વિશ્વપરિચય/સૌરજગત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સૌરજગત

સૂર્યની સાથે ગ્રહના સંબંધને વિચાર કરીએ તો માલૂમ પડે છે કે ગ્રહોની પ્રદક્ષિણાનો માર્ગ સૂર્યની વિષુવ રેખાને લગભગ સમક્ષેત્ર છે. એ એક વાત થઈ. બીજી વાત એ કે, સૂર્ય તે તરફ પિતાની ધરીની આસપાસ ફરે છે, ગ્રહો પણ તે જ દિશામાં ફરે છે. અને સૂર્યની પ્રદક્ષિણ કરે છે. એ ઉપરથી સમજાય છે કે સૂર્યની સાથે ગ્રહોનો સંબંધ જન્મગત છે. તેમના એ જન્મના વર્ણનની. આલોચના કરીએ. તારાઓ એકબીજાથી અનેક કરોડ માઈલ દૂર દૂર ફરતા હોય છે એટલે તેઓ એકબીજા સાથે અથડાય અને બહુ નજીક આવી જાય એવો સંભવ નથી એમ કહીએ તો ચાલે. કેટલાંક એવું અનુમાન કરે છે કે, લગભગ બે કરોડ વરસ પહેલાં કદાચ આવી જ એક દુઃસંભવ ઘટના બનવા પામી હતી. એક મોટો તારો તે વખતના સૂર્યની પાસે આવી પડેલો હતો. તે તારાના આકર્ષણને લીધે સૂર્ય અને એ આગંતુક તારાની વચ્ચે અગ્નિમય વરાળનાં મોજાં પ્રચંડ વેગથી ઊછળી ઊઠતાં હતાં. આખરે આકર્ષણને જોરે કઈ કોઈ મોજાં મોટાં થતાં થતાં છૂટાં પડીને બહાર ચાલ્યાં ગયાં. પેલો મોટો તારો કદાચ તેમાંના કેટલાંકને હોઈયાં પણ કરી ગયો હશે, બાકીનાં સૂર્યના પ્રબળ આકર્ષણને લીધે ત્યારથી સૂર્યની આસપાસ ફરવા લાગ્યાં. તેજ પસારીને એ બધા નાના નાના ભાગોમાં વહેંચાઈ ગયા. તે નાનામોટા બળબળતી વરાળના ટુકડાઓમાંથી જ ગ્રહોની ઉત્પત્તિ થઈ, પૃથ્વી તેમાંની જ એક છે. એ બધા ધીમે ધીમે પોતાનું તેજ વેરી વેરીને ઠંડા પડી જઈને ગ્રહનો આકાર પામ્યા છે. આકાશના તારાઓનું અંતર, સંખ્યા અને ગતિનો હિસાબ કરતાં એવું જોવામાં આવ્યું છે કે લગભગ પાંચ છ હજાર કરોડ વરસે એકવાર માત્ર આવો અકસ્માત બને પણ ખરો. ગ્રહના જન્મ વિષેનો આ મત માની લઈએ તો એમ કહેવું પડે ગ્રહપરિચરવાળા નક્ષત્રનો જન્મ આ વિશ્વમાં લગભગ અસંભવિત વસ્તુ છે. પરંતુ બ્રહ્માંડની અંડાકાર, સીમા ફુલાતી જાય છે તેમ તેમ તારાઓ રોજ રોજ એકબીજાથી દૂર જતા જાય છે, એ મત જો સ્વીકારીએ તો પહેલાના વખતમાં જ્યારે આકાશ સંકુચિત હતું ત્યારે તારેતારા અથડાવાના બનાવ હંમેશાં બનતા હતા એમ માની લેવું પડે. તે તારાઓના મેળાની ભીડના દિવસોમાં અનેક તારાઓના તૂટી ગયેલા ભાગમાંથી ગ્રહોની ઉત્પત્તિ થવાની સંભાવના હતી એ વાત યુક્તિસંગત