સાહિત્યિક ધોરણોના અતિ આગ્રહથી સાહિત્ય-વિવેચન એકાંગી બનવાનો સંભવ છે, અને એટલે માનવજીવનમાં કળાનું–સાહિત્યકળાનું શું સ્થાન અને શું મૂલ્ય છે એની તપાસમાં મીમાંસકો પોતાની વિચારણા ચલાવતા નજરે ચડે છે. આઈ. એ. રિચર્ડ્ઝ તો વિવેચકને મૂલ્યોનું તોલન કરનારો કહે છે : ‘To set up as a critic is to set up as a judge of values.’ સાહિત્યવિવેચકે ભિન્ન ભિન્ન કલાનુભવો વચ્ચે વિવેક કરી મૂલ્યાંકન કરવું જોઈએ. કોઈ કાવ્યના વાચનને મૂલ્ય આપનારી વસ્તુ કઈ છે? બીજા અનુભવ કરતાં આ અનુભવ શાને લઈને વધારે સારો છે? અમુક ચિત્ર કરતાં અમુક ચિત્રને આપણે શા માટે પસંદ કરીએ છીએ? અનુભવોને કઈ રીતે સરખાવી શકાય?... આ દૃષ્ટિએ રિચર્ડ્ઝ સારા વિવેચકનાં ત્રણ લક્ષણો જણાવે છે : (૧) વિવેચક જે કળાકૃતિનું મૂલ્યાંકન કરતો હોય એની સાથે પ્રસ્તુત એવી મનઃસ્થિતિનો અનુભવ કરવાની તેની કુશળતા (૨) અનુભવનાં ઉપરચોટિયાં લક્ષણોની બાબતમાં તેમને એકબીજાથી જુદાં તારવવાની શક્તિ અને (૩) મૂલ્યોનું નક્કર મૂલ્યાંકન કરવાની શક્તિ.”

ઐતિહાસિક પરિવેશની તરફેણમાં અને વિરુદ્ધમાં અનેક દલીલો રજૂ થાય છે. ઐતિહાસિક અભિગમ એ સાહિત્યવિવેચનમાં અવગણવા યોગ્ય નથી. કૃતિનું એની સગોત્ર કૃતિઓમાં શું સ્થાન છે અને એ સમયગાળામાં એનો કર્તા ક્યાં બેઠેલો છે તે નક્કી કરવું, એનો ચડઊતર ક્રમ નિર્દેશવો એ પણ વિવેચકની કામગીરીનો એક ભાગ છે. પણ એમ કરવાના ઉત્સાહમાં વિવેચન માત્ર સાલવારીમાં રાચતું બની જાય અને પોતાની અર્ધદગ્ધ વિદ્વત્તાનો ધજાગરો બાંધવામાં લગાતાર પ્રવૃત્ત રહે તો મૂળ વસ્તુ જ તેના હાથમાંથી સરી જાય. કળાકૃતિને માત્ર સ્વયંપર્યાપ્ત એકમ તરીકે જોવાના અભિનિવેશમાં ઐતિહાસિકતાની સમૂળગી ઉપેક્ષા ઇષ્ટ નથી તેમ કેવળ ઐતિહાસિકતાનો મહિમા પણ પરિણામસાધક ન નીવડે. વિવેચન એટલે જ વિવેક. અહીં પણ પ્રધાનગૌણવિવેક જળવાવો જોઈએ.

