વીક્ષા અને નિરીક્ષા/કૃતિ-પરિચય

કૃતિ-પરિચય

વીક્ષા અને નિરીક્ષા

વીક્ષા અને નિરીક્ષા (૧૯૮૧) : નગીનદાસ પારેખના આ વિવેચનસંગ્રહમાં નાનામોટા તેવીસ લેખો છે. ‘ક્રોચેનો કલાવિચાર’ અને ‘ઑબ્જેક્ટિવ કોરિલેટિવ અને વિભાવાદિ’ એ લેખોમાં પાશ્ચાત્ય કાવ્યવિચારની તથા અન્ય બે લેખોમાં ભારતીય કાવ્યવિચારની વિશદ મીમાંસા લેખકે કરી છે. કાવ્યમાં આકાર અને અંતસ્તત્ત્વ, તથ્ય અને સત્ય, સર્જનપ્રક્રિયા જેવા મુદ્દાઓ પરની વિચારનોંધોમાં એમની સાહિત્યપદાર્થના બાહ્યાભ્યંતર સ્વરૂપ વિશેની દૃષ્ટિ જોવા મળે છે. વિખ્યાત બંગાળી કથાસ્વામી શરદબાબુના જીવનની રસાત્મક ઝાંખી સંક્ષિપ્તતાથી કરાવાઈ છે. ‘રાષ્ટ્રીય એકતા અને બંગાળી સાહિત્ય’ નામના લેખમાં એમણે બંગાળી ભાષા અને સાહિત્ય વિશેના પોતાના અભ્યાસનો આછો ખ્યાલ આપ્યો છે. રવીન્દ્રનાથકૃત ‘કથા ઓ કાહિની’ અને ભર્તૃ હરિકૃત ‘નીતિશતક’ના આસ્વાદો; ઉમાશંકરકૃત ‘નિરીક્ષા’, અને રઘુવીર ચૌધરીકૃત ‘અમૃતા’ વિશેના અભ્યાસલેખો, ‘મોખરે’ અને ‘જૂનું ઘર ખાલી કરતાં’ વિશેના પરિશીલનલેખો તથા ‘આરોહણ’, ‘વધામણી’ વગેરે વિશેની ચર્ચાઓ લેખકની સજાગ વિવેચક તથા વિનમ્ર વિશોધક તરીકેની શક્તિ દર્શાવે છે. સંગ્રહ લેખકની વિદ્વત્તા, રસદૃષ્ટિ, ચોકસાઈ, નિખાલસતા વગેરે ગુણોને સુપેરે પ્રગટ કરે છે. – પ્રસાદ બ્રહ્મભટ્ટ
(‘ગુજરાતી સાહિત્યકોશ : ખંડ ૨’માંથી સાભાર)