લાગે છે. જે અવસ્થામાં આપણા સૂર્યે બીજા સૂર્યનો ધક્કો ખાધો હતો તે અવસ્થા તે સંકુચિત વિશ્વના જમાનામાં આજના હિસાબે બહુ અસંભવિત નહોતી એમ માનવું જોઈએ. જેઓ એ મત માનતા નથી તેઓમાંના ઘણા કહે છે કે, પ્રત્યેક તારાના વિકાસની ચોક્કસ અવસ્થામાં ક્રમશઃ એ એક વખત આવે છે જ્યારે તે પાકા શીમળાના ફૂલની પેઠે ફાટી જઈને પ્રચંડ વેગે ચારે કોર ગોટાના ગોટા અગ્નિમય. વરાળ ઉડાડે છે. કોઈ કોઈ તારામાંથી એકાએક એક જાતનો બળતો ગૅસ બહાર નીકળતો જોવામાં આવ્યા છે. એક તારે થોડાં વરસ પહેલાં સારાં દૂરબીન વગર જોઈ શકાતો નહોતો. એકાએક તે એક વખત તેજમાં આકાશના તેજસ્વી તારાઓની લગભગ સમાન થઈ ગયા. ફરી થોડા મહિના પછી ધીમે ધીમે તેનો પ્રબળ પ્રતાપ એટલે ક્ષીણ થઈ ગયો કે, પહેલાંની પેઠે જ તે દૂરબીન વગર દેખાતો બંધ થઈ ગયો. તેજસ્વી અવસ્થામાં એ તારાએ થોડા વખતમાં જે ગોટાના ગોટા બળતી વરાળ ચારેકોર ઉરાડી છે તે જ આસ્તે આસ્તે ઠંડી થઈને ઘન બનીને ગ્રહઉપગ્રહને જન્મ આપે એવું અનુમાન કરવું અસંગત નથી. આ મત જો સ્વીકારીએ તો એમ કહેવું જોઈએ કે કરોડો તારાઓ આ અવસ્થામાંથી પસાર થયા છે, આથી સૌરજગતની પેઠે જ પોતપોતાના ગ્રહોથી કરોડો નક્ષત્રજગત આ વિશ્વને ભરી રહ્યાં છે. પૃથ્વીની સૌથી નજીક જે તારો આવેલો છે, તેને પણ જો ગ્રહમંડળ હોય તે તેને જોવા માટે જેવડું દૂરબીન જોઈએ તેવડું હજી બન્યું નથી. થોડા દિવસ થયાં કેમ્બ્રિજના એક તરુણ વિદ્વાન લિટલિટને સૌરજગતની ઉત્પત્તિ વિશે એક નવો મત પ્રચલિત કર્યો છે. મેં પહેલાં જ કહ્યું છે કે આકાશમાં અનેક જોડિયા તારાઓ એકબીજાની પ્રદક્ષિણા કરે છે. આ વિદ્વાનના મત પ્રમાણે આપણા આ સૂર્યને પણ એક જોડીદાર હતા. ફરતાં ફરતાં એક બીજો ભવભટકેલ તારો આવીને આ અનુચરની સાથે અથડાઈ તેને ધક્કો મારી ખૂબ દૂર ઉડાડી મૂકી ચાલ્યો ગયો. ચાલ્યા જતાં જતાં પરસ્પર આકર્ષણને જોરે એક ખૂબ મોટું બળતી વરાળનું દોરડું બહાર નીકળી આવ્યું હતું. તેની અંદર એ બંનેની ઉપાદાને સામગ્રી ભળેલી હતી. એ વરાળના દોરડાનો જે ભાગ સૂર્યના પ્રબળ આકર્ષણને લીધે અટકી પડ્યો તે કેદી ગૅસમાંથી જ આપણું ગ્રહમંડળ જન્મ્યું છે. એ બધા કદમાં નાના હતા એટલે ઠંડા પડતાં વાર ન લાગી; તાપઓ છે થતાં થતાં ગૅસના ટુકડાઓ પહેલાં તો પ્રવાહી બની ગયા, ત્યાર