વિવેચનપ્રવૃત્તિમાં વિવેચકના અભિગમનું આગવું મૂલ્ય છે. આ અભિગમોમાં પરિવર્તન આવ્યા કરે છે. ‘નવ્ય વિવેચન’ના આંદોલને કૃતિને કેન્દ્રમાં મૂકી, ભાષાકીય તપાસનું મહત્ત્વ કર્યું અને સાથે સાથે કૃતિઅંતર્ગત સામગ્રીના મૂલ્યાંકન અર્થે વિવિધ બિનસાહિત્યિક ઓજારોને પણ કામે લગાડવાનો આગ્રહ સેવ્યો. કૃતિ કેન્દ્રમાં આવતાં કળાકાર જ કળાનું સાચું મૂલ્યાંકન કરી શકે એવો અભિપ્રાય અગ્રેસર બન્યો. શિલ્પકાર, ચિત્રકાર અને કવિ જ શિલ્પને, ચિત્રને અને કવિતાને મૂલવી શકે. એલિયટના પ્રારંભકાળના નિબંધો, એઝરા પાઉન્ડનાં લખાણો અને વિન્દહામ લુઈના વાદવિવાદે એમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. ફરી પાછું મતચક્ર બદલાયું. ‘ઍકેડેમિક ક્રિટિસિઝમ’નો પ્રવાહ આવ્યો. પ્રત્યેક રચનાનું વિશ્લેષણ, બૌદ્ધિક માનદંડો વડે એનું મૂલ્યાંકન, સિદ્ધાંતોનો ચુસ્ત વિનિયોગ વગેરેએ અગ્રિમતા ધારણ કરી. પણ એ પછી એક જુદું જ આહ્વાન વિવેચનની સામે આવી ઊભું. વિવેચન શું એવું સર્વજ્ઞ થઈ ગયું છે કે તેને સર્જનમાં હસ્તક્ષેપ કરવા દેવાય? વિવેચક જે લાઇનદોરી આંકી આપે એમાં જ સર્જકે પગલાં ભરવાનાં હોય તો પછી સર્જનની સ્વાયત્તતા ક્યાં રહી? તો તે પછી નવી પ્રતિભાઓ પાંગરી જ શી રીતે શકે? ડબલ્યુ. એચ. ઑડનની કવિતા વિશે એફ. આર લીવીસે ‘લંડન મૅગેઝિન’માં ઘસાતું લખ્યું ત્યારે સ્ટીફન સ્પેન્ડરે એનો પ્રતિવાદ કર્યો કે લીવીસને અભિપ્રેત સાંસ્કૃતિક પરિવેશમાંથી ઑડન ન લખે એ એનો ગુનો? સ્પેન્ડરે પ્રશ્ન ઉઠાવ્યો કે વિવેચકોનો આપણી ઉપર શું એટલો બધો ઓછાયો પડેલો છે?

આઈ. એ. રિચર્ડ્ઝે ૧૯૨૯માં ‘Practical Criticism’ પ્રગટ કર્યું. કેમ્બ્રિજમાં તેમણે કાવ્યોની વિદ્યાર્થીઓ પર શી અસર થાય છે, એ કેવા પ્રતિભાવો આપે છે અને વિદ્યાર્થીઓ પણ કાવ્યોના સંપર્કમાં મુકાતાં એમની ચેતના પર શી પ્રતિક્રિયા થાય છે એના પ્રયોગો કર્યા. આ પ્રયોગો એટલા બધા કામયાબ ન નીવડ્યા, એની નિરર્થકતા પ્રત્યે પણ ધ્યાન દોરવામાં આવેલું. જુદીજુદી રચનાઓની વૈયક્તિકતા વચ્ચે ભેદ કરવામાં એથી મદદ મળે નહિ. નવ્ય વિવેચના પ્રત્યે વિરોધનો સૂર ઊઠવા લાગ્યો. વિવેચન વધુ પડતું વિદ્વત્તાના ભારણવાળું (scholastic) બની ગયું લાગ્યું. જેઓ નવ્ય વિવેચનના પુરસ્કર્તાઓ હતા તેઓ પણ એની યાંત્રિકતાથી કંટાળી ગયા હતા. સાહિત્ય એ માત્ર પદાર્થ છે અને એ પદાર્થને તપાસવામાં કામે લગાડાતી વિદ્યાકીય શિસ્તને કારણે વિવેચન વધુ પડતું ‘ઍકેડેમિક’ બની જાય છે. આ જાતની તપાસ બીજી કેટલીક રીતે ઉપયોગી હોવા છતાં કૃતિ સાથેનો જીવંત સંસ્પર્શ ઘણો ગૌણ બની જાય છે, નવ્ય વિવેચના કેવળ વસ્તુલક્ષી મોજણી બની ગઈ છે, ભાષા પરના વધુ પડતા ઝોકને કારણે વિવેચન ભાષાઘટકોનું વર્ગીકરણ બની જાય છે. કૃતિને આ જાતના પોસ્ટમૉર્ટમનો વિરોધ થયો. કૃતિ માત્ર પદાર્થ છે, વસ્તુલક્ષી દૃષ્ટિએ એને તપાસવી જોઈએ. એની પ્રતિક્રિયા એવી થઈ કે વિવેચનમાં શું અંગત પ્રતિભાવોનું કશું મૂલ્ય નથી? પરિણામે જે એક નવો અભિગમ વિવેચન-ક્ષિતિજ પર દેખાવા માંડ્યો એનો આરંભ ડબ્લ્યુ કે. વિમઝેટ જેવા વિવેચક જિનીવા સ્કૂલના વિવેચકોની પ્રવૃત્તિમાં જુએ છે.

વિમઝેટ હવાલો આપે છે કે યેલ યુનિવર્સિટીમાં ૧૯૬૫માં યોજાયેલા એક સિમ્પોઝિયમમાં એનો જન્મ થયો. અહીં એકઠા થયેલા યુવાન સાક્ષરોને લાગ્યું કે નોથ્રોપ ફ્રાય કે નવ્ય વિવેચનનો અભિગમ કાલગ્રસ્ત છે. જિનીવા સ્કૂલના ફ્રેન્ચ વિવેચકો, વિમઝેટ જણાવે છે તેમ, આપણને પ્રચલિત નવ્ય વિવેચનાના અતિરેકોમાંથી બચાવીને નવી દિશા બતાવે છે. આ વિવેચકોનો મુખ્ય અભિગમ છે :

“Consciousness of consciousness, the critic’s consciousness of the author’s consciousness in an. identical transparency – this makes or is criticism.” – ચેતનાની સભાનતા – અભિન્ન પારદર્શકતામાં સર્જકની ચેતનાનું વિવેચકને જે ભાન થાય છે એમાંથી વિવેચન થાય છે, કહો કે એ જ વિવેચન છે.

આ એક જ્ઞાતાનું બીજા જ્ઞાતા સાથેનું સંધાન છે, આધ્યાત્મિક પ્રવૃત્તિ છે, લગભગ દૈવી છે. ઍરિસ્ટૉટલીય વિભાવનાવાદ મુજબની કૃતિ એ માત્ર અપારદર્શક વ્યવધાન માત્ર હતી. હવે વિવેચનને સંપૂર્ણ એકતાથી ઓછું કશું ખપતું નથી. વિમઝેટ ઉમેરે છે કે એક તરફ વિવેચકનું સર્જક સાથેનું અનિવાર્ય આત્મવિલોપન અને એની સાથે જ, કાંઈક વિરોધાભાસી લાગે તોપણ, વિવેચન એ વિવેચકનું પોતાનું આધ્યાત્મિક સાહસ પણ બને છે, આ એક દ્વૈતીયીક સર્જનાત્મક કાર્ય બની રહે છે,

હિલિસ મિલરનું અવતરણ આપી વિમઝેટ કહે છે : “If Literature is a form of consciousness, the task of the critic is to identify himself with the subjectivity expressed in the words, to revive that life from the inside, and constitute it anew in his criticism.” વિવેચક આા રીતે કૃતિમાં વ્યક્ત થયેલા જીવન સાથે એકરૂપ બની એ જીવનને આંતરિક રીતે ફરી વાર જીવે છે, અને પોતાના વિવેચનમાં એને નવી રીતે રચી આપે છે.

ઈહાબ હસન જેવાઓ તો પોતાની વિચારણાને કાવ્યપદાર્થથી દૂર ભાગી મૌન સુધી લઈ જાય છે. વિવેચન લગભગ મૌન આગળ આવી ઊભું રહે છે. કાવ્ય એ એક વિશિષ્ટ ચૈતન્ય છે એેવો મત, આ રીતે, અંતિમતાની લગોલગ પહોંચી જાય છે. આ અભિગમ નવ્ય વિવેચનની મુશ્કેલીઓને કારણે આગળ આવે છે છતાં વિમઝેટ તેની શક્યતાઓ અંગે સાશંક છે તે નોંધવું જોઈએ.