પછી વધારે ઠંડા થતાં જ તેઓનો કઠણ થવાનો વખત આવ્યો. આટલી વાત યાદ રાખજો કે આ બધા અનુમાન ઉપર બાંધેલા મતોને ચોક્કસ પ્રમાણ નહિ ગણી શકાય. મારે કહેવું જોઈએ કે સૂર્ય તે આખો જ ગૅસને બનેલો છે. પૃથ્વીનાં જે બધાં ઉપાદાનો માટી, ધાતુ, પથ્થર જેવા કઠણ તે બધાં સૂર્યમાંની પ્રચંડ ગરમીને લીધે ગૅસરૂપમાં રહેલાં છે. વર્ણલિપિ. યંત્રની રેખાઓ ઉપરથી એ વાત સાબીત થઈ ચૂકી છે. કિરીટિકાના અતિ સૂક્ષ્મ ગૅસના આવરણની વાત આ પહેલાં જ કહેવામાં આવી છે. તે થરને વટાવીને જેમ જેમ અંદર જઈએ તેમ, તેમ ઘનતર ગૅસ અને ઉષ્ણતર તાપ આવે છે. સૂર્યના ઉપરના ભાગની ગરમી લગભગ દસ હજાર ફેરનહાઈટ અંશ જેટલી છે, આખરે નીચે ઊતરતાં ઊતરતાં એવા થર આવે છે જ્યાં ઠસોઠસ ગૅસ સ્વચ્છ નથી હોતો. ત્યાં એક કરોડ પચાસ લાખ અંશ કરતાં પણ વધારે ગરમી હોય છે. છેવટે કેન્દ્રમાં જઈએ તો લગભગ સાત કરોડ વીસ લાખ અંશ જેટલી ગરમી હોય છે. ત્યાં સૂર્યની દેહવસ્તુ કઠણ લોખંડ પથ્થર કરતાં પણ અનેક ગણી વધારે ઘન હોય છે છતાં ગૅસ રૂપ હોય છે. સૂર્યના અંતરની વાત આંકડા વડે કહેવાં પ્રયત્ન ન કરતાં એક કાલ્પનિક વર્ણન વડે કહું છું. આપણું દેહમાં જે બધા અનુભવ થાય છે તેની ખબર પહોંચાડવાની વ્યવસ્થા અસંખ્ય સ્પર્શનાડીઓ કરે છે. એ નાડીઓ આપણા આખા શરીરમાં ફેલાયેલી છે અને મગજમાં જઈને મળેલી છે. ટેલિગ્રાફના તારની પેઠે તેની મદદથી મગજમાં ખબર આવે છે. આપણે જાણવા પામીએ છીએ કે જ્યાં કીડી કરડી, જીભે જે ખાવાનું અડ્યું તે મીઠું છે. જે દૂધની વાટકી હાથમાં લીધી તે ગરમ છે. આપણું શરીર હાઉરાથી વર્ધ્ધમાન જેટલું વિશાળ નથી, તેથી ખબર પહોંચતાં વાર લાગતી નથી. તો પણ થોડી વાર તો લાગે જ છે; તે એટલી ઓછી હોય છે કે તેને માપવું મુશ્કેલ છે. પરંતુ વિદ્વાનોએ તેને પણ માપી છે. તેમણે પ્રયોગો કરીને નક્કી કર્યું છે કે માણસના શરીરમાં થઈને શારીરિક ઘટનાને અનુભવમાં સેકંડે લગભગ એકસો ફૂટના વેગે પહોંચે છે. ધારો કે, એનો એક દૈત્ય છે જેનો હાથ પૃથ્વી ઉપરથી લાંબો કરે તો સૂર્યમાં પહોંચે. એ દુઃસાહસી દૈત્યનો હાથ ગમે તેટલો સખત હોય તોયે સૂર્યને અડતાંવેંત બળવાનો. પરંતુ બળવાની જે વેદના થશે તેની નાડીઓ મારફતે ખબર પડતાં તેને લગભગ એકસો ને સાઠ વરસ લાગશે. તે પહેલાં જ જો તે મરી ગયો છે તો તેને એની ખબર નહિ પડે. સૂર્યનો વ્યાસ ૮ લાખ ૬૮ હજાર માઈલનો છે; ૧૧૦ પૃથ્વી પાસે પાસે એક સીધી લીટીમાં ગોઠવીએ તો સૂર્યના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચી શકે. સૂર્યનું વજન પૃથ્વી કરતાં ૩ લાખ ને ૩૦ હજાર ગણા કરતાં પણ વધારે છે, તેથી તે એટલા વજનના જોરથી પોતાના તરફ ખેંચી શકે છે. એ આકર્ષણના જોરે સૂર્ય ‘પૃથ્વીને પોતાના કબજામાં બાંધી રાખે છે, પરંતુ ગતિને જોરે પૃથ્વી પિતાનું સ્વાતંત્ર્ય જાળવી શકી છે. ગોળ બટાટામાં બરાબર વચ્ચોવચ થઈને ઉપરથી નીચે સુધી એકસાથે ભોંકવામાં આવે અને તે સોયાની આસપાસ જો બટાકાને ફેરવવામાં આવે તો તેવો એક ફેરા ફરતાં પૃથ્વીને ૨૪ કલાક લાગે છે. આપણે કહીએ છીએ કે પૃથ્વી પોતાની ધરીની આસપાસ ફરે છે. આપણા સોયો ભોંકેલા બટાકા સાથે પૃથ્વીનો એટલો ફેર છે કે તેને એવો કોઈ સોયો નથી. ધરી જેવી કોઈ વસ્તુ જ નથી. જ્યાં સોયો રહેત ત્યાં એક સીધી લીટી કલ્પી લઈને તેને આપણે ધરી કહીએ છીએ. જેમ કે ભમરડો પોતાની અંદરની એવી એક ઊભી રેખાની આસપાસ તે ફરે છે જે રેખા આપણે માની લીધેલી હોય છે. ધરીની આસપાસ એક ફેરા ફરતાં પૃથ્વીને ચોવીસ કલાક લાગે છે. સૂર્ય પણ પોતાની ધરીની આસપાસ ફરે છે. ફરતાં કેટલો વખત લાગે છે એ કેવી રીતે જાણ્યું તે વાત કહું છું. વહેલા પરોઢિયે જ્યારે પ્રકાશથી આંખ ઝંખવાઈ જતી નથી ત્યારે સૂર્ય તરફ જોઈએ તો કદાચ જણાય કે સૂર્યના બિંબ ઉપર કાળા કાળા ડાઘા છે. એક એક ડાધ કોઈ કોઈ વાર એ મોટો દેખાય છે કે બધા ગ્રહ ઉપગ્રહો ભેગા કરીએ તો પણ તેની બરાબર ન થાય. નાના ડાઘો અદૃશ્ય થઈ જતાં વાર લાગતી નથી, પણ મોટા મોટા ડાઘો બે-ત્રણ અઠવાડિયાં રહે છે. દૂરબીન વડે જોઈએ તે એવું લાગે કે જાણે એ સતત જમણી બાજુ ફરતા જાય છે, પરંતુ ખરી રીતે તો એ બધાની સાથે સૂર્ય જ ફરે છે. એ કાળા ડાઘનું અનુસરણ કરીને એ ફરવાના સમયનો હિસાબ મેળવવામાં આવ્યો છે; એવું સાબિત થયું છે કે પૃથ્વી ચોવીસ કલાકમાં ફરે છે, સૂર્ય છવ્વીસ દિવસમાં ફરે છે. સૂર્યના ડાઘા એ સૂર્યના બહારના આવરણમાં ફરતા પ્રચંડ વમળોના ખાડા છે. એમાંથી તપેલો ગૅસ ચક્રાકારે ફરતો ફરતો ઉપર નીકળી આવે છે. એનો મધ્યભાગ કાળો ઘોર હોય છે, તેને આંબ્રા કહે છે તેની આસપાસ કાળું કુંડાળું હોય છે, તેને પેનાંબ્રા કહે છે. એ કાળા દેખાય છે તે ચારે દિશામાં આવેલા તેજની સરખામણીમાં,–તે તેજને જો બંધ કરી દેવામાં આવે તે એમનું તેજ અતિશય તીવ્ર માલૂમ પડત. સૂર્યના જે ડાધ ખૂબ મોટા છે તેમાંના કોઈ કાઈના આંબ્રાનું એક કાંઠાથી બીજા કાંઠા સુધીનું માપ પચાસ હજાર માઈલ જેટલું થાય છે, અને તેના પેનાંબ્રાનું માપ દોઢ લાખ માઈલ થાય છે. સૂર્યના આ બધા ડાઘના વધવા ઘટવાની અસર પૃથ્વી ઉપર જુદી જુદી જાતની પડે છે. જેમકે આપણી આબોહવા ઉપર. લગભગ અગિયાર–અગિયાર વરસના ગાળા પછી સૂર્યના ડાધ વધે છે અને ઘટે છે. પ્રયોગોમાં એવું માલૂમ પડ્યું છે કે વનસ્પતિના થડમાં આ ડાઉના વર્ષની નિશાની અંકાઈ જાય છે. મોટા ઝાડનું થડ કાપીએ તો તેમાં દરેક વરસનું એક એક કુંડાળું જોવામાં આવે છે. એ. કુંડાળાં કયાંક કયાંક પાસે પાસે હોય છે, ક્યાંક કયાંક દૂર દૂર હોય છે. દરેક કુંડાળા ઉપરથી સમજાય છે કે ઝાડ વરસમાં કેટલું વધ્યું છે. અમેરિકામાં એરિજોનાના રણ જેવા પ્રદેશમાં ડૉક્ટર ડગ્લાસે એવું જોયું છે કે જે વરસે સૂર્યના કાળા ડાધ વધારે દેખાયા હોય છે તે વરસે થડનાં કુંડાળાં પહોળાં વધારે થાય છે. એરિજોનાના પાઈન ઝાડમાં પાંચસો વરસનાં કુંડાળાં ગણતાં ૧૬૫૦ થી ૧૭૨૫ સુધી સૂર્યના ડાધના ચિહ્નમાં એક ખાડો-ખાલ–પડ્યો. આખરે તેમણે ગ્રીનીચની વેધશાળામાં પુછાવીને જાણ્યું કે એ વરસો દરમ્યાન સૂર્યના હાલ લગભગ નહોતા. સૂર્યના શરીરમાંથી જે પુષ્કળ પ્રકાશ બહાર નીકળ્યા કરે છે, તેને ખૂબ ઓછો ભાગ ગ્રહોમાં પહોંચે છે. ઘણોખરો તે શૂન્યમાં ચાલ્યો જાય છે, સેકંડના એક લાખ ને છળ્યાસી હજાર માઈલના વેગે; કોઈ તારામાં ચાર વર્ષ પહોંચે છે, તે કઈ તારામાં ત્રીસ હજાર વર્ષ પહોંચે છે તો કોઈ તારામાં નવ લાખ વરસે. આપણે માનીએ છીએ કે સૂર્ય આપણા જ છે, અને તેના પ્રકાશ ઉપર આપણો જ વિશેષ હક છે. પરંતુ આટલા બધા પ્રકાશનો માત્ર થોડા જ ભાગ આપણને અડી જાય છે. ત્યાર પછી સૂર્યનો એ પ્રકાશદૂત પાછો સૂર્યમાં ફરતો નથી, કયાં જાય છે, વિશ્વમાં શા કામે લાગે છે, કોણ જાણે. તારાઓ સંબંધે એક ચર્ચા બાકી રહી ગઈ. તેમને હંમેશાં ગરમી કયાંથી મળ્યા કરે છે, એની તપાસ પરમાણુઓમાં કરવી જોઈએ. ઇલેક્ટ્રોન પ્રોટોનની મદદથી જો કદી પણ એકાદ હિલિયમનો પરમાણુ બનાવી શકાય તો તેમ કરતાં જે પ્રચંડ ગરમી ઉત્પન્ન થશે