હમણાં હમણાં આપણે ત્યાં સંરચનાવાદ વિશે ઠીકઠીક ચર્ચાવિચારણા ચાલતી જોવા મળે છે. સંરચનાવાદના ઘણા પ્રકાર છે – નૃવંશશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ભાષાવિજ્ઞાન વગેરેમાં એનો ઉપયોગ થાય છે. સાહિત્યિક સંરચનાવાદ મુખ્યત્વે રશિયન ફૉર્માલિઝમ અને પ્રાગ ભાષાવૈજ્ઞાનિક સંપ્રદાય સાથે આવ્યો છે. ભાષાકીય પીંજણથી કૃતિનો મર્મ શી રીતે હાથ લાગશે? કૃતિને એની ભોંય ઉપર જ તપાસવા એના માધ્યમ તરીકે ભાષાને ખાસ જોવી પડે, પણ એમાં ભાવકના અંગત જીવંત પ્રતિભાવનો છેદ ઊડી જાય છે એનું શું? એક તરફ ભાષાકીય સંરચનાવાદ છે તો બીજી તરફ શબ્દમાત્ર વ્યવધાન છે એેવો મત છે. આ બંને અતિરેકો તરફ સુરેશ જોષીએ ધ્યાન દોરતાં કહ્યું છે : “આ વલણનો જ્યારે અભિનિવેશપૂર્વક અતિરેક થાય છે ત્યારે ઉગ્ર પ્રતિક્રિયા રૂપે કલાનો પ્રતિકાર કરનાર, શબ્દ અને શબ્દના વેપલાની હાંસી ઉડાવનારા અને આખરે ભાષાનો નિઃશબ્દતામાં વિલય થાય એવું ઇચ્છનારા ખરીતાઓ દેખાવા લાગે છે...કવિતાને પદાર્થ ગણવા સામે જે વિરોધ ઊભો થયો છે તેના મૂળમાં શબ્દને અપાતા મહત્ત્વ તથા ભાષાની દરમ્યાનગીરી કરવાની ખાસિયતના પર થતા પ્રહારો છે...ભાષાવિજ્ઞાનીઓનો ભાષા પરત્વેનો દૃષ્ટિકોણ ભાષાકીય વિશ્વને નોખું પાડીને રજૂ કરે છે. મેર્લો–પોંતિ કહે છે તેમ એ એક કૃત્રિમ વ્યવસ્થા છે. એમાં માનવની ઉપસ્થિતિ જ નથી. એની સાથે સાથે સમયનાં પરિમાણો અને પ્રકૃતિનો પુરાણકલ્પ, કવિતા અને ચમત્કારમાં થતો આવિષ્કાર પણ બાદ થઈ જાય છે.”

પ્રશ્ન એ છે કે ગમે તેવા નિયમોનાં ચોકઠાંમાં કલાકૃતિને બાંધી શકાતી નથી. કૃતિ ક્યાંક અનિર્વચનીય રહે જ છે. ડૉ. હરિવલ્લભ ભાયાણીએ વિવેચનની આ વ્યાપક સમસ્યાને સચોટ રીતે મૂકી આપી છે : “આજના વિવેચનનો, કળામીમાંસાનો અને સૌન્દર્યશાસ્ત્રનો મૂળભૂત પ્રશ્ન છે : કૃતિને તપાસી શકાય છે એક વસ્તુ કે પદાર્થ તરીકે – ‘ઑબ્જેક્ટ’ તરીકે, પણ તે છે એક અનુભૂતિ – ‘એક્સપિરિયન્સ.’ વસ્તુ અને અનુભૂતિ વચ્ચે સેતુ કઈ રીતે બાંધવો?”

આપણે જોયું તેમ વસ્તુ અને અનુભૂતિ વચ્ચે સેતુ બાંધવાની સમસ્યા સંરચનાવાદ પછીના પાશ્ચાત્ય વિવેચકોને મૂંઝવી રહી છે.

‘વસ્તુ’-તપાસ અને ‘અનુભૂતિ’માં પ્રધાનતા અલબત્ત ‘અનુભૂતિ’ની છે. અનુભૂતિને કારણે ‘વસ્તુ’નું રૂપ બંધાયું છે, વસ્તુનો મહિમા કરવાના અતિ ઉત્સાહમાં અનુભૂતિ-પાસું ઉપેક્ષિત રહેશે તો વિવેચન નિમિત્તે આપણને મળશે ભાષાકીય ઘટકોનું વર્ગીકરણ, કૃતિના બાહ્ય દેહનું વિશ્લેષણ કે સંદર્ભોનું આકલન કૃતિબાહ્ય સંદર્ભ કૃતિને સમજવામાં ઉપકારક નીવડે એટલો જ એનો ખપ છે. બધો સંદર્ભ ઉપકારક ન પણ હોય. કાવ્યના શબ્દબંધને લક્ષમાં રાખીને પ્રસ્તુતતા કે ઉપકારકતાનો નિર્ણય કરવાનો રહે.

આપણા ગુજરાતી વિવેચનની વાત કરીએ તો એની એક ઉજ્જવલ પરંપરાનું સ્મરણ થાય છે. પણ એ પરંપરાનો ઇતિહાસ આપવો અહીં પ્રસ્તુત નથી, આવશ્યક પણ નથી. માત્ર સાંપ્રત વિવેચનપ્રવૃત્તિ વિશે નિર્દેશ કરું. વિવેચનના સંપ્રત્યયો અને સંજ્ઞાઓ અંગેનો ઊહાપોહ સુરેશ જોષીને હાથે થયો. આપણે જેને ‘નવા’ સાહિત્ય તરીકે ઓળખીએ છીએ એ સાહિત્યને જોવાની સાચી દૃષ્ટિ કઈ હોઈ શકે એની ચર્ચા તે ચાલુ કરતા રહ્યા, પણ તેમણે સ્થાપેલી અને ચર્ચેલી સૈદ્ધાન્તિક ભૂમિકાને સાક્ષાત્ કૃતિઓને લાગુ પાડવાનું તેમના હાથે બહુ બન્યું નહિ. આજે લખાતું વિવેચન કૃતિલક્ષિતાનો, આધુનિકતાનો અને છેલ્લે સંરચનાવાદી ભાષાકીય તપાસનો આગ્રહ સેવતું લાગે છે. એનાં સત્ત્વશીલ સુપરિણામો માટે આપણે આતુરતાપૂર્વક રાહ જોઈએ.

‘પંડિતયુગ’ કે ‘ગાંધીયુગ’ કરતાં અત્યારનું વિવેચન બેત્રણ બાબતોમાં જુદું પડતું લાગે. વિશાળ જીવનસંદર્ભ કે સામાજિક સંદર્ભમાં કૃતિ-અંતર્ગત સામગ્રીની ચર્ચા કરવાને બદલે કળાના પોતાના પ્રશ્નોના સંદર્ભમાં ચર્ચા કરવાનું વલણ બલવત્તર બન્યું છે, પૌરસ્ત્ય સાહિત્યસિદ્ધાંતના વિનિયોગને બદલે યુરોપીય સર્જક-વિવેચકોની વિચારધારાનો આશ્રય સવિશેષ લેવાતો લાગે છે. (આ સાથે આપણો ભારતીય સાહિત્ય વિચાર અને એના વ્યાવહારિક વિનિયોગની શક્યતાઓ આપણે ફરીથી તપાસી જવા જેવી છે.) વ્યાપક જીવનના પ્રશ્નોનું માળખું તો અત્યારની વિવેચને લગભગ છોડી દીધું છે, સૌન્દર્યમીમાંસા એ ફિલસૂફીનો જ ભાગ છે એ હકીકતનું સતત સ્મરણ કરાવતા અગાઉના વિવેચનને પડ છે અત્યારે રચના-તપાસ અને ટેકનિકના પ્રશ્ન ઉપર એકાગ્રતા કરતા વિવેચનને મૂકવાથી બંને વચ્ચેનો ફરક તરત ધ્યાનમાં આવશે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે અત્યારનું ગુણવત્તાવાળું વિવેચન સાર કે સંદોહન આપવા કરતાં સ્વકીય પ્રતિભાવ આપવાનું વધુ પસંદ કરે છે. સમકાલીનતાની અભિજ્ઞતા અને આધુનિકતાનો અભિનિવેશ પણ એમાં દેખાય છે. પ્રસંગોપાત્ત તે સાહિત્યને અન્ય કળાઓના સંદર્ભમાં મૂલવે છે. આજના વિવેચનને એની પોતાની વાત કહેવાની હોઈ લપટી પડી ગયેલી લઢણો કે રૂઢ પરિભાષાનો ત્યાગ કરવાનું એ પસંદ કરે છે, પરિણામે એની ભાષામાં તાજગી અને અરૂઢતા પ્રવેશે છે. ભારેખમ શૈલીને બદલે અંગત કેફિયત કે સ્મરણો આપવાની વૃત્તિને કારણે એ હૃદયંગમ પણ બને. પોતાના રસના અને અભ્યાસના ક્ષેત્રમાં જ કામ કરવાનું આજનો વિવેચક વધુ પસંદ કરે છે. કદાચ આ સાર્વત્રિક વલણ છે. ‘ધ ટાઈમ્સ લિટરરી સપ્લીમેન્ટ’ના વિશેષાંક ‘ધ ક્રિટિકલ મૉમેન્ટ’ના અગ્રલેખમાં લેખકે એક મુદ્દો આપ્યો છે કે અત્યારનો વિવેચક સેઇન્ટસબરી કે ડબ્લ્યુ. પી. કેરની જેમ ક્લાસિકલ અને અર્વાચીન યુરોપીય સાહિત્યને આત્મસાત્ કરવા કરતાં નાનાં ક્ષેત્રોમાં ઊંડાણપૂર્વક કામ કરવાનું વધુ પસંદ કરે છે, વિશાળ ફલક પર ઝડપી અને ઉતાવળિયા રસાસ્વાદો આપવાને બદલે રસના અને અભ્યાસના ચોક્કસ ક્ષેત્રમાં બારીક પૃથક્કરણ કરવાનું વલણ વધારે બતાવે છે. આ “બારીક પૃથક્કરણ” આપતા વિવેચનના ઠીક ઠીક નમૂનાઓ આપણા યુવાન વિવેચકો પાસેથી મળવા લાગ્યા છે એ સુચિહ્ન છે.

તેમ છતાં સાંપ્રત વિવેચનની સ્થિતિ એકંદરે બહુ ઉત્સાહપ્રેરક નથી. સિદ્ધ પીઢ વિવેચકો અધુનાતન સાહિત્ય વિશે ખાસ બોલતા નથી. તેઓ જાણે કે મૌન લઈ બેઠા છે. આજે પણ પેલા રૂપક અનુસાર રાજદંડ વડે અમરત્વ કે અવગણનાની લહાણ થતી દેખાય છે, આજે પણ રાજદંડના બંને ટુકડા ખુશામત અને દ્વેષે પકડી લીધા દીસે છે!

અત્યારે પ્રકાશન પ્રવૃત્તિ કૂદકે ને ભૂસકે વધી રહી છે. એ બધાને પહોંચી વળે એવી સમીક્ષાઓ માટેની જોગવાઈઓ વધવી જોઈએ. આપ જોતા હશો કે અમુક પુસ્તકોની જ સમીક્ષાઓ પ્રગટ થાય છે, કોનાં પુસ્તકોની થાય છે અને કોણ લખે છે એની મોજણી કરવા જેવી છે. બેચાર માણસો જે ધૂન ગવડાવે તેને બીજાઓ જાણે ઝીલી લેતા લાગે છે! ગુજરાતીમાં જ્ઞાનપીઠ ઍવૉર્ડ વિજેતા કૃતિનું વિગતવાર વિવેચન હજુ થયું નથી. દર વર્ષે અકાદમી ઍવૉર્ડ અને રાજ્ય સરકારનાં પારિતોષિકો પ્રાપ્ત કરનાર પુસ્તકોની અધિકૃત પર્યાલોચના કેટલી થઈ? આદર્શ સ્થિતિ તો એ ગણાય કે વિશિષ્ટ સાહિત્યકૃતિઓનું અધિકારી વિવેચકોની કલમે વિવેચન થાય, એમાંથી એક સર્વસામાન્ય વિવેચનાત્મક અભિપ્રાય ઊભો થાય અને એ જ આવા પુરસ્કારોનું નિર્ણાયક બળ બને.

આપણે ત્યાં લોકપ્રિય લેખકોનો ફાલ પણ ઘણો છે. તેમનાં પ્રકાશનોને વિવેચનનો લાભ મળતો નથી, કાંઈક ઉપેક્ષિત થયાની લાગણી તેમનામાં જન્મે છે. વિવેચનના આવા ઓરમાયા વલણને કારણે તેઓ એના પ્રત્યે કાંઈક બેદરકારીભર્યું માનસ ધરાવતા થઈ જાય છે. વિવેચને આવા લેખકો અને તેમના વિશાળ વાચકવર્ગ વચ્ચે ભજવવાની કડીરૂપ ભૂમિકા સાવ જ ભૂંસાઈ ગઈ છે. આ દિશામાં પણ કાંઈક વિચારી શકાય.

પ્રગટ થતાં તાજાં પુસ્તકો વિશે અભિપ્રાય કેળવવાનું કામ દૈનિકોનાં કૉલમોમાં થઈ શકે, પણ જૂજ અપવાદ સિવાય આપણાં બધાં દૈનિકોને આવા વિભાગો આપવાનું મુનાસિબ લાગ્યું નથી એ સ્થિતિ ચિંતાપ્રેરક છે. ગણ્યાંગાંઠ્યાં દૈનિકોમાં આવા વિભાગો ઘણાં વર્ષોથી નિયમિત રીતે આવે છે અને એ દ્વારા વિશાળ વાચકવર્ગને વાચનની બાબતમાં ઘણી ઉપયોગી મદદ મળી છે એની નોંધ લેવી જોઈએ.

હમણાં હમણાં ગુજરાતીમાં ટચૂકડાં સામયિકો પ્રગટ થાય છે, એને વિશે વિચારવા જેવું છે. ગુજરાતીમાં શરૂ થયેલાં જુદાં જુદાં સામયિકોનો ઇતિહાસ તપાસવામાં આવે તો ઘણી રસપ્રદ વિગતો બહાર આવવા સંભવ છે. કેટલાં બધાં સામયિકો શરૂ થાય છે અને કેટલો ઓછો સમય ચાલીને કાળના પ્રવાહમાં વિલીન થઈ જાય છે! પણ મહત્ત્વનો પ્રશ્ન તો સામયિક શા માટે કાઢવું, એનો ઉદ્દેશ શો અને એ ઉદ્દેશ બર લાવવા કેવું આયોજન કરવું એ છે. માંડ ભાંખોડિયું ચાલતાં બંધ પડી જાય એવાં સામયિકો કાઢવાં છે કે કેવળ સાહિત્યિક દૃષ્ટિએ અનિવાર્ય એવાં સામયિકોને પગભર કરવાં છે એ વિચારવું જોઈએ. સામયિકની અનિવાર્યતા એ એની જીવાદોરી છે. આર્થિક સ્વાવલંબન વગર આ પ્રવૃત્તિ એના આશયમાં જ કુઠારાઘાત કરનારી નીવડે. સાહિત્યને લગતાં સામયિકો પરસ્પર વિચારવિનિમય કરી આ પ્રવૃત્તિનું સંયોજન કરે, ચોક્કસ દૃષ્ટિપૂર્વક ચાલતાં સત્ત્વશીલ સામયિકો પોતાનો આગવો અવાજ ઊભો કરે અને પરસ્પરની સ્પર્ધામાં (મોટે ભાગે નિરર્થક) વેડફાતી શક્તિનો વિનિયોગ કરી કશુંક નક્કર પરિણામ લાવે એ જોવું જોઈએ. નવા, શિખાઉ લખનારાઓને ઉચિત દોરવણી મળે એવું તંત્ર ગોઠવવાની જરૂર છે જ.

ભૂતકાળના ભવ્ય વારસાનો વિવેચક મહિમા કરે, ભૂતકાળમાં કેવું મહાન સાહિત્ય સર્જાયું હતું એની વાત કરે એ સ્વાભાવિક પણ છે. પરંતુ સાંપ્રત સાહિત્યકૃતિને તે આ રીતે મૂલવી શકશે ખરો? સાંપ્રત કૃતિમાં કશુંક એવું હોવાનું જે તદ્દન નવું હશે, તે સાંપ્રત જીવનમાંથી આવ્યું હશે. જો વિવેચક પ્રાચીન પરંપરાના અભિગ્રહથી બંધાઈને ચાલશે તો અત્યારના સાહિત્યને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોઈ નહિ શકે. સમકાલીન વિવેચન અને સમકાલીન સર્જને એકબીજાને પિછાનવાં પડશે. કેટલાક વિવેચકો ભૂતકાળ વિશે એટલું બધું જાણે છે કે અત્યારના સર્જકે કયા વિષય પર લખવું, કયા સ્વરૂપે લખવું એ કહેવાનો લોભ તેઓ રોકી શકતા નથી. તેઓ સતત ફરિયાદ કરે છે કે આ લેખકો તદ્દન નવા અને જુદા વિષયો પર લખે છે અને તદ્દન જુદી રીતે લખે છે. અને એમાંથી માર્ગદર્શન આપવાનું વડીલશાઈ વલણ જન્મે છે. મને લાગે છે કે કોઈ પણ વિવેચક માર્ગદર્શન આપવા માટે વિવેચન લખવાનું પસંદ ન કરે, વિવેચક પોતે જ માર્ગ શોધતો હોય છે. કળાકૃતિને પામવાનો માર્ગ અટપટો અને સતત જાગૃતિ માગી લે એેવો છે. કોઈ સારા વિવેચનનિબંધની રચના તપાસો અને સંભવ છે કે વિવેચક કાંઈક શોધી રહ્યો હોય એવી સદ્ય પ્રતીતિ થશે. વિવેચન એ એક જાતની શોધ છે. વિવેચકને માત્ર એક કલાની – સૌંદર્યની લગની લાગેલી છે. એના મર્મને પકડવા તે મથતો હોય છે. એ પકડાય છે ત્યારે એની વાણી આનંદથી છલકાઈ ઊઠે છે.

કળાઓ પ્રત્યેના આવા વિસ્મયનો ભાવ આજે આપણે ગુમાવી રહ્યા તો નથી ને એવી દહેશત રહે છે. આજની દુનિયાને ભૌતિક સંપત્તિ કે વિકાસ બચાવી શકે એમ નથી. રાજકારણ વિશે તો માનવજાતિએ હાથ ધોઈ નાખ્યા છે, યંત્રવૈજ્ઞાનિક સમાજરચનામાં કળા પ્રત્યેની અભિરુચિ ગૌણતા ધારણ કરતી જાય છે. આજની ક્ષણે મોટી અનિવાર્યતા એ છે કે જીવનના કેન્દ્રમાં કલ્પનોત્થ સાહિત્યની પુનઃસ્થાપના થાય. દુનિયાના નકશાને વિજ્ઞાનમાંથી ઉઠાવીને ધર્મના માળખામાં મૂકવાથી કદાચ એ નહિ બને. એ તો શક્ય બનશે સર્જનાત્મક સાહિત્ય આદિ કળાઓથી. આપણો સમાજ જેને માટે યોગ્ય છે એવી કળા આપણને મળે છે એમ કહેવું બરાબર નથી, પણ આપણી કળા જેને માટે યોગ્ય છે એવો સમાજ આપણે મેળવીએ છીએ. એવો સમાજ કેળવાય એ માટે કળા પ્રત્યેની સમજદારીપૂર્વકની અભિરુચિ ઘડવામાં આજને તબક્કે વિવેચનની ચરિતાર્થતા રહેલી છે.


  1. ગુજરાતી સાહિત્ય પરિષદના કલ્યાણ (મુંબઈ) ખાતે મળેલા ૨૯મા અધિવેશનના સાહિત્ય-વિવેચન વિભાગના પ્રમુખ તરીકે આપેલું વ્યાખ્યાન, તા. ૩૦-૩૧ ડિસે., ૧૯૭૭ અને ૧ જાન્યુ., ૧૯૭૮

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.