તેના આઘાતથી આપણી પૃથ્વીમાં એક સર્વનાશી પ્રલય મચી જશે. આ તો વસ્તુ બનાવવાની વાત થઈ. પણ વસ્તુનો નાશ કરવા માટે એના કરતાં અનેકગણી તીવ્ર શક્તિની જરૂર પડે છે. પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચે જો અથડામણ થાય તો અતિશય આકરો કિરણો ફેલાવીને તેઓ તરત જ અદૃશ્ય થઈ જાય. આમાંથી જે પ્રચંડ તેજ ઉત્પન્ન થાય તે કલ્પનાતીત હોય છે.. તારાઓમાં આવું જ બન્યા કરે છે. ત્યાં વસ્તુનાશનું કામ ચાલી રહ્યું છે એમ જ અનુમાન કરવું એ સંગત છે. એ મત અનુસાર સૂર્ય ત્રણ સાઠ લાખ કરોડ ટન વજનનો વસ્તુપુંજ રોજ ખરચી નાખે છે, પરંતુ સૂર્યનો ભંડાર એવડો મોટો છે કે હજી અનેક કરોડ વરસ આવું ગાંડું ઉડાઉપણું ચાલી શકશે. પરંતુ વર્તમાન વિશ્વના આયુ સંબંધે જે છેવટનો હિસાબ નક્કી થયેલ છે તે માની લઈએ તો વસ્તુના નાશ કરતાં વસ્તુના સર્જનને મત જ વધારે લાગુ પડે છે. જો આપણે એમ માની લઈએ કે એક વખતે સૂર્ય હાઇડ્રોજનનો પુંજ હતો, તો તે હાઈડ્રોજનમાંથી હિલિયમ બનતાં જે તેજ ઉત્પન્ન થવું જોઈએ તેનો અત્યારના હિસાબ સાથે મેળ ખાઈ રહે છે. આથી આ વિશ્વજગત ધ્વંસ તરફ કે સર્જન તરફ જઈ રહ્યું છે કે બંને ભેગાં ચાલી રહ્યાં છે એ વિષે વિજ્ઞાનીઓમાં એકમત નથી. થોડાં વરસ થયાં જે વિકિરણશક્તિ શોધાઈ છે, જેને કોસ્મિક રશ્મિ એવું નામ આપવામાં આવ્યું છે તેનો ઉદ્ભવ નથી સૂર્યમાં કે નથી પૃથ્વીમાં, એટલું જ નહિ, નથી નક્ષત્રલોકમાં. નક્ષત્રોની પેલે પારના કોઈ આકાશમાંથી વિશ્વસૃષ્ટિના ધ્વંસ અથવા સર્જનમાંથી તે નીકળેલી છે એટલું અનુમાન કરવામાં આર્યું છે. ગમે તેમ હો, વિશ્વસૃષ્ટિના વ્યાપારના આ બધા ઊલટાસૂલટી ખબર આપનારા ઈશારા મળી રહ્યા છે તે વિજ્ઞાનીઓની પ્રયોગશાળામાં કદાચ કોઈ એક જટિલ ગણતરીમાં આવીને અટકશે. પણ આપણે કંઈ વિજ્ઞાની નથી, આપણે સમજી શક્તા નથી કે એકાએક આંકડાની શરૂઆત ક્યાંથી થાય છે, અને તેનો છેક અંત પણ કયાં આવે છે. સંપૂર્ણ સંઘટિત વિશ્વની સાથે એકાએક કાળની શરૂઆત થઈ અને વિશ્વ લુપ્ત થતાં જ કાળનો છેક અંત આવી જશે એ આપણી બુદ્ધિમાં તો કંઈ ઊતરતું નથી. વિજ્ઞાની કહેશે, અહીં બુદ્ધિની વાત નથી, આ તે ગણતરીની વાત છે; તે ગણતરી વર્તમાન બનાવો ઉપર ઊભેલી છે–એના આદિમાં અને અંતમાં જો અંધકાર દેખાતો હોય તો તેનો ઉપાય